Tuesday, September 10, 2013

એન્કાઉન્ટર-સંગીત : તુમ એક ગોરખધંધા હો

નુસરત ફતેહઅલીખાને ગાયેલી એક અનોખી કવ્વાલીમાં શાયર ઉપરવાળાને સંબોધીને કહે છે : ‘તુમ એક ગોરખધંધા હો’. સ્પેન્ડેડ પોલીસ અફસર ડી.જી.વણઝારાનો પત્ર વાંચીને ‘ગોરખધંધા’ કવ્વાલીની યાદ આવી ગઇ. કારણ કે પત્રમાં વણઝારાએ ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના ભગવાન ગણાવ્યા અને એ મતલબનું લખ્યું કે મારા ભગવાન પ્રસંગ આવ્યે મારી વહારે આવી શક્યા નહીં.

ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.

વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.

પત્રકણિકા ૧ : ‘...ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો (મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ છેઃ adore), પરંતુ મને કહેતાં બહુ દુઃખ થાય છે કે શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં. તેમનાં (મોદીનાં) આંખ-કાન બની ગયેલા અમિતભાઇ બાર-બાર વર્ષથી બકરાનું કૂતરું ને કૂતરાનું બકરું દેખાડીને તેમને (મોદીને) સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે..’ 

દેખીતો આક્ષેપ બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનાથી અનેક ગણી વધારે ગંભીર હકીકત બીજી છે- અને તે વણઝારાના દેશભક્તિ- ફરજપરસ્તીના દાવા સામે સદંતર વિરોધાભાસ ઊભો કરે છે ઃ આઇપીએસ કક્ષાનો કોઇ અફસર બંધારણ કે કાયદાને બદલે રાજ્યના સત્તાધીશને ભગવાન (સર્વસ્વ) માનતો હોય, એ કેટલી ખતરનાક વાત ગણાય. તેમના આ વિધાનનો અર્થ એ થયો કે ‘ભગવાન’ના આદેશ મળે, એટલે કાયદાની કે બંધારણની પરવા કર્યા વિના ‘ભક્ત’ તેનો અમલ કરી નાખે.

‘ભગવાન-ભક્ત’ની ભવ્ય ઉપમાને વધારે વાસ્તવિક રીતે સમજવી હોય તો એવું પણ કહી શકાય કે આઇપીએસ કક્ષાના ઉચ્ચ અફસર, ફરજભાન વિસરીને કેવળ ચાવીવાળા રમકડાં જેવા બની ગયા : ‘ભગવાન’ જેટલી  અને જેવી ચાવી આપે, એટલું અને એવું ‘રમકડું’ ચાલે. ‘રમકડા’ને શ્રદ્ધા હોય કે આપણે આગળ-પાછળની, કાયદાકાનૂનનો વિચાર કરવાની શી જરૂર છે? આપણને ઉગારવા માટે તો ‘હજાર હાથવાળો’ (મુખ્ય મંત્રી) બેઠો છે.

આ વિધાનમાંથી ઉપસતી અસલી ચીજ વણઝારાનો એકરાર  છે- એ બાબતનો એકરાર કે ફરજની પ્રતિજ્ઞા પ્રમાણે કાયદા-બંધારણને વફાદાર રહેવાને બદલે, તે રાજ્યના મુખ્ય મંત્રીના હાથની કઠપૂતળી બની ગયા.

પત્રકણિકા ૨ :  (અમિત શાહ વિશે ચુનંદાં વિશેષણ વાપર્યા પછી) ‘અમિતભાઇએ પોતાની જાતને ગુજરાત સરકારનાં રાજકીય હિતોના રક્ષક તરીકે સીમીત કરી દીધી છે અને પોતાની એ ભૂમિકાનું તે ઇર્ષ્યાપૂર્વક, જેલવાસી પોલીસ અફસરોના ભોગે રક્ષણ કરી રહ્યા છે.’ 

આ વાક્યમાં બે શબ્દો ખાસ નોંધપાત્ર છે : ‘રાજકીય હિતો’ અને ‘ઇર્ષ્યાપૂર્વક’ (મૂળ શબ્દો : ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ્‌સ’ અને ‘જેલસલી’). તેનો સૂચિતાર્થ એવો છે કે અગાઉ ગુજરાત સરકારનાં રાજકીય હિતોનું- હા, ત્રાસવાદવિરોધી લડાઇનું નહીં, રાજકીય હિતોનું - રક્ષણ જેલવાસી પોલીસ અફસરો કરી રહ્યા હતા. એ કામ પછી અમિત શાહે ઉપાડી લીઘું. અગાઉ એ કામ કરનારા પ્રત્યે પોલીસ અફસરો પ્રત્યે તેમના મનમાં ઇર્ષ્યાનો ભાવ હતો. એટલે તેમણે ઇર્ષ્યાપૂર્વક, જેલભેગા થયેલા પોલીસ અધિકારીઓને જેલમાં સડતા રાખ્યા.

પત્રકણિકા ૩ :  ‘ભૂતકાળમાં જ્યારે પણ સરકારે અસ્તિત્ત્વની કટોકટી અનુભવી, ત્યારે હું અને મારા અફસરો તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. અમારી સામે આ જાતની કટોકટી ઊભી થઇ ત્યારે સરકાર પણ વળતા વ્યવહારે  મક્કમ બનીને, દૃઢતાપૂર્વક અને જોશભેર અમારી પડખે ઊભી રહે એવું અપેક્ષિત હતું. પણ મારા પરમ આઘાત અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું નહીં.’ 

વણઝારા જેવા હોંશિયાર અફસર ‘સરકાર’ અને ‘રાજ્ય’ વચ્ચેનો ભેદ ન સમજે એવું કેમ બને? માપીતોળીને લખેલા એક-એક શબ્દમાં વણઝારાએ રાજ્ય સામે ત્રાસવાદની (કહેવાતી) કટોકટીની વાત કરી નથી, પણ સરકારે અનુભવેલી અસ્તિત્ત્વની કટોકટીની વાત કરી છે. ગુજરાતમાં ‘સરકાર’ એટલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને (વણઝારાના) આરોપ પ્રમાણે, ‘પ્રોક્સી સરકાર’ ચલાવતા અમિત શાહ. પોલીસ અફસરોની ફરજ અને તેમની જવાબદારી સરકારી કટોકટીમાં સરકારના પડખે ઊભા રહેવાની નથી. સરકાર તો એક જાય ને બીજી આવે. સરકાર એ રાજ્ય નથી. પોલીસ અફસર સરકારને બદલે રાજ્યને વફાદાર રહ્યા હોય તો રાજ્ય (એટલે કે બંધારણ અને કાયદાની જોગવાઇઓ) જરૂર તેમના બચાવમાં, તેમના પડખે આવે, પણ એમને રાજ્ય કરતાં સરકારની વફાદારી વહાલી હોય તો પછી બીજું શું થાય?

પત્રકણિકા ૪ : ‘ગાંધીજીનાં એ વિધાનોમાં રહેલી સચ્ચાઇ મને સમજાઇ કે રાજ્યો આત્માવિહોણાં યંત્રો છે અને સરકારોને કોઇ અંતરાત્મા જેવું કશું હોતું નથી....એ પ્રમાણે, આ સરકારે મારા ગરીમાપૂર્ણ મૌનને બદલો વાળવા જેવો ગુણ ગણવાને બદલે અવગણવા જેવી નબળાઇ ગણી લીઘું.’

રાજ્યની કોમી હિંસામાં વિવાદાસ્પદ ભૂમિકા ધરાવતા મુખ્ય મંત્રીને ‘ભગવાન’ ગણનારા પોલીસ અફસરના મોઢેથી ગાંધીજીનાં અવતરણ શોભતાં નથી. મુખ્ય મંત્રીના કે અમિત શાહના હુકમો પ્રમાણે એન્કાઉન્ટરો કરવામાં વણઝારા અને તેમની ટુકડીને કશો વાંધો ન હતો. સરકારને અંતરાત્મા હોતો નથી, એવું ત્યારે ઘણા લોકો કહેતા હતા. પણ સરકાર પોતાના પક્ષે હતી, પોતાને થાબડભાણાં કરતી હતી, પ્રભાવશાળી હોદ્દો આપતી હતી, ત્યાં સુધી વણઝારાને સરકારમાં રહેલો અંતરાત્માનો અભાવ દેખાતો કે ખટકતો ન હતો.

પોતાના ફાયદાનો સમયગાળો પૂરો થયો અને સરકાર બચાવશે એવી અપેક્ષા ઠગારી નીવડી, ત્યાર પછી પણ વણઝારા આશા રાખીને બેઠા હતા કે સરકાર તેમને ઉગારી લેશે. જો સરકારે એવું કર્યું હોત તો,  વણઝારાને એ સરકાર અંતરાત્માવાળી લાગી હોત. પરંતુ છ વર્ષ રાહ જોયા પછી એકેય બાજુથી મદદ આવતી ન દેખાઇ, ત્યારે વણઝારાને ગાંધીજી યાદ આવ્યા છે.

પત્રકણિકા ૫ : દિલ્હી પહોંચવાની ઉતાવળમાં મુખ્ય મંત્રી મહેરબાની કરીને જેલમાં પુરાયેલા પોલીસ અફસરોનું એ ૠણ ચૂકવાનું ભૂલી ન જાય કે તેમને બહાદુર મુખ્ય મંત્રી તરીકેનું તેજવર્તુળ આ જ અફસરો થકી મળ્યું છે. બીજા કોઇ મુખ્ય મંત્રીના નામ આગળ ‘બહાદુર’નું વિશેષણ મુકાતું નથી. 

અમિત શાહનું શાબ્દિક અને બને તો રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લખાયેલા હોય એવા આ પત્રમાં ડી.જી.વણઝારાએ એક મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો નથી : તેમની ટુકડીએ કરેલાં એન્કાઉન્ટર  વખતે એવી વાર્તા કહેવામાં આવતી હતી કે મરનાર ‘ત્રાસવાદીઓ’ મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવ્યા હતા. આ જાતની કથાએ ગુજરાતના મુખ્ય મંત્રીના નામ પહેલાં ‘બહાદુર’નું વિશેષણ મૂકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેનો રાજકીય ફાયદો પણ મળે જ. પરંતુ એ ‘ૠણ ચૂકવવાનો સમય’ આવ્યો ત્યારે ‘ભગવાન’ ખસી ગયા અને ‘ભક્ત’ ફસાઇ ગયા. આ પત્રનું મુખ્ય નિશાન અમિત શાહ હોવાથી આ વાત કદાચ આટલી સીધી રીતે લખાઇ નહીં હોય. પરંતુ પત્રમાં છેલ્લે વણઝારાએ સલુકાઇથી બહાદુરીના તેજવર્તુળનો મુદ્દો લખીને મુખ્ય મંત્રીને વાસ્તવિકતાની યાદ અપાવી- અથવા આડકતરી ચીમકી આપી હોય- હોય એવું લાગે છે.

પત્રકણિકા ૬ :  છેલ્લાં છ વર્ષમાં જેલમાં પુરાયેલા ગુજરાતના પોલીસ અફસરો સાથેની સતત છેતરપીંડીને કારણે ગુજરાતની પોલીસ સાવ વિચ્છિન્ન અને ઓસરેલા મનોબળની અવસ્થામાં છે....ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે કેવળ બોલવામાં બહાદુર ને કરી બતાવવામાં કાયર, કામગીરીમાં નપુંસક એવી કરોડરજ્જુ વગરની આ સરકાર મારાં ભરોસો, વફાદારી અને રાજ્યનિષ્ઠાને પાત્ર રહી નથી. 

પત્રમાં ફક્ત ગુજરાતના જ નહીં, દેશભરના પોલીસતંત્રના નૈતિક બળની ચિંતા કરનારા વણઝારાને ગુજરાતના તેમના તંત્રના એ સાથીદારો નહીં દેખાતા હોય, જેમણે ‘સરકાર’ને બદલે ‘રાજ્ય’ને વફાદાર રહેવાનાં માઠાં પરિણામ ભોગવ્યાં? વણઝારા અને તેમની ટુકડીના બીજા સાથીદારો સરકારના ‘હા’માં ‘હા’ મિલાવીને મહાલી રહ્યા હતા ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને કારણે રાજ્ય સરકાર તરફથી અવહેલના પામેલા પોલીસ અફસરોનો વિચાર કદી વણઝારાને આવ્યો હતો? અને હજુ પણ આવે છે?

વણઝારાનો પત્ર ખરેખર તો પોલીસતંત્ર માટે પ્રેરણાદાયી બની શકે છે. કારણ કે તેનો બોધપાઠ છે : સાહેબોના વહાલા થવા માટે તેમનાં ગમે તેવાં કામ કરી આપવામાં ટૂંકા ગાળાનો ફાયદો હોય તો પણ લાંબા ગાળે એ જોખમી નીવડી શકે છે. એને બદલે સત્તાધીશોના ગેરકાનૂની હુકમો સામે ‘નો સર’ કહેવામાં ટૂંકા ગાળે કદાચ થોડું નુકસાન હોય તો પણ લાંબા ગાળે એ ફાયદાકારક અથવા ઓછું નુકસાનકારક નીવડે છે.

સરકાર અને પોલીસ વચ્ચેનો સંબંધ ભગવાન-ભક્ત કે માલિક - પાલતુ કૂતરા વચ્ચેનો હોય એવો નહીં, બન્ને એકબીજાથી અમુક હદે બીતા રહે અને ખોટું કરતાં-કરાવતાં ખચકાય એવો હોવો જોઇએ. રાજ્યના ખરા માલિક એવા નાગરિકો માટે એ ઇચ્છનીય અને ઉત્તમ સ્થિતિ છે.  

7 comments:

 1. જ્યારે પણ આવો વિશિષ્ટ વિષય આવે છે અને સામે દસ પાનાંના કાગળ જેવું વિસ્ફોટક મટીરીયલ હોય ત્યારે હું મનોમન નક્કી કરી લઉ છું કે આખો કાગળ કે તે વિષે સમાચાર વગેરેમાં ઊંડાણમાં જવા કરતાં, ઉર્વીશભાઈ આખી વાત કાંકરા-પથ્થર વીણીને કરશે એટલે અમે 'તૈયાર ભાણે' વાંચી લઈશું! અને જુવો ને, દરેક વખતે તમે નિરાશ નથી કરતાં... આ વખતે તમે પણ એનકાઉન્ટરના વૃન્દાવનમાં વણઝારાનાં પત્ર-સંગીત અંગે કેવું સચોટ અને કરપીણ 'ચિંતન' કર્યું છે! :-)

  ReplyDelete
  Replies
  1. ગુજરાતી વાચક માટે ઉર્વીશ જેવા પત્રકારની ખાસ જરૂર રહે છે. કારણ કે સરેરાશ ગુજરાતી વાચક એક નાના બાળક જેવો છે, એ કોઈ પણ લખાણને લોલિપોપ જેવુ સમજીને ચાટી જાય છે. એ ભાગ્યે જ એના સૂચિતાર્થો, એના ગર્ભિત અર્થો અથવા અંગ્રેજીમાં જેને 'બીટવીન ધ લાઇન્સ' વાચન કહેવાય છે એવું કશું પામી શકતો હોય છે! અહી જે રીતે વંણઝારાના પત્રની અગત્યની એકેએક 'કણિકા' ને પૂર્વાપર સંબંધ આપી ખોલી બતાવી છે એથી અંધ મોદીભક્તો સમેત સૌને માટે વણઝારા-મોદી-અમિત પ્રકરણ સમજવામાં-પચાવવામાં ખૂબ જ આસાની થઈ જશે.

   Delete
 2. Anonymous7:54:00 AM

  WELL I AM COMMON MAN AND A SENIOR CITIZEN AND I DO NOT WANT TO SAY ANYTHING ABOUT THIS POLITICAL CONTROVERSY, BUT AT THE SAME TIME I REMEMBER THE ADVICE GIVEN BY LATE SHRI JAYPRAKASH NARAYAN TO ALL THE GOVERNMENT OFFICIAL IN 1973-74 AGITATION - BE LOYAL AND FAITHFUL TO THE CONSTITUTION OF INDIA AND DO YOUR DUTY WITHOUT ANY FEAR OF ANY POLITICAL LEADER - MINISTER OR EVEN PRIME MINSTER. HAD THIS VANZARA AND GROUP FOLLOWED THIS ADVICE SINCERELY THEIR FATE WOULD HAVE BEEN DIFFERENT ONE.

  ReplyDelete
 3. Anonymous10:54:00 AM

  Rutuj Joshi : well said.

  ReplyDelete
 4. Anonymous3:11:00 PM

  સરસ..
  આ૫ની ફરજનિષ્ઠાને સલામ....

  ReplyDelete
 5. Anonymous1:39:00 PM

  નીરવભાઈ લખે છે, અંધ મોદીભક્તો સમેત સૌને માટે વણઝારા-મોદી-અમિત પ્રકરણ સમજવામાં-પચાવવામાં ખૂબ જ આસાની થઈ જશે. (અંધ મોદીભક્તો કશું પણ પચાવવા માટે અક્ષમ છે.)

  ReplyDelete