Sunday, June 26, 2011

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અખંડ પુનરાવતારઃ ગુજરાતનું એક મહેણું ટળ્યું

L to R : Prakash N. Shah, Sanat Maheta, Bhagavatikumar Sharma (pic: Binit Modi)

Stage view

‘વાંચે ગુજરાત’ ની સરકારી ઝુંબેશમાં થવા જેવું અને ન થયેલું કામ હતું- કેટલાંક ઉત્તમ છતાં કેવળ બેકાળજીથી અપ્રાપ્ય બનેલાં ગુજરાતી પુસ્તકોનું પુનઃપ્રકાશન. તેમાં સૌથી મોખરે આવતું પુસ્તક હતું ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છ ભાગ. આમ તો, એ કામ સરકારનું નથી, પણ સરકારે ‘વાંચે ગુજરાત’ અને ‘સ્વર્ણીમ ગુજરાત’ જેવી ઝુંબેશો અંતર્ગત ભરપૂર માઇલેજ લેવાની કોશિશ કરી એટલા પૂરતો એની સામે ધોખો કરવાનો થાય. બાકી, મૂળ જવાબદારી અને દોષ સાહિત્યિક સંસ્થાઓ અને સમાજનો, જ્યાં ગુજરાતની અસ્મિતાનાં આટલાં બણગાં ફૂંકનારા ચીઅરલીડરો અને ‘ગુજરાતનું અપમાન’ની રાડારાડી કરનારી ‘રુદાલી’ઓ સક્રિય હોવા છતાં ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા વર્ષોથી ‘અપ્રાપ્ય’ અને ‘આઉટ ઓફ પ્રિન્ટ’ બની હતી.

ગઇ કાલે આખરે ગુજરાતનું એ મહેણું અને એ શરમ ભાંગ્યાં. સનત મહેતાનાં પત્ની અરૂણાબહેન મહેતાના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના ભાઇકાકા હોલમાં ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન થયું. ઇન્દુલાલની આત્મકથાના છ ભાગ હવે ચાર વોલ્યુમમાં ઉપલબ્ધ બન્યા છે. કાર્યક્રમની શરૂઆત ‘વી શેલ ઓવરકમ- હમ હોંગે કામયાબ’ ગીતથી થઇ. ત્યાર પછી ઇતિહાસના અધ્યાપક-સંશોધક રિઝવાન કાદરીએ ઇન્દુલાલના પૂર્વાશ્રમ વિશે અને તેમની રાજકીય પ્રવૃત્તિઓ વિશે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો પડદા પર બતાવીને પ્રવચન આપ્યું. દસ્તાવેજોમાં કશું જોઇ-વાંચી શકાતું ન હતું, પણ ડો.કાદરીના પ્રવચનમાં અનેક ઓછી જાણીતી વિગતોનો ખડકલો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમદાવાદમાં સંસારસુધારા હોલમાં ઘણી સભા-મિટિંગો થતી હતી એવો ઉલ્લેખ મળે છે, પણ એ સંસારસુધારા હોલ ક્યાં આવ્યો એ જાણવા મળ્યું નથી. કોઇને ખ્યાલ હોય તો જણાવે.

‘નિરીક્ષક’ તંત્રી પ્રકાશ ન.શાહે તેમના પ્રવચનમાં, સનતભાઇના શબ્દોમાં કહું તો, ‘કેનવાસ ખોલી આપ્યો.’ તેમણે ઇન્દુલાલ-મુન્શી-ગાંધીની વાત કરી. ગાંધી સાથેની બન્નેની પહેલી મુલાકાતમાં બન્નેને કેવી નિરાશા થઇ હતી અને પછી બન્ને કેવા આકર્ષાયા. ઇન્દુલાલના ગાંધીજી સાથેના ઉચકનીચક સંબંધો દરમિયાન પણ બન્નેને સાંકળતી કડી ‘પ્રતિલોમ તાદાત્મ્ય’ (સમાજના સૌથી નીચલા સ્તરના-છેવાડાના માણસ સાથેનું સંધાન) હતી, એવું પ્રકાશભાઇએ કહ્યું. ઇન્દુલાલ અને ગાંધીજીના કેટલાક પ્રસંગો પણ પ્રકાશભાઇએ તેમના બહોળા સંદર્ભભંડારમાંથી યાદ કર્યા. ગુજરાતમાંથી છૂટા પડ્યાનાં વર્ષો પછી 1944ની આસપાસ ગાંધીજી જૂહુમાં હતા અને મૌનવાર હતો ત્યારે ઇન્દુલાલ તેમને મળવા ગયા. ગાંધીજી એક નજરે તેમને ઓળખી શક્યા નહીં. પછી ઓળખાણ પડી એટલે ગાંધીજીએ ચબરખીમાં અસલ ગાંધીશાઇ સવાલ પાડ્યો, ‘હજુ કેટલા વેશ કાઢશો? મારા જેટલા?’ ઇંદુલાલ તેમની જિંદગીનાં પાછલાં વર્ષોમાં ગાંધીજી પ્રત્યે વધારે ભાવ અને વધારે માનસિક નિકટતા અનુભવતા હતા એવું પણ પ્રકાશભાઇએ કહ્યું.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુરતથી ભગવતીકુમાર શર્મા આવ્યા હતા. સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીભાઇએ સાહિત્યિક એસ્ટાબ્લીશમેન્ટના માણસને ન છાજે એવું- એટલે કે સરસ અને રસાળ- પ્રવચન કર્યું. તેમનું પ્રવચન સાંભળીને લાગ્યું કે બહુ વખતે શ-સ-ષના અલગ ઉચ્ચાર અને દીર્ઘ ઇ-ઊના ઉચ્ચાર સાંભળવા મળ્યા. ભગવતીભાઇ બોલે તેમ સાથે લખવાનું હોય તો જોડણીમાં બહુ ઓછી કે ભાગ્યે જ ભૂલ થાય એવું લાગ્યું. તેમણે અત્યંત સાહિત્યિક ભાષામાં – કેટલાક અઘરા શબ્દો અને કેટલીક વાર ગઝલકાર જેવા આરોહ-અવરોહ સાથે (કંઇક અંશે તરન્નુમમાં બોલતા હોય તેમ) વાત માંડી. ‘સિંગતેલના ડબ્બાના ભાવ વધે ત્યારે મનોમન અને તંત્રીલેખોમાં જેમને યાદ કરતો રહ્યો છું એવા માનનીય વડીલ સનતભાઇ, જેમને વાંચવા કરતાં સાંભળવા સરળ પડે છે, પણ સાચકલા લોકપ્રહરી મિત્ર પ્રકાશ ન. શાહ..’ એ રીતે તેમણે પ્રવચનની શરૂઆત કરી. માધવસિંહ સોલંકીનું કાર્ડમાં નામ હતું, પણ તે સમારંભમાં હાજર ન હતા. (સનતભાઇએ પોતાના પ્રવચનમાં તેમની તબિયતનું કારણ આપ્યું. જોકે, રાજકીય સક્રિયતાના દિવસોમાં સનતભાઇ અને માધવસિંહ વચ્ચેનાં સમીકરણો સારાં ન હતાં.)

ભગવતીભાઇએ ઇસુના રેસરેક્શન (પુનઃપ્રાગટ્ય)ને યાદ કરીને આત્મકથા દ્વારા ઇન્દુલાલનું પુનઃપ્રાગટ્ય થયું છે એમ કહ્યું. ‘ઇન્દુલાલને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ તેમનો અક્ષરરદેહ છે. હવે ઇન્દુલાલ આપણી વચ્ચે નથી એવી ફરિયાદ કરવાનું કોઇ કારણ નહીં રહે.’

ઇન્દુલાલ સાથે પોતાનું સંધાન યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ’1954ના અંત ભાગે ગુજરાતમિત્રના તંત્રીવિભાગમાં પ્રૂફરીડર તરીકે જોડાયો. જાહેરજીવનનું અવલોકન નહીં. પછીના દોઢ વર્ષમાં મહાગુજરાત આંદોલન ભભૂક્યું. મારી ઉંમર એ વખતે 22 વર્ષ. અમદાવાદમાં શહીદ થયેલા જુવાનો સાથે માનસિક વેવલેન્થ-વયજૂથનું બહુ સામ્ય. મારું રોમેરોમ ઝંકૃત થઇ ઉઠ્યું. સકળ ઝમીર યુવાનોની સાથે દોડી ગયું. ત્યારે ઇન્દુલાલની જે એન્ટ્રી થઇ એ તરૂણ વયના હૃદયને સ્વર્ગમાંથી ફરિશ્તો ઉતરી આવ્યો હોય એવી લાગી હતી. ઇન્દુલાલનું ‘અવતરણ’- આ જ શબ્દ હું વાપરીશ. શહીદો સાથે3 આત્મૈક્ય અનુભવતો હતો. એના માટે ઇન્દુલાલનું આગમન ‘અવતરણ’થી લગીરેય ઓછું નહીં. એ ક્ષણથી હું એમનો ભક્ત બન્યો.’

સુરતમાં મહાગુજરાત આંદોલનની અસર સાવ ઓછી હોવાનું જણાવીને ભગવતીભાઇએ કહ્યું કે ગુ.મિત્રની ઓફિસ નજીકના મેદાનમાં ઇન્દુલાલની સભા હતી ત્યારે સાવ પાંખી હાજરી હતી. પ્રમુખપદે જનસંઘના ડો.મોહનનાથ કેદારનથા દીક્ષિત હતા. ‘હું ત્યાં રીપોર્ટિંગ કરવા ગયો હતો, પણ આટલી હાજરીમાં રીપોર્ટિંગ તો શું કરું? ઇન્દુલાલના વાગ્વૈભવ- વાગ્ધારામાં ભીંજાવાનું જ યોગ્ય લાગ્યું. એક વક્તવ્યમાં આટલા વિવર્ત, સ્થિત્યંતરો, આરોહ-અવરોહ...’ પછી ‘જરા સુરુચિનો ભંગ થાય તો પણ’ એવી સ્પોઇલર એલર્ટ સાથે તેમણે કહ્યું, ‘દ્વિભાષી મુંબઇના મુખ્ય મંત્રી યશવંતરાવ ચવ્હાણ માટે ઇન્દુલાલે કહ્યું હતું, ‘પેલો પીળા ઘૂ જેવો ચૌહાણ..’ અને આવું બોલ્યા પછી પોતાની કલ્પનાના ગુજરાતનું વર્ણન કરતાં તેમની વાણી કવિત્વની સીમાએ પહોંચતી હતી.

‘પછી ઇન્દુલાલની સભામાં રીપોર્ટિંગ કરવાનું હોય કે ન હોય, હું પહોંચી જતો હતો. ઇન્દુલાલ ખરેખરા ફકીર હતા. અમારી ઓફિસે ચડી આવે. ખુરશીને બદલે ટેબલ પર બેસે. સહાયક તંત્રી બટુક દીક્ષિત તેમના જ્ઞાતિબંધુ. એમને કહે, ‘બે કપ ચા મંગાવ.’ પછી એમની તાજ છાપ સીગરેટ પીએ. સુરતમાં ઘણી વાર હું એમને રસ્તા પર ચાલતા જતા જોઉં. ખિસ્સામાં હાથ નાખીને સિંગચણા ખાતા જાય. અરૂણ પ્રિન્ટિંગ પ્રેસ ડાબેરી વિચારવાળાનો અડ્ડો ગણાતો હતા. એના માલિક ડાહ્યાભાઇ. ઇન્દુલાલ ત્યાં આવે અને આજ્ઞા કરે, ‘ડાહ્યા, મારા માટે ઘારી મંગાવ.’

ઇન્દુલાલ નડિયાદની સાક્ષરી નાગર પરંપરાના. પણ તેમનું મનોવલણ સુરતના નર્મદ-દુર્ગારામ મહેતા જેવા સુધારાવાદીઓ તરફ વધારે ઢળેલું. ભગવતીભાઇ કહે, ‘સુધારાનું મોજું સુરતથી અમદાવાદ પહોંચ્યું, પણ વચ્ચે નડિયાદ ચૂકાઇ ગયું. એ ભીંજાયું જ નહીં.’

ઇન્દુલાલના ઘડતરમાં તેમના સુધારાવાદી પિતાનો ફાળો (આત્મકથાના જ હવાલાથી) આપીને તેમણે કહ્યું, ‘ઇન્દુલાલ કનૈયાલાલના પુત્ર ન હોત તો કદાચ એ ઇન્દુલાલ ન થઇ શક્યા હોત.’ એક વાર ઇન્દુલાલે સાહિત્ય પરિષદની કાર્યવાહીમાં હાજરી આપી હતી, પણ તેની કાર્યવાહીથી એ સાવ નિરાશ થયા હતા. એમ જણાવીને પરિષદના વર્તમાન પ્રમુખ ભગવતીભાઇએ કહ્યું, ‘અત્યારે પણ લગભગ આ જ સ્થિતિ છે.) સાહિત્યને જીવાતા જીવન સાથે કશી લેવાદેવા નથી એ જોઇને ઇન્દુલાલ નિરાશ થયા હતા અને યુવાનોને સહભાગી બનાવવાની ભલામણમાં તેમને આશાની રેખાઓ દેખાઇ હતી.

ભગવતીભાઇએ કાવ્યાત્મક રીતે કહ્યું કે ‘ઇન્દુલાલ દસે દિશાના માણસ હતા. સહસ્ત્રબાહુ વડે તે દુનિયાને બાથમાં લેવા માગતા હતા.’ ‘આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.’ એ શાહબાઝનો શેર ટાંકીને ભગવતીભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ બીજા ગગના શોધક હતા.’

‘ઇન્દુલાલના દિલનો રવરવતો અજંપો પ્રગટતો હતો. તેમને સાચી રીતે ઓળખવા હોય તો ઊર્જાપુરૂષ કહેવાય. તેમને રુંવે રુંવે ઊર્જાના જ્વાળામુખી હતા. એટલે કોઈની સાથે એમને ગોઠતું ન હતું. નોનકન્ફર્મીસ્ટ હતા.’ તેમનાં લઘરવઘર કપડાંની વાત કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘મુનશી અને ઇન્દુલાલ બન્ને ટોપી પહેરતા. ઇન્દુલાલની ટોપી મારા ખ્યાલ પ્રમાણે ગાંધી ટોપી ન હતી. તેનો રંગ સફેદ અને ક્રીમની વચ્ચેનો કોઇ રંગ. મુનશીની ટોપીની આગળની ચાંચ એવી અણીદાર કે આંખમાં વાગે તો આંખ ફૂટી જાય, જ્યારે ઇન્દુલાલની ટોપીની આગળના ભાગમાં ગડીઓ પડેલી હોય.’ આયર્લેન્ડની મુક્તિચળવળમાં ઇન્દુલાલની સહભાગીતા યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘તેમનું વૈશ્વિકીકરણ સંવેદનાથી ધગધગતું હતું. તેમાં વૈશ્વિકતાનો વિલાસ ન હતો.’

ઇન્દુલાલ સાથેના અંગત પરિચય અંગે તેમણે કહ્યું કે ‘મેં કદી ઇન્દુલાલની સામે આંખમાં આંખ મેળવીને જોયું નથી. પણ મારા માટે એ ગુરૂ દ્રોણ જેવા હતા. એકલવ્ય બનીને હું એમની વાક્ સિદ્ધિ પામ્યો. પૈસા કમાવાની એમની પ્રકૃતિ ન હતી. મારું પણ એવું જ હતું. એ બધું હું પરોક્ષ રીતે પામ્યો. એટલે ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન મારા જેવાના હાથે થાય એ અદભૂત લહાવો છે. ઇન્દુલાલના વિરાટ વ્યક્તિત્વ આગળ આપણે સૌ ચરણરજ જેવા છીએ. મને આ જવાબદારી સોંપી એટલે ‘જર્રે કો આફ્તાબ બના દીયા’ એવું લાગે છે. આ જવાબદારી મને સોંપીને સનતભાઇ અને આયોજકોએ સાત જનમમાં પણ ન પૂરું થાય એવું ઋણ ચડાવ્યું છે. તેનો હું નતમસ્તકે સ્વીકાર કરું છું.’

અંતે ‘ઇન્દુલાલના સમયમાં હતા એના કરતાં પણ અત્યારે દેશ-કાળ વધારે વિષમ છે. એટલે ઇન્દુલાલના પુનઃપ્રાગટ્ય દ્વારા તેમની સાથે મનોમય અનુસંધાન કેળવી શકીએ તો બહુ મોટી ઉપલબ્ધિ ગણાય.’ એમ કહીને ભગવતીભાઇએ પ્રવચન સમાપ્ત કર્યું.

‘વિચારવલોણું’ના સંપાદકમંડળના સભ્ય નિરંજન શાહે માધવસિંહ સોલંકીનું લખેલું પ્રવચન વાંચ્યું. ‘દાદાનું ઋણ’ એવું શીર્ષક ધરાવતા એ લખાણમાં ઇન્દુલાલની આર્થિક મદદથી પોતે ભણ્યા અને તેમની સાથે કામ કરીને તેમની જ ભલામણથી ઇન્દ્રવદન ઠાકોરના ‘ગુજરાત સમાચાર’માં જોડાઇને પત્રકાર બન્યા, તે ભારે કૃતજ્ઞતાપૂર્વક માધવસિંહે યાદ કર્યું છે. એ લખાણનો કેટલોક અંશ માધવસિંહના જ હસ્તાક્ષરમાં અહીં મૂક્યો છે.

first & last page of Madhavsinh Solanki's written tribute to Indulal Yagnik



છેલ્લે 87 વર્ષના સનતભાઇએ પણ સરસ પ્રવચન કર્યું. આરંભે તેમણે કહ્યું કે ગુજરાતની સુવર્ણજયંતિ પ્રસંગે તેમની બે ઇચ્છાઓ હતીઃ ઇન્દુલાલની આત્મકથા ફરી પ્રગટ થાય અને અમદાવાદમાં ઇન્દુલાલની 9 ફૂટની કાંસ્યપ્રતિમા મુકાય. ‘કાંતિભાઇ પટેલે બનાવેલી (લાલ દરવાજાવાળી) ઇન્દુલાલની પ્રતિમા સારી છે, પણ ઇન્દુલાલનું વિરલ વ્યક્તિત્વ તેમાંથી બહાર નથી આવતું’ એમ કહીને સનતભાઇએ કહ્યું કે પ્રતિમા માટે અમદાવાદ કોર્પોરેશન પાસે મેં જગ્યાની માગણી કરી ત્યારે સાહેબના સાહેબ (મુખ્ય મંત્રી) તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ‘લાલ દરવાજા એક તો મૂક્યું છે. પછી કેટલાં પૂતળાં હોય?’

સનતભાઇએ ઇન્દુલાલ સાથે વડોદરાનાં ઠકરાતી ગામોમાં ખેડૂતો વચ્ચે ઘણું કામ કર્યું હતું, તેના અનુભવ યાદ કર્યા. ‘પ્રતાપનગરથી સવારની ગાડી પકડીને અમે નસવાડી જઇએ. નસવાડી સ્ટેશન વેરાન. સ્ટોલ કે કંઇ જ ન મળે. ક્યારેક સામે ગાડું લેવા આવ્યું હોય. અને એ ન હોય તો અમે ચાલી નાખીએ. ઠાકોરોનાં ગામ અને ઇન્દુલાલ ત્યાં જઇને ખેડૂતોને કહે કે ‘આ જમીન કંઇ ઠાકોરોના બાપની નથી.’ એટલે એ લોકો અમારી સભા થવા ન દે. મિટિંગ તોડી નાખે. એટલે નદીકાંઠે કે એવી કોઇ જગ્યાએ 500-600 ખેડૂતો ભેગા થાય. સભા પૂરી થયા પછી પાછા નસવાડી આવીએ. અમારી સાથે વિષ્ણુભાઇ નામના એક કાર્યકર હોય. એ અડધી ચડ્ડી પહેરે. ઇન્દુચાચા એમને કહે, ‘અલ્યા બામણ, કંઇ ભજયાંબજીયાં મળતાં હોય તો જો.’ વિષ્ણુભાઇ તપાસ કરે અને ન મળે તો ‘ચાલ ત્યારે’ એમ કહીને પાછા નસવાડી અને રાત્રે વડોદરા.’

સનતભાઇ કહે, ‘લડાઇમાં જીતવાની કોઇ આશા નહીં, પણ ખેડૂતો જુએ એટલે ઇન્દુચાચા ગાંડા થઇ જાય. કહે, આ જ મારા માણસો છે. મહાગુજરાતની ચળવળમાં એમને નજીકથી જોયા. એમણે અમદાવાદમાં નેહરુની સભાની સમાંતર સભા બોલાવવાની વાત કરી ત્યારે કોઇ સંમત ન હતું. પણ સભા થઇ અને બીજા દિવસે છાપાંએ લખ્યું કે ઇન્દુલાલની સભા નેહરુની સભા કરતાં મોટી હતી. એ દિવસથી જ મહાગુજરાત નક્કી થઇ ગયું હતું. (એક સ્પષ્ટતાઃ ઘણા લોકો ઉત્સાહમાં આવીને એવું કહી બેસે છે કે નેહરુની સભામાં કાગડા ઉડતા હતા. પણ એ સાચું નથી. નેહરુની સભામાં મોટી સંખ્યામાં હાજરી હતી, પણ ઇન્દુલાલની સભા કરતાં ઓછી.)

મહાગુજરાત જાહેર થયા પછી વિજયસભા થઇ ત્યારે અમારા પર ચિઠ્ઠીઓ આવતી હતી કે કોણ કયા ખાતાનો મંત્રી બનશે. ઇન્દુચાચાએ એવી ચિઠ્ઠીઓ જોઇ એટલે કહ્યું, ‘જુઓ ભાઇ, અહીં બેઠા છે એમાંથી કોઇ મંત્રી બનવાના નથી. આપણું કામ પૂરું થયું.’ કેટલાક નેતાઓએ મહારાષ્ટ્રની સામે નવા રાજ્યનું નામ ‘મહાગુજરાત’ હોવું જોઇએ એવો આગ્રહ રાખ્યો ત્યારે ઇન્દુચાચાએ જ તેમને સમજાવ્યા હતા કે ‘ગુજરાત એ જ મહાગુજરાત.’

સનતભાઇએ નિખાલસતાથી કહ્યું, ‘ઇન્દુલાલ ન હોત તો મહાગુજરાત આવત જ નહીં. મહાગુજરાત આવ્યા પછી અમે બધા બદલાયા, પણ એ ન બદલાયા.’ ‘એક વાર ઇન્દુચાચાને અમે (રૂપાલી સિનેમા પાસે આવેલી) બાંકુરા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા. (દૂરદર્શનનાં મિત્ર રૂપાબહેન મહેતાના પપ્પા- અને ‘નવનિર્માણ’ ફેઇમ મનિષી જાનીના સસરા-ની એ રેસ્ટોરાં સનતભાઇની પ્રિય બેઠક હતી.) વિદ્યુત સ્કૂટર ચલાવે. ચાચા પાછળ બેઠેલા. એ રસ્તામાં બૂમો પાડ્યા કરે, ‘એ જો પેલો આવે છે.’ ચાચાને જંપ ન વળે. પછી ‘બાંકુરા’માં બેઠા. એ વેસ્ટર્ન સ્ટાઇલની રેસ્ટોરાં. ડીશો મુકાઇ. પછી થોડું થોડું જમવાનું આવે. એટલે ચાચા બગડ્યા. કહે, ‘આ તો આટલું આટલું જ મૂકે છે. વધારે આપતો જ નથી. મારે તો થાળી જોઇએ.’ પછી અમે એમને થાળીવાળા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા.’

ઇન્દુલાલાના ભાષાવૈભવ વિશે સનતભાઇ કહે, ‘આવી પ્રાણવાન રીતે કોઇ બોલી શકતો હોય એ મેં જોયું નથી.’ (ગાંધીયુગમાં આ અંજલિ સરદાર પટેલને અપાતી હતી) તેમણે પણ ભગવતીભાઇની જેમ યશવંતરાવ ચવ્હાણને યાદ કર્યા અને કહ્યું, ‘ઇન્દુલાલ એક જ વાક્યમાં સામેવાળાને ખલાસ કરી નાખે. યશવંતરાવ વિશે તેમણે કહ્યું, ‘યશવંતરાવ ચવ્હાણ...આ મોટો ભેંશના પોદળા જેવો...’ અને પછી લોકોને યશવંતરાવની વાત આવે ત્યારે ભેંશનો પોદળો જ દેખાય.

ઇન્દુલાલની આત્મકથાને ગાંધીજીની આત્મકથા કરતાં પણ વધારે પારદર્શક ગણાવતાં સનતભાઇએ કહ્યું, ‘આ આત્મકથા વાંચ્યા પછી કોઇ માણસની આત્મકથા લખવાની હિંમત ન થાય...ગાંધીજીએ બધી વાત કહી નથી, જ્યારે ઇન્દુલાલે એમની પત્નીને કરેલો અન્યાય અને પત્નીનો પત્ર સુદ્ધાં છાપવાની હિંમત બતાવી છે...આ આત્મકથા નહીં, પણ આર્કાઇવ્ઝ છે. આજથી પચીસ વર્ષ પછી કોઇને જાણવું હશે કે સો વર્ષ પહેલાં નડિયાદની ગલી કેવી હતી તો એ આ પુસ્તકમાંથી વાંચવા મળશે. ’

વર્તમાન રાજકારણના સંદર્ભમાં સનતભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ ફૂટપાથના માણસ હતા. આજે આપણે કહીએ તોય કોઇ માનતું નથી...આજના રાજકારણમાં એક દીવો લઇને જીવવું હોય તો એ દીવો છે ઇન્દુલાલ...ઘણા લોકો ઘણા દાવા કરે છે- સરદારના ને બીજા. પણ કોઇ ઇન્દુલાલ થવાનો દાવો કરતું નથી. ઇન્દુલાલા નીકળે તો રીક્ષાવાળા એમને પોતાની રીક્ષામાં બેસાડવા ખેંચાખેંચ કરે અને અમને જોઇને રીક્ષાવાળો નાસી જાય છે. કહે છે, ‘કોઇ નેતા લાગે છે. જવા દો.’

‘આ પુસ્તક ગાયબ થઇ જાય તેમાં સાહિત્યની, યુનિવર્સિટીની, કોલેજોની, રાજ્યની શોભા નથી’ એમ કહીને સનતભાઇએ કહ્યું હતું કે આ આવૃત્તિ પૂરી થઇ જાય તો અમે બીજી આવૃત્તિ કરીશું અને આ પુસ્તકનો સંક્ષેપ એક ભાગમાં પ્રગટ કરવાની પણ યોજના છે.’

કાર્યક્રમનું સંચાલન ડંકેશ ઓઝાએ કોઇ પણ જાતની વધારાની ખટપટ વિના કર્યું. (માધવસિંહ સોલંકીનું અહીં મુકાયેલું હસ્તલિખિત પ્રવચન પણ તેમની પાસેથી જ મળ્યું છે.)

‘ઇન્દુચાચાના દસ-બાર નજીકના માણસોમાંથી હું એકલો જ રહ્યો છું અને આ પુસ્તક પ્રગટ કરવાની મારી જવાબદારી હતી’ એવું કહેનાર સનતભાઇએ ભલે કહ્યું કે ‘હજુ અડધું જ કામ પૂરું થયું છે અને પ્રતિમાનું કામ બાકી છે.’ ઇન્દુચાચાનું બાવલું બને તો ઠીક, ન બને તો પણ ઠીક, તેમના જેવા લોકનેતાનું અસલી સ્મારક તેમની આત્મકથા છે- અને તે ઉપલબ્ધ બનતાં સનતભાઇ અને તેમના સાથીદારોએ અડધું નહીં, આખેઆખું કામ કર્યું છે. એ બદલ આ કામ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.

આત્મકથા ગુજરાતના બધા પ્રકાશકો પાસેથી મળી શકશે. તેની આરંભિક કિંમત રૂ.600 છે. ગઇ કાલ સુધી એ આ કિંમતે આપવામાં આવી હતી. ક્યાં સુધી એ કિંમત રહેશે તેનો ખ્યાલ નથી. પણ તેની મૂળ કિંમત રૂ.1,300 છે. પહેલી નજરે એ કદાચ વધારે લાગે, પણ આ પુસ્તક માટે તે બિલકુલ વધારે નથી.

('ફૂટપાથના માણસ' ઇન્દુલાલની આત્મકથાના સમારંભ પછી હોલની સામેની ફૂટપાથ પર પ્રકાશ ન. શાહ અને અમારી મિત્ર-મઝામંડળી અને બીજા કેટલાક મિત્રો, કેવળ એક-એક ચાનું સેવન કર્યા પછી)

આગળ ડાબેથીઃ પ્રણવ અધ્યારુ, (બેઠેલો) બિનીત મોદી, ઉર્વીશ, સંજય ભાવે, ઋતુલ જોશી. પાછળની હરોળમાઃ ઉમેશ સોલંકી, યોગેન્દુ ચૌહાણ, ચંદુ મહેરિયા, તેમની પાછળ કિરણ કાપુરે, મણિલાલ પટેલ, નયનાબહેન શાહ, પ્રકાશભાઇ શાહ, કેતન રૂપેરા, આશિષ વશી

12 comments:

  1. Binit Modi (Ahmedabad)4:32:00 PM

    આત્મકથાના વિમોચન સમયે પ્રેસ ફોટોગ્રાફરોની સગવડ સચવાય – એક ફ્રેમમાં અવાય તે હેતુથી પ્રકાશ ન. શાહે ભગવતીભાઈને વિનંતી કરતા કહ્યું કે સહેજ જમણી તરફ આવો. વિમોચન થઈ ગયું – ફોટો પણ પડી ગયો. એ પછી પ્રકાશભાઈએ ભગવતીભાઈને કહ્યું, સોરી, ‘મારે તમને આ કાર્યક્રમમાં જમણી તરફ આવવાનું કહેવું પડ્યું.’ (પ્રકાશભાઈની હળવાશ જમણેરી વિચારધારાના સંદર્ભમાં)

    ReplyDelete
  2. Salil Dalal (Toronto)7:38:00 PM

    ઇન્દુચાચા અને સનતભાઇ એ બન્નેનો વડોદરાના તે દિવસોના અમારા જેવા યુવાનો ઉપર કેવો પ્રભાવ? ૧૯૬૭માં સનતભાઇ રાવપુરામાંથી પ્રજા સમાજવાદી પક્ષના ઉમેદવાર. તેમના ભાષણનો પ્રભાવ એવો જબરજ્સ્ત કે જ્યાં એમની સભા હોય ત્યાં પહોંચી જવાનું. તે વરસ મેટ્રીક એટલે કે એસ.એસ.સી.ની પરીક્ષાનું અને ચૂંટણી તથા પરીક્ષા બન્ને લગભગ સમાંતર સમયે. ત્યારે પરીક્ષાની તૈયારીના ભોગે પણ સનતભાઇના નિશાન ‘ઝૂંપડી’ના બિલ્લા લગાવી વગર હુકમે દોડાદોડી કરતા અમારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓ હતા!
    છેવટે સનત મહેતા જીત્યા અને પછી વિધાનસભાની કાર્યવાહીમાં લગભગ રોજે રોજ તેમનું તથા રાજકોટના અપક્ષ મનોહરસિંહજી જાડેજાનું નામ છાપાંમાં આવે એ વાંચીને અમને જે ગર્વ થતો તેમાં એસ.એસ. સી.ના ઓછા ટકાનો અફસોસ ઓછો થઇ જતો. (કોઇએ સનતભાઇની એ સમયની વિધાનસભાની કામગીરીનું દસ્તાવેજીકરણ કરવું જોઇએ.... જો ઓલરેડી ના થયું હોય તો. મારી જાણકારીમાં વિપક્ષના એટલા જાગ્રત વિધાનસભ્ય ગુજરાતની વિધાનસભાએ બીજા જોયા-સાંભળ્યા નથી.) તેમને વડોદરા સુધરાઇ (નગરપાલિકા)ની કાર્યવાહીમાં પણ વિપક્ષના નેતા તરીકે સાંભળવા જવાનું વ્યસન જેવું થયું હતું. વરસો પછી એક અધિકારી તરીકે વડોદરા ‘સ્પીપા’માં નિમણુંક થઇ ત્યારે ડંકેશ ઓઝાના નિમંત્રણને પગલે સનતભાઇને રૂબરૂ મળવાનું શક્ય બન્યું હતું.
    ઇન્દુચાચા જ્યુબીલી બાગમાં એક સભામાં બોલતા હતા અને તેમની “ભૂક્કા બોલાવી દો..” વાળી પ્રવચન શૈલીને પગલે જે જોમ આવી ગયું હતું અને પછી સભાસ્થળે થયેલી પોલિસની દંડાબાજી સામે થયેલો પથ્થરમારો... ! સુકુમારભાઇએ યાદ કરી છે એ ચૂંટણીમાં અમદાવાદ લોકસભાની બેઠક ઉપરથી સીંગચણા ફાકતા ફકીર ઇન્દુચાચા નગરશેઠ કહેવાય એવા જયકૃષ્ણ શેઠને હરાવે એ કેવી વિરલ ઘટના હતી એ તો તે સમયનો જુવાળ જોનાર જ કહી શકે. “ઓહ! ટુ બી યંગ એન્ડ ઇન ફ્રાન્સ”ની છટામાં કહેવાનું મન થાય એવા એ દિવસો હતા. તેના વિજયોત્સવની વડોદરામાં સભા હોય કે જનતા પર્રિષદે એક વરસે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં મેળવેલી લેન્ડસ્લાઇડ વિક્ટરી પછીની સભા હોય ઇન્દુચાચાનાં ભાષણોનો કોઇ જોટો નહીં.
    એવા ઇન્દુચાચાની આત્મકથાના પુનઃ પ્રકાશન પ્રસંગે ઉર્વીશ અને બિનીત વગેરે મિત્રોને ફોટામાં પણ એક સાથે ભેગા થયેલા અહીં કેનેડામાં બેઠા બેઠા જોયા અને એ સૌ સાથે છેલ્લે થયેલી મુલાકાતની સ્મૃતિ પણ તાજી થઇ ગઇ.
    થેંક્યુ ઉર્વીશ... આટલા વિગતવાર અહેવાલ બદલ. (અને હા, ભગવતીભાઇને સાંભળીએ તો જોડણી જ નહીં અનુસ્વારની પણ ભૂલ ના થાય. આમ તો અનુસ્વાર એ જોડણીનો જ એક હિસ્સો છે. પણ જે રીતે આડેધડ તેનો ઉપયોગ અત્યારે મોટાં અખબારોમાં થતો જોઇએ છીએ, ત્યારે એમ થાય કે એવડા મોટા તંત્રમાં કોઇ સંપાદકીય રણીધણી જ નહીં હોય? ક્યારેક તો ભુક્કા બોલાવી દેવાની ઇચ્છા થઇ જાય!!)

    ReplyDelete
  3. Anonymous10:14:00 PM

    ગ્રૂપ ફોટો જોઈને મજ્જા પડી :)

    લેખ તો રસપ્રદ હોય જ (એ કાંઈ કહેવાનું થોડું હોય !!)

    - Tushar Acharya

    ReplyDelete
  4. Anonymous11:03:00 PM

    ગુજરાતના રાજકીય મેદાન ના ૨ મહાન મહારથી, ઇન્દુ ચાચા અને માધવસિંહ સોલંકી રાજ્ય ના ઈતિહાસ તે બનેનો વિરોધાભાસ અનુભવ જરૂર યાદ કરશે.

    ૧ ગાંધીવાદી અને બીજાએ એક્ષ્પેરિમેન્ત થી કોન્ગ્રેસ્સ ને રકાસ અને રાજ્ય ને ફસીવાડીઓ(fascist) ના હાથ માં આપવામાં મહત્વ નો ફાળો આપ્યો છે.

    ReplyDelete
  5. Dhaivat Trivedi12:18:00 PM

    હાઈસ્કૂલમાં હતો ત્યારે ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીમાં પહેલી વખત ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો કોઈ એક ભાગ હાથે ચઢેલો. પુસ્તક તદ્દન જિર્ણ, પૂંઠાની હાલત સાબરમતી રિવર ફ્રન્ટના વિસ્થાપિતો જેવી અને અંદરના પાનાઓ ય વેરવિખેર. ત્યારે ઉપરછલ્લા પાના ઉથલાવ્યા તો એમાં તો ફિલ્મની ને એવી બધી વાતો હતી. મને થયું કે આ કોઈક બીજા ઈન્દુલાલ લાગે છે, યાર!
    પછી સમયાંતરે પહેલા, બીજા, ત્રીજા, ચોથા.. એમ અનેક આયામો પર પથરાયેલા ઈન્દુલાલોનો છુટકપુટક પરિચય થતો ગયો એમ એમ મારી તાજુબી વધતી ગઈ. હવે આત્મકથાના પુનઃપ્રાગ્ટ્ય પછી સર્વાંગ ઈન્દુલાલને પામી શકાશે.
    કાર્યક્રમમાં હાજર ન રહી શકવાનો વસવસો આ સ-તસવીર અહેવાલ વાંચીને દૂર થઈ ગયો. માધવસિંહના પ્રવચનના બાકીના પાનાં પણ મૂક્યાં હોત તો? ભગવતીકુમારને મુંબઈમાં સાંભળ્યા હતા ત્યારે મને પણ આવુ જ અનુભવાયુ હતું. સલીલભાઈની કોમેન્ટ એક સ્વતંત્રલેખ જેટલી માહિતીસભર અને રસપ્રદ લાગી. સનતભાઈની વિધાનસભા, સંસદની કામગીરી અને પ્રવચનોનું સંકલન થયું છે. તેમની ષષ્તિપૂર્તિ કે એવા કોઈ પ્રસંગે કૉઇ હસમુખભાઈએ (અટક યાદ નથી. ના, એ હસમુખ ઠક્કર ન હતા!!) સંકલન કર્યું હતું. મેં એ વડોદરાના મુક્તાનંદ ચોક પાસેના અગ્રવાલ પસ્તી ભંડારમાં જોયું હતું.
    તમારા સ્પોટ રિપોર્ટિંગની લાંબા સમયથી તાલાવેલી હતી, ઉર્વીશભાઈ. મજા પડી ગઈ.

    ReplyDelete
  6. Urvish bhai avi juj ghatni ghatna o no video/audio available hoy to share karsho.

    ReplyDelete
  7. Bharat.zala4:40:00 PM

    Urvisbhai.tamaro lekh vaanchyo,ne Induchacha viseno ek path bhanvama aavto,ae yad aavi gayu.'Maru Ekraarnamu' ae paathma aemne aemna patni kumudne je pida pahochandeli,aeni lagnisabhar kabulaat kareli.ae sache j oliya hata,fakir hata.aava manaso j gujaratni sachi olakh chhe.

    ReplyDelete
  8. Anonymous10:07:00 PM

    દસમા કે નવમા ધોરણ મા ( ૧૯૮૩) ગુજરાતી વાચનમાળા મા " કુમાર ની શિક્ષણ સાધના" ( બરાબર યાદ નથી) ઇન્દુચાચા ની આત્મકથા માથી ભણવા મા આવતો હતો.સદભાગ્યે નડીયાદ ની જિલ્લા પંચાયત ના પુસ્તકલાય મા થી ચાર ભાગ વાંચવા નુ સદભાગ્ય મલ્યુ હતુ.સનતભાઈ મહેતા ને ખુબજ અભિંનદન ઘટે છે.ગુજરાત મા કોંગ્રેસ ના લાંબા વનવાસ માટે માધવસિંહભાઈ નો ખુબજ મોટો ફાળો છે તે ગમે કે ના ગમે તેવી હકિકત છે.૧૯૮૫ થી આજદીન સુધી તેની અસર જોવા મળે છે. માધવસીંહ ભાઈ જેવા અનુભવી અને ઘડાયેલ માણસ ગુજરાત ની સામન્ય જનતા ને ઓળખવા મા થાપ ખઈ ગયા.

    નવી પેઢી ને ઇન્દુચાચા વીષે વધુ જાણ્વા નુ મલસે.નડીયાદ ના વતની તરિકે તેમનુ જોઈએ તેવુ સન્માન નથી થયુ તે જરુર થી ખટ્કે છે ( સંતરામ મંદીર ની બહાર કદાચ તેમનુ પૂતળૂ છે કે હતુ )

    -રાજન શાહ

    ReplyDelete
  9. This is so rich with information. Had a fantastic time reading it. Thanks Urvish.

    ReplyDelete
  10. amit delhi5:23:00 PM

    madhavsinh bhai ni atmakata male to maja ave."85 man villan rahela amni chhabi sudarvano abbhiyane jordar prayatna karelo. gujarat smachar sathe karkirdi sharu karnar madhav ane bhupat banne shakespereni tragedy sama rahya.ahiya rajkaran ane patrkartva ni adbhut bhel - sel chhe.

    ReplyDelete
  11. Anonymous6:40:00 PM

    may i know where to get these 4 parts of autobiography?

    ReplyDelete
    Replies
    1. it should be available with www.gujaratibookshelf.com or from gurjar prakashan (ahmedabad)

      Delete