Thursday, September 26, 2013

શ્વાનદંતક્ષતપર્વ ઉર્ફે કૂતરું કરડે ત્યારે...

પત્રકારત્વના પંડિતો ભલે પાંડિત્ય ડહોળે કે ‘કૂતરું માણસને કરડે એ સમાચાર નથી.’ એક વાર કૂતરું કરડ્યા પછી તેમને સમજાશે કે જો એ માણસ આપણે પોતે કે આપણું કોઇ પરિચિત-સ્નેહી હોય, તો દુનિયામાં એનાથી મોટા સમાચાર બીજા કોઇ નથી.

પચાસ વર્ષના રધુરામ રાજન રીઝર્વ બેન્કના ગવર્નર બને - અને પાંસઠ વર્ષનાં શોભા ડે તેમના દેખાવ પર લુઢકી જાય, અમેરિકા અને સિરીયા વચ્ચે રશિયા સમજૂતી કરાવે, રામ જેઠમલાણી આસારામના વકીલ થાય...આ બધા સમાચારમાં છેવટે ‘આપણે શું?’ એવું કહી શકાય. પણ કૂતરાવાળા સમાચારમાં અંગતતાનો સ્પર્શ છે. પત્રકારત્વના માસ્તરો (બીજી ઘણી ચીજોની જેમ) એ પણ શીખવતાં નથી કે કૂતરું કયા માણસને કરડે છે, એ સૌથી અગત્યનું છે. સોનિયા ગાંધીને કે નરેન્દ્ર મોદીને, બ્લેક ‘કેટ’ કમાન્ડો હોવા છતાં, કૂતરું કરડી જાય તો ? શક્ય છે કે રાષ્ટ્રિય સુરક્ષાના  મુદ્દે લોકસભાની આખી ચૂંટણી લડી શકાય.

કોઇ નેતાનો કે અફસરનો ચહેરો જોઇને તે ઇમાનદાર છે કે નહીં, એ નક્કી થઇ શકતું નથી. એવી જ રીતે, ફક્ત કૂતરાનો ચહેરો જોઇને એ કરડશે કે નહીં, તેની આગાહી કરી શકાતી નથી. નોસ્ત્રાડેમસે કે ભૃગૃસંહિતાના લેખક ભૃગૠષિએ અનેક આગાહીઓ કરી હશે, પણ કઇ ગ્રહદશામાં જાતકને કૂતરું કરડવાનો યોગ છે, એવું એમણે લખ્યું નથી. એ શાણા માણસો જાણતા હતા કે કૂતરું કરડવા માટે કોઇ લોજિક હોવું જરૂરી નથી. તેને ઇશ્વરીય ન્યાય કે કર્મના ફળ સાથે પણ અનિવાર્યપણે જોડી શકાય નહીં.

સામાન્ય જનતાની સમજ જોકે આટલી વિકસિત હોતી નથી. એટલે કૂતરું કરડ્યું હોય એમણે સૌથી પહેલાં આખા ઘટનાક્રમમાં પોતાની નિર્દોષતા સાબીત કરવી પડે છે. પોલીસ સ્ટેશનમાં ઘણી વાર જેમ ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે, એવી જ હાલત કૂતરાની કરડનો ભોગ બનનારની થઇ શકે છે. ફલાણાભાઇને કે ઢીકણાંબહેનને કૂતરું કરડ્યું, એવા સમાચાર સાંભળીને પહેલી પ્રતિક્રિયા હોય છેઃ ‘એવું તે શું કરતા હતા તે કૂતરું કરડ્યું? નક્કી કંઇક અવળચંડાઇ કરી હશે. બાકી, અમે આખા ગામમાં ફરીએ છે અને કલાકનાં સાડા ચોવીસ લેખે કૂતરાં અમને મળે છે. પણ આજ સુધી અમને તો એકેય કૂતરું કરડ્યું નથી.’ કૂતરું કરડ્યાનાં પીડા અને આઘાત તળે કચડાયેલા જણને સહાનુભૂતિને બદલે ઉલટતપાસનો સામનો કરવાનો આવે, એટલે તેનું મગજ ફટકે છે. પરંતુ ગુસ્સે થવામાં જોખમ હોય છે. લોકોને એવી શંકા થાય કે આને હડકવાની અસર થઇ છે તો?

પરાણે ગુસ્સા પર કાબૂ રાખીને, શ્વાનદંતક્ષતનો ભોગ બનનાર પોતાની વીતકકથાનું વર્ણન કરે છે. તેમાં કેન્દ્રસ્થાને પોતાની નિર્દોષતા હોય છે. ‘મેં તો કશું કર્યું જ નથી’, ‘મને તો ખબર જ ન પડી’, ‘અચાનક જ થઇ ગયું’ એ પ્રકારનાં વાક્યો વચ્ચે વચ્ચે આવતાં રહે છે. તેની સાથે કશા વેર વિના કરડી ગયેલા કૂતરા પ્રત્યે અને એથી પણ વધારે, પોતાના પર શંકા કરનારાં સ્નેહીજનો પ્રત્યેનો ગુસ્સો કાબૂમાં રાખવાની મથામણ ચાલતી રહે છે.

સામી છાતીના યુદ્ધમાં- એટલે કે કૂતરાને નસાડવાનો પ્રયાસ કરતી વખતે અથવા ‘બહાદુરીભરી પીછેહઠ’ વેળા- એટલે કે કૂતરું પાછળ પડ્યા પછી જીવ બચાવીને ભાગતી વખતે, કૂતરું કરડી જાય તો એની પીડા થાય, પણ બહુ આઘાત લાગતો નથી. કારણ કે આવી સ્થિતિમાં ખરાબમાં ખરાબ શું થઇ શકે, તેનો વિચાર એકાદ વાર મનમાં ઝબકી ગયેલો હોય છે. પરંતુ મનમાં બીજા જ વિચાર ચાલતા હોય અને દૂર દૂર સુધી કૂતરાનું સ્મરણ સરખું ન હોય, ત્યાં વેશ બદલીને આવેલી આસુરી તાકાતની જેમ કૂતરું ક્યાંકથી આવી ચડે અને કશી ચેતવણી વિના  બચકું ભરી પાડે તો? સૌથી પહેલો આંચકો આઘાતનો લાગે છે. ‘મિલી કૌનસી ખતા પર, હમેં ઇસ કદર સઝાયેં’ એવો ચિત્કાર મનમાં ઉગે છે, જે બહાર નીકળતાં ચીસમાં ફેરવાઇ જાય છે. દરમિયાન, કૂતરું પોતાનું અવતારકાર્ય સંપન્ન કરીને અદૃશ્ય થઇ ચૂક્યું હોય છે.

કૂતરું કરડવાની પીડા મઘ્યમ વર્ગના માણસે કરેલી કારની ખરીદી જેવી હોય છે. તેનાથી મુસીબતોનો અંત નહીં, આરંભ થાય છે.  કૂતરું કરડ્યા પછી લેવા પડનારાં ઇન્જેક્શનના ખ્યાલ માત્રથી, કુરુક્ષેત્રના મેદાન વચ્ચે ઊભેલા અર્જુનની જેમ, શ્વાનદંતક્ષતપીડિતનાં ગાત્રો શિથિલ થઇ જાય છે અને હાંજા સેન્સેક્સની જેમ ગગડી જાય છે. તેને વિચાર આવે છે કે આના કરતાં સિંહ કરડે તે પરવડે. પછી ઇન્જેક્શન લેવાની માથાકૂટ તો નહીં. જીવનમાં પહેલી વાર તેને ધર્મેન્દ્ર વહાલો લાગવા માંડે છે. ધર્મેન્દ્રનો અમર સંવાદ ‘કુત્તે કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા’ સાંભળીને અત્યાર સુધી ભલે હસવું આવતું હોય, પણ એક વાર કૂતરું કરડ્યા પછી એ સંવાદમાં રહેલા સાચા ઊંડાણની અનુભૂતિ થાય છે.

મોટા ભાગના લોકોને કૂતરા કરતાં ડોક્ટરની - એટલે કે તેમના દ્વારા અપાનારાં ઇન્જેક્શનની- બીક વધારે લાગતી હોય છે. ઇન્જેક્શનની પીડાનો વિચાર કરતાં જ મનમાં અનેક હિંસક ચિત્રો ઉભરે છે. જેમ કે, પોતે કાઉબોય ફિલ્મોના નાયકની જેમ ઘોડા બે બાજુ બે બંદૂક લટકાવીને ચાલી રહ્યા છે. અચાનક સામેથી એક ખૂંખાર કૂતરું ધસી આવે છે.  આંખના પલકારામાં પોતે એક હાથની હથેળી બંદૂકની ઉપર રાખીને, ક્લિન્ટ ઇસ્ટવુડની માફક ધડાધડ ફાયર કરે છે. કૂતરું હવામાં જ ફંગોળાય છે અને હવામાં નિઃશબ્દ શાંતિ પથરાઇ જાય છે. અહિંસક પ્રકૃતિના લોકો કાઉબોયની બંદૂકને બદલે મ્યુનિસિપાલિટીના માણસો દ્વારા વપરાતા કૂતરા પકડવાના સાણસાથી કામ ચલાવી લે છે. આવાં કાલ્પનિક દૃશ્યોથી વૈરતૃપ્તિનો ક્ષણિક આનંદ મળે છે અને ચીડીયાપણું ઓછું થઇ શકે છે.

કૂતરું કરડ્યું હોય એવાં સ્નેહીઓને આશ્વાસન આપવાનું કામ સૌથી અઘરું છે. શું કહીએ તો એમને સારું લાગે? ‘આભાર ભગવાનનો કે ડાયનોસોર પૃથ્વી પરથી વેળાસર લુપ્ત થઇ ગયાં. બાકી, ડાયનોસોર કરડી ગયું હોત તો શું થાત?’ કૂતરું કરડ્યું હોય તેના ચહેરા પર ‘ઘાયલકી ગત ઘાયલ જાને’ નો ભાવ લીંપાયેલો હોય છે. તેમાં બુદ્ધની કરુણા અને ઇસુની પીડાનો સંગમ જોઇ શકાય છે- ભલે તેમની વાતમાં મહેમૂદની સ્થૂળતા અને રાજુ શ્રીવાસ્તવની મિમિક્રીની ભેળસેળ હોય.

મોટા ભાગના લોકોને સૌથી વઘુ પીડા એ વાતની હોય છે કે તેમની પીડાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફેસબુક-વોટ્‌સ એપ પર તેનાં સ્ટેટસ મુકી શકાતાં નથી. મામુલી તાવ આવે ત્યારે ગંભીર ચહેરે અને સહાનુભૂતિના કોથળા ભરીને ખબર કાઢવા આવી જનારા શ્વાનપર્વ નિમિત્તે આવે ત્યારે તેમના ચહેરા પર ધારણ કરેલી બનાવટી ગંભીરતાની પાછળ હાસ્યની રેખાઓ ફરકતી જોઇ શકાય છે. ‘જાલીમ જમાનો બીજાની પીડામાંથી સદાકાળ આનંદ લેતો આવ્યો છે’ એવું ફિલ્મી આશ્વાસન ત્યારે થોડુંઘણું કામ લાગે છે. ખુન્નસબાજ લોકો મનોમન વિચારે છે, ‘બચ્ચુ, એક વાર તને કૂતરું કરડે એટલી વાર છે. તારી ખબર જોવા માટે હું કૂતરાના આકારની કેક લઇને ન આવું તો કહેજે.’

એક વાર કૂતરું કરડ્યા પછી કેટલાક લોકો દરેક કૂતરાને અવિશ્વાસની નજરે જોતા થઇ જાય છે. તેેમના લાભાર્થે ‘સર્પરજ્જુન્યાય’ (દોરડામાં સાપ જોવાની વૃત્તિ)ની જેમ ‘શ્વાનકેસરીન્યાય’ (કૂતરામાં સિંહના દર્શન) એવો શબ્દપ્રયોગ બનાવી શકાય. 

2 comments:

  1. Very entertaining! How about a story wherein voter acts like a dog as described in this story and a candidate, a victim?--Himanshu Muni.

    ReplyDelete
  2. :-)))))))))))))))))))))

    ReplyDelete