Monday, January 02, 2012

700મી પોસ્ટઃ વાત વિશિષ્ટ મૈત્રીની

બ્લોગની 700મી પોસ્ટમાટે શું કરવું, એનો થોડો વિચાર કર્યા પછી ‘મૈત્રીનો સૂર્ય’ (સંપાદકઃ સુરેશ દલાલ)માટે લખેલો એક લેખ થોડા ફેરફાર અને ઘણી (પુસ્તકમાં નહીં આવેલી) યાદગાર તસવીરો સાથે અહીં મૂકવાનું મન થયું. આ પ્રસંગો મારા પત્રકારત્વમાં આવતાં પહેલાંના છે. જેમની વાત કરવાની છે, તેમને રૂઢ અર્થમાં ‘મિત્રો’ કહેવાય કે કેમ ખબર નથી, ફક્ત ત્રણ વાર,ત્રણે જુદાં જુદાં ઠેકાણે અમે મળ્યા છીએ. પણ અમારી મુલાકાત વખતે છલકાયેલા સૂર અને તેની સાથે વીંટળાયેલી લાગણીની ઉષ્માને કારણે, એ સંબંધને મિત્રાચારી કહેવાનું- એ રીતે યાદ કરવાનું બહુ ગમે છે.
***
મોટા ભાઇ બીરેન અને આઠ-નવ મિત્રો (મોટા ભાગનાં દંપતિ) સાથે 1993ની મધ્યમાં ઉદેપુર ફરવા ગયો હતો.ત્યારે બી.એસસી. કેમિસ્ટ્રીનો અભ્યાસ પૂરો થઇ ચૂક્યો હતો. અભ્યાસની સમાંતરે બંધાયેલો સંગીત, કળા અને વાચનના સંસ્કારનો કાચો પોપડો પાકો થવાની રૂપાંતર પ્રક્રિયા ત્યારે ચાલતી હતી. ઉદેપુરમાં ‘સહેલીયોંકી વાડી’ને બદલે ‘પપેટ થિએટર’માં વધારે રસ પડતો હતો. એ જાતના ધક્કાથી અમે સૌ ઉદેપુરથી થોડે દૂર આવેલા ‘શિલ્પગ્રામ’ ગયા.

‘શિલ્પગ્રામ’/Shilpgram વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરે ઊભું કરેલું વિશાળ સંગ્રહાલય છે. ત્યાં પશ્ચિમ ભારતનાં ગામડાંમાં જોવા મળતા પરંપરાગત મકાનોનાં પૂર્ણ કદનાં મોડલ ઊભાં કરવામાં આવ્યાં છે. એ પ્રદેશોની સંસ્કૃતિની ઝલક પણ ત્યાં આવતા પ્રવાસીઓ સમક્ષ પીરસવામાં આવે છે. અમે ગયા ત્યારે રાજસ્થાની કળાકારોનું એક વૃંદ ત્યાં મોજુદ હતું. એ વખતે ઐશ્વર્યા રાય પર ‘નીમ્બુડા નીમ્બુડા’ પિક્ચરાઇઝ થવાનું બાકી હતું. રાજસ્થાની સંગીત/Folk Music Of Rajasthan ફેશનેબેલ બન્યું ન હતું. પણ કલાકારોના બુલંદ સ્વર અને સંગીતના સૂરતાલથી ખેંચાઇને અમે ત્યાં ગયા અને ત્યાં જ બેસી પડ્યા.
(શિલ્પગ્રામમાં- ડાબેથી બીજા સતારખાન)
બેઠા એટલે ગીતની મહેફિલ શરૂ થઇ.હાર્મોનિયમ, ઢોલક, ‘કમઇચા’ તરીકે ઓળખાતું તંતુવાદ્ય, કરતાલ (કે ખડતાલ) અને ચાર પુરુષ કળાકારોનો સ્વર. રાજસ્થાની ગીત અમે પહેલી વાર સાંભળ્યાં. તેમાંથી છલકાતાં મધુરતા, ઠેકો, કરતાલનાં કરતબ, ઢોલકની થાપ, કળાકારોના દેહાતી વજન ધરાવતા અવાજ- આ બધું શિલ્પગ્રામના ખુલ્લા આકાશ નીચે. ભરબપોરે નશો ચડવા લાગ્યો. અમને ઝૂમતા જોઇને કળાકારોને જોશ ચડ્યું. એ બમણા ઉત્સાહથી ગીત ગાવા લાગ્યા. ‘નીમ્બુડા નીમ્બુડા’ અમે પહેલી વાર ત્યારે સાંભળ્યું અને દિવસો સુધી એ મનમાં ગુંજતું રહ્યું.
થોડાં ગીત સાંભળ્યા પછી અમે ઊભા થવાની વાત કરી. હજુ આખું શિલ્પગ્રામ જોવાનું બાકી હતું, પણ વૃંદના એક કળાકાર સતારખાને આગ્રહપૂર્વક કહ્યું, ‘યે હમારી ઓરસે’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ શરૂ થયું.
(ડાબેથીઃ ઉર્વીશ કોઠારી, બકુલ જોશી, હાર્મોનિયમ પર સતારખાન, સાથીદાર, રાજુ પટેલ, કામિની કોઠારી)
ગીત પૂરું થયા પછી ઘણા સમય સુધી તેની મસ્તી ઓસરી નહીં. કળાકારોની વિદાય લઇને અમે આગળ વધ્યા ત્યારે કલ્પના પણ ન હતી કે સતારખાન સાથે ફરી મુલાકાતનો જોગ થશે.
***
એ જ વર્ષે (1993) ઓક્ટોબરમાં અમે સપરિવાર અને ખરા અર્થમાં મિત્રમંડળ સહિત શિમલા-કુલુ-મનાલી/ Shimla-Kullu-Manali નો પ્રવાસ ગોઠવ્યો. શિમલાથી મનાલી જતાં વચ્ચે એક રાત કુલુમાં રોકાણ હતું. નવરાત્રિનો સમય હતો. કુલુના વિખ્યાત ‘દશેરા ઉત્સવ’ની શરૂઆત પણ એ જ રાતથી થવાની હતી.

ઢળતી સાંજે અમે કુલુ પહોંચ્યા. એક રાત પૂરતો હોટેલની રૂમનો બંદોબસ્ત કરવાનો હતો. બે-ત્રણ મિત્રો જુદી જુદી દિશામાં રૂમની તપાસ કરવા ગયા. બીરેન પણ તેમાં હતો. તપાસ દરમિયાન એક જગ્યાએ રૂમના અધખુલ્લા બારણામાંથી બીરેનને સંગીતના સૂર સંભળાયા. જિજ્ઞાસાથી તેણે રૂમમાં ડોકિયું કર્યું. અંદર રાજસ્થાની લોકકળાકારો બેઠા હતા. એમાં મોટા ભાગના જુવાનિયા હતા અને એક ચહેરો....એક ચહેરો બરાબર સતારખાન જેવો લાગતો હતો. નજરો મળી. થોડી ક્ષણો પછી બીરેને નામો યાદ રાખવાની તેની અદભૂત ક્ષમતા પ્રમાણે પૂછ્યું, ‘સતારખાન?’
સતારખાને વળતા ઉમળકાથી પૂછ્યું, ‘શિલિપગ્રામ?’

‘તમે અહીં ક્યાંથી?’ પ્રકારની પૃચ્છા થઇ.તેમાંથી જાણવા મળ્યું કે કુલુમાં દશેરા ઉત્સવની પહેલી રાત્રે રાજસ્થાની લોકસંગીતનો કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે સતારખાન અને તેમના બે સાળા સમંદરખાન-સાગરખાન માગણિયાર/ Sagar and Samandar Manganiyar, બીજા બે સાથીદારો સાથે રાજસ્થાનથી કુલુ આવ્યા હતા. સતારખાને સમંદર-સાગરની ઓળખાણ કરાવી. લોકકળાકાર તરીકે દેશવિદેશ ફરી ચૂકેલા ભાઇઓ તેમની કળામાં પારંગત હતા.સમંદર ગાવામાં ને સાગર ઢોલક વગાડવામાં. તેમના પિતા સિદ્દીક માંગણિયાર/Siddque Manganiyar સંગીતનાટક અકાદમીના પુરસ્કારથી સન્માનિત અને લોકસંગીતમાં જાણીતું નામ હતા.

બીરેને શાંતિથી મળવાના ઉત્સુકતાભર્યા વાયદા સાથે તેમની રજા લીધી, અમારી પાસે આવ્યો અને ખુશખબર આપ્યા. રાત્રે અમે સરકારી દશેરા ઉત્સવમાં ગયા. ત્યાં સમંદર-સાગરનાં માંડ બે-ત્રણ ગીત હતાં. એ પૂરાં કરીને અમે સાથે કાર્યક્રમમાંથી નીકળી ગયાં અને એમના ઉતારે પહોંચ્યાં. એમનો ઉતારો એક નિશાળમાં હતો. તેનું મકાન બરાબર નદીકિનારે હતું. કુલુમાં સાંકડા પટમાં પુરજોશ વહેતી બિયાસ નદીના કાંઠે નિશાળનો પાછળનો ભાગ અને ઓટલો પડતાં હતાં. વાતાવરણમાં મોડી સાંજની બેઠ્ઠી ઠંડક પથરાયેલી હતી. એ નિશાળના એક રૂમમાં મહેફિલ જામી. એક પછી એક રાજસ્થાની લોકગીતોનો દૌર શરૂ થયો. સ્થિતિ એવી થઇ જાણે આ કળાકારો સરકારી કાર્યક્રમ માટે નહીં, પણ અમારા માટે જ રાજસ્થાનથી હિમાચલ પ્રદેશ આવ્યા હોય.
(ઢોલક પર રમજાનચાચા, સાગર અને હાર્મોનિયમ પર સતારખાન)
(સ્કૂલના બંધ રૂમમાં મિત્રમંડળી સાથે વડીલમંડળીઃ ડાબે ટોપીવાળો સાગરખાન)
સાવ અજાણ્યા પ્રદેશમાં અમે અને અમારા રાજસ્થાની મિત્રો એક જ રાત માટે આવ્યા હોઇએ અને મેળાના માહોલમાં વિખૂટા પડવાને બદલે મળી જઇએ, એ રોમાંચ ઓછો હોય તેમ રાજસ્થાની સંગીતની મસ્તી તેમાં ઉમેરાઇ. રાત્રે સમારંભના સ્થળેથી કળાકારો સાથે ચાલતાં તેમના ઉતારા પર આવ્યા ત્યારે તેમણે અમને એમના રાજસ્થાની સાફા પહેરાવ્યા. તસવીરો લેવાઇ.
(ડાબેથીઃ બિનીત મોદી, સાગરખાન, સમંદરખાન, બીરેન, ચાચા
કામિની, સતારખાન, પરેશ પ્રજાપતિ. પાછળ વહેતી બિયાસ )
ગપ્પાંગોષ્ઠિ. ગીતસંગીત. એ મહેફિલ પર પૂર્ણવિરામ મૂકવાનું મન થતું ન હતું. કળાકારોની પણ એવી તૈયારી હતી કે તમે બેસતા હો તો સવાર પાડી દઇએ અને અહીંથી સીધા જ રાજસ્થાન જવા નીકળી જઇએ. પણ સાથે વડીલો હતા. એટલે બાર-સાડા બારે ગીતસંગીત અટકાવ્યું. અમે લોકો જવા નીકળ્યા એટલે એ લોકો થોડે સુધી મૂકવા આવ્યા. મનમાં આનંદનાં મોજાં ઉછાળા મારતાં હતાં. જરાય અપેક્ષા ન રાખી હોય એવા કળાકારો સાથેની મુલાકાતમાં જાણે વર્ષોજૂની દોસ્તી હોય એવો સ્નેહ છલકાય, તેને શું ગણવું? શું નામ આપવું? અને નામ પણ શા માટે આપવું?
***
કુલુમાં રાજસ્થાની મિત્રોની યાદગાર મહેફિલની તસવીરો જોઇને અમે તેનો આનંદ વાગોળતા હતા અને મિત્રો સાથે ફરી ક્યારે મુલાકાત થશે એ વિચારતા હતા. અચાનક, 1995માં એક દિવસ સમંદરખાન માંગણિયારનો ફોન આવ્યો. એ લોકોને એક કાર્યક્રમ માટે દીવ આવવાનું હતું. ‘ગુજરાત જઇએ છીએ તો મિત્રોને મળતા આવીએ’ એવી તેમની લાગણી હતી. અમે તેમને દીવથી અમદાવાદ આવવા માટે માર્ગદર્શન આપ્યું. કુલુની મહેફિલમાં બિનીત (મોદી)/Binit Modi સામેલ હતો. તે અમદાવાદમાં કળાકારોને કંપની આપે અને પછી મહેમદાવાદ લઇ આવે એવું નક્કી થયું. એ વખતે બીરેન આઇ.પી.સી.એલમાં કામ કરતો હતો, પણ મારી કારકિર્દીનું ઠેકાણું ન હતું. બિનીત ડેન્ટલ ચેર બનાવતી કંપની ‘સુઝડેન્ટ’માં કામ કરતો હતો, જ્યારે હું ‘નવનીતલાલ એન્ડ કંપની’માં ક્લાયન્ટ સર્વિસિંગમાં ટ્રેની તરીકે લમણાં લેતો હતો. અમારા બન્નેનો પગાર ત્રણ આંકડામાં હતો. બીરેનનો પગાર પ્રમાણમાં સારો, પણ એની આવક ઘરનો એકમાત્ર આધાર હતી. એ બધું બાજુ પર રાખીને રાજસ્થાની મિત્રોના સ્વાગતમાં કચાશ ન છોડવી એવું અમે નક્કી કર્યું.

અમારા પરિચયમાં નિમિત્ત બનનાર સતારખાન આ વખતે આવ્યા ન હતા. સમંદરખાન-સાગરખાન સાથે એક છોકરો જમીલખાન હતો. એ ગાવામાં અને ઢોલક વગાડવામાં પણ સાથ આપતો હતો. ત્રણેની મંડળીને અમે ‘વિશાલા’માં પાર્ટી આપવાનું નક્કી કર્યું. કુલુની મહેફિલમાં સામેલ મિત્રો પરેશ પ્રજાપતિ/Paresh Prajapati, બિનીત કે હું-અમારામાંથી કોઇની સ્થિતિ ‘વિશાલા’માં જવાય એવી ન હતી. હું ઘરેથી થોડા રૂપિયા લઇને ગયો હતો. એવું જ બીજા બન્ને મિત્રોનું. અમે ત્રણે ‘વિશાલા’ની બહાર ઊભા રહીને એક વાર અમારી ત્રણેની ‘રકમો’ તપાસી. ‘બધું બરાબર છે. વિશાલામાં વાસણ ઘસવાનો વારો નહીં આવે’ એવી રમૂજી-કમ-ગંભીર ખાતરી પછી અમે અંદર ગયા. રાજસ્થાની મિત્રોને ત્યાં મઝા આવી. ‘વિશાલા’માં ગવાતાં રાજસ્થાની ગીત તેમણે સાંભળ્યાં. એ ગાયકો સાથે થોડી વાતચીત કરી. રાત્રે છૂટા પડતી વખતે મહેમદાવાદ/Mahemdavad કાર્યક્રમ ગોઠવાયો.

બીજે દિવસની સાંજે એ લોકો મહેમદાવાદ આવ્યા. અમારા માટે એ ઉત્સવનો પ્રસંગ હતો. બીરેનના લગ્નમાં અમે જરાસરખી ધામધૂમ કરી ન હતી, પણ રાજસ્થાની મિત્રોની કાર્યક્રમ નિમિત્તે અમે મહેમદાવાદના ઘણા મિત્રોને આમંત્રણ આપ્યાં. ગાંધીનગરથી બીરેન મહેતા/Biren Mehta આવ્યો હતો. બિનીતે તેનાં કેટલાંક કુટુંબીજનોને કહ્યું હતું. એ પણ અમદાવાદથી આવ્યાં હતાં. અમદાવાદમાં એ વખતે બીજું મિત્રવર્તુળ ન હતું. રજનીકુમાર પંડ્યા સાથે આત્મીયતા થઇ હતી. તેમને અનુકૂળ ન હતું, પણ ગીતસંગીતના રેકોર્ડિંગ માટે બિનીત તેમનું રેકોર્ડર લઇ આવ્યો હતો. કાર્યક્રમ માટે બીરેન-કામિનીએ ત્રણ રૂમ જેટલી લંબાઇ ધરાવતો (જૂના) ઘરનો ત્રીજો માળ સજાવ્યો હતો.
સમંદરખાન સાથે ઢોલક પર જમીલ
સાંજે મહેમાન આવવાના શરૂ થયા. રાજસ્થાની મિત્રો પણ આવી ગયા. રાત્રે ઘરમાં બધાની જમવાની વ્યવસ્થા હતી. કળાકારોએ ‘કાર્યક્રમ પછી જમીશું’ એવું કહ્યું. બાકીના સૌ પરવારીને ઉપરના માળે ગયાં. ત્યાં તખતો સજાવેલો હતો. ગણ્યાંગાંઠ્યા લોકો સિવાય બાકીના લોકોને રાજસ્થાની સંગીતનો કશો પરિચય ન હતો.પણ સમંદરે બે હાથમાં કુલ ચાર લાકડાની છૂટ્ટી પટ્ટીઓ (કરતાલ) સાથે ગાવાનું શરૂ કર્યું એટલે વાતાવરણ બંધાઇ ગયું.

વિવિધ મુદ્રાઓ અને કરતબોમાં કરતાલ વગાડવાની અને સાથોસાથ ગાવાની સમંદરખાનની કમાલથી સંગીતની સાથે બહુ લેવાદેવા ન ધરાવતાં મિત્રો-મિત્રપત્નીઓ પણ મુગ્ધ થઇ ગયાં. એક મિત્રે કહ્યું, ‘પહેલેથી ખબર હોત કે આવો પ્રોગ્રામ છે તો વિડીયો કેમેરા લઇને આવત.’

વડોદરાથી બીરેનની સાથે ફાઇન આર્ટસમાં ભણતા બે બંગાળી મિત્રો અજય શર્મા અને રાજેશ શર્મા પણ આવ્યા હતા. રાજસ્થાની ગીતોની રમઝટથી વાતાવરણમાં વહેતી થયેલી વીજળીને કારણે બન્ને બંગાળી મિત્રો પણ ગાવા ઉશ્કેરાયા. તેમણે બંગાળનું એક લોકગીત ગાયું. એટલે સમંદરખાને એ જ ધૂન અને એ જ મીટર ધરાવતું એક રાજસ્થાની ગીત લલકાર્યું. પછી સમંદર-સાગર બંગાળી અને રાજસ્થાની શબ્દોનું ફ્યુઝન કરીને ગાવા લાગ્યા.
(ડાબેથીઃ સાગરખાન, રાજેશ શર્મા, અજય શર્મા, સમંદરખાન, જમીલખાન)
એવી રીતે ગુજરાતી ગીતનો પણ વારો આવી ગયો. ક્યાંકથી ભૂપેન હઝારિકાનું ‘દિલ હૂમ હૂમ કરે ‘  આવી ગયું ને સંગીતની ગલીમાં મનમોજથી ફરતાં ‘હો ગઇ આધી રાત અબ ઘર જાને દો’ પણ અડફેટે ચડી ગયું. એકાદ ગીતમાં સમંદર-સાગરે અમારી દોસ્તીની અને એ વખતે સાવ નાની એવી બીરેનની દીકરી શચિની વાત સાંકળી લીધી.

સમય વીતતો હતો, પણ કોને પરવા હતી? રાત ચડતાં થોડા મિત્રોએ વિદાય લીધી. છતાં ચાળીસ-પિસ્તાળીમાંથી પંદર-વીસ જણ બેઠા હતા. સમંદર-સાગર થાક્યા હોય એવું લાગતું ન હતું. પરોઢિયે ચારેક વાગ્યે મહેફિલનું સમાપન થયા પછી એ લોકો નીચે જમવા આવ્યા. તેમના ચહેરા પર ઉંઘનું નામોનિશાન ન મળે. જમીને સાગરખાન મિત્ર દિલીપ પંચાલ સાથે મહેમદાવાદની લટાર મારવા નીકળ્યા. નજીકના મંદિરમાં પરોઢિયાનું કીર્તન ચાલતું હતું, ત્યાં સાગરખાને થોડાં ભજન ગાયાં.

બીજા દિવસે ફરી કેટલાક મિત્રો ભેગા થયા. મસ્તીના આલમમાં ગીત ઓછાં પડતાં હોય તેમ ગીતોની સાથે ડાન્સ શરૂ થયો. ઘરના આગળના(ડ્રોઇંગ) રૂમમાં સમંદર, સાગર, બીરેન, પરેશ, નીલેશ પટેલ, બન્ને બંગાળી મિત્રો- બધા એકબીજાનો હાથ પકડીને ગાતા જાય અને ધમાકાભેર સ્ટેપ્સ લેતા જાય. નીલેશને બાદ કરતાં બીજા કોઇને અગાઉ આમ મન મૂકીને આવડે એવું નાચતાં જોયા ન હતા. ઘરમાં આ પહેલાં આટલી ધમાલમસ્તી ક્યારે થઇ હશે કોને ખબર? પણ એ દિવસની- એ સંગતની વાત જુદી હતી.

બપોરે છૂટા પડવાનો સમય આવ્યો. અમારા અને એમના મોઢે એક જ સવાલ હતોઃ ‘હવે ક્યાં અને ક્યારે મળવાનું થશે?’ તેનો જવાબ પણ સરખો હતોઃ ‘મળી જઇશું ક્યાંક. આવી જ રીતે.’ અમારા પરિચયને દોસ્તીમાં ફેરવાવામાં મુલાકાતોની સંખ્યા, સાથે વીતાવેલો સમય, પરિચયનો સમયગાળો- આ બધું ગૌણ હતું. આકસ્મિક સંજોગોમાં અણધાર્યા સ્થળે મળવું અને એકબીજા સાથે જુગજૂની દોસ્તી હોય તેમ, વચ્ચે વીતેલો સમય ઠેકીને સીધું અનુસંધાન સાધી લેવું, એ અમારી મૈત્રીનું વણલખ્યું બંધારણહતું.
(15-1-94નો એક પત્ર જે સમંદરે કોઇની પાસે સારા અક્ષરે લખાવ્યો હશે.
નીચે પોતાના અક્ષરમાં નોંધ છે કે 'સાગરને છ મહિના પેરીસ મોકલું છું.
પછી હું મંડળી સાથે જઇશ. તમારે કંઇ મંગાવવું હોય તો લખશો.')
મહેમદાવાદની મહેફિલ પછી થોડા સમય સુધી સમંદર-સાગર સાથે પત્રસંપર્ક ચાલુ રહ્યો..ટીવી પર બે-ત્રણ વાર સમંદરખાનની ગાયકીની ઝલક જોવા-સાંભળવા મળી. તેમની કળાનો ઉપયોગ મુખ્યત્વે શો-પીસ તરીકે થતો હોવાથી આખેઆખો કાર્યક્રમ તેમનો હોય એવું ભાગ્યે જ બને. પરંતુ એ વાત થઇ જાહેર કાર્યક્રમની. અમારી મુલાકાતોમાં વાતો ઓછી ને સંગીત વધારે. એ દિલથી ગાઇને પોતાનો પ્રેમ ઢોળે ને અમે દિલથી સાંભળીને તેનો પ્રતિસાદ આપે એટલે દોસ્તીની સર્કિટ પૂરી.

1995માં થયેલી અમારી મુલાકાતને હવે 16 વર્ષ થયાં. છતાં હજુ બહારગામ જવાનું થાય ત્યારે મનમાં ઊંડે ઊંડે એવી આશા રહે છે કે હમણાં કોઇ ખૂણેથી સમંદર-સાગર પ્રગટશે અને સ્થળકાળની પરવા કર્યા વિના અમારી દોસ્તી સૂરમાં ઢળીને વહેવા લાગશે.

13 comments:

 1. ભરત કુમાર10:48:00 PM

  ઉર્વીશભાઇ,700 મી પોસ્ટ ને આવી મીઠીમધુરી યાદોથી ભરી ભરી..આના માટે તો શું કહું? બસ યાર,જલસો થઇ ગયો.બધું જ સ્પર્શે છે,એ અનામી સંબંધ,એ સંગીત-આવી ક્ષણો જ જિંદગીની સાચી મૂડી ગણાય,એ રીતે તમે ધનિક છો,પણ એક વાત કહું? મને હવે તમારી કોઇની ઇર્ષ્યા નથી આવતી,દોસ્તોની તેં કંઇ ઇર્ષ્યા હોય? મને યાદ છે તમે જ એક વાર કહેલુ કે-મીઠી ક્ષણો માટે ઇર્ષ્યા નહી કરવાનું,એમાં ભળી જવાનું.ફરી આવુ કૈક ગોઠવાય,તો મને સાદ કરી દેવાનૂ,હોં ને.

  ReplyDelete
 2. બીરેન કોઠારી1:09:00 AM

  કેટલી બધી મધુર યાદો તાજી થઈ ગઈ આ બંધુઓની! ઘણા બધા ગીતો એમના અવાજમાં સાંભળ્યા પછી બીજા કોઈના અવાજમાં એ ગીત કાનમાં પેસતાં જ નથી. ('નિમ્બુડા નિમ્બુડા' એમાંનું એક)
  આ લીન્ક પર સમંદર ખાન માંગણિયારને 'અલી મૌલા'ગાતો જોઈ શકાશે.

  http://www.youtube.com/watch?v=YTIVQjpEDh4

  અને અહીં સમંદરની ગાયકી સાથે કથકનું ફ્યુઝન જોઈ શકાશે જે જાકાર્તામાં એક ફેસ્ટીવલમાં યોજાયું હતું.

  http://www.youtube.com/watch?v=VJthEqTW1RM

  ReplyDelete
 3. Urvishbhai, Congratulations and best wishes on your 700th post on your blog.
  VERY INTERESTING PIECE.

  ReplyDelete
 4. Don't know what to commend more. That you are on your 700th glorious piece or how gorgeous this singular one was, filled with tender reminiscences about music and friendship! This sort of serendipity is the work of Gods and only a handful are blessed with it. Thanks for taking us on your nostalgia trip and making us experience the richness of your memories.

  ReplyDelete
 5. Rajnikumar Pandya11:20:00 PM

  ઉર્વીશે આ લેખમા કલમને બિમલ રૉયનો કેમેરા બનાવી દીધી છે. ક્યારેક આકસ્મિકતાઓ પણ કેવી "આયોજીત" લાગે તેવી હોય છે. મિલન-વિરહની ખુશી-ગમની લીલા પ્રેમીઓ વચ્ચે જ નહિ .પણ આ રીતે તદ્દન જુદા પ્રદેશના-જુદા કલ્ચરના-રહેણીકરણીની બહુ જુદી જ દુનિયાના માણસો વચ્ચે પણ હોઇ શકે. એ વાત બહુ ઉત્કૃષ્ટ રીતે કહેવાઇ છે. અભિનંદન!

  ReplyDelete
 6. Binit Modi (Ahmedabad)1:38:00 AM

  પ્રિય કોઠારીભાઈઓ,
  ‘ડાઉન મેમરી લેન’ જેવો આ લેખ પહેલવહેલો પુસ્તકના પાનાંઓ પર વાંચ્યો, અવાર-નવાર ફોટા જોઈને જૂની યાદો વાગોળી, આપણી વચ્ચેની કે અન્ય મિત્રો સાથેની વાતચીતમાં કંઈ કેટલીય વાર માંગણિયાર બંધુઓને યાદ કર્યા હશે. એ બધાને અંતે છેવટે તો આ બ્લોગપોસ્ટ જ – સાતસોમી પોસ્ટ જ યાદ રહેશે. શિમલા-કુલુ-મનાલીના પ્રવાસ દરમિયાન આપણે હંગામી ધોરણે બાબા બાલકનાથજીના ભક્ત થઈ ગયા હતા. એ ધોરણે આગળ વધતાં મારે એટલું જ કહેવાનું કે – જય હો બ્લોગ બાબા કી.
  ઉર્વીશ – માંગનિયાર બંધુઓના દીવથી અમદાવાદ આગમનનું અને તેમની સાથે વિતાવવાના બહુમૂલ્ય સમયનું આપણે સારું એવું પ્લાનિંગ કર્યું હતું. એમાં કોઈ કચાશ ન રહે તેની આપણને સતત ચિંતા હતી. ‘વિશાલા’ની મહેફિલ સાથે જ તેમના રહેવાની અલગ વ્યવસ્થા વિશે હોટલ રૂમનો વિચાર પણ કરી જોયો હતો. એ વિચાર કરવામાં બજેટ સખળ-ડખળ થવાનું એલાર્મ વાગતાં જ એ વિચાર પડતો મૂકી આપણે યજમાનને છાજે એવા જ નિર્ણય પર આવ્યા. એ મુજબ મહેમદાવાદમાં મહેફિલ સજાવતાં પહેલા તેઓ એક રાત માટે અમદાવાદમાં ઘરે જ રોકાયા – રામવન, વસ્ત્રાપુર – જ્યાં આજે પણ રહીએ છીએ. અમદાવાદથી મારૂતિ વાનમાં શરૂ કરેલો પ્રવાસ બીજા દિવસની બપોરે ગીતા મંદિર બસ સ્ટેશન અટક્યો જ્યાંથી તેઓ રાજસ્થાન માટે લક્ઝરી બસનું બુકીંગ મેળવવાના હતા. બસ સ્ટેશન પાસેના આ વન-વે રોડ પરથી પસાર થવાનું ઓછું બને છે. જો કે જ્યારે પણ પસાર થવું ત્યારે યાદ આવ્યા વગર રહેતું નથી કે અહીં જ તેમને ફરીથી મળવાનો વાયદો કરીને છૂટો પડ્યો હતો.
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 7. “માજી, આઇએ. બેઠો. અરે, ફેન ચાલુ કરના, ફાસ્ટ. માજી કો ગરમી લગી હોગી.” સાગરખાનની કૂલ્લુની મુલાકાત સમયે કરેલી રમુજી કોમેંટ યાદ છે ?.....Paresh Prajapati

  ReplyDelete
 8. જીવતરની મૂડી કહેવાય એવા આવા દોસ્ત વહેંચવા બદલ તમારો આભાર તો શે માનું ઉર્વીશભાઈ? વાંચતા વાંચતા એવું લાગ્યું કે જાણે એમને તમે નહિ પણ હું જ મળ્યોતો.. આ મને ધ્રુવ ભટ્ટની નવલકથાના પાત્ર કે મોટરસાયકલ ડાયરીથી પણ અદકું લાગ્યું...વર્ષો પછી ફરી ધરતીની આરતી વાંચતો હોય એવું કૈક ફિલ થયું.

  ReplyDelete
 9. સૌ મિત્રોનો આભાર. બીરેને કુલ્લુની ક્રોનોલોજિમાં થોડા સુધારા સૂચવ્યા છે તે બદલી લઇશ અને આ વિષય પર વધુ એક પોસ્ટના વાયદા સાથે...

  ReplyDelete
 10. જ્યારે દિલથી અનુભવાયેલી વસ્તુને લેખની દ્વારા અક્ષરદેહ મળે છે ત્યારે તે માણવાની મજા જ કંઈક નિરાળી હોય છે. આ લેખ દ્વારા એ મજા મળી. બહુ જ ગમ્યો.

  ReplyDelete
 11. Anonymous4:34:00 PM

  Dear Urvish / Biren,
  Yes, I do remember that night – it was amazing as person like me who is practically away from music world, can awake for whole night is the biggest proof of that environment. I once again traveled thru that journey by reading your 700th post. Excellent one…………keep it up......all the best for 7000, 70000, 700000 & many more zero……
  Regards….Biren Mehta

  ReplyDelete
 12. એવું લાગ્યું જાણે એ લોકો હવે તો અમારા પણ ભાઈબંધ છે.
  એટલું પણ સમજાયું કે આ મૈત્રીના પાયામાં દેખીતી કદરદાની કરતાં પણ વધુ કદાચ બન્ને પક્ષની ખાનદાની છે.

  ReplyDelete
 13. વાહ... મજા આવી...

  ReplyDelete