Wednesday, September 26, 2012
રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો?
ગયા સપ્તાહે દેશ માટે પેંડા વહેંચવાનો પ્રસંગ આવ્યો. એટલે નહીં કે વડાપ્રધાન સિંઘ ખોંખારીને બોલ્યા, પણ એટલા માટે કે તે બોલ્યા. સામાન્ય રીતે ઘ્વજવંદનના પ્રસંગો (સ્વાતંત્ર્ય દિન-ગણતંત્ર દિન) નિમિત્તે રાષ્ટ્રના વડા રાષ્ટ્રજોગ પ્રવચન કરે એવો રિવાજ હોય છે, પરંતુ અપવાદરૂપ સંજોગોમાં આબરૂની ધજા થાય ત્યારે પણ રાષ્ટ્રજોગ પ્રવચન કરવું પડે છે.
વડાપ્રધાન એટલી શુષ્ક રીતે પ્રવચન વાંચતા હતા કે તે વડાપ્રધાન ન હોત તો આકાશવાણી-દૂરદર્શન પર ન્યૂઝરીડર તરીકે ચાલી જાત. પરંતુ આ પ્રવચનમાં શૈલીનું નહીં, સામગ્રીનું મહત્ત્વ હતું. વડાપ્રધાને પ્રવચન વાંચ્યું ત્યારે તેમની સામે, દર્શકોને ન દેખાય એવી રીતે સોનિયા ગાંધીની છબી રાખવામાં આવી હતી કે નહીં, એ માહિતી ‘સ્ટેટ સીક્રેટ’ છે.
જાણકારોએ કહ્યું પણ ખરું કે વડાપ્રધાન ચાર વર્ષ વહેલા બોલ્યા.
‘કેમ ચાર વર્ષ? સરકારને તો હવે બે જ વર્ષ બાકી છે?’ એવી જિજ્ઞાસાનો જવાબ મળ્યો,‘કહેણી તો બાર વર્ષે બાવો બોલ્યાની છે.’ વડાપ્રધાનના પ્રવચનમાં સૌથી પ્રેરક વાક્ય હતું, ‘નાણાં ઝાડ પર ઉગતાં નથી.’ એ વાંચીને લાગ્યું કે વડાપ્રધાન ચિંતક તરીકે પણ ચાલી જાય એવા છે. જે ક્યાંય ન ચાલે એવા ગુજરાતમાં ચિંતનમાં ચાલી જાય છે, તો મનમોહન સિંઘ કેમ નહીં?
પણ કલ્પનાની પાંખે તપાસવા જેવો ખરો સવાલ એ છે કે રૂપિયા ખરેખર ઝાડ પર ઉગતા હોત તો?
***
રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો, સાહિત્યમાં લખ્યું હોત કે પ્રાચીન ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી ને ઝાડ પર રૂપિયા ઉગતા હતા. પછી ડેરી ઉત્પાદનોમાં સહકારી ચળવળ શરૂ થતાં, ઘી-દૂધ નદીઓ સ્વરૂપે વહેવાને બદલે ચીઝ-બટર-ચોકલેટ સ્વરૂપે બજારમાં વેચાવા લાગ્યાં. ઝાડ પર ઉગતા રૂપિયા -એટલે કે નાણાં- અસલમાં જિરાફનો ખોરાક હતાં. તે ઊંચી ડાળીઓ પર ઉગતા હોવાથી, ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન તેમને આરોગવા માટે જિરાફની ડોક લાંબી થઇ. પછી માણસ રૂપિયાનું મૂલ્ય સમજતો થયો, એટલે ફરી ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડ્યોઃ રૂપિયાવાળા લોકો જિરાફની માફક ઊંચી ડોક કરીને સમાજમાં ફરવા લાગ્યા.
ઝાડ પર ઉગતી ચલણી નોટો જોઇને કોઇને ટાઇમપાસ તુક્કો સૂઝ્યોઃ ‘પહેલાં નાણાં કે પહેલાં ઝાડ?’ ભારતમાં શ્રદ્ધાળુઓનો એક પક્ષ માનતો હતો કે સમુદ્રમંથન દરમિયાન એવું ખાસ જાતનું બીયારણ નીકળ્યું, જેને અસુરોએ નકામું ગણીને ફેંકી દીઘું. હકીકતમાં એ દેવોની ચાલાકી હતી. તે છાનામાના અસુરોની કચરાપેટીમાંથી બીયારણ લઇ આવ્યા અને લક્ષ્મીદેવીની પૂજા-અર્ચના કર્યા પછી એ બીયારણને કિમતી ધાતુ સાથે ભેળવીને જમીનમાં રોપતાં, નાણાંનું ઝાડ ઉગ્યું. બીજો વર્ગ આ થિયરી સ્વીકારવાને બદલે માને છે કે સમુદ્રમંથન વખતે નીકળેલું કલ્પવૃક્ષ બીજું કંઇ નહીં, પણ નાણાંનું વૃક્ષ હતું.
અભ્યાસક્રમમાં આ વૃક્ષને વનસ્પતિશાસ્ત્રમાં રાખવું કે અર્થશાસ્ત્રમાં, એ વિશે ઉગ્ર ચર્ચાઓ થઇ. છેવટે નોટો ઉગાડતી તેની શાખાઓને વનસ્પતિશાસ્ત્રમાં અને તેનાં થડ-મૂળને અર્થશાસ્ત્રના અભ્યાસક્રમમાં ગોઠવવામાં આવ્યાં. ઝાડનાં વૃદ્ધિ અને વિકાસ ઉપર પણ સેંકડો સંશોધન થયાં અને કંઇક લોકો તેમાં પીએચ.ડી. કરવા માટે સરકારી લોન લઇને વિદેશી યુનિવર્સિટીઓમાં ઉપડી ગયા.
સદીઓ સુધી ભારતીયો એવું જ માનતા હતા કે આખા વિશ્વમાં નાણાં ઉગાડતું વૃક્ષ કેવળ આર્યભૂમિ ભારતમાં જ છે. કારણ કે ભારત દેવોનો માનીતો દેશ છે. ભારત પર વિદેશી આક્રમણખોરોના હુમલા વખતે પણ એમ જ મનાતું હતું કે એ લોકો ભારતમાં ઉગતાં નાણાંનાં ઝાડથી અભિભૂત થઇને, તેની લૂંટફાટ માટે આવે છે. બીજા દેશોમાં ઝાડ પર નાણાં ઉગે છે કે નહીં, એની જાણ ભારતીયોને થઇ ન જાય એ માટે, ‘ધર્મશાસ્ત્રો’માં વિદેશયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુરોપમાં ખ્રિસ્તી ધર્મસત્તાએ જાહેર કર્યું કે ફક્ત વેટિકન સીટીનાં જ વૃક્ષો પર નાણાં ઉગે છે. ગેલિલિયોએ આ વાતનો ઇન્કાર કરીને તમામ દેશોમાં વૃક્ષો પર નાણાં ઉગતાં હોવાનું કહ્યું, ત્યારે તેમની પાસેથી માફી લખાવવામાં આવી.
ભારતમાં નાણાં ઉગાડતાં વૃક્ષો માટે ‘લક્ષ્મીવૃક્ષ’ જેવું નામ પ્રચલિત બન્યું. તેની પર રાજાઓ પોતાનો એકાધિકાર રાખવા લાગ્યા. સામાન્ય માણસ માટે લક્ષ્મીવૃક્ષ ઉછેરવું એ રાજાશાહી દરમિયાન રાજદ્રોહનો અને લોકશાહી ભારતમાં નકલી નોટો છાપવા સમકક્ષ ગુનો ગણવામાં આવ્યો. લક્ષ્મીવૃક્ષો ઉછેરવા અસમર્થ એવી ભારતવર્ષની આમજનતા આ વૃક્ષની પ્રતિકૃતિ બનાવીને તેની પૂજા કરવામાં લાગી ગઇ. વારેતહેવારે લક્ષ્મીવૃક્ષની લાકડાની કે પત્થરની પ્રતિકૃતિઓ પૂજવાનો મહિમા થયો. તે શુકનિયાળ અને સમૃદ્ધિ લાવનારી ગણાવા લાગી. વૈશ્વિક મંદી વખતે ‘લક્ષ્મીવૃક્ષમાંથી આંસું ટપક્યાં હતાં’ એવી કથાઓ ચાલી. તેની પરથી એવું પણ કહેવાયું કે ‘ભારે મંદી આવવાની હોય ત્યારે વહેલી સવારે લક્ષ્મીવૃક્ષમાંથી આંસુ પડે.’
ભારતવાસીઓ લક્ષ્મીવૃક્ષની પૂજામાં લીન હતા, ત્યારે યુરોપ-અમેરિકાના લોકો એ વૃક્ષના જનીનમાં ફેરફારો કરીને, ચલણી નોટોને બદલે ઝાડ પર સોનાચાંદીના સિક્કા ઉગાડવા માટેના અખતરા કરવા લાગ્યા. એક પર્યાવરણપ્રેમી વૈજ્ઞાનિકે લક્ષ્મીવૃક્ષની એવી આવૃત્તિ તૈયાર કરી જે પહેલા દસ વર્ષ નાના ચલણી સિક્કા આપે, પછી એ સિક્કા પાકે અને તેમાંથી ઓછી કિંમતની નોટો બને. એમ કરતાં છેક પચાસ વર્ષે સૌથી મોટા ચલણની નોટો આપે. આ પ્રકારના વૃક્ષનો ફાયદો એ થવા લાગ્યો કે નાણાંની લ્હાયમાં લોકો વૃક્ષો ઉગાડવા અને વર્ષો સુધી સાચવવા લાગ્યા. કેટલાક ભારતીય ભેજાબાજોએ ઓર્ગેનિક ખાતર અને શાસ્ત્રોક્ત પદ્ધતિની મદદથી, ભારતના લક્ષ્મીવૃક્ષ પર રૂપિયાને બદલે ડૉલર અને યુરો ઉગાડવાના પ્રયાસ કરી જોયા.
ભારતમાં આઝાદી પછી રાજારજવાડાંના કબજામાં રહેલાં લક્ષ્મીવૃક્ષોનાં જંગલ સરકારના કબજામાં આવ્યાં. ગાંધીજીનો આઇડીયા હતો કે લક્ષ્મીવૃક્ષો કાપીને તેમનું લાકડું બેઘર લોકો માટે ઘર બનાવવા વાપરવું જોઇએ. તેનો બીજો ફાયદો એ થશે કે લોકો ગુજરાન માટે ઝાડ પર આશા રાખીને બેસી રહેવાને બદલે, અંગમહેનત કરતા થશે. પરંતુ તેમના બીજા સિદ્ધાંતોની જેમ આ વાત પણ આઝાદ ભારતની સરકારે અમલમાં મૂકી નહીં. સરકારો સમાજવાદી નીતિ પ્રમાણે ચાલતી હતી ત્યાં સુધી ચલણી નોટોનાં જંગલ સરકારના કબજામાં રહ્યાં. એ વખતે વૃક્ષો પરથી નોટોનો ફાલ બહુ ઓછો ઉતરતો હતો. મોટા ભાગની નોટો વૃક્ષ પરથી બારોબાર ‘ખવાઇ’ જતી હતી. ઉદારીકરણ થયા પછી લક્ષ્મીવૃક્ષો ઉછેરવામાંથી સરકારે ખસી જવું જોઇએ, એવી લાગણી પ્રબળ બની. મોટાં ઉદ્યોગગૃહો તેના ઉછેર માટે આગળ આવ્યાં.
સ્પેક્ટ્રમ અને કોલસાની માફક, લક્ષ્મીવૃક્ષોનાં જંગલો ખાનગી કંપનીઓને સોંપવા બાબતે સરકારોએ પારદર્શક નીતિ અપનાવી નહીં. લક્ષ્મીવૃક્ષોના ઇજારા આપવામાં સરકાર પર વહેરોઆંતરો રાખવાના આરોપ થયા. ‘કેગ’ દ્વારા તપાસ કર્યા પછી જાહેર કરવામાં આવ્યું કે ખાનગી કંપનીઓને લાંબા સમયગાળા માટે કરી દેવાયેલી લક્ષ્મીવૃક્ષોની આડેધડ ફાળવણીને કારણે દેશને અમુક લાખ કરોડ રૂપિયાનું કરોડનું નુકસાન થયું છે.
વર્ષ ૨૦૧૨માં વડાપ્રધાને ખાધ ઘટાડવા પરદેશી કંપનીઓને ભારતમાં રૂપિયાનાં ઝાડ વાવવા-ઉછેરવા-ઉતારવાની મંજૂરી આપી. ડીઝલના ભાવ પણ વધાર્યા. વિપક્ષોએ તેનો વિરોધ કર્યો ત્યારે વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન કરતાં કહ્યું, ‘રૂપિયા ભલે ઝાડ પર ઉગતા હોય, પણ રૂપિયાનાં ઝાડ થોડાં કોઇ ઝાડ પર ઉગે છે?’
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
'રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો' ય ઓછી ઉંચાઈ ધરાવતા મનમોહનસિંહ માટે કશું અઘરું ન રહેત પોતાની કે પક્ષની કે દેશની રૂપિયા થકી સહાય કરવાનું. ભલે એમને રૂપિયાના ઝાડ પર ચઢતા ય ન આવડતું હોય, એમના માટે તો કોઈ પણ ખાતાનો પ્રધાન નિસરણી બનવા તૈયાર હોત. 'ન બોલ્યામાં નવ ગુણ' એવી ગુજરાતી કહેવતથી શાણા થયેલા આપણા પ્રામાણિક વડાપ્રધાન, કેવળ અર્થશાસ્ત્રના જ નહિ પણ પોતાની 'ઈમેજ મેનેજમેન્ટ'માં ય માસ્ટર છે.
ReplyDeleteઆ સાઈડ કિક પણ માણવા જેવી છે :
'જે ક્યાંય ન ચાલે એવા ગુજરાતમાં ચિંતનમાં ચાલી જાય છે, તો મનમોહન સિંઘ કેમ નહીં?' ઉર્વીશે લખેલો આ આસાન કોયડો ઉકેલી શકો તો કોમેન્ટ બોક્સ પર મૂકવા વિનતી, જોઈએ તો ખરા કેટલા લોકો સાચો જવાબ જાણે છે.
@ નીરવ પટેલ -- સાચો જવાબઃ ગુણવંત શાહ
ReplyDeleteGood one.રૂપિયાના ઝાડ તોપ ઉપર,શહીદોના કફન પર, ટેલિફોન અને કોલસા ઉપર પણ ઉગે છે.
ReplyDeleteરાષ્ટ્રજોગ પ્રવચનમાં મનમોહન જાતે બોલતા'તા કે ખાલી હોથ ફફડાવતા'તા એ સંશોધનનો વિષય છે. બની શકે કે સોનીયાની સ્પીચ મનમોહનના અવાજમાં ડબ કરવામાં આવેલ હોય.
મજા પડી ગઈ ઉર્વીશ. તારા બધા લેખો તો નથી વાંચી શકાતા અને જે વંચાય છે એના પર કમેન્ટ પણ નથી આપી શકાતી. સમયનો પ્રોબ્લેમ ને થોડી આળસ. જોકે બીજુંય એક કારણ છે. તારો લેખનવેગ એટલો બધો છે કે મારા જેવા આળસુના વાંચનવેગનેય આંટી જાય. When one is prolific in writing, he compromises with quality many a times. But you're different. ગુજરાતી છાપાંમાં કે બ્લોગમાં તારા જેટલું અને જેવું લખતો બીજો કોઈ હોય તો મને ખબર નથી. ગ્રેટ. નીલેશ રૂપાપરા.
ReplyDeleteપ્રિય નીલેશભાઇ, તમારી કમેન્ટ વાંચીને સવાર સુધરી ગઇ. તેમાં પ્રશંસા છે એ તો બરાબર, પણ એ તમારી છે તે મુખ્ય કારણ. 17 વર્ષ પહેલાં પત્રકારત્વનાં બિલકુલ અનુભવ કે તાલીમ વિના ‘અભિયાન’માં તમારી પાસે આવ્યો ત્યારે હતું, એટલું જ મૂલ્ય મારે મન તમારા – અને દીપકના- અભિપ્રાયનું, સલાહસૂચનનું હજુ પણ છે. કહેવા જેવું કહો એવી અપેક્ષા એ વખત જેટલી જ અત્યારે પણ રહે છે. ‘લેખનવેગ’ વિશે હું સભાન છું અને વેઠ ન નીકળે એ માટે સન્નિષ્ઠ પ્રયાસ કરું છું. તમને પણ એવું જ લાગે છે, એ જાણીને આનંદ થયો.
ReplyDeleteનીરવભાઇ અને ચિતનઃ ગુણવંત શાહની નાની-મોટી નબળી-વધુ નબળી નકલોનો હવે પાર નથી. ફક્ત એમને શા માટે દોષ દેવો? હવેનાં ઘણાંબધાં ચિંતન જોઇને, એ લખનારા સૌને આ 'સમર્પીત' છે
ReplyDelete