Tuesday, September 03, 2013

આસારામ, હિંદુત્વ અને હિંદુઓ

‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’- એવું કવિસહજ આશ્ચર્ય આઠમા ધોરણમાં ભણનારને થઇ શકે. પુખ્ત વયના ભારતીયો બરાબર જાણે છે કે ભારતમાં આવું જ થાય છે : ‘ગર્વસે કહો હમ હિંદુ હૈ’ના રાજકારણ વિના હિંદુ હોવાનું ગૌરવ ધરાવતા, ‘રામનામ’ના આશક ગાંધીજીની હિંદુત્વના નામે હત્યા થઇ શકે છે. આજીવન ‘ભગવદ્‌ગીતા’ સેવનારા અને મુશ્કેલીના સમયે તેમાંથી માર્ગ ખોળનારા ગાંધીજીની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ખૂનીઓ એ જ ‘ભગવદ્‌ગીતા’ ટાંકી શકે છે.

ગાંધીહત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકનારા અને ચોક્કસ શરતો પછી એ પ્રતિબંધ ઉઠાવનારા સરદાર પટેલને હિંદુત્વના ખેલાડીઓ ‘પોતાના’ ગણાવવા માંડે છે. ડાબેરી વર્તુળોમાં ‘મુસ્લિમવિરોધી’ તરીકે વગોવાયેલા સરદારના મૃત્યુનો શોકઠરાવ સુદ્ધાં હિંદુ મહાસભાની વાર્ષિક બેઠકમાં પસાર થઇ શકતો નથી. એ ઠરાવ નિમિત્તે કેવી ચર્ચા થઇ એ જાણવા મળતું નથી, પણ એનો અર્થ સમજી શકાય છેઃ હિંદુ મહાસભાને મન સરદાર પટેલ (મહાસભાને માન ઉપજે એવા અને જેમના મૃત્યુ બદલ શોક પ્રગટ કરવો પડે એવા) ‘હિંદુ’ ન હતા.

આટલાં વિરોધાભાસી ઉદાહરણ પરથી નાગરિકોના મનમાં એ સાફ થઇ જવું જોઇએ કે રાજકીય પક્ષો કે તેમનાં કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનો હિંદુ ધર્મ- હિંદુત્વની વાત કરે, ત્યારે તેમની વ્યાખ્યાઓ ગાંધીજીના કે બીજા અભ્યાસીઓના ‘હિંદુ’ના ખ્યાલ કરતાં જુદી હોય છે. ખરૂં પૂછો તો, ‘મુસ્લિમ મતબેન્ક’ના વિરોધમાંથી કારકિર્દી બનાવનારા રાજકારણીઓનું સ્વપ્ન ‘હિંદુ વોટબેન્ક’ ઊભી કરવાનું હોય છે. એ સાકાર કરવા માટે તે કેવળ ત્રાસવાદીઓને બદલે, સમગ્ર મુસ્લિમ કોમ પ્રત્યે વેરભાવ ઊભો કરતાં ખચકાતા નથી.

અભ્યાસી લેખક રમેશ ઓઝાએ નોંઘ્યું છે તેમ, ‘હિંદુત્વ’માં જોડાયેલો ‘ત્વ’ અલગપણાનો, અલાયદાપણાનો સૂચક છે. તે ખાસિયતની રીતે નહીં, પણ અલગાવની રીતે બીજા ધર્મો કરતાં હિંદુ ધર્મ કેવી રીતે જુદો છે એ  દેખાડે છે. આ તો થઇ શબ્દના સાચા અર્થની વાત. રાજકારણમાં સાચા અર્થ કરતાં સગવડીયા અર્થનો કે અનર્થનો  ખપ વધારે હોય છે, એ સૌ જાણે છે. ગાંધી ‘હિંદુવિરોધી’ ગણાય ને આસારામ/ Asaram ‘હિંદુ’ ગણાય, એવું એ સિવાય બીજી કઇ રીતે શક્ય બને?

રાજકીય પક્ષો જેવું જ ધર્મ-અઘ્યાત્મના સુપરસ્ટોર ચલાવનારા વિશે પણ કહી શકાય. તેમને હિંદુ ધર્મનો અર્થ સમજવાને બદલે, તેના નામે અર્થોપાર્જન કરવામાં- રૂપિયા કમાવામાં અને સત્તા ઊભી કરવામાં વધારે રસ પડે છે. બાકી, હિંદુ ધર્મનાં કયાં મૂલ્યો આસારામના ‘સામ્રાજ્ય’માં જોવા મળે છે?

સહિષ્ણુતા?
તેમના ‘સાધકો’એ અમદાવાદનાં એક મહિલા ટીવી પત્રકાર પર હુમલો કર્યો હતો એ દૃશ્ય હજુ મનમાંથી ભૂંસાયું નથી.

જ્ઞાનમાર્ગ?
‘અનિષ્ટમુલ્ય- ન્યુસન્સ વેલ્યુનો કોઇ વિકલ્પ નથી’- એ હકીકતને જ્ઞાન ગણીએ તો જુદી વાત છે.

પરમાર્થ ?
પુસ્તકમેળામાં મફત શરબતની સાથે પોતાનો પ્રભાવ બેરોકટોક વહેંચવાને જો પરમાર્થ ગણીએ તો.

પરમ તત્ત્વની ખોજ ?
કોર્ટકેસનાં ચક્કરમાંથી બચાવવા માટે રાજકારણીઓએ તો હાથ ઊંચા કરી દે તો પછી પરમ તત્ત્વની ખોજ સિવાય રસ્તો નથી.

વિચારવા જેવો બીજો મુદ્દો : હિંદુ વિધિ પ્રમાણે સાચાંખોટાં ક્રિયાકાંડ કરાવનારો કોઇ પણ નાનોમોટો બાવો હિંદુ ધર્મનો પ્રતિનિધિ થઇ જાય? અને જો એમ જ હોય, તો હિંદુ ધર્મના નામે ચાલતાં એનાં ધતિંગ કે ગોરખધંધા ખુલ્લા પાડનારા હિંદુઓને શું કહેવાય? અને આ બન્નેમાંથી સાચો હિંદુ કોણ? ધર્મના નામે ગંદવાડ ફેલાવનાર કે ગંદવાડની સફાઇ કરનાર?

પણ પરંપરા એવી છે- અને ભારતની જ્ઞાતિપ્રથામાં પણ તે દૃઢ થયેલી છે - કે ગંદકી કરનાર ઊંચા કહેવાય અને તેમની ગંદકીની સફાઇ કરનાર અસ્પૃશ્ય ગણાય. ગંદકી કરનારા મોટાઇમાં મહાલે અને સફાઇ કરનારા ‘અભડાવનારા’ તરીકે હડે હડે થાય. ધર્મના નામને- તેના હાર્દને નુકસાન પહોંચાડનારા મહાન ધાર્મિકો કહેવાય છે અને તેમના પાખંડ સામે સવાલ ઉઠાવનારા ધર્મવિરોધી ગણાય.

‘બાવો’ જેવો શબ્દપ્રયોગ વાંચીને આઘાત પામનારને જણાવવાનું કે ધંધાદારી બાવાઓને ‘સાઘુ’ કે ‘સંત’ કહીને, ભારતની   ઉમદા સાઘુસંત પરંપરાનું અપમાન કરવું જોઇએ નહીં.  ગમે તેવા ચલતા પુરજાઓને સાઘુ કે સંત કે બાપુ કે ભાઇ કે બહેન કે બીજું કંઇ પણ કહીને માથે બેસાડવા, એ હિંદુ ધર્મનું (રૂપિયા કરતાં પણ વધારે) અવમૂલ્યન કરવા બરાબર છે.

સુરક્ષાકવચ

આયુર્વેદ અને અઘ્યાત્મ જેવી પરંપરાઓની ભેળપુરી કરીને, તેમનો વેપલો કરી ખાનારા આસારામ પહેલા નથી. છેલ્લા પણ નહીં હોય. તો પછી તેમના સામ્રાજ્યમાં એવું તે કયું ‘હિંદુપણું’ છે, જેની પર નેતાઓને વહાલ ઊભરાઇ જાય છે? અથવા વાજબી કારણો હોવા છતાં તેમને હાથ અડાડતાં બીક લાગે છે?
 સીધી વાત આટલી છે : હિંદુઓનાં મોટાં ટોળાં તેમનાં અનુયાયી છે. આ ટોળાં મતલાલચુઓને ફાયદો કરે કે ન કરે, નુકસાન કરી શકે છે.

ધારો કે આસારામ બધા ધર્મો પ્રત્યે સદ્‌ભાવ રાખવાની વાત કરતા હોય અને કોમી દુશ્મનાવટને બદલે બધી કોમના લોકો હળીમળીને સાથે રહે, એ દિશામાં પ્રયાસ કરતા હોત તો? દેખીતું છે : તેમના આટલા અનુયાયીઓ પણ ન હોત અને સરકાર માટે તે આટલા મહત્ત્વના કે ‘મોટા’ પણ ન હોત.

રાજ્યો કે કેન્દ્રની સરકારમાં બેઠેલા નેતાઓ આપણા જ સમાજમાંથી આવે છે. તેમાંથી મોટા ભાગના પોતાના હોદ્દા વિશે, ભવિષ્ય વિશે કે અંજામ વિશે પ્રચંડ અસલામતીથી પીડાતા હોય છે. રાજકીય આંટીધૂંટીમાં તે ગમે તેટલા કાબા હોય, પણ અંગત માન્યતાઓની વાત આવે ત્યારે તેમાંથી બહુ ઓછા લોકો તાર્કિક રીતે વિચારનારા હોય છે. એ પોતે ધર્મ-સંપ્રદાયના આગેવાનો, બાવા-બાવીઓની ચમત્કારિક શક્તિઓમાં (‘હોય તો હોય પણ ખરી’ એ ધોરણે) વિશ્વાસ ધરાવે છે  અથવા (દરેક ધર્મનાં) બાવા-બાવીઓના ભક્ત સમુદાયમાં તેમને મતબેન્ક દેખાય છે. એવી મતબેન્ક જે બાવાના ઇશારે ફાયદો કરે કે ન કરે, પણ વખત આવ્યે નુકસાન અવશ્ય કરી શકે.

આવી ભીરૂ-કમ-સ્વાર્થી માનસિકતા ધરાવતા નેતાઓ કોઇ પણ ધર્મના ધંધાદારી કે ઘુતારા બાવાબાવીઓનું બને ત્યાં સુધી કશું બગાડવા ઇચ્છતા નથી. ઉલટું, તેમની સાથેના સંબંધો સુધરે નહીં તો બગડે પણ નહીં, એની ચીવટ રાખીને તેમની પાસેથી લાભ મેળવવાની અપેક્ષા રાખે છે.

આવા રાજકારણીઓ આસારામોને છાવરે છે ને દાભોળકર જેવા સમાજસુધારક રેશનાલિસ્ટોને છેટા રાખે છે. મહારાષ્ટ્રના રેશનાલિસ્ટ અને સમાજ સુધારક દાભોળકરની હત્યા થાય ત્યારે આંસુ સારવા આવી જતા બધા પક્ષોના નેતાઓએ જાતને પૂછવા જેવું છે કે તેમનામાંથી કેટલા દાભોળકરની ઝુંબેશને આગળ લઇ જવા તૈયાર છે? પક્ષીય ધોરણે જવા દો, વ્યક્તિગત ધોરણે કેટલાની એવી તૈયારી હશે?   જવાબ કલ્પી શકાય એવો છે. એના માટે રાજકારણીઓને ઓળખવાની જરૂર નથી. એ જે સમાજમાંથી આવે છે તે- આપણા સમાજને જાણવાનું જરૂરી છે. અફીણના નશાના આભાસી સુખમાં રચ્યાપચ્યા રહીને હીર ગુમાવી બેઠેલા લોકોની જેમ, જુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ ઘણા લોકો બાવાબાવીઓના શરણે ખડકાય છે ઃ ધર્મબુદ્ધિથી નહીં તો સ્વાર્થબુદ્ધિથી. આત્મપ્રતીતિથી નહીં તો અસલામતીથી.

રાજકીય પક્ષો અને બાવાબાવીઓની સાંઠગાંઠ એટલી મજબૂત હોય છે કે ખૂન જેવા ગંભીર આરોપોમાં પણ ખાનગી રાહે સમાધાન થઇ જાય. ‘સ્વાઘ્યાય પરિવાર’ના અસંતુષ્ટ પંકજ ત્રિવેદીની હત્યા હોય કે અમદાવાદના આસારામ આશ્રમમાં બાળકોની હત્યાનો કેસ, સામાન્ય સંજોગોમાં અકારણ ખોંખારા ખાતા ગુજરાતના મુખ્ય મંત્રી આવા મુદ્દે મૌન ધારણ કરી લે છે અને વંટોળ વઘ્યા પછી બોલવાની ફરજ પડે તો પણ નામ દેવાની હિંમત ચાલતી નથી. આવું વલણ હિંદુત્વના હિતમાં કે હિંદુત્વની તરફેણમાં છે, એવું માની લેવા માટે ભોળપણ જોઇએ. બાકી, કોઇ પણ પહોંચેલ નેતા આ પ્રકારની સ્થિતિમાં આવી પડેલા ‘આઘ્યાત્મિક ગુરૂ’નો ‘ગજેન્દ્રમોક્ષ’ કરવાની કે આખા ઘટનાક્રમ દરમિયાન કંઇ નહીં કરવાની સીધી કે આડકતરી કિંમત વસૂલ્યા વિના રહે? આને કહેવાય ‘વિન-વિન સિચ્યુએશન’ એટલે કે (બન્ને પક્ષે) હિંદુત્વનું હિંદુત્વ, ધંધાનો ધંધો.

આઘ્યાત્મિક ગુરૂઓ પર મોટા પાયે અંધશ્રદ્ધા ફેલાવવાના કે શોષણ આચરવાના આરોપ થાય, ક્યારેક હુમલો, જાતીય અત્યાચાર અને ખૂન જેવા ગંભીર ગુનામાં પણ તેમનું નામ સંડોવાય ત્યારે રાજકીય હિંદુત્વના ખેલાડીઓ અને તેમનું પાયદળ બાલીશ દલીલ કરતાં કહે છે ઃ ‘તમને હિંદુ સાઘુસંતોની જ ટીકા કરવાનું કેમ સૂઝે છે?’

આવી મૂળમાંથી ત્રાંસી દલીલનો જવાબ આપવો, એટલે નિરર્થક ચર્ચામાં ઉતરવું. છતાં, પ્રચારમાં દોરવાઇ ગયેલું કોઇ સાચી જિજ્ઞાસાથી આવો સવાલ પૂછાય તો કહી શકાય કે ‘સૌથી પહેલાં ટીકા સાચી છે કે ખોટી એ નક્કી કરો. ત્યાર પછી એ હિંદુ છે એટલે ટીકા થઇ છે? કે તેમની વર્તણૂંકમાં ખોટ દેખાવાને લીધે ટીકા કરવામાં આવી છે એ વિચારો. મહત્ત્વનો મુદ્દો એ છે કે સૌએ પોતપોતાના ધર્મ અને સમુદાયની સફાઇ પહેલાં કરવી જોઇએ. જે આવું નહીં કરે તેના સમુદાય કે ધર્મને જ નુકસાન થશે. હિંદુ ધર્મના ખરા પ્રેમીઓ હોય તેમણે સાચા હિંદુ ધર્મને પાખંડીઓથી ખરડાતો અટકાવવા માટે પણ આવી સફાઇને પ્રોત્સાહન આપવું જોઇએ.

ધારો કે બીજા પોતાના ધર્મમાં જરૂરી સુધારણા ન કરતા હોય તો,  હિંદુઓએ તેમના ધર્મના પાખંડીઓને હોંશે હોંશે નિભાવી લેવા અને ઉપરથી તેમને ધર્મના નામે છાવરવા, એવી નીતિ ધર્મઘાતી અને આત્મઘાતી નથી? 

15 comments:

  1. Newspapers today report Ashok Singhal saying that Arrest of Asaram is intended to weaken Hindu society.
    This fellow's real name is Asumal Sirumalani. If some person named as Asumal Sirumaalani is arrested how does it weaken Hindu society?
    If newspapers write his original name we would not be able to link the man who calls himself 'Asaram Bapu'!
    So, even now I would prefer to call him 'Asaaram bapu' and not just 'Asaram' so that this man's identity remains intact and people know that this man used religion to hide his criminality.
    You know, removing 'Bapu' from his identity gives us the sense that "Bapu' word is reserved fro sacred men. Let us continue to use 'Bapu' with him so that people can be aare that 'Bapu' could just be a cover for criminals.

    ReplyDelete
  2. મુંબઈની બળાત્કારની ફરીયાદ થઈ એટલે ખબર પડી કે આ ગુનેગારો તો ઘણાં સમયથી આવું કૃત્ય કરતા હતા.

    ચુપ રહેવાથી અંગુઠા છાપ ધર્મગુરુઓ સમજવા લાગ્યા કે અનુયાયીઓ અજ્ઞાની છે.

    ReplyDelete
  3. એકદમ સાચી વાત, મજબૂત લેખ

    ReplyDelete
  4. Salil Dalal (Toronto)3:27:00 AM

    Very well written analysis, Urvish. Compliments.

    ReplyDelete
  5. વિદ્વાન ઉર્વીશભાઈ:
    હજુ આપના જેવા ચિંતક પત્રકાર અને લેખક ગુજરાતમાં હયાત છે તેથી આશા રહે છે કે છેવટે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રસ્તા ઉપર આવી શકશે. જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર જેવા મહાન નેતાઓ આપ્યા તે ગુજરાત અત્યારે હાલ મનુના આધારે પુનઃ સ્થાપિત સનાતન ધર્મ, જેમાં દલિત અને સ્ત્રીઓ કોઈ સ્થાન, તે છવાઈ ગયો છે અને તેનીજ બોલબોલ છે.

    ReplyDelete
  6. હિંદુ પાખંડી બાવાઓ વિરુદ્ધ હું કાયમ બેફામ લખતો હોઉં છું. મારી 'નર્કારોહણ' સીરીઝમાં મેં પૌરાણિક બાવાઓને પણ છોડ્યા નથી ત્યારે મને કાયમ લોકો કહેતા હોય છે કે બીજા ધર્મો વિષે કેમ લખતા નથી? હહાહાહાહા હું તો મારા ઘરનો કચરો સાફ કરવામાં માનું છું. પાખંડને જ ધર્મ માની ચાલો તો એનો કોઈ ઉપાય નથી હું એવા ધરમફરમમાં માનતો નથી.

    ReplyDelete
  7. I must congratulate Mr. Urvish Kothari for such a brave expression ...But sir, love for self religion is a good thing which becomes our weakness for benefiting to such practitioners ....WE are brave enough to criticizing at the time of events...The real ill--bearers are like Dabholakar and SUNDARLAL BAHUGUNAJI(Padma Vibhusha awardee)......

    ReplyDelete
  8. ઉત્પલ ભટ્ટ11:29:00 AM

    'બાવા'ને જાહેરમાં બાવો કહેવાની હિંમત દાખવવા બદલ ખૂબ ખૂબ આભાર!! સાચા 'સંતો' તો હવે વિલુપ્ત થતી પ્રજાતિમાં આવે છે.
    ઘુતારા બાવાબાવીઓને શરણે એવા લોકો જ જઇ શકે કે જેમના જીવનમાં રસકસ ન રહ્યો હોય અથવા તો પોતાનામાં સાચી નિર્ણયશક્તિનો સદંતર અભાવ હોય.
    પોતાની બહેન-દીકરીઓને આવા બાવાબાવીઓને શરણે લઇ જતાં/મોકલતાં મા-બાપો 'ગુનેગાર' અને 'મહામૂર્ખ'ની શ્રેણીમાં આવે છે.

    ReplyDelete
  9. Anonymous5:55:00 PM

    Dear Sir ! bravo !! If such Journalism exists at time of 2002.Many lives could have been saved.Even today also if i go through those times Newspapers and reporting done even in Gujarat samachar I felt sorry for my innocent civilians.Best Of Luck

    ReplyDelete
  10. Anonymous12:43:00 PM

    ગંદા રાજકરણીઓ ગંદા બાવાઓને પાળે છે પોષે છે.અને પોતાનો ઉલ્લુ સીધો કરાવવા,અને તેનો ખોટો લાભ ઊથાવવા આ ઘોર અપરાધીઓને બચાવવા મેદાનમાં આવતા શરમાતા નથી.

    ReplyDelete
  11. So, so, so well-said. Super piece again Urvish.

    ReplyDelete
  12. Great piece, so straight forward and apt.

    ReplyDelete
  13. Anonymous10:14:00 AM

    Excellent urvish bhai ! we have to clean our "Dharm" ourself,if found dirty.I fully agree.

    ReplyDelete
  14. Great Article Mr. Urvish. Thanks for sharing

    ReplyDelete