Sunday, September 29, 2013

વિદેશમાં યુવાન મોહનદાસને અવળા રસ્તેથી પાછા વાળનાર ગાંધીકથાનું વિશિષ્ટ પાત્ર : બેરિસ્ટર મજુમદાર

વિદ્યાર્થી અવસ્થામાં ગાંધી : Gandhi the law student

પારદર્શકતા માટે વખણાતી ગાંધીજીની આત્મકથામાં કેટલાક પ્રસંગો નિખાલસ એકરારની હદ ગણાય એવા છે. એમાંનો એક તેમણે ‘નિર્બલકે બલ રામ’ (પ્રકરણ ૨૧)માં ટૂંકાણમાં અને ‘નવજીવન’ના ૧૭-૫-૧૯૨૫ના અંકમાં થોડી વિગતે લખ્યો છે.

માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા માતા સમક્ષ કરીને બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયેલા ૧૯ વર્ષના મોહનદાસ અને તેમના એક મિત્ર અન્નાહારી (શાકાહારી) જૂથની એક સભા માટે પોર્ટસ્મથ ગયા હતા. ત્યાં શું થયું એનું વર્ણન વીજળીના ચમકાર જેવા, ટૂંકા છતાં ઝળાંહળાં કરી નાખનારા ગાંધીજીના વાક્યોમાં ઃ

‘(અમે) બે મિત્રો એક ઘરમાં રહેતા હતા. ઘરધણિયાણી અડધી વેશ્યારૂપ હતી. તેની સાથે અમે બે જણ પાનાં રમવા બેઠા. હું એ જમાનામાં પ્રસંગ મળ્યે પાનાં ખેલતો...આરંભ તો તદ્દન નિર્દોષ હતો. મને તો ખબર જ નહીં કે ઘરધણિયાણી પોતાનું શરીર વેચીને આજીવિકા મેળવતી હતી. પણ રમત જામી તેમ રંગ પણ બદલાયો. બાઇએ વિષયી ચેષ્ટા શરૂ કરી. મારા મિત્રને હું જોઇ રહ્યો હતો. તેણે મર્યાદા મૂકી હતી. હું લલચાયો. મારો ચહેરો રાતો થયો. તેમાં વ્યભિચાર દાખલ થયો હતો. હું અધીરો બન્યો હતો.’

‘પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? રામ તે વેળા મારા મુખમાં તો નહોતો, પણ તે મારા હૃદયનો સ્વામી હતો. મારા મુખે તો વિષયોત્તેજક ભાષા હતી. આ ભલા મિત્રે મારી ચેષ્ટા જોઇ. અમે એકબીજાને સારી રીતે જાણતા હતા. એવા કઠિન પ્રસંગોનું તેમને ભાન હતું કે હવે મારી બુદ્ધિ બગડી છે. તેમણે જોયું કે આ રંગમાં રાત વધારે વીતશે તો તેમની પોતાની જેમ હું પણ પડીશ.’

‘વ્યભિચારી મનુષ્યોમાં પણ સુવાસનાઓ હોય છે તેનો ખ્યાલ પહેલવહેલો આ મિત્રે આપ્યો. મારી દીન સ્થિતિ જોઇને તેમને દુઃખ થયું. હું તેમનાથી નાનો હતો. તેમની મારફતે મને રામ સહાય થયા. તેમણે પ્રેમબાણ શરૂ કર્યાં, ‘મોનિયા, તું ચેતજે. હું તો બગડ્યો છું એ તુ જાણે છે, પણ તને નહીં બગડવા દઉં. તારી માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા યાદ કર. આ કામ તારું નથી. તું ભાગ અહીંથી. જા, સૂઇ જા. ભાગ્યો? મેલ પાનાં.’

‘મેં જવાબ આપ્યો કે નહીં એ યાદ નથી. મેં તો પાનાં મેલ્યાં. ક્ષણભર દુઃખ થયું. લજવાયો. છાતી ધડકવા લાગી. હું ઊભો થયો. પથારી લીધી.’

‘હું જાગ્યો. રામનામ શરૂ થયું. શો બચ્યો, શો બચ્યો. ધન્ય પ્રતિજ્ઞા. ધન્ય માતા! ધન્ય મિત્ર. ધન્ય રામ. એમ મનમાં કહેવા લાગ્યો.’

આત્મકથામાં પોતાની એ સમયની મનોદશા અંગે ગાંધીજીએ લખ્યું હતું,‘કાતિલના હાથમાંથી બચીને કોઇ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.’

એ મિત્રનું નામ ગાંધીજીએ સ્વાભાવિક કારણોસર જાહેર કર્યું નથી, પણ તેમના નિકટના સાથી અને સરદાર પટેલના ચરિત્રલેખક નરહરિ પરીખે લખ્યા પ્રમાણે, આ મિત્ર એટલે બેરિસ્ટર ત્રંબકરાય મજુમદાર.

‘ગાંધીજીના વિદ્યાર્થીકાળના સમકાલીનો અને સાથીઓ’ માંથી મળતી નોંધ પ્રમાણે, ત્રંબકરાય ત્રિકમરાય મજુમદાર જૂનાગઢના વકીલ હતા. એ ઇંગ્લેન્ડ જવાના છે એવી જાણ થતાં, તેમનો સંગાથ જોઇને છોકરડા મોહનદાસની પણ ટિકીટ એ પ્રમાણે કઢાવવામાં આવી. મિત્રો-સ્નેહીઓએ શરમાળ મોહનદાસની ભાળવણી મજુમદારને કરી. મજુમદારે તેમને ચિંતા ન કરવા કહ્યું. સપ્ટેમ્બર ૪, ૧૮૮૮ના રોજ મુંબઇથી ‘ક્લાઇડ’ સ્ટીમરમાં બન્ને ઇંગ્લેન્ડ જવા રવાના થયા. મુસાફરી દરમિયાન મજુમદાર મોહનદાસને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવતા. વકીલની જીભ છૂટી હોવી જોઇએ એમ કહેતા અને વકીલ તરીકે પોતાના અનુભવો વર્ણવતા હતા. તેમણે મોહનદાસને સલાહ આપી હતી કે ભૂલ પડે તો પણ અંગ્રેજી બોલવાની છૂટ રાખવી જોઇએ. પરંતુ પ્રકૃતિ એટલી સહેલાઇથી બદલાય?

ઇંગ્લેન્ડના વેંટનરમાં અન્નાહાર વિશેની એક સભામાં ગાંધીજી સાથે મજુમદાર પણ હતા. તેમાં ગાંધીજી લખેલું પ્રવચન વાંચવા ઊભા થયા, પણ વાંચી શક્યા નહીં. તેમણે લખ્યું છે,‘આંખે સૂઝે નહીં ને હાથપગ ઘૂ્રજે. મારું ભાષણ ભાગ્યે જ ફૂલ્સ્કેપનું એક પાનું હશે. તે મજુમદારે વાંચી સંભળાવ્યું. મજુદમારનું ભાષણ તો સરસ થયું. સાંભળનારા તેમનાં વચનોને તાળીઓના અવાજથી વધાવી લેતા હતા. હું શરમાયો અને મારી બોલવાની અશક્તિને લીધે દુઃખ પામ્યો.’

મજુમદાર મિડલ ટેમ્પલમાં દાખલ થયા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઇને ભારત પાછા આવ્યા. નરહરિભાઇએ સરદારની હયાતીમાં લખેલા તેમના ચરિત્ર ‘સરદાર વલ્લભભાઇ’ના પહેલા ભાગમાં બેરિસ્ટર મજુમદારનો ઉલ્લેખ કર્યો છે. વલ્લભભાઇએ અમદાવાદમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી એ સમયનું વર્ણન કરતાં નરહરિભાઇએ લખ્યું છે,‘મહાદેવભાઇ અને હું તદ્દન નવા વકીલો હતા અને ખાસ રસ પડે એવા કેસો હોય ત્યારે સેશન્સ કોર્ટમાં સાંભળવા બેસતા. કેટલાક વકીલોનાં અમે નામ પાડ્યાં હતાં...એક ત્રંબકરાય મજુમદાર બેરિસ્ટર વયોવૃદ્ધ હતા અને બહુ થોડા કેસમાં આવતા પણ જ્યારે આવતા ત્યારે મોટી ગર્જનાઓ કરી કોર્ટને ગજાવતા. આ એ જ મજુમદાર બેરિસ્ટર જે ગાંધીજી બેરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે એમની સાથે સ્ટીમરમાં હતા અને વિલાયતમાં જેમણે ગાંધીજીને ‘તારામાં આ કળજુગ કેવો. તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.’ એમ કહીને પડતા બચાવ્યા હતા. આ વાત તે દિવસે કાંઇ અમે જાણતા નહીં. પણ એમની આકૃતિ અને એમની ગર્જનાઓને લીધે અમે એમને સિંહ કહેતા...હું કોઇ કોઇ વાર આ મજુમદાર બેરિસ્ટરને ઘેર જતો.’
ત્ર્યંબકરાય ત્રિ. મજુમદાર/ Traymbakray T. Majumdar
વડોદરા સ્ટેટના ડોક્ટર અને સ્વંતત્ર મિજાજના સમાજસુધારક-કાર્યકર તરીકે જાણીતા ડો.સુમંત મહેતાએ તેમના પુસ્તક ‘સમાજદર્પણ’માં નરહરિભાઇને ટાંકીને લખ્યું છે, ‘મજુમદાર મિજાજે લહેરી અને ટીખળી હતા. વર્ષો પછી એક દિવસે સાબરમતી આશ્રમમાં આવી પહોંચ્યા. (૧૯૧૮ કે ૧૯ની આ વાત છે.) એમણે પોતાની ટોપી માથા પરથી ઉતારીને ગાંધીજીના પગ આગળ મૂકીને ગાંધીજીને કહ્યું કે ‘મોહન, તું હવે મહાત્મા થઇ ગયો છે તેથી હું તને નમસ્કાર કરું છું. ગાંધીજી એમને ભેટી પડ્યા. પછી ગાંધીજીની માંદગી વિશે વાત નીકળતાં મજમુદારે તેમને કહ્યું કે ‘મોહન, તું પથારીમાં મરવાનો નથી.’ આ વાત ડો. સુમંત મહેતાએ નરહરિભાઇ પરીખને ટાંકીને લખી છે.

ડોક્ટરે નોંઘ્યું છે કે ‘ગાંધીજીને એક અંગ્રેજ યુવતી સાથે વધારે પડતી દોસ્તી થતી હતી, ત્યારે તેમને એક મિત્રે ચેતવણી આપી કે ‘મોહન આ તારું કામ નથી.’ આ વાત ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખી છે. એ નથી લખ્યું કે તે મિત્ર બેરિસ્ટર મજુમદાર હતા.’

ડો.મહેતાએ આ વાતો યાદશક્તિના આધારે લખી હોવાથી તેમની વિગતોમાં થોડી ભેળસેળ થઇ હોવાનો સંભવ છે. બેરિસ્ટર મજુમદારે ગાંધીજી વિશે શું કહ્યું હતું તેનું વિગતવાર અને આધારભૂત વર્ણન નરહરિભાઇએ તેમના પરમ મિત્ર મહાદેવ દેસાઇને લખેલા એક પત્રમાં મળે છે. મહાદેવ દેસાઇના ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’માં  લેખક નારાયણ દેસાઇએ ‘શ્રી મજુમદાર નામની વ્યક્તિ જોડે થયેલી વાતચીતનો અહેવાલ’ તરીકે આ પત્ર ટાંક્યો છે. નરહરિભાઇએ લખ્યું હતું,

‘(મજુમદાર) બાપુના વિશે બહુ સરસ બોલવા માંડ્યો. પહેલાં તો કહે, ગાંધી હઠીલો તો પહેલેથી જ. છેક નાનો હતો ત્યારથી અને કંઇક વિચાર થયો કે તરત અમલમાં મૂકનાર...એ માણસમાં કાંઇક દેવતાઇ શક્તિ તો નાનપણથી જ. અત્યારે પણ લિટલ નોલેજ (અલ્પજ્ઞાન), એમાઉન્ટ ઓફ ઇગોટીઝમ (ખાસ્સો અહમ્‌) એન્ડ પરફેક્ટ ઇગ્નોરન્સ ઓફ હિસ્ટરી (અને ઇતિહાસનું સંપૂર્ણ અજ્ઞાન) હોવા છતાં એનામાં કાંઇ ઇન્ટ્યુઇટિવ ઇન્સ્પિરેશન (અંતરસૂઝવાળી પ્રેરણા) છે તેથી જે પાસા નાખે છે તે સવળા પડે છે. એને ન ઓળખતો હોય તેને તો કેટલીક વખત માણસ સ્કીમિંગ (કાવતરાબાજ) પણ લાગે. પણ જરાયે સ્કીમિંગ નથી. કામ હાથમાં લીધા પછી મેથડ્‌ઝ (કાર્યપદ્ધતિ) ને બધાનો વિચાર તો કરે છે.’

‘સાચો એના જેવો કોઇ નહીં. પણ સત્યની સાથે એનામાં ઇગો (અહમ્‌) બહુ લાગે છે. બસ તે કહે તે જ સત્ય. સત્ય તો દુનિયામાં અનાદિકાળથી છે અને હવે મેં કહાડ્યું તે જ સત્ય એમ કહેવા લાગ્યો છે. જેનેતેને કહેવું કે મને તો આ સત્ય લાગે છે. હું આમ કહું છું. તમને નાપસંદ હોય તો તમે તમારે રસ્તે, હું મારે રસ્તે. એ શું? પણ એ જ એની ખૂબી છે. એને લીધે જ એ ફાવે છે અને એનું બળ પણ ઝાઝું એમાં રહેલું છે કે દુઃખી અને ગરીબોનો એ બેલી છે. તેમનાં ઝૂંપડાંમાં જઇને દયા વિસ્તારનારો એ છે. હિંદુસ્તાન અત્યારે દુઃખી છે એટલે આ તારનારને પૂજે છે. હિંદુસ્તાન તો શું પણ અત્યારે ઇજિપ્તમાં જઇને ઊભો રહે તો ત્યાં પણ ‘મહાત્મા ગાંધીજી કી જય’ બોલે. અને હું તો એટલે સુધી કહું છું કે જર્મની અને રશિયાને પણ કોઇ દિલાસો આપી શકે તો તે ગાંધી જ છે. તું યાદ રાખજે હું ભવિષ્ય ભાખું છું...’

‘અમે સાથે ઇંગ્લેન્ડ ગયા. મારે માટે એ થોડું રોકાયો અને હું તો ખાઇને બેસી રહું છું અને એ તો ચઢ્‌યે જ ગયો. અત્યારે (હું) એના પગ આગળ બેસવાને પણ લાયક નથી. ખરો મહાત્મા છે. અવતારી છે. જિસસ ક્રાઇસ્ટ કરતાં ચઢે. હું તો આશ્રમમાં આવતાં ડરું છું. મને એમ લાગે કે કદાચ હું મારું પાપ ત્યાં અડકાડી દઉં. એની સામું હું જોઇ શકતો નથી. એના પગનો સ્પર્શ કરવામાં અભિમાન લઉં છું. જે અત્યારે એને પૂજતા નથી તે લાઇફ ગુમાવે છે. એના આપણે કંટેંપરરી (સમકાલીન) છીએ એ પણ મોટું ભાગ્ય માનવાનું છે. મને કહે કે હવે બરાબર સેવા કરજે...એક વાત ભૂલી ગયો. કહે કે એનું મૃત્યુ કોઇક અને તે હિંદીના ઘાથી જ થવાનું છે. બધા પ્રોફેટ્‌સ (પયગંબરો) એમ જ મૂઆ છે...આપણો જ કોઇ માણસ એને શૂટ કરશે અને તેમાંથી નવું હિંદ ઉત્પન્ન થશે.’

જવાબમાં મહાદેવભાઇએ લખ્યું, ‘મજુમદારની એનેલિસિસ બહુ જબરી છે. બહુ ખરી છે.’

નવાઇની વાત એ છે કે મજુમદારનું આ પૃથક્કરણ ગાંધીજીએ રાષ્ટ્રિય સ્તરે કોઇ મોટું આંદોલન ઉપાડ્યું તે પહેલાંનું હતું. ગાંધીજીનું આખું જીવન જોયા પછી પણ આટલાં ઓછાં વાક્યોમાં, આટલું સચોટ વિશ્લેષણ ભાગ્યે જ હોઇ શકે.  મજુમદારના ત્યાર પછીના જીવન વિશે કશી માહિતી મળતી નથી. કોઇ વાચક એ દિશામાં વઘુ વિગત આપી શકશે તો આનંદ થશે. 

3 comments:

  1. ખરેખર, વર્તમાન સમયમાં અનેક યુવાનોને આ લેખ ઘણ ઉપોયગી સાબિત થશે.

    ReplyDelete
  2. bahuj pasand padyo aa lekh

    ReplyDelete
  3. What a fascinating piece!

    ReplyDelete