Wednesday, September 05, 2012

મૈં કહીં કવિ ન બન જાઉં...

કવિતા કરવી એ ઇન્ડિયન પીનલ કોડની એકેય કલમ હેઠળ દંડનીય અપરાધ નથી. પરંતુ કોઇને હત્યા કે આત્મહત્યા માટે પ્રેરવા, સમાજમાં અશાંતિ-અરાજકતા ફેલાવવાં અને નિર્દોષોને માનસિક ત્રાસ આપવો- એ બાકાયદા ગુના છે. ઘણા લોકો એ જાણતા નથી અથવા જાણતા હોય તો કવિતા કરવા સાથે તેનો સંબંધ સમજી શકતા નથી. એટલે તે કવિતાને નિર્દોષ પ્રવૃત્તિ ગણી લે છે. (નોંધઃ મીર-ગાલિબ, ઉમાશંકર-નિરંજન, મરીઝ-રમેશ પ્રકારના એટલે કે ખરા કવિઓને અને તેમની કવિતાને આ લેખ પૂરતા ‘કવિ’ અને ‘કવિતા’ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.)

રસ્તાની જેમ કવિતાની બાબતમાં ગુજરાતનો બહુ વિકાસ થઇ ગયો છે. મુખ્ય મંત્રીએ આજ સુધી જાતે એકેય રસ્તો બનાવ્યો હોય એવું જાણમાં નથી (અહીં રસ્તા કાઢવાની નહીં, બનાવવાની - અને એ પણ ડામરના રસ્તા બનાવવાની- વાત છે.) પણ તેમણે જાતે અનેક કવિતાઓ લખી છે. એ દૃષ્ટિએ રસ્તાની સરખામણીમાં કવિતા ગુજરાતના વિકાસના પ્રતીક તરીકે વધારે લાયક ગણાય. હજુ સુધી સરકારે વાઇબ્રન્ટ કવિતા મહોત્સવ કેમ નથી યોજ્યો, એ સવાલ છે.

કહેવાય છે કે બે અંગ્રેજો મળે ત્યારે હવામાનની વાત કરે. એવી જ રીતે, ‘ફેસબુક’ જેવી સાઇટના અનુભવે કહી શકાય કે ‘(ઘણા) ગુજરાતીઓ ભેગા થાય ત્યારે કવિતાની - ખાસ કરીને પોતાની લખેલી કવિતાની- વાત કરે છે.’ ગુજરાતીઓને ફક્ત શૅરબજારમાં રસ પડે છે, એવું માનનારા લોકો ‘ફેસબુક’ પર ગુજરાતીઓનો શેર- પ્રેમ જુએ, તો તેમનું શેર લોહી ચઢે. ‘ફેસબુક’ પર કવિતા લખવામાં ગુજરાતી ભાઇઓ-બહેનો એટલાં ઉત્સાહી છે કે તે પોતાની લખેલી કવિતા વાંચવાનું અને તેના ગુણદોષ વિશે વિચારવાનું ભૂલી જાય છે. ‘ફેસબુક’ની રસમ પ્રમાણે એવી કવિતાનાં વખાણ થયાં, એટલે ખલાસ. પછી કવિ ઝાલ્યા રહેતા નથી. મરીઝની અને તેમની કવિતા બસ થોડો જ તફાવત રહી જાય છે.

કેટલાકે શરૂઆતમાં ધડકતા હૈયે એવી પણ તપાસ કરી લીધી હતી કે ‘ફેસબુક’ પર ‘સાભાર પરત’નું  બટન હોય છે? એક વાર જાણ થઇ કે ‘ફેસબુક’ પર જે (જેવું) લખીએ તે પ્રગટ થઇ જાય છે, એટલે કવિતાઓનો મારો ચાલુ થઇ ગયો. ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ‘ફેસબુક’ હોત તો બંધારણના ઘડવૈયાઓએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કલમ ‘શરતોને આધીન’  રાખી હોત. તેની પેટાકલમોમાં તેમણે ચોખવટ કરી હોત કે પદ્ય સ્વરૂપને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય લાગુ પડતું નથી. કારણ કે જાહેર શાંતિના ભંગનું જોખમ એ સ્વરૂપમાત્રમાં સમાયેલું છે. બંધારણ ઘડાયાની સદીઓ પહેલાં, ‘પંચતંત્ર’ના વખતમાં ‘ફેસબુક’ હોત તો ‘વાંદરાના હાથમાં તલવાર’ને બદલે, ‘ઉત્સાહી કવિઓના હાથમાં ફેસબુક’ જેવી કોઇ કથા મળી હોત.

ઘણાં વર્ષો સુધી કવિતા લખવી એ અજમાની બીડી પીવા જેવી નિર્દોષ અને કંઇક અંશે આરોગ્યવર્ધક ક્રિયા ગણાતી હતી. છોકરો-છોકરી જુવાન થાય એટલે એનામાં પહેલાં ખીલ ફૂટે કે કવિતા, એની છૂપી હરીફાઇ ચાલતી હતી. સામ્યવાદની જેમ કવિતા પણ જુવાનીનું અનિવાર્ય અનિષ્ટ (કે ભૂષણ- જેવી જેની દૃષ્ટિ) ગણાતી હતીઃ જુવાનીમાં એ ન કરે તો વિચિત્ર અને મોટા થઇ ગયા પછી એ ચાલુ રહે તો સમજવું કે લોચો. એ તબક્કેથી સારી કવિતા વાંચવાના કે છંદ શીખવાના રવાડે ચડેલા લોકો અટવાયા કરતા અને ‘નૈસર્ગિક પ્રતિભાને મોકળું મેદાન આપવામાં’ - એટલે કે મનમાં આવે તે ભરડવામાં માનતા લોકો જોતજોતાંમાં કવિ થઇ બેસતા.

કવિતા ભારતીયોની અને ગુજરાતીઓની દુઃખતી નસ છે. ‘રાગ દરબારી’કાર શ્રીલાલ શુક્લે લખ્યું હતું કે સંસ્કૃત સાંભળતાની સાથે જ ભારતીયોના બે હાથ જોડાઇ જાય છે ને માથું નમી પડે છે. એવી જ રીતે, કવિતા કે તરન્નુમમાં બોલાતું કંઇ પણ સાંભળીને સરેરાશ ગુજરાતીઓના મોઢેથી ‘વાહ, વાહ’ નીકળી જાય છે. તેનો અર્થ સમજવાનું કામ ત્યાર પછી થાય તો થાય. કોલેજકાળમાં ‘શાયરી’ તરીકે ઓળખાતી કવિતાઓ કરનારા હંમેશાં ડીમાન્ડમાં રહેતા. તેમનો દબદબો જોઇને બીજાઓને પણ ‘શાયરીઓ’ કરવાની ચાનક ચઢતી. એ શાયરો કમાવાની પંચાતમાં પડી ગયા પછી આજીવન ‘આપણે આગળ વઘ્યા નહીં. બાકી લખવાનું ચાલુ રાખ્યું હોત તો આપણું આજે નામ હોત.’ એવા ભ્રમમાં જિંદગી વીતાવી નાખતા હતા.

બીજાઓની કવિતા તેમના કે પોતાના નામે વાંચીને વાહવાહ ઉઘરાવવાની પ્રવૃત્તિ પહેલાં કોલેજ પૂરતી મર્યાદિત હતી અને એટલા માટે જ તેને ક્ષમ્ય ગણવામાં આવતી હતી. પરંતુ હવે તે ઘણા લોકોનો વ્યવસાય બની ગઇ છે અને ક્ષમ્ય જ નહીં, રમ્ય ગણાવા લાગી છે. (કવિતા વિશેના લેખમાં એકાદો પણ પ્રાસ ન આવે, તો ગુજરાતીપણું ન લાજે?) કવિતા સાથે કશી લેવાદેવા ન હોય એવા ગુજરાતી સમારંભોમાં પણ કવિતા છવાઇ જાય છે. કાર્યક્રમ સાહિત્યનો અને એ પણ કવિતાનો હોયતો પછી પૂછવું જ શું? રીઢા સંચાલકો ‘શું પોતાનું, શું પારકું’ એવી ઉદાર વિચારસરણીથી, હાથે ચડી તેની કવિતાને વહેતી મૂકી દે છે.

તાજમહાલ બતાવનાર ગાઇડને કોઇ એમ કહેતું નથી કે ‘તમે આ કોતરણી બહુ જોરદાર લઇ આવ્યા’, પણ મંચ પરથી પારકી કવિતાઓનું એક્ઝિબિશન-કમ-સેલ કરતા સંચાલકો પર ગુજરાતી ઓડિયન્સ ફીદા થઇ જાય છે.  સંચાલકો પણ એવું માનવા લાગે છે કે કવિતાઓ લખવા-બખવાનું તો ઠીક છે, અસલી કામ કવિતા ટાંકવાનું છે. અમે ન હોત તો ગાલિબોને-મરીઝોને યાદ કોણ કરતું હોત? અમારી પર ઉછીના માલથી દુકાન ચલાવવાનો આરોપ મૂકનારાને ખબર નથી કે મહાન શાયરોને અમરત્વ અમે આપ્યું છે.

સંચાલકોને કવિતા આટલી ફળતી હોય તો કટારલેખકોએ શો ગુનો કર્યો? એ લખે ભલે ગદ્યમાં, પણ તેના મથાળા તરીકે બીજાની સારી કે પોતાની નબળી પંક્તિઓ ટાંકીને વાચકોને સંદેશો આપે છે, ‘અમે ગદ્ય લખીએ એટલે તમે અમને શુષ્ક, અ-કવિ ન માની લેતા. અમે અસલમાં કવિજીવ છીએ, પણ કોલમો ભરી ભરીને પોતાની કવિતા કોણ લખવા દે? એટલે અમે કવિતાને બદલે ગદ્ય લખીએ છીએ. અમારા કાવ્યપ્રેમ પર હજુ શ્રદ્ધા થી બેસતી? તો જુઓ અમારું મથાળું: ગદ્યલેખમાં કેવી કવિતા ફટકારી દીધી છે? અમારી ભાવના એટલી જ છે કે કોઇ વાચકને આખા લેખમાંથી કંઇ ન મળે તો છેવટે મથાળામાંથી પણ કંઇક મળવું જોઇએ. અમારા માટે તો વાચકો એ જ સર્વસ્વ છે. તેમને રાજી રાખવા માટે બીજાની પંકિત તો શું આખેઆખી કવિતા પણ અમે ઉતારી શકીએ છીએ.’ આ પ્રકારના લેખકો અને મંચસંચાલકો ગબ્બરસિંઘની થિયરી પ્રમાણે વિચારે છે કે આપણે કવિઓની પંક્તિઓ ટાંકીને તેમને અમરત્વ આપીએ અને બદલામાં તાળીઓ ને  પુરસ્કાર ઉઘરાવી લઇએ, તો એમાં ખોટું શું છે?

ગબ્બરસિંઘ પરથી યાદ આવ્યું. કવિતા અને બંદૂક વચ્ચે કેટલુંક સામ્ય છે. બન્નેનું સર્જન મુખ્યત્વે સામેવાળાને ‘પાડી દેવા’ માટે થાય છે. બન્ને પારકાં હોય એટલા માત્રથી તેની ઘાતકતા ઓછી થતી નથી. તેમનો ઉપયોગ કર્યા વગર, તેમને પાસે રાખીને પણ સામેવાળાને ડરાવી શકાય છે. વિશ્વાસ ન આવતો હોય તો ખિસ્સામાં પોતાની રચનાઓની ડાયરી રાખતા કોઇ કવિમાં એક વાર રસ દાખવજો. બીજી વખત ડાયરીના ઉલ્લેખ માત્રથી બંદૂક કરતાં વધારે બીક લાગવા માંડશે. એક બાબતમાં બંદૂક કવિતા કરતાં વધારે ‘નિર્દોષ’ છે. બંદૂક ચલાવવા માટે લાયસન્સ લેવું પડે છે અને લાયસન્સ વિના તેનો પ્રયોગ કરનારને સજા થઇ શકે છે. આ બાબતમાં કવિતાને બંદૂક સમકક્ષ લાવવાની ઝુંબેશ ઉપાડવાનું હજુ સુધી કોઇ માનવ અધિકારવાળાઓને સૂઝ્‌યું નથી.

6 comments:

 1. લેખ ગમ્યો. લેખની નીચે ફેસ બુક ની જેમ Like નું બટન હોવું જોઈએ.

  ReplyDelete
 2. બહુ સરસ ....!
  સ્કૂલમાં હતો ત્યારે ગુજરાતી/હિન્દીમાં
  આવતી અમુક કવિતાઓ ને લઈને થતું કે
  કવિતાઓ લાગણીનો વિષય છે....!
  કોલેજની આજુ બાજુ લાગ્યું કે
  કવિતાઓ જ્ઞાન-બુદ્ધિ નો વિષય છે....!
  છેલ્લા કેટલાક સમયથી લાગે છે
  કવિતાઓ આવડત-કારીગીરીનો વિષય છે !
  (^ મુખ્ય-તત્વની વાત છે ; કવિતામાં
  કંઈપણ હોઈ શકે / બધું જ હોઈ શકે
  તેવું સ્માર્ટલી જોનારને સ્પષ્ટતા.)
  બાકી, સંચાલક વાળી વાત માં ઘણી મઝા પડી !
  ગુજરાતી-ભારતીય માનસ એમાં સ્પષ્ટ થાય છે.
  અને જેમ પેલું "શબ્દ બ્રહ્મ છે" તેમ....
  "ક્વોટવું એ બ્રહ્મ છે ; પદ્ય નાં મળે તો ગદ્ય પણ ચાલશે " !


  ReplyDelete
 3. ;-)
  ઘણા ચહેરાઓ નજર સામે આવી ગયા...

  ReplyDelete
 4. Anonymous10:50:00 AM

  મુલ્લા નાસિરુદ્દીન ફારસીના ઘણા ઉમદા શાયર હત(ઉમદા શાયરને મોટે ભાગે લોકો સાંભળતા નથી. જો તે હાસ્યકાર ન હોય અથવા હાસ્ય વિષયક શાયરી તફડંચી કરી સંભળાવતા ના હોય.)એક વાર નદી કાંઠે એમને એક ડૂબતા માણસને બચાવ્યો.તે માણસતો ભાવ વિભોર બની ગયો .જિંદગી બચાવી.મુલ્લાએ એનો બગલ થેલો કાઢ્યો અને કહે તને તાજા કલામ સંભળાવું.આ ઓશિયાળા માણસ પાસે સાંભળવા સિવાય કોઈ ચારો નહતો.મુલ્લાએ થવા દીધી.એકાદ કલાક સુધી.આવો શ્રોતા ક્યાં મળવાનો હતો?
  પેલો માણસ આ બધું સાંભળીને ખૂબ કંટાળ્યો હતો.એણે મુલ્લાજીની કહ્યું: મારી પણ વાત સાંભરો--મને જયાંથી તમે ડૂબતાં બચાવ્યો હતો ત્યાં પાછા નાખી આવો.
  કદાચ આ વાત વિચીત્ર લાગતી હોયા તો--આપણા શાયર ઘાયલ સાહેબ વિશે શેખાદમા લખે છે કે એમણે પંડિત જવાહરલાલ નેહરુને અમદાવાદમાં ગુજરાતી શાય્રી સંભલાવી અને શેખાદમને એનો તરજૂમો પણા કરવા નદીધો.ઘાયલ-શૂન્યસાથે 1968માં જંબુસરના મુશાયરામાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો.
  ----મુહમ્મદઅલી વફા
  www.bazmewafa.wordpress.com
  www.bagewafa.wordpress.com

  ReplyDelete
 5. For long I too was under the impression that I could make a living writing verse. Then, I grew up. So I fully understand when you say: જુવાનીમાં એ ન કરે તો વિચિત્ર અને મોટા થઇ ગયા પછી એ ચાલુ રહે તો સમજવું કે લોચો.

  Good fun!

  ReplyDelete
 6. @shilpa patel: :-))) how one can stop himself/herself from showing one's true colors?

  ReplyDelete