Sunday, July 17, 2011

સોશ્યલ નેટવર્કિંગના મોરચે મહાસંગ્રામનાં મંડાણઃ ગુગલ ‘પ્લસ’, તો ફેસબુક માઇનસ?

ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વિશ્વમાં અત્યારનો સમય ‘કતલનો’ છે. ‘સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ’ જેવી ઉથલપાથલ ભલે ન થાય, પણ પરિવર્તનનાં ધસમસતાં વહેણ પ્રચંડ વેગે વહી રહ્યાં છે. તેનાથી ગૂગલ, એપલ, ફેસબુક જેવી મસમોટી અગ્રણી કંપનીઓને ટોચના સ્થાનેથી ગબડી પડવાની અસલામતી લાગે છે. ઉદાહરણ જોગ વાત કરીએ તો, અત્યાર લગી સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ના આઇ-ફોનનો જબરો દબદબો હતો- હજુ છે. પરંતુ હવે તેના સ્થાન-દરજ્જાને પડકારવા માટે, બીજા અનેક કામણગારા અને કામગરા ફોન બજારમાં આવી ગયા છે.

સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ની અભેદ્ય કિલ્લા જેવી ઓપરેટિંગ સીસ્ટમ સામે ગુગલે પોતાની જાહેર બગીચા જેવી ઓપરેટિંગ સીસ્ટમ (એન્ડ્રોઇડ) મુકતાં એ મોરચે જબરો જંગ જામ્યો છે. એવી જ રીતે, ગયા અઠવાડિયે ‘ગુગલે સોશ્યલ નેટવર્કિંગના મેદાનમાં અવ્વલ ગણાતી કંપની ‘ફેસબુક’ સામે નવો-ગંભીર પડકાર ઉભો કર્યો છે. આશરે ૭૦ કરોડ સભ્યો ધરાવતી સાઇટ ‘ફેસબુક’ સામે ‘ગુગલ’ દ્વારા ઉભા કરાયેલા પડકાર-કમ-પ્રોજેક્ટનું નામ છેઃ ગુગલ પ્લસ.

ભારતમાં દસેક કરોડ જેટલા ઇન્ટરનેટ વાપરનારા લોકોમાંથી અડધાઅડધ (આશરે ૫૪ ટકા) ‘ફેસબુક’ના સભ્ય છે. ઇન્ટરનેટ વાપરનાર લોકોમાં ‘ફેસબુક’ના દબદબો એવો ગણાય છે કે તેના આધારે લોકોના બે ભાગ પાડી શકાયઃ ફેસબુક પર છે એવા અને તેનાથી અલિપ્ત રહેલા.

‘ફેસબુક’ એક જાતનો વૈશ્વિક ઓટલો છે, જ્યાં મોટે ભાગે એકબીજાની લટકસલામો, પંચાતપ્રવૃત્તિ, થોડું સારું વાચન અને તેની સાથોસાથ થોડા નવા-અજાણ્યા-સરખી રસરુચિ ધરાવનારા મિત્રો બનાવી-મેળવી શકાય છે. તેમની સાથે પોતાની અંગત કે જાહેર બાબતોની, તસવીરો-લખાણો અને વિડીયો વગેરેની આપ-લે કરી શકાય છે.

‘ફેસબુક’ની દુનિયામાં ‘ફ્રેન્ડ’નો અર્થ ‘મિત્ર’ થતો નથી. કોઇ પણ વ્યક્તિ બીજા અજાણ્યા જણને ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ મોકલી શકે છે. એ રિક્વેસ્ટ (વિનંતી નહીં, પ્રસ્તાવ) સ્વીકારાઇ જાય, એટલે બન્ને વ્યક્તિઓની ‘ફેસબુક’ પરની પ્રવૃત્તિઓ એકબીજા માટે ‘ઓપન બુક’/ખુલ્લી કિતાબ થઇ જાય છે. એક જણ જે કરે તે બઘું જ બીજો જોઇ શકે છે. (જોવું ફરજિયાત નથી, એ જુદી વાત છે!)

‘ફેસબુક’માં રહેલું ઓટલાપરિષદનું કે કીટલી-બેઠકનું તત્ત્વ ભારે ચસ્કો લગાડનારું નીવડ્યું છે. તેમાં ફ્રેન્ડ્‌ઝસાથે ઓનલાઇન ચેટિંગ/ગપ્પાંગોષ્ઠિ કરી શકાય છે. એ લોકો કંઇ પણ- અર્થવાળું કે નિરર્થક- લખે, ફોટો કે વિડીયો કે લિન્ક મૂકે, તો તેને ‘લાઇક’નું બટન દબાવીને ‘લાઇક’ કરી શકાય છે (‘ડિસલાઇક’ના બટનની લાંબા સમયથી રાહ જોવાય છે, પણ હજુ તે આવ્યું નથી.) ‘કમેન્ટ’ના ખાનામાં જઇને પ્રતિભાવ આપી શકાય છે. આ વ્યવહાર બે જણ પૂરતો સીમિત ન રહેતાં, ફ્રેન્ડલિસ્ટમાં હોય એટલી બધી જ વ્યક્તિઓ માટે ખુલ્લો બની જાય છે. એ તેની ખૂબી પણ છે અને મર્યાદા પણ. મોટા ભાગના લોકો અજાણ્યા લોકોને વિના સંકોચ ‘ફ્રેન્ડ’ તરીકે સ્વીકારે છે, પરંતુ થોડા સમયમાં ‘ફ્રેન્ડ’ની કક્ષાનો ખ્યાલ આવવા લાગે છે. ફેસબુક પર આવી ગયા પછી ઘણાખરા લોકો નિષ્ક્રિય કે મૂક પ્રેક્ષક જેવા બની રહે છે અને સક્રિય લધુમતીમાં શિષ્ટ-સુઘડ-ઊંચી રસરૂચિ ધરાવતા લોકો બહુ ઓછા હોય છે. હા, એવા ઓછા લોકો ‘ફેસબુક’ પર ગયા વિના ન મળ્યા હોત, એવો અહેસાસ પણ થતો રહે છે.

આગળ ગણાવેલી ખૂબીઓને કારણે, ૨૦૦૪માં ફક્ત કોલેજિયન વિદ્યાર્થીને એકબીજા સાથે સાંકળવા માટે શરૂ થયેલું ‘ફેસબુક’નું સોશ્યલ નેટવર્કિંગ ‘ઓરકૂટ’ અને ‘માય સ્પેસ’ જેવા જૂના ખેલાડીઓને પછાડીને, અભૂતપૂર્વ ઊંચાઇએ પહોંચી ગયું છે. ૧૦ કરોડની સભ્ય સંખ્યા સુધી પહોંચવામાં ‘ફેસબુક’ને આશરે ચારેક વર્ષ નીકળી ગયાં, પણ ત્યાર પછી માંડ બે વર્ષમાં (૨૦૧૦ના મઘ્યમાં) ‘ફેસબુક’ની સભ્યસંખ્યા ૫૦ કરોડના આશ્ચર્યજનક આંકડે પહોંચી. હાલમાં તેની સભ્ય સંખ્યા ૭૦ કરોડની અંદાજાય છે.

ઇન્ટરનેટ વિશ્વમાં ત્રિરાશી કામ લાગતી નથી. દાયકાઓ નહીં, વર્ષોમાં કોઇ કંપનીના ઊંચકાવાનો કે પટકાવાનો ખેલ પડી જાય છે. એ જ કારણથી, ‘ગુગલ પ્લસ’ના આગમનને કારણે ‘ફેસબુક’ની છાવણી માટે ચિંતાનું કારણ ઊભું થયું છે.

એ ખરું કે અગાઉ સોશ્યલ નેટવર્કિંગના ક્ષેત્રે ફેસબુકની આગેકૂચ અટકાવવાના ગૂગલના પ્રયાસ (‘બઝ’, ‘વેવ’) સદંતર નિષ્ફળ નીવડ્યા હતા, પણ ‘ગુગલ પ્લસ’ જરા જુદી અને ‘ફેસબુક’ને ટેન્શન કરાવે એવી સેવા છે. હજુ એ તમામ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. કેવળ આમંત્રણથી જ એનું સભ્યપદ મેળવી શકાય છે (અને ‘ઇબે’ જેવી હરાજીની સાઇટ પર ‘ગુગલ પ્લસ’માં સભ્યપદનાં આમંત્રણ ૯૯ સેન્ટમાં વેચાતાં હોવાનો અહેવાલ હતો.)

‘ગુગલ પ્લસ’ પર ફક્ત ગુગલને જ નહીં, ઇન્ટરનેટપ્રેમીઓને પણ ઊંચી આશા બંધાવાનાં પૂરતાં કારણ છેઃ તેમાં ‘ફેસબુક’માં હોય એવી સુવિધાઓ- અલબત્ત જુદા નામ સાથે- છે જ, પણ ‘ફેસબુક’ની ઘણી મર્યાદાઓને વળોટીને, વઘુ સારી-વઘુ મૌલિક- વઘુ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ તેમાં થયો છે. જેમ કે, ‘ફેસબુક’ના સભ્યે કંઇ પણ લખ્યું કે મૂક્યું, તે બધા જ ‘ફ્રેન્ડ્‌ઝ’ જોઇ શકે છે. તેમાં પેટાવિભાગ પાડી શકાતા નથી. તેના કારણે, અમુક જ મિત્રોને રસ પડે એવી સામગ્રી પરાણે બધા મિત્રોના માથે વાગે છે- અથવા તો અમુક જ મિત્રોના દાવની હોય એવી સામગ્રી બધા સમક્ષ જાહેર કરતાં માણસ ખચકાટ અનુભવે છે.

આ સમસ્યાના ઉકેલરૂપે ગુગલ પ્લસમાં ‘સર્કલ્સ’ની સુવિધા છે. ગુગલ પ્લસ વાપરનાર માણસ શબ્દાર્થમાં મિત્રોનું જુદાં જુદાં ‘વર્તુળ’ બનાવી શકે છે. એક મિત્રને એકથી વધારે વર્તુળમાં સામેલ કરવાની છૂટ છે. વર્તુળ બનાવી લીધા પછી, ચોક્કસ મિત્રવર્તુળના લાભાર્થે મુકાયેલી સામગ્રી બીજા વર્તુળના લોકો જોઇ શકતા નથી.
‘ફેસબુક’માં ફ્રેન્ડ્‌ઝ સાથે ફક્ત લખીને ‘ચેટ’ (ગપ્પાંગોષ્ઠિ) થઇ શકતી હતી, જ્યારે ગુગલ પ્લસમાં એક સાથે દસ મિત્રો સાથે વિડીયો ચેટ થઇ શકે એવી સુવિધા છે. ‘ગુગલ પ્લસ’ લોન્ચ થયા પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝુકરબર્ગે ઉતાવળે જાહેરાત કરી હતી કે ‘ટૂંક સમયમાં ફેસબુક જબરદસ્ત પ્રકારની કોઇ સુવિધાનો ઉમેરો કરશે.’ પરંતુ ખરેખર એ દિવસ આવ્યો ત્યારે ઝુકરબર્ગે ‘ફેસબુક’માં ‘વિડીયો ચેટ’ની સુવિધા જાહેર કરી (જે ગુગલ પ્લસમાં અગાઉથી મોજૂદ હતી). એટલે ગુગલ પ્લસને ફટકો મારવાનો તેમનો ઇરાદો ફળ્યો નહીં.

‘ફેસબુક’ને લગતી સૌથી મોટી રાડ તેની પ્રાઇવસી પોલિસી અંગેની રહી છે. સભ્યની અંગત માહિતીના ઉપયોગ-દુરુપયોગ માટેની નીતિ બદલતી વખતે, આદર્શ સ્થિતિ એ છે કે સભ્યોને તેમની મરજી પૂછવામાં આવે અને તે ઇચ્છે (ટીક કરે) તો જ તેમની માહિતીનો ઉપયોગ કરી શકાય. પરંતુ ‘ફેસબુક’નો ઇતિહાસ એવો છે કે તે સેટંિગ ફેરવ્યા પછી સભ્ય વતી આપોઆપ ટીક કરી નાખે છે. સભ્ય એ માહિતી વહેંચવા ન ઇચ્છતા હોય તો તેમણે એ ટીક કાઢી નાખવી પડે. ઘણા સભ્યોને જાણ સુદ્ધાં હોતી નથી કે ‘ફેસબુક’ તરફથી આવો કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે.

બીજી સૌથી મોટી મર્યાદા ‘ફેસબુક’માં સભ્યના ખાતે જમા થયેલી માહિતીને લગતી છે. ઇન્ટરનેટ વાપરતો માણસ પોતાના ‘યાહુ’ મેઇલના સંપર્કો ‘ગુગલ’માં કે ‘ગુગલ’ના ‘હોટમેઇલ’માં લઇ જઇ શકે છે, પણ ‘ફેસબુક’માં રહેલા સંપર્કો કે તેમાં રહેલી માહિતી સીધેસીધી રીતે બીજી કોઇ સાઇટમાં લઇ જઇ શકાતાં નથી. ‘ગુગલ પ્લસ’માં દરવાજા બંધ રાખવાને બદલે, સભ્યો તેમાંથી માહિતી બહાર લઇ જઇ શકે એવી મોકળાશ રાખવામાં આવી છે.

નવી-ઉપયોગી સુવિધાઓ ઉપરાંત ‘ગુગલ’ના પક્ષે સૌથી મોટો ફાયદો તેના સર્ચ એન્જિન, જીમેઇલ, બ્લોગર, પિકાસા, ગુગલ મેપ્સ અને બીજી અસંખ્ય સુવિધાઓની સહિયારી તાકાતનો છે. ‘ગુગલ પ્લસ’ની સભ્ય થનાર વ્યક્તિ ‘ગુગલ’ની માલિકીની કોઇ પણ વેબસાઇટ ઉપર જશે ત્યારે તેને મથાળે એક પટ્ટી દેખાશે. તેમાં ગુગલની બીજી સુવિધાઓની યાદી ઉપરાંત જમણા ખૂણે ‘ગુગલ પ્લસ’ના પોતાના ખાતામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ મળતો રહેશે. કોઇની કમેન્ટ આવે, કોઇ લાઇક કરે, કોઇ મિત્રવર્તુળમાં ઉમેરો કરે- એ બધી સૂચનાઓ ‘ગુગલ પ્લસ’માં અલગથી દાખલ થયા વિના, ગુગલની પટ્ટીના જમણા ખૂણે લાલ રંગમાં મળતી રહેશે. એટલું જ નહીં, તેનો પ્રતિભાવ લખવો હોય તો પણ ‘ગુગલ પ્લસ’માં ગયા વિના, સૂચનાઓ દર્શાવતા હિસ્સામાંથી લખી શકાશે. ‘ગુગલ’ની વેબસાઇટોની પ્રચંડ લોકપ્રિયતા જોતાં, આ સુવિધા લાંબા ગાળે ‘ફેસબુક’ના ભારે પડી શકે એમ છે. કારણ કે, ગુગલની કોઇ પણ સાઇટમાં દાખલ થયેલા ‘ગુગલ પ્લસ’ના સભ્યે સોશ્યલ નેટવર્કિંગ માટે, પોતે જ્યાં કામ કરે છે એ સાઇટ છોડીને અલગથી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જવાની જરૂર નહીં રહે.

ગુગલ પ્લસ અને ફેસબુક વચ્ચેની ઉગ્ર હરીફાઇનો હજુ પહેલો રાઉન્ડ માંડ શરૂ થયો છે. પૂરતી ચકાસણી કરી લીધા પછી ગુગલ સૌ કોઇ માટે ‘ગુગલ પ્લસ’ના દરવાજા ખુલ્લા મૂકે, ત્યાર પછી અસલી મુકાબલો શરૂ થશે. ૭૦ કરોડ સભ્યો ધરાવતી ‘ફેસબુક’ એમ સાવ પહેલા ધડાકે પાણીમાં બેસી જશે એવું માનવાની જરૂર નથી. પરંતુ એ પણ યાદ રહે કે ટેકનોલોજીની દુનિયામાં વફાદારી જેવું કંઇ હોતું નથી. એક વાર ‘ગુગલ પ્લસ’ ભણીનો પ્રવાહ શરૂ થાય, તો આજે ‘ફેસબુક’ના પ્રેમી બની રહેલા લોકોને ‘ફેસબુક’ તજીને કે તેનું સભ્યપદ છોડ્યા વિના પણ, ‘ગુગલ પ્લસ’ના સભ્ય બનતાં - અને થોડા વખતમાં ‘ફેસબુક’ના નિષ્ક્રિય સભ્ય બનતાં બહુ વાર ન લાગે.

‘ગુગલ’ વિરુદ્ધ ‘ફેસબુક’ જેવા જંગનું ભવિષ્ય ભાખવું અઘરૂં છે અને એક રીતે તેની જરૂર પણ શી છે? કારણ કે તેમાં ગ્રાહકોની જીત નક્કી છે.

3 comments:

  1. I read this in G.S. Ravipurti...!!!
    & like it...!!!
    Lot of Information with "Desi touch"!

    ReplyDelete
  2. Nice! I have resisted myself not to sign on "yet another social network", but after reading your article, I certainly find myself there - sooner or later!

    ReplyDelete
  3. 1.નવી-ઉપયોગી સુવિધાઓ ઉપરાંત ‘ગુગલ’ના પક્ષે સૌથી મોટો ફાયદો તેના સર્ચ એન્જિન, જીમેઇલ, બ્લોગર, પિકાસા, ગુગલ મેપ્સ અને બીજી અસંખ્ય સુવિધાઓની સહિયારી તાકાતનો છે

    The total integration is still on work according to Eric Schmidt(After page and brin he's the third most imp man for google). But integration with android is really good, Facebook lacks it.

    2.‘ગુગલ પ્લસ’ લોન્ચ થયા પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝુકરબર્ગે ઉતાવળે જાહેરાત કરી હતી કે ‘ટૂંક સમયમાં ફેસબુક જબરદસ્ત પ્રકારની કોઇ સુવિધાનો ઉમેરો કરશે.’ પરંતુ ખરેખર એ દિવસ આવ્યો ત્યારે ઝુકરબર્ગે ‘ફેસબુક’માં ‘વિડીયો ચેટ’ની સુવિધા જાહેર કરી (જે ગુગલ પ્લસમાં અગાઉથી મોજૂદ હતી). એટલે ગુગલ પ્લસને ફટકો મારવાનો તેમનો ઇરાદો ફળ્યો નહીં.

    Unlike google's own products (gtalk and wave), facebook video calling is a service provided by skype... skype can pull out from fb and thus can badly affect it's video calling service... google can't pull out its own product suddenly or without providing backup...

    that's where g+ can overtake fb...

    ReplyDelete