Friday, July 26, 2013

અનુસંધાન અઢારમા વર્ષે

આ બ્લોગની ૭૦૦મી પોસ્ટ તરીકે અમારા રાજસ્થાની લોકગાયક મિત્રો (સમંદરખાન-સાગરખાન માંગણીયાર) વિશેનો એક લેખ મૂક્યો હતો. તેમાં વીસ વર્ષ પહેલા અમે કેવી રીતે મળ્યા અને ત્યાર પછીનાં બે વર્ષમાં એક વાર કુલ્લુ (હિમાચલ પ્રદેશ) અને એક વાર મહેમદાવાદના ઘરે આકસ્મિક મહેફિલો દ્વારા કેવી રીતે અમારી દોસ્તી પાકી થઇ, એની ઉષ્માસભર વાત હતી. (લિન્ક)
(L to R) Binit Modi, Sagar & Samandar  Manganiyar, Biren Kothari, Chacha,
Kamini Kothari, Satar khan, Paresh Prajapati, (Kullu, 1993)

બીસ સાલ બાદ : .(જમણેથી) સતારખાન, બીરેન કોઠારી, પરેશ પ્રજાપતિ, બિનીત મોદી
વચ્ચે સફેદ વસ્ત્રોમાં સમંદરખાન માગણીયાર અને સાથે ઉર્વીશ કોઠારી
(R to L) Satar Khan, Biren Kothari, Paresh Prajapati, Binit Modi,
Samandar Manganiyar, Urvish Kothari & roup
(Mahemdavad, 24 July, 2013)
મિલનમુલાકાતો પછી અમારી વચ્ચે થોડો સમય પત્રવ્યવહાર ચાલ્યો. રાજસ્થાની લોકસંગીત ફેશનેબલ બન્યું ન હતું ત્યારે તેનો રસ પાનાર મિત્ર સમંદરખાન માંગણીયાર/ Samandarkhan Manganiyarને ભૂલી જવાનો સવાલ ન હતો. મહેમદાવાદની મહેફિલ (૧૯૯૫) વખતે તેમણે અને ભાઇ સાગરખાને ગાયેલાં ગીતોની ઓડિયો કેસેટ અનેક વાર સાંભળવાને કારણે ગીતો મનમાં અંકાઇ ગયાં હતાં. એમ કહી શકાય કે સંગીત અને દોસ્તીના બેવડા રસાયણે એ ગીતોને લગભગ લોહીમાં ઉતારી દીધાં હતાં. પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ વગરના એ જમાનામાં બાડમેર જિલ્લાના લાલસોંકી ઢાણી ગામે રહેતા મિત્રો સમંદરખાન-સાગરખાન સાથેનો પત્રસંપર્ક કેટલોક ચાલે? સમંદર લખવાનો નહીં, ગાવા-વગાડવાનો જીવ હતો.

વર્ષો વીત્યાં તેમ અમારી મુલાકાત વઘુ ન વઘુ દૂરના ભૂતકાળની ઘટના બની. પરંતુ એ યાદની તીવ્રતા ઓછી ન થઇ.  ક્યારેક એકાદ-બે વાર કોઇ ચેનલ પર ગાતા સમંદરની ઝલક નજરે પડી ત્યારે રોમાંચ થયો હતો. ‘એનું શરીર ભરાયું છે’ - એવું મિત્રસહજ નિરીક્ષણ મનમાં ઉગ્યું હતું. પરંતુ દ્વિપક્ષી સંપર્ક સ્થપાયો નહીં. 

***

ગયા વર્ષે બીરેને મને એક લિન્ક મોકલી. એ સમંદરખાન અને કથ્થક નૃત્યાંગના અનુરાગ વર્માની સંસ્થા ‘સંપ્રવાહી’ની હતી. ત્યાંથી સંસ્થાનું ફેસબુક પેજ મળ્યું. એટલે રાત્રે અનુરાગને ફેસબુક પર એક ટૂંકો સંદેશો લખી મોકલ્યો. ફેસબુક પેજ પર બહુ એક્ટિવિટી દેખાતી ન હતી. એટલે મારો સંદેશો કોઇ વાંચશે કે કેમ અને એ સમંદર સુધી પહોંચશે કે કેમ, એ વિશે જરાય ખાતરી ન હતી. પરંતુ પ્રયાસ કરી જોવામાં કશો વાંધો ન હતો. 

સંદેશો મોકલ્યાને માંડ અડધો-પોણો કલાક થયો હશે. રાતના સાડા અગિયાર-પોણા બાર  થયા હતા ને અચાનક મોબાઇલની રિંગ વાગી.  એક અજાણ્યો નંબર દેખાતો હતો. ફોન કાને માંડતાં સામેથી અવાજ સંભળાયો : ‘ઉરવીસભાઇ, મૈં સમંદર બોલ રહા હું.’

એ સાંભળીને અપાર આનંદ અને સુખદ આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો. એ શમતાં વાતચીત શરૂ થઇ. અમારી છેલ્લી મુલાકાતને સત્તર-અઢાર વર્ષ વીતી ગયાં હતાં. મહેમદાવાદમાં અમે મળ્યા ત્યારે હું પત્રકારત્વમાં ન હતો. લગ્ન થયું ન હતું. ઘર જૂનું હતું. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરતો હતો... સત્તર-અઢાર વર્ષમાં શું ન બદલાય? 

ઉત્તેજના શમ્યા પછી સમંદરને પૂછ્‌યું કે ‘તમને હજુ બઘું યાદ છે?’ એટલે સમંદરે ‘ઐસે કૈસે ભૂલ જાયેંગે? સબકુછ યાદ હૈ’- એમ કહીને અમારી શેરીનું અને ઘરના ફર્નિચરનું વર્ણન શરૂ કર્યું. ત્યારે મને ખાતરી થઇ કે એ વિવેક કરતો ન હતો- અને નવેસરથી નવાઇનો આંચકો લાગ્યો. એણે મિત્રોના- ખાસ કરીને બિનીતના- ખબરઅંતર પૂછ્‌યા. કારણ કે છેલ્લે અમે મળ્યા તેના થોડા દિવસોમાં બિનીત દુબઇ જવાનો હતો અને હું પત્રકારત્વમાં (‘અભિયાન’માં) જોડાવા માટે મુંબઇ.

લગભગ વીસેક મિનીટ સુધી મારી સાથે વાત થયા પછી સમંદરે બીરેનને પણ એ જ રાત્રે ફોન કર્યો. મોબાઇલ સંપર્ક સ્થાપિત થયા પછી વચ્ચે વચ્ચે સમંદર સાથે વાત થતી હતી. થોડી ખુશીમજાની, થોડી તેમના કાર્યક્રમો વિશેની. અમે મળ્યા ત્યારે સમંદર-સાગર ફક્ત રાજસ્થાની ગીતો ગાતા હતી. પછી બદલાતા સમય પ્રમાણે તેમણે રાજસ્થાની સંગીતની સાથોસાથ સૂફી સંગીતનો પણ ઉમેરો કર્યો હતો. (મુખ્યત્વે કવ્વાલી, પણ રાજસ્થાની અંદાજમાં)

અનેક દેશો ફરી ચુકેલા સમંદરખાનના મનમાં એવું હતું કે પાડોશી રાજ્ય ગુજરાતમાં રસિકજનો સામે કાર્યક્રમ થઇ શકે તો મઝા આવે. કારણ કે તેમને ભાગ્યે જ ગુજરાત આવવાનું બનતું હતું. મિત્રો પૂરતું આયોજન હજુ થઇ શકે, પણ વ્યાવસાયિક આયોજનમાં  અમારી મર્યાદા હતી. સમંદરના પ્રસ્તાવમાં દુરાગ્રહનો  નહીં, ઇચ્છાનો જ ભાવ હતો. મિલન-મુલાકાત-મહેફિલ માટે તેમનું જયપુરનું આમંત્રણ પણ હતું જ. હવે સમંદરે બાડમેરનું ગામ છોડીને જયપુરમાં પોતાનું ઘર બનાવ્યું હતું. શરીર સિવાયની સમૃદ્ધિ પણ થઇ હતી. નાના ગામડામાંથી આવતા હોવા છતાં દુનિયાદારીની પાકી સમજણ સમંદરની વાતોમાં પડઘાતી હતી. એ સફળ વ્યાવસાયિક થયો હોવા છતાં, દરેક બાબતને વ્યવસાયના ત્રાજવે તોળતો થઇ ગયો ન હતો.
  
***

નવેસરથી સંપર્ક સ્થાપિત થયા પછી બિનીતની અને મારી સાથે સમંદરની વાત થયા કરતી હતી, પણ મળવાનો જોગ થતો ન હતો. આખરે અમદાવાદ આકાશવાણીની સંગીતસંઘ્યા નિમિત્તે સમંદરને અમદાવાદ આવવાનું ગોઠવાયું. સંગીતસંઘ્યા મંગળવાર (૨૩-૭-૧૩)ની સાંજે હતી. એ બપોરે બિનીત સમંદર સહિત છ જણની આખી મંડળીને ડાઇનિંગ હોલમાં જમવા લઇ ગયો હતો. ત્યાં બપોરે અમારી મુલાકાત થઇ- ૧૮ વર્ષના લાંબા અંતરાલ બાદ. એકબીજાને ભેટ્યા. પછી સાથે આવેલા આધેડ વયના ભાઇ તરફ આંગળી ચીંધીને કહે, ‘પહેચાના ઇનકો?’ હું જોઇ રહ્યો, એટલે સમંદર કહે, ‘સતારખાન’. સતારખાન સમંદરના બનેવી. અમારી આખી કથાનું આરંભબિંદુ સતારખાન હતા. વીસ વર્ષ પહેલાં ઉદેપુરના શિલ્પગ્રામમાં પહેલો પરિચય સતારખાન સાથે થયો હતો. તેના તાંતણે જ કુલ્લુમાં સમંદર-સાગરની ઓળખાણ થઇ હતી. વીસ વર્ષ પહેલાં કાળી મૂછો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા સતારખાન હવે જરા ખખડ્યા હતા. સતારખાન પણ ઉષ્માપૂર્વક ભેટ્યા. ‘બડે ભૈયા વીરેન્દ્રભાઇ’ (બીરેન)ને યાદ કર્યો. કહે, તમારા લોકોની બહુ યાદ આવતી હતી, પણ અતોપતો ક્યાંથી શોધવો? 

જમ્યા પછી એમને મહેમદાવાદ બોલાવવાનું વિચારીને અમે છૂટા પડ્યા. પછી ડાઇનિંગ હોલની નીચે ઊભા રહીને બિનીતે અને મેં બીજા દિવસની સાંજનો મહેમદાવાદનો કાર્યક્રમ નક્કી કર્યો. છ કલાકારો હતા. તેમના માટે ગાડીની વ્યવસ્થા કરવાની. તેમને રાત્રે પાછા ફરવું કે બીજા દિવસે સવારે એ પણ નક્કી ન હતું. મિત્રોને જાણ કરવાની. આટલી ટૂંકી મુદતમાં કેટલાને ફાવે એ સવાલ. છતાં આવા કાર્યક્રમોની નવાઇ ન હોવાથી, એ બઘું કામ શરૂ કર્યું. પણ બીજા દિવસે સવારે એટલો વરસાદ પડ્યો કે બપોરે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ફરી બધા મિત્રોને જાણ કરી. બપોરે સમંદર અને સાથીદારો બિનીતના ઘરે જમવા ગયા હતા. ત્યાં એમની સાથે વાત થઇ. અમારા બન્નેના સૂરમાં કાર્યક્રમ ન ગોઠવાયા બદલ નિરાશાનો ભાવ હતો. પણ વરસાદ સામે શું થઇ શકે? 

બપોરે ચાર વાગ્યે ફરી એક વાર બિનીતનો ફોન આવ્યો. વરસાદ રહ્યો હતો અને ઉઘાડ નીકળ્યો હતો. ‘કાર્યક્રમ ગોઠવી કાઢવો છે?’ બિનીતે પૂછ્‌યું. વડોદરા બીરેન-કામિની સાથે વાત થઇ અને ફરી જે થોડા મિત્રોએ આવવાનું કહ્યું હતું તેમને સંદેશો કહ્યો. છેવટે સાવ ઓછા મિત્રો આવી શક્યા ઃ વડોદરાથી પરેશ પ્રજાપતિ (અમારી કુલ્લુની અને મહેમદાવાદની મહેફિલોનો સાથી), ગાંધીનગરથી જ્યોતિબહેન (ચૌહાણ) અને નંદિતાબહેન (મુનિ), અમદાવાદથી વિશાલ પાટડિયા દંપતિ, અર્પિત પાટડિયા દંપતિ અને વિશાલની માંડ છ મહિનાની દીકરી. 

કળાકારો તો ‘પહેલે ગાના, ફિર ખાના’ વાળા હતા. એટલે અમે જમીને ઉપરના સિટિંગ રૂમમાં ગોઠવાયા. સમંદરખાને ‘મહારાજ ગજાનન આવોની, મ્હારી મંડલીમાં રસ બરસાવોની’ થી શરૂઆત કરી અને ઢોલક-કમઇચાની સાથે સમંદરના સૂર અને તેની ખડતાલની કળામાં  આગળ થયેલી બધી દોડાદોડ ભૂલાઇ ગઇ. બહાર વરસાદ બંધ રહ્યો હતો, પણ રૂમમાં સંગીતની વર્ષા શરૂ થઇ ચૂકી હતી.  

(વધુ વિડીયો અને તસવીરો હવે પછી)

(નોંધ- આ વિડીયોમાં સમંદર જે વગાડે છે તેને ખડતાલ કહેવાય છે. એ કોઇ પણ જાતની પકડ વગરની લાકડાની ચાર છૂટી પટ્ટી જ હોય છે.) 

ગણેશસ્તુતિ - રાજસ્થાની સ્ટાઇલ/
Samandar Manganiyar & Party, Mahemdavad

રાધારાણી દે ડારો ના બંસરી મોરી/
Samandar Manganiyar & Party, Mahemdavad

11 comments:

  1. રમઝાન મહિનામાં રાજસ્થાની લોક સંગીતની રમઝટ. અષાઢ મહિનાનો ઓચ્છવ.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  2. Samandarkhan is all-in-one performer : his singing almost that of a classical singer , he also plays khadtal and his adakari is spotenious and natural! Wondrful.--Himanshu Muni.

    ReplyDelete
  3. Anonymous12:34:00 AM

    મજા પડી ગઈ. વિડીયોમાં પણ અને તમારી ૨૦ સાલ બાદ વાળી મુલાકાતના ફોટોસહિત વર્ણનમાં પણ.

    ReplyDelete
  4. if we didn't come we would miss a classical and memorable night spent at your home. Samanderkhan is playing tremendous khadtal. It was a pleasure to see

    ReplyDelete
  5. ઉર્વિશભાઇનાં ફેસબુક પેજ પર આ પોસ્ટ પહેલાંની અને ચોક્કસ હેતુસર પુનઃપ્રસારણ પામેલી બ્લોગ પોસ્ટ કરતી વખતે કેટલું બધું હેત ટપકતું હશે તે તો (ચોક્કસ હેતસર) ટાઇપ કરતી વખતે થયેલી મિસ્ટેક (?)માં જ જણાઇ આવે છે. ખૈર, જે ચોક્કસ હેતુસર તે પોસ્ટ મૂકાઇ છે તે હેતુનો ભાગ બનવાનું ગૌરવ છે. ત્રણ દિવસ પહેલાં જ મહેમદાવાદ મુકામે કોઠારી હાઉસમાં રાજસ્થાની કલાકારો સમંદરખાન અને સાથીઓની રૂબરૂ થવાનું સૌભાગ્ય સાંપડ્યું. મહેમદાવાદ જતાં જશોદાનગર-હાથીજણ વચ્ચેનાં ચારફૂટિયા ખાડાવાળા કુખ્યાત રસ્તા પર વરસાદી વાતાવરણમાં જવાની હિંમત ન હતી ચાલતી. ખબર નહીં, જે પણ કારણ હોય પરંતુ મેં અને નેહાએ આ કાર્યક્રમમાં જવું જ છે તે નક્કી કરી નાંખ્યું. પ્રોગ્રામ ફિક્સ થયો. સમંદરખાન અને સાથીઓ વિશે કંઇ જ ખબર ન હતી. બસ, રાજસ્થાની કલાકારો સાથે રંગત જામવાની છે તેની જ જાણ હતી. પહેલાં ટુ-વ્હીલર, પછી રીક્ષા અને છેલ્લી અમુક મિનિટોમાં કારમાં જવાનું નક્કી થયું. ભાઇ-ભાભી અર્પિત-દીપલ પણ જોડાયા.

    મહેદાવાદની રમઝાનની રાત ચીરતાં કોઠારી હાઉસ પહોંચ્યા ત્યારે રંગત જામેલી જ હતી.પહેલે માળ એવો તે માહોલ જામ્યો હતો કે 'મંગલ મંદિર' ખુલે તે માટે નીચે 10 મિનિટ રાહ જોવી પડી. મહેફિલમાં મોડા પહોંચ્યા પછી સેટ થતાં સહેજે વાર લાગે. જોકે, સમંદરખાનની પહેલી જ પેશકશે અમે નદીઓની જેમ સહજ રીતે 'સમંદર'માં સમાઇ ગયા. પછી તો મહેફિલ ખૂબ જામી. જેમ રાત જામી તેમ રાગ પણ જામ્યા. ભજન, ગીતો-લોકગીતો, કવ્વાલી એમ તમામ સ્વરૂપો પર સમંદરખાનની એવી તે હથોટી કે તેની વાત જ ન થાય. કરતાલનો આ જાદૂગર કેવી રીતે કરતાલ વગાડે છે તે જાણવા ખૂબ મથામણ કરી. બે ફૂટનાં અંતર છતાં તે મથામણ સફળ ન રહી.

    મીરા હોય કે અલી મૌલા હોય કે પછી ઝૂલેલાલ... સમંદરખાન દરેકે-દરેક પેશકશમાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરતાં જણાયા. અવાજનાં બે અંતિમો પર તેમની પકડ ગજબનાક હતી. ગીતો સાથે હાજર સૌને પોતાની સાથે જોડવાની તેમની કળા પર કોઇ પણ ઓવારી જાય. ચાલુ ગીતે સમંદરખાન કોઇક વિચારે ચડી ગયા હોય તેવું લાગે ત્યાં અચાનક જ એક ઇશ્વરી સૂર સમંદરમાં સમાય અને સમંદર અચાનક જ મોજા બનીને તમારા પર સવાર થઇ જાય. વાહ! કલાકારોને આટલે નજીકથી સાંભળવા તે લ્હાવો જ હતો.

    આ સમંદરને ઘૂઘવવામાં તેમનાં પાંચ સાથીઓનો પણ મોટો ફાળો હતો. સમંદરખાનની પાછળ બેસેલા નિહાલખાનની ઢોલક પર એવી તે થપાટો પડતી કે જાણે તબલાં જ વાગતા હોય. કરતાલ પર સમંદરખાનને સાથ આપતો યુવાન પેમ્પાખાન 25 જ વર્ષનો હતો. તેણે 8 વર્ષની ઉંમરથી જ કરતાલનાં તાલ હાંસિલ કરવાનું શરૂ કરી દીધું હતું. હારમોનિયમ પર સ્વરૂપખાન અને ગાયકીમાં સતારખાન સમંદરની આસપાસ ગોઠવાઇને તેમની પેશકશો ઝીલવાનું કામ બખૂબી નિભાવતાં હતાં. અને છેલ્લે કમાઇચા પર હાકિમખાન. આ વાદ્ય વિશે એવી જાણકારી મળી કે 100 વર્ષ પહેલાં તે અમદાવાદમાં બનતું હતું. અમદાવાદમાં નથ્થુરામ સુથાર કરીને ભાઇ આ વાદ્ય બનાવતાં અને આ રાજસ્થાની કલાકારોનાં વડીલો તેને ખરીદવા માટે અમદાવાદનાં આંગણે આવતાં. સમંદરખાનનાં કરતાલ અને નિહાલખાનનાં ઢોલકની જુગલબંધી તેમજ પેમ્પાખાનનાં કરતાલ અને નિહાલખાનનાં ઢોલકની જુગલબંધી ખાસ રહી.

    રાજસ્થાનમાં પણ એક 'સમંદર' વહે છે તે તો તે સાંજે જ ખબર પડી!

    ReplyDelete
  6. There is nothing left to say. Just overwhelmed. And the video can also probably capture a mere fraction of the energy and joie de vivre of the actual ambience. You guys were all twice blessed: in forging such lifelong bonds with such wonderful performers and in experiencing something akin to musical heaven!

    ReplyDelete
  7. Anonymous7:27:00 PM

    ઉર્વીશભાઈ, ગજબ... પરમાનંદની અનુભૂતિ.

    ReplyDelete
  8. વાહ... i missed it :(

    ReplyDelete
  9. Aa Rajasthani jadugaro ma marta ne pan ekad be varas vadhare jivva majbur kare e takat chhe, and you mean you can just go meet them and listen to the world's best music just like that???? Live!!!? Anytime? I envy you. You are the luckiest person on this planet. Tame 200-300 varas jivvana, paku! :)

    ReplyDelete
    Replies
    1. thanks. the videos were taken when they came to our place at Mahemdavad (when Mountains came to Mahmads:-)
      The moments like this have given lifetime memories

      Delete
  10. હવે પછી આવી કોઈ પણ મહેફિલ આકસ્મિક પણ ગોઠવાય અને એનું આયોજન અમદાવાદમાં કરવું હોય તો અમારું ઘર ઉમેદવારી નોંધાવી રાખે છે. અને કોઈ અન્ય સ્થળે ગોઠવો તો સામેલ થવા માટે અમે ઉમેદવારી નોંધાવી રાખીએ છીએ.

    ReplyDelete