Thursday, October 17, 2013

વાર્તાના પાત્ર લાઝરસનાં અસલી ‘વંશજ’ : સદીઓ સુધી અદૃશ્ય રહ્યા પછી અચાનક જડી આવતાં પશુપંખી

‘પત્તો આપનારને રૂ. એક લાખનું ઇનામ’ - આ મતલબની જાહેરાત દેશનાં ગયા અઠવાડિયે દેશનાં કેટલાંક હિંદી અને અંગ્રેજી દૈનિકોમાં પ્રસિદ્ધ થઇ. એ કોઇ ચોર-ડાકુ કે ત્રાસવાદી માટેની નહીં, પણ એક પક્ષી માટેની ‘વૉન્ટેડ’ હતી. એટલે તેમાં ‘જીવીત કે મૃત’નો સવાલ ન હતો. આ તલાશ અભિયાન હતું અંગ્રેજીમાં ‘હિમાલયન ક્વેલ’ અથવા ‘માઉન્ટેન ક્વેલ’ / Mountain Quail તરીકે ઓળખાતા હિમાલયવાસી બટેરનું.
Himalayan Quail / હિમાલયવાસી બટેર
આખી દુનિયામાં ફક્ત કુમાઉંનાં જંગલોમાં- નૈનિતાલ અને મસુરીના પહાડી ઇલાકામાં નિવાસ ધરાવતું આ બટેર છેલ્લે ૧૮૭૬માં જોવા મળ્યું હતું. ત્યાર પછી તેનાં દર્શન સાવ બંધ થઇ ગયાં- અથવા કેટલાક કહે છે તેમ, દુર્લભ થઇ ગયાં. વચ્ચે વચ્ચે હિમાલયવાસી બટેર જોવા મળ્યું હોવાના બિનઆધારભૂત સમાચાર આવતા રહ્યા છે. કદાચ એટલે જ ‘ઇન્ટરનેશનલ યુનિઅન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર’ દ્વારા સત્તાવાર રીતે એને ‘લુપ્ત’ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં તેનું અસ્તિત્ત્વ ભારે જોખમમાં આવી પડેલું - ક્રિટિકલી એન્ડેન્જર્ડ- ગણાય છે. હિમાલયવાસી બટેર અત્યારે જોવું હોય તો ભારતનાં કે લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાં જવું પડે, જ્યાં આ દુર્લભ પંખીના થોડા નમૂના મસાલાભરેલી અવસ્થામાં સચવાયેલા છે. પરંતુ ઉત્તરાખંડના કુમાઉં  પ્રદેશના વનસંરક્ષક વિભાગને એવું લાગે છે કે નવેસરથી પ્રયાસ કરવામાં આવે તો કુમાઉંમાં ક્યાંકથી આ દુર્લભ બટેરનો પત્તો મળવાની પૂરી સંભાવના છે. તેની ભાળ મેળવી આપનાર માટે રૂ.૧ લાખ જેવી મોટી રકમનું ઇનામ એટલે જ જાહેર કરવામાં આવ્યું છે.

કુદરતના ખોળે ખેલતાં અને વંશવેલો આગળ વધારતાં સેંકડો જીવોને લુપ્ત બનાવવામાં ઉત્ક્રાંતિએ સર્જેલું મનુષ્ય નામનું બેપગું પ્રાણી માહેર છે. તેના પાપે કઇ જાતિ ટકશે ને કઇ લુપ્ત થશે તે હવે ‘નેચરલ સીલેક્શન’ને આધીન રહ્યું નથી. હિમાલયવાસી બટેરના કિસ્સામાં પણ એવું જ બન્યું. અંગ્રેજીમાં ‘ગેમિંગ બર્ડ’ તરીકે ઓળખાતાં પક્ષીઓમાં કમનસીબે આ બટેરનો પણ સમાવેશ થતો હતો. એટલે ભારત પર રાજ કરનારા ગોરા સાહેબો જંગલમાં શિકાર ખેલવા જાય ત્યારે તેમની નિશાનબાજીની કળાનો ભોગ બીજાં અનેક પશુપંખીઓની સાથે આ બટેર પણ બન્યાં. પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટે નહીં, પણ વટ પાડવા માટે અને અહમ્‌ સંતોષવા માટે બીજી જાતિઓનું નિકંદન કાઢતી એકમાત્ર જાતિ કદાચ મનુષ્યની હશે. તેનો પરચો વઘુ એક વાર હિમાલયવાસી બટેેરને ખરાબ રીતે મળ્યો.

સદીઓથી કુમાઉંનાં જંગલોમાં મુક્તપણે વિહરતાં, મઘ્યમ કદનાં પક્ષીઓ તેમની લાલ ચાંચ અને લાંબા પગને કારણે બીજાં બટેરથી જુદાં તરી આવતાં હતાં. લાંબા ઘાસથી આચ્છાદિત હિમાલયના ઢોળાવ તેમનું પ્રિય નિવાસસ્થાન હતું. ત્યાં એ પાંચ-છનાં જૂૂથમાં વસતાં હતાં અને વહેલી પરોઢ કે સંઘ્યાકાળ સિવાય ભાગ્યે જ ખુલ્લાં દેખાતાં. તેમને પાંખો તો હતી, પણ ઉડવામાં એ બહુ ચપળ ન હતાં. પક્ષીશાસ્ત્રીઓના મતે, ખતરો જણાય ત્યારે આ જાતનાં બટેર પાંખથી ઉડવાને બદલે પગથી દોડવાની વૃત્તિ ધરાવતાં હતાં અને સાવ ઓછું અંતર હોય ત્યારે જ પાંખ ફફડાવતાં. આ લાક્ષણિકતા છતાં જંગલનાં માહોલમાં જંગલી પ્રાણીઓ વચ્ચે તે ટકી ગયાં, પણ મનુષ્યની નજરે ચડ્યાં પછી તેમનું નિકંદન શરૂ થયું અને ૧૮૭૦ના દાયકામાં તેમનો સદંતર ખાતમો બોલી ગયો.

હવે કુમાઉં વનવિભાગની ઝુંબેશ થકી હિમાલયવાસી બટેરનો અતોપતો મળી આવે, તો તેમને પશુપંખીઓના વિશિષ્ટ ગણાતા ‘લાઝરસ’ સમુહમાં સ્થાન મળી શકે. બાઇબલના નવા કરારની વાર્તા પ્રમાણે ઇસુ ખ્રિસ્તે લાઝરસને મૃતમાંથી સજીવન કર્યો હતો. તેની પરથી લુપ્ત થઇ ગયેલાં મનાતાં પશુપંખીઓ સદીઓ પછી નવેસરથી મળી આવે ત્યારે તેમને ‘લાઝરસ સમુહ’નાં ગણવામાં આવે છે.

‘લાઝરસ સમુહ’નો સૌથી જાણીતો નમૂનો છે સિલેકન્થ /.Coelacanth   માછલી. આ માછલી આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતી હતી, જ્યારે માણસનું તો ઠીક, બીજા મોટા ભાગના સજીવોનું નામોનિશાન ન હતું અને પૃથ્વી પર મોટા વિસ્તારોમાં પથરાયેલા સમુદ્રોમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા પહેલા-બીજા ગીઅરમાં ચાલી રહી હતી. જળચરમાંથી જળ-જમીન બન્ને પર વસી શકે એવાં ઉભય-ચર અસ્તિત્ત્વમાં આવ્યાં, તેમની વચ્ચેનું પગથિયું હતી આ કદાવર સિલેકન્થ માછલી. ઘેરો ભૂરો અને રાખોડી રંગ, ચાર ઝાલર અને વિચિત્ર પૂંછડી ધરાવતી આ માછલી પાંચ ફૂટ લાંબી અને દેખાવે કદરૂપી હતી. ડિસેમ્બર ૨૩, ૧૯૩૮ના રોજ પહેલી વાર તે દક્ષિણ આફ્રિકાના દરિયામાંથી મળી આવી, ત્યારે માછીમારને તો ઠીક,  ત્યાંના મ્યુઝીયમમાં કામ કરતાં માર્જોરી કર્ટનીને પણ નવાઇ લાગી. આવી માછલી તેમણે અગાઉ કદી જોઇ ન હતી. તે સંદર્ભ પુસ્તકો ફેંદી વળ્યાં, પણ આ વિચિત્ર માછલીની કશી વિગત મળતી ન હતી.
CoelaCanth / સિલેકન્થ માછલી
અંતે ર્‌હોડ્‌સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર ભણાવતા અભ્યાસી જેમ્સ સ્મિથે  આ નમૂનો જોયો ત્યારે બે ઘડી તે આંખો ચોળતા રહી ગયા. કેમ કે, તે આ માછલીને બરાબર ઓળખતા હતા. એટલું જ નહીં, તેમનો - અને એ સમય સુધીના બધા અભ્યાસીઓનો- એવો મત હતો કે આ માછલી હજારો કે લાખો નહીં, કરોડો વર્ષ પહેલાં અસ્તિત્ત્વ ધરાવતી હતી. ૧૮૩૮માં મળી આવેલું તેનું અશ્મિ સાડા છ કરોડ વર્ષ જૂનું હોવાનું પુરવાર થયું હતું. આટલો જૂનો કોઇ સજીવ એ જ સ્વરૂપે અત્યારે જીવીત હોઇ શકે નહીં, એવું અભ્યાસીઓ માનતા હતા. પણ તેમની એ માન્યતા ખોટી પડી. માનવ ઇતિહાસમાં પહેલી વાર સિલેકન્થનાં દર્શન થયા પછી, વઘુ તપાસ કરતાં ૧૪ વર્ષ પછી બીજી એક સિલેકન્થ મળી આવી અને ત્યાર પછી તો હિંદ મહાસાગર સહિત ઘણા જળવિસ્તારોમાં સિલેકન્થનું અસ્તિત્ત્વ જોવા મળ્યું. માટે, તેમને પશુપંખીઓના ‘લાઝરસ સમુહ’માં સ્થાન આપવામાં આવ્યું.

સિલેકન્થ જેવો જ કિસ્સો જાર્થીઆ / Djarthia નામના પ્રાગૈતિહાસિક સસ્તન પ્રાણીનો છે. તે કદમાં સાવ ટચૂકડું, ઉંદર કરતાં પણ નાનું હતું.  ઓસ્ટ્રેલિયામાં મળી આવેલાં તેનાં અશ્મિના આધારે તે ૫.૫ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઇ ગયું હોવાનો અંદાજ હતો. પરંતુ બ્રિટિશ  અભ્યાસી ઓલ્ડફિલ્ડ થોમસ અને તેમની ટુકડીએ ૧૮૯૪માં દક્ષિણ અમેરિકાના દેશ ચીલીની પહાડીઓમાં  ઝાડ પર ચડઉતર કરતું વિચિત્ર પ્રાણી જોયું. સ્થાનિક લોકો તેને ‘મોનિતો ડેલ મોન્તે’ (ટચૂકડું પહાડી બંદર) કહેતા હતા. માંડ ૧૧ સે.મી. જેટલી લંબાઇ ધરાવતું આ ‘બંદર’ એન્ડીઝ પર્વતના વિસ્તારમાં આવેલાં વાંસનાં ઝાડ પર માળો બનાવતું હતું.
Djarthia / જાર્થિઆ 
નજદીકી નિરીક્ષણ કરતાં થોમસને જણાયું કે આ પ્રાણીને કોઇ રીતે બંદર કહી શકાય એમ નથી. એના સાવ નાના શરીરના આગળના ભાગમાં કાંગારુને પેટ પર હોય છે એવી, બચ્ચાં માટેની કોથળી જોવા મળી. આ એ જ પ્રાણી હતું, જે પૃથ્વીના બધા જ ખંડ એકબીજા સાથે જોડાયેલા હતા ત્યારે અસ્તિત્ત્વ ધરાવતું હતું અને ઓસ્ટ્રેલિયા- દક્ષિણ અમેરિકા અલગ પડ્યાં ત્યારે આ પ્રાણી તેનાં કાંગારું જેવાં પેટે કોથળી ધરાવતાં ઓસ્ટ્રેલિયન સગાંવહાલાંથી અલગ થઇને દક્ષિણ અમેરિકા પહોંચ્યું. ઓસ્ટ્રેલિયામાં ૫.૫ કરોડ વર્ષ જૂનાં અશ્મિના આધારે તેને લુપ્ત થયેલું માની લેવાયું હતું, પણ ચીલીના જંગલોમાં હાજરી પુરાવીને જાર્થીઆએ ‘લાઝરસ સમુદાય’માં સ્થાન મેળવ્યું.

કરોડો વર્ષને બદલે થોડી સદી પહેલાં લુપ્ત થયેલાં મનાતાં બર્મ્યુડા પેટ્રેલ કે કાસ્પિયન ઘોડા જેવાં કેટલાંક પશુપંખીઓ પણ લાઝરસ સમુહનાં ગૌરવવંતાં સભ્યો છે, જે હવે લુપ્ત ન થાય એની પૂરી કાળજી રાખવામાં આવે છે. આ યાદીમાં હિમાલયવાસી બટેરનું નામ ઉમેરાય તો અભ્યાસીઓ અને પક્ષીપ્રેમીઓ માટે તે નોંધપાત્ર ઉપલબ્ધિ બની રહેશે. 

5 comments:

  1. Interesting! Urvishbhai, on how many different subjects can you write...and even so beautifully? Keep it up, the one and only all-rounder author of Gujarat!

    ReplyDelete
    Replies
    1. તમારા સદભાવ બદલ આભાર. પરંતુ નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણા કોઇ પણ વિષય પર સરસ રીતે લખવાની બાબતમાં મારાથી ઘણા આગળ છે. નગેન્દ્રભાઇ તો એક આદર્શ છે- જ્યાં સુધી કદી પહોંચી ન શકાય એવો આદર્શ.

      Delete
  2. ઉર્વીશ સર, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની થીયરી પ્રમાણે કાળક્રમે વાનરમાંથી માનવ થયો. વધુ જાણકારી મેળવવી હોય તો ક્યાંથી મળી શકે? જેમ કે, વાનરમાંથી માનવ થયો પણ બાકી વધ્યા તે વાંદરા કેમ માણસ ના થઈ શક્યા? કયા પ્રકારની વાનરજાતિમાંથી માનવજાતિ અસ્તિત્વમાં આવી? એ જ રીતે મગર જાતિને ડાયનોસોરને મળતી આવતી જાતિ માનવામાં આવે છે તો ડાયનોસોર હયાત હતા ત્યારે મગરનું અસ્તિત્વ હતું કે કેમ? savji.chaudhary@yahoo.com

    ReplyDelete
  3. માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

    ReplyDelete
  4. ઉર્વીશભાઈ,

    તમારી વૈવિધ્યસભર સામગ્રી છલોછલ અનુસંધાનથી ભરેલી હોય છે. પ્રકૃતિ અને પક્ષીઓ એ મારા પ્રિય વિષયો છે એટલે મને વિશેષ આનંદ થયો. અંગ્રેજી વાંચવાનો મને ખુબ કંટાળો આવે છે. આથી ગુજરાતીમાં માહિતી પૂરી પાડવા બદલ ખુબ ખુબ આભાર.

    ReplyDelete