Friday, July 05, 2013

રીવ્યુનો રીવ્યુ

ફિલ્મોના રીવ્યુની પ્રથા પણ લગભગ ફિલ્મો જેટલી જ જૂની છે. ૧૯૩૫માં ફિલ્મોમાં પાર્શ્વગાયન- પ્લેબેકની પ્રથા શરૂ થઇ અને એ જ વર્ષે ‘ફિલ્મઇન્ડિયા’ સામયિક શરૂ થયું. તેના તંત્રી બાબુરાવ પટેલ દ્વારા લખાતા ફિલ્મોના રીવ્યુ ભાષાની મૌલિકતા, શૈલી અને આક્રમકતા માટે ઘણા વખણાયા અને ચર્ચાયા. બાબુરાવનું અંગ્રેજી એટલું હિંસક હતું કે મંટો જેવા ઘુરંધર ઉર્દુ સાહિત્યકારે તેમાં રહેલી વિશિષ્ટ કટુતા ‘બીજા કોઇને નસીબ થઇ નથી’ એવું નોંઘ્યું હતું. દાયકાઓ પછી બાબુરાવના રીવ્યુનો નવેસરથી રીવ્યુ કરીએ તો તેમાં રહેલી આત્યંતિકતા અને કૃપા કે કોપ સાથે વરસી પડવાની વૃત્તિ ઉડીને આંખે વળગે છે. તેના કારણે રીવ્યુ વાંચવાની ગમે તેટલી મઝા આવે તો પણ એ રીવ્યુ પરથી ફિલ્મ વિશે અભિપ્રાય બાંધવાનું અશક્ય બની જાય છે. બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી કે ડૂબી જતી હતી, એવું એમના પ્રશંસકો માનતા હતા. પરંતુ ૧૯૩૦-૪૦-૫૦ના દાયકામાં કેટલા ભારતીય અંગ્રેજી સામયિકમાં- અને એ પણ ફિલ્મ સામયિકમાં- આવેલા રીવ્યુના આધારે અભિપ્રાય બાંધતા હશે, એ કલ્પી શકાય છે.

ફિલ્મો વિશે લખનારાની એક તાસીર વર્ષોથી રહી છેઃ તેમાં લખનાર પોતાની જાતને કંઇક વધારે પડતી જ ગંભીરતાથી લે છે- જાણે કહેતા હોય, ‘જુઓ, જુઓ, હે અજ્ઞાનીઓ. હું કેટલો જ્ઞાની છું કે ફિલ્મ જેવા વિષય ઉપર પણ હું મારા જ્ઞાનનાં પોટલાં ઠાલવું છું અને જાતજાતની ફિલસૂફીઓ ઝાડું છુ. જુઓ, જુઓ. મને ફિલ્મમાં કેટલી ખબર પડે છે..જુઓ, જુઓ, હું બધા ફિલ્મ બનાવનારા કરતાં પણ વધારે હોંશિયાર છું...જુઓ, જુઓ, મેં ફિલ્મમાંથી જે શોધી કાઢ્‌યું છે એ તો કદાચ એના ડાયરેક્ટરને પણ ખબર નહીં હોય...મારા રીવ્યુ વાંચો અને મને એવા ભ્રમમાં રહેવા દો કે મારા રીવ્યુ વાંચીને લોકો ફિલ્મ વિશે અભિપ્રાય બાંધે છે...તમે ફિલ્મ જુઓ કે ન જુઓ, પણ મારા રીવ્યુ વાંચો અને મારી પંડિતાઇ પર વારી-ઓવારી જાવ..વાંચો, વાંચો, હે અજ્ઞાનીઓ, મારા ફિલ્મના રીવ્યુ વાંચો અને સિનેમાઇ મોક્ષ પ્રાપ્ત કરો.’

ફિલ્મી રીવ્યુ પહેલાં મુખ્ય ધારાનાં અખબાર-સામયિકોમાં અને ચર્ચામાં એક ખૂણે રહેલી ચીજ હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં રીવ્યુ પ્રવૃત્તિએ જબરો ઉપાડો લીધો છે. ફિલ્મો વિશે ચાલતી ચર્ચા અને તેની તીવ્રતા જોઇને ક્યારેક એવું લાગે કે જાણે દેશદુનિયાના સાંપ્રત જીવનમાં ચર્ચા કરવાનો મુખ્ય મુદ્દો ફિલ્મો ને બસ, ફિલ્મો જ છે. દરેકને પોતપોતાનો અભિપ્રાય આપવાનો લોકશાહી અધિકાર છે. એ વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય, પણ ફિલ્મના રીવ્યુ જેવી બાબતમાં લોકો જે જાતના જુસ્સા અને અધિકાર સાથે, પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કે જાતે જ પોતાની પાત્રતા નક્કી કરી દઇને જે ઝૂડાઝૂડ-ફેંકાફેંક કરે છે એ કરૂણ ન લાગે તો હાસ્યાસ્પદ લાગે છે.

ક્રિકેટની જેમ ફિલ્મ વિશે લખવા માટે કશી વિશેષ પાત્રતાની જરૂર પડતી નથી. ઉલટું, એ ચર્ચામાં રહેવાનો સૌથી ટૂંકો, અસરકારક અને ગળચટ્ટો રસ્તો છે. ઉમદા ક્રિકેટલેખકોની જેમ ઉમદા ફિલ્મવિષયક લેખકોનો વર્ગ છે જ. એવા લોકો માસ્તરગીરીમાં સરી પડ્યા વિના કે પોતાના અભિપ્રાયોથી જાતે જ અભિભૂત થવાની આત્મરતિથી બચીને, સજ્જતાપૂર્વક ચુનંદી ફિલ્મો વિશે કે ફિલ્મી વિષયો અંગે લખે છે. તેમને દર બીજી ફિલ્મ વિશે ઢસડમપટ્ટી કરીને ‘ફિલ્મોના ભાષ્યકાર’ તરીકે ઓળખાવાની વાસના હોતી નથી.

વ્યાવસાયિક રીવ્યુકારોને સમયના અભાવે અને ફિલ્મોની મોટી સંખ્યાને લીધે અનેક પ્રકારનાં પાપ કરવાં પડે છે. અંગ્રેજીમાં રીવ્યુ લખનાર કેટલાંક જાણીતાં નામ પણ હોલિવુડની ફિલ્મોના રીવ્યુની તફડંચી માટે કે ‘વ્યવહારુ’ રીવ્યુ માટે કુખ્યાત થયાં હતાં. ગુજરાતીમાં ફિલ્મ વિશેનાં મોટા ભાગનાં લખાણ ભાવવિભોર પ્રકારનાં કે સમજણને બદલે આત્મરતિના આયનામાં પડેલાં પ્રતિબિંબ જેવાં, તો કેટલાંક અત્યંત એકેડેમિક પ્રકારનાં હોય છે. ‘અમે ફિલ્મ વિશે નહીં લખીએ તો પ્રજા અમારા કિમતી અને પવિત્ર અભિપ્રાયોથી વંચિત રહી જશે. અમે એમનું આવું અહિત થવા નહીં દઇએ’ એવા ભવ્ય ભ્રમમાં રહેવું એ ફિલ્મો વિશે ફેંકાફેંક કરવા માટેની પહેલી શરત છે. માનસિક રીતે પુખ્ત વયના લોકો આ સમજે છે. એટલે તે રીવ્યુથી દોરવાતા નથી અથવા રીવ્યુ લખનારાની ગંભીરતા વિશે રમૂજ અનુભવીને આગળ વધી જાય છે.

(તંત્રીલેખ, ગુજરાત સમાચાર, ૫-૭-૨૦૧૩)

6 comments:

  1. પ્રિય ઉર્વિશભાઇ,

    આ લેખ સાચે જ તંત્રીલેખની કક્ષાનો જ છે. હું પણ આવા રીવ્યુ લેખકો માંનો એક છું. એમ છતા પણ આપની આ વાતોને યાદ રાખીશ. મને પણ હમણા હમણા આવી વાતો વાંચવામાં આનંદ આવે છે અને હું પણ ખી ખી ખી કરુ છું કેમ કે આખરે તો હું એક વાંચક જ છું...

    સમીર જગોત

    ReplyDelete
  2. સાવ સાચી વાત છે. ઉર્વીશભાઈ તમારી વધુ પડતા અંગ્રેજી, હિન્દી અને બીજા જાતજાતના શબ્દોના આડંબર વિનાની ગુજરાતી ભાષા મને ખૂબજ ગમે છે. તમારી અભિવ્યક્તિ એકદમ સ્પષ્ટ અને સચોટ છે. ફિલ્મ રીવ્યુ અત્યારે એક પેઇડ બિઝનેસ અથવા જ્ઞાની દેખાવાનો પેંતરો બની ગયો છે. એક સમય એવો હતો કે વિવેચકો ક્લાસ વસ્તુમાં પણ સત્તર જાતની ભૂલો અને ખામીઓ શોધીને એની ઝાટકણી કાઢી નાખતા હતા અને કોઇને ક્રીટીકલ એક્લેઇમ મળે તો એ બહુ મોટી સિદ્ધિ ગણાતી પણ અત્યારે તો વિવેચકોને દર બીજી ફિલ્મ ગમી જાય છે. ધનુષની ફિલ્મ તો સારી જ હોય, રણબીર કપૂર, વાઉ... આ બધા લેખકો પણ હવે માસ અપીલ મેળવવામાં જ ડૂબી ગયા છે. રાઉડી રાઠોડ છાપ અક્ષય કુમારો, સિંઘમ છાપ અજય દેવગણો અને દબંગ છાપ સલમાનો માત્ર ફિલ્મજગતમાં જ નહીં પણ લેખન જગતમાં પણ છે...
    કુલદીપ કારિયા

    ReplyDelete
  3. Salil Dalal (Toronto)6:26:00 AM

    બહુ જ મઝા પડી. આ સપાટામાં મારી પણ ગણત્રી હોય તો પણ ખરેખર બહુ મઝા આવી. My compliments!

    ReplyDelete
  4. સલિલભાઇ, તમારે આવું લખવાનું ન હોય, છતાં તમે લખ્યું. એટલે મારે પણ જે લખવાની જરૂર ન હોય તે હું લખું છું- ’આમાં તમારી ગણત્રી ન જ હોય.’ :-)

    ReplyDelete
    Replies
    1. Salil Dalal (Toronto)5:26:00 PM

      આભાર ઉર્વીશ... સ્પષ્ટતા બદલ. ‘ચિલમ’ના નિયમિત વાચકો જાણે છે એમ, મારા દરેક લેખમાં અખબારે ફાળવેલી જગ્યાના પ્રમાણમાં એક કરતાં વધુ મુદ્દા (અગાઉ ૧૫-૨૦ અને હવે ૫-૧૦ મુદ્દા) આવરતો હોઇ એ સવાલ જ નહતો. તેમાંનો નવી રિલીઝ થયેલી ફિલ્મ વિશેની વાત એ ઘણા મુદાઓ પૈકીની એક હોય. તેમાં અછડતી રીતે ગણત્રીનાં વાક્યોમાં જ ફિલ્મની ‘કોમેન્ટ’ કરીને બહુધા તેના બિઝનેસના એંગલને મૂલવવાનો જ પ્રયાસ રહે છે.
      પરંતુ, આ ખુલાસો મારા કરતાં વધારે એવા મિત્રો માટે જરૂરી હતો, જેમણે આ આખો લેખ મને મોકલીને લખ્યું છે કે ‘A big slap on all the Salil Dalal types film writers by Urvish Kothari’.
      મને લાગ્યું કે આવી ગેરસમજ મિત્રોમાં હોય તો આ તંત્રીલેખના સપાટામાં કમસે કમ સલિલ દલાલ નથી એટલી મિત્રોને જાણકારી થાય એ જ આશય હતો. No more, No less.

      Delete
  5. બીરેન કોઠારી7:22:00 PM

    @ સલીલભાઈ, તમે ફિલ્મના વિવેચક કે ટીકાકાર બનીને તમારું જ્ઞાન છાંટવાનો પ્રયત્ન ક્યારેય કર્યો નથી. તમારી કોલમમાં ૧૫-૨૦ મુદ્દાઓ (ટીટ્સબીટ્સ) સાંકળીને, જે સફાઈથી તમે વિષયાંતર કરતા હતા એ તમારી શૈલીના પ્રેમમાં તો મારા જેવા કંઈક હતા (અને છે.) ફિલ્મમાધ્યમના પ્રેમી તરીકેનો અભિગમ તમારો હોય છે. જ્યારે આ લેખની વાત એવા જીવોની છે, જે લોકો પર પોતાના માની લીધેલા જ્ઞાનથી છવાઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. તમને આ લેખ મોકલનાર અને all the Salil Dalal types લખનાર મિત્ર(?)ને એટલું જ પૂછવાનું કે સલીલ દલાલ જેવા બીજા કોઈ છે ખરા? સલીલ દલાલ તો અનન્ય છે. (અને આ ભક્તિભાવ નથી.)

    ReplyDelete