Wednesday, January 18, 2012

અન્નામંડળની ઉત્તરાયણ

એક હતો લોકપાલ ખરડો અને એક હતો જનલોકપાલ ખરડો. બન્ને વચ્ચેના જોરદાર પેચ જમીન પર નહીં, પણ આકાશમાં લડ્યા હોત તો? અન્ના અને તેમના સાથી-સલાહકારો સહિત રાજકારણીઓની આખી મંડળી દિલ્હીમાં સંસદને બદલે ધાબાં-અગાશી પર ખડકાઇ હોત તો?
***
જનમેદનીથી ઉભરાયેલાં ધાબાં પર ‘એ કાટ્ટા... કાપ્યો છે...લેત્તો જા....આવજો...’ના પોકાર ઉઠી રહ્યા છે. એવામાં અન્ના દડબડ દડબડ દાદર ચડીને અગાસીમાં આવે છે.

અન્નાઃ (ચોતરફ જોઇને) અરવિંદ, આ બઘું શું છે? શાના અવાજ છે?

કેજરીવાલઃ (તાનમાં) અરે અન્નાજી, કાપ્યો છે...વો કાટ્ટા...

અન્નાઃ કિરણ, આને શું થઇ ગયું? શાની વાત કરે છે?

કિરણ બેદીઃ અન્નાજી, તમારા પતંગે સામેના ધાબા પરનો પેચ કાપ્યો છે, એટલે અમે ખુશી વ્યક્ત કરી રહ્યાં છીએ. તમે પણ અમારી સાથે જોડાઇ જાવ.

અન્નાઃ પણ હું તો હજુ અગાશી પર આવું છું. દોરીને અડક્યો નથી. તો મારો પતંગ ક્યાંથી હોય? એ પેચ શી રીતે કાપે? ને જે કાપ્યો જ નથી, એ પેચ માટે ચિચિયારીઓ કેવી?

કેજરીવાલઃ અન્નાજી, અત્યારે આખા દેશનાં ધાબાં આપણી સાથે છે. વિચારવાનો ટાઇમ નથી...એ કાટ્ટા...આવજો...અત્યારે તો આખા આકાશમાં તમારા ઢાલની આણ વર્તે છે. કોઇની તાકાત છે એની નજીક ફરકી શકે?

અન્નાઃ પણ મેં હજુ ક્યાં..

કિરણ બેદીઃ શ્‌શ્‌શ્‌..અન્નાજી, આપણે બધા અલગ છીએ? તમે પણ ભ્રષ્ટાચારના વિરોધી ને અમે પણ ભ્રષ્ટાચારના વિરોધી. તમને પણ કોંગ્રેસ સામે વાંધા ને અમને પણ વાંધા. તમને પણ પબ્લિસિટી ગમે ને અમને પણ ગમે...તો પછી તમારે અલગ પતંગ ચડાવવાની ક્યાં જરૂર છે? ભ્રષ્ટાચારના વિરોધમાં અરવિંદે ચડાવેલો પતંગ એ જ તમારો પતંગ.

અન્નાઃ વાત તો સાચી, પણ..

કેજરીવાલઃ અન્નાજી, હવે જોજો તમારા પતંગનો સપાટો. હું પેલી કોંગ્રેસનો પેચ લઉં છું. આગળનું ધાબું. જોયું ને બરાબર? અરે મનીષ, જરા ફિરકી બરાબર પકડજે...હું હાથોહાથમાંથી એવું ખેંચી નાખું કે એના અંગુઠા પર આપણી દોરીના ઘસરકા પડી જાય...એ.એ.એ. લેતા જાવ...કાટ્ટા...

અન્નાઃ (ચહેરા પર ખુશાલી છવાઇ જાય છે) આ તો મઝાનું છે. આવી રીતે આપણે ગમે તેના પતંગ કાપી શકીએ?
કિરણ બેદીઃ હાસ્તો. આપણી પાસે ભ્રષ્ટાચારવિરોધનો ધારદાર, કાચવાળો માંજો છે. આ વખતે આપણે વધારે કાચ નંખાવ્યા છે. ભલે આપણા હાથમાં થોડા ઘસરકા પડે, પણ સામેવાળાનું ખેંચી જ કાઢવાનું.

અન્નાઃ બરાબર છે. સત્યાગ્રહ આમ જ થાય. જાતે દુઃખ વેઠીને...પણ એ તો કહો? આપણો પતંગ કેવો છે? ચાંદદાર, આંખોદાર, મથ્થો, પટ્ટી, સીસો, ઘડિયાલી, તારો, ફુદ્દી, બાબલો...

કેજરીવાલઃ તમે તો ઘણા જાણકાર નીકળ્યા. ભારતની જનતા વતી અમે તમને અમસ્તા નેતા તરીકે પસંદ કર્યા છે? આપણો પતંગ બધા ચીલાચાલુ પ્રકાર કરતાં જુદો છે. એની પર ગાંધીજીનો ફોટો છે અને ફોટા નીચે તેમનું એક વાક્ય લખ્યું છેઃ ‘મારા ઉપવાસ એ જ મારો સંદેશ’. આપણી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તરફથી આવા એક લાખ પતંગ બનાવીને દેશભરમાં વહેંચ્યા છે. જુઓને, આખું આકાશ આજે ગાંધીજીના સંદેશાથી ભરાઇ ગયેલું નથી લાગતું?

કિરણ બેદીઃ લોકોને આપણા પતંગ એટલા ગમ્યા છે કે મને થાય છે, આ ઉત્તરાયણ બારે મહિના રહે તો કેવું સારું? છાપરે ચડેલા લોકો કદી નીચે જ ન ઉતરે અને આપણા આપેલા પતંગ ચગાવ્યા કરે...

(એવામાં અન્નાની નજર ધાબાના એક ખૂણે બેઠેલા બાબા રામદેવ તરફ જાય છે.)

અન્નાઃ (રામદેવ તરફ જોઇને) આમને શું થયું? કેમ ખૂણામાં બેઠા છે? નીચેથી તો બહુ હોંશે હોંશે બધો સરંજામ લઇને ઉપર આવ્યા હતા. કહેતા હતા કે આજે કાં તો સામા ધાબાવાળો નહીં કાં હું નહીં.

કિરણ બેદીઃ વાત સાચી, પણ પરિણામ આવી ગયું છે. હવે બાબા નથી. સામેવાળાનો પતંગ ચગે છે ને બાબા ધાબામાં તડકો ખાય છે.

અન્નાઃ કેવી રીતે?

કેજરીવાલઃ આપણી જેમ એમણે પણ ભારતના નકશાવાળો પતંગ ચડાવ્યો ને સામેના ધાબાવાળાનું ખેંચી કાઢવા ગયા. એક વાર તો એ ફાવ્યા, પણ બીજી વાર ધાબાવાળાના એક ચીલે એમના પતંગ પર એવી ગોથ મારી કે બાબાના પતંગની કિન્ના ડાઉન થઇ ગઇ. છેક ઉંચે ચડાવેલો પતંગ તેમણે ઉતારી લેવો પડ્યો ને આજુબાજુના ધાબાવાળાએ ફજેતી કરી- ચિચિયારીઓ પાડી એ નફામાં. ત્યારથી બાબા પતંગ ચગાવવાની ખો ભૂલી ગયા છે. કહે છે કે હું પડ્યો પડ્યો તડકો ખાઇશ ને તમારો પતંગ કોઇની કાપે ત્યારે બૂમો પાડવામાં જોડાઇશ.

અન્નાઃ (ધીમા અવાજે) કિરણ, જરા ઘ્યાન રાખજે. એ ક્યાંક આપણી દોરીમાં દાંતી ન પાડે. આ બધાનું કશું કહેવાય નહીં...

(એવામાં નળીયાનો એક ટુકડો સનસનાટ કરતો ધાબામાં આવીને પડે છે. સહેજ માટે અન્નાને વાગતો રહી જાય છે.)

અન્નાઃ આ પેલા દિગ્વિજયસિંઘનું કારસ્તાન લાગે છે. હું ધાબે આવ્યો ત્યારનો એ કાતરિયાં ખાય છે. એ લોકો આપણો પતંગ કાપી શકતા નથી, એટલે નળિયાં ફેંકવાનાં? એ ધાબે કોઇ મોટું છે કે નહીં, જે આ બધાને રોકે- ઠપકો આપે?

કેજરીવાલઃ એક વડીલ છે, પણ એ ભીષ્મના વંશજ છે. ધાબાના ખૂણે બાણશૈયાના બદલે ખાટલો નાખીને પડ્યા છે. એમનું કોઇ સાંભળતું નથી. આ બઘું જોવું ન પડે એટલે તે પાઘડી કપાળને બદલે આંખો સુધી ઉતારીને સૂઇ ગયા છે.
કિરણ બેદીઃ અન્નાજી, પતંગોનું મહાભારત બરાબર જામ્યું છે. આપણો ઢાલ કોઇ કાપી શકે એમ નથી. બસ, પવન આવો ને આવો રહે તો આપણા ઢાલનું આકાશમાં એકચક્રી શાસન રહેશે.

અન્નાઃ (પાછળ જોઇને) આ ધાબું કોનું છે? મેં શહેરોમાં ધાબા પરથી કદી પતંગ ચગાવી નથી. મારો અનુભવ ગામના મેદાનમાં પતંગ ચગાવવા પૂરતો છે. પણ મને લાગે છે કે પાછળના ધાબાવાળા ધારે તો આપણું ખેંચી કાઢે.
કેજરીવાલઃ (ચહેરા પર આવતું સ્મિત રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં) એમની ચિંતા કરવાની જરૂર નથી, અન્નાજી. એ મિડીયાવાળા છે. તમારી વાત ખરી કે એ ધારે તો આપણું ખેંચી કાઢે, પણ અત્યારે આપણી ખેંચથી કપાયેલા પતંગો લપટાવવામાં એમને એટલી મઝા પડી રહી છે- એટલો ફાયદો છે કે આપણો પતંગ કાપવાનો વિચાર સુદ્ધાં એ ન કરે. ઊલટું, એ તો આંખ મીંચીને આપણને પાનો ચઢાવી રહ્યા છે. હું અમથું અમથું ખેંચું તો પણ એ લોકો જોર જોરથી ‘કાટ્ટા, કાટ્ટા’ના પોકાર પાડે છે.

અન્નાઃ વાહ, આવો પવન હોય ને આવા ટેકેદારો હોય તો પતંગ ચડાવવાની ખરી મઝા આવે.

કેજરીવાલઃ આવે નહીં, અન્નાજી, આવી જ રહી છે. આખા ગામમાં અત્યારે તમારા પતંગનો સપાટો છે. મોંઘા-ફેન્સી પતંગ ચડાવનારા અત્યારે પિલ્લાં વીંટીને ચૂપચાપ બેસી ગયા છે. એમને બીક છે કે ‘અમે સહેજ ઊંચું કરીશું, તો અન્નાજીનો પતંગ અમને ખેંચી પાડશે.’

અન્નાઃ આને કહેવાય સામાન્ય માણસની પ્રામાણિકતાની તાકાત. (સામા ધાબે જોઇને) પણ ત્યાં આ હિલચાલ શાની દેખાય છે?

કિરણ બેદીઃ એ લોકો ક્યારના ઝંડો બનાવવામાં પડ્યા છે. બહુ લાંબો ને ગૂંચળાંદાર કાંટાવાળો ઝંડો. સંસદીય પ્રક્રિયાના લાંબા વાંસ સાથે એને બાંધીને ઊંચો કરશે તો...

અન્નાઃ તો શું?

કેજરીવાલઃ કંઇ વાંધો નહીં. આપણે આવા કંઇક ઝંડાને પહોંચી વળ્યા છીએ. હવા છે ત્યાં સુધી આપણા પતંગને જરાય વાંધો નથી. આપણો પતંગ કપાઇ જશે ને હું ખાલી ખાલી ખેંચ્યે રાખીશ, તો પણ લોકો ‘કાટ્ટા..કાટ્ટા...’ કરશે.

અન્નાઃ એ જ તો છે અસલી લોકશક્તિ. એની સામે ભલભલાને નમવું પડે છે. કોઇનું કંઇ ચાલતું નથી.(આકાશમાં જોઇને) આપણો પતંગ છે ક્યાં અરવિંદ?

કેજરીવાલ-બેદીઃ એ તો બહુ, બહુ જ ઉપર આકાશમાં છે અને પાછો આસમાની છે. એટલે અમને પણ દેખાતો નથી. અમારી પાસે ફક્ત દોરી જ છે.

અન્ના (દોરી હાથમાં પકડીને): હં..ભાર તો લાગે છે, પણ પતંગનું આટલું વજન ન હોય. એવું તો નથી ને કે એ ક્યાંક ભરાઇ પડ્યો હોય? મને સામા ધાબાવાળા પર જરાય વિશ્વાસ નથી. થોડે આગળ એમનું બીજું એક મકાન છે ગોળાકાર, બહુ થાંભલાવાળું.. કહો ન કહો, પણ આપણો પતંગ ત્યાં ક્યાંક ભરાયો હોય એવું મને લાગે છે... મને અમંગળ વિચારો આવે છે કે એ મકાનના ધાબા પરથી કોઇકે આપણો પતંગ તોડી લીધો છે ને તાર લૂંટવા માટે આપણો દોરો પકડી રાખ્યો છે એટલે આપણને દોરી પર વજન લાગે છે...

કેજરીવાલ-બેદીઃ તમે એ બધી ચિંતામાં ન પડો. બસ, તમે અત્યાર સુધી ઊભા રહ્યા એમ અહીં ધાબાની વચ્ચોવચ્ચ ઊભા રહો. બાકી બઘું થઇ પડશે. અમે છીએ ને...

(છેલ્લા શબ્દો વઘુ એક વાર ‘કાટ્ટા...કાટ્ટા..’ના પોકારમાં ડૂબી જાય છે.)

4 comments:

  1. સૌથી ધારદાર (છતાં અહિંસક) હથિયાર વ્યંગ અને કટાક્ષ હોય છે, તે તમારા લેખો વારંવાર સાબિત કરે છે... જેની પર વ્યંગ કરવામાં આવ્યો હોય તેને વાત એકદમ ચમચમી જાય. આત્મચિંતન કરી રહેલા અન્ના અને સાથીઓ આ જરૂર વાંચે તેવી ઈચ્છા. અને ન વાંચે તો કંઈ નહિ પણ આ લેખ જે સંદેશ આપવા માંગે છે તેની આત્મસ્ફૂરણા થાય તો ય ઘણું. :)

    ReplyDelete
  2. Amit Chauhan11:51:00 AM

    Urvishbhai Aaje to humor na badle laughter thai gayu. Ghana divse khadkhdaat pet pakdi ne hasvu aavyu ema pan Ramdev nu daanti padva valu ane manmohan valu to bahuj jordaar che.

    ReplyDelete
  3. એક જ શબ્દમાં કહું તો - જબ્બરદસ્ત!

    ReplyDelete
  4. Rajesh Makwana Nadiad12:08:00 PM

    મોટાભાગે એવી થતું હોય છે કે મન ના વિચારો જયારે સબ્દો માં વ્યક્ત થાય ત્યારે એ બિલકુલ એ જ નથી રેહતા . મન માં એ બિલકુલ નવા બિલકુલ અનોખા હતા પણ શબ્દો માં ઢળતા જ એ પારંપરિક થઇ ગયા પણ ઉર્વીશભાઈ તમારા લેખો માં એ નાવીન્ય હમેસા રહ્યું છે . ક્યારેક તમારું મન પણ તમારું લખાણ વાંચતા વિચારતું હશે કે આટલી તટસ્તથા થી અને આટલા ઊંડાણ થી તો મેં પણ નોતું વિચાર્યું . હા હા

    ReplyDelete