Monday, September 24, 2012

સ્વામી વિવેકાનંદે નડિયાદના હરિભાઇ દેસાઇને લખ્યું હતું ‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે’

 Swami Vivekanand posing for studio photographers:
(l) London, 1886,(c&r) San Fransisco, 1900
ભારતમાં મહાનુભાવોનું મૃત્યુ પછી સન્માન થાય કે ન થાય, અપહરણ ચોક્કસ થાય છે. જેમ કે, સ્વામી વિવેકાનંદ. તેમનું અગાઉ વિશ્વ  હિંદુ પરિષદે અને આજકાલ ગુજરાતના મુખ્ય મંત્રીએ કરેલું અપહરણ જોઇને સ્વામીજી વિશે સહાનુભૂતિ જાગે. ભારતમાં પોતાના નામે- પોતાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટથી માંડીને ચૂંટણીપ્રચાર સુધીના તાયફા થશે એ સ્વામીજીએ જાણ્યું હોત તો? સાચા હિંદુ ધર્મના પ્રચાર માટે તેમણે કદાચ અમેરિકામાં જ રહી જવાનું વિચાર્યું હોત.

સ્વામી વિવેકાનંદના ફક્ત ૩૯ વર્ષના ટૂંકા આયુષ્યનો ઉલ્લેખ એક ગુજરાતીના ઉલ્લેખ વિના અઘૂરો ગણાય. આટલું વાંચીને ઘણાખરા લોકોના મનમાં નડિયાદી સાક્ષર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું નામ આવશે. કારણ કે પ્રચલિત દંતકથા મુજબ, શિકાગોની વિશ્વ ધર્મપરિષદ (૧૮૯૩)માં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદ મણિલાલને મળવા-તેમનું માર્ગદર્શન લેવા માટે નડિયાદ આવ્યા હતા. બીજી દંતકથા પ્રમાણે, ધર્મપરિષદમાં મણિલાલે મોકલેલું પ્રવચન સાંભળીને સ્વામી વિવેકાનંદ  એટલા પ્રભાવિત થયા હતા કે પાછા આવ્યા પછી તે નડિયાદ ખાસ મણિલાલ દ્વિવેદીને મળવા આવ્યા.

આ બન્ને કથાઓ દાયકાઓથી ચાલી આવે છે અને તે માનવી ગમે એવી છે, પણ સદંતર ખોટી છે. સ્વામી વિવેકાનંદ મણિલાલને મળ્યા હતા અને તેમના માટે સદ્‌ભાવ હતો એ સાચું, પણ તેમને ગાઢ સ્નેહ અને અનન્ય આદર નડિયાદના જ બીજા અગ્રણી હરિદાસ વિહારીદાસ દેસાઇ માટે હતો. તે જૂનાગઢના દીવાન હતા. નવેમ્બર-ડિસેમ્બર, ૧૮૯૧માં ગુજરાતની મુલાકાત વખતે ડિસેમ્બરમાં સ્વામી જૂનાગઢ પહોંચ્યા, ત્યારે દીવાન હરિદાસ સાથે તેમની પહેલી મુલાકાત થઇ. સ્વામી એ વખતે ૨૮ વર્ષના અને દીવાન ૫૧ વર્ષના હતા. આ પરિચય પછીનાં ચાર વર્ષ (દીવાન હરિદાસના મૃત્યુ સુધી) બન્ને વચ્ચે સતત પત્રસંપર્ક રહ્યો.

પત્રોમાં હરિદાસને ‘ડીયર દીવાનજી સાહેબ’ જેવું સંબોધન  કરતા સ્વામી વગદાર છતાં સંસ્કારી એવા દીવાનની મોંફાટ પ્રશંસા કરતા. ધર્મપરિષદમાં જતાં પહેલાં દીવાનને લખાયેલા પત્રોમાં સ્વામીનો સતત ઉપકૃત હોવાનો ભાવ ઠલવાતો જોવા મળે છે. અમેરિકાથી લખેલા પત્રોમાં એ ભાવની સાથોસાથ અમેરિકામાં મળેલી સફળતાનો રણકો પણ છૂપો રહેતો નથી.

એપ્રિલ, ૧૮૯૨માં નડિયાદ-વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાથી દીવાન હરિદાસ પરના પત્રમાં સ્વામીએ લખ્યું હતું,‘તમારા મિત્ર  મિસ્ટર મણિભાઇ (વડોદરાના દીવાન મણિભાઇ જસભાઇ)એ મને બધી સગવડ કરી આપી છે, પણ હજુ અમે બે જ વાર મળ્યા છીએ. એક વાર એક મિનીટ પૂરતા અને બીજી વખત દસ મિનીટ માટે. એ વખતે અમે અહીંની (વડોદરાની) શિક્ષણપદ્ધતિ વિશે જ વાત કરી હતી. હા, મેં અહીંની લાયબ્રેરી અને (રાજા) રવિવર્માનાં બનાવેલાં ચિત્રો જોઇ લીધાં છે...’
Manilal Nabhubhai (portrait by
 Ravishankar Raval)

એપ્રિલ ૨૬, ૧૮૯૨ની તારીખ ધરાવતા આ પત્રમાં તાજા કલમ તરીકે સ્વામીએ લખ્યું,‘નડિયાદમાં હું મિસ્ટર મણિલાલ નભુભાઇને મળ્યો. એ બહુ વિદ્વાન અને પવિત્ર (લર્નેડ એન્ડ પાયસ) સજ્જન છે. તેમની સોબતમાં બહુ આનંદ આવ્યો.’ નોંધપાત્ર છે કે એ વખતે વિદ્વાન એવા મણિલાલની ઉંમર પણ ફક્ત ૩૪ વર્ષની હતી. એ જ વર્ષે જૂનમાં દીવાન હરિદાસ પર લખાયેલા પત્રમાં સ્વામીએ (અંગ્રેજી પરંપરા પ્રમાણે) ‘મિસ્ટર નભુભાઇ’ને શુભેચ્છા પાઠવવા જણાવ્યું છે. શિકાગોની વિશ્વ ધર્મપરિષદ પછી અમેરિકાથી દીવાન હરિદાસ પરના એક પત્રમાં સ્વામીએ મણિલાલ દ્વિવેદીનો ઉલ્લેખ કર્યો છે. એક જ લીટીમાં તેમણે લખ્યું છે કે ‘ધર્મપરિષદમાં વાંચવા માટે મિસ્ટર દ્વિવેદીના લેખ બહુ લાંબા હતા એટલે તેમને ટૂંકાવવા પડ્યા.’ આમ, મણિલાલ અને સ્વામી વિવેકાનંદ વિશેની બન્ને દંતકથાઓનો છેદ સ્વામીના પત્રોમાંથી જ ઉડી જાય છે.

દીવાન હરિદાસ સાથેના પરિચય પછી સ્વામીના શરૂઆતના પત્રોમાં એવો ભાવ પણ સતત જોવા મળે છે કે ‘બહુ વખતથી તમારા તરફથી ખબરઅંતર નથી. આશા રાખું કે તમને મારાથી કોઇ વાતે માઠું નહીં લાગ્યું હોય.’ એક વાર સંદેશાની લેવડદેવડમાં ગોટાળાને કારણે સ્વામી કહ્યા પછી પણ નડિયાદ દીવાન હરિદાસના ઘરે જઇ શક્યા નહીં, ત્યારે દીવાનને માઠું લાગ્યું હશે. એમ થવા માટેનાં કારણો અને પોતાની દિલગીરી સ્વામીએ એક પત્રમાં વિગતવાર વ્યક્ત કરી. તેમણે લખ્યું,‘તમારો પત્ર મળ્યાથી એક સાથે આનંદ અને દુઃખની લાગણી થઇ. આનંદ એટલા માટે કે હું નસીબદાર છું કે તમારા જેવો દિલદાર, સત્તાવાન અને હોદ્દો ધરાવતો માણસ (એ મેન ઓફ યોર હાર્ટ, પાવર એન્ડ પોઝિશન) મને ચાહે છે, અને દુઃખ એ વાતનું કે મારા ઇરાદાનું સદંતર ખોટું અર્થઘટન થયું છે. બિલીવ મી, તમારા માટે મારા મનમાં પિતાતુલ્ય પ્રેમ અને આદર છે. તમારા પરિવાર અને તમારા માટેની મારી કૃતજ્ઞતા અસીમ છે. હકીકત આ પ્રમાણે છે.’ એમ કહીને તેમણે સ્થિતિની સ્પષ્ટતા કરી.
Diwan Haridas Viharidas Desai (extreme left) with Nawab of Junagadh
પત્રમાં આગળ તેમણે લખ્યું,‘માય ડીયર દીવાનજી સાહેબ,  (હજુ) હું એ જ આનંદી, તોફાની પણ નિર્દોષ યુવાન છું જે તમને જુનાગઢમાં મળ્યો હતો. તમારા ઉમદા વ્યક્તિત્વ માટેનો મારો પ્રેમ સો ગણો વધી ગયો છે. કારણ કે હું દખ્ખણના લગભગ બધાં રાજ્યોના દીવાનો સાથે તમારી મનોમન સરખામણી કરું છું અને ભગવાન સાક્ષી છે, દખ્ખણના દરેક દરબારમાં તમારાં વખાણ કરતાં મારી જીભ સડસડાટ ચાલે છે (તમારા ઉમદા ગુણ વર્ણવવા માટે મારી શક્તિ પૂરતી નથી એ હું જાણું છું છતાં). આટલો ખુલાસો પૂરતો ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એક પિતા તેના પુત્રને માફ કરે એ રીતે મને માફ કરશો, જેથી ‘મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો તેની સાથે હું કૃતઘ્નતાથી વર્ત્યો’  એવા ખ્યાલ મને સતાવે નહીં.

ત્યાર પહેલાંના વર્ષે દીવાનની ગેરહાજરીમાં નડિયાદના તેમના ઘરે જઇ આવેલા સ્વામી પત્રોમાં હરિદાસના ભાઇઓને પણ અચૂક યાદ કરતા હતા. પહેલા પત્રમાં તો તેમણે લખ્યું હતું, ‘મારી યાત્રા દરમિયાન તમારા કુટુંબ જેવું કોઇ કુટુંબ મેં જોયું નથી.’ (૨૬-૪-૧૮૯૨) એ જ વર્ષે મુંબઇથી સ્વામીએ દીવાનને લખ્યું,‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે. મારા જેવો ગરીબ ફકીર તમારા જેવા સમર્થ સત્તાધીશ (‘માઇટી મિનિસ્ટર’)ને બદલામાં શું આપી શકે?  તમામ સોગાદો આપનાર (ઇશ્વર)ને મારી પ્રાર્થના કે આ પૃથ્વી પર તમારી તમામ ઇચ્છાઓ પૂરી કરે અને અંતે - એ દિવસને ઇશ્વર હજુ ઘણો ઘણો દૂર રાખે- તમને પોતાના દિવ્ય શાતાદાયી-સુખદાયી આશરે સમાવી લે.’ એ વર્ષે સ્વામીએ પોતાના એક મિત્ર અક્ષયકુમાર ઘોષને ભલામણપત્ર આપીને દીવાન હરિદાસ પાસે મોકલ્યો અને તેને નોકરી આપવા ‘ડીયર દીવાનજી સાહેબ’ને વિનંતી કરી હતી.

એપ્રિલ, ૧૮૯૩માં ખેતડી (રાજસ્થાન) જતાં પહેલાં સ્વામીએ દીવાન હરિદાસને લખ્યું,‘અત્યાર સુધીમાં મેં ઘણા દખ્ખણી રાજાઓ સાથે પરિચય કેળવ્યો છે અને ઘણી જગ્યાએ ચિત્રવિચિત્ર બાબતો જોઇ છે. એની વિગતવાર વાત આપણે રૂબરૂ મળીએ ત્યારે કરીશ.’ પોતે નડિયાદ ઉતરવા ઇચ્છતા હોવા છતાં, ઉતરી શક્યા નહીં એ માટેનું સૌથી મોટું કારણ આપતાં સ્વામીએ  દીવાનને લખ્યું હતું કે, ‘તમે ત્યાં ન હતા.  હેમ્લેટ નાટકમાંથી હેમ્લેટનું પાત્ર જ કાઢી નાખીને ભજવવાનું હાસ્યાસ્પદ  બની જાય...થોડા વખતમાં હું મુંબઇ પાછો જવાનો જ છું, એટલે મને થયું કે આ વખતે (નડિયાદ ઉતરવાનું) મુલતવી રાખું.’ (૨૮-૪-૧૮૯૩)

આ જ પત્રમાં સ્વામીએ દીવાન સમક્ષ એક વિશિષ્ટ વિનંતી મૂકી,‘જૂનાગઢમાં અત્યારે સિંહનાં બચ્ચાં છે? એમાંથી એક તમે મારા રાજાને આપી શકો? બદલામાં એ તમને રાજપુતાના (રાજસ્થાન)નાં થોડાં પ્રાણીઓ આપી શકે એમ છે.’ આ માગણી સ્વામીએ જેમના માટે કરી એ ખેતડીના રાજા સ્વામીના ભક્ત અને ગાઢ સ્નેહી હતા.

શિકાગોની વિશ્વ ધર્મપરિષદમાં પહોંચ્યા પછી સ્વામી વિવેકાનંદના જીવનનો નવો તબક્કો શરૂ થયો. તેમની આ પહેલી વિદેશયાત્રા હતી. ત્યાંના ભારતીયોના અને અમેરિકનોના તેમને કેવા  અનુભવ થયા? અને દીવાન હરિદાસ પરના પત્રોમાં તેમણે કેવો હૃદયનો ઉભરો ઠાલવ્યો?  તેની વાત આવતા સપ્તાહે.

3 comments:

  1. બહુ સરસ ,પણ ભાઈ ઊર્વીશ આમ વન -વે વ્યવહાર ન દાખવ--- દીવાનજીના પત્રોની પણ વાતો જણાવ......

    ReplyDelete
    Replies
    1. Anonymous5:41:00 AM

      Bhai nadiad avo..etle batavishu

      Delete
  2. What a wealth of information and what makes me truly curious is the completely different 'personal' side to the Swami we all have known merely as a somewhat mythical figure in school textbooks. Loved the piece.

    ReplyDelete