Monday, July 04, 2011

શરદીનો હુમલો થાય ત્યારે...

જૂઠું બોલવાની જેમ શરદી થવાની કોઇ ચોક્કસ સીઝન હોતી નથી. પરંપરાગત શાણપણની રીતે વિચારીએ તો શિયાળામાં શરદી થાય એવી અને સોગંદ લીધા પછી માણસ સાચું બોલે એવી શક્યતા વધારે કહેવાય. પણ વ્યવહારમાં શું બને છે તે સૌ જાણે છેઃ ગુજરાતના કાતીલ ઉનાળાની ગરમીમાં શરદી થવાની અને સોગંદ લીધા પછી માણસ ધરાર જૂઠું બોલે એવી સંભાવના પૂરેપૂરી રહે છે.

શરદી ‘મહારોગ’ કે ‘રાજરોગ’ નથી. હજુ સુધી શરદીને કારણે કોઇનું મૃત્યુ નીપજ્યું હોય એવું જાણ્યું નથી. પરંતુ શરદી માણસને અધમૂવો કરી નાખે છે. પ્રેમીઓ અને ગાલિબના પ્રેમીઓ જાણે છે કે જે દરદ ‘તીરે નીમકશ’માં – અર્ધા ખૂંપેલા તીરમાં- હોય છે, તે ‘જીગરકે પાર’ નીકળી જતા તીરમાં નથી હોતું. એટલે શરદી જીવલેણ નથી તો શું થયું? તેની ગંભીરતા ‘ચેનલેણ’ હોય છે.

દાના દુશ્મનની જેમ શરદી પણ ખાનદાન રોગ છે. તે કદી એકદમ-ઓચિંતો હુમલો કરતી નથી. તેના આગમન પૂર્વે નિશાનીઓ વરતાવા માંડે છે. કાઠિયાવાડી શૌર્યકથાઓમાં મુખ્ય પ્રસંગ બનતાં પહેલાં આકાશમાં સંધ્યાની લાલી પથરાઇ જવા જેવી પૂર્વતૈયારીઓ થાય છે, તેમ શરદીના છડીદાર તરીકે બેચેની ધડબડાટી બોલાવતી આવી પહોંચે છે. આંખો સહેજ ભારે અને નાક સહેજ ઢીલું લાગે છે. બધા લોકો આ લક્ષણોનો તાગ પામી શકતા નથી. એટલે શારીરિક લક્ષણો માટે તે વધુ પડતા કામથી માંડીને ભૂતપૂર્વ પ્રેમિકાની યાદ જેવાં પરિબળોને જવાબદાર ઠેરવે છે. પરંતુ એક વાર નાકની હાલત ગ્લોબલ વોર્મિંગને લીધે પીગળતી હિમાલયની હિમનદીઓ જેવી થાય કે તરત સમજાઇ જાય છેઃ આ તો શરદીનાં લક્ષણ છે. દુર્ઘટના બન્યા પછી અંકોડા મેળવતી ગુપ્તચર એજન્સીઓને પશ્ચાદવર્તી અસરથી કાવતરાની સમજણ પડે તેમ, શરદીગ્રસ્ત માણસ વિચારે છેઃ ‘બે દિવસથી મને કંઇક જુદું લાગતું હતું, પણ ખબર પડતી ન હતી. હવે સમજાયું. એ શરદી થવાનાં ચિહ્નો હતાં.’ પરંતુ ગુપ્તચર સંસ્થાઓની જેમ જ, શરદીગ્રસ્ત જણ માટે એ જ્ઞાનનો ‘મોડે મોડે પણ ખબર તો પડી’ એ સિવાય કશો ખપ રહેતો નથી. કારણ કે ફરી વાર આ જાતનાં ચિહ્નો દેખાય ત્યાં સુધીમાં તે આ જ્ઞાન ભૂલાઇ જાય છે.

કવિ નાનાલાલે વરસાદમાં ભીંજાતી કુમારિકાના શરીર પરથી ‘પાણી નહીં પણ કૌમાર્ય’ ટપકતું હોવાની કલ્પના કરી હતી. ટપકતા નાકવાળા શરદીગ્રસ્ત જણને જોઇને લાગે, જાણે નાક વાટે તેનાં સ્વસ્થતા અને તંદુરસ્તી, સુખ અને શાંતિ ટપકીને બહાર વહી રહ્યાં છે. ટપકતા રીઢા નળ પર કોઇ અણઘડ પ્લમ્બર મચ્યો હોય તેમ, શરદીગ્રસ્ત જણ રૂમાલ લઇને ટપકતા નાકને કાબૂમાં આણવા મથે છે. પણ નળ કે નાક એમ બંધ થાય? ઉલટું, દરેક પ્રયાસની સાથે તે વધારે બેકાબૂ થતાં જણાય છે. રૂમાલ આખો ભીનો થઇ જાય છે અને નાક આખું લાલ. પણ પાણીનો અવિરત પુરવઠો ખૂટતો જ નથી. જાણે નાકમાં નર્મદાની નહેર કરાવી હોય.

ટપકતું નાક શરદીગ્રસ્ત જણને સ્વમાનનો પાઠ શીખવી જાય છે. નીચું જોવાથી નાક વધારે ટપકે છે. એટલે નીચાજોણું થાય એવાં કોઇ કામ એ ગાળામાં થઇ શકતાં નથી. કોઇ કામ કરવામાં ચિત્ત ચોંટતું નથી. (ઘણા ‘સિદ્ધ’ લોકો શરદી વિના પણ આ અવસ્થાએ પહોંચેલા હોય છે એ જુદી વાત છે.) આવી હાલતને કારણે માણસને ઘરે રહીને આરામ કરવાની ‘કમત્ય’ (કુમતિ) સૂઝે છે. એ માને છે કે ઘરે વિક્સ લગાડીને ચાદર ઓઢીને બે દહાડા પડી રહીશું એટલે શરદી છૂમંતર થઇ જશે.

‘ઘરે આરામ’ની યોજનાનો આરંભ ભવ્ય હોય છે. મોડી સવાર...દોઢ પ્યાલો ચા...ચોતરફથી પૂછાતી ખબર..’કેમ લાગે છે? કેમ છે હવે? એ તો આરામ કરીશ એટલે આવી જશે...’ શરદીગ્રસ્ત જણને પોતાનો ઘરે રહેવાનો નિર્ણય કેટલો સાચો હતો તે સમજાય છે. સાથોસાથ, શરદીગ્રસ્ત મનથી આવા સારા નિર્ણય લેવાતા હોય તો, કાશ્મીર અંગેનો નિર્ણય લેતાં પહેલાં પંડિત નેહરુને શરદી થઇ હોત તો કેટલું સારું, એવો આડવિચાર પણ આવી જાય છે. પરંતુ દિવસ ચડે તેમ શરદીગ્રસ્ત જણની સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ પર ઠેકઠેકાણેથી હુમલા થવા લાગે છે.

એક પણ સગી બહેન ન હોય એવા ભાઇઓને અનેક બહેનો હોય છે, તેમ એક પણ ઇલાજ વગરની શરદી માટે અનેક ઇલાજ આવી પડે છે. દરેક પોતાના અનુભવસિદ્ધ ઇલાજો ‘જેવા મને ફળ્યા એવા તમને પણ ફળો’ના વ્રતકથા-સહજ આશાવાદ સાથે સૂચવે છે. અમેરિકાનાં ‘પ્રીએમ્પ્ટીવ’ પગલાંની તરાહ પર એલોપથીના પ્રેમીઓ બે-ચાર અકસીર ગોળીઓનાં નામ સૂચવે છે. ‘એનાથી શરદી મટી જશે એની ગેરન્ટી નથી, પણ તાવ નહીં આવે.’ એલોપથીને તૂત સાબીત તરવાની ભીષણ પ્રતિજ્ઞા લઇને બેઠેલા લોકો કહે છે, ‘તુલસી-અરડુસી-ફુદીનાનો ઉકાળો પી. એના જેવું એકેય નહીં.’ ‘સર્વ દિશાઓમાંથી ઉત્તમ દવાઓ ગ્રહણ કરું છું’ એવો ઋગ્વેદીય મિજાજ ધરાવતા લોકો કહે છે, ‘આપણે દિવસે દેશી દવા કરવી ને રાત્રે ગોળી લઇને ઉંઘી જવું.’ કોઇ વળી નાસના પ્રેમી હોય તો એ કહે છે, ‘બીજું બધું ભૂલી જા. દિવસમાં દસ વાર નાસ લે. પછી જો.’ તેમનો નાસ-પ્રેમ જોઇને એવો વહેમ આવે જાણે, તે આ સૂચના પણ નાસ લેતાં લેતાં જ આપતા હશે.

વિવિધ સૂચનો પ્રત્યે શરદીગ્રસ્ત જણની ઉદાસીનતા જોઇને ઘરના સભ્યો તેને ડોક્ટર પાસે ધકેલવા પ્રવૃત્ત થાય છે. તેનાથી રોગ જલ્દી મટવાની આશા તો ખરી, પણ વધારે મોટો ફાયદો એ કે નિદાનના રૂપિયા ખર્ચ્યા પછી માણસ દવા લેવા માટે થોડો ગંભીર થાય. પરંતુ ઘણા લોકોને શરદી જેવા રોગ માટે ડોક્ટર પાસે જવું શાન કે ખિલાફ લાગે છે. એ વિચારે છે, ‘કયા મોઢે ડોક્ટર પાસે જવું? એ પૂછશે કે શું થયું તો શું જવાબ આપીશ? એવું કહીશ કે શરદી થઇ છે? હું એવું કહીશ તો ડોક્ટર પોતે હસી પડશે, ભલું હશે તો ‘એક્ક્યુઝ મી’ કરીને એકાદ-બે છીંક ખાઇને કહેશે, ‘શરદી તો મને પણ થઇ છે ભલા માણસ. એટલા માટે કંઇ ડોક્ટર પાસે દોડી જવાતું હશે?’ એમ કહીને એ ફીની વસૂલાત માટે બે-ચાર ગોળીઓ ચીતરી આપશે અને લગભગ ઠપકાના સૂરમાં ઘરે પાછા કાઢશે.

નાક ટપકે એ પોસાય પણ નાક- અને ખિસ્સું પણ- કપાય તે શી રીતે ચલાવી લેવાય?

2 comments:

  1. Bharat.zala3:37:00 PM

    Urvishbhai.I enjoy ur article.it creates good humour.you are amazing.Urvishbhai.I enjoy ur article.it creates good humour.you are amazing.

    ReplyDelete
  2. Anonymous6:29:00 AM

    જેને શરદી થઈ હોય એને શરદી મુબારક કહી શકાય્?

    ReplyDelete