Tuesday, January 03, 2012
અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ
વર્ષ ૨૦૧૧નો અડધોઅડધ હિસ્સો હવે સમેટાઇ ચૂકેલા ભ્રષ્ટાચારવિરોધી જનલોકપાલ આંદોલનની ઉત્તેજનામાં વીત્યો. એક પછી એક મસમોટાં કૌભાંડોથી કંટાળેલા નાગરિકોના રોષને અન્ના હજારે અને તેમના સાથીદારોની ઝુંબેશનું વાહન મળ્યું. બેદાગ છબી, ગાંધીવાદી દેખાવ, આંદોલનમાં હિંસાની પરેજી, જાહેર કામોનો (મર્યાદિત ક્ષેત્રમાં) અનુભવ, ઉપવાસ કરવાની ક્ષમતા- આ લાક્ષણિકતાઓથી અન્ના છવાઇ ગયા. ભ્રષ્ટાચારથી ત્રાસેલા (પણ અંગત આચરણમાં ભ્રષ્ટાચારનો છોછ નહીં ધરાવનારા ઘણા) લોકોએ અન્નાને ખભે બેસાડ્યા.
અન્નાની સૌથી મોટી સફળતા એ રહી કે ‘કાયદાઓ બનાવવાનું કામ ભલે સંસદનું હોય, પણ એ પ્રક્રિયામાં નાગરિકોની સામેલગીરી હોઇ શકે-હોવી જોઇએ’ એવું તેમના આંદોલન થકી સરકારને ભાન થયું. સામાન્ય રીતે લોકશાહી રાજકારણ પ્રત્યે ઉદાસીન એવા નાગરિકોને તે સંયત ટોળાં તરીકે સડક પર ઉતરવા પ્રેરી શક્યા, એ તેમની બીજી નોંધપાત્ર સફળતા.
ભ્રષ્ટાચાર સામે અન્નામંડળની લડત ‘વિદેશી બેન્કોમાં ઠલવાયેલાં કાળાં નાણાં’ના મુદ્દે થતા વિપક્ષી ઘોંઘાટ કરતાં વધારે મુદ્દાસર અને વાસ્તવિકતાથી પ્રમાણમાં નજીક હતી. તેમના પક્ષે લોકકારણ-રાજકારણની સમજ ધરાવતા બે-ચાર ઠરેલ સલાહકાર હોત અને કેજરીવાલ-બેદી એન્ડ કંપનીને બદલે એવા લોકોએ આંદોલનને દિશા આપી હોત તો? સંભવ છે કે અન્નામંડળ ‘સર્વશક્તિમાન જનલોકપાલ’ના મોહમાંથી અને લોકસમર્થનના કેફમાંથી ઉગરી ગયું હોત. એટલું જ નહીં, કેટલાક ખરડાને વેગ આપીને સંસદ સુધી પહોંચાડવાનો વાજબી જશ પણ લઇ શક્યું હોત. જેમ કે, ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વને લગતું જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, નાગરિક અધિકાર પત્ર અને તેમની ફરિયાદોના નિવારણને લગતું સિટીઝન્સ ચાર્ટર એન્ડ ગ્રીવન્સ રીડ્રેસલ બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ.
પરંતુ ઊંચી શરૂઆત પછી અન્નામંડળને કામ કઢાવવાને બદલે પોતાનો કક્કો ખરો કરાવવામાં અને સરકારને નમાવવામાં વધારે રસ પડતો હોય- વધારે મઝા આવતી હોય એવું લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે સાવ શરૂઆતમાં અન્નાએ ઉપાડેલી ઝુંબેશ માટે સહાનુભૂતિ ધરાવનારા ઘણા લોકો સમય જતાં તેમના હળવા અને પછી તો આકરા ટીકાકાર બન્યા. બાકી રહેલું કામ અન્નાના મુગ્ધ સમજણવાળા, ‘તમે અન્નાની સાથે કે સામે?’ એવું પૂછનારા, લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા તત્પર, સવાયા ‘દેશપ્રેમી’ ભક્તોએ પૂરું કર્યું.
ભાવિક ભક્તોની કુસેવા
દિલ્હીના રામલીલા મેદાનમાં ચરમસીમાએ પહોંચ્યાના થોડાં અઠવાડિયાં પછી મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં અન્ના-આંદોલનનો લોકજુવાળ ઓસરી ગયો. આ સચ્ચાઇ જીરવવાનું ઘણા અન્નાભક્તોને અઘરૂં પડી રહ્યું છે. સત્તાવાર કાર્યકર્તાઓ વાસ્તવિકતાથી આંખમીંચામણાં કરીને, મેદાન પર હાજર લોકોની સંખ્યાથી માંડીને લોકોના ઉત્સાહ બાબતે હજુ મનગમતી કલ્પનાઓમાં રાચવા માગે છે. તેમાંથી ઘણાખરા માટે અન્નાનું અસલી મહત્ત્વ તેમણે ઉપાડેલા મુદ્દાને કારણે ઓછું ને એ મુદ્દે ટોળાં એકઠાં કરવામાં તેમને મળેલી સફળતાને લીધે વધારે હતું. એવા લોકો અન્નાનો સિતારો બુલંદ હતો ત્યારે તેેમની માગણીઓના ગુણદોષ વિશે જરાસરખો વિચાર કરવાને બદલે, તેમની બિનશરતી આરતી ઉતારીને ધન્યતા અનુભવતા હતા. હવે તે શરમાઇને મોં છૂપાવી રહ્યા છે અથવા બેશરમ બનીને, પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની વેતરણમાં છે. અન્નાની પીછેહઠને તે ‘દુષ્ટ રાજકારણીઓ સામે એક સજ્જનની હાર’ ગણાવી રહ્યા છે અને અન્નાનો મુદ્દા આધારિત વિરોધ કરનારને વઘુ એક વાર તે દુર્જન ઠરાવી રહ્યા છે. એ બિચારાઓને આટલું જ ફાવે છે.
અન્ના-આંદોલનની કદાચ સૌથી વરવી આડપેદાશ છે તેના મતલબી, ઝનૂની, ભાવિક ભક્તો. તેમને અન્ના આંદોલનનું આગળ જણાવેલું વાસ્તવિક મહત્ત્વ સમજવામાં અને તેના થકી લોકકારણ મજબૂત બનાવવામાં ઝાઝો રસ નથી. તેમાંથી ઘણા ભાજપપ્રેમી-કોંગ્રેસવિરોધી જીવોને અન્ના-જુવાળ અને એ નિમિત્તે પેદા થયેલી સરકારવિરોધી લાગણીથી મઝા પડી ગઇ. અન્ના-આંદોલન વિશે માપસર પ્રશંસા અને મુદ્દાસર ટીકા કરનાર લોકો માટે તેમણે ચુનંદાં વિશેષણ વાપર્યાં- ‘કોંગ્રેસતરફી’ ને ‘દેશદ્રોહી’ પણ કહ્યા. એ જોશમાં તેમને ખ્યાલ ન રહ્યો કે અન્નાપ્રેમના-ભ્રષ્ટાચારવિરોધના ઓઢણા તળે તેમણે સંતાડેલો ‘આઇ લવ ભાજપ’નો બિલ્લો ઉછળીને બહાર દેખાઇ રહ્યો છે. (લોકાયુક્તની નિમણૂંકથી બચવા ધમપછાડા કરનારા ગુજરાતના મુખ્ય મંત્રી વિશે અન્નામંડળના ઘણા ગુજરાતી ભક્તોને ભાગ્યે જ કંઇ કહેવાનું હતું.)
કોંગ્રેસ, ભાજપ કે કોઇ પણ રાજકીય પક્ષ સાથે હોવું એ શરમનો નહીં, વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ અન્ના-આંદોલન જેવા પ્રસંગે ઉભી થયેલા નાગરિકઝુંબેશની મોટી તકને કેવળ કોંગ્રેસવિરોધ પૂરતી સીમિત કરી દેવી અને દાવો ‘ભ્રષ્ટાચારના વિરોધ’નો કરવો એ છેતરપીંડી છે. અન્નામંડળ જ્યાં સુધી કોંગ્રેસની સરકારને અદ્ધરજીવ રાખતું હોય ત્યાં સુધી, તે જે કરે તેને ઉછળી ઉછળીને ટેકો આપવો- ચીયરલીડરી કરવી એ મૂર્ખામીની હદનું ભોળપણ અથવા નાગરિક-ચળવળનો દ્રોહ છે. અન્ના-આંદોલનના કેટલાક ઝનૂની સમર્થકોએ દર્શાવી આપ્યું કે પક્ષીય ભક્તિ અને નાગરિકદ્રોહ નાગરિક-ચળવળના નામે પણ કરી શકાય છે.
આત્યંતિક શરૂઆત પછી અન્ના આંદોલન દિશાસુધાર-કોર્સ કરેક્શન કરીને પાટે ચડવાને બદલે વઘુ ને વઘુ ફંટાતું ગયું. મોટા પાયે લોકસમર્થનને કારણે, ભૂલો સુધારવાની તેમની પાસે એકથી વઘુ તકો હતી, પરંતુ નવા-મોટા સત્તાકેન્દ્ર જેવા જનલોકપાલ વિશેનો તેમનો દુરાગ્રહ છૂટ્યો નહીં. ટોળાંનું સમર્થન હોય ત્યાં સુધી પોતાનો દુરાગ્રહ પણ સત્યાગ્રહ જેવો લાગે છે, એ સત્ય હવે ટાઢા કલેજે વિચારતાં કદાચ અન્નામંડળને સમજાય.
લડાઇ પૂરી, કામ અઘુરું
અન્નાના પક્ષે લડાઇ ભલે ગુમાવાયેલી લાગતી હોય, પણ આ પ્રશ્ન ‘આરપારની લડાઇ’નો હતો જ નહીં. એટલે તેને હાર-જીતના ખાનામાં જોવાની જરૂર નથી. જે પ્રકારના સુધારા માટે જનલોકપાલની માગણી કરવામાં આવી, એવા સુધારા લાંબા ગાળે અને સતત પ્રયાસો પછી જ શક્ય બને. એટલે હાર જો ગણવી હોય તો એ નાગરિકપક્ષની નહીં, પણ અન્નામંડળના દુરાગ્રહોની થઇ ગણાય. ‘અન્નાની પીછેહઠ એટલે નેતાઓની જીત અને લોકોની હાર’ એવું ચોકઠું બેસાડી દેવાની અન્નાભક્તોની ઉત્સુકતા સમજી શકાય એવી છે, પણ એ સ્વીકારી શકાય એવી નથી.
હવે સંસદમાં રજૂ થયેલા અને જનલોકપાલના હેતુઓ સાથે સુસંગત એવા ખરડા વિશે અન્નામંડળ અને બીજા નાગરિકજૂથો સરકાર સાથે સંવાદ સાધે એ અપેક્ષિત છે. અન્નામંડળે સમજવું જોઇએ કે તેમના સમર્થકોમાંથી ઘણાખરા જનલોકપાલની આંટીધૂંટીમાં ઉતર્યા વિના, ફક્ત ભ્રષ્ટાચારના વિરોધ માટે જોડાયા હતા. તેમની લાગણી-માગણી કેજરીવાલ એન્ડ કંપની પ્રસ્તાવિત સર્વશક્તિમાન જનલોકપાલ માટે નહીં, પણ ભ્રષ્ટાચારઘટાડો અને ફરિયાદનિવારણ માટે ‘કંઇક થવું જોઇએ’ એવી હતી અને છે.
સંસદમાં રજૂ થયેલા જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, વ્હીસલ બ્લોઅર બિલ અને સિટીઝન્સ ચાર્ટર બિલમાં લોકોની લાગણી ખાસ્સી હદે સંતોષી શકાય એવી સંભાવનાઓ છે. તેમાં રહેલી કચાશો પૂરવા અન્નામંડળ સહિતનાં નાગરિકજૂથો યોગ્ય સૂચનો કરી શકે- સરકાર અને વિપક્ષો પર દબાણ આણી શકે. હજુ સીબીઆઇને સરકાર અને લોકપાલ બન્નેના પ્રભાવથી સ્વાયત્ત બનાવવાની કામગીરી બાકી છે. ત્રીજા અને ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ પર દેખરેખનો અસહ્ય બોજ લોકપાલ પર નાખવાને બદલે, નાગરિક અધિકારપત્ર અને ફરિયાદ નિવારણના માળખા અંતર્ગત તેની સાથે પનારો પાડી શકાય. નીચલા સ્તરે ભ્રષ્ટાચારમાંથી પેદા થતી બિનકાર્યક્ષમતા અંગે એ કાયદો ઉપયોગી નીવડે એમ છે.
‘જનલોકપાલ’ની માગણીની એક મોટી ખોડ એ હતી કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ થતું હતું. આજે નહીં તો કાલે એ મોટા ભ્રષ્ટાચારનું ઉદ્ભવસ્થાન બને અને બંધારણ-લોકશાહીના મૂળભૂત હાર્દને પણ જોખમાવે. તેને બદલે જનલોકપાલમાં સમાવિષ્ટ સીબીઆઇની સ્વાયત્તતાથી માંડીને સિટીઝન્સ ચાર્ટર (નાગરિક અધિકારપત્ર), ગ્રીવન્સ રીડ્રેસલ (ફરિયાદ નિવારણ), જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી (ન્યાયતંત્રની જવાબદેહી) જેવા મુદ્દા માટે જુદી જુદી વ્યવસ્થાઓ થાય એ વધારે ઇચ્છનીય અને વધારે વ્યવહારુ રસ્તો ગણાય. પરંતુ અન્નામંડળની અડિયલ માનસિકતાનો વઘુ એક નમૂનો ત્યારે જોવા મળ્યો, જ્યારે સરકારે સંસદમાં અલગથી દાખલ કરેલા સિટીઝન્સ ચાર્ટર બિલને અન્નાએ ગણકાર્યું નહીં. તેમણે એ બાબતને જનલોકપાલના તાબામાં મૂકવાનો દુરાગ્રહ ચાલુ રાખ્યો.
છેવટે રાજકારણમાં
અત્યાર સુધીની બિનરાજકીય ઝુંબેશ પછી અન્નામંડળે જાહેર કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તે કોંગ્રેસ સામે અને બે વર્ષ પછી આવનારી લોકસભા ચૂંટણીઓમાં યુપીએ સરકાર સામે પ્રચાર કરશે. ‘જનલોકપાલનો વિરોધ કરનાર સૌ પક્ષો સામે પ્રચાર કરવો’ એવા અગાઉના દાવાને બદલે વાત હવે માત્ર કોંગ્રેસના વિરોધ પર આવીને અટકી છે. એ મોટા વિરોધાભાસને બાદ કરતાં, તેમનું ભાવિ રાજકીય વલણ જાહેર થાય એ વધારે સારું છે.
અન્નામંડળ કોંગ્રેસનો વિરોધ કરીને, કોઇ રાજકીય પક્ષ કે મોરચાના પલ્લામાં પોતાનું વજન મૂકવા ઇચ્છે અને બદલામાં તેની પાસેથી અમુક પગલાંની બાંહેધરી મેળવતો હોય તો સામાન્ય નાગરિકોને ભાજપ-કોંગ્રેસથી કશો ફરક પડતો નથી. કેજરીવાલ એન્ડ કંપની આગામી ચૂંટણીમાં નવો પક્ષ રચે અને જનલોકપાલ સાથે જોડાયેલા મુદ્દામાંથી અડધા મુદ્દા પણ હાથમાં લેવાનું- એ મુદ્દે વિધાનસભા-લોકસભામાં લડત આપવાનું વચન આપે, તો તેમની કાર્યપદ્ધતિ સામે વાંધા ધરાવતા વિરોધીઓ પણ તેમને મત આપવાનું પસંદ કરે. કારણ કે ત્યારે એ ઉદ્ધારકની નહીં, પણ જેવા છે તેવા પ્રતિનિધિની ભૂમિકામાં આવે છે. તેમની સરખામણી બીજા પક્ષોના ઉમેદવાર સાથે કરી શકાય છે અને તેમાં એમને બે આંગળ ઊંચા મૂકી શકાય છે.
પરંતુ રાજકારણની બહાર રહીને, પોતાના ‘જનઆંદોલન’નો પાક ભૂતના ભાઇ પલિત જેવો બીજો કોઇ રાજકીય પક્ષ લણી જાય એવી રીતે એમને ઝુંબેશ ચલાવવી હોય, જનલોકપાલની સર્વસત્તાધીશ-સમાંતર બાબુશાહી તેમને ઊભી કરવી હોય અને મૂળ હેતુ સુધી પહોંચવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો આનંદ લેવો હોય, તો તેમની ‘પીછેહઠ’થી આપણે દુઃખી થવું જોઇએ? કે નવી, સર્વસમાવેશક, આત્યંતિકતા વગરની નાગરિક પહેલ માટે સજ્જ થવું જોઇએ?
Subscribe to:
Post Comments (Atom)
urvishbhai... very well crafted article. It shows that a million will be friends in your good times but in your bad times you are alone. Well it is because of team ANNA we/most people have seen the parliamentary debate even on TV once...!! Yes few may tell his approach of pressurizing congress was bit contraversial how ever all who comment about ANNA's approach should also give the possible solution to this...!! Can we trust any political party after seeing drama in parliament...?
ReplyDeleteસરસ વિશ્લેષણ છે. મને લાગે છે કે મોબાઈલના આ યુગમાં લોકપાલ જેવા ખરડાઓ ઉપર લોકસભા કે રાજ્યસભામાં રાજનીતિક પક્ષોના મનસ્વી મતો મેળવવા કરતાં દેશના તમામ ગામોના સરપંચો ના મતો મોબાઈલ મારફત SMS દ્વારા મેળવી લેવા જોઈએ.
ReplyDeleteગુજરાત રાજ્ય ની જનતા જનાર્દન ની પરિપકવતા સમજવા આપનો આ લેખ ખુબજ મદદરૂપ થશે. ખાસ કરીને વિભાજીત સમીકરણો સમજવા માટે.
ReplyDelete