Tuesday, September 18, 2012
કાર્ટૂનવિવાદઃ લોકશાહીનું કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર)
ધારો કે, વઘુ એક વખત સાંસદો લોકસભામાં ધાંધલ પર ઉતરી આવે છે. સામસામા બેફામ આક્ષેપો, અઘ્યક્ષના આસન સુધી ધસી જવું, માઇકની ફેંકાફેંક, ખુરશીઓ તોડી નાખવી, ધક્કામુક્કી, મારામારી...
ધારો કે, એ વખતે ‘લોકસભા ટીવી’નું જીવંત પ્રસારણ ચાલુ છે. તેના થકી સાંસદોની શરમજનક હરકતો લોકોના ઘરમાં પહોંચે છે. એ જોનારના મનમાં સંસદીય કાર્યવાહીની સાથોસાથ સંસદની પવિત્રતા અને તેની ગરીમા અંગેના રહ્યાસહ્યા ખ્યાલનું ધોવાણ થાય છે.
પરંતુ સરકાર, સંસદની ગરીમાની દુહાઇ આપીને, ‘લોકસભા ટીવી’ના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દે તો?
વાત હાસ્યાસ્પદ લાગે છે? પણ અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહ લગાડી શકનાર સરકારી તંત્ર આવું કરે તો નવાઇ ન લાગવી જોઇએ. આખરે, રાષ્ટ્રનાં અને લોકશાહીનાં પ્રતીકોની ગરીમાનો સવાલ છે.
સરકારની સંડોવણી
અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન પર રાજદ્રોહના વિવાદમાં, મોટે ભાગે બને છે તેમ, બે-ત્રણ મુદ્દાની ભેળસેળ થઇ ગઇ. એ મુદ્દાને અલગ તારવીને તેમની વાત કરવી પડે.
સૌથી પહેલી વાત કલમ ૧૨૪ (એ) ઉર્ફે રાજદ્રોહની. કાર્ટૂન સામે રાજદ્રોહની કલમ લગાડવી, એ પ્રમાણભાનની રીતે માખી ઉડાડવા માટે તલવાર વાપરવા જેવું ગણાય. અસીમ ત્રિવેદીનાં કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી રાખીએ, પણ એ કાર્ટૂન ભ્રષ્ટાચાર સામેનાં- ભ્રષ્ટ રાજકીય વર્ગ સામેનાં હતાં એટલું સાફ છે. તેનાથી સરકાર સામે અસંતોષ કે વિદ્રોહ કે બેદિલી ફેલાય, એ માન્યતા સરકારની અસલામત અથવા કિન્નાખોર અથવા બન્ને પ્રકારની માનસિકતા સૂચવે છે. મસમોટાં કૌભાંડોથી ખરડાયેલી સરકારને પોતાની સ્થિતિ ડગુમગુ લાગે તે અસલામતી અને અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તથા અન્નામંડળની ઝુંબેશનો હિસ્સો હતાં, એ તેની કિન્નાખોરી.
એક દલીલ એવી કરવામાં આવે છે કે રાજદ્રોહની ફરિયાદ સરકારે કરી ન હતી. એટલે આ કિસ્સામાં સરકારનો કે નેતાઓનો વાંક કાઢી શકાય નહીં. ટેકનિકલ રીતે ફરિયાદ મુંબઇના એક યુવકે નોંધાવી હતી એ ખરું, પરંતુ તેમાં કઇ કલમો લગાડવી એ ફરિયાદીના હાથમાં હોતું નથી અને તેમાં ફરિયાદીનું ધાર્યું પણ થતું નથી. દલિત અત્યાચારની કે મોટાં માથાં સામા પક્ષે હોય એવી અનેક ફરિયાદો ફરિયાદીના લાખ પ્રયાસ છતાં નોંધાતી સુદ્ધાં નથી, એ જાણીતું છે. દલિત અત્યાચારના કિસ્સામાં દબાણ પછી ફરિયાદ નોંધાય તો પણ, તેમાં ગુનાની ગંભીરતાને અનુરૂપ કલમો પોલીસ ભાગ્યે જ લગાડે છે.
તો પછી અસીમ ત્રિવેદી સામેની ફરિયાદમાં પોલીસને રાજદ્રોહ લગાડવાની પ્રેરણા કેવી રીતે મળી? તેના ત્રણ સંભવિત જવાબ આપી શકાયઃ ૧) પોલીસ કે તેમના ઉપરીને પોતાની તાકાત ‘બતાવી દેવાનો’ જુસ્સો ચઢી આવ્યો હોય ૨) આમ કરવાથી પોતાના રાજકીય ઉપરી રાજી થશે કે નારાજ તો નહીં જ થાય તેની ગળા સુધીની ખાતરી હોય ૩) આખી ફરિયાદ ‘સ્પોન્સર્ડ’ હોય એટલે કે રાજદ્રોહ લગાડવાનું પહેલેથી નક્કી હોય અને તેની પ્રાથમિક વિધિ પૂરતી કોઇની પાસે ફરિયાદ કરાવવામાં આવી હોય.
રાજદ્રોહની કલમ સામે ઉહાપોહ થયા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસે આખા મામલા સાથે પોતાને કશી લેવાદેવા નહીં હોવાનું જાહેર કર્યું અને સાથી પક્ષ એનસીપી પર આળીયોગાળીયો નાખવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં એટલું સલામત રીતે કહી શકાય કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઇ તેમાં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકાર, ઓછામાં ઓછી નૈતિક રીતે, જવાબદાર હતી. ગુજરાતના મુખ્ય મંત્રીની જેમ, પોતાના રાજમાં બનેલી ઘટનાઓની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા, એ નિર્દોષતા નહીં, ખંધાઇ સૂચવે છે.
આપખુદશાહીનો અંશ
રાજદ્રોહની કલમ હંમેશાં વિવાદાસ્પદ રહી છે- ચાહે તે માઓવાદીઓને મદદ કરવાના આરોપસર ડૉ.વિનાયક સેન સામે લાગે કે પછી રાષ્ટ્રિય પ્રતીકોની પેરડી કરવા બદલ અસીમ ત્રિવેદી સામે લગાડાય. (એ જુદી વાત છે કે અસીમ ત્રિવેદીના મામલે કૂદી પડેલી કેસરિયા બ્રિગેડ ગુજરાત સરકાર દ્વારા આ જ કલમનો દુરુપયોગ થાય ત્યારે મોઢામાં મગ ભરીને બેસી જાય છે.)
પારકા દેશ એવા ભારતને પોતાની એડી તળે કચડેલો રાખવા અંગ્રેજોને રાજદ્રોહ જેવી આત્યંતિક કલમની જરૂર પડે- અને ક્રાંતિકારીઓથી માંડીને લોકમાન્ય ટિળક, ગાંધીજી જેવા નેતાઓને એ કલમ અંતર્ગત સજાઓ ફટકારવામાં આવે, એ સમજી શકાય એવું છે. પરંતુ સ્વતંત્ર અને લોકશાહી દેશમાં, લોકોએ ચૂંટેલી સરકારનું રાજ હોય ત્યાં આ કલમની શી જરૂર? લોકશાહી અધિકારો પર તરાપ અને આપખુદશાહીની અવધિની બાબતમાં રાજદ્રોહની કલમ શિરમોર ગણાય એવી છે. તેના આરોપીને જામીન પણ ન મળે અને સજા તરીકે આજીવન કેદ થઇ શકે, એવી કડક જોગવાઇ હોય છે.
ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનો ઉપાડો રાજદ્રોહની કલમની જરૂરિયાત તરીકે ટાંકી શકાય, પણ ગમે તેવાં ભવ્ય કારણસર થતી ગુનાઇત પ્રવૃત્તિને સજા કરવા માટે પૂરતા કાયદા મોજૂદ છે. તેના માટે રાજદ્રોહ જેવી, ગુલામીની યાદ અપાવતી કલમ ચાલુ રાખવાની જરૂર ન હોય. સાથોસાથ, લોકશાહી દેશમાં અલગતાવાદી ગતિવિધિ સાથે પનારો પાડવા માટે રાજદ્રોહની કલમ જેવાં હથિયાર કારગત નીવડતાં નથી એ પણ યાદ રાખવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ, મુત્સદ્દીગીરી અને સમસ્યાના મૂળ સુધી જવાની તૈયારી વિના કેવળ દંડશક્તિ અકસીર નીવડતી હોત, તો માઓવાદ ભારતમાં આટલો ફેલાયો હોત?
પ્રાથમિકતાનો પ્રશ્ન
ચર્ચાનો એક સૂર એવો પણ હતો કે કાર્ટૂનિસ્ટ સામે રાજદ્રોહ ન લગાડવો જોઇએ એ બરાબર, પણ રાષ્ટ્રિય પ્રતીકોનું મહત્ત્વ ઓછું આંકી ન શકાય. કાર્ટૂનિસ્ટે તેમની સાથે કામ પાડતી વખતે સાવચેતી રાખવી જોઇએ. કારણ કે રાષ્ટ્રિય પ્રતીકો સાથે ઘણા લોકોની દેશપ્રેમની લાગણી જોડાયેલી હોય છે અને તેમનું માન જળવાવું જોઇએ. માહિતી પ્રસારણ મંત્રી અંબિકા સોનીથી માંડીને ઘણા તટસ્થ અભ્યાસીઓએ પણ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો.
આ મુદ્દાની સાથે કાર્ટૂનની ગુણવત્તા વિશેની ચર્ચાનો ઉલ્લેખ પણ કરી લઇએ. ઘણા લોકોને લાગ્યું કે અસીમ ત્રિવેદીનાં કાર્ટૂન કળાની દૃષ્ટિએ ભદ્દાં અને સુરુચિનો ભંગ કરનારાં હતાં. સંસદને શૌચાલયના કમોડ તરીકે ચીતરતું કાર્ટૂન કે કૂતરાની માફક પગ ઊંચો કરીને બંધારણનું પુસ્તક ભીનું કરતા અજમલ કસાબનું કાર્ટૂન તેના નમૂના છે. કાર્ટૂનકળાની સમજણ ધરાવનાર રસિકો-ભાવકોને આ કાર્ટૂન નબળું કે અરૂચિકર લાગે એ સમજી શકાય. તથ્યનું અતિશયોક્તિભર્યું ચિત્રણ કાર્ટૂનકળાનું મહત્ત્વનું અંગ છે, પરંતુ કસાબવાળું કાર્ટૂન જોઇને લાગે કે કાર્ટૂનિસ્ટ ભ્રષ્ટાચારવિરોધી રોષ વ્યક્ત કરવાની સાથોસાથ જોનારના મનમાં આંચકાની લાગણી પેદા કરવા ઇચ્છે છે.
પણ એક મિનીટ. ખોટું પાર્કિગ કરવા માટે કે ટ્રાફિક સિગ્નલ કૂદાવવા માટે કોઇ માણસ સામે દસ-પંદર વર્ષની સજા થાય એવી ગંભીર કલમ લગાડવામાં આવે તો? એ વખતે ‘ખોટી કલમ તો ન જ લગાડવી જોઇએ, પણ તેમણે પાર્કંિગ કરતી વખતે ઘ્યાન રાખવું જોઇએ’ એમ કહેવાનું કેવું લાગે? આ પ્રકારના વિધાનથી બન્ને બાબતોની ગંભીરતા સમાન સ્તર પર આવી જાય છે.
અસીમ ત્રિવેદીનો કિસ્સો આગળના ઉદાહરણ કરતાં વધારે ગંભીર છે. તેમાં ‘રાજદ્રોહની કલમ ન લગાડવી જોઇએ એ બરાબર, પણ અસીમે આવાં કાર્ટૂન ન દોરવા જોઇએ’ એમ કહેવાથી બન્ને બાબતોની ગંભીરતા એકસરખી લાગવા માંડે છે. કેટલીક વાર તેમાંથી નહીં બોલાયેલો એવો ઘ્વનિ પણ પ્રગટે છે કે ‘રાજદ્રોહ પણ ન લગાડવો જોઇએ ને આવાં કાર્ટૂન પણ ન દોરવાં જોઇએ. પછી આવાં કાર્ટૂન દોરો તો રાજદ્રોહ લાગે પણ ખરો.’
ખરેખર આવું કહી શકાય? અને એ ન્યાયી લાગે છે? તેનો સાદો અર્થ એટલો જ કે રાજદ્રોહ જેવી આત્યંતિક અને અન્યાયી કલમ લાગી હોય, ત્યારે સૌથી પહેલાં બઘું જોર લગાડીને એ કલમનો વિરોધ કરવો પડે. કાર્ટૂનની ગુણવત્તાની ચર્ચા પછી થઇ શકે છે. એ વિશે કહેવાની ફરજ પડે તો પણ, એ સ્પષ્ટ રહેવું જોઇએ કે કાર્ટૂનની ગુણવત્તાનો મુદ્દો ગમે તેટલો સાચો હોય છતાં, રાજદ્રોહની ગંભીરતા સામે તેનું વજૂદ નહીં જેવું છે. કાર્ટૂનના ગુણદોષની ચર્ચા રાજદ્રોહના આરોપને કે સરકારની આત્યંતિકતાને લેશમાત્ર વાજબી ઠરાવવા માટે ન વપરાવી જોઇએ.
બેવડાં ધોરણ
આ વિવાદ સાથે સંકળાયેલી કેટલીક આડવાતો પણ ઉલ્લેખનીય છે. અસીમ ત્રિવેદીએ કાર્ટૂન દોર્યાં, નાનો જેલવાસ મેળવ્યો, રાજદ્રોહના આરોપ પાછા ન ખેંચાય ત્યાં સુધી જામીન ન લેવાની જાહેરાત કરી, પછી રાજદ્રોહના આરોપ પાછા ખેંચાયા વિના જામીન પર છૂટકારો મેળવ્યો, રાજદ્રોહના બીજા મોટા આરોપી ડો.વિનાયક સેનને મળ્યા અને રાજદ્રોહની કલમ સામે ઝુંબેશ ઉપાડવાની વાત કરી. આટલા ઘટનાક્રમ પરથી અસીમ ત્રિવેદી અને ડો.વિનાયક સેનને એક સ્તરે ગણવાની જરૂર નથી અને અસીમ ત્રિવેદીને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ઝુંબેશના નાયક બનાવી દેવાની ઉતાવળમાં પડવા જેવું નથી. સામેના માણસને આપણી અપેક્ષા પ્રમાણેના નાયકપદે સ્થાપી દેવાથી કામચલાઉ મઝા આવે છે, પરંતુ સામેના માણસનું અસલી કદ જાહેર થાય ત્યારે બમણી નિરાશા થાય છે. અન્ના-કેજરીવાલ-કિરણ બેદીના આંદોલનમાંથી આટલો બોધ પણ ન લીધો હોય, તે રાજકીય પાયદળમાં ભરતીને જ લાયક ગણાય.
ચિતરવાને લગતી વાત આવી એટલે ઘણાને એમ.એફ.હુસૈનનો જૂનો સણકો ઉપડ્યો. ‘હુસૈનને કશું કર્યું ન હતું ને કાર્ટૂનિસ્ટને જેલમાં પૂરી દીધો’ એવી દલીલો થઇ. બન્નેના સાવ જુદા કામ અને સાવ જુદા કેસની સરખામણી શી રીતે થઇ શકે, એ સમજવામાં ભાજપી માનસિકતા ઘણી મદદરૂપ થઇ શકે. હા, એવું ચોક્કસ કહી શકાય કે ઠાકરે બંદાઓ બેફામ પ્રાંતવાદ ભડકાવે છે અને ભારતના બંધારણના હાર્દને જોખમાવે છે. છતાં કોંગ્રેસ-એન.સી.પી.ની સરકાર ‘અમે કાનૂની વિકલ્પો તપાસી રહ્યા છીએ’ એવા લાળા ચાવે છે અને તેમનું કશું બગાડી શકતી નથી. આ નિષ્ક્રિયતા પણ ગુનાને પ્રોત્સાહન આપવા જેટલી જ ગંભીર ગણાવી જોઇએ. આઝાદ મેદાનના તોફાનમાં જવાનોના સ્મારકને નુકસાન પહોંચાડનારા તોફાનીઓ સામે સરકાર કશું કરી શકતી નથી, પરંતુ એક કાર્ટૂનિસ્ટની વાત આવે એટલે સરકારને રાજદ્રોહનો આરોપ લગાડવાનું શૂરાતન ઉપડે છે.
નબળી સરકાર કાર્ટૂનિસ્ટ પર શૂરી, બીજું શું?
Labels:
cartoon,
congress,
dr.binayak sen,
sedition
Subscribe to:
Post Comments (Atom)
Can't disagree with a single word there. Very well-analysed.
ReplyDelete