Sunday, July 28, 2013

કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવ આંબેડકર : જ્ઞાનપિપાસા અને તેજસ્વીતાની સાથે કઠણાઇનો સંગમ

અર્ધાંગિની ડૉ.સવિતાની હાજરીમાં કોલંબિયા યુનિવર્સિટીની લેમન/
Lehman લાયબ્રેરીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાની સ્થાપના, ૧૯૯૫ 
બાવીસ વર્ષની વયે, પિતાના મૃત્યુ પછી અને અસ્પૃશ્યતાના કડવા અનુભવો સાથે, કુટુંબના ભરણપોષણની ચિંતાનાં પોટલાં માથે લઇને ભીમરાવ આંબેડકર અમેરિકા ઉપડ્યા. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી બે જ વર્ષમાં (૧૯૧૩-૧૫) તેમણે એ.એમ. (એટલે કે એમ.એ.)ની ડિગ્રી મેળવી લીધી અને પીએચ.ડી. માટે અભ્યાસ શરૂ કર્યો. એ માટેનો તેમનો વિષય હતો : ‘ધ નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા - એ હિસ્ટોરીકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી’.

એક વર્ષ સુધી કોલંબિયામાં પીએચ.ડી. માટે અભ્યાસ કર્યા પછી પણ આંબેડકરની જ્ઞાન મેળવવાની તાલાવેલી શમી ન હતી.  જુલાઇ, ૧૯૧૬માં (ચરિત્રકારોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો અભ્યાસ પૂરો થતાં) તે લંડન ઉપડ્યા. ત્યાં ‘ગ્રેઝ ઇન’માં તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ’માં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટનો પ્રારંભ કર્યો. પરંતુ ગાયકવાડ રાજમાં નવા નીમાયેલા દીવાન મનુભાઇ મહેતાને આંબેડકરની તેજસ્વીતા સાથે કશી લેવાદેવા ન હતી. તેમણે સ્કોલરશિપની મુદત પૂરી થયાનું જણાવીને, આંબેડકરને ચાલુ અભ્યાસે પાછા આવી જવા જણાવી દીઘું.

જૂન, ૧૯૧૭માં ન છૂટકે પાછા ફરતાં પહેલાં આંબેડકરે લંડન સ્કૂલમાંથી ચાર વર્ષની અંદર ફરી અભ્યાસ શરૂ કરી શકાય એવી પરવાનગી મેળવી લીધી હતી. એ પ્રમાણે, ૧૯૨૦માં તે (પહેલી વાર કોલંબિયામાં મળેલા નવલ ભાથેના જેવા મિત્રની મદદથી) રૂપિયાની માંડ વ્યવસ્થા કરીને લંડન પહોંચ્યા. તે પહેલાં વડોદરા સરકારના કેટલાક અધિકારીઓએ આંબેડકરને આપેલી સ્કોલરશિપ લોન પેટે ગણીને એ રકમ પાછી મેળવવાની ઉઘરાણી ચાલુ કરી હતી. સ્કોલરશિપ મંજૂર કરનાર સયાજીરાવ ગાયકવાડને આખા પ્રકરણ વિશે મોડે મોડે જાણ થઇ ત્યારે તેમણે ‘શિક્ષણ માટે ખર્ચાઇ ચૂકેલી રકમ વસૂલ કરવાનો સવાલ ઊભો થતો નથી’ એ મતલબના ફેંસલા સાથે પ્રકરણ પર પડદો પાડી દીધો. (કીરલિખિત ચરિત્ર)

Handwritten bio data in German by Ambedkar
જર્મન ભાષામાં આંબેડકરે લખેલો પોતાનો બાયો ડેટા
લંડનમાં આંબેડકરે અર્થશાસ્ત્રમાં એમ.એસસી. અને ૧૯૨૩માં ડી.એસસી. (ડોક્ટરેટ) કર્યું. તેમની ડી.એસસી.ની થીસીસ ‘ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી’ લંડનની પ્રકાશન કંપની પી.એસ. કિંગ્સ એન્ડ સન્સ દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ. લંડનમાં તેમનું ત્રણ વર્ષનું રોકાણ અલગ લેખનો વિષય છે, પણ આંબેડકરની ભડભડતી જ્ઞાનપીપાસાનો તાગ પામવા માટે એટલું નોંધી લઇએ કે ૧૯૨૧ (કે ૧૯૨૨)માં તેમણે લંડનથી અર્થશાસ્ત્રના (અને સંભવતઃ સંસ્કૃતના) વઘુ અભ્યાસ માટે બોન યુનિવર્સિટી (જર્મની)માં નોંધણી કરાવી. યુનિવર્સિટીમાં આપવા માટે તેમણે પોતાનો બાયો ડેટા જર્મન ભાષામાં લખ્યો હતો. (કોલંબિયામાં તે જર્મન અને ફ્રેન્ચ ભાષાનો એક-એક કોર્સ ભણ્યા હતા.) પરંતુ એ યોજના ફળીભૂત થઇ નહીં. એટલે આંબેડકર જર્મનીથી પાછા બ્રિટન આવી ગયા અને ૧૯૨૩માં લંડન સ્કૂલમાંથી ડોક્ટરેટ તથા ‘ગ્રેઝ ઇન’માંથી કાયદાની ડિગ્રી મેળવીને ભારત પાછા ફર્યા.

આંબેડકરનાં ચરિત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કોલંબિયા યુનિવર્સિટીએ ૧૯૧૬માં (કે ૧૯૧૭માં) આંબેડકરના પીએચ.ડી. માટેના મહાનિબંધનો સ્વીકાર કર્યો અને તેમને ડોક્ટરેટની ડિગ્રી વાપરવાની છૂટ આપી. (આંબેડકરે જર્મન બાયો-ડેટામાં પીએચ.ડી.નું વર્ષ ૧૯૧૬ લખ્યું છે.) ઔપચારિક રીતે ડિગ્રી મેળવવા માટે થીસીસ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનો નિયમ હતો. ૧૯૨૫માં પી.એસ.કિંગ્સ એન્ડ કંપનીએ તેમનો કોલંબિયા યુનિવર્સિટીનો થીસીસ પ્રગટ કર્યો. એ પુસ્તકનું શીર્ષક હતું : ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા.’ ત્યાર પછી ૧૯૨૭માં તેમને સત્તાવાર ઢબે પીએચ.ડી.ની ડિગ્રી મળી. એક ચરિત્રકારના મતે, આર્થિક અભાવને કારણે આંબેડકર થીસીસને તરત ગ્રંથસ્વરૂપે છપાવી શક્યા ન હતા.

વાસ્તવમાં, આંબેડકર કોલંબિયામાંથી પીએચ.ડી. થયા તે સ્પષ્ટ છે, પણ કયા સંજોગોમાં તેમણે એ ડીગ્રી તમામ ઔપચારિકતાઓ સાથે હાંસલ કરી, તે સંતોષકારક રીતે જાણવા મળતું નથી. આંબેડકર પહેલી વાર (૧૯૧૭માં) લંડનથી ભારત પાછા ફર્યા ત્યારે તેમનાં પુસ્તકો અલગ સ્ટીમરમાં હતાં. પહેલા વિશ્વયુદ્ધના એ સમયમાં સ્ટીમર પર હુમલો થતાં તે ડૂબી ગઇ. તેમાં આંબેડકરનો મૂલ્યવાન પુસ્તકસંગ્રહ ડૂબી ગયો, એ વાત જાણીતી છે (નુકસાની પેટે થોમસ કૂક કંપનીએ તેમને થોડી રકમ ચૂકવી હતી). પરંતુ પુસ્તકોની સાથે બીજી એક મહામૂલ્યવાન ચીજ પણ નષ્ટ થયાનો ઉલ્લેખ ડો.આંબેડકરના એક પત્રમાંથી મળે છે. આ પત્ર તેમણે પોતાના કોલંબિયાના અઘ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક પ્રો.સેલિંગ્મેનને લખ્યો હતો.

કોલંબિયા યુનિવર્સિટીના ઇન્ટરનેટ આર્કાઇવ્ઝમાંથી મળેલા આ પત્રમાં આંબેડકરે પ્રો.સેલિંગ્મેનને લખ્યું હતું,‘૧૯૧૭માં ટોરપીડોનો પ્રહાર થતાં સ્ટીમર ડૂબી ગઇ, એટલે મારી થીસીસની હસ્તપ્રત પણ મેં ગુમાવી દીધી. ત્યાર પછી મેં ‘ધ સ્ટેબિલાઇઝેશન ઓફ ઇન્ડિયન એક્સચેન્જ’ એ વિષય પર નવેસરથી થીસીસ લખી છે, જે હું તમારી મંજૂરી સાથે કોલંબિયામાં પીએચ.ડી. માટે રજૂ કરવા ધારું છું. આવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં પરીક્ષા માટે હું કોલંબિયા આવવા ધારું છું. દરમિયાન, મારી થીસીસ પ્રકાશિત થાય એ પહેલાં કોલંબિયાના અર્થશાસ્ત્ર વિભાગમાંથી કોઇ મારી હસ્તપ્રત વાંચી જાય એવું તમે ગોઠવી શકો? તેને હું ‘કોલંબિયા યુનિવર્સિટી સ્ટડીઝ’માં પ્રકાશિત કરાવવા માટે પણ ઉત્સુક છું. હું તમને ખાતરી આપું છું કે એ પુસ્તક ઘણું વેચાય એમ છે. કારણ કે એ વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન છે અને મને લાગે છે કે મેં એની આરપાર છણાવટ કરી છે. મને ખાતરી છે કે તમે કૃપા કરીને ઘટતું કરશો.’(૧૬-૨-૨૨, લંડન)
Dr.Ambedkar's letter to Prof.Salingman / ડો.આંબેડકરે
પ્રો. સેલિંગ્મેનને લખેલો પત્ર  (courtesy : Salingman Papers,
Columbia University  Archives )

જવાબમાં પ્રો.સેલિંગ્મેને લખ્યું હતું, ‘તમારા ખબરઅંતર સાંભળીને આનંદ થયો. તમે નવેસરથી (થીસીસનું કામ) શરૂ કર્યું છે એ ખુશીની વાત છે. તમે પસંદ કરેલો વિષય ખરેખર રસપ્રદ છે. તમે તમારી મેન્યુસ્ક્રીપ્ટ મોકલી આપશો તો હું ખુશીથી મારા એક સાથી અઘ્યાપક પાસે એ વંચાવી રાખીશ. તેને ‘સ્ટડીઝ’માં પ્રકાશિત કરવાની શક્યતા અંગે આપણે ત્યાર પછી વાત કરીશું.’ (૨૮-૩-૨૨)

આ પત્રથી કેટલાક નવા મુદ્દા ઊભા થાય છે : ડો.આંબેડકરની જૂની થીસીસ (‘ધ નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા - એ હિસ્ટોરીકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી’) ડૂબી ગઇ, તો આ પત્રમાં તેમણે ઉલ્લેખેલી નવી થીસીસનું શું થયું? કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કઇ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી આપી? (કોલંબિયામાંથી તે અર્થશાસ્ત્રમાં નહીં, પણ રાજ્યશાસ્ત્ર-પોલિટિકલ સાયન્સમાં પીએચ.ડી. થયા હતા.)

કોલંબિયા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે, તેમને ‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શ્યલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ એ થીસીસ માટે પીએચ.ડી.ની પદવી મળી. પરંતુ એ જ વેબસાઇટ પર કે.એન.કદમના પુસ્તકને ટાંકીને એવું નોંધાયું છે કે ૧૯૨૫માં પ્રગટ થયેલી તેમની આ થીસીસ કોલંબિયાની પીએચ.ડી. માટેની નહીં, પણ લંડન સ્કૂલની એમ.એ.ની થીસીસ હતી. પ્રો.સેલિંગ્મેનને લખાયેલા પત્ર સાથે પણ આ વાત વધારે બંધ બેસે છે. (આ પુસ્તકનો પ્રવેશક પ્રો.સેલિંગ્મેને લખ્યો હોવાથી, તે કોલંબિયાની પીએચ.ડી. થીસીસ હોવાની ગેરસમજણ પેદા થઇ હોય, એ બનવાજોગ છે.) જો આ સાચું હોય તો પછી ૧૯૨૫ સુધી થીસીસ ન છપાવી શકવાને લીધે તેમને કોલંબિયા યુનિવર્સિટી તરફથી છેક ૧૯૨૭માં પીએચ.ડી. મળવાની વાતનો છેદ ઉડી જાય છે.

સવાલ એ થાય કે પ્રો.સેલિંગ્મેનને ૧૯૨૨માં લખેલા પત્રમાં આંબેડકરે પરીક્ષા આપવા માટે કોલંબિયા જવાની વાત લખી છે. પરંતુ  એ પછી છેક ૧૯૫૨ સુધી ફરી કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા નથી. તો  તેમણે તૈયાર કરેલી નવી થીસીસ અને તેની પરીક્ષાનું શું થયું હશે? આ ગૂંચવાડા બાબતે કોલંબિયા યુનિવર્સિટીના આર્કાઇવ્ઝ વિભાગ સાથે ઇ-મેઇલ પર પૂછપરછ કરતાં આટલી વિગત જાણવા મળીઃ

‘૧૯૧૭માં રિવાજ એવો હતો કે પીએચ.ડી. કરનારે ડેઝર્ટેશન મંજૂર થઇ જાય પછી તેને છપાવીને તેની ૧૦૦ નકલ ડિગ્રી એનાયત થતાં પહેલાં રજિસ્ટ્રારને પહોંચાડવી...ડેઝર્ટેશન કોઇ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલે સ્વીકાર્યું હોય અને તેને બે વર્ષની અંદર છાપવાની ખાતરી આપી હોય તો, (૧૦૦ નકલના) વજનના કારણસર કે સંબંધિત વિભાગની ભલામણના આધારે ડીન સો નકલની શરત માંડવાળ કરી શકે. ડૉ.આંબેડકરનું અસલ ડેઝર્ટેશન નષ્ટ થઇ જતાં, તેમને નવું ડેઝર્ટેશન તૈયાર કરતાં અને શરત મુજબ છપાવતાં દસ વર્ષ લાગ્યાં હશે.’

કોલંબિયા યુનિવર્સિટીના ‘એલમનાઇ રજિસ્ટર’માં ડૉ.આંબેડકર ૧૯૨૮માં પીએચ.ડી. થયા એવી નોંધ છે, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ઓફિસના રેકોર્ડ પ્રમાણે તેમને ૮ જૂન, ૧૯૨૭ના રોજ પીએચ.ડી.ની ડિગ્રી મળી હતી. અલબત્ત, એ ડિગ્રી તો પરીક્ષા પાસ કર્યા પછી જ મળે, એવું કોલંબિયા યુનિવર્સિટીનાં આર્કાઇવિસ્ટે ઇ-મેઇલમાં સ્પષ્ટ લખ્યું છે. ખુદ આંબેડકરે પણ પ્રો.સેલિંગ્મેનને પત્રમાં પરીક્ષા આપવા આવવાની વાત લખી છે. પરંતુ ત્યાર પછી એ છેક ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીની માનદ્‌ ડોક્ટરેટ પદવી સ્વીકારવા માટે જ અમેરિકા ગયા હતા. એટલે કોલંબિયા યુનિવર્સિટીએ તેમને કયા સંજોગોમાં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી, એ વઘુ સંશોધનનો વિષય બને છે.
૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીએ ડો.આંબેડકરને આપેલી
ડોક્ટર  ઓફ લોઝની માનદ્ પદવી

3 comments:

 1. Rakshit Patel11:37:00 PM

  ૧૯૧૭માં રિવાજ એવો હતો કે પીએચ.ડી. કરનારે ડેઝર્ટેશન મંજૂર થઇ જાય પછી તેને છપાવીને તેની ૧૦૦ નકલ ડિગ્રી એનાયત થતાં પહેલાં રજિસ્ટ્રારને પહોંચાડવી...ડેઝર્ટેશન કોઇ પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલે સ્વીકાર્યું હોય અને તેને બે વર્ષની અંદર છાપવાની ખાતરી આપી હોય તો, (૧૦૦ નકલના) વજનના કારણસર કે સંબંધિત વિભાગની ભલામણના આધારે ડીન સો નકલની શરત માંડવાળ કરી શકે.

  But Ambedker didn't work on any science topic (Political Science is not a science), so this condition becomes irrelevant here.

  ReplyDelete
 2. @rakshit patel : i suppose it applied to any Ph.D. thesis as this clause may refer to any academic journal- and btw, ambedkar's subject was political 'science'.

  ReplyDelete
 3. Rakshit Patel10:13:00 AM

  @Urvish,
  In some areas, mostly in liberal arts areas, a journal publication is not require for granting a Ph.D. That is why the requirement of a publication is made specifically and only for science and technology areas by the universities. Political science is not a science, same as social science is not a science.

  ReplyDelete