Friday, September 14, 2012
‘શોલે’ : એક ઐતિહાસિક અર્થઘટન
શોલે’ એક એવી હિંદી ફિલ્મ છે, જેના ડાયલોગ પરીક્ષામાં પૂછાતા હોત, તો ભારતીય વિદ્યાર્થીઓની બે-ત્રણ પેઢી એકાદ વિષય પૂરતી અભ્યાસના ટેન્શનમાંથી મુક્ત થઇ ગઇ હોત. આ ફિલ્મનું નાનામાં નાનું પાત્ર તેની ખાસિયત, સંવાદ બોલવાની છટા અને સંવાદો- આ બઘું એટલું લોકપ્રિય બન્યું કે તેની નકલો મારીને કે પેરડી કરીને કંઇક હાસ્યકારો અને હાસ્યકલાકારો (હા, આ બન્ને જુદાં પ્રાણી છે) તરી ગયા. તેના સંવાદો મથાળા તરીકે અને બોલચાલની ભાષામાં હજુ જૂના થયા નથી. અભ્યાસક્રમ વઘુ ઉદાર થાય તો ભવિષ્યમાં ‘કિતને આદમી થે?’ જેવા સંવાદ ‘પૂર્વાપર સંબંધ આપીને સમજાવો’ એવી રીતે પ્રશ્નપત્રમાં પૂછાઇ શકે છે. પરંતુ અહીં ‘શોલે’ પરથી પ્રશ્નપત્ર કાઢવાનો ઇરાદો નથી. બલ્કે, તેની કથાને સાવ જુદા, એક ઇતિહાસકારના દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ છે.
મસાલા ફિલ્મોમાંથી ખુદ ડાયરેક્ટરને પણ ખબર ન હોય એવા અર્થો શોધી કાઢનારા ‘અભ્યાસીઓ’ને અર્પણ કરી શકાય એવો આ લેખ, બીજી ઘણી ફિલ્મોના આ જાતના અર્થઘટન માટે દરવાજા ખોલી આપે છે. હિંદી ફિલ્મોના સમાજશાસ્ત્રીય અભ્યાસોનો રાફડો ફાટ્યો છે, ત્યારે આ લેખ ઇતિહાસ સાથે ફિલ્મોનો સંબંધ જોડવાની દિશામાં પણ નવી પહેલરૂપ છે.
***
રામગઢ ભારતનું સામાન્ય ગામડું છે. ગાંધીજીએ કહ્યું હતું કે અસલી ભારત ગામડાંનો બનેલો દેશ છે. એ દૃષ્ટિએ રામગઢ આઝાદી પહેલાંના ભારતનું પ્રતિનિધિત્વ કરતું એક ગામડું છે. ભારતની જેમ ગામમાં ગરીબી છે, પણ ભારતની જેમ જ, ગરીબી એ રામગઢની મુખ્ય સમસ્યા નથી.
ગામલોકો માટે એક માત્ર સમસ્યા છેઃ ડાકુ ગબ્બરસિંઘ. આ નામ અંગ્રેજ ‘ગવર્નર જનરલ’ના અપભ્રંશ તરીકે પસંદ કરાયું હોય એમ લાગે છે. (‘ગવર્નર જનરલ’ પરથી ગવર્નર-ગબર્નર-ગબ્બર્નર-ગબ્બર) ગબ્બરસિંઘનું પાત્ર આઝાદી પહેલાંની બ્રિટિશ હકુમતનું પ્રતીક છે. લૂંટારુ મનોવૃત્તિ ધરાવતા અંગ્રેજો ગરીબ ભારતીયોને લૂંટીને બધો માલ ઇંગ્લેન્ડભેગો કરતા હતા. એવી જ રીતે, ‘શોલે’નો ગબ્બરસિંઘ રામગઢના ગરીબ લોકો પાસેથી ચીજવસ્તુઓ અને રૂપિયા પડાવે છે. ભારતીયોના શોષણ માટે ખુદ વાઇસરોયને ગામડેગામડે ફરવાની જરૂર ન હતી. એ કામ બે-ચાર સીપાઇસપરાં પતાવી દેતાં હતાં. ગબ્બરસિંઘનું તંત્ર એવું જ છે. તેના બે-ચાર પરચૂરણ ડાકુઓ રામગઢમાં આવીને, લૂંટફાટ કરીને, લોકોને દમદાટી આપીને પાછા જતા રહે છે.
ઇતિહાસના અભ્યાસીઓ જાણે છે કે રામગઢ એ કાલ્પનિક નામ નથી. હકીકતમાં એક રામગઢ અસ્તિત્ત્વ ધરાવે છે, જ્યાં ૧૯૪૦માં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસે મૌલાના આઝાદને પ્રમુખ બનાવ્યા હતા. તેનાથી મુસ્લિમ લીગના મહંમદઅલી ઝીણા બહુ ચીડાયા હતા. એ જ વર્ષે ભરાયેલા લીગના અધિવેશનમાં પહેલી વાર અલગ પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો. રામગઢના આ ઐતિહાસિક મહત્ત્વને ઘ્યાનમાં રાખીને ‘શોલે’ના કાલ્પનિક ગામનું નામ પણ રામગઢ રખાયું છે. આને કેવળ યોગાનુયોગ શી રીતે ગણી શકાય?
ગામમાં એક ઠાકુર છે. તેમનું પાત્ર ગાંધીજીના આગમન પહેલાંની ભારતીય કોંગ્રેસ સાથે સીઘું સામ્ય ધરાવે છે. અત્યાચાર અને શોષણથી ત્રસ્ત રામગઢમાં અમિતાભ અને ધર્મેન્દ્રના આગમનથી નવી લહેરખી આવે છે. આ ઘટના પ્રતીકાત્મક રીતે અનુક્રમે ગાંધીજી અને સરદાર પટેલનો ઉદય સૂચવે છે. રામગઢ સ્ટેશને ટ્રેનમાંથી ઉતરતા અમિતાભ-ધર્મેન્દ્ર અને પીટરમારિત્ઝબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ઉતારી મુકાયેલા ગાંધીજી- આ બન્ને ઘટનાઓ અને ત્યાર પછી ઇતિહાસમાં આવેલા વળાંક વચ્ચેનું સામ્ય ઘ્યાનાકર્ષક નથી?
રામગઢમાં આવીને અમિતાભ-ધર્મેન્દ્ર જૂની કોંગ્રેસના પ્રતીક જેવા ઠાકુર સાથે જોડાય છે. તેનાથી, ગાંધીજીના આગમન પછીની કોંગ્રેસની જેમ, ઠાકુરમાં નવો જુસ્સો પ્રગટે છે. આગંતુકોનું પહેલું કામ ગામલોકોમાં હિંમતનો સંચાર કરવાનું છે. ગાંધીજીનો રસ્તો અહિંસાનો હતો, જ્યારે અમિતાભ-ધર્મેન્દ્ર બંદૂકબાજ છે. પરંતુ ગબ્બરના તાપ સામે લડવા માટે બંદૂક કરતાં પણ વધારે જરૂર હંિમતની પડે છે અને આતતાયીના હણવા માટે હથિયાર ઉઠાવવાનું ગાંધીજીના માર્ગદર્શક એવા ગ્રંથ ‘ભગવદ્ગીતા’માં લખેલું છે. એટલે ગાંધીજીની અહિંસા અને અમિતાભ-ધર્મેન્દ્રની હિંસા છેવટે ધર્મયુદ્ધના ખાનામાં જ આવે.
ગાંધીજીની પ્રિય પ્રવૃત્તિ કાંતણ હતી. ચરખો કાંતવામાં તેમને સંગીત સંભળાતું હતું. ફિલ્મમાં અમિતાભ સંગીત માટે ચરખાને બદલે માઉથઓર્ગનનો ઉપયોગ કરે છે. અમિતાભ ઠાકુરની વિધવા પુત્રવઘુ પ્રત્યે અને ધર્મેન્દ્ર બસંતી પ્રત્યે આકર્ષાય છે. આ કથા ઉમેરવાનો હેતુ સ્પષ્ટ છેઃ ફિલ્મનો પ્લોટ આઝાદીની લડત પરથી સીધેસીધો ઉઠાવ્યો છે એવું કોઇને ન લાગવું જોઇએ. નહેરૂ અને ઝીણા જેવું કોઇ પાત્ર ન રાખવા માટે પણ આ જ કારણ જવાબદાર હશે એવું માની શકાય.
લોકોમાં રાજકીય જાગૃતિ ઊભી કરવા માટે સરદાર પટેલે બારડોલીમાં ‘ના-કર’ની આક્રમક લડત ઉપાડી હતી. એવી જ રીતે ફિલ્મમાં પણ ‘ગબ્બરના કૂતરાને રોટલા નાખવાનું બંધ કર્યું છે’ એવા આક્રમક શબ્દો દ્વારા ‘ના-કર’ પ્રકારની લડતનો આરંભ થાય છે. તેની પ્રતિક્રિયા તરીકે અંગ્રેજ સરકારે લોકોનાં ઢોરઢાંખર, માલસામાન જપ્ત કરીને કાળો કેર મચાવ્યો હતો, એવું જ ગબ્બરના માણસો કરવા જાય છે. પણ અમિતાભ અને ધર્મેન્દ્રની બહાદુરી સામે તેમના હાથ હેઠા પડે છે. બારડોલી સત્યાગ્રહ પછી દેશમાં સર્જાયું હતું એવું જ વાતાવરણ ગબ્બરના ડાકુઓની પીછેહઠ પછી રામગઢમાં ઊભું થાય છે.
ફિલ્મમાં સૂરમા ભોપાલી અને ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ જેવાં પાત્રો અનુક્રમે ગાંધીજીના નામે અને અંગ્રેજોના નામે ચરી ખાતા લોકોની હાંસી ઉડાડવા માટે મૂકવામાં આવ્યાં છે. ફિલ્મસર્જકની બારીક ઇતિહાસદૃષ્ટિને દાદ આપવી પડેઃ ભારતમાં અંગ્રેજોની ઇતર પ્રવૃત્તિની ઝાંખી તેમણે ‘મહેબુબા મહેબુબા’ જેવા એક ગીતની મદદથી આપી દીધી છે. ગીત પૂરું થયે છાપો મારવાની ઘટના ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજોના શસ્ત્રાગાર અને તેમના અફસરો પર બોમ્બ ફેંકવાના સાહસની યાદ તાજી કરાવે છે. કસ્તૂરબા અને જયા બચ્ચનના પાત્ર વચ્ચેનું સામ્ય ઉડીને આંખે વળગે એવું છે. (અહીં આપણે સામ્યની જ વાત કરતા હોવાથી, તફાવતોનો ઉલ્લેખ ગૌણ બની જાય છે.) મૂંગું બળ, મક્કમતા, સાદગી, આમન્યા, પવિત્રતા, માનમર્યાદા, સંયમ, સંસ્કૃતિપ્રેમ, સંયમીત પ્રેમ જેવાં ભારતીય નારીનાં અનેક લક્ષણો જયા બચ્ચના પાત્ર દ્વારા સમયાંતરે સ્ફુટ થાય છે અને ભારતીય નારી પાસેથી ગાંધીજીએ રાખેલી અપેક્ષાની યાદ તાજી કરાવતાં રહે છે. ફિલ્મમાં જયાના પાત્ર દ્વારા વિધવાવિવાહનો સંદેશો આપવાનું પણ સર્જક ચૂક્યા નથી. એવી જ રીતે, ગબ્બરસિંઘને તમાકુ ફાકતો બતાવીને તમાકુથી માણસ કેવાં અનિષ્ટોના રવાડે ચઢી શકે છે, એ પણ સ્પષ્ટ રીતે દર્શાવાયું છે.
અંગ્રેજો છેવટ સુધી કોંગ્રેસી નેતાઓને ગણકારતા ન હતા, એવી જ રીતે ગબ્બરસિંઘ પણ છેલ્લે સુધી અમિતાભ-ધર્મેન્દ્રને ગંભીરતાથી લેતો નથી. દેશ આઝાદ થયા પછી ગાંધીજીની હત્યા થતાં જેવો શોક ફેલાયો હતો, એવી ગમગીની ફિલ્મમાં બચ્ચનના મૃત્યુ પછી સર્જાય છે.
‘શોલે’ ડોક્યુમેન્ટરી નથી, પણ ફિલ્મ છે. એટલે ગબ્બર પકડાઇ ગયા પછી રામગઢનું શું થયું, ઠાકુરના રાજમાં લોકો સુખી થયા કે તેમને ગબ્બર સારો લાગવા માંડ્યો- એવા સવાલોના જવાબ તેમાંથી મળતા નથી.
Labels:
film/ફિલ્મ,
Gandhi/ગાંધી,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
તમારો આ લેખ વાચી બે વાર ખડખડાટ હસ્યો છું. થોડાં સમય પહેલા ગાંધીજી અને ધીરુભાઈ અંબાણી વચે સામ્ય છે, તેવો લેખ વાચ્યો હતો ત્યારે તે લેખ માટે હસવું કે રોવું તે ખબર નોતી પડતી અને તે સમય ની જે વ્યથા હતી તે વ્યથા તમારા આ લેખ વાચી ને દુર થઈ ગઈ અને નકી કર્યું તે લેખ માટે પણ હસવુજ. બે વાર હસવા બદલ ધન્યવાદ.
ReplyDeleteપ્રિય ઉર્વીશ ભાઈ,
ReplyDeleteતમારું 'શોલે' ફિલ્મનું પૃથ્થકરણ વાંચ્યું તમે ઘણા મુદ્દાઓ પર સવિસ્તાર 'જાંચ' કરી અને
લોકોને ફિલ્મ જોયા કરતાં વાંચવાની મઝા પડી જાય!
તમારા જેવા હિન્દી ફિલ્મના અભ્યાસુ/વિવેચક પ્રેક્ષકોને સારી ફિલ્મો પ્રત્યે ખેંચી જાય .
આજકાલની ફિલ્મો આધુનિક 'ટેકનીક' અને 'પશ્ચિમના મિશ્ર સંગીત' ના સહારે ભલે u
'બોક્ષ ઓફીસ'પર રૂપિયાનો મારો ચલાવી જાય પણ ઝાઝા દિવસો તેની અસર નથી
છોડી જતા.
જેમ તમે'શોલે'નું આવું એક ઊંડું અવલોકન કર્યું તેમ કોઈવાર આપની ભૂતકાળની એટલીજ
લોકપ્રિય ફિલ્મો કિસ્મત(જૂની),દો બીઘા ઝમીન અને મધર ઇન્ડિયા જેવી બીજી આંગળીઓની
વેઢે ગણાય એવી બીજી ફિલ્મોનો પણ ક્યારેક અવલોકન તેના આવાજ પૃથ્થકરણ સાથે
આપવું રાખશો તો અમારા જેવા લોકોને પણ તમારી કલમી કસબીનો લાભ મળે.
લી.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન.
ગાંધીજીની પ્રિય પ્રવૃત્તિ કાંતણ હતી. ચરખો કાંતવામાં તેમને સંગીત સંભળાતું હતું. ફિલ્મમાં અમિતાભ સંગીત માટે ચરખાને બદલે માઉથઓર્ગનનો ઉપયોગ કરે છે. અમિતાભ ઠાકુરની વિધવા પુત્રવઘુ પ્રત્યે અને ધર્મેન્દ્ર બસંતી પ્રત્યે આકર્ષાય છે. આ કથા ઉમેરવાનો હેતુ સ્પષ્ટ છેઃ ફિલ્મનો પ્લોટ આઝાદીની લડત પરથી સીધેસીધો ઉઠાવ્યો છે એવું કોઇને ન લાગવું જોઇએ. નહેરૂ અને ઝીણા જેવું કોઇ પાત્ર ન રાખવા માટે પણ આ જ કારણ જવાબદાર હશે એવું માની શકાય.....ખડખડાટ હસાવી દીધા હોં...મજા આવી ગઈ...
ReplyDeleteઉર્વીશ ભાઈ,
ReplyDelete‘શોલે’ ડોક્યુમેન્ટરી નથી, પણ ફિલ્મ છે. એટલે ગબ્બર પકડાઇ ગયા પછી રામગઢનું શું થયું, ઠાકુરના રાજમાં લોકો સુખી થયા કે તેમને ગબ્બર સારો લાગવા માંડ્યો- એવા સવાલોના જવાબ તેમાંથી મળતા નથી.