Tuesday, September 24, 2013

વકીલાતનો વ્યવસાય : હક, ફરજ અને ધર્મ

દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચાર ગુજારીને તેને અધરસ્તે ફેંકી દેનારા ગુનેગારોને અદાલતે ફાંસીની સજા ફરમાવી. સુધરેલા ગણાતા માનવસમાજમાં મૃત્યુદંડની સજા હોવી જોઇએ કે નહીં  અને મૃત્યુદંડની સજાની બીકે ગુના અટકાવી શકાય કે નહીં, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પણ ગુનેગારોનો ગુનો મૃત્યુદંડને લાયક હતો એ વિશે બેમત હોઇ શકે?

જવાબ છે : હા, જો તમે ગુનેગારોના વકીલ હો તો. ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે કહ્યું કે અદાલતનો ચુકાદો ભાવના અને રાજકારણથી દોરવાયેલો છે...‘મારી છોકરી રાત્રે ઘરની બહાર એના બોયફ્રેન્ડ સાથે પગ મૂકે અને લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધે તો હું એને જીવતી સળગાવી દઉં.’ તેમના આ વિધાનથી ભારે હોબાળો થયા પછી સિંઘે ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમને સતત ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે ‘આની જગ્યાએ તમારી છોકરી હોય તો તમે શું કરો?’ એટલે ઉશ્કેરાટમાં તેમનાથી આવો જવાબ અપાઇ ગયો. સિંઘનો આ ખુલાસો સાચો ન હોય અને સિંઘ ખરેખર આવું માનતા હોય તો જરાય નવાઇ પામવા જેવું નથી. ખાપ પંચાયતોથી માંડીને વ્યક્તિગત રૂઢિચુસ્તતા અને ‘ખાનદાનકી ઇજ્જત’ના ખોટા ખ્યાલે આ પ્રકારની હત્યાઓ થતી જ રહે છે.

પરંતુ અહીં ચર્ચાનો મુદ્દો છે : વકીલ તરીકે સિંઘની ભૂમિકા. તેમને ગુનેગારોના વકીલ બનવાનો અને તેમને ન્યાય અપાવવાનો પૂરો હક છે. બલ્કે, વકીલ તરીકે એ તેમની ફરજ છે. પરંતુ એ ફરજની હદ કેટલી? પોતાના અસીલનો કોઇ પણ ભોગે બચાવ કરવો અને ન્યાય જેવા મૂળભૂત ખ્યાલને કેવળ શતરંજની રમત જેવી બૌદ્ધિક ચાલબાજીના સ્તરે ઉતારી પાડવો, એ પણ વકીલની ફરજમાં જ આવે?

ન્યાયના નામે

રામ જેઠમલાણી ભારતના ટોચના વકીલોમાં ગણાય છે. સામાન્ય માણસોમાં તેમની ‘ખ્યાતિ’ મોટા ગુનેગારોના કેસ લડનારા વકીલ તરીકેની છે. તેમણે આસારામના વકીલ થવાનું પસંદ કર્યું અને કહ્યું કે આસારામ પર આરોપો મુકનાર છોકરી પુરૂષો પ્રત્યે આકર્ષણની માનસિક બીમારી ધરાવે છે.

જાતીય સતામણી કે અત્યાચારના કેસમાં બચાવ પક્ષના વકીલોનું પહેલું કામ ફરિયાદને બદનામ કરવાનું અને તેને ભારતીય પરંપરા પ્રમાણે ‘લૂઝ કેરેક્ટર’ની વ્યક્તિ તરીકે રજૂ કરવાનું હોય છે. નબળામાં નબળા વકીલથી માંડીને સિંઘો અને જેઠમલાણીઓ આ દાવ ખેલવાનું ચૂકતા નથી. સિંઘે દિલ્હીના કેસમાં મૃતક યુવતીની ચાલચલગતને કેસમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે અદાલતે એક ઝાટકે કાઢી નાખ્યો. રામ જેઠમલાણી એમ ગાંજ્યા જાય એવા નથી. તે એમના અસીલ આસારામના બચાવ માટે બરાડી બરાડીને આખી દુનિયાને દોષ દઇ શકે છે. પ્રસાર માઘ્યમો અને પત્રકારો કાયમ માટે જેઠમલાણીના રોષનો ભોગ બનતાં આવ્યાં છે.

‘ટ્રાયલ બાય મીડિયા’- અદાલતમાં કાર્યવાહી થાય એ પહેલાં જ પ્રસાર માઘ્યમો કોઇને ગુનેગાર ઠેરવી દે, એ ગંભીર બાબત છે. તેની સામે જેઠમલાણીનો કે કોઇ પણ વ્યક્તિનો વાંધો વાજબી ગણાય. પણ નામીચા, ધનવાન આરોપીઓના કેસ લેનારા જેઠમલાણી જેવા વકીલો પાસે પોતાના આક્રમક બચાવ માટેની સૌથી હાથવગી દલીલ છે : ‘ગંભીરમાં ગંભીર ગુનો કરનારને ન્યાય મેળવવાનો અધિકાર છે. અદાલતમાં તેનો પક્ષ રજૂ કરવો અને તેને પોતાની વાત કહેવાની પૂરી તક આપવી, એ ન્યાયના હિતમાં વકીલ તરીકે અમારી ફરજ છે.’

દલીલ તરીકે વાત સો ટકા સાચી છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલો કરનાર અજમલ કસાબને પણ વકીલ મળવો જોઇએ. કારણ કે તેમાં ગુનેગારની સુવિધાનો નહીં, આપણી ન્યાયપ્રણાલિની વિશ્વસનિયતાનો સવાલ છે. આરોપીને ફક્ત માન્યતાના આધારે ગુનેગાર ન ઠરાવી શકાય. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. સૌથી અગત્યનો સવાલ છે : વકીલ પોતાના અસીલના બચાવ માટે કેટલી હદે જઇ શકે? અને વકીલ માટે પ્રાથમિકતા નક્કી કરવાની આવે તો પહેલું શું આવે? દેખીતી હકીકત સામે સગવડપૂર્વક આંખ આડા કાન કરીને, ન્યાયની આંટીધૂંટીથી-છટકબારીઓથી કે સામેના પક્ષની કોઇ નબળાઇથી સિદ્ધ કરેલું પોતાના અસીલનું હિત? કે આખા કિસ્સામાં તોળાવો જોઇતો ન્યાય?

વધારે તાત્ત્વિક રીતે એવું પણ પૂછી શકાય કે કોઇ પણ કેસમાં ‘ન્યાય’ની સર્વસામાન્ય વ્યાખ્યા એક જ હોય? કે આરોપીનો ન્યાય અને ફરિયાદીનો ન્યાય જુદાં જુદાં હોઇ શકે?

ન્યાય આખરે ન્યાય જ હોય અને સૌ કોઇનું આખરી ઘ્યેય કેસમાં ન્યાય થવો જોઇએ, એવું હોય તો? સ્વાભાવિક છે કે બન્ને પક્ષના વકીલો માટે અસીલનું હિત મહત્ત્વનું, પણ આખા કેસમાં ન્યાય થાય એ વધારે મહત્ત્વનું બની રહે. પરંતુ વ્યવહારમાં આવું થતું નથી. હાઇ પ્રોફાઇલ ગણાતા, માલેતુજાર કે પ્રસિદ્ધ આરોપીઓના કેસમાં પ્રસાર માઘ્યમો અને બચાવ પક્ષના વકીલો, બન્ને અંતીમવાદી વલણ અપનાવે છે. પ્રસાર માઘ્યમો અને તેની સાથે સંકળાયેલો લોકમત આરોપીને ઝડપથી, બને તો તત્કાળ, સજા થાય એ માટેની ગેરવાજબી આતુરતા દર્શાવે છે, તો બચાવપક્ષના વકીલ ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ છે, એટલે તેના પ્રત્યે વધારે કડકાઇ દેખાડવી ન જોઇએ અને તેનો સાચો ન્યાય થવો જોઇએ’ એ મુદ્દો તાણીને એટલી હદ સુધી લઇ જાય છે કે ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ હોવાથી તેને ભેરવી મરાયો છે અને મીડિયાવાળા તેની પાછળ પડી ગયા છે.’

બચાવ પક્ષના વકીલ ‘મારા અસીલને ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માને ત્યાં સુધી બરાબર, પણ જેઠમલાણી જેવા વકીલો ‘મારા અસીલને મનગમતો ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માનતા હોય એમ લાગે છે.

આચારસંહિતાનું અથાણું

બાર કાઉન્સિલ- વકીલમંડળે ‘વ્યાવસાયિક વર્તણૂંક’માં ચૂક બદલ એ.પી.સિંઘને કારણદર્શક નોટિસ આપી છે. પણ જેઠમલાણી જેવા વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક અને બચાવના ઝનૂન સાથે લડવામાં આવતા મોટા આરોપીઓના કેસમાં બાર કાઉન્સિલ ભાગ્યે જ કશું કરી શકે. ‘અસીલને વફાદાર રહેવાની ફરજ’ની વાત કરતા વકીલો બાર કાઉન્સિલની આચારસંહિતના એક નિયમનો ઉલ્લેખ ભાગ્યે જ કરે છે.   ‘રીફ્‌યુઝ ટુ રીપ્રેઝન્ટ ક્લાયન્ટ્‌સ હુ ઇન્સિસ્ટ ઓન અનફેર મીન્સ’. એટલે કે ગરબડગોટાળા કરવાનો આગ્રહ રાખતા હોય એવા અસીલો વતી રજૂઆત ન કરવી, એ પણ અદાલત પ્રત્યે વકીલોની ફરજ ગણવામાં આવી છે.
‘આ બાબતમાં વકીલે પોતાની નિર્ણયશક્તિ કામે લગાડવી અને પોતાના અસીલની સૂચનાઓનું આંખ મીંચીને પાલન કરવું નહીં. ...કેસ દરમિયાન ખોટા આધારો રજૂ કરીને (સામેના) પક્ષોની આબરૂને હાનિ પહોંચાડવી નહીં.’

 આ જોગવાઇનો ઘ્વનિ એવો છે કે કોઇ અસીલ ગેરવાજબી અથવા અયોગ્ય રીતે કેસ લડવાની વાત કરતો હોય (‘ગમે તે કરો, પણ મને બચાવી લો’) તો વકીલ એનો કેસ લેવાનો ઇન્કાર કરી શકે છે અને તેમાં ન્યાયની કશી કુસેવા થતી નથી. પરંતુ જેઠમલાણી જેવા વકીલોને  આ પ્રકારના કેસ વઘુ માફક આવતા હોય એમ જણાય છે. તેનાં ઘણાં કારણો હોઇ શકે છે : અઢળક ફી, ભારે પ્રસિદ્ધિ, કાનૂની દાવપેચ લડાવવામાંથી મળતી ‘કીક’ અને એવા દાવપેચ માટે કાનુની વ્યવસ્થામાં મળી રહેતી પૂરતી મોકળાશ.

અંગ્રેજોએ ઊભા કરેલા કાનૂની માળખામાં સચ્ચાઇ કરતાં વાચાળતા, ચબરાકી, પ્રભાવ, આક્રમકતા જેવાં પરિબળો વધારે કારગત નીવડી શકે છે. એટલે જ, વલ્લભભાઇ પટેલ ‘સરદાર’ બન્યા તે પહેલાં  સફળ ફોજદારી વકીલ તરીકે જાણીતા હતા. આખા મુંબઇ રાજ્યમાં ખેડા જિલ્લો અને તેમાં પણ બોરસદ તાલુકો સૌથી વઘુ ગુનાખોરી ધરાવતો હતો. બેરિસ્ટર બન્યા પહેલાં પ્લીડર તરીકે વલ્લભભાઇ બોરસદમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમના અસીલો ધડાધડ નિર્દોષ છૂટી જવા લાગ્યા એટલે સરકારે તપાસ કાઢી. તેમાં જાણવા મળ્યું કે વલ્લભભાઇ વકીલના પ્રતાપે આરોપીઓ છૂટી જાય છે. એટલે સરકારે આખી કોર્ટ બોરસદથી આણંદ ખસેડી દીધી.

વલ્લભભાઇ પણ પાછળ પાછળ આણંદ ગયા અને કામ ચાલુ રાખ્યું. એકાદ વર્ષ પછી સરકારે ફરી કોર્ટ બોરસદ લાવવાનો નિર્ણય લીધો. ગાંધીને મળ્યા પહેલાંના વલ્લભભાઇ મોટા માણસ થવા અને ઓછી મહેનતે વઘુ રૂપિયા કમાઇ શકાય એટલે વકીલાતના વ્યવસાયમાં આવ્યા હતા. ૧૯૦૦-૧૯૧૦ના જમાનામાં વલ્લભભાઇની પ્રેક્ટિસ એટલી ધીકતી હતી કે અમદાવાદના વકીલો તેમની ઇર્ષ્યા કરતા. વલ્લભભાઇને ન્યાય ખાતર એટલું ઉમેરવું જોઇએ કે એ સમયે ઘણી વાર અંગ્રેજ અફસરો અંગત અદાવતથી કે સ્વતંત્ર મિજાજના માણસો પર ખોટેખોટા કેસ કરીને તેમને ફસાવી દેતા હતા અને તેમને ગુનાખોરી ભણી પણ ધકેલતા હતા. એવા ઘણાના કેસ પણ વલ્લભભાઇ લડ્યા.

અંગ્રેજોના કાનૂની માળખાની આ તાસીરને કારણે ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯)માં ગાંધીજીએ વકીલો માટે આખું પ્રકરણ ફાળવ્યું. તેમાં એમણે કેટલાક વકીલોની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કર્યા પછી લખ્યું કે એ લોકો પોતે વકીલ છે એ ભૂલી ગયા પછી જ સારા માણસ બની શક્યા છે. ‘તેઓનો (વકીલોનો) ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનારા થોડા  જ છે...વકીલની ફરજ થઇ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી...વધારેમાં વધારે નુકસાન તેઓના હાથે એ થયું છે કે અંગ્રેજી ઘૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઇ છે...અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઇએ તો ચાલી જ ન શકે...વકીલો કેમ થયા, તેઓએ કેવી ઘાલાવેલી કરી એ બઘું જો તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે.’

અંગ્રેજોની વિદાયના છ દાયકા પછી પણ તેમની કાનૂની વ્યવસ્થામાં પાંગરેલા જેઠમલાણી પ્રકારના વકીલો ગાંધીજીની ટીકા  અપ્રસ્તુત ન થઇ જાય એ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. પોતાની હરકતોમાં ખોટું શું છે એ તેમણે સમજવું હોય તો આસારામ બાપુને બદલે ગાંધીબાપુ સુધી જવું પડે. 

2 comments:

  1. લાઈક્ના બટન મુકો, આ લેખ 5* ને લાયક છે. :)

    ReplyDelete
  2. રામ જેઠમલાણી ભારતના ટોચના વકીલોમાં ગણાય છે. તેમની ‘ખ્યાતિ’ મોટા ગુનેગારોના કેસ લડનારા વકીલ તરીકેની છે. એનો મતલબ જેઠમલાણી પાસે જાય એને સજા થાય થાય ને થાય .....

    ReplyDelete