Sunday, October 06, 2013

ખુદા અને બંદા વચ્ચેનું અંતર મિટાવી દેતો અવાજ : નુસરત ફતેહઅલીખાન

રાજ કપુરની સંગીતસૂઝ દંતકથાનો વિષય ગણાય છે. તેમના કાયમી સંગીતયુગ્મ શંકર-જયકિશનની પ્રતિભા જરાય ઓછી આંક્યા વિના, આર.કે.ની દરેક ફિલ્મોમાં રાજ કપુરનો વિશિષ્ટ ‘ટચ’ સાંભળી શકાય છે. પરંતુ રાજ કપુરના ‘કાન’ની એટલી જાણીતી નહીં બનેલી વાત છે : નુસરત ફતેહઅલીખાનની કળાની તેમણે કરેલી પરખ.

બ્રિટન- અમેરિકા સહિતના દેશોમાં નુસરતના વાવટા ખોડાઇ ગયા અને તેમના કંઠને ‘દૈવી’ ગણાવાયો, તેનાં વર્ષો પહેલાં ક્યાંકથી રાજ કપુરના કાને નુસરતનો અવાજ પડ્યો હશે. એ તેમના મનમાં વસી ગયો હતો. એટલે ૧૯૭૯માં તેમના પુત્ર રિશી (કે ૠષિ) કપુરના ભવ્ય લગ્ન સમારંભમાં ગીતસંગીતની મહેફિલ માટે તેમણે નુસરત ફતેહઅલીખાનની સંગીતમંડળીને આમંત્રણ આપ્યું. નુસરતની ઉંમર એ વખતે ૩૧ વર્ષની હતી. પરંતુ સંગીતકારોના ખાનદાનમાં જન્મેલા નુસરત માટે ૩૧ વર્ષની ઉંમર ‘ફક્ત’ કહેવાય એવી ન હતી. પાકિસ્તાનના જાણીતા કવ્વાલ- સંગીતકાર પિતા ફતેહઅલીખાન પાસે નુસરતની તાલીમ ૧૦ વર્ષની ઉંમરે શરૂ થઇ ચૂકી હતી. એ પિતા પાસે તબલાં શીખતા હતા, જે કવ્વાલીની ગાયકીમાં તાલની સમજણ માટે જરૂરી હતું.
રિશી કપુરના લગ્નપ્રસંગે યુવાન નુસરત ફતેહઅલીખાનની મહેફિલ
 માણતા રાજ કપુર, દેવ આનંદ, આર.ડી.બર્મન.
(નીચેની તસવીરમાં) ઝૂમતા રિશી કપુર (courtesy : internte)

રિશી કપુરના લગ્નજલસા માટે ભારત આવતાં પહેલાં પાકિસ્તાનમાં નુસરતનું ઠીક ઠીક નામ થઇ ચૂક્યું હતું. અલબત્ત, સંઘર્ષ પણ ઓછો ન હતો. પિતા ફતેહઅલીખાનનું ૧૯૬૪માં અવસાન થતાં, નુસરતે કાકા મુબારકઅલીખાન પાસે ગાયકીની તાલીમ આગળ વધારી.  આ સિલસિલો ભવિષ્યમાં આગળ એ રીતે ચાલુ રહ્યો કે નુસરતને એકમાત્ર સંતાન દીકરી હોવાથી, તેમણે પોતાના ભત્રીજા રાહતને નાનપણથી શાગીર્દ બનાવીને, તાલીમ આપીને ગાયક તરીકે તૈયાર કર્યો. નુસરતની કિશોરાવસ્થા વખતે પાકિસ્તાનમાં કવ્વાલીની લોકપ્રિયતા ખરી, પણ બહુ પ્રતિષ્ઠા નહીં. લોકસંગીતકારોની જેમ કવ્વાલોએ પણ ગામેગામ ફરવું પડે, મેળા, સ્થાનિક કાર્યક્રમો કે ખાનગી મહેફિલોમાં ગાવું પડે, ત્યારે ઘરપરિવારનો અને સાથીદારોનો નિભાવ થઇ રહે.
શિષ્ય-ભત્રીજા રાહત સાથે ગુરૂ-કાકા નુસરત / Rahat ali Khan with
Uncle & Guru Nusarat Fateh ali khan (courtesy : )
નાનપણમાં પિતા ગુમાવનાર નુસરતના કાકા મુબારકઅલીખાન પણ ૧૯૭૧માં અવસાન પામ્યા. એટલે ૨૩ વર્ષની ઉંમરે નુસરત ફતેહઅલીખાન પોતાની ખાનદાની સંગીતમંડળીના મુખ્ય ગાયક થઇ ગયા. તેમની કેટલીક ઓડિયો કેસેટમાં નુસરતની સાથોસાથ મુજાહિદ મુબારકઅલીખાનનું નામ વાંચવા મળે છે. એ તેમના પિતરાઇ અને મુબારકઅલીખાનના પુત્ર હતા. પરંતુ એક વાત ત્યારથી નક્કી હતી : કૌટુંબિક વારસો નુસરત જ આગળ ધપાવવાના હતા. આ કામ તે આટલી સારી રીતે કરશે એનો ભાગ્યે જ કોઇને અંદાજ હતો.

રાજ કપુરના આમંત્રણથી ભારત આવેલા નુસરતની મુલાકાત ફળી. રાજ કપુરની મહેફિલમાં ગાયા પછી યશ ચોપરાએ નુસરતની અલગ બેઠક યોજી અને તેના પછી પોતાની ફિલ્મ ‘નાખુદા’ (૧૯૮૧)માં નુસરતની કવ્વાલી ‘અલી મૌલા’ લીધી.

નુસરતના અવાજ પર ફીદા રાજ કપુર પોતાની ફિલ્મ ‘હીના’માં તેમની પાસે ગવડાવવા ઇચ્છતા હતા. ‘હીના’માં હીરોઇન પાકિસ્તાની હતી અને ફિલ્મનું થોડું શૂટિંગ પણ પાકિસ્તાનમાં થવાનું હતું. એક અખબારી મુલાકાતમાં નુસરતે જણાવ્યા પ્રમાણે, રાજ કપુર સાથે તેમની વિગતે વાત થઇ હતી. તે ‘હીના’માં નુસરતનું એક પંજાબી ગીત અને એક કવ્વાલી લેવાના હતા. પરંતુ ‘હીના’નું સ્વપ્ન પૂરું થાય એ પહેલાં જ રાજ કપુરનું અવસાન થયું. ત્યાર પછી રણધીર કપુરે ‘હીના’નું કામ પૂરું કર્યું. તેમાં નુસરતનું એક  પંજાબી ગીત ‘આજા રે માહી’ લતા મંગેશકર પાસે ગવડાવ્યું, પણ નુસરતને તેની ક્રેડિટ ન આપી.

આ સિલસિલો આવનારાં વર્ષોમાં પણ ચાલુ રહેવાનો હતો. ‘તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ (મૂળ શબ્દો : દમ મસ્ત કલંદર મસ્ત મસ્ત) અને ‘મેરા પિયા ઘર આયા’ એવાં કેટલાંક બેશરમ ઉદાહરણ છે, જેની તરજો હિંદી સંગીતકારોએ બેધડક નુસરતની કવ્વાલી પરથી તફડાવી લીધી હતી. ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવેલા નુસરતે આ બાબતે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહીને તેમનાથી કશું થઇ શકે એમ નથી, પણ તેમની બ્રિટનની મ્યુઝિક કંપની આ બાબતે પગલાં લેવાનું વિચારશે.

પાશ્ચાત્ય દેશોમાં નુસરત ફતેહઅલીખાનનું નામ ઉપડ્યું ઉપડતું ન હતું. નવાઇની વાત એ હતી કે નુસરત અંગ્રેજી જાણતા ન હતા અને મોટા ભાગની ધોળી પ્રજા કે ધોળા સંગીતકારો ઉર્દુ જાણતા ન હતા. પરંતુ નુસરતની ગાયકીમાં તેમને દિવ્યતાની અનુભૂતિ થતી હતી. નુસરત ગાવાનું શરૂ કરે એટલે એ શરીર મટીને અવાજસ્વરૂપ બની જાય છે, એવું ઘણાને લાગતું હતું - અને બીજાં કામ પડતાં મૂકીને ઘ્યાનથી નુસરતને સાંભળતાં આજે પણ એવું લાગી શકે છે. તેમની કવ્વાલીમાં ‘તુમ એક ગોરખધંધા હો’ જેવી અર્થસભર રચના હોય, ‘યે જો હલ્કા હલ્કા સુરૂર હૈ’ જેવી ઇશ્કેમિજાજી ધરાવતી કૃતિ હોય કે ‘સાંસોકી માલાપે સીમરું મૈં પી કા નામ’ - દરેકને તે પોતાના આગવા અંદાજથી એવી રીતે રજૂ કરતા કે સાંભળનારને ડોલ્યા વિના આરો ન રહે.

તેમનો અવાજ પરંપરાગત અર્થમાં મઘુર કહેવાય એવો નહીં,  જરા નમકીન હતો. પરંતુ કવ્વાલીની શરૂઆતમાં હાર્મોનિયમના સૂર રેલાય, તાળીઓ અને તબલાંના તાલ આરંભાય અને સૂરમંડપ બંધાતો હોય, તેમાં નુસરત આલાપ છેડે એટલે જાણે બઘું થંભી ગયું હોય એવું લાગે. શાસ્ત્રીય સંગીતની તાલીમ અને રીયાઝને લીધે તેમનો અવાજ ‘તાલીમી’ તો ખરો જ, પણ કેવળ ‘શાસ્ત્રીય તાલીમી’ નહીં. કોઇ પણ સારા ગાયકના અવાજમાં હોય એવું દૈવી તત્ત્વ તેમના અવાજમાં હતું, જે સાંભળનાર નાસ્તિક હોય તો પણ તેને દિવ્ય શાંતિનો અનુભવ કરાવે.   કવ્વાલી જેમ આગળ વધતી જાય તેમ સાંભળનારનું નુસરતના અવાજ અને સંગીત સાથેનું સંધાન વઘુ ને વઘુ ગાઢ બનતું જાય, તાલની ગતિ ઝડપી બનતી જાય, નુસરતનો અવાજ ઊંચી, વઘુ ઊંચી બુલંદીની સફર કરાવતો જાય, એમ કરતાં તાલ-લય-ગતિ-ગાયકીની ચરમસીમાએ પહોંચ્યા પછી કવ્વાલી પૂરી થાય  એ સાથે જ ભાવસમાધિ કે મઘુર સ્વપ્ન પૂરું થયું હોય એવું લાગે. આ અનુભૂતિની ખૂબી એ હતી કે તેમાં ભાષાનાં બંધન નડતાં ન હતાં. એટલે જ ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઑફ ક્રાઇસ્ટ’, ‘નેચરલ બોર્ન કિલર્સ’, ‘ડેડ મેન વૉકિંગ’ જેવી અંગ્રેજી ફિલ્મોનાં ભાવવાહી દૃશ્યોમાં નુસરતના આલાપનો અને તેમના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આનંદની કે દુઃખની પરાકાષ્ઠા દર્શાવવામાં નુસરતનો અવાજ કેટલો અકસીર નીવડે છે, તેનો અનુભવ હિંદી ફિલ્મરસિયાઓને ‘બેન્ડિટ ક્વિન’ ફિલ્મમાં થયો હશે. શેખર કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં આખું સંગીત નુસરત ફતેહઅલીખાનનું જ હતું. ખુદ નુસરતે એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, બી.બી.સી. સાથે સંકળાયેલા ફારુખ ધોન્ડીએ એક રાતે નુસરતનો કાર્યક્રમ સાંભળ્યા પછી બીજા દિવસે તેમને ‘બેન્ડિટ ક્વિન’માં સંગીત આપવાની દરખાસ્ત મૂકી હતી. શૂટ થયેલી ફિલ્મ જોયા પછી નુસરતે આ પ્રસ્તાવ મંજૂર રાખ્યો. પરંતુ સંગીત તૈયાર ક્યાં કરવું? ભારત-પાકિસ્તાન વચ્ચેના તંગ રાજદ્વારી સંબંધોને કારણે તેમને ભારત આવવા મળે એમ ન હતું. છેવટે એમણે લાહોરમાં રહીને ત્રણ અઠવાડિયામાં આખી ફિલ્મનું સંગીત તૈયાર કરી આપ્યું.

થોડી મુંબઇની અને થોડી પાકિસ્તાની ફિલ્મોમાં નુસરતે સંગીત આપ્યું, પણ તેમનું સૌથી મોટું પ્રદાન કવ્વાલીના પરંપરાગત સ્વરૂપને જાળવીને, લોકપ્રિય બનાવીને, તેની સાથે પાશ્ચાત્ય સંગીતનું સફળતાપૂર્વક ફ્‌યુઝન કરવામાં હતું. તેમના આ પગલાની ટીકા થઇ. તેમની પર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે શોર્ટ કટ અપનાવવાના આક્ષેપ થયા. પરંતુ તેમના પરિચયમાં આવનારા લોકોએ નુસરતના જે વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે, તેમાં આ આરોપો બંધ બેસે એવા નથી. ‘બેન્ડિટ ક્વિન’ ફિલ્મના દિગ્દર્શક શેખર કપુરે કહ્યું હતું કે ‘નુસરત સાથે કામ કરતી વખતે હું ભગવાનની સૌથી નજીક પહોંચ્યો હોઉં એવું મને લાગ્યું હતું.’ તેમની સાથે એક મ્યુઝિક આલ્બમ (‘સંગમ’) કરનાર શાયર જાવેદ અખ્તરે તેમને પરમ અવસ્થાએ પહોંચેલા યોગી તરીકે ઓળખાવ્યા હતા.

ભારે શરીર અને સંખ્યાબંધ રોગ ધરાવતા નુસરતનું માત્ર ૪૮ વર્ષની વયે ૧૬ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ લંડનમાં અવસાન થયું. (ગયા મહિને તેમનાં કેન્સરગ્રસ્ત પત્ની કેનેડામાં મૃત્યુ પામ્યાં), પણ અલૌકિક અનુભૂતિ કરાવતા નુસરતના અવાજનો જાદુ નજીકના ભવિષ્યમાં ઓસરે એમ નથી. ઇન્ટરનેટયુગમાં તેમની સ્મૃતિ ફેસબુકના ફેન પેજ અને ફેન વેબસાઇટો પર તથા તેમનો અવાજ યુટ્યુબ જેવી સાઇટો પર મુકાયેલી સંખ્યાબંધ કવ્વાલીઓના સ્વરૂપે જીવંત છે.
---

નુસરતની સૌથી પ્રિય કવ્વાલીમાંની એક-
તુમ એક ગોરખધંધા હો

4 comments:

  1. Anonymous7:46:00 PM

    વાહ,મારૂ પ્રિય ગીત છે-તુમ્હે દિલ્લગી ભૂલ જાની પડેગી......

    ReplyDelete
  2. Anonymous9:57:00 PM

    કોઇ પણ સારા ગાયકના અવાજમાં હોય એવું દૈવી તત્ત્વ તેમના અવાજમાં હતું, જે સાંભળનાર નાસ્તિક હોય તો પણ તેને દિવ્ય શાંતિનો અનુભવ કરાવે. Quote unquote for a ponder.

    ReplyDelete
  3. A detailed write-up! I would like to point out : all great Indian personalities were and are much more than what is written about them. Report cover their professional publicity. There must be good scope for a full biographical research.

    ReplyDelete
  4. Wow Urvish, I come here very late but this has been a fascinating piece on a genius who was touched by God almighty himself and very importantly, wore his genius so very lightly. It's the kind of rare talent that makes one want to believe in angels. The exchange here on this thread has been no less entertaining. And Salil, that wonderful gem you uploaded is one of my all-time favourites too. Also, who can forget that wonderfully evocative background score from Dead Man Walking? One of my eternal regrets would always be to have never experienced this man singing Live. They say, those whom the Gods love, are snatched away too soon.

    ReplyDelete