Monday, July 01, 2013

કેદારનાથ દુર્ઘટના(1) : કુદરતી કોપને વકરાવતો માનવીનો ‘વિકાસ’

બે વર્ષ પહેલાંની વાત છે. ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના નામે અન્ના હજારે અને બાબા રામદેવ દેશભરમાં છવાયેલા હતા. નવ દિવસમા ઉપવાસમાં બીમાર પડી ગયેલા રામદેવને દેહરાદુનની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. એ જ હોસ્પિટલમાં ૩૪ વર્ષના સ્વામી નિગમાનંદે પાંચેક મહિનાના ઉપવાસ પછી ૧૩ જુન, ૨૦૧૧ના રોજ દેહ છોડ્યો. પ્રસાર માઘ્યમોમાં તેમની છૂટીછવાઇ નોંધ આવી, પણ બાબા-અન્ના જુગલબંધીના ટીઆરપી-ફ્રેન્ડલી સમાચારો સામે સ્વામી નિગમાનંદના સમાચાર ખૂણામાં ધકેલાઇ ગયા.
swami nigamanand/ સ્વામી નિગમાનંદ
પાંચેક હજારથી પણ વઘુ માણસોનો ભોગ લેનાર કેદારનાથ દુર્ઘટના પછી સ્વામી નિગમાનંદ યાદ આવવાનું કારણ? આમ તો કારણ યાદ કરાવવું પડે એ પણ કરૂણતા છે. કારણ કે સ્વામી નિગમાનંદ ગંગાના પટમાં થતા બેફામ ખોદકામ અને ખાણકામ સામે ઝઝૂમતા હતા. તેમને અને તેમના સાથીદારોને ચિંતા હતી કે આ રીતે ગંગા નદી અને તેની આસપાસના પર્યાવરણનો ખુરદો બોલી જશે. ‘ગંગા બચાવો’ અભિયાન હેઠળ અગાઉ પણ ઘણી વાર સ્વામી નિગમાનંદ ઉપવાસ કરી ચૂક્યા હતા. પરંતુ કુંભમેળા જેવા પ્રસંગે ધાર્મિક લાગણી સાચવી લેવા પૂરતું ખોદકામ-ખાણકામ મોકૂફ રહેતું હતું અને પ્રસંગ પૂરો થયા પછી ફરી શરૂ. તેમાં ન કોઇ ધારાધોરણ હતાં, ન કોઇ મર્યાદા. આખા વિસ્તારના પર્યાવરણ અને તેમાં રહેતા લોકોની સલામતી સાથે સીધો સંબંધ ધરાવતો આ મુદ્દો સરકારને મન ફક્ત ‘ધાર્મિક લાગણી’નો હતો. લોકોની સલામતી સાથેના તેના સંબંધનો પ્રત્યક્ષ પુરાવો કેદારનાથની દુર્ઘટનાથી મળી ગયો.

કેદારનાથમાં સમસ્યાની શરૂઆત વાદળ ફાટવાથી- એક સાથે  ભારે વરસાદ તૂટી પડવાથી- થઇ. આ ઘટના સદંતર કુદરતી હતી. તેના માટે કોઇ માનવીય દખલને દોષ આપી શકાય નહીં. હિમાલય જેવા પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે શું થાય? એક તો, પોચી પડી ગયેલી જમીન અને તેની પર રહેલા મોટા પથ્થર કે ભેખડો ધસી પડે. પથ્થર-ભેખડોનું કદ આખેઆખા મકાન જેટલું હોઇ શકે અને તે ઢોળાવ પરથી ગબડે ત્યારે તેની અસર કેવી થાય એ કલ્પી શકાય છે.

બીજું, હિમાલય જેવા પ્રદેશમાં અનેક હિમનદીઓ હોય. બરફ ઓગળતાં તેમાંથી વહી નીકળતું પાણી જુદી જુદી ધારાઓ-ઉપનદીના રૂપમાં નદીઓને મળે. વરસાદને કારણે કે એ સિવાય પણ ભૂસ્ખલન થાય- જમીન ધસી પડે અને તેનો પથ્થર-ભેખડો-માટી સહિતનો કાટમાળ એકાદ ઉપનદીમાં ઠલવાય. તેના લીધે નદી અને ઉપનદી વચ્ચે પથ્થરો-ભેખડોની એક એવી દિવાલ રચાઇ જાય કે જેને કારણે નદીનું વહેણ ત્યાં
અટકી પડે. (જુઓ આકૃતિ) જાણે નદીના પ્રવાહ પર બંધાયેલો કુદરતી બંધ.

 તળાવનું આકસ્મિક સર્જન અને વિસર્જન
(સૌજન્યઃ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ)
સામાન્ય સંજોગોમાં આ બંધની પાછળના તળાવમાં નદીનું પાણી સંઘરાયેલું હોય, પરંતુ ભારે વરસાદ પડે ત્યારે ‘કુદરતી બંધ’ના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય. ભૂસ્ખલનને કારણે નદીના પાણી આડે રચાયેલો એ કુદરતી બંધ તૂટે, એટલે તેની પાછળ કેદ થયેલું પાણી ધસમસતા વેગે છૂટે અને નદીમાં ભારે પૂર આવે. તેના પરિણામે નદીના પટની આસપાસ આવતાં ગામમાં પાણી ફરી વળે.

અન્ય શક્યતા એવી રહે કે પહાડી પ્રદેશમાં રચાયેલા તળાવમાં ભૂસ્ખલનને કારણે એટલા મોટા પ્રમાણમાં કાટમાળ ઠલવાય કે તળાવનું સ્તર ઊંચું ને ઊંચું જાય અને એક તબક્કે તેનું પાણી મર્યાદા તોડીને બહાર નીકળી જાય. આને ‘તળાવ ફાટ્યું’ એવું કહેવાય. આ પણ કુદરતી ઘટના છે. તેને અટકાવવા માટે માણસ કશું કરી શકે નહીં, પરંતુ તળાવ ફાટ્યા પછી શું કરવું એમાં માણસની ભૂમિકા અને તેની દાનતનો સવાલ આવે છે.

Kedarnath/ કેદારનાથ, ઇ.સ.૧૮૮૨ : માનવવસ્તીથી દૂર, હિમાલયના ખોળે
ઉપરની બન્ને તસવીરો (જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)
ગાંધીવાદી લેખક-પર્યાવરણના અભ્યાસી અને જળસંચયની કામગીરીમાં ઊંડા ઉતરેલા અનુપમ મિશ્રે ૧૯૭૭માં તેમની ચમોલી વિસ્તારની યાત્રાનું એક વર્ણન લખ્યું હતું. તેમાં એમણે ૧૯૭૦માં થયેલી એક દુર્ઘટનાની વાત કરી હતી. એ વર્ષે આશરે આઠેક મીટર લાંબું,  દોઢેક કિલોમીટર પહોળું અને ત્રણસો ફૂટ ઊંડું ગૌના તાલ (તળાવ) ફાટ્યું હતું. વરસાદ અને ભૂસ્ખલનને કારણે આખી રાત વૃક્ષો, પથ્થરો અને ભેખડો સહિતનો કુદરતી કાટમાળ ગૌના તાલમાં ઠલવાતો રહ્યો. એક મોટી શીલાથી તળાવને કુદરતી તાળું વાગેલું હતું, પણ જળસપાટીની સાથે વધેલા દબાણે શીલાને ઉખેડી નાખી અને તળાવનું સઘળું પાણી બહાર વહી ગયું. આજે ત્યાં કેવળ ખાઇ છે અને તળાવમાં ઠલવાયેલો કાટમાળ. અનુપમ મિશ્રાએ નોંઘ્યું છે કે કાટમાળ તળાવના મોટા વિસ્તારમાં સમાઇ જવાને બદલે બહાર પડ્યો હોત તો જાનહાનિના આંકડા બહુ જુદા (ભારે) હોત.

ઇ.સ.૧૮૯૩માં ગૌના તાલની જગ્યાએ ફક્ત ખાઇ હતી.  જમીન ધસી પડવાની એક ઘટના વખતે મોટી શીલા આવીને ખાઇના સાંકડા ‘મોઢા’ આગળ ગોઠવાઇ ગઇ.  ખાઇમાં કેટલીક નદીઓનું પાણી ભરાયું, એટલે ગૌના તાલ રચાયું. અંગ્રેજ શાસકોએ આ તળાવને કારણે ઊભા થયેલા જોખમને ઘ્યાનમાં રાખીને, નજીકના ગામમાં એક તાર કચેરી - ટેલીગ્રામ ઓફિસ સ્થાપી. ત્યાંથી તળાવના સ્તર પર દેખરેખ રાખવામાં આવતી હતી. ૧૮૯૪માં તળાવનું સ્તર ભયજનક રીતે વધતાં તાર કચેરીમાંથી વહીવટી તંત્રને ટેલીગ્રામ દ્વારા આગોતરી ચેતવણી મોકલવામાં આવી. તેને કારણે નદીકાંઠાનાં ગામને વેળાસર જાણ થઇ અને મોટી જાનહાનિ ટળી ગઇ.

અનુપમ મિશ્રે નોંઘ્યું છે કે ‘ઇ.સ.૧૮૭૪માં ગૌના તળાવ ફાટવાનું છે એવી ચેતવણીનો તાર મળ્યો હતો, પણ ૧૯૭૦માં તો (આવી કોઇ ચેતવણી સિવાય) સીધા તળાવ ફાટવાના સમાચાર જ મળ્યા.’ અહીં વહીવટી તંત્રની કુશળતા અને દાનતનો પ્રશ્ન આવે છે.

આ બન્ને બાબતો ૧૯૭૦થી ૨૦૧૩ સુધીમાં, ટેલીગ્રામ યુગથી કમ્પ્યુટરયુગ સુધી પહોંચતાં, સુધરવાને બદલે વણસી છે. વર્ષ ૨૦૦૦માં ઉત્તરાખંડનું અલગ રાજ્ય અસ્તિત્ત્વમાં આવતાં, આવક અને વિકાસની લ્હાયમાં ત્યાંની સરકારોએ પર્યાવરણનો ઠંડા કલેજે દાટ વળવા દીધો છે. પર્યાવરણના મુદ્દે અંતિમવાદી વલણ લેવાની કે કોઇ પણ નવાં મકાન-રસ્તા-પુલ-ઉદ્યોગ-વીજમથકનો આંખ મીંચીને વિરોધ કરવાની વાત નથી. તેનો મતલબ એવો કે પર્યાવરણની ચિંતાને કેવળ ‘એનજીઓ પ્રવૃત્તિ’ ગણીને તેની ઉપેક્ષા કરવી? ખાસ કરીને હિમાલય જેવા ભૂસ્તરીય રીતે સંવેદનશીલ પ્રદેશમાં? પૃથ્વીના બીજા પર્વતોની સરખામણીમાં સાત  કરોડથી અઢી કરોડ વર્ષ પહેલાંના ગાળામાં અસ્તિત્ત્વમાં આવેલો હિમાલય ભૂસ્તરશાસ્ત્રના હિસાબે હજુ ‘જુવાન અને અસ્થિર’ ગણાય છે. તેમાં સતત ઉથલપાથલો ચાલતી રહે છે, જે ભૂકંપના આંચકા અને ભૂસ્ખલનો સ્વરૂપે જોવા મળે છે.

આવા વિસ્તારમાં બાંધકામ અને વિકાસને લગતા માપદંડ  મેદાની પ્રદેશ કરતાં વધારે આકરા ન હોવા જોઇએ? હિમાલયમાં આવેલાં તીર્થસ્થાનો અને ત્યાં સુધી બનેલી સડકો પછી થયેલા યાત્રાળુઓના પ્રચંડ ધસારાને કારણે પરિસ્થિતિ વધારે નાજુક બને છે. છતાં, વહીવટી તંત્રની  અને આયોજકોની સ્વાર્થપ્રેરિત કે ગાફેલિયતમાંથી જન્મેલી બેકાળજીને લીધે આ પ્રદેશોમાં કરૂણ અકસ્માત બનતા રહે છે.

(સરકાર શું કરી શકે? અને વિવિધ પક્ષની સરકારોએ શું કર્યું નથી? તેની વાત આવતા સપ્તાહે)


જાતરાધામ બન્યું આવકધામ
યાત્રાળુઓના ધસારા અને યાત્રાધામોના વ્યાવસાયીકરણનો મુદ્દો છેલ્લાં થોડાં વર્ષોમાં અત્યંત ગંભીર બન્યો છે, પરંતુ તેની શરૂઆત ક્યારની થઇ ચૂકી હતી. આઝાદી પહેલાંના સમયમાં હિમાલયનાં તીર્થસ્થાનો ખૂંદી વળેલા સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બરફ રસ્તે બદરીનાથ’માં લખ્યું છે, ‘આ પ્રદેશમાં દારૂનાં પીઠાં ક્યાંએ નહોતાં. વીસ વરસ અગાઉ ટિહરીના રાજાએ આવકની બળતરાએ દર આઠ-દશ માઇલે જાત્રાના રસ્તાઓ ઉપર પણ નાંખ્યાં. આને ‘ભઠ્ઠી’ઓ કહે છે. કારણ રાજ્ય પાસેથી ઇજારો રાખનાર ત્યાં જ ભઠ્ઠી નાંખી દારૂ ગાળે છે ને વેચે છે. કહે છે કે રાજા આ ઇજારાઓમાંથી વરસે ૭-૮ લાખ રૂ.ની આવક કરતો. આ દારૂભઠ્ઠીઓનાં ઝૂંપડાં જાત્રા રસ્તે બબ્બે ચચ્ચાર માઇલ પર આવતી ચા-દૂધની પહાડી હોટલો જેમ જ ઘાસફૂસનાં બનેલાં હોય છે. તેથી અજાણ્યો મુસાફર કે જાત્રાળુ છેતરાઇને તેમાં પેસવા જાાય છે. પણ તરત જ તેને પાછા ફરવું પડે છે. ’

No comments:

Post a Comment