Monday, July 15, 2013

ગલુડિયું અને ડ્રાઇવર

હવે ગુસ્સો, આશ્ચર્ય કે આઘાત કશું થાય એમ નથી. રોજિંદા ક્રમ માટે વળી આવી પ્રતિક્રિયા હોતી હશે? છતાં, વઘુ એક વાર એ નોંઘ્યા વિના રહી શકાતું નથી કે રાજકીય પક્ષોને ન્યાયમાં બહુ રસ પડતો નથી. તેમને હરીફરીને એક જ વાત સૂઝે છે : કેમ કરીને એમનો રાજકીય સ્વાર્થ સધાતો રહે. આવી ખોરી દાનતને કારણે મુદ્દો એન્કાઉન્ટરનો હોય કે કોમી હિંસાનો, શિક્ષણના સ્તરનો હોય કે કથળેલા અર્થતંત્રનો, મહત્ત્વની વાતો સલુકાઇથી બાજુ પર હડસેલાઇ જાય છે અને એકાદ મસાલેદાર મુદ્દે સામસામી હુંસાતુંસી ચાલુ થઇ જાય છે. અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે ‘દીવાનખાનામાં રહેલો હાથી’ (મસમોટો અને કોઇ રીતે ન ચૂકી શકાય એવો મુદ્દો) લોકોને દેખાતો નથી.

ગુજરાતના મુખ્ય મંત્રીએ એક સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કરેલા ૨૦૦૨ની કોમી હિંસા વિશેના નિવેદન અને ત્યાર પછીના વિવાદથી આવી જ સ્થિતિ સર્જાઇ છે. જૂન મહિનામાં સમાચારસંસ્થાને આપેલી લાંબી મુલાકાતમાં ‘તમને કોમી હિંસા અંગે દિલગીરી થાય છે?’ એવા સવાલના જવાબમાં મુખ્ય મંત્રીએ કહ્યું, ‘કોઇ બીજું ગાડી ચલાવતું હોય, આપણે પાછળ બેઠા હોઇએ ને ગાડી નીચે ગલુડિયું ચગદાઇ જાય તો પણ એ પીડાદાયક લાગે કે નહીં? ચોક્કસ એ પીડાદાયક છે. હું મુખ્ય મંત્રી હોઉં કે ન હોઉં, હું માણસ છું. ક્યાંય પણ કશું ખરાબ થાય તો દુઃખી થવાનું સ્વાભાવિક છે.’

આ અવતરણ જાહેર થતાં જ કકળાટ મચી ગયો. રાજકીય ખેલાડીઓ એવું લઇ મંડ્યા કે મોદીએ ૨૦૦૨ની હિંસાનો ભોગ બનેલા મુસ્લિમોને ગલુડિયા સાથે સરખાવ્યા. સમાજવાદી પક્ષના પ્રવક્તા કમલ ફારુકીએ અરેરાટીજનક વિશેષણોનો વરસાદ વરસાવીને કહ્યું કે ‘આ બહુ અપમાનજનક વિધાન છે. એ (મોદી) શું સમજે છે? મુસ્લિમો ગલુડિયા કરતાં પણ ગયેલા છે? આવી ભાષા માટે મોદીએ માફી માગવી જોઇએ.’ આટલું ઓછું હોય તેમ ફારુકીએ કહ્યું, ‘એ જેટલી વહેલી માફી માગે એટલું સારું.નહીંતર એનાં ભયંકર પરિણામ આવશે.’ ડાબેરી પક્ષોએ અને એનડીએથી છૂટા પડેલા નીતિશકુમારના જનતાદળે પણ સ્વાભાવિક રીતે જ આ વિધાનની ટીકા કરી.

ભાજપનાં પ્રવક્તા નિર્મલા સીતારામને વફાદારીપૂર્વક તેમના નેતાનો બચાવ કર્યો અને કહ્યું કે ‘આ કોંગ્રેસના વોટબેન્ક પોલિટિક્સનો ભાગ છે... ચૂંટણી પહેલાંની કોંગ્રેસની વ્યૂહરચના છે...અમુક વર્ગના તુષ્ટિકરણ માટે વિધાનનો આવો અર્થ કાઢવામાં આવ્યો છે. હું સૌને વિનંતી કરું છું કે મૂળ ઇન્ટરવ્યુ  વાંચો...એ તો ખરેખર એવું કહેવા માગતા હતા કે કોઇ માણસ ગાડી નીચે આવી જાય તો કોઇ પણ માણસને દુઃખ થાય.’ મુખ્ય મંત્રીના ભક્તો જરા વધારે ઉત્સાહથી તેમના બચાવ માટે મેદાનમાં આવી ગયા. તેમણે સમાજવાદી પક્ષના પ્રવક્તા સહિત બીજા લોકોને ઝાટકી નાખ્યા અને કહ્યું કે ‘ખબરદાર, જો એમના વિધાનનો અનર્થ કર્યો છે તો.’

ઉપર જણાવેલો આરોપ- પ્રતિઆરોપનો આખો ઘટનાક્રમ  લગભગ હાસ્યાસ્પદ છે. સૌથી પહેલાં આરોપની વાત કરીએ તો, મુખ્ય મંત્રીના નિવેદનમાંથી ક્યાંય એવું ફલિત થતું નથી કે તે ગલુડિયાંનું ઓઠું લઇને મુસ્લિમોની વાત કરે છે. આવું અર્થઘટન કાઢવું એ મુસ્લિમોનું કશું ભલું કર્યા વિના, અમથેઅમથા તેમને વહાલા થવાનો ટૂંકા રસ્તાનો  ઉધામો છે. વાક્યનો અર્થ સમજવામાં કે સમજાવવામાં ભાજપનાં નિર્મલા સીતારામન પણ એટલાં જ કાચાં પડ્યાં. તેમણે કરી કરીને શું ખુલાસો કર્યો? ‘એ જ કે ગલુડિયું નહીં, માણસ ગાડી નીચે કચડાઇ જાય તો પણ દુઃખ થાય.’

ખરૂં જોતાં મુખ્ય મંત્રીના સફાઇદાર છતાં પોલા નિવેદન અંગે પહેલો સવાલ એ કરવાનો હોય કે ગુજરાતમાં કોમી હિંસા થઇ ત્યારે તે  પાછળની સીટમાં બેઠા હતા કે પોતે જ ગાડી ચલાવતા હતા? એ માનતા હોય કે પોતે પાછળની સીટમાં બેઠા હતા તો તેમણે એ પણ કહેવું પડે કે ત્યારે ગાડી કોણ ચલાવતું હતું? બીજો સવાલઃ જેમને પાછળની સીટ પર બેઠેલા હોવાથી પોતાની કશી નૈતિક જવાબદારી ન હોય, છતાં ગલુડિયું કચડાઇ ગયાનું આટલું દુઃખ લાગતું હોય તો, મુખ્ય મંત્રી તરીકે પોતાની પૂરેપૂરી નૈતિક જવાબદારી હોય અને સેંકડો લોકોની હત્યા થાય ત્યારે તેમને કેટલું દુઃખ લાગવું જોઇએ? ત્રીજો સવાલ : ‘હું મુખ્ય મંત્રી હોઉં કે ન હોઉં, હું માણસ છું’ એમ કહેવાનો આશય મુખ્ય મંત્રી તરીકેની અફર નૈતિક જવાબદારીમાંથી છટકી જવાનો ન હોય તો બીજો શો છે? અને ‘ક્યાંય પણ કશું ખરાબ થાય તો દુઃખી થવાય’ એવી કરૂણામય વાત કરતી વખતે ‘ક્યાંય પણ’ નહીં, પોતાના શાસન હેઠળના રાજ્યમાં, ‘કશું’ નહીં, ઘણું બઘું ખરાબ થાય અને છતાં મુખ્ય મંત્રી એ વિશેનો પોતાનો અફસોસ-પસ્તાવો સાફ શબ્દોમાં વ્યક્ત કરવાને બદલે આવી ગોળ ગોળ વાતો શા માટે કરે છે?

નવા મેળવેલા આત્મવિશ્વાસ પછી પોતે કશું ખોટું કર્યું નથી, એવું ગાઇવગાડીને કહેતા મુખ્ય મંત્રીએ વર્ષો પહેલાં શેખર ગુપ્તાને આપેલી એક ટીવી મુલાકાતમાં, કોમી હિંસાનો બોજ જિંદગીભર રહેવાનો છે, એ મતલબનો અડધોપડધો એકરાર કર્યો હતો તેનું શું? તેમ છતાં વિવાદ ગલુડિયાને લઇને થાય ત્યારે હસવું કે રડવું એની મૂંઝવણ થઇ શકે છે.

(તંત્રીલેખ, ગુજરાત સમાચાર, ૧૫-૭-૧૩)

4 comments:

  1. તમે પૂછેલા સવાલો ધારદાર છે. ખાસ તો, ગાડી કોણ ચલાવતું હતું? બીજા કોઈ પણ ઇસ્યુમાં ગાડી ચલાવવાની ક્રેડીટ બીજા કોઈને ન લેવા દેનારા હવે ગાડીની ચાવી બીજા કોઈને આપતાં થઇ કેમ ગયા છે?

    લાગે છે કે ગાડી જરૂર પેલી ગુજરાત-વિરોધી, સ્યુડો સેક્યુલર, બુદ્ધુ બૌદ્ધિકોની બદમાશ ટોળકીએ જ બનાવી હશે. બાકી સાહેબના ડ્રાઈવિંગમાં ખોટ હોય!

    ReplyDelete
  2. બીજી બધી ચર્ચામાં અને રાજકીય હોહાપોમાં એક મહત્વની વાત રહી જાય છે. શું કોઈ પણ રમખાણની સરખામણી અકસ્માતો સાથે થઇ શકે? શું રમખાણો અકસ્માતે થાય છે? ખરેખર તો અકસ્માતો પણ અકસ્માતે નથી થતાં. તેમાં પણ અકસ્માત કરનારની (બે)જવાબદારી નક્કી કરીને સજા થાય છે. સલમાન ખાનને પણ તેના 'હીટ એન્ડ રન' અકસ્માતમાં મરી ગયેલા લોકો માટે કેવું દુઃખ હશે નહિ!

    ReplyDelete
  3. હું માનવી માનવ થાઉં તો ઘણું...
    હું ગલુડિયું ડાઘિયું થાઉં તો ભયોભયો...

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  4. Anonymous9:08:00 PM

    Nutshell:

    Katil bhi me aur munsif bhi me.

    A day will come camel will scale its height.

    ReplyDelete