Wednesday, July 03, 2013

(તપાસ)પંચ તંત્રની વાતો

ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર સંબંધે ચાલતી તપાસ દરમિયાન જાહેર થયું છે કે કેટલાક એન્કાઉન્ટર-કર્તાઓ મુખ્ય મંત્રી માટે ‘ધોળી દાઢી’ અને તત્કાલીન ગૃહરાજ્યમંત્રી માટે ‘કાળી દાઢી’ જેવા સંકેત વાપરીને કાળાંધોળાં કરતા હતા. આ સ્થિતિ જોતાં લાગે છે કે આપણે ભાવિ પેઢી માટે પંચતંત્રને બદલે તપાસપંચ-તંત્રની વાર્તાઓ મૂકતા જઇશું. વ્યક્તિકેન્દ્રી નહીં પણ બોધકેન્દ્રી અને તમામ વયના લોકો માટેની એ વાર્તાઓ કેવી હશે? એક નમૂનો. (બંધબેસતી દાઢી પહેરવી નહીં)

***

એક ગામ હતું. એનું નામ ગાંધીનગર. કદાચ એ રાજ્ય પણ હોય. કોને ખબર? કોઇ કહેતું કે ત્યાં લાખો રૂપિયાના ખર્ચે ગાંધી બિઝનેસ સેન્ટર બન્યું હોવાથી તેનું નામ ગાંધીનગર પડી ગયું. કોઇ વળી કહેતું કે એનું ખરૂં નામ ગોડસેનગર હોવું જોઇએ.

ગાંધી પહેલાંના વખતમાં થઇ ગયેલો એક ખરાબ માણસ હતો. તેના સિદ્ધાંતોને લીધે તેની પછીની પેઢીને મહેણાં સાંભળવાં પડતાં હતાં. ગાંધી ખરાબ માણસ હતો. કારણ કે એના લીધે ગામ આખી દુનિયામાં જાણીતું બની ગયું હતું. એટલે દેશવિદેશના લોકો ગાંધીના ગામે આવતા હતા અને ગામના લોકોની બુરાઇ કરતા હતા. ગાંધી ખરાબ માણસ હતો. કારણ કે એને કાળી કે ધોળી, એકેય દાઢી ન હતી.

ગાંધીનગરમાં બે દાઢી હતી. એક કાળી દાઢી અને એક સફેદ દાઢી. માણસ સિવાય દાઢીનું સ્વતંત્ર અસ્તિત્ત્વ હોઇ શકે? એવો સવાલ પૂછે એને કહેવાતું હતું કે ‘આ શ્રદ્ધાનો વિષય છે. તમારે માનવું હોય તો માનો. ન માનવું હોય તો તમારી ક્લીનશેવ તમને મુબારક.’ ગાંધીનગરના લોકો માનતા હતા કે બન્ને દાઢીઓને તાબે થયા વિના તેમનો છૂટકો નથી અને બાકીના ઘણા લોકો માનતા હતા કે બન્ને દાઢીઓ સિવાય કોઇ વિકલ્પ નથી.

ગાંધીનગરમાં ઘણા ચિંતકો વસતા હતા. પહેલાંના જમાનામાં શાણા લોકો કહેતા, ‘ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો.’ નવા જમાનામાં લોકો મનોમન વિચારતા, ‘ગામ હોય ત્યાં ચિંતકો હોવાના.’ આ ચિંતકો દાઢી વિશે, તેના રંગ વિશે, તેના માહત્મ્ય વિશે અને ઐશ્વર્ય વિશે નિત્યચિંતન કરતા રહેતા હતા. ગાંધીનગરમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેથી ગમની જગ્યાએ પ્રજાને ચિંતકોનાં વાક્યો ચગળી શકે.  તેનાથી મગજ બંધ અને મોં ચાલુ રહેતાં પ્રજાને સારું લાગતું હતું.

ગાંધીનગરના ચિંતકો વર્ષોથી દાઢી વિશે ચિંતન - અને પોતાનો ધંધો- ચલાવતા હતા. એક ચિંતકે આઇન્સ્ટાઇનની અદાથી શોધી કાઢ્‌યું હતું કે ધોળી દાઢી કદી પહેલેથી ધોળી હોતી નથી અને કાળી દાઢી કદી છેવટ સુધી કાળી રહેતી નથી. આ સિદ્ધાંત ગાંધીનગરના સાપેક્ષવાદ તરીકે ઓળખાતો હતો. બીજાએ ઊંડા અભ્યાસને અંતે જાહેર કર્યું કે સફેદ દાઢી ‘ધ ચોઝન વન’- એટલે કે ઇશ્વરી પસંદગી પામેલાને પ્રાપ્ત થાય છે. માટે સફેદ દાઢીને દૈવી પ્રતિનિધિ અને ઉદ્ધારક ગણવી. બધા ચિંતકો એક વાત ભારપૂર્વક કહેતા હતા. દાઢી ફક્ત બે જ પ્રકારની હોય : કાળી અને ધોળી. કાબરચીતરી કે લાલ દાઢીનું અસ્તિત્ત્વ સ્વીકારવા કોઇ તૈયાર ન હતું. બીજી દાઢીઓ વિશે ફક્ત કાળી દાઢી અને ધોળી દાઢી જ જાણતાં હતાં.

ગાંધીનગરમાં એક જંગલ હતું. ત્યાં દાઢીખાઉ વાઘ રહેતા હોવાની વાયકા હતા. કોઇએ એમને જોયા ન હતા, પણ તેમની તસવીરો ગાંધીનગરના માહિતીવિભાગ દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી હતી. દરેક વખતે દાઢીખાઉ વાઘની તસવીરો બદલાતી હતી. ક્યારેક એ વાઘને હાથી જેવી સૂંઢ છે એ દર્શાવાતું, તો ક્યારેક તેના માથા પર ગેંડા જેવું એક શીંગડું હોવાનું દેખાતું. દાઢીખાઉ વાઘ ખરેખર કેવો છે એની ચર્ચામાં પડેલા લોકો, એવો વાઘ ખરેખર છે કે કેમ, એ વિશે વિચારવાનું ભૂલી જતા હતા. ચિંતકો પણ દાઢીખાઉ વાઘનાં વર્ણન કરીને અને આવા વાઘ હોવા છતાં દાઢીઓને ઉની આંચ પણ આવતી નથી, તેને દાઢીના‘ધ ચોઝન વન’ હોવાના પુરાવા તરીકે ગણાવતા હતા.

એક દિવસ ધોળી દાઢી અને કાળી દાઢી જંગલમાં ગયાં.  લાલ દાઢી તેમને સીધી જંગલમાં મળવાની હતી. લોકો બન્ને દાઢીઓની હિંમત પર આફરિન પોકારી ગયા. જે જંગલમાં દાઢીખાઉ વાઘ રહેતા હોય ત્યાં જવાની હિંમત આ દાઢીઓ કરે? વાહ, શું બહાદુરી છે. આટલું ઓછું હોય તેમ, જંગલમાંથી પાછી ફરેલી ત્રણે દાઢીઓએ સમાચાર આપ્યા કે ‘જંગલમાં દાઢીખાઉ વાઘનો જબરો ઉપાડો છે, પણ અમે હિંમતભેર જેટલા સામે મળ્યા એટલા વાઘને ઠાર માર્યા. જુઓ આ રહ્યું એમનું ચામડું. દાઢીખાઉ વાઘથી તમને અને ગાંધીનગરને કોઇ બચાવી શકે એમ હોય તો અમે જ છીએ.’

ધોળી દાઢી અને કાળી દાઢીએ લાલ દાઢી ભણી જોયું, એટલે લાલ દાઢીએ રૂંવાટીવાળા સફેદ ચામડાનો ટુકડો કાઢ્‌યો. એ જોઇને કેટલાક નાગરિકો કહે, ‘આ તો સસલાનું ચામડું છે. તમે એને વાઘમાં ખપાવીને મોટા શૂરવીર બનવા નીકળ્યા છો? અમને મૂરખ બનાવો છો?’ એટલે લાલ દાઢીએ લાલ આંખ કરી અને કહ્યું કે ‘ધોળી દાઢી પાસે એવો જાદુ છેઃ એ વાઘ સામે જુએ એટલે એ સસલું થઇ જાય છે. ત્યાર પછી અમે એમનો શિકાર કરીએ છીએ. બાકી, તમે વાઘનું અસલ સ્વરૂપ જુઓ તો છળી મરો.’ કેટલાક નાગરિકોએ ફરી કહ્યું,‘રહેવા દો હવે. અમને બધી ખબર છે. ધોળી દાઢી પહેલાં સસલાને બઢાવીચઢાવીને વાઘ બનાવે છે અને પછી તમારા જેવા પાસે એનો શિકાર કરાવે છે.’

આ વાત દરમિયાન ધોળી દાઢી બીજી દિશામાં જોતી હતી- જાણે આખી વાત સાથે પોતાને કશી લેવાદેવા નથી અને આવા સવાલોના શા જવાબ આપવાના? કાળી દાઢીએ લાલ દાઢીને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું. એટલે લાલ દાઢી ફરફરતી બંધ થઇ.

તેમ છતાં સંશયાત્મા નાગરિકો માન્યા નહીં. એમણે કહ્યું કે ‘તમે તમારી બહાદુરીના છાકા પાડવા વગડામાં જઇને સસલાં મારો છો અને અમારી સામે તીસમારખાં બનો છો. આવું કરવાનો તમને કોઇ અધિકાર નથી.’  તેમના ભારે કકળાટ પછી એક તપાસપંચ નીમવામાં આવ્યું. તેનું કામ સચ્ચાઇ શોધવાનું હતું. એટલે કે ગાંધીનગરના જંગલમાં ખરેખર દાઢીખાઉ વાઘ વસે છે કે કેમ? તેમનું ચામડું સફેદ અને રૂંવાટીવાળું હોય છે કે કેમ? અને લાલ દાઢી દ્વારા બતાવાયેલું ચામડું સસલાનું હતું કે દાઢીખાઉ વાઘનું?

તપાસપંચને જે જવાબ શોધવાના હતા, તે બન્ને દાઢીઓને પહેલેથી ખબર હતા. એટલે સફેદ દાઢીએ ગાંધીનગરમાં દહેશતનો એવો માહોલ ઉભો કર્યો કે ‘સંશયાત્માઓ દાઢીદ્વેષને કારણે દાઢીખાઉ વાઘ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને એ દાઢીદ્રોહી એટલે કે ગાંધીનગરદ્રોહી છે.’ ચિંતન ચગળતી ગાંધીનગરની બહુમતી પ્રજાને આ ખુલાસો બરાબર ભાવી ગયો. ત્યાર પછી સફેદ દાઢીને દરેક વખતે ફરફરવાની જરૂર ન રહી. સંશયાત્માઓ સવાલ ઉઠાવે એટલી વાર તેમને ગાંધીનગરવિરોધી ગણાવી દેવાતા હતા. તેના કારણે એવું થયું કે તપાસપંચનાં તારણ લોકો માટે ગૌણ બની ગયાં. તપાસપંચ એવું જાહેર કરે કે ગાંધીનગરમાં દાઢીખાઉ વાઘ નથી, તો એ પણ ગાંધીનગરવિરોધી અને અવિશ્વસનીય. તપાસપંચ ગમે તેટલા પુરાવા આપીને સાબીત કરે કે દાઢીઓએ મરાવેલાં પ્રાણી દાઢીખાઉ વાઘ નહીં, પણ નિર્દોષ સસલાં કે શિયાળવાં હતાં, તો પણ મોટા ભાગના લોકો કહે, ‘એમાં આટલો કકળાટ શો કરવાનો? એ બધાં કંઇ આપણી દાઢીઓથી વધારે છે?’

પરિણામે, કાળી-ધોળી દાઢીઓએ ખાઘુંપીઘું અને થોડાથોડા કકળાટ વચ્ચે સુખેથી રાજ કીઘું. 

5 comments:

  1. જોરદાર..મઝા આવી ગઈ!!!

    ReplyDelete
  2. Brillant is understatement! keep it burning Urvish bhai.

    ReplyDelete
  3. I read the American magazine 'The Onion' available on internet. You find all the satirical articles and carping comments on politicians. This one matches the super quality of those articles. Kudos.

    ReplyDelete
  4. ધોળી દાઢી પાસે એવો જાદુ છેઃ એ વાઘ સામે જુએ એટલે એ સસલું થઇ જાય છે. ત્યાર પછી અમે એમનો શિકાર કરીએ છીએ. બાકી, તમે વાઘનું અસલ સ્વરૂપ જુઓ તો છળી મરો.’ કેટલાક નાગરિકોએ ફરી કહ્યું,‘રહેવા દો હવે. અમને બધી ખબર છે. ધોળી દાઢી પહેલાં સસલાને બઢાવીચઢાવીને વાઘ બનાવે છે અને પછી તમારા જેવા પાસે એનો શિકાર કરાવે છે.’ ઉર્વીશભાઈ આમાં છેવટે તો કાળીને ધોળી બનવું જ પડશે.

    ReplyDelete