Tuesday, September 17, 2013

પ્રચારનાં પૂર, સચ્ચાઇની સાંકળો

ગયા સપ્તાહે ભાજપની લાંબી આંતરિક ખેંચતાણનો અંત આવ્યો. ‘ભાજપાસ્થળી’ની સંભાવના ટળી ને અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે, ‘ચાના પ્યાલામાં ફુંકાયેલું વાવાઝોડું’ (સ્ટોર્મ ઇન ટી કપ) શમી ગયું. લાલકૃષ્ણ અડવાણીનું અંતે કેશુભાઇ પટેલકરણ કરી નાખવામાં આવ્યું અને તેમના વાંધાવિરોધને નેવે મૂકીને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી.

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી ઘણા સમયથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવામાં કોઇ પણ હદે જવાની તત્પરતા અને મોટા ભાગના લોકો આવા પ્રચારથી અંજાય છે એની ખાતરી ધરાવતા મોદીએ વડાપ્રધાન બનવા માટે આદરેલી કવાયત ફક્ત માર્કેટિંગની દૃષ્ટિએ જ નહીં, મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ અભ્યાસનો વિષય છે.

ભાજપ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત પછી એવો માહોલ સર્જાયો કે જાણે લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી લીધા પછી, ભાજપે મોદીના નામની જાહેરાત કરી હોય. મેચ શરૂ થતાં પહેલાં, સંભવિત ઉમેદવારની કેપ્ટન તરીકે વરણી થાય, એટલે ટીમ ‘જીતી ગયા, જીતી ગયા’નો શોર મચાવે અને ઢોલનગારાં-ફટાકડાથી ઉજવણી કરવા લાગે, એવી આ વાત છે. પરંતુ નરેન્દ્ર મોદી અને તેમના ભક્તો-સમર્થકો  પ્રમાણભાન માટે જાણીતા નથી.

મોદીના જયજયકારની ગળી પ્રશંસા કે કડવી ટીકામાં તણાઇ જવાને બદલે, કેટલીક સીધીસાદી-નક્કર હકીકતો યાદ રાખવાનું પૂરતું છે. ગંગાના ધસમસતા પ્રવાહમાં યાત્રાળુઓના લાભાર્થે સાંકળો મૂકવામાં આવે છે, જેથી તે ડૂબવાના ભય વિના, સાંકળ પકડીને સલામત રીતે સ્નાન કરી શકે. એવું જ આ પ્રાથમિક મુદ્દાની જરૂરિયાત વિશે કહી શકાય.

૧. લાંબા સમયથી અડવાણી અને મોદી વચ્ચે પડેલી ગાંઠ ભાજપી નેતાગીરી ઉકેલી શકી નહીં. એટલે ફિરકી વીંટતી વખતે ગુંચળાવાળો ભાગ તોડીને ફેંકી દેવામાં આવે, એમ અડવાણીનો વિરોધ ફગાવી દેવાયો છે. વડાપ્રધાનપદના ઉમેદવાર કોને બનાવવા એ ભાજપની મુન્સફીનો વિષય છે. પરંતુ પરિવારકેન્દ્રી કોંગ્રેસ કરતાં ભાજપ જુદો અને વધારે આંતરિક લોકશાહી ધરાવતો પક્ષ છે, એ દર્શાવવા માટે ભાજપ પાસે ઉત્તમ મોકો હતો. વડાપ્રધાનપદના ઉમેદવાર માટે પક્ષમાં આંતરિક ચૂંટણી યોજાઇ હોત તો, પરિણામ આ જ આવ્યું હોત. પણ પસંદગીપ્રક્રિયામાં પારદર્શકતાનો દાખલો બેસત. એને બદલે પસંદગીની આખી પ્રક્રિયા પાછલા બારણે ચાલતી ખટપટો થકી થઇ અને કાવાદાવાની અનેક કથાઓ-અટકળોને જન્મ આપતી ગઇ.

૨. પ્રમુખશાહી પદ્ધતિ ધરાવતા અમેરિકામાં બન્ને મુખ્ય પક્ષોએ પોતપોતાના પ્રમુખપદના ઉમેદવાર ચૂંટવા પડે છે. એ માટે પક્ષમાં પણ ભારે રસાકસીભરી આંતરિક ચૂંટણી (‘પ્રાયમરી’) થાય છે. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે ઓબામાએ પોતાનાં જ પક્ષનાં હિલેરી ક્લિન્ટનને આકરી ટક્કર આપવી પડી હતી. પરંતુ એક વાર આંતરિક ચૂંટણી થઇ ગયા પછી, ઓબામાની ઉમેદવારી નક્કી થઇ એટલે હિલેરી ઓબામાના પ્રચારમાં લાગી ગયાં અને તેમની સરકારમાં ગૃહમંત્રી પણ બન્યાં. ભાજપમાં -કે ભારતમાં- આ જાતનો રિવાજ કેટલી હદે શક્ય બને એ સવાલ છે.

સાથોસાથ, એ પણ યાદ રાખવું રહ્યું કે સંસદીય લોકશાહી ધરાવતા ભારતની ચૂંટણીપ્રક્રિયામાં ‘વડાપ્રધાનપદના ઉમેદવાર’નું બંધારણીય કે સત્તાવાર વજૂદ કશું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ જાહેરાત ભાજપ માટે બંધારણીય કે કાનૂની રીતે બંધનકર્તા નથી- અને નૈતિકતાની વાત કરતાં જીવ ચાલતો નથી. લોકસભાની ચૂંટણી પછી સરકાર રચવા માટે ભાજપને બીજા પક્ષોના ટેકાની જરૂર હોય અને એવા પક્ષોને વડાપ્રધાન તરીકે જો મોદી સ્વીકાર્ય ન હોય, તો ભાજપ બીજા કોઇ નેતાને પણ વડાપ્રધાન બનાવી શકે. એ  જુદી વાત છે કે ધનકુબેરોનો ટેકો ધરાવતા મોદી બને ત્યાં સુધી લાલચો-પ્રલોભનોથી અને જરૂર પડ્યે મૂછ નીચી કરીને સાથીપક્ષોને મનાવી લે.

૩. કોંગ્રેસની વર્તમાન સરકારની ગમે તેટલી આકરી ટીકા વાજબી લાગે એવી છે. પરંતુ ટીકા કરતી વખતે કે તેમાં સૂર પુરાવતી વખતે નક્કી એટલું કરવાનું કે વાંધો કોની સામે છે? કોંગ્રેસની -ગાંધી પરિવારની સામે? કે કોંગ્રેસી સરકારની નીતિઓ સામે?

ઘણા લોકો- ખાસ કરીને નવી પેઢી- કશું સમજ્યાજાણ્યા વિના, પ્રચારમારામાં આવીને, હવામાંથી અહોભાવ અને અભાવ ડાઉનલોડ કરી લે છે. તે ગાંધી પરિવારના અને કોંગ્રેસના વિરોધને દેશભક્તિનો અકાટ્ય પુરાવો અને પોતાની રાજકીય સમજણનો પુરાવો ગણે છે. આમ કરવામાં પોતે કેસરિયા પ્રચારનો ભોગ બની ગયા છે, એવું તે સમજી કે સ્વીકારી શકતા નથી. કોંગ્રેસનાં પાપ એટલાં બધાં છે કે સમજણપૂર્વક તેનો વિરોધ કરવામાં પણ મુદ્દા ખૂટે એમ નથી. સમસ્યા ફક્ત એટલી છે કે એમાંના ઘણાખરા મુદ્દા ભાજપને પણ લાગુ પડે છે.

૪. દેશના અસરકારક વહીવટનું સ્વસ્થ દર્શન સત્તાલક્ષી રાજકારણમાં ખદબદતા એકેય પક્ષના એકેય નેતા પાસે હોય એવું લાગતું નથી. કમનસીબી તો એ છે કે આવું કોઇ દર્શન ઊભું કરવામાં તેમને રસ હોય એવું પણ જણાતું નથી. નરેન્દ્ર મોદીએ અસરકારક અતિપ્રચારના જોરે પોતાની મહાશક્તિમાન તરીકેની છબી ઉભી કરી છે અને ઘણા લોકોને ઘણા સમય માટે તે આંજી શક્યા છે. પરંતુ તેમના ગુજરાતસ્તરના મોટા ભાગના દાવા તટસ્થ તપાસમાં ટકે એવા નથી. તેમાં નકરી દેખાડાની હવાનું પ્રમાણ ઘણું મોટું છે.

અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી બાબતોમાં અત્યાર લગી નરેન્દ્ર મોદી જે કંઇ બોલ્યા છે તેમાં એમની પ્રચારપટુતા અને લોકરંજની શૈલીથી વધારે કશું નથી. એક પુખ્ત-પાકટ-વિચક્ષણ નેતાને છાજે એવું, આંબાઆંબલી વગરનું, વાસ્તવિક ધરતીની વાત કરતું કશું એમની પાસેથી ભાગ્યે જ સાંભળવા મળે છે. તેમની મોહિનીમાં આવેલા ઘણા લોકો એવું માને કે તે વડાપ્રધાન બનશે તો (વિઝા નહીં આપવા બદલ) અમેરિકાને પાઠ શીખવશે અથવા ચીનને સીઘુંદોર કરી નાખશે કે પાકિસ્તાનને કચડી નાખશે. આવાં ટેક્‌નિકલર સ્વપ્નાં જોનારે યાદ રાખવું જોઇએ કે ભારત એ ગુજરાત નથી, અમેરિકા-ચીન એ કોંગ્રેસની કેન્દ્ર સરકાર નથી અને વડાપ્રધાનપદું એ સરમુખત્યારી નથી.

૫. લોકસભાની ચૂંટણી ક્યારે આવી પડશે એ કહી શકાય નહીં, પણ વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવાર મોદીએ સામૈયાં-ઉજવણાં પહેલાં હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો છે. તેમને મદદ આપનારા સાથીપક્ષોમાં અત્યારે જયલલિતા (એઆઇએડીએમકે, તામિલનાડુ), પ્રકાશસિંઘ બાદલ (અકાલીદળ, પંજાબ) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના, મહારાષ્ટ્ર) છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા જેવાં રાજ્યોમાં ભાજપ પોતાના બળે કેટલું કરી શકે એ સવાલ છે અને બીજા પક્ષોમાંથી મોદી સાથે બેસવા તૈયાર હોય એવાં નામ અત્યારે ભાગ્યે જ દેખાય છે. મુલાયમસિંઘ, માયાવતી, મમતા બેનરજી, નવીન પટનાયક, ડાબેરી પક્ષો- આ સૌને કોંગ્રેસ સામે હોય એટલા જ વાંધા મોદી સામે પણ છે.   ઇશાન ભારત અને દક્ષિણ ભારતમાં ભાજપને શોધવો પડે એમ છે. દક્ષિણમાં જયલલિતા સિવાય બીજા કોઇએ હાથ લંબાવ્યો નથી. કોંગ્રેસના ભ્રષ્ટાચારની આકરી ટીકા કરનારા મોદી ભ્રષ્ટાચાર માટે જેલમાં જઇ ચુકેલાં જયલલિતાને સાથે રાખીને, તેમને રીઝવીને, તેમના ટેકાથી સરકાર બનાવીને કયા સુરાજના અને કેવા સ્વચ્છ શાસનના દાવા કરશે? જેલમાં જઇ આવેલા અને રાજ્યવટો ભોગવી ચૂકેલા ખાસ માણસ અમિત શાહને રાષ્ટ્રિય સ્તરે સ્થાપિત કરીને મોદી કયા સુશાસનની વાત કરશે?  પરંતુ આ બઘું અત્યાર લગી ચાલતું રહ્યું છે, એટલે તેમને લાગતું હશે કે એ રાષ્ટ્રિય સ્તરે પણ ચાલશે.

૬. મોદીને ભગવાન માનતા ભૂતપૂર્વ પોલીસ અફસર વણઝારાનાં સ્વસ્તિવચનો હોય કે સુપ્રીમ કોર્ટના ‘સલાહકાર મિત્ર’ રાજુ રામચંદ્રનનો અહેવાલ, મોદીનું કબાટ અનેક હાડપિંજરોથી ખીચોખીચ ભરાયેલું છે. ‘કેગ’ના અહેવાલોમાં રાજ્ય સરકારના ભ્રષ્ટાચારની ટીકાથી માંડીને લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂંકમાં મુખ્ય મંત્રી તરીકે મોદીની ભૂમિકા પારદર્શકતા અને સુશાસનની વાતો કરતા કોઇ નેતાને છાજે એવી બિલકુલ નથી. કોમી હિંસા અને ત્યાર પછી ‘મુખ્ય મંત્રીની હત્યાના કાવતરા માટે આવેલા ત્રાસવાદીઓ’નાં એન્કાઉન્ટર બાબતે મોદી સરકાર ન્યાયના પક્ષે ઊભી હોય, એવું કદી લાગ્યું નથી. અદાલતોએ ઘણુંખરું તેમની સરકારને કાંઠલેથી ઝાલવી પડી છે.

રાજ્યમાં બંધારણીય સંસ્થાઓની ઉપેક્ષાની બાબતમાં મોદીની સરકારે વિક્રમી કામગીરી કરી છે. વિધાનસભાની કામગીરી પણ ઓછામાં ઓછી ચાલે અને ‘કેગ’નો અહેવાલ તો ટૂંકા સત્રના છેલ્લા દિવસે જ મુકાય, એ તેમની ખાસિયત ગણી શકાય એવી બાબતો છે. છ થોડાં વર્ષ પહેલાં પોતાના રાજમાં બાળકોની હત્યાના ગંભીર ગુના બદલ આસારામ સામે આંગળી ચીંધાઇ, ત્યારે ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાત કરનાર મુખ્ય મંત્રીએ શું કર્યું હતું? ગામમાં ગર્જનાઓ કરીને તમામ ઉંમરનાં બાળકોને આંજી નાખતા મુખ્ય મંત્રી આસારામ વિરુદ્ધ હરફ સરખો ઉચ્ચારી શક્યા ન હતા.

આ બઘું જોવું કે નહીં, મન પર લેવું કે ન લેવું, યાદ રાખવું કે ભૂલી જવું, એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે. પરંતુ આવું કશું છે જ નહીં અને આ બધો ‘મોદીવિરોધીઓનો’ કે ‘ગુજરાતવિરોધીઓનો’ જૂઠો પ્રચાર છે, એમ કહેવું દિવસને રાત કહેવા બરાબર છે. ગુજરાતમાં ઘણાને- અને દેશમાં પણ કેટલાકને આમ કરવામાં પરમ સુખનો અનુભવ થાય છે. હવે મોદી આ અનુભૂતિ રાષ્ટ્રિય સ્તરે વઘુ વ્યાપક બનાવવા ઇચ્છે છે. ભાજપે તેમને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવીને, એ દિશામાં આગળ વધવાનો પરવાનો આપ્યો છે. તે અનેક વિશેષાધિકારો ધરાવતો ડિપ્લોમેટિક પાસપોર્ટ છે કે ઉઠી ગયેલી પેઢીની હૂંડી, એ સમય આવ્યે ખબર પડશે. 

12 comments:

  1. "નરેન્દ્ર મોદી અને તેમના ભક્તો-સમર્થકો પ્રમાણભાન માટે જાણીતા નથી." તદ્દન સાચી વાત. થોડો ઉમેરો.

    નરેન્દ્ર મોદીના વિરોધીઓ અને ટીકાકારો પણ પ્રમાણભાન માટે નાણીતા નથી.

    ReplyDelete
  2. સંપુર્ણ લેખ સાથે સંપુર્ણ સંમત,
    પરતું રાજકારણના આ ગુંડારાજમાં ગુંડા અને ઠગોની જમાત ભેગી થઈ હોય ત્યારે કાંટાને દુર કરવા કાંટો જ જોઈએ.
    આ દેશના નેતાઓ જ્યારે વોટબેંક પોલિટીક્સની અસરમાં આટલા ગળાડુબ હોય કે સિક્યોરીટી ફોર્સની ઈંટીગ્રિટી પર સવાલ ઉઠાવવા લાગે ત્યારે નરેંદ્ર મોદી જેવો ડીસીસિવ નેતા જોઈએ જ.
    નેશનલ સિક્યોરીટીના મુદ્દા પર અને આતંકવાદના મુદ્દે આ રાજનીતિના અંત માટે યુપિએનું હારવું આવશ્યક છે.

    આ કાર્ય માટે હુ બત્રીસલક્ષણા ભગવાન રામને શોધવાને બદલે નરેંદ મોદી જેવા ખંધા રાજકરણી ને પણ યોગ્ય ગણું છુ.

    તેના રાજમાં આવ્યા બાદ હું એટલી ખાતરી આપી શકું કે:

    1> દેશનું ગુપ્તચર સુદ્રઢ બનશે.
    2> આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થશે.
    3> દેશમાં જ્યોતિર્ગ્રામની જેમ વિજળી મળશે.
    4> પોલિસી પેરાલિસિસ પણ અટકશે.

    ઉપર જણાવેલ દરેક કાર્ય તેઓ સફળતા પુર્વક ગુજરાતમાં કરી ચુક્યા છે.
    ઉપરાંત આ કોઈ કાર્યમાં ગઠબંધન નડતું નથી.

    હાલમાં આ મુદ્દાની ગેરેંટી મોદી સિવાય કોઈ આપી શકે તેમ નથી, માટે "ન મામો કરતા કાણો મામો શું ખોટો?"

    થોડી વધુ આંખ ઉઘાડનારી માહિતી માટે:
    https://www.youtube.com/watch?v=0DSrg3TLufs

    ReplyDelete
  3. Anonymous11:31:00 PM

    Hilary Clinton, Secretary of State hata...I mean Videsh Pradhan...ek sudharo

    ReplyDelete
  4. Anonymous12:22:00 AM

    Rare,analytical and mostly perfect observation.Good if the magical cure to all their problems that the people expect, comes true.But this possibility seems too remote.
    Like...(y)

    ReplyDelete
  5. Anonymous12:54:00 AM

    ક્રમ અનુસાર જ જોઈએ...
    ૧. જો કોઈ સ્વસ્થ લડાઈ લડવા માંગતા હોય તો તે આવકાર્ય ગણાય; પણ માત્ર પોતાનો કક્કો ખરો કરાવવા માટે અને પોતાના હોદ્દાની યાદ દેવડાવીને ઠાલો વિરોધ કરવા માટે જ મક્કમ હોય તેને માટે Ignorance જ સાચો ઉપાય કહેવાય.

    ૨. સાચું કે સત્તા પર આવવા માટે કદાચ હદની બહાર જઈને compromise કરવુ પડશે.. પણ, લાગે છે કે મોદીની પરંપરા જોતા અને કટ્ટરવાદી (હિન્દુ હોય કે બીજી કોઈ જાતના) કે પછી વાસ્તવવાદી ન હોય તેવા તત્વોને અળગા રાખવામાં તેમને વાંધો નહિં આવે. ધનકુબેરોનો સાથ હોવો કોઈ ગુનો નથી ગણાતો; રાજકારણ કે દેશકારણ પણ મહાજન વગર શક્ય નથી. હા, તેમનો દુરૂપયોગ ગુનો ગણી શકાય પણ, મોદીની નીતિ રીતિ જોતા તે સામ, દામ, દંડ અને ભેદમાંથી સૌથી વધારે મહત્વ ભેદને આપે છે; ત્યારબાદ દંડ અને પછી 'સામ' નો વારો આવે છે!! દામ વડે તેમને કામ કરતા ક્યાંય જોયા નથી; હા, ઉદ્યોગપતિઓથી એ વીંટળાયેલા હોય છે; પણ તેમનો લાભ દેશ-પ્રદેશના ભલા-વિકાસ માટે કરતા વધારે જોવા મળે છે.

    ૩. વર્તમાન રાજકારણનો મતલબ જ છે કે અમુક પ્રકારની એબ હોવી જરૂરી છે... આદર્શ પરિસ્થિતિ ક્યારેય બની શકવાની જ નથી. તો પછી સમજણપૂર્વકનો કૉંગ્રેસનો વિરોધ અને એટલી જ સમજણપૂર્વકની ભાજપા-મોદીની ટીકા શા માટે યોગ્ય ન ગણાય??

    ૪. જાહેરસભામાં જે ભાષણો પ્રયોજાય તે લોકરંજન માટે હોય; લોકભોગ્ય શૈલીમાં હોય તેમાં કોઈ જ અયોગ્યતા નથી દેખાતી. જાહેરસભા કોઈ ચર્ચા-વિચારણાનો મંચ કે કૉન્ફરન્સ રૂમ કે પછી મંત્રીની ઑફિસ નથી કે ત્યાં કોઈ નીતિ-રીતિની છણાવટ પૂર્વક ચર્ચા કરવી અયોગ્ય જ નહિં અસ્થાને પણ છે. રહી વાત દિવાસ્વપ્નો જોનારા લોકોની તો તેને માટે કોઈ ઉપાય ક્યારેય હોતો નથી... કોઈ વિચારશીલ વ્યક્તિ આવી બાબતો પર ધ્યાન ન આપે અને જે કોઈ વ્યક્તિ (સમર્થક કે આલોચક) દેશ-દુનિયાની ખબરો અને ઈતિહાસથી વાકેફ હોય તો તે આવી દિવાસ્વપ્નોની વાતોમાં વિશ્વાસ ન ધરાવે અને તેવા કોઈ અંધવિશ્વાસને આધારે અન્ય કોઈ વિચારશીલ વ્યક્તિએ પણ વિધાનો ન કરવા જોઈએ એવું મારું નમ્ર પણે માનવુ છે.

    ૫. જ્યારે રાજકારણી ઓનો આખો ફાલ જ સડેલો હોય ત્યારે સાથે રાખવા માટે ઓછી "ડાઘી" વાળા ફળો પણ જે ખરે વખતે કામ લાગે તેવા હોય તેમને પસંદ કરવા તેમાં કોઈ જ અયોગ્ય નિર્ણય ન હોય તેવું રાજનીતિ કહે છે. ભ્રષ્ટાચારને નાથવો (અને ખાસ કરીને ઉચ્ચસ્તરે આદરવામાં આવતા ભ્રષ્ટાચારને) કોઈ દેશ-કાળમાં શક્ય નથી જ નથી!! તો પછી કોને પોતાની સાથે લેવા? અને સાથીઓની પસંદગીનો એક માત્ર માપદંડ નથી હોતો.. રાજકારણમાં સૌથી મોટો માપદંડ સંગઠન, શતરંજ અને લોકમતમાં પાવરધા હોય તે ગણાય. અને હા, રાજ્યસ્તરે જે બદીઓનો સફાયો (થોડો-ઘણો પણ) કરવામાં આવ્યો છે એ જ બધી બદીઓ રાષ્ટ્રીયસ્તરે પણ એટલી જ વ્યાપક છે. માટે રાજ્યસ્તરે જે ચાલી ગયું તે રાષ્ટ્રીય સ્તરે ચાલી જશે તેમ માની લેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

    ૬. ત્રાસવાદીઓ ત્રાસવાદીઓ જ હોય છે અને તે મુખ્યમંત્રી કે કોઈની પણ હત્યા કરે કે કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધી રાહ જોવી જરૂરી નથી; તેમને દેહાંતદંડ આપી દેવામાં કોઈ જ રીતે ખોટુ નથી. કોમી હિંસાનું ભૂત કોના દ્વારા ધુણાવવામાં આવ્યુ હતું અને ક્યાં-ક્યાં પડદા પાડવામાં આવ્યા હતા તે પણ દેશના લોકો જાણે જ છે. એન્કાઉન્ટરોની તપાસની આખે આખી વાત તેમાં કેન્દ્રીય સંસ્થા સી.બી.આઈ.ની ભૂમિકા અને તેમાં થયેલ અક્ષમ્ય ઢીલ આ બધા જ પાસા આખી વાત ઉપજાવી કાઢી હોય તેમ સ્પષ્ટપણે દર્શાવે છે.

    વિરોધપક્ષની ભૂમિકા જો સકારાત્મક હોય તો વિધાન સભાના સત્રોની લંબાઈ વધી શકે; અને કોઈપણ ચર્ચા વાસ્તવિક મુદ્દા આધારિત થઈ શકે. વિરોધપક્ષે વિશ્વાસ ગુમાવીને જ આવી પરિસ્થિતિ નિર્માણ કરેલી છે તો પછી કોઈ શું કરી શકે? અને હા સત્તામાં રહેવામાટેના રાજકારણની અડફેટે ક્યારેક કેટલીક સંસ્થા/ વ્યક્તિ ઓનો ભોગ લેવાઈ જતો હોય છે. તેને રાજકારણના આટા-પાટા સમજવા જોઈએ..

    ક્યારેક કેટલાકને બળથી તો કેટલાકને કળથી હરાવવા પડે છે; અને કેટલાકને મ્હાત કરવા માટે સમયની પણ રાહ જોવી પડે છે. આશારામનો સમય ત્યારે નહતો આવ્યો; પણ અત્યારે આવી ગયો છે.. અને તેને તેના કર્યાની સજા મળી ગઈ છે!! તેના જેવા બીજા કેટલાય રાહ જોઈને બેઠા છે.

    આ બધું જોવુ કે નહીં; તેના બદલે આ બધુ જોવા કઈ દ્રષ્ટી રાખવી તે વધારે અગત્યનું છે. હકિકતો સામે આંખ આડા કાન ન કરી શકાય પણ તે જ રીતે એ હકીકતને પણ ન અવગણી શકાય કે બહુધા લોકોનો મોદી પ્રેમ માત્ર કૉંગ્રેસ-વિરોધને કારણે નથી; પણ, કૉંગ્રેસની નીતિઓની સરેઆમ નિષ્ફળતાને કારણે છે. જ્યારે સામે પક્ષે; નીતિઓની સફળતાને લીધે જ થોડી ઘણી આશા રાખીને લોકો બેઠા છે. સમય આવ્યે જ ખબર પડશે હવે તો!!

    ReplyDelete
  6. વાંધો કોની સામે છે? કોંગ્રેસની -ગાંધી પરિવારની સામે? કે કોંગ્રેસી સરકારની નીતિઓ સામે? ........વાંધો તો એ બેય સામે છે!અહી ગાંધી પરિવાર સામેનો વાંધો સાચા 'મોહનદાસ ગાંધી' સામે નહિ પણ બની બેઠેલા જુઠા ગાંધી કુટુંબ સામે છે.

    ReplyDelete
  7. Urvish, I am reminded of that verse "If you can keep your head when all about you are losing theirs...". Congratulations on a brilliant post once again.

    ReplyDelete
  8. Sorry Urvish can not agree with the analysis.
    All these arguments have been put forward by Congress spokespersons at the national level. But as a voter if I have to choose between Narendra Modi and Rahul Gandhi, then I would prefer Gujarat CM. Between Congress and BJP it will be BJP any day.
    My feeling is that with such hugely popular leader and so much anger against Congress at household level all over India, BJP would probably not need support from other parties.
    I am reminded of 1977 election when a cyclone of opposition to Congress was blowing through the whole country. Just before few days of the voting day, Chandra Shekhar in a meeting at Anand had listed the whole Janta ministry with Morarjibhai as PM, Advani as Home minister, Vajpaye as Foreign Affairs minister etc.
    Elections are still months away and if something extra ordinary does not take place during this period, I foresee a repeat of 1977 in 2014.

    ReplyDelete
  9. Anonymous2:56:00 AM

    Good analysis, but agree with Salil Dalal. Now write about alternate solution

    mahesh

    ReplyDelete
  10. સચોટ વિશ્લેષણ..."ખાસ કરીને નવી પેઢી- કશું સમજ્યાજાણ્યા વિના, પ્રચારમારામાં આવીને, હવામાંથી અહોભાવ અને અભાવ ડાઉનલોડ કરી લે છે. તે ગાંધી પરિવારના અને કોંગ્રેસના વિરોધને દેશભક્તિનો અકાટ્ય પુરાવો અને પોતાની રાજકીય સમજણનો પુરાવો ગણે છે. આમ કરવામાં પોતે કેસરિયા પ્રચારનો ભોગ બની ગયા છે, એવું તે સમજી કે સ્વીકારી શકતા નથી."

    ReplyDelete
  11. Anonymous11:37:00 PM

    ખરેખર લેખ વાચ્યા પછી ડોકું ધુનાવાનું મન થાય।।।। બધી વાતો તદ્દન ખરી છે।।।।। મારે ખાલી નામો ને એટલુજ પૂછવું છે કે ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલા સરદાર પુલ ઉપ્પર છેલ્લા 5 વરસ થી રોજ બંને બાજુ 10 કિલોમીટર જેટલો ત્રફિક જામી પડે છે અને જાને કેટલા વરસો થી ત્યાં ટોલ નાકું નાખી ને બેફામ તેક્ષ લેવાય છે ...બીજું રોજના લાખો લીટર પેટ્રોલ ડીઝલ નો ધુમાડો થાય છે।। માનવ સમય ની હાની થાય છે।।।। પર્યાવરણ ની હાની થાય છે।।।।।।।। એ બાબતે મુખ્ય મંત્રી હોવાના નાતે તમે શું પગલા લીધા।।।।।? તમારી પાસે છે કોઈ આનો ઉપાય ..........કે પછી ખાલી આંગળી ઉચી કરી ને ખાન્ગ્રેસ્સીઓ ને ગાળો જ આપવી છે ?

    ReplyDelete