Sunday, September 01, 2013

‘ગ્રંથાગાર’ પર છેલ્લી સાંજ : અમારા એકના એક પુસ્તક-અડ્ડાનો વિલય

'ગ્રંથાગાર'/ Granthagar છેલ્લો દિવસ : (ડાબેથી) સંજય ભાવે, નાનક મેઘાણી,
હંસાબહેન, રાજેન્દ્રભાઇ પટેલ
અમદાવાદમાં નદીકિનારે આવેલા સાહિત્ય પરિષદના મકાનમાં, મોબાઇલના સિગ્નલ ન આવે એવો એક ખંડ પુસ્તકોની દુકાન માટે છે. ૨૦૦૬થી એ જગ્યાએ ‘ગ્રંથાગાર’ની શરૂઆત થઇ. તેના સંચાલક નાનકભાઇ મેઘાણી/ Nanak Meghani અને તેમનાં સદા સેવાતત્પર, સદા હસમુખાં મદદનીશ હંસાબહેન ‘ગ્રંથાગાર’ને એવી રીતે ચલાવતાં હતાં કે તેને ‘પુસ્તકની દુકાન’ કહેવાનો જીવ ન ચાલે.

ઉપરના વાક્યમાં વપરાયેલો ભૂતકાળનો પ્રયોગ ખટક્યો હોય, એ લોકો માટે માઠા સમાચાર એ છે કે ‘ગ્રંથાગાર’નો ગઇ કાલે છેલ્લો દિવસ હતો. નાનકભાઇએ તબિયતના ચઢાવઉતાર વચ્ચે અત્યાર લગી તેને ટકાવ્યું, પણ એંસી વર્ષના નાનકભાઇને મુખ્યત્વે તબિયતના તકાદાએ નિવૃત્ત થવા ફરજ પાડી. ‘ગ્રંથાગાર’માં મુલાકાતીઓની સંખ્યા પણ એટલી સરખી ન હતી કે તબિયતથી ખેંચાઇને એને ચાલુ રાખવાનું મન થાય. એટલે નાનકભાઇએ હંસાબહેનની સાથે વાતવિચાર કરીને ‘ગ્રંથાગાર’ને વિરામ આપવાનું નક્કી કર્યું.
નાનક મેઘાણી, હંસાબહેન : ફોટો લેતા અશ્વિન ચૌહાણ / Ashwin Chauhan
અમારા જેવા ઘણા લોકો માટે ‘ગ્રંથાગાર’ પુસ્તકોની દુકાન નહીં, પણ ચોતરફ પુસ્તકો ગોઠવાયેલાં હોય એવો એક અડ્ડો હતો. દિવસ દરમિયાન કોઇ પણ સમયે ત્યાં જઇ શકાય, પુસ્તકો ખરીદવાની સીધી કે આડકતરી ફરજ વિના કે ‘ખરીદો અથવા નીકળો’ એવી નજરોનો સામનો કર્યા વિના, ત્યાં નિરાંતે પુસ્તકો ફેંદી શકાય. પુસ્તકો ખરીદવાં ન હોય તો પણ, હંસાબહેન ઉત્સાહથી પુસ્તકો બતાવે, માર્ગદર્શન આપે, મદદ કરે. બપોરે બે વાગ્યાની આસપાસ નાનકભાઇ ઘરેથી રિક્ષામાં ‘ગ્રંથાગાર’ આવે. એમના આવ્યા પછી જઇએ, એટલે ગપ્પાંગોષ્ઠિની મહેફિલ જામે. ભલું હોય તો સંજય ભાવે જેવા પુસ્તકપ્રેમી મિત્ર પણ ત્યાં મળી આવે. ચાલુ દિવસ હોય, કામો મોં ફાડીને ઊભાં હોય ને વચ્ચે અડધો કલાક- કલાક ક્યાંય નીકળી જાય. પછી નીકળવાનો વખત આવે, એટલે નાનકભાઇ અત્યંત મૃદુતાપૂર્વક અને આત્મીય વિવકમાં ઝબોળાયેલી અભિવ્યક્તિ સાથે સમય ઓછો પડ્યાનો ધોખો કરે અને જેટલો સમય મળ્યો તેમાં બહુ મઝા આવ્યાનું કહે. ફરી મહિને-બે મહિને આવો મોકો આવે.

કદી નિરાંતનો સમય હોય તો દોઢ-બે કલાકની બેઠક થાય. અલકમલકની વાતો નીકળે. નવાં પુસ્તકો આવ્યાં હોય તે નાનકભાઇ બતાવે. તેમની સંમાર્જિત રૂચિમાંથી બહુ ઓછા પુસ્તકો માટે નખશીખ સારો અભિપ્રાય નીકળે. બોલકી ટીકા એ ભાગ્યે જ કરે. બે-ચાર શબ્દોમાં સમજી જવાનું હોય. કદીક ત્યાં નિરંજન ભગત બેઠેલા દેખાય તો કદીક રતિલાલ બોરીસાગર. એક વાર એવો સુયોગ થયો હતો કે ગ્રંથાગારની નાનકડી જગ્યામાં નાનક મેઘાણી ઉપરાંત મહેન્દ્ર મેઘાણી, અમેરિકાનિવાસી ભાઇ અશોક મેઘાણી અને નિરંજન ભગતનો મેળાવડો મળ્યો હતો. સાથે હંસાબહેન તો ખરાં જ. ઉપરાંત સંજય ભાવે અને હું. એવી જ રીતે, એક વાર મંજરી મેઘાણી, અશોક મેઘાણી, નાનકભાઇના જોડીયા ભાઇ મસ્તાન મેઘાણી ‘ગ્રંથાગાર’ પર ભેગાં થયાં તેનો સાક્ષી બન્યો હતો. હવેના સમયમાં આવાં મિલન બહુ મીઠાં લાગે છે. કારણ કે એ ઓછાં થાય છે.
(ડાબેથી) અશોક મેઘાણી, નાનક મેઘાણી, હંસાબહેન, મહેન્દ્ર મેઘાણી અને
નિરંજન ભગત (2010), Ashok Meghani, Nanak Meghani, Hansaben,
Mahendra Meghani, Niranjan Bhagat
(ડાબેથી) નિરંજન ભગત, અશોક મેઘાણી,  નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી (2010)
 L to R Niranjan Bhagat, Ashok Meghani, Nanak Meghani, Mahendra Meghani
(ડાબેથી) મંજરી મેઘાણી, સંજય ભાવે, નાનક મેઘાણી,  હંસાબહેન
અશોક મેઘાણી, મસ્તાન મેઘાણી (2010)
L to R : Manjari Meghani, Sanjay Bhave, Nanak Meghani, Hansaben,
Ashok Meghani, Mastan Meghani (2010)
નાનકભાઇ મુંબઇમાંથી સાયન્સના ગ્રેજ્યુએટ થયા પછી મહેન્દ્રભાઇ સાથે ભાવનગર લોકમિલાપમાં જોડાયા. ત્યાં થોડાં વર્ષ કામ કર્યા પછી ૧૯૬૧થી તેમણે રાજકોટમાં ધર્મેન્દ્ર કોલેજની સામે  ‘સાહિત્યમિલાપ’ નામે પુસ્તક-સ્થાનક શરૂ કર્યું. મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી અને નાનક મેઘાણી- આ ત્રણેને લોહીના સગપણ કરતાં પણ વિશેષ (કે કદાચ એના જ સંસ્કારે) સાંકળતી મજબૂત કડી એટલે પુસ્તકો પ્રત્યેનો તેમનો અનુરાગ. એવું એ ત્રણેના ઓછાવત્તા પરિચયમાં આવ્યા પછી અચૂક લાગે. સારું પુસ્તક જોઇને એ અડધા અડધા થઇ જાય. ‘જે પુસ્તકનો મિત્ર, એ મારો મિત્ર’ એવું ‘વાંચે ગુજરાત’ની તકલાદી વાચનઝુંબેશનું સૂત્ર મેઘાણીબંઘુઓ દાયકાઓ પહેલાં આત્મસાત્‌ કરી ચૂક્યા હોય એવું લાગે. એટલે દુન્યવી રીતે તેમની પુસ્તકોની દુકાન હોય તો પણ એનો માહોલ ‘દુકાન’ જેવો ન હોય.

રાજકોટ ‘સાહિત્યમિલાપ’માં નાનકભાઇને સારો પ્રતિસાદ મળ્યો. એ અરસામાં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શરૂ થઇ હતી. એ માટેનાં પુસ્તકો ખરીદવા માટે વાઇસ ચાન્સેલર ડોલરરાય માંકડ અને અધિકારી ડોલરરાય બૂચ ‘સાહિત્યમિલાપ’ પહોંચ્યા. નાનકભાઇએ તેમને રાબેતા મુજબનો હૂંફાળો આવકાર આપ્યો, પણ દિલગીરી સાથે કહ્યું કે પુસ્તકો કબાટોને બદલે જમીન પર થપ્પાબંધ ગોઠવાયેલાં છે. ડોલરરાય માંકડ જેવા વિદ્વાન કુલપતિના હોદ્દે હતા એટલે એમણે એકાદ કલાક સુધી થપ્પાબંધ પુસ્તકો જોયાં અને લીધાં પણ ખરાં.

રાજકોટથી અમદાવાદ આવવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં નાનકભાઇ એકલા આવ્યા. ૧૯૭૭નો એ સમય. કટોકટી પૂરી થઇ ચૂકી હતી. બહુમાળી ઇમારતોને બદલે બેઠા ઘાટનાં મકાનનો યુગ હતો. અમદાવાદમાં નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ પાસે ચારેક રૂમનું એક મકાન નાનકભાઇએ ભાડે રાખ્યું અને ત્યાંથી ‘ગ્રંથાગાર’ની શરૂઆત થઇ. એ જમાનામાં રૂ.પચીસ હજારનું ફર્નિચર પુસ્તક ભંડાર માટે તેમણે કરાવ્યું. ‘ગ્રંથાગાર’ નામ નાનકભાઇએ જ પાડ્યું હતું. (‘વસ્ત્રાગાર જેવા શબ્દ પરથી મને થયું કે પુસ્તકો માટે ગ્રંથાગાર રાખીએ.’) આગળ જતાં તેના બિલમાં લોગોની સાથે, નાનકભાઇને પુસ્તકપ્રેમમાંથી સૂઝેલી એક પંક્તિ મુકાઇ. ‘અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું’.
ગ્રંથાગાર/ Granthagar : લોગો અને ધ્યેયમંત્ર  (છેલ્લા દિવસનું બિલ)
અમદાવાદમાં ‘ગ્રંથાગાર’ની વિશેષતા એ હતી કે ત્યાં ફક્ત અંગ્રેજી પુસ્તકો જ મળતાં. બીજાં ગુજરાતી તો ઠીક, ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો પણ ત્યાં વેચાતાં ન હતાં. નાનકભાઇનો એવો વિચાર હતો કે ‘બીજે મળતાં હોય એવાં પુસ્તક રાખવાનો કશો અર્થ નથી.’ થોડા વખત પછી ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ બન્યાં, ત્યારે પણ તેમની સંખ્યા એકાદ ઘોડા પૂરતી સીમિત રહી. દેશ-પરદેશનાં અંગ્રેજી પુસ્તકો નાનકભાઇ હોંશથી મંગાવતા અને અહીં સૌને બતાવતા. ‘ગ્રંથાગાર’ની બહાર તે બહારગામની યુનિવર્સિટીઓમાં અને આઇ.આઇ.એમ. જેવી સંસ્થાઓમાં પણ નવા પુસ્તકોના થેલા જાતે ઊંચકીને જતા. આઇ.આઇ.એમ. તરફથી મળેલા આવકારને ભીનાશપૂર્વક યાદ કરતાં નાનકભાઇ કહે છે, ‘હું પુસ્તકોના થેલા લઇને ત્યાં જઉં અને કોઇ પ્રોફેસર મને જુએ, એટલે એ મારા હાથમાંથી એકાદ થેલો ઉંચકી લે. તેમની કેબિનમાં જઉં એટલે એ બીજું કામ બાજુ પર મૂકીને પુસ્તકો જોવા બેસી જાય. મારી પાસેથી એ લોકો ઘણા પુસ્તકો ખરીદતા હતા.’

નાનકભાઇની જીદ પણ એવી કે નવું પુસ્તક બહાર પડે એટલે મુંબઇ-દિલ્હીના બજારમાં આવે તેની સાથે જ એ ‘ગ્રંથાગાર’માં હોવું જોઇએ. તેની પાછળની ભાવના એ કે આપણા પુસ્તકપ્રેમીને અમદાવાદમાં હોવાને કારણે પોતે પાછળ રહી ગયો એવું ન લાગે. મુંબઇ-દિલ્હી એ ખરીદી કરવા જાય ત્યારે પણ પુસ્તકો તત્કાળ ડીસ્પેચ કરાવવાનો આગ્રહ રાખે. શક્ય હોય તો એકાદ પાર્સલ તો પોતાની સાથે ટ્રેનમાં જ બુક કરાવી દે.

‘રાઉટલેજ’ પ્રકાશન દર ત્રણ મહિને તેનાં આગામી પુસ્તકોનું દળદાર કેટલોગ બહાર પાડે. રાતે ઉજાગરો કરીને નાનકભાઇ એ વાંચે અને તેમાંથી પસંદગી કરે કે કયાં પુસ્તક મંગાવવાં. એક સમયે ‘રાઉટલેજ’માંથી દર મહિને પચાસેક હજાર રૂપિયાની કિંમતનાં પુસ્તકો ‘ગ્રંથાગાર’માં આવતાં હતાં. એ સિવાય મુંબઇ-દિલ્હીથી આવતાં પુસ્તકો અલગ. પરંતુ હિસાબકિતાબમાં નાનકભાઇનું ખાતું રજવાડી. (‘હું ચોપડીઓ વેચું કે હિસાબ લખું?’) ૧૯૮૬થી નાનકભાઇના મિત્ર અને ‘નવજીવન પ્રકાશન’ના બાલુભાઇ પારેખના પરિચયથી તેમના સાથીમિત્ર મણિભાઇ પટેલનાં પુત્રી હંસાબહેન ‘ગ્રંથાગાર’માં જોડાયાં.
હંસાબહેન અને નાનકભાઇ : 26 વર્ષનો  સાથ
હંસાબહેને નવજીવન’માં એક વર્ષની એપ્રેન્ટીસશીપ કરી હતી, પણ ‘ગ્રંથાગાર’માં તેમણે પૂર્ણસમય અને હિસાબની પૂરી જવાબદારી સાથે કામ સંભાળી લીઘું. ત્યારથી એ ‘ગ્રંથાગાર’નો એવો અભિન્ન હિસ્સો બની રહ્યાં કે તેમના વિના ‘ગ્રંથાગાર’ની કલ્પના થઇ શકે નહીં. ‘ગ્રંથાગાર’માં તેમની સતત હાજરી અને સક્રિયતા હોય, છતાં જાણે તે અદૃશ્યનાં અદૃશ્ય. ભગતસાહેબ અને નાનકભાઇ વચ્ચે ગોષ્ઠિ ચાલતી હોય તો હંસાબહેન તેનો પૂરેપૂરો લાભ લે, પણ પોતે એમાં પોતાની હાજરી બતાવવાનો લોભ ન રાખે. નવરંગપુરા ‘ગ્રંથાગાર’માં ભગતસાહેબ ઉપરાંત સાવ પાછલી અવસ્થાએ પહોંચેલા ઉમાશંકર જોશી પણ જતા હતા. નાનકભાઇ એમને ઉત્સાહથી પુસ્તકો બતાવે, પણ ઉમાશંકર કહે, ‘હવે અત્યારે પુસ્તકો જોવાનાં ન હોય, એને પ્રણામ કરવાનાં હોય.’

હિસાબની બાબતમાં નાનકભાઇ બેદરકારની હદે ઉદાર. ઘણી વાર એવું બને કે બાકીમાં પુસ્તકો ખરીદનારે રકમ નોંધી ન હોય અને નાનકભાઇ તો એવી કશી નોંધ રાખે જ નહીં. એટલે સ્થિતિ એવી ઊભી થાય કે લેનાર શરમવાળા હોય તો તેમને ફરી ‘ગ્રંથાગાર’માંથી ખરીદી કરતાં શરમ લાગે. હંસાબહેનના જોડાયા પછી ખાતું થોડું વ્યવસ્થિ થયું. છતાં, એ વ્યવસ્થિતતામાં કડકાઇનો જરાય ભાવ ન હતો. બાબુ સુથાર અને હર્ષવર્ધન ત્રિવેદી જેવા તેમની વિદ્યાર્થી અવસ્થામાં વડોદરાથી ખાસ પુસ્તકો જોવા-ખરીદવા ‘ગ્રંથાગાર’ આવે. વિદ્યાર્થીઓ માટે સરળ- એટલે કે પોસાય એવા હપ્તે પુસ્તકો ખરીદવાની સુવિધા હોય જ. ક્યારેક તો એવું પણ બને કે વિદ્યાર્થી એકસામટા રૂપિયા આપે ત્યારે નાનકભાઇ સામેથી બધા રૂપિયા લેવાની આનાકાની કરે અને ‘થોડા પછી આપજો’ એવું કહે.

શરૂઆતમાં નાનકભાઇ એકલા હતા ત્યારે એ ‘ગ્રંથાગાર’માં જ રહે. પાછળના એક રૂમમાં તેમનો અસબાબ હોય અને આગળ ‘ગ્રંથાગાર’ ચોવીસે કલાક ચાલુ રહે. પ્રકાશભાઇ (શાહ)નાં પત્ની નયનાબહેન કહે છે, ‘એનો તો મને પણ અનુભવ છે. અમે રાત્રે જમીને આંટો મારવા નીકળ્યાં હોઇએ ત્યાં પ્રકાશભાઇ કહે કે હું એક પુસ્તક લેતો આવું. હું એમને પૂછું કે અત્યારે વળી કઇ દુકાન ખુલ્લી હોય? પણ ગ્રંથાગાર ખુલ્લું હોય.’ નાનકભાઇ કહે, ‘મારે નાનુંમોટું કામ હોય તો હું ગ્રંથાગાર ખુલ્લું રાખીને જ જતો આવું.’ પુસ્તકોની દુકાન સાવ ઉઘાડીફટાક હોય, પણ નાનકભાઇને કશો ખચકાટ ન થાય અને પુસ્તકપ્રેમીઓ પણ આ વાત જાણતા હોય. એક વાર બધાને ખબર પડી કે રાત્રે પણ ‘ગ્રંથાગાર’ ખુલ્લું હોય છે, એટલે બધા જમીપરવારીને શાંતિથી ત્યાં આવતા હતા.

નવરંગપુરામાં ‘ગ્રંથાગાર’વાળું ભાડાનું મકાન મૂળ માલિકે વેચી દીઘું, એટલે નાનકભાઇને એ જગ્યા છોડવી પડી. ત્યાંથી એ સાહિત્ય પરિષદની પુસ્તકભંડારની જગ્યામાં આવ્યા. પરંતુ ત્યાં નવરંગપુરા જેવો કસ ન રહ્યો. નવરંગપુરા ‘ગ્રંથાગાર’માં આવનારા ઘણાખરા લોકોમાંથી ભાગ્યે જ કોઇ પરિષદમાં આવતા હતા. થવું એવું જોઇએ કે ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં હોવાને કારણે ‘ગ્રંથાગાર’ જાણીતું બને, પણ બન્યું એવું કે ઘણા લોકો ‘ગ્રંથાગાર’ને લીધે સાહિત્ય પરિષદ સુધી આવતા થયા. સાહિત્ય પરિષદમાં આવ્યા પછી ‘ગ્રંથાગાર’ની મુલાકાત લેનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય. એ સિવાય થોડાઘણા સ્નેહીજનો. પરંતુ નાનકભાઇને જેમાં મુખ્ય રસ હતો એ અંગ્રેજી પુસ્તકોનો વિભાગ પરિષદમાં આવ્યા પછી ખૂણે હડસેલાઇ ગયો અને ગુજરાતી પુસ્તકો મુખ્ય બની ગયાં. તેમ છતાં, વાચકોને લાડ લડાવવાનું નાનકભાઇએ ચાલુ રાખ્યું. યાદ આવે છે કે એક વાર મ્યુઝિકના એન્સાયક્લોપીડિયાનાં વોલ્યુમ આવ્યાં હતાં, ત્યારે હંસાબહેને ફોન કરીને પૂછ્‌યું હતું કે ‘આજકાલમાં આવવાના છો?’ અનુકૂળ હતું અને હું પહોંચ્યો એટલે નાનકભાઇએ એન્સાયક્લોપીડિયાનાં પેક વોલ્યુમ કાઢીને એમાંથી એક મારી સામે ધર્યું અને એ મતલબનું કહ્યું કે તમારી હાજરીમાં આ પેકિંગ ખોલવું એવી ઇચ્છા હતી.
પુસ્તકાચ્છાદિત માહોલમાં ગોષ્ઠિ : મહેન્દ્ર મેઘાણી, નિરંજન ભગત
Mahendra Meghani, Niranjan Bhagat at Granthagar, 2010
આવાં અંગત સ્મરણો ઉપરાંત અમદાવાદના વાચનપ્રેમી તરીકે ‘ગ્રંથાગાર’ની ખોટ સાલશે. પરંતુ દરેક સારી બાબતનો એક અંત હોય  એ કુદરતી છે. જો અંત આવવાનો જ હોય તો તે આવી રીતે, આગોતરી જાણ સાથે, સૌ સ્નેહીમિત્રોના સંગાથમાં આનંદ કરતાં કરતાં આવવો જોઇએ એવું નથી લાગતું? શનિવારે સાંજે ચારથી સાડા છ વાગ્યા સુધી મિત્રો સંજય ભાવે, અશ્વિન ચૌહાણ, ઇશાન ભાવસાર, શ્રીરામ દેહાડે  સાથે મળીને અમે ગપ્પાંગોષ્ઠિનો જલસો કર્યો. સવારથી ચાલતું ભારેખમ વાતાવરણ અમારી સાથોસાથ નાનકભાઇ અને હંસાબહેનનાં હાસ્યથી ભરાઇ ગયું.

‘ગ્રંથાગાર’ની છેલ્લી સ્મૃતિ આવી પ્રસન્નતાથી ભરપૂર જ હોઇ શકે.
નાનક મેઘાણી, હંસાબહેન, 31-8-2013ની સાંજ
Nanak Meghani, Hansaben,  31-8-2013 evening

10 comments:

 1. કૉલેજ અભ્યાસના 1988થી 1991ના ત્રણ વર્ષ દરમિયાન ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલયમાં બેસતી એલ.જે. કૉમર્સ કૉલેજથી સાઇકલ ચલાવી ગાંધી રોડના પુસ્તક બજારમાં જવાનું અઘરું લાગતું હતું. એ બજારે નદી પારના પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ નહોતો કર્યો. ‘ક્રોસવર્ડ’ જેવી પુસ્તકોની તોતિંગ દુકાનો અમદાવાદમાં શરૂ થવાને વાર હતી. એવે વખતે સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ સામેના બંગલામાં આવેલું ‘ગ્રંથાગાર’ મારા માટે એકમાત્ર હેન્ગઆઉટ પ્લેસ હતું.

  પુસ્તક ખરીદવું ન હોય પણ જોવા - વાંચવાની ઇચ્છા હોય તો બંગલાના ઓટલા પર બેસીને જોઈ શકો તેવી વ્યવસ્થા નાનકભાઈએ એ સમયે પણ રાખી હતી. બે-ચાર મુડા બેઠકો પણ ‘મફતિયા ગ્રાહકો’ની સેવામાં હાજર રહેતી.

  પુસ્તકો માટે ‘મફતિયા ગ્રાહક’ના વર્ગમાં આવતા મેં એ સમયે નર્મદ, ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહના ગીતોની ઑડિઓ કેસેટ ‘ગ્રંથાગાર’માંથી ખરીદી હતી. નિરૂપમા અને અજિત શેઠ સંચાલિત ‘સંગીત ભવન ટ્રસ્ટ’ નિર્મિત ઑડિઓ કેસેટ્સ અમદાવાદમાં માત્ર ત્યાં જ ઉપલબ્ધ રહેતી હતી. હા, એ કેસેટો ગાંધીરોડને સમાંતર આવેલા રિલીફ રોડના મ્યુઝિક માર્કેટમાં પણ મળતી નહોતી.

  ‘ગ્રંથાગાર’ જ્યારે પરિષદ ભવનમાં પ્રસ્થાન પામ્યું ત્યારે જૂના પરિચયે ઓળખતા નાનકભાઈ સાથે એ સમયની યાદો તાજી કરવા ઉપર જણાવ્યા છે એ જ ટાઇટલ્સ સીડી સ્વરૂપે ખરીદવા છાજલી પરથી લીધા. બિલ બન્યું અને રકમ ચુકવી. એ પછી નાનકભાઈએ વધુ એક સીડી મારા હાથમાં મુકી - ‘આ નવું ટાઇટલ મારા તરફથી ભેટ છે. સાંભળજો અને અભિપ્રાય ફોનથી જણાવજો એટલે મને વધુ નકલનો ઑર્ડર કરવાની ખબર પડે.’

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 2. ગ્રંથાગારમાં મારે તો બહુ ઓછી વખત જવાનું થયું. પરંતુ તમે કહ્યું એમ હસાબહેન અને મેઘાણીદાદાનો હુંફાળો સહકાર મળતો રહ્યો છે. કોઈ પુસ્તક હાજર ન હોય તો પણ મળી રહે એવી વ્યવસ્થા ત્યાંથી થઈ છે. ગ્રંથાગારને કારણે જ સાહિત્ય પરિષદ સુધી હું જતો થયો છું.

  ReplyDelete
 3. લેખ અને જીવંત ફોટાઓ. વાંચીએ અને જોઈએ તો ફરીથી વાંચન જોવાનું મન થાય...

  ReplyDelete
 4. હું એક casual visitor રહ્યો છું, ચોપડીઓમાં રસ હોવા છતાં પણ ખબર નથી કે કેમ casual visitor--દરેક bookshop નો રહ્યો, ગ્રંથાગાર ની સ્મૃતિઓ તાજી થઇ- ખાસ નવરંગપુરા ખાતેની, હવે ગ્રંથાગાર બંધ થયું-- નાનકભાઈની ઉંમરને કારણે, ન ગમ્યું, અત્યારે તો વિદેશમાં હોવાને લીધે ખબર ન પડી, ક્રોસવર્ડ તો ચાલશે, બૂકશેલ્ફ પણ ચાલુ રહે એ જ ઈચ્છા, ગુજરાતી ચોપડીઓ એક સાથે બધી જોવાનો એક આનંદ હોય છે,
  મેધાણી કુટુંબનું ગુજરાતીઓને વાંચતા કરવાનું, પ્રદાન બહુ મોટું છે, પૂજ્ય મેઘાણીદાદા એ ગુજરાત ને શૌર્ય અને સંસ્કાર સંભળાવ્યા-વંચાવ્યા, એ સિવાય પણ એમની ત્રણ/ચાર પેઢી એમનો વારસો પોતાની રીતે સંભાળે છે, એ આનંદ ની વાત છે, અમેરિકામાં પણ એમની દોહિત્રી શ્રીમતી પલ્લવી ગાંધી પોતનાથી બનતી સાહિત્ય સેવા કરી રહી છે, એને ઘેર પણ નાનું ગ્રંથાગાર ઉભું કર્યું છે,

  ReplyDelete
 5. ગ્રંથાગારની ખોટ સાલસે. ત્યાં પુસ્તક ખરીદવા કરતાં હંસાબહેનના મૃદુ સ્વભાવને કારણે વારંવાર જવાનું મન થતું હતું. પુસ્માતક ખરીદવા માટે જ્રાયારે છૂટા પૈસાની કમી પડી, ત્યારે જેવા અજાણ્યા ગ્રાહકને પણ કશાય ખચકાટ વગર 'ફરી આવો ત્યારે આપી દેજો'ના વિશ્વાસથી તેમણે પુસ્તકો આપી દીધા. મારું નામ નંબર નોંધવાની તો વાત જ નહીં. તેમના આ વિશ્વાસે મને ગ્રંથાગાર જતો કર્યો. આજે બજારમામ પુસ્તકો તો મળી રહેશે, પણ હંસાબહેન જેવા સાલસ વ્યક્તિ નહીં મળે.

  ReplyDelete
 6. ઉત્પલ ભટ્ટ2:20:00 PM

  શાળા/કોલેજજીવન દરમ્યાન 'ગ્રંથાગાર'ની ઘણી મુલાકાતો લીધી છે એ બધી જ અત્યારે યાદ આવી ગઇ. એ સમયે 'ગ્રંથાગાર' સી.જી. રોડની શાન હતું. અમે ગમે તે સમયે સાઇકલ લઇને ત્યાં પહોંચી જતાં. ભૂરા રંગના લાકડાના પાટિયા પર કોતરાયેલું 'ગ્રંથાગાર' આજે પણ મનમાં એવું જ કોતરાયેલું રહ્યું છે. એનો ફોટો હોય તો મૂકવા વિનંતી. હંસાબહેન ઘણા વર્ષે ફોટામાં જોવા મળ્યા. આજના મેટ્રોસીટીમાં એ વર્ષો પહેલાના સી.જી. રોડની અદભૂત 'ફીલ' જરાય આવતી નથી.

  ReplyDelete
 7. Very touching. -- Himanshu Muni.

  ReplyDelete
 8. સત્તાવાર રીતે ‘ગ્રંથાગાર’નો સંકેલો 31મી ઑગસ્ટની સાંજે થઈ ગયો. આ પોસ્ટ વાંચી અને તે અંતર્ગત એક અભિપ્રાય પણ લખ્યો. પણ એમ મન કંઈ માને? તે ગઈકાલે (3 સપ્ટેમ્બરની બપોરે) નાનકભાઈ - હંસાબહેનને ફોન કરી મળવા પહોંચી જ ગયો. વહીવટી સંકેલો કરવાનું કામ હજી ચાર - પાંચ દિવસ ચાલશે. થોડા પુસ્તકો જોયા અને બે સીડી ટાઇટલ્સ મેળવ્યા. ભેટમાં આપી દેવાના પુસ્તકોનો ખજાનો તો તેમણે ખુલ્લો મુકી દીધો છે. એ ખજાનાની શોધમાં જ હોય એવો એક યુવાન નમતી બપોરે ગ્રંથાગારમાં પ્રવેશ્યો.
  "હંસાબહેન, પાંચસોના છૂટા આપોને. મારે પરિષદમાં ફી ભરવાની છે."
  "અરે આજે તો એટલો વકરો પણ નથી થયો. ક્યાંથી થાય? કંઈ વાંધો નહીં. ભાઈ, તમને ખબર તો છે ને ગ્રંથાગાર હવે બંધ થઈ ગયું છે. આ સામે દેખાય છે તેટલા જ પુસ્તકો..."
  હંસાબહેનની આટલી જ વાત સાંભળીને આગંતુક યુવાન કંઈ બોલી ન શક્યો. ગળગળો થયો. થોડું રડી લીધું. એણે હંસાબહેન સમક્ષ એકતરફી માગણી કરી.
  "મને 130 રૂપિયા આપો. મારે ફી માટે એટલી જ રકમની જરૂર છે. બાકીના તમારી પાસે જ રાખો. હું આવતીકાલે બીજી રકમ લઇને આવું છું. મારે થોડા વધારે પુસ્તકો ખરીદવાના છે. એ લઈ જઉં પછી કહેજો કે ગ્રંથાગાર બંધ થઈ ગયું."
  આટલું બોલીને તેણે પોતાની પસંદગીના પુસ્તકો અલગ તારવ્યા અને છાજલી પર મુકી દીધા.
  પાંચસોના છુટ્ટા અને પુસ્તકપ્રેમી યુવાનનો સંવાદ પળે-પળે મને આ પોસ્ટની યાદ અપાવતો ગયો.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 9. એક જમાનો હતો જ્યારે અમદાવાદની 'ત્રણ દરવાજા ટ્યુટોરીઅલ હાઇસ્કૂલ'નો એક વિદ્યાર્થી નદી પાર જઇ શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં જઇ ત્યાંની આરામ ખુરશીમાં બેસી પુસ્તકો વાંચતો. તે સમયે તેનું સ્વપ્ન હતું કે મોટો થઇને પુસ્તકોની દુકાન ખોલીશ, ત્યાં આવી જ આરામ ખુરશી ગોઠવીશ અને મારા જેવા વિદ્યાર્થી જેમને પુસ્તક લેવાની ત્રેવડ ન હોય તે ત્યાં આવીને બેરોકટોક વાંચી - જોઇ શકે એવી વ્યવસ્થા કરીશ. અમદાવાદથી પાછો ભાવનગર અને ત્યાંથી - વટેમાર્ગુની જેમ રખડતો રહ્યો, પણ સ્વપ્ન સિદ્ધ થયું નહી. આપનો 'ગ્રંથાગાર'ના વિલય વિશેનો લેખ વંાચી આવી સ્વપ્નમય સંસ્થા હતી, અને તેના સમાચાર તેના વિલય સમયે મળ્યા જાણી અત્યંત દુ:ખ થયું.

  ૧૦૫૦ના દાયકામાં શ્રી. નાનકભાઇ મેઘાણીને તો તેમના સ્વીડન-નૉર્વેના પ્રવાસ વિષયક લેખ વાંચીને જાણતો થયો હતો. મને હજી યાદ છે તેમણે તેમનાં સ્વીડીશ મેજબાનને પંકજ મલ્લીકની 'ચલે પવનકી ચાલ' રેકર્ડ ભેટ આપી હતી! 'ગ્રંથાગાર'ની વાત વાંચી તે જાણે મારી સ્વપ્નસિદ્ધીનું ગુજરાતી 'બાર્નસ્ અૅન્ડ નોબલ' અને સાહિત્ય-રસીક મંડળનું અદ્ભૂત મિલનસ્થાન હતું એવું લાગ્યું. તેના વિલયના સમાચાર વાંચી એક અતિપ્રિય એવા પત્ર-મિત્રને મળ્યા વગર જ વિદાય લીધી હોય તેવો અહેસાસ થયો. તેમ છતાં આપના સચિત્ર લેખ દ્વારા તેમને મળી શકવાનો સંતોષ તો પ્રાપ્ત કરી શક્યો. આભાર, ઉર્વીશભાઇ.

  ReplyDelete