Sunday, September 23, 2012

કે.લાલ હવે કદી નહીં કહે, ‘આઇ એમ હીઅર..’

L to R : Raj & Krishna Kapoor, Pushpaben, K.Lal 

ગુજરાતના વિશ્વવિખ્યાત જાદુગર કે.લાલે 88 વર્ષની ભરચક જિંદગી પછી આજે વહેલી સવારે શો સંકેલી લીધો.

બગસરાના નગરશેઠ દયાળ દેવચંદના પુત્ર કાંતિલાલ (જન્મઃ1924) ત્રણ વર્ષના હતા ત્યારે કુટુંબ એ વખતે ‘જાદુનગરી’ ગણાતા કલકત્તા શહેરમાં પહોંચ્યું. ત્યાં ધંધો કાપડનો, પણ કાંતિલાલને જાદુનો છંદ લાગ્યો. પાંચ-છ વર્ષની ઉંમરે તેમણે ગનપતિ ચક્રવર્તી નામના એક જાદુગરનો શો જોયા પછી તેમની ટ્રિકનું વર્ણન કરી બતાવ્યું. ચક્રવર્તી નામી જાદુગર હતા. પી.સી.સરકાર/ PC Sorcar (સિનિયર) તેમના શિષ્ય. ચક્રવર્તીએ નાનકડા કાંતિના મોઢેથી જાદુની ટ્રિક્સનું વર્ણન સાંભળીને, તેમના કાકાને કહ્યું, ‘આ છોકરો બોર્ન આર્ટિસ્ટ છે. એ મને સોંપી દો.’

થોડા દિવસ પછી ચક્રવર્તી કાંતિલાલને શોધતા શોધતા તેમની સ્કૂલે પહોંચ્યા અને એ તેમના પહેલા ગુરુ બન્યા. 1940માં ચક્રવર્તીના અવસાન પછી 1942માં જાદુગર કુમારબાબુને કાંતિલાલે ગુરુપદે સ્થાપ્યા. ત્યાં સુધી કાંતિલાલ પોતાના અસલી નામે જાદુ કરતા હતા, પણ એક આયોજકે ટકોર કરી કે આવું નામ જાદુમાં ન ચાલે. એટલે તેમણે બંગાળમાં રેશનકાર્ડમાં લખાતું પોતાનું ટૂંકું નામ –કે.લાલ/K.Lal - શો માટે અપનાવી લીધું અને સમય જતાં તે બ્રાન્ડનેમ બની ગયું.

બંગાળના જાદુગરો ત્યારે જાદુ સાથે ભયાનક રસને જોડતા હતા. પરંતુ 1943-44ના અરસામાં કલકત્તાના શામબજાર વિસ્તારના શ્રી સિનેમામાં જાદુગરોનું સંમેલન ભરાયું, ત્યારે કે.લાલે પોતાના ભાષણમાં કહ્યું, ‘તમે વિલન થઇને શા માટે જાદુ બતાવો છો? મોટી મૂછો, જાડાં ભવાં, લાલ આંખો-સીધી રીતે આંખો લાલ ન થાય તો દારૂ પીને પણ કરવી- આ બધું શા માટે? સામે બેઠેલા મૂરખા છે અને આપણે સુપરમેન છીએ એવું કેમ માની લો છો? અહીં આપણે જેટલા બેઠા છીએ એ બધાને સાગમટે ખરીદી લે એવા માણસો ઓડિયન્સમાં હોય છે.’

તેમની આ વાતો સાંભળીને કેટલાક જાદુગર બગડ્યા. તેમનું ચાલત તો કે.લાલને કબૂતર બનાવી દેત, પણ એ તો શક્ય ન હતું. એટલે કે.લાલને ગાળો દીધી. એક જણ કહે, ‘સાલે, ગુજરાતી કભી જાદુગર હોતા હૈ?’

આ વાત કરતી વખતે કે.લાલે જ ગુજરાતના પ્રતાપી જાદુગરોને યાદ કર્યા. ‘ગુજરાતમાં મહંમદ છેલ મોટા જાદુગર થઇ ગયા, પણ એ કદી વીરમગામથી આગળ ગયા નહીં. બીજા એક હતા કચ્છના નથ્થુ મંછા. એમના વિશે પણ બંગાળીઓએ કદી સાંભળ્યું ન હતું.’  પરંતુ કે.લાલ આ સૌને ટપી ગયા અને ફક્ત દેશમાં જ નહીં, વિદેશમાં પણ તેમણે નામ કાઢ્યું. જાદુના ક્ષેત્રે બંગાળીઓની મોનોપોલી તોડીને તે જાદુગર એસોસિએશનના પ્રમુખ પણ બન્યા.

તેમના શો જોઇને પ્રભાવિત થયેલા રાજ કપૂર ‘મેરા નામ જોકર’ના બનાવવા ધારેલા બીજા ભાગમાં જાદુગરની કથા લેવાના હતા. ભારતીય વિદ્યા ભવનમાં થતા કે.લાલના શો અનેક વાર જોઇ ચૂકેલા રાજ કપૂરે આર.કે.સ્ટુડિયોમાં તેમના માનમાં ભવ્ય પાર્ટી આપી. તેમાં શરાબની તો રેલમછેલ હોય, પણ કે.લાલ હાથમાં ચાર આનાની કોકા કોલા પકડીને બેસી ગયા. કોઇકે રાજ કપૂરનું ધ્યાન દોર્યું અને કહ્યું કે ‘જેના માનમાં પાર્ટી રાખી હોય તે જ ન પીએ, તો તમારો યજમાનધર્મ લાજે.’
L to R : Krishna, Raj Kapoor, Randhir Kapoor(?) with K. Lal
રાજ કપૂરે વ્હીસ્કીમાં બોળેલી ચમચી કે.લાલના કોકા કોલા ભરેલા ગ્લામાં ઝબોળી અને કહ્યું, ‘બસ, હવે તમે આ પી જાવ.’ કે.લાલે દૃઢતાથી ના પાડી એટલે રાજ કપૂરે બ્રહ્માસ્ત્ર છોડ્યું, ‘પાપાજીકી કસમ.’ આર.કે.ની પાર્ટીમાં ‘પાપાજીકી કસમ’ આવે એટલે ખલાસ. પણ કે.લાલે કહ્યું, ‘પાપાજીની કસમ બરાબર, પણ મેં મારી સાત પેઢીની કસમ ખાધી છે.’ ત્યાર પછી રાજ કપૂરે ‘તુમ જીતે, હમ હાર ગયે’ કહીને કેડો છોડ્યો.
L to R : Shammi Kapoor, Geeta Bali, K.Lal
વી.શાંતારામના ‘રાજકમલ કલામંદિર’ સાથે સંકળાયેલા ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના સૂચનથી શાંતારામે પણ કે.લાલનો શો જોયો હતો. ત્યાર પછી મુલાકાત ગોઠવાઇ. શાંતારામે કહ્યું, ‘મેં એક નર્તકની ફિલ્મ (ઝનક ઝનક પાયલ બાજે), એક કવિની ફિલ્મ (નવરંગ) અને એક ડોક્ટરની ફિલ્મ (ડો.કોટનીસકી અમર કહાની) બનાવી છે. તમારો શો જોયા પછી હવે જાદુગરની ફિલ્મ બનાવવી છે.’

પણ શાંતારામ સસ્તા ભાવના હીરો લેવા માટે જાણીતા હતા અને એ જાણતા કનુ દેસાઇએ તેમને કહ્યું હતું કે ‘લાલ બહુ નામી છે. બહુ કમાય છે.’ શાંતારામે કહ્યું ‘એ ભાવ ઓછોવત્તો કરે તો વિચારીએ. જો એ હા પાડશે તો આખા વર્લ્ડમાં એનું નામ થઇ જશે.’ પણ કે.લાલે કહ્યું કે ‘મારી રોજની આવક બહુ મોટી છે. એ છોડીને શાંતારામ સાથે કામ કરવું મને પરવડે નહીં અને દર્શકો વિના મને ચાલે નહીં.’
***
યોગ અને પ્રાણાયામથી તબિયત કાબૂમાં રાખતા કે.લાલ એંસી વટાવ્યા પછી પણ રોજનું અઢાર-અઢાર કલાક કામ કરી શકતા હતા. તેમના દીર્ઘાયુષ્યને રીતે જુનિયર કે.લાલ. હસુભાઇ સિનિયર સિટીઝન થયા પછી પણ જુનિયર જ રહ્યા. કે.લાલના કલાક-દોઢ કલાકના શો 1940થી શરૂ થયેલા, પણ 10 સપ્ટેમ્બર, 1951થી શરૂ થયેલા મોટા શોની સંખ્યા પાંચ વર્ષ પહેલાં 21 હજારનો આંકડો વટાવી ગઇ હતી. એ વર્ષે ‘અહા જિંદગી’ની કોલમ નિમિત્તે કે.લાલને મળવાનું થયું. રજનીકુમાર પંડ્યા સાથે તેમનો આત્મીય સંબંધ. રજનીકુમાર, સદગત રવજીભાઇ સાવલિયા જેવા સ્નેહીઓમાં ‘લાલસાહેબ’ તરીકે ઓળખાતા કે.લાલ મંચની નીચે સીધાસાદા કાઠિયાવાડી જણ લાગે. છેક 1948નું સરદાર પટેલનું હિંદી પ્રવચન સાંભળીને થઇ હતી, એવી જ લાગણી કે.લાલને મળતાં થાયઃ પાંચ-છ દાયકાના સ્ટેજ શો અને દેશવિદેશના પ્રવાસ પછી પણ તેમનું હિંદી ‘ગુજરાતી’ જ રહ્યું.
K.Lal with Rajnikumar Pandya

રજનીકુમાર પંડ્યાના ઘરે નિરાંતે હિંચકે બેસીને વાતોના તડાકા
મારતા કે.લાલ/ K.Lal at Rajnikumar Pandya's place/  
રજનીભાઇના ઘરે અમારી સવારની રાબેતા મુજબની બેઠકના સમયે પણ બે-ત્રણ વાર કે.લાલને મળવાનું થયું. હું મોટે ભાગે શ્રોતાની ભૂમિકામાં હોઉં. બન્ને જણ અલકમલકની વાતો કરે. રજનીભાઇની દૌહિત્રી આવે તો લાલસાહેબ એની સાથે થોડી ગમ્મત કરે. અમદાવાદમાં તેમનો શો હોય ત્યારે રજનીભાઇને અચૂક બોલાવે. એટલું જ નહીં, સ્ટેજ પર બોલાવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે. સન્માન પણ કરે. ગયા વર્ષે રજનીભાઇની સાથે હું પણ સપરિવાર વર્ષો પછી કે.લાલનો શો જોવા ગયો. એ વખતે મારી દીકરીની જેટલી ઉંમર હતી, લગભગ એ જ ઉંમરે મેં પહેલી વાર કે.લાલનો શો જોયો હતો.
કે.લાલ બેકસ્ટેજમાં પણ 'એક્શન'માં 
નડિયાદના ઓપન એર થિએટરમાં શો હતો. એટલે નડિયાદ રહેતા અરવિંદમામા (દેસાઇ) પ્રેમથી બીરેનને અને મને શો જોવા લઇ ગયા હતા. 1980 આસપાસની વાત હશે કદાચ. એ વખતે પહેલી વાર અમે સિન્થેસાઇઝર જોયું. એક જ પેટીમાંથી જુદા જુદા અવાજ નીકળતા હોય એવો ટેકનોલોજીનો ચમત્કાર જોઇને દંગ થયા. શોની છેલ્લી આઇટેમમાં મંચ પર લાઇટ્સની ઝાકઝમાળ વચ્ચે કે.લાલ ક્યારે અદૃશ્ય થઇ ગયા, તેનો ખ્યાલ જ ન આવ્યો. છેલ્લે જુનિયર કે.લાલે બૂમ પાડી, ‘વ્હેર ઇઝ કે.લાલ?’ અને અમારા આશ્ચર્ય વચ્ચે કે.લાલ પ્રેક્ષકો વચ્ચેથી ‘આઇ એમ હીઅર’ કરતા પ્રગટ થયા અને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલતા ઝીલતા મંચ પર પહોંચ્યા.

‘વ્હેર ઇઝ કે.લાલ?’ એ પ્રશ્ન ઘણા સમય સુધી ગુંજતો રહેશે, પણ તેનો ‘આઇ એમ હીઅર’ જેવો જવાબ હવે કદી નહીં મળે. 

9 comments:

  1. really great personality & u discribe it very well

    ReplyDelete
  2. One of my eternal regrets will be not having ever seen a show by this great magician. Wonderful tribute, as always Urvish.

    ReplyDelete
  3. બહુ સરસ અંજલિ-----

    ReplyDelete
  4. જી, ‘આઇ એમ હીઅર’જેવો જવાબ હવે કદી નહીં મળે. જાદુની દુનીયાનો બેતાજ બાદશાહ કે. લાલ ને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..

    ReplyDelete
  5. Anonymous6:06:00 PM

    oh..prabhu teona aatmane chear: shanti aape, (K,lal) na parivarjanone aa dhukh:d ghhatnane sahan karvani shakti aape tej prarthna

    ReplyDelete
  6. Anonymous1:33:00 AM

    Nice article. Enjoyed. Bansibhai Thakkar

    ReplyDelete
  7. Niraj Chinai12:18:00 PM

    Great man.. Great work.. Salutes & tribute..
    Again very good compilation Urvishbhai..

    ReplyDelete