Thursday, September 13, 2012
ચોમાસાની આગાહીઃ ચોક્સાઇનો દુકાળ
મોડે મોડે પણ વરસાદ આવ્યો એટલે, હવામાન ખાતા સિવાય બધાને રાહત થઇ. હવામાન ખાતાનો અપવાદ એટલા માટે કે વરસાદ તેના માટે અણીયાળા સવાલ લઇને આવ્યોઃ ભારતીય હવામાન ખાતાની વરસાદને લગતી આગાહીઓ કેમ ખોટી પડે છે? શા માટે તે ભરોસાપાત્ર હોતી નથી? આ સાલના વરસાદ વિશેની તેની આગાહીઓ વૈજ્ઞાનિક વરતારાને બદલે, ફૂટપાથિયા જ્યોતિષીના ફળકથન જેવી કેમ પુરવાર થઇ છે?
ફૂટપાથિયા જ્યોતિષી જેવી આગાહી
દર વર્ષે એપ્રિલ મહિનામાં હવામાન ખાતું- મેટિરિઓલોજિકલ ડીપાર્ટમેન્ટ- ચોમાસાને લગતી એકંદર આગાહી જાહેર કરે છે. તે દેશના જુદા જુદા વિસ્તારો પ્રમાણે નહીં, પણ આખા દેશના સરેરાશ ચોમાસા વિશેની હોય છે. પચાસ વર્ષના (૧૯૫૧-૨૦૦૦) ગાળામાં સરેરાશ વરસાદ કેટલો પડ્યો હતો, તેનો આંકડો હવામાન ખાતાની પરિભાષામાં ‘લોંગ પિરીઅડ એવરેજ’ કહેવાય છે- લાંબા ગાળાની વાર્ષિક સરેરાશ. ૧૯૫૧થી ૨૦૦૦ સુધી પચાસ વર્ષના ગાળામાં દર વર્ષે સરેરાશ ૮૯ સેન્ટીમીટર પડ્યો છે. એટલે ચોમાસાની ૠતુમાં દેશમાં ૮૯ સે.મી. વરસાદ પડે તે ૧૦૦ ટકા કહેવાય. એ ગણતરી પ્રમાણે, ૯૬થી ૧૦૪ ટકા સુધીનો વરસાદ ‘નોર્મલ’ (સામાન્ય) અને ૯૦થી ૯૬ ટકા જેટલો વરસાદ ‘બીલો નોર્મલ’ (સામાન્ય કરતાં ઓછો) કહેવાય છે. વરસાદ લોંગ પિરીઅડ એવરેજના ૯૦ ટકાથી પણ ઓછો થાય તો એ ચોમાસું ખરાબ ગણાય અને ૧૧૦ ટકાથી વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિ કહેવાય.
આ વર્ષની ૨૬ એપ્રિલના રોજ ભારતના હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલની સહીથી બહાર પડેલો ‘લોંગ રેન્જ’(જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાનો) વર્તારો આ પ્રમાણે હતોઃ આખા દેશમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના ૪૭ ટકા, સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના ૨૪ ટકા અને અપૂરતો (હવામાન ખાતાના શબ્દોમાં ‘ડેફિશ્યન્ટ’) કે વઘુ પડતો વરસાદ પડવાની શક્યતા ૧૦ ટકાથી પણ ઓછી છે. કુલ વરસાદ લોંગ પિરીઅડ એવરેજ (૮૯ સે.મી.)ના ૯૯ ટકા જેટલો પડવાની આગાહી ત્યારે કરવામાં આવી હતી. ૯૯ ટકાની સાથે પાંચ ટકાની વધઘટની જગ્યા પણ રાખવામાં આવી હતી.
જૂનમાં હવામાનખાતાએ ૯૯ ટકાને બદલે ૯૬ ટકા વરસાદની આગાહી કરી. ત્યાર પછી બે મહિના વરસાદની રીતે નબળા ગયા. એ સમયગાળામાં જેટલો વરસાદ પડવો જોઇએ, તેમાં ૨૩ ટકાની ઘટ નોંધાઇ. આવી જ સ્થિતિ ચાલુ રહે તો ચોમાસું ખરાબ ગણાય અને દુકાળની નોબત આવે. એ વખતે હવામાનખાતાએ નહીં, પણ વડાપ્રધાનની કચેરીએ સુધારેલો વરતારો કાઢીને ૯૨ ટકા વરસાદ પડશે એવું જાહેર કર્યું. પણ થોડા દિવસ થયા- ન થયા, ત્યાં હવામાનખાતાએ વઘુ એક આગાહી કરી અને કહ્યું કે આ સાલ ચોમાસામાં ૮૫ ટકા કરતાં વધારે વરસાદ નહીં પડે. (આગળ જણાવ્યું તેમ, આ બધી ટકાવારી ૮૯ સે.મી. વરસાદને ૧૦૦ ટકા તરીકે ગણીને કાઢવાની છે.)
૮૫ ટકા વરસાદ એટલે અછતની સ્થિતિ ગણાય. ક્યાં હવામાન ખાતાની મૂળ ૯૯ ટકાની સામાન્ય વરસાદની આગાહી અને ક્યાં સીધી બે પગથીયાં ઉતરીને આવી ઉભેલી અછતની પરિસ્થિતિ. પરંતુ બીજી વાર પણ હવામાન ખાતા માટે નીચાજોણું થયું. કારણ કે ઓગસ્ટ મહિનામાં ચોમાસું બરાબર જામ્યું. વરસાદની ઘટ ઘણી હદે પુરાઇ અને હજુ વરસાદ ચાલુ છે. એટલે મોસમ પૂરી થતાં સુધીમાં વરસાદની ટકાવારી સામાન્ય બની જાય એવી પૂરી સંભાવના છે.
ચોતરફથી ઘેરાયેલી સરકાર માટે ૮૫ ટકા વરસાદની હવામાન ખાતાની આગાહી ભારે ચંિતા ઉપજાવનારી હતી. હવે એ સ્થિતિ ટળી ગઇ છે અને સારો વરસાદ આવતાં સરકારને હાશ થઇ છે, પણ ઠેકાણાં વગરની આગાહીઓને કારણે હવામાન ખાતા પર બરાબર માછલાં ધોવાઇ રહ્યાં છે. હવામાન વિભાગ કેન્દ્ર સરકારના વિજ્ઞાન, ટેકનોલોજિ અને અર્થ સાયન્સીસના મંત્રાલયમાં આવે છે. તેના રાજ્ય કક્ષાના મંત્રીએ લોકસભામાં કબૂલવું પડ્યું છે કે ૨૦૦૭ થી ૨૦૧૧ના ગાળામાં, શરૂઆતના તબક્કે (એપ્રિલમાં) હવામાન ખાતા દ્વારા કરાતી આગાહીઓની ચોક્સાઇ માંડ ૫૦ ટકા જેટલી હોય છે. ચોક્સાઇની વાત ચાલતી હોય ત્યારે ૫૦ ટકા કેટલા ઓછા કહેવાય, એ સમજાવવાની જરૂર ખરી?
બદલાતાં મોડેલ
વરસાદ જેવા પેચીદી કુદરતી ઘટના પર અનેક સ્થાનિક અને બહારનાં પરિબળો અસર કરે છે. તેની ચોક્સાઇપૂર્વક આગાહી કરવાનું સહેલું નથી. વરસાદની ગણતરી માટેનાં મોડેલમાં હવામાન ખાતું યથાયોગ્ય પ્રયોગો, સંશોધન અને ફેરફાર કરતું રહે છે. વર્ષ ૨૦૦૭થી હવામાન ખાતાએ તેના જૂના મોડેલમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ મોડેલ અપનાવતાં પહેલાં, તેની ગણતરીઓ ૧૯૮૧થી ૨૦૦૪ સુધીનાં ચોમાસાંને લાગુ પાડવામાં આવી. સાચો જવાબ ખબર હોય એવા દાખલામાં નવી રીત લગાડવામાં આવે ત્યારે રીતની કસોટી થાય છે. હવામાન ખાતાની કસોટીમાં નવી રીત પાર ઉતરી. તેને લાગુ પાડતાં જણાયું કે એ મોડેલ થકી કાઢવામાં આવેલી આગાહીઓ સાચા આંકડાથી ઘણી નજીક હતી. પરંતુ નવા મોડેલને જશ કરતાં જૂતાં વધારે મળ્યાં છે.
વર્ષ ૨૦૦૭થી અપનાવાયેલા નવા મોડેલની વિશ્વસનીયતાને ૨૦૦૯માં ગંભીર ફટકો પડ્યો. એ વર્ષે એપ્રિલમાં હવામાન ખાતાએ ૯૬ ટકા વરસાદની આગાહી કરી હતી અને ખરેખર ફક્ત ૭૭ ટકા વરસાદ પડ્યો. દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાઇ અને હવામાન ખાતું જોતું રહી ગયું. ભારત જેવા દેશમાં અર્થતંત્રનો મોટો આધાર હજુ વરસાદ અને ખેતી પર હોય, ત્યારે વરસાદની સાચી આગાહી ઘણો ફરક પાડી શકે. કમ સે કમ, માનસિક રાહત કે (દુષ્કાળ-અતિવૃષ્ટિની) માનસિક તૈયારી પણ થઇ શકે.
હવામાન ખાતાની આગાહીઓના બચાવમાં એવું કહેવામાં આવે છે કે લાંબા ગાળાની આગાહીઓ ચોક્સાઇપૂર્વક કરવી બહુ અઘરી છે. ઉપરાંત એમ પણ કહેવાય છે કે એપ્રિલમાં થતી લાંબા ગાળાની આગાહીઓમાં આખા દેશના વરસાદની જ વાત હોય છે. પ્રદેશવાર ચોમાસું કેવું રહેશે અને આખી મોસમ દરમિયાન કયા સમયે વધારે ને કયા સમયે ઓછો વરસાદ પડશે, એવું જાહેર કરવામાં આવતું નથી. ખુદ હવામાન ખાતું સ્વીકારે છે કે (એપ્રિલમાં કરવામાં આવતી) લોંગ રેન્જ આગાહીઓ માંડ સાચી પડવાની શક્યતા માંડ ૫૦ ટકા જેટલી હોય છે, જ્યારે શોર્ટ રેન્જ (ટૂંકા ગાળા માટે કરાયેલી) આગાહીઓ સાચી પડવાની સંભાવના ૭૦થી ૯૫ ટકા જેટલી છે.
‘૭૦થી ૯૫ ટકા’ એ પણ ગૂંચવાડો પ્રેરનારો પ્રયોગ છે. ઓછામાં ઓછી અને વઘુમાં વઘુ ચોક્સાઇના આંકડા આપવાને બદલે, માન્ય પરંપરા પ્રમાણે ચોક્સાઇના સરેરાશ ટકાનો એક જ આંકડો શા માટે આપવામાં આવતો નથી? ‘૯૫ ટકા ચોક્સાઇ’ સાંભળીને જરા સારું લાગે એટલે?
વરસાદની લાંબા અને ટૂંકા એમ બન્ને ગાળાની આગાહીઓમાં ચોક્સાઇનાં ગાબડાંથી વિવિધ પ્રતિભાવો જન્મે છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે લાંબા ગાળાની આગાહી સાચી પડવાની શક્યતા ફક્ત ૫૦ ટકા જ હોય, તો એ કવાયત કરવાનો શો ફાયદો? એને બદલે ટૂંકા ગાળાની આગાહીઓની ધાર વઘુ તેજ બનાવવાની જોઇએ અને તેના માટે બનતા પ્રયાસ કરવા જોઇએ? ટૂંકા ગાળાની આગાહીઓમાં ૭૦થી ૯૫ ટકાનો આંકડો મોટો લાગે તો એ યાદ રાખવું પડે કે ઓગસ્ટમાં રાજસ્થાનમાં પૂર આવ્યાં, તેનો અંદાજ હવામાન ખાતાએ જુલાઇમાં કરેલી એકેય આગાહીમાં મળ્યો ન હતો.
રૂ.૪ અબજનું નવું મિશન
આગાહીઓની અવિશ્વસનીયતાનો સ્વીકાર કરનાર મંત્રીએ સંસદમાં કહ્યું છે કે નવા મોડેલથી કરાયેલી પાંચ વર્ષની આગાહીઓમાં ભલીવાર ન હોય, તો મોડેલ બદલવાનું વિચારવું જોઇએ. નજીકના ભૂતકાળમાં ૨૦૦૨માં નબળા ચોમાસાની આગાહી કરવામાં હવામાન ખાતું નિષ્ફળ ગયું, ત્યારે હવામાન ખાતાએ બે તબક્કે- એપ્રિલમાં આગાહી અને જૂનમાં તેમાં સુધારાવધારાની પદ્ધતિ અપનાવી. હાલમાં જૂન મહિનામાં અગાઉના આગાહીમાં ફેરફારની સાથોસાથ દેશના ચાર હિસ્સામાં વરસાદની અલગ અલગ આગાહી પણ કરવામાં આવે છે. તેના માટે ઘ્યાનમાં લેવાતાં ૮ પરિબળ અલગથી નીચે આપ્યાં છે. પરંતુ તેનાં પરિણામો ઉત્સાહજનક મળ્યાં નથી.
વરસાદની આગાહીમાં ચોક્સાઇ આણવા માટે હવામાન ખાતાથી અલગ અને સ્વતંત્ર એવું ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિઓલોજિ’નું સરકારી તંત્ર પણ કાર્યરત છે. પૂનામાં કામ કરતી આ સંસ્થા નેશનલ મોન્સૂન મિશન અંતર્ગત ૪ અબજ રૂપિયાના ખર્ચે આગાહીનું ચોક્સાઇભર્યું મોડેલ વિકસાવવા પ્રયત્નશીલ છે. સરકારી અંદાજ પ્રમાણે તેમાં પાંચેક વર્ષ લાગશે. અમેરિકાના ‘નેશનલ સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ પ્રીડિક્શન’ દ્વારા વિકસાવાયેલા મોડેલના આધારે તૈયાર થયેલા નવા મોડેલથી દુષ્કાળ અને પૂર જેવી આફતો વિશે અગાઉથી જાણી શકાય, એવી સંભાવના છે. તેમાં આખા ચોમાસાને લગતી આગાહીઓને બદલે ટૂંકા ગાળાની આગાહી પર વઘુ ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વઘુ એક નવું મોડેલ જૂનાં મોડેલનાં મહેણાં ભાંગ, તો પણ આ દેશમાં કેટલું આગોતરું આયોજન થાય એ સવાલ ઊભો રહેવાનો છે. પણ કમ સે કમ, હવામાન ખાતા પર થતો ટીકાનો વરસાદ બંધ થઇ જશે.
વરસાદની આગાહી માટે ખપમાં લેવાતાં મુખ્ય પરિબળ
વર્ષ ૨૦૦૭થી નવા અમલમાં આવેલા - અને હવે નિષ્ફળ પુરવાર થઇ ચૂકેલા- મોડેલમાં વરસાદની આગાહી માટે મુખ્ય ૮ પરિબળ ગણતરીમાં રાખવામાં આવે છે. તેમાં ૧થી ૫ સુધીનાં પરિબળ એપ્રિલમાં આગાહી માટે અને ૩ થી ૮ સુધીનાં પરિબળ જૂનની આગાહી માટે વપરાય છે.
૧) જાન્યુઆરીમાં વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) યુરોપની જમીન સપાટી પર રહેલી હવાનું તાપમાન
૨) ફેબ્રુઆરી-માર્ચમાં પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય હિસ્સામાં હૂંફાળા પાણીનો જથ્થો
૩) ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટીનું તાપમાન
૪) ફેબ્રુઆરી-માર્ચમાં હિંદ મહાસાગરના વિષુવવૃત્ત નજીકના દક્ષિણ-પૂર્વી હિસ્સાની સપાટીનું તાપમાન
૫) ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્વ એશિયામાં દરિયાની સપાટીનું સરેરાશ દબાણ
૬) પ્રશાંત મહાસાગરના મઘ્ય હિસ્સામાં દરિયાના પાણીના તાપમાનનું વલણ
૭) મે મહિનામાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સપાટી પરનું સરેરાશ દબાણ
૮) મે મહિનામાં ઉત્તર-મઘ્ય પ્રશાંત મહાસાગરની સપાટીથી દોઢ કિ.મી. ઉપરના હિસ્સામાં પવનનું પ્રમાણ.
Labels:
Meteorology,
monsoon forecast
Subscribe to:
Post Comments (Atom)
ane jyare agahi khoti pade tyare "El Niño" nu bahanu kadhvama ave chhe. Je upar na 1 thi 8 ek pan paribal ma nathi.
ReplyDeleteOnly useful information should be focused upon. And only useful weather prediction is, mid to short term; and that too by area. Mid term is to plan bigger activiites such as farming and short term is to plan day to day activities for all.
ReplyDeleteલેખ તો મસ્ત ને માહિતીપ્રદ જ રહ્યો, પણ શીર્ષક તો બહુ જ ગમ્યું. ચોક્સાઈનો દુષ્કાળ એકદમ સુસંગત.
ReplyDeleteMy God Urvish, you actually managed to write a long and very engaging piece on the 'weather'! That is some serious journalistic talent! Amazing.
ReplyDelete