Thursday, January 26, 2012

મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ

ભારતવર્ષમાં માણસ કરતાં પૂતળાં વધારે પૂજાય છે. કારણ કે પૂતળાં ઉપદેશ આપતાં નથી, પૂતળાં સવાલ પૂછતાં નથી, પૂતળાં જવાબ માગતાં નથી, પૂતળાં સામે બોલતાં નથી, પૂતળાં બે આંખની શરમ ભરાવતાં નથી, પૂતળાં નાસીને ક્યાંય જઇ શકતાં નથી (સિવાય કે તેમને સરકારી રાહે ઉપાડીને બીજે ખસેડવામાં આવે), પૂતળાં ચાહે તો પણ છુપાઇ કે સંતાઇ શકતાં નથી (સિવાય કે ચૂંટણીપંચ ચૂંટણી ટાણે તેમની પર ઢાંકપિછોડો કરીને તેમને અદૃશ્ય બનાવી દે). ભાવુક લોકો કહે છે કે મહાપુરૂષો અને મહાસ્ત્રીઓનાં પૂતળાં આવનારી પેઢીને પ્રેરણા આપે છે. સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.

ટાઢ-તડકો-વરસાદ-ફૂલના, સુતરના અને જૂતાંના હારતોરા- જૂઠાં આદરમાન આ બઘું ચૂપચાપ અને સમાન ભાવે સહન કરતાં પૂતળાં ટેકનોલોજીની કોઇ તરકીબથી મોબાઇલ વાપરતાં થઇ જાય અને જીવંત મનુષ્યો સાથે ભલે નહીં, પણ એકમેક સાથે વાત કરી શકે-એકમેકની વાત સાંભળી શકે (કોન્ફરન્સિંગ કરી શકે) તો?
***

ગાંધીજીઃ (હાથમાં પકડેલી લાકડી નીચે મૂકતાં) હાશ..

સરદારઃ શું થયું બાપુ? ફોન પર કેમ હાશકારો નીકળી ગયો?

ગાંધીજીઃ વર્ષોથી મને લાકડી પકડાવીને ઊભો કરી દીધો છે. દરેક ગાંધીજયંતિએ મને ઇચ્છા થાય છે કે સુતરની આંટી લઇને આવનારા નેતાઓને લાકડીનો સ્વાદ ચખાડું પણ...

ડો.આંબેડકરઃ આ બાબતે હું તમારી સાથે સંમત છું, ગાંધીજી. હું તમારા જેવો શાંત નથી. મારી તિથી પર લોકો મને હાર ચડાવવા આવે ત્યારે દરેક વખતે હું આંગળી ચીંધી ચીંધીને કહું છે કે આ જ લોકોએ મારા ને તમારા સ્વપ્નને રોળી નાખ્યું છે. પણ મારા આંગળીચીંધામણને લોકો પૂતળાની મુદ્રા ગણી લે છે.

માયાવતીઃ ડાક્ટરસા’બ, તમારો અવાજ સાંભળીને હું એટલી બધી રાજી થઇ છું કે શું કરવું સૂઝતું નથી. મને લાગે છે કે હું હજાર-બે હજાર કરોડના ખર્ચે મારાં ને તમારાં ને માન્યવર કાંશીરામજીનાં બીજાં પાંચ-પચીસ પૂતળાં ઊભાં કરાવું.

રાણી લક્ષ્મીબાઇઃ (બેકગ્રાઉન્ડમાં ઘોડાની હણહણાટી સંભળાય છે) બે હાથે તલવાર ચલાવવી એક વાત છે. એ મને ફાવે, પણ એક હાથમાં ઘોડાની લગામ ને બીજા હાથમાં મોબાઇલ પકડવાનું બહુ ફાવતું નથી.

ભગતસિંઘ તો ઘોડાની નીચે ઉતરી જાવ.

લક્ષ્મીબાઇઃ પણ ઘોડાની નીચે ઉતરું તો પછી મને ઓળખે કોણ?

ભગતસિંઘ હા, એ વાત ખરી. મને પણ એ પ્રોબ્લેમ નડે છે. એટલે તો હું કદી હેટ કાઢતો નથી. લોકોને મન ભગતસિંઘ એટલે હેટ ને મૂછો. આપણે કોના માટે, શાના માટે મોતને ભેટ્યા એ જાણવાની કોને પરવા છે રાણીજી?

સાવરકરઃ એમ નિરાશ ન થશો. મેં ૧૮૫૭ના સંગ્રામ વિસે આખું પુસ્તક લખ્યું છે.

ઇન્દુલાલ યાજ્ઞિકઃ પણ એ પુસ્તક ‘વાંચે ગુજરાત’ની યાદીમાં હતું? જો ના, તો તમારું પુસ્તક એળે ગયું.

સાવરકરઃ એ તો મને ખ્યાલ જ ન આવ્યો. નહીંતર મને હારતોરા કરવા નેતાઓ આવ્યા ત્યારે મેં સહેજ ઇશારો કર્યો હોત તો પણ કામ થઇ જાત.

સરદારઃ સાવરકર, તમે ક્યાં કોંગ્રેસમાં છો? અત્યારના ગુજરાતમાં તો ફક્ત કોંગ્રેસીઓનાં કામ થાય છે. (ખડખડાટ હસે છે)

સાવરકરઃ (ઘૂંધવાઇને) આના કરતાં તો હું આંદામાનમાં સારો હતો. દેખવું નહીં ને દાઝવું પણ નહીં.

ગાંધીજીઃ આપણી વચ્ચે વિચારભેદ હોવા છતાં મારે કહેવું જોઇએ કે દેશને તમારા પૂતળાની જરૂર છે.

સાવરકરઃ (હજુ ખીજ ઉતરી ન હોય એવા અંદાજમાં) હા, પક્ષીઓ બિચારાં ક્યાં જાય? મારા માથે છે એવી સરસ મજાની ગોળાકાર ટોપી બીજે ક્યાં મળવાની?

સ્વામી વિવેકાનંદઃ માય ઇન્ડિયન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ...

ગાંધીજીઃ ઓહો, આ તો સ્વામી વિવેકાનંદ. દરિદ્રનારાયણનો મહિમા કરનાર..

વિવેકાનંદઃ ગાંધી, એ વિવેકાનંદ બીજો કોઇ હશે. આ પૂતળાસ્વરૂપ વિવેકાનંદ તો દરિદ્રનારાયણના નહીં, નગદનારાયણના મહિમાનું પ્રતીક બની ગયો છે. જુઓને, મારી દોઢસોમી જન્મજયંતિ પણ કેટલી ધામઘૂમથી ઉજવાઇ રહી છે. સરકાર આ નિમિત્તે એટલાં બધાં નાણાં આપવાની છે કે સંસ્થાઓ એટલો ખર્ચ એક વર્ષમાં કરી શકે એમ નથી. એટલે મારા જન્મની દોઢશતાબ્દિ ચાર વર્ષ સુધી ઉજવાશે.

સરદારઃ ઉઠો, સફાળા જાગો અને બધા રૂપિયાનો ઘુમાડો ન થાય ત્યાં સુધી અવિરત મંડ્યા રહો. બરાબર ને જવાહર?

નેહરુઃ એમાં હું શું કહી શકું? મારી જન્મશતાબ્દિ વખતે મારા પોતરાએ પણ ગામ માથે લીઘું હતું. મારા પ્રેમીઓ ને અભ્યાસીઓ મારાથી ઉબાઇ જાય, એટલો મારો પ્રચાર કર્યો હતો.

જગજીવનરામઃ અને બાકી હતું તે તમારી દીકરીએ પૂરું કર્યું.

આંબેડકરઃ અરે વાહ, જગજીવનરામ. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તમને બોલતાં આવડે છે?

ઇંદિરા ગાંધીઃ એ તો હું પૂતળું બની ગઇ એટલે. બાકી મજાલ છે કોઇની હરફ સુદ્ધાં ઉચ્ચારે? હું જીવતી હતી ત્યારે આ બધાંને મેં જીવતેજીવ પૂતળાં બનાવી દીધાં હતાં. ખાતરી ન થતી હોય તો પૂછો મોરારજીભાઇને...પણ એક મિનીટ..મોરારજીભાઇનું પૂતળું જ નહીં હોય. જવા દો. એમાં પૂછવાની શી જરૂર છે? હું કટોકટી સિવાય જૂઠું બોલતી નથી અથવા જૂઠું બોલું ત્યારે કટોકટી આવે છે, પણ અત્યારે એવી કોઇ ચિંતા રાખવાની જરૂર નથી.

સયાજીરાવ ગાયકવાડઃ અમારે મઝા છે. આઝાદી આવી ગઇ તો પણ પૂરા રજવાડી પોશાકમાં પ્રજા સામે રહેવા મળે અને અમારા વારસદારો સંપત્તિ માટે કેવાં ઝઘડે છે એ જોવા પણ મળે.

સરદારઃ (હસતાં હસતાં) સારું થયું ને તમારાં રજવાડાં ભારતમાં ભેળવી દીધાં. નહીંતર તમારા વારસદારોની ઝઘડાઝઘડી અને ભાગબટાઇને કારણે ભારતમાં રજવાડાંની સંખ્યા સાડી પાંચસોથી વધીને સાડા પાંચ હજાર થઇ ગઇ હોત.

ઇંદિરા ગાંધીઃ હા અને મારે સાડા પાંચ હજાર રજવાડાંનાં સાલિયાણાં નાબૂદ કરવાં પડત. સાડા પાંચસોમાં આટલો કકળાટ થયો, તો એનાથી દસ ગણા વધારેમાં કેટલો કકળાટ થાય?

નેહરુઃ બેટા પ્રિયદર્શિની, તારા સવાલનો જવાબ મળી શકે એમ નથી. કારણ કે આપણા દેશમાં ગણિતશાસ્ત્રીઓનાં કે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પૂતળાં ઊભાં કરવાનો રિવાજ નથી.

રાજીવ ગાંધીઃ કદાચ લાલબહાદુર શાસ્ત્રીનું પૂતળું મળી જાય.

4 comments:

  1. Anonymous4:15:00 AM

    પૂતળાં બની શક્યા એ છે નસીબદાર ભૈ
    મરવા પછી કંઈ કેટલા તો રોડ થઈ ગયા

    ReplyDelete
  2. આપણે પશ્ચિમપાસેથી ન શીખવા જેવું ઘણું શીખીએ છીએ તેનો ધોખો કરીએ તેના કરતાં શીખવા જેવું ઘણું નથી શીખતા તેનો માતમ મનાવવો જોઇએ.

    થોડા સમય પહેલાં ડાયના મૃત્યુબાદની ઘટનાઓ પરનું Queen જોયું, તેમાં બ્રીટનનાં રાણી પોતાની ગાડીમાં એકલાં [આસપાસ રસાલો ન હોય તેમ] ફરવા જતાં જોઇએ ત્યારે આપણને નવાઇ લાગે. આપણે તો તેઓ જ્યારે રાજ્યકર્તા હતા ત્યારે પ્રજાપર પોતાની યાદ અને સત્તા જમાવવા આવાં ગતકડાં કરતાં.

    બહેનજીએ જેટલા કરોડ પોતાનાં પુતળાંઓ પાછળ ખર્ચ્યા તેટલા તેઓ જેમનું ભલું કરવાનો [પોતનાં કુટુંબ સિવાય] દાવો કરે છે તેમની શાળાઓ જેવાં પાછળ ખર્ચ્યા હોત તો પણ નામ તો થાત જ અને આપણા જેવાને શાંતિ રહેત.

    ReplyDelete
  3. ઉત્કંઠા10:58:00 PM

    સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.


    બિલકુલ સાચી વાત..

    ReplyDelete
  4. કવિશ્રી ઉશનસે ૧૫-૨-૧૯૫૮માં આ કવિતા લખી હતીઃ

    ગાંધીજીને

    તમને હજીયે છે આ પ્રજામાં રસ?
    આપની જ્યાં ત્યાં ઊભી કરતી પ્રતિમા, બસઃ
    તેજમૂર્તિ તાત, આ એવી પ્રજા તમ વારસ,
    આદર્શનો અપભ્રંશ જ્યાં છે આરસ!

    તે પછી થી તો બેંકોનું રાષ્ટ્રિયકરણ અને રાજાઓનાં સાલિયાણાંથી માંડીને આર્થિક ઉદાહરણને પગલે ૭ થી ૮%નો વૃધ્દિ દર,પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થી શ્રી લંકામાંની ભારતીય લશ્કરની કામગીરી, સંસદને ફૂંકી મારવાથી માંડીને મુંબઇપર ત્રણ ત્રણ હુમલા અને એવીતો કેટ કેટલી સફર આપણે કરી, પરંતુ આપણો અપભ્રંશ સુધર્યો છે?

    ReplyDelete