Sunday, September 16, 2012

સત્તાધીશોનો ખોફ નોતરતા કાર્ટૂનિસ્ટ : કિસ્સા કાર્ટૂનકા

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની ધરપકડ અને તેમની સામે લાગેલી રાજદ્રોહની કલમથી ફરી એક વાર કાર્ટૂન અને તેના સર્જકો ચર્ચાસ્પદ બન્યા છે. સૌ પહેલાં અસીમ ત્રિવેદીના કિસ્સામાં શું બન્યું તે ટૂંકમાં જાણી લઇએ.

 અન્ના હજારેના આંદોલન દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ ભારતનાં સત્તાવાર પ્રતીકો-રાજચિહ્નોની પેરડી કરી હતી. મૂળ પ્રતીકોને બદલે તેમણે, એ જ શૈલીમાં ભ્રષ્ટાચારી ભારતની વરવી વાસ્તવિકતા રજૂ કરતાં નવાં પ્રતીક ચીતર્યાં. આ કાર્ટૂન અન્ના હજારેના  મુંબઇના આંદોલનસ્થળે દર્શાવાયાં અને તેમની (અસીમની) વેબસાઇટ ઉપર પણ મૂકાયાં. તેની સામે મુંબઇના જ એક ભાઇની ફરિયાદના આધારે  પોલીસે અસીમ ત્રિવેદી સામે કેસ દાખલ કર્યો. તેમાં રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ ઉપરાંત રાજદ્રોહની કલમ પણ સામેલ હતી. ગયા વર્ષના કેસના સિલસિલામાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોલીસે અસીમ ત્રિવેદીની ધરપકડ કરીને અને તેમને અદાલતમાં રજૂ કર્યા. ત્યાં તેમને ૧૬ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ થયો.

અસીમનાં કાર્ટૂનની તેમની ગુણવત્તા કે કળાત્મકતા જુદી ચર્ચાનો વિષય છે. તેમની સામે રાષ્ટ્રિય પ્રતીકોના અપમાનની કલમ લગાડાય તો એ મુદ્દે સામસામી દલીલ થાય એટલી જગ્યા રહે છે, પરંતુ રાજદ્રોહ? એ તો સરકાર સામે બેદિલી ફેલાવવાનો ગંભીરતમ આરોપ છે. અસીમનાં કાર્ટૂન ધારો કે રાષ્ટ્રિય પ્રતીકોનું અપમાન કરતાં હોય તો પણ અથવા એટલી જ વાતથી તે રાજદ્રોહના આરોપને પાત્ર બની જતાં નથી.  અસીમ સામેનાં આત્યંતિક પગલાંનો વિરોધ કરવામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓથી માંડીને કેવળ કોંગ્રેસવિરોધને ધર્મ સમજતા ભાજપી સમર્થકો સુધીના સૌ મેદાને પડ્યા છે. મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે અસીમની ધરપકડ સાથે પોતાને કશી લેવાદેવા ન હોવાનું જાહેર કર્યું છે, પણ પોલીસતંત્ર રાજ્ય સરકારના ઇશારા વિના કામ કરતું નથી એ સૌ જાણે છે. (છૂપા કે પ્રગટ ભાજપી બિલ્લાધારીઓ ગુજરાતની વાત આવે ત્યારે આ સચ્ચાઇ સગવડપૂર્વક ભૂલી જાય છે, એ જુદી વાત છે.)

કાર્ટૂન અને તેમાં પણ રાજકીય કાર્ટૂન જોખમી કળા છે. ગુજરાતીમાં છેલ્લા થોડા દાયકાથી રાજકીય કાર્ટૂનનો દુષ્કાળ પ્રવર્તે છે, પણ અંગ્રેજીમાં તેની સદીઓ જૂની પરંપરા રહી છે. પરંપરા બન્ને પ્રકારનીઃ સત્તાધીશોને છંછેડતાં રાજકીય કાર્ટૂનની અને તેનાં પરિણામ ભોગવતા કાર્ટૂનસર્જકોની. તેનાં સૌથી જૂનાં અને જાણીતાં ઉદાહરણોમાંનું એક ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ ચાર્લ્સ ફિલિપોન/ Charles Philipponનું છે. ‘લ કેરિકેચર’ નામનું પહેલું કાર્ટૂન-વ્યંગ સાપ્તાહિક  અને ‘લ શારિવારિ’ (નજીકનું ગુજરાતીઃ હલ્લાગુલ્લા) જેવું અખબાર પ્રકાશિત કરનાર ફિલિપોને રાજા લુઇ ફિલિપની ફિલમ ઉતારવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમની સામે સતત સેન્સરશીપ અને શિક્ષાત્મક કાર્યવાહીનાં શસ્ત્રો ઉગામાયાં. છતાં, ફિલિપોને હાર માની નહીં. રાજા ફિલિપના ચહેરાના જમરૂખ જેવા આકારને કેન્દ્રમાં રાખીને ફિલિપોને રાજાનાં ઘણાં ઠઠ્‌ઠાચિત્રો બનાવ્યાં.
Cartoon by Charles Philippon
એક ચિત્રમાં તેમણે રાજાના માથાને ક્રમશઃ જમરૂખ (પેરુ)માં ફેરવાતું દર્શાવ્યું. તેમની સામે અદાલતમાં કેસ ચાલ્યો, ત્યારે બચાવમાં ફિલિપોને વધારે બારીકીઓ ધરાવતું ચિત્ર દોર્યું  અને દરેક ચિત્ર આગળના ચિત્ર સાથે સામ્ય ધરાવે છે કે નહીં, એવા સવાલ પૂછ્‌યા. તેમણે ચિત્રો દ્વારા એવું સિદ્ધ કર્યું કે તમે રાજાના ચહેરાને વખોડતા હો તો જ તમે જમરૂખના આકારને વખોડી શકો. વ્યંગમાં તેમણે એવું પણ કહ્યું કે રાજાના ચહેરાની આકૃતિ જમરૂખ જેવી હોય તો ખરેખર બધાં જમરૂખને સજા થવી જોઇએ.

ફ્રાન્સમાં અક્કલના ઓછા માણસ માટે ‘જમરૂખ’ શબ્દ વપરાતો હતો. (ગુજરાતીમાં પણ ‘એ તો સાવ જમરૂખ જેવો છે’ એવું કહેવાતું સાંભળ્યું છે.) રાજાને ‘જમરૂખ’ ઠરાવવાની ગુસ્તાખી બદલ અદાલતે ફિલિપોનની એકેય દલીલો માન્ય રાખી નહીં અને નવેમ્બર ૧૭, ૧૮૩૧ના રોજ તેમને બે હજાર ફ્રાંકનો દંડ તથા છ મહિનાની જેલની સજા ફટકારી.
Cartoon by Charles Philippon
ગુજરાતમાં આઝાદી પહેલાં ઝવેરચંદ મેઘાણીને સાંકળતો કાર્ટૂનકેસ બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ભાવનગરમાં કોમી હુલ્લડ થયું ત્યારે મેઘાણીએ એક કાર્ટૂન પ્રગટ કર્યું હતું : એક મસ્જિની સામે બે-ત્રણ લાશ પડી છે અને પોલીસ પોતાની ટોપી સરખી કરે છે. તેનું શીર્ષક હતું મુખડા ક્યા દેખો દર્પણમેં. આ કાર્ટૂનમાં મૃતદેહોનાં રેખાંકન રવિશંકર રાવળના એક ચિત્રમાંથી લેવાયાં હતાં અને ટોપી સરખી કરતો પોલીસ બંસીલાલ વર્મા ‘ચકોર’નું સર્જન હતું. પોલીસની નિષ્ક્રિયતા દર્શાવતા આ કાર્ટૂન બદલ મેઘાણી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. કાર્ટૂનિસ્ટને આગળ કરી દેવાને બદલે, મેઘાણી પોતે બધી જવાબદારી લઇને ખુમારીથી કેસ લડ્યા અને અદાલતના ધક્કા ખાઇને અંતે નિર્દોષ પુરવાર થયા.

સ્વતંત્ર ભારતમાં કાર્ટૂનિસ્ટોની સ્થિતિ ઘણી સારી હતી. ભારતના ‘કાર્ટૂનકુલગુરૂ’ કહી શકાય એવા શંકર પર નેહરૂના ચાર હાથ હતા. નેહરુએ તેમને ‘ડૉન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતો નહીં, શંકર) એવું અભયવચન આપેલું હતુ અને તે છેક સુધી પાળ્યું. શંકરનાં કાર્ટૂનમાં થતી પોતાની ઠઠ્‌ઠામજાક નેહરુ બરાબર માણતા. શંકર કે તેમના જુનિયર એવા બાળ ઠાકરે, કુટ્ટી, આર.કે.લક્ષ્મણ જેવા કાર્ટૂનિસ્ટોની શૈલી પર મહાન (બ્રિટિશ) કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉનો જબરો પ્રભાવ હતો. લૉ પણ પોતાનાં કાર્ટૂનમાં ભલભલા સત્તાધીશોની ખબર લઇ નાખતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમનાં કાર્ટૂનથી હિટલરને ઝાળ લાગી ગઇ હતી. ‘આ માણસના મોઢે ડૂચો મારો અથવા એને ખતમ કરી નાખો’ એવી ‘અંજલિ’ હિટલરે ડેવિડ લૉને આપી હોવાનું કહેવાય છે.
હિટલરનો પત્તાંનો મહેલઃ Cartoon by David Low
ભારતમાં કાર્ટૂનિસ્ટોને સેન્સરશીપની કડવી દવાનો સ્વાદ કટોકટી દરમિયાન ચાખવા મળ્યો. ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.શુક્લનો ત્યારે કાળો કેર હતો. ગુજરાતી કાર્ટૂનિસ્ટ (હવે સદ્‌ગત) ‘ચકોર’ પણ તેમની અડફેટે ચડી ગયા હતા. ‘મને કોઇ દૂર કરી શકે એમ નથી’ એવા ઇંદિરા ગાંધીના નિવેદન પછી ‘ચકોરે’ ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂન દોર્યું : મેડમ ગાંધી સિંહાસન પર બિરાજ્યાં છે, પણ તેના ચારે પાયા છૂટા થઇ ગયા છે. આ કાર્ટૂન પછી, ‘ઉપરના આદેશથી’ ‘ચકોર’ને છૂટા કરી દેવાયા હતા.

મોટા ભાગના ભારતીયો માટે કાર્ટૂનનો પર્યાય બની ગયેલા આર.કે.લક્ષ્મણ કટોકટી વખતે ઇંદિરા ગાંધીને મળ્યા હતા. તેમણે લક્ષ્મણને સ્વતંત્રતા આપી હતી, પણ વી.સી.શુક્લ-સંજય ગાંધીની ગેંગ એ સ્વતંત્રતા ભોગવવા દેતી નહીં. શુક્લે લક્ષ્મણને  સીધેસીધી ધમકી આપી હતી કે ‘અમારી વિરુદ્ધનું કાર્ટૂન બનાવ્યું તો સીધા જેલભેગા થશો. માટે સમજી વિચારીને કામ કરજો.’ લક્ષ્મણે એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. તેમનાં કેટલાંક કાર્ટૂન એકદમ સીધાંસાદાં ને નિર્દોષ હોવા છતાં, કટોકટી વખતે  તેમને સેન્સર કરવામાં આવ્યાં હતાં. દા.ત. ઓફિસમાં એક કારકુન સાહેબને કહે છે,‘મેં બધા વિભાગોને સરપ્રાઇઝ ચેકિંગ માટે તૈયાર રહેવા કહી દીઘું છે. હવે આપણે ચેકિંગ માટે જઇશું સાહેબ?’

Rajinder Puri
કટોકટી સમયે ડર્યા વિના કાર્ટૂન બનાવનારા જૂજ લોકોમાં રાજિન્દર પુરી મુખ્ય હતા. ૧૯૭૭માં રચાયેલી જનતા પાર્ટીના પાંચ સ્થાપક સચિવોમાંના તે એક હતા, પરંતુ સાચું કહેવાની અને જરૂર લાગ્યે ટીકા કરવાની વૃત્તિને કારણે એકેય પક્ષમાં તેમનો સમાસ થયો નહીં. ભાજપ સહિત બધા પક્ષોમાં તે વારાફરતી જઇ આવ્યા અને ત્યાંથી શિસ્તભંગનાં કારણોસર તેમને નીકળવું પડ્યું. રાજીવ ગાંધી વિરુદ્ધ વી.પી.સિંઘની  ઝુંબેશમાં તેમણે સક્રિય સહકાર આપ્યો હતો, પરંતુ વી.પી.સિંઘની સરકાર આવ્યા પછી ટૂંક સમયમાં પુરીનું ભ્રમનિરસન થઇ ગયું. પોતાનો રાજકીય પક્ષ (એકતા પાર્ટી) સ્થાપનારા રાજિન્દર પુરી કદાચ એકમાત્ર જાણીતા ભારતીય કાર્ટૂનિસ્ટ હશે, પરંતુ એ પક્ષ પણ સફળ થયો નહીં.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં સૌથી યાદગાર કાર્ટૂનમાંનું એક અબુ/ Abu અબ્રાહમે બનાવ્યું હતું. તેમાં અબુએ બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિને એ જ અવસ્થામાં કટોકટીના વટહુકમ પર સહી કરતા બતાવ્યા હતા. કહ્યાગરા રાષ્ટ્રપતિ કાગળીયું ધરનારને બાથટબમાં બેઠાં બેઠાં કહેતા હતા,‘હવે બીજા કોઇ વટહુકમ પર સહી કરાવવાની હોય તો એમને કહેજો કે થોડી રાહ જુએ.’

Cartoon by Abu Abraham
કેટલાંક રાજકીય કાર્ટૂન ખરેખર અણીદાર અને લોહી કાઢે એવાં હોય છે, પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશનાર માટે તે ‘પ્રોફેશનલ રિસ્ક’ છે. હા, રાજકીય, ધાર્મિક કે બીજા કોઇ પણ પ્રકારના કાર્ટૂનમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અમર્યાદ ન હોઇ શકે. તેની પર સુરુચિના અભાવથી માંડીને બદનક્ષી સુધીના આરોપ મૂકી શકાય, તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકાય, પણ રાજદ્રોહનો આરોપ? અને તે પણ ભારત જેવા લોકશાહી દેશમાં? તેનાથી કાર્ટૂનમાં નહીં, પણ આરોપ મુકનારમાં  અને કાર્ટૂનિસ્ટ સામે કાર્યવાહી કરનાર તંત્રમાં પ્રમાણભાનનો ગંભીર અભાવ છતો થાય છે.

22 comments:

  1. આ બાબતમાં મીડીયાએ નરેન્દ્ર મોદિનો આભાર માનવો જોઇએ. ૧૦ વર્ષમાં મીડીયાએ તેમને ભાંડવામાં કોઇ કસર રાખી નથી. પણ આ 'હીટલર'(??) જેવા મોદિએ મીડીયા પર અંકુશ રાખવાનો પ્રયાસ કર્યો હોય તેમ બન્યું નથી.We must appreciate modi for this

    ReplyDelete
  2. @krutesh: તમારી ગુણગ્રાહિતાને દાદ આપું છું કે 'ફના'- 'પરઝાનિયા' , જસવંતસિંઘના પુસ્તક પરના સત્તાવાર-બિનસત્તાવાર પ્રતિબંધ થી માંડીને 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'- પ્રશાંત દયાળ સામે મોદી સરકારે લગાડેલા રાજદ્રોહના કેસ ભૂલી જવા બદલ તમારી વિસ્મરણશક્તિને દાદ આપું? સમજાતું નથી...

    ReplyDelete
    Replies
    1. પ્રતિબંધ અલગ બાબત અને, અને ટોર્ચર અલગ બાબત છે. મોદિએ કેટલા પત્રકારોને અંગત રીતે કનડ્યાં? કેટલાને જેલભેગા કર્યા?

      Delete
    2. :-))) yes. i missed the basic difference: slapping journalist with sedition here is done by Guj Government where as slapping cartoonist with sedition is done by non-Modi Government.
      How our dear CM's govt can do any wrong?

      Delete
    3. How our dear CM's govt can do any wrong?

      માં બધું જ આવી ગયું... લોકો mass hysteria નો ભોગ બનેલ છે...

      Delete
    4. રાજકારણીયો પત્રકારોને કનડે છે, એ લખ્યું. પણ પત્રકારો રાજકારણિઓને કનડે તેનું શું? છાપામાં પેઈડ ન્યુસ આવે, તથ્યોને તોડી મરોડીને રજૂ કરે, અમુક સમાચારો ઇરાદાપૂર્વક ગપચાવે, સનસનાટી મચાવવાના બહાના શોધે, આ બધા દૂષણોનું શું? રાજકારણીયો દૂધે ધોયેલ નથી, તો પત્રકારો દૂધે ધોયેલ છે??? ના. ૯૦% પત્રકારો પૈસા માટે સમાચાર છાપવામાં સંકોચ નહીં અનુભવે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત જ્યારે થાય છે, તો તેના આ દૂષણનો અડછતો ઉલ્લેખ લેખમાં થવો જોઇએ

      Delete
    5. વાત ખરી, પણ આપણી ઉપરની વાતનું અને મેં આપેલા જવાબનું શું? એ અધૂરી જ મૂકી દેવાની? કમ સે કમ, વર્તુળ તો પૂરું કરીએ..
      આવું તમારી સાથે નહીં, પણ પહેલાં ઘણી વાર થયું છે... જવાબ મળે એટલે તેનો સ્વીકાર કરવાને બદલે નવા સવાલો ચાલુ...

      Delete
    6. મને જાણ છે ત્યાં સુધિ 'ફના' પર રાજ્યસરકારનો કોઇ જ પ્રતિબંધ નહતો. 'ફના'નો સામાજીક બહિષ્કાર કરવામાં આવ્યો હતો (જે કદાચ ભાજપા સમર્થિત હતો).અને રહી વાત તે કેટલા અંશે યોગ્ય છે તેની, તો આમીરખાન પોતાના ફિલ્મની પબ્લીસીટી માટે નર્મદાવિસ્થાપિતો પ્રત્યે 'સહાનુભૂતિ' દાખવે અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાયોજના વિશે બેજવાબદાર નિવેદન કરે, તો તેનો દંડ ભોગવોજ રહે તેને. આમીરખાનને નર્મદાનો વિરોધ કરવાનો હક છે, પણ એ વિરોધ ગંભીર વિચારકર્યા બાદ અને બન્ને તરફથી વિચાર્યાબાદ કરવાનો હોય. પોતાના ફિલ્મની પબ્લીસીટી માટે કોઇ લોકોના જીવનને સ્પર્શતા મુદ્દા પર બેજવાબદાર રીતે બોલવાનો તેને શું હક છે?? તેણે ભૂલ કરી અને ફળ ભોગવે.

      'પરઝનીયા' પર પણ રાજ્યસરકારનો કોઇ સીધો પ્રતિબંધ નહતો. જેતે વિતરકોએ જ કોમી સંવાદિતા જોખમાવાના ડરથી તેને દર્શાવાની ના પાડી હતી. બાકી ગુજરાત સરકારે તેને નદર્શાવાનો આદેશ આપ્યો હોય તે મારી જાણમાં નથી. અને થોડા માસ બાદ આ મુવી ગુજરાતમાં પ્રદર્શિત થઇ હતી, તેમ પણ મને યાદ છે. આમા ભૂલ થતી હશે તો જાણ કરવા વિનંતી.

      રહી વાત, જસવંતસિંહના પુસ્તકની, તો સરદાર પટેલની ટીકા કરવાનો તેમને હક છે. ગાંધીજીની પણ ટીકા ક્યાં નથી થઇ. મારા મતે આ બધી વિભૂતિઓની ટીકા કરવાથી તેમની પ્રતિભા ઝાંખી પડવાને સ્થાને વધુ તેજસ્વી થાય છે. આ પ્રતિબંધ અયોગ્ય હતો. પણ એ સાથે એ વસ્તુ જાણવાની રહે કે, આ ટીકા સાચ્ચે એક અભ્યાસુ ટીકા હતી કે પુસ્તક વિશે હાઇપ પેદા કરી તેનું વેચાણ વધારવાની યુક્તિ હતી. જો ફક્ત પુસ્તક વેચવા આમ કર્યુ હોય, તો પ્રતિબંધ સદંતર યોગ્ય છે. અંગત સ્વાર્થ માટે મહાપુરૂષના ચરિત્ર સાથે રમત કરનારને સજા થવી જ જોઇએ.

      ઉર્વિશભાઇ,આ પ્રતિબંધની સાથે એક મુદ્દો લોકમાનસની પરિપક્વતાનો પણ છે. દરેક મહાન વ્યક્તિ સાથે એક ઇમેજ જોડાઇ ગઇ છે. આપણે એટલા સંવેદનશીલ છે કે તેમની ટીકા વિશે તટસ્થ વિચારવાને બદલે ભાવનામાં તણાઇ જઇએ છે. આથી જ આવા વ્યક્તિઓ વિશે કોઇ બીજા દ્રષ્ટિકોણથી વાત કરે, તો લોકો ઉશ્કેરાઇ જાય છે. નથુરામ ગોડસેની આત્મકથાથી માંડીને આ પુસ્તક સુધિ, આપણા સમાજે જ આવા અવાજને 'લાગણી દુભાવવા'ના નામે દબાવિ દીધો છે. નરેન્દ્ર મોદિ આજ સમાજનો પ્રતિનિધિ છે. આથી સમાજસહજ નિર્બળતા તેનામાં પણ છે, પણ મારા મતે બીજા કરતા ઓછી છે.

      અને હા, મારા મિડિયા વેશેના પ્રશ્નના જવાબનિ મને પ્રતિક્ષા રહેશે. મારું વર્તુળ ત્યારે પૂર્ણ થશે.

      અને હા, જો ક્યાંક આકરું બોલાયું હોય તો માફ કરશો. મિચ્છામિ દુક્કડમ

      Delete
    7. પ્રશાંત દયાળ વિશે વધુ મને ખબર નથી. કદાચ નકલી એન્કાઉન્ટરનો કેસ સાથે તેઓ સંકળાયેલા. તેમની સામે કયો કેસ છે, તેની માહીતી આપવા વિનંતી.

      ફરી એક પ્રશ્ન જે મને પત્રકારત્વધર્મ અને માનવઅધિકાર વિશે જાગે છે,કે શું સોહરાબુદ્દિન નિર્દોષ હતો?? મારા મતે તો સારુ થયું મારી નાખ્યો. કમસે કમ કાયદાની હાંસી તો અટકી. ન્યાયનો તકાદો કહે છે કે દરેકને સમાન બચાવનિ તક હોવી જોઇએ, પણ કસાબના કેસ અને અમેરિકાના ૯/૧૧ના કેસની જેમ ગુનેગારો દ્વારા ન્યાયતંત્રની મજાક ઉડાવાય ત્યારે એન્કાઉન્ટરનો રસ્તો વધુ યોગ્ય લાગે છે. (ભલે નૈતિક રીતે અયોગ્ય હોય). હું માનુ છુ કે ન્યાયતંત્ર તેના માટે છે, જેને તેમાં શ્રદ્ધા હોય. જંગલતંત્રમાં શ્રદ્ધાવાળાને જંગલનો કાયદો જ બતાવાય.

      પ્રશ્નએ છે કે આવા ગુનેગારના કેસનું આટલું પીંજણ કરનારા અને માનવઅધિકારની દુહાઇ દેનારા, ૧૯૭૧ના યુદ્ધકેદીઓ વિશે કેમ હંગામો મચાવતા નથી. આવા ગુનેગારને ન્યાય અપાવવા કરતા ૧૯૭૧ના સૈનિકોને ન્યાય અપાવવો એ પત્રકારધર્મ માટે વધુ યોગ્ય ન કહેવાય??

      પણ મુદ્દો ફરી, સનસનાટીનો જ આવે છે. મોદિને ગાળો આપવાથી ટીઆરપી મળે છે અને સૈનિકો માટે બોલવાથી ટીઆરપી નથી મળતી. એટલે જ જુઓ કે ૪૦ વર્ષ પછી પણ સૈનિકો ન્યાય વગર ટળવળે છે, અને ગુનેગારો ન્યાયતંત્રનિ હાંસી ઉડાવતા સરકારી મહેમાનગતી માણે છે. આ સંજોગોમાં એક આમઆદમિ તરીકે અમારે શું કરવું જોઇએ?

      Delete
    8. પ્રશાંત વિશે તમને ખ્યાલ નથી. જવા દો, જાણીને પણ શું કરશો? આખરે તો એની સામેના રાજદ્રોહનું કોઇ વાજબીપણું પણ તમે શોધી જ કાઢશો.
      તમને સોરાબુદ્દીન અને કસાબ વચ્ચે ફેર નથી લાગતો એટલે આપણી વચ્ચે ચર્ચાની કોઇ ભૂમિકા નથી. સોરાબુદ્દીન વિશે આખી રામાયણ થઇ ચૂકી છે. હવે 'હરણની સીતા થઇ કે નહીં' એની ચર્ચાની ધીરજ રહી નથી. તમે એ વિશે પત્રકારત્વ-ધર્મનો ઉપદેશ આપવાનું નક્કી કરીને બેઠા હો તો ભલે. પણ વધારે માહિતી મેળવવા ઇચ્છતા હો, તો આ બ્લોગ પરથી મળી શકશે.
      રેલો આવે ત્યારે 1971ની વાત લાવી દેવી એ હાસ્યાસ્પદ નહીં, સગવડીયા છે. કોઇ ચીજને ઢાંકવા માટે 1971 લઇ આવવામાં કેટલી શોભા છે, એ વિશે મારા ને તમાર અભિપ્રાય જુદા છે.
      તમને વાંધો મોદીને અપાતી ગાળો સામે છે- એમાંની ઘણી કેમ અપાય છે એ જાણવામાં અને જાણ્યા પછી પણ સ્વીકારવામાં રસ નથી. એટલે તમે બધી વાતોને 'ટીઆરપી'ના ખાનામાં નાખી શકો છો.

      એક આમઆદમી તરીકે શું કરવું જોઇએ, એ તમે પૂછ્યું માટે જ કહું છું- કોઇની ભક્તિ ન કરવી જોઇએ અને આંખે ડાબલા ન બાંધવા જોઇએ. હું એક આમઆદમી તરીકે એવું કરવા પ્રયાસ કરું છું. હું અન્યાયના મુદ્દાઓનો સામસામે છેદ ઉડાડતો નથી અને મોદીની વાત આવે ત્યારે 1971ની વાત લઇ આવતો નથી.

      Delete
    9. ઉપરની કમેન્ટ વિશેઃ 'સામાજિક બહિષ્કાર' અને 'ભાજપા-સમર્થીત' આ બન્નેનો અર્થ, રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યારે શો થાય, એ તમે ન જ કબૂલવા માગતા હો તો હું કેવી રીતે કબૂલાવી શકું?
      પરઝાનીયા વિશેનો પ્રતિબંધ સત્તાવાર ન હતો, પણ કેવો સત્તાપ્રેરિત હતો તેની વિગતો માટે http://www.himalmag.com/component/content/article/1193-parzania-and-the-dictator-of-gujarat.html

      સરદારના પુસ્તક વિશેનો પ્રતિબંધ અયોગ્ય હતો, એટલું લખતાં પહેલાં અને પછી તમારે કેટલાં 'જો અને તો' મૂકવા પડે છે..એ પુસ્તક વાંચ્યા વિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ કદાચ તમે જાણતા હશો.

      પત્રકારો બ્લેકમેઇલિંગથી માંડીને પેઇડ ન્યૂઝ સુધીના બધા જ ધંધા કરે છે અને એ સ્વીકારવામાં મને કદી ખચકાટ થયો નથી. એમાં હું કદી 'જો અને તો'ની ભાષા બોલતો નથી. એ ન ગમે તેવી વાસ્તવિકતા છે. કેવળ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દાની ચર્ચા હોય તો તેમાં એ વાત અવશ્ય ચર્ચાવી જોઇએ, પણ અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પ્રકારની ચર્ચામાં આ મુદ્દો અસ્થાને છે.

      મારા તરફથી આટલું જ.

      Delete
    10. ઉર્વિશભાઇ, રાજકારણમાં પત્રકાર અને પત્રકારત્વમાં રાજકારણ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો, એ યક્ષપ્રશ્ન છે, કારણ કે આજે સમાચાર કરતા વધુ મહત્વ સનસનાટીનું છે.

      હું જ્યા સુધિ લેખ સમજ્યો છું, ત્યાં સુધિ તે ફક્ત અસીમનો નથી પણ સમગ્ર કાર્ટુનીસ્ટો વિશે અને તેને લીધે અભિવ્યક્તિ સ્વાતંત્ર સાથે સંકળાય છે. આ સંજોગોમાં અભિવ્યક્તિ સ્વાતંત્રયના ફાયદા અને દુરુપયોગ ચર્ચવા જ પડે. કદાચ એક સ્વતંત્ર લેખ તમે આપી શકો.

      Delete
    11. સહેલાઇથી મળે એમ હોય તો 15-9-12નો ગુ.સ.નો તંત્રીલેખ જોજો. તેમાં જુદા સંદર્ભે પણ આ જ મુદ્દાની થોડી ચર્ચા છે. જો એ ન મળે તો મને તમારું ઇ-મેઇલ આપશો. તમને એ મોકલી આપીશ. અભિવ્યકિત સ્વાતંત્ર્યનો દુરુપયોગ બેશક એક મોટો અને ચિંતાજનક મુદ્દો છે, પરંતુ પસંદગી ખરાબ અને વધારે ખરાબ વચ્ચે કરવાની થાય ત્યારે મીડિયાને ટપાર્યા પછી સરકારને વધારે ટપારવી પડે છે.
      આ સંદર્ભે એક વાત લોકોની જાગૃતિ અંગેની પણ છે. દા.ત. ગુજરાતમાં મુખ્ય મંત્રી પાસેથી રૂપિયા લઇને તેમના વિશે સારું લખાતું હોય કે તેમની ઉજળી છબી રજૂ થતી હોય, તો તેમાં ઘણા બધાને 'યલો જર્નાલિઝમ' કે 'પેઇડ ન્યૂઝ'ની ફરિયાદ ન થાય, પણ એ રીતે તેમની વિરુદ્ધ લખાતું હોય ત્યારે તેમને વાંધો પડે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ચર્ચામાં ત્રીજો પક્ષ વાચકોનો અને સમાજનો છે. પણ આ ચર્ચા ઘણી ચાલે અને રૂબરૂ કરવામાં વધારે સરળતા પડે.

      Delete
    12. Think about open house on it.Gujaratis will not mind to debate on this.

      Delete
    13. હમેશ ની જેમ સોહરાબુદ્દીન ની વાત માં કૌસરબી ભૂલાઇ ગયી... સોહરાબુદ્દીન કદાચ ખરાબ માણસ હશે, કૌસરબી નું શું?? ઍની તૉ બિચારી ની લાશ પણ કોઈ જોયી નહીં.. મારી અને સળગાવી પણ દીધી......

      Delete
    14. અને હા.. ઘણાને કદાચ સાહેબ પણ Mass Murderer લાગે છે... તો શું તેમણે પણ ઉડાડી દેવાના!!! It's perception..

      Delete
    15. @krutesh: my experience differs in this matter.

      Delete
  3. Excellent piece Urvish. From Nehru's unstinted support for freedom of expression to Indira and her cronies' overzealousness and now, the arrest of Aseem on the most specious grounds, just shows how low we have fallen in our own commitment in upholding the freedom of expression for our citizens. But Aseem has been lucky Urvish. With the high media profile of his arrest, his case was dismissed in no time. In contrast, what other lesser known authors and common citizens go through without any active public support is nothing short of a farce and a nightmare. A truly unfortunate state of affairs. :(

    ReplyDelete
  4. બાળપણ થી ચકોર નો ચાહક રહેલો છુ.. ઘણો સમય તેમને સંદેશ માં સેવા આપેલી...સાહેબ એક અધુરપ લાગી કે, જેમ બીજા કાર્ટુન મુક્યા તેમ ચકોર ના પણ કાર્ટુન મુકવા જેવા હતા...

    હવે ગુજરાતી છાપાઓ માં કાર્ટુન તો આવતા જ નથી. આવે તો પેહલા ના જેવી મજા આવતી નથી...

    ReplyDelete
    Replies
    1. ખરી વાત છે. ચકોરનાં એક-બે કાર્ટૂન મૂકવા વિચાર્યું હતું, પણ લેખમાં ઉલ્લેખ આવે છે એ કાર્ટૂન ન હતું. છતાં, તમે કહો છો તો નમૂના ખાતર તેમનું એકાદ કાર્ટૂન ચોક્કસ મૂકીશ.

      Delete
    2. ખુબ આભાર...

      Delete
  5. વાહ...
    માહિતીપ્રદ અને મજબુત

    ReplyDelete