Wednesday, June 29, 2011

(ચ્યુઇંગ) ‘ગમ’ કા ‘ફસાના’ કિસકો સુનાયેં

ઇંદિરા ગાંધીના કટોકટી કાળના સાથીદાર અને યુપીએ સરકારના કટોકટીભર્યા સમયગાળાના મંત્રી પ્રણવ મુખર્જીની કેબિનમાં ઠેકઠેકાણે ચ્યુઇંગ ગમ કે ટચૂકડાં રેકોર્ડર ચોંટાડાયેલાં હોવાનું બૂમરાણ ગયા અઠવાડિયે મચ્યું. દેશના નાણાં મંત્રી હોવાના નાતે ચ્યુઇંગ ગમ (પ્રચલિત બોલીમાં ‘ચિંગમ’) વહેંચવી એ પ્રણવ મુખર્જીની કામગીરીનો હિસ્સો છે. તેમના દ્વારા છૂટા હાથે વહેંચાતી જીડીપી, ગ્રોથ રેટ જેવી ચ્યુઇંગ ગમો ચાવવાથી દાંત અને દેશ મજબૂત થવાની ઉજળી આશા રહે છે. એકાદ સારી ચ્યુઇંગ ગમ કંપનીએ હજુ સુધી મુખર્જીમોશાયને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા નથી એ નવાઇની વાત છે. અગાઉના અવતારમાં પ્રણવ મુખર્જી ચુંગી (પાઇપ)થી ઓળખાતા હતા, પરંતુ તેમની ઓફિસમાં ચોંટાડાયેલી ચ્યુઇંગ ગમોના વિવાદ પછી, નવી પેઢી તેમને ચુંગીથી નહીં, પણ ચ્યુઇંગ ગમથી યાદ રાખે એવી શક્યતા વધારે છે.

પ્રણવ મુખર્જીની કેબિનમાં જાસૂસી થતી હતી કે નહીં એની અનંત ચર્ચામાં પડવાને બદલે, ધારો કે ત્યાં ખરેખર ટચૂકડાં રેકોર્ડર મુકાયેલાં હોત તો? અને એ જ રૂમમાં થોડા દિવસો પહેલાં યુપીએ સરકારની અગત્યની ખાનગી બેઠકો પણ થઇ હોત તો? કેવા સંવાદ તેમાં ઝીલાયા હોત તેની કાલ્પનિક ઝલકઃ

સોનિયા ગાંધીઃ આજે બધાને મોડી રાત્રે અને આ જગ્યાએ બોલાવવા પડ્યા છે. પણ છૂટકો ન હતો. બાબાનું આપણે શું કરવાનું છે?

દિગ્વિજયસિંઘઃ વડાપ્રધાન બનાવી દો. આમ ને આમ તો એ જીવનમાં ને રાજકારણમાં- બેય રીતે કોડભર્યો કુંવારો રહી જશે ને એનું પાપ અમને લાગશે.

ચિદમ્બરમઃ પાપના હિસાબો ના કાઢશો. ગણવા બેસીશું તો રાત આખી પૂરી થઇ જશે ને હિસાબ અધુરો રહેશે.

મનમોહનસિંઘઃ (ગણગણાટ જેવા અવાજે) બરાબર છે.

સોનિયા ગાંધીઃ (ઉંચા અવાજે) વોટ? ડોક્ટર શું વાત કરો છો તમે?

મનમોહનસિંઘઃ મેડમ, મેં તો દિગ્વિજયસિંઘની વાતમાં ટાપસી પૂરી હતી. હું ક્યારનો તૈયાર છું. તમે ઇશારો કરો એટલે બાબા માટે જગ્યા ખાલી કરી આપું. એમાં આટલું વિચારવાનું કેવું? અને અરધી રાત્રે ગુપ્ત બેઠક બોલાવવાની શી જરૂર? મેં તો જાહેરમાં કહેલું છે.

સોનિયા ગાંધીઃ અરે, પણ હું તો રાહુલબાબાની નહીં, રામદેવબાબાની વાત કરું છું.

પ્રણવ મુખર્જીઃ કેમ? એમને પણ વડાપ્રધાન બનવું છે?

કપિલ સિબ્બલઃ આમ તો એ ના પાડે છે, પણ એમને શીર્ષાસન કરતાં કેટલી વાર? સવાલ વડાપ્રધાનપદનો નથી. એ રામલીલા મેદાનમાં ઉપવાસ ચાલુ કરવાના છે.

ચિદમ્બરમઃ તો એમની પાસેથી કાર્યક્રમ પેટે મનોરંજન વેરાની આગોતરી વસૂલાતની નોટિસ કાઢો. વગર આસને સીધાદોર થઇ જશે.

રાહુલ ગાંધીઃ પણ આમાં મનોરંજન વેરો ક્યાં આવ્યો?

ચિદમ્બરમઃ (મનમાં) બાબાઓની આ જ તકલીફ છે (જાહેરમાં) બાબા ઉપવાસ કરશે, એટલે ટીવીવાળા ઉમટી પડશે અને ચોવીસે કલાક ટીવી પર બાબાના ઉપવાસ ને એમનો ઉપદેશ ચાલ્યા કરશે. આ બન્નેમાંથી લોકોને ભરપૂર મનોરંજન મળશે અને બાબાની ચેનલ સહિત બીજી ચેનલોને તગડી કમાણી થશે.

મનમોહનસિંઘઃ (ઉંડો શ્વાસ લઇને) અત્યારે બાબા સામે કોઇ પણ પગલાં લઇશું તો આપણું ખરાબ દેખાશે.

દિગ્વિજયસિંઘઃ ડોક્ટર, તમે બાબાની યોગશિબિરમાં બેઠા હો તેમ ઉંડા શ્વાસ લેવાનું પ્લીઝ બંધ કરો. આપણું ખરાબ એટલે કેટલું ખરાબ દેખાશે? સ્પેક્ટ્રમ કૌભાંડ ને કોમનવેલ્થ કૌભાંડ કરતાં પણ વધારે ખરાબ?

મનમોહનસિંઘ પ્રાર્થનાભરી નજરે સોનિયા ગાંધી સામે જુએ છે. જાણે કહેતા હોય, ‘આ દિગ્વિજયસિંઘને કંઇક કહો.’ પણ સોનિયા ગાંધી કપિલ સિબ્બલ તરફ જોઇને સવાલ કરે છે.

સોનિયા ગાંધીઃ શું લાગે છે? શું કરવું જોઇએ? શું કરી શકાય? શું થઇ શકે?

દિગ્વિજયસિંઘઃ વાહ. શું તમારી ભાષા પરની પકડ છે. હવે તમને સરસ રીતે બોલતાં આવડી ગયું છે. ખરેખર તો તમારે જ વડાપ્રધાન બની જવું જોઇએ.

પ્રણવ મુખર્જીઃ આપણે વડાપ્રધાન કોને બનાવવા એની નહીં, પણ બાબા રામદેવના ઉપવાસની જાહેરાતનું શું કરવું એની ચર્ચા કરવા ભેગા મળ્યા છીએ. મહેરબાની કરીને વાત આડા પાટે ચડાવશો નહીં.

દિગ્વિજયસિંઘઃ આડા પાટે જનારાં રેલવે મંત્રી હવે બંગાળના મુખ્ય મંત્રી થઇ ગયાં. તમે થોડી વધારે મહેનત કરી હોત અને આપણી વધારે બેઠકો આવી હોત તો એમની જગ્યાએ તમે મુખ્ય મંત્રી થયા હોત.

આ વખતે મનમોહનસિંઘ- પ્રણવ મુખર્જીની સાથે બીજા થોડા નેતાઓ પણ સોનિયા ગાંધી સામ પ્રાર્થનાભરી નજરે જુએ છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે. એટલે તે બોલતા બંધ થાય છે.

સિબ્બલઃ મારી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. આઇ.આઇ.એમ. ને આઇ.આઇ.ટી.ના અધ્યાપકોને ન આવે એવો.

પ્રણવ મુખર્જીઃ એમ ના કહેતા કે બાબા રામદેવની ધરપકડ કરી લો.

સિબ્બલઃ ઓહ નો. તમને કેવી રીતે ખબર પડી ગઇ? તમે પરદેશમાં ભણેલા છો?

સોનિયા ગાંધીઃ એ ભણેલા ગમે ત્યાં હશે, પણ મારાં સાસુમા સાથે ‘ગણેલા’ છે... કોઇ નક્કર, અમલમાં મૂકી શકાય એવી યોજના વિચારો.

સિબ્બલઃ મારી જોડે બીજો આઇડીયા તૈયાર જ છે. બાબાને આવતી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ આપી દો.

પ્રણવ મુખર્જીઃ આ કેસ ટિકિટથી પતે એવો લાગતો નથી અને આપણે સહેજ પણ ચૂક કરીશું તો આપણી સરકારની ટિકિટ ફાટી જશે.

સિબ્બલઃ તો ત્રીજો આઇડીયા...અન્ના હઝારેને જ બાબા રામદેવનું શું કરવું એ પૂછી જોઇએ તો?

સોનિયા ગાંધીઃ હવે ચોથો આઇડીયા ન આપતા. નહીંતર મને પાંચમો આઇડીયા તમારું શું કરવું એ વિશેનો આવશે... બાબા દિલ્હી કેવી રીતે આવવાના છે? યૌગિક શક્તિઓથી ઉડીને કે કમર્શિયલ ફ્લાઇટમાં?

દિગ્વિજયસિંઘઃ ચાર્ટર પ્લેનમાં.

સોનિયા ગાંધીઃ ફાઇન. તો ચાર મંત્રીઓ એમને એરપોર્ટ લેવા જાવ. સિબ્બલ, તમે ખાસ જજો. તમારી પાસે બહુ આઇડીયા છે અને પ્રણવદા, તમે સિબ્બલના આઇડીયા કાબૂમાં રાખવા માટે...

મનમોહનસિંઘઃ પણ ચચ્ચાર પ્રધાનો એરપોર્ટ જશે તો લોકો શું વિચારશે?

દિગ્વિજયસિંઘઃ એ જ કે ડોક્ટર બહુ નબળા વડાપ્રધાન છે... પણ મને નથી લાગતું કે એનાથી કંઇ ફરક પડે...

મનમોહનસિંઘઃ (સહેજ શરમાતાં) થેન્ક્સ.

દિગ્વિજયસિંઘઃ ...કારણ કે લોકો તો ક્યારના આવું માને છે. આપણને એનાથી કંઇ ફરક પડ્યો?

ફરી એક વાર મનમોહન સિંઘ સોનિયા ગાંધી સામે, સોનિયા રાહુલ સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે અને એ જ અવસ્થામાં મિટિંગ પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.

Monday, June 27, 2011

ડિજિટલ મ્યુઝિકના યુગમાં ‘થાળી’ - રેકોર્ડનું પુનરાગમન

કેટલીક યુગપ્રવર્તક અને યુગનો અંત આણનારી ઘટનાઓ ચૂપચાપ બની જતી હોય છે. ભારતમાં ૧૯૯૭માં ‘દિલ તો પાગલ હૈ’ની લોંગપ્લે (એલ.પી.) રેકોર્ડ બહાર પડી, તે સાથે એક યુગનો અંત આવ્યો. કારણ કે, ત્યાર પછી હિંદી ગીતોની એલ.પી.નું ઉત્પાદન સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું.

સંગીતમાં ઓડિયો કેસેટ અને ત્યાર પછી કોમ્પેક્ટ ડિસ્કનો જમાનો આવી ચૂક્યો હતો. ડિજિટલ મ્યુઝિકનો ચડતો સૂરજ હતો. એ સમયે કાળી, ચકચકતી, નાજુક અને ૧૨ ઇંચની એલ.પી. (લોંગ પ્લે રેકોર્ડ) તથા તેનાં અટપટાં પ્લેયરની માથાકૂટમાં કોણ પડે? એટલે જ, થોડા શોખીનોને બાદ કરતાં કોઇએ એલ.પી.ના અસ્ત વિશે આંસુ સાર્યાં નહીં.

લગભગ એકાદ દાયકો વીત્યા પછી, ફરી એક વાર, અંત જેટલી જ ચૂપકીદીથી, એલ.પી.ના યુગની નવેસરથી શરૂઆત થઇ. ઓક્ટોબર, ૨૦૧૦માં એ.આર.રહેમાનનું સંગીત ધરાવતી ફિલ્મ ‘જૂઠા હી સહી’ની સીડીની સાથોસાથ એચ.એમ.વી. (નવું નામ ‘સારેગમ’) એ તેની એલ.પી. પણ બજારમાં મૂકી. અલબત્ત, તેની ઊંચી કંિમત (રૂ.૫૯૯) પરથી ધારી શકાય કે એલ.પી.નો હેતુ કેવળ સંગીત પૂરતો મર્યાદિત ન હતો. તેમાં ફેશન-ટ્રેન્ડ-જૂની યાદો (નોસ્ટાલ્જિઆ) જેવા ભાવ ઉમેરાયા હતા અને તેણે એલ.પી.ના ભાવ પર અસર કરી હતી. ‘જૂઠા હી સહી’ પછી હિંદી ફિલ્મોની એલ.પી.નો સિલસિલો પતિયાલા હાઉસ, તીસમારખાં, દબંગ જેવી ફિલ્મો દ્વારા ચાલુ રહ્યો છે. એટલું જ નહીં, નવી એલ.પી.નું ઉત્પાદન બંધ થઇ ગયું એ ગાળામાં આવેલી લગાન, રંગ દે બસંતી, જોધા અકબર જેવી ફિલ્મોની પણ એલ.પી. બજારમાં મુકાઇ છે. એ જુદી વાત છે કે વેબસાઇટો પર આ એલ.પી.ના ભાવ સાંભળીને કાનમાં જુદી જાતનું (તમરાંનું) સંગીત સંભળાવા લાગે. કારણ કે તેમની કિંમત ૨૦ થી ૨૫ ડોલર વચ્ચે રાખવામાં આવી છે.

આઇ-પોડ અને ટચૂકડાં એમપી-૩ મ્યુઝિક પ્લેયરના જમાનામાં ‘વિનાઇલ’ તરીકે ઓળખાતી એલ.પી. અને ‘ટર્નટેબલ’ તરીકે જાણીતાં તેનાં પ્લેયરનો યુગ પાછો આવે, તે આશ્ચર્યજનક ગણાય. કારણ કે ઓછામાં ઓછી કડાકૂટ સાથે સાંભળી શકાય અને તેનો જથ્થો સાથે લઇને હરીફરી શકાય એવા ડિજિટલ મ્યુઝિકની સરખામણીમાં એલ.પી. સાંભળવાનું કામ ધીરજ માગી લે એવું છે. એલ.પી. સાંભળતી વખતે ‘ઇન્સ્ટન્ટ’ શબ્દ ભૂલીને મનમાં નિરાંતનો ભાવ ધારણ કરવો પડે. કારણ કે બન્ને બાજુ કાળી સપાટી પર આંકા/ગ્રુવ્ઝ ધરાવતી એલ.પી.ને કવરમાંથી બહાર કાઢવાથી માંડીને તેમાંથી સંગીત રેલાતું થાય ત્યાં સુધીના જુદા જુદા તબક્કા છે.

મોટા ચોરસ અને મોટે ભાગે આકર્ષક ડીઝાઇન ધરાવતા પૂંઠાના કવરમાં પારદર્શક આવરણમાં એલ.પી. વીંટળાયેલી હોય છે. એલ.પી.ને જાળવીને, કપડાના સુંવાળા કટકા વડે પકડીને કવરમાંથી બહાર કાઢવી, તેની મુખ્ય કાળી આંકાદાર સપાટી પર આંગળાંની છાપ ન પડે એ રીતે તેને એક છેડે કટકાથી પકડવી, બીજો છેડો છાતી પર ટેકવીને, મઘુબાલા પર પીછું ફેરવતા દિલીપકુમારની નજાકતથી એલ.પી.ની સપાટી પર કટકો ફેરવવો અને રજોટી હોય તો સાફ કરવી, પછી તેને બે છેડેથી પકડીને હળવેકથી ટર્નટેબલ પર મુકવી, પ્લેયર ઓન કર્યા પછી રેકોર્ડ સાથે ટર્નટેબલ મિનીટના ૩૩ ૧/૩ આંટાની ગતિએ ફરવા લાગે, એટલે બાજુ પર રહેલો પીનવાળો દાંડો રેકોર્ડની બહારની ધારની બરાબર ઉપર લઇ જવો અને ધીમે રહીને લીવર નીચું કરવું- એ સાથે જ હળવી ચરચરાટી સાથે પીન કાળી રેકોર્ડ પર લાંગરશે અને સંગીત ગુંજી ઉઠશે.

ઓડિયો કેસેટમાં જે સુવિધા ન હતી અને સીડીના યુગ પછી જે ‘સુવિધા’ મટીને આવશ્યકતા બની ગઇ છે, તે ‘નેક્સ્ટ’ ગીત સાંભળવાની વ્યવસ્થા એલ.પી.માં હોય છે. તેની કાળી સપાટી પર દરેક ગીતની શરૂઆત એક જાડા આંકા વડે દર્શાવાય છે. એક બાજુ પર લગભગ પચીસ-સત્યાવીસ મિનીટનું રેકોર્ડિંગ ધરાવતી એલ.પી.માં કોઇ ચોક્કસ ગીત સાંભળવું હોય, તો પીન સીધી એ ગીતના આંકા પર મૂકવાથી, મનપસંદ ગીત સાંભળી શકાય.

મલ્ટીટાસ્કિંગના જમાનામાં ફક્ત સંગીત સાંભળવા માટે એલ.પી. મુકવાનું કેટલું અનુકૂળ પડે એ એક સવાલ છે. ટર્નટેબલનું સંચાલન પોતાની જગ્યા પર બેઠાં બેઠાં રીમોટ કન્ટ્રોલથી થઇ શકતું નથી. તેના માટે સાત કામ પડતાં મુકીને તેની પાસે જવું પડે છે. એલ.પી. કાઢતી-મુકતી વખતે પણ ઉડઝુડ ચાલતી નથી. એવું થાય તો એલ.પી.ની સપાટી પર ઘસરકા પડી જાય અને વાગતી વખતે ત્યાં પીન અટકી જવાને કારણે, એટલો હિસ્સો ફરી ફરીને વાગ્યા કરે.

પણ અડચણની સામે મળતી મઝા નજરઅંદાજ કરવા જેવી નથી. કેટલાક સંગીતપ્રેમીઓ માને છે કે ડિજિટલ મ્યુઝિક ગમે તેટલું ઉત્તમ અને સ્વચ્છ હોય, પણ એલ.પી.માં એનલોગ સ્વરૂપે અંકિત થયેલું સંગીત હંમેશાં ચડિયાતું ગણાય. કારણ કે સંગીતના ડિજિટાઇઝેશનની પ્રક્રિયામાં તેની કેટલીક ફ્રિક્વન્સી પર સ્ટીમરોલર ફરી જાય છે. આ અભિપ્રાય સાથે બધા જાણકારો સંમત નથી. છતાં, એક વસ્તુ નિર્વિવાદ છે કે એલ.પી. પર સંગીત સાંભળવું એ એક જુદો અનુભવ છે. ઘણા સંગીતપ્રેમીઓને સી.ડી.ની સરખામણીએ એલ.પી. સાંભળવામાં અલગ પ્રકારના રોમાંચ અને ભાવસમૃદ્ધિનો અનુભવ થાય છે. શક્ય છે કે એ અનુભૂતિ ભૌતિક નહીં, પણ માનસિક હોઇ શકે. છતાં, તે અનુભૂતિ હોય છે એ નક્કી.

એલ.પી.ના પુનરાગમનની શરૂઆત અમેરિકામાં પાંચેક વર્ષ પહેલાં થઇ હતી. ‘વોલસ્ટ્રીટ જર્નલ’ના સપ્ટેમ્બર, ૨૦૦૮ના એક અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૦૬માં વિશ્વભરમાં એલ.પી.નું વેચાણ સાવ તળીયે બેઠું હતું, પરંતુ ૨૦૦૭માં તેમાં જોરદાર ઉછાળો આવ્યો- અને તેનું વેચાણ બમણું થઇ ગયું. ત્યાર પછી મ્યુઝિકના સ્ટોરમાં નવેસરથી એલ.પી. દેખા દેવા લાગી. નવાં આલ્બમ એલ.પી. સ્વરૂપે બહાર પડવાં લાગ્યાં. ઇન્ટરનેટ પર ‘એમેઝોન’ જેવી વેબસાઇટ પર જૂની એલ.પી.ની સાથોસાથ નવી એલ.પી.નું વેચાણ શરૂ થયું અને જોર પકડવા લાગ્યું. ભારતમાં જૂની અને જાણીતી એચ.એમ.વી.એ કોલકાતાની ડમડમ ફેક્ટરીમાં એલ.પી.નું ઉત્પાદન બંધ કરી દીઘું હતું, પરંતુ હવે તે પોતાની હોલેન્ડ ફેક્ટરીમાં હિંદી ફિલ્મોનાં કેટલાંક ટાઇટલની એલ.પી. બનાવીને ભારતમાં વેચે છે.

ભારતનાં મોટાં શહેરોમાં જાણીતા મ્યુઝિક સ્ટોર અને બુક સ્ટોરમાં એલ.પી.ના અલગ વિભાગ જોવા મળતા થયા છે. એલ.પી.નો યુગ આવે એટલે તેને વગાડવા માટેનાં ટર્નટેબલ પાછળ રહે? અત્યાર સુધી સંગીતશોખીનો-સંગ્રાહકો પૂરુતું રહેલું સેકન્ડહેન્ડ એલ.પી.નું બજાર જેરાડ, સોનોડાઇન, ફિલિપ્સ જેવી કંપનીઓનાં જૂનાં પ્લેયર પર નભતું હતું, પરંતુ એલ.પી.ના પુનરાગમન પછી નવેસરથી રેકોર્ડ પ્લેયર બનવાં શરૂ થયાં છે. ‘લેન્કો’ જેવી કંપનીએ આઠ-દસ હજારથી પચીસ-ત્રીસ હજારની કિંમત સુધીનાં રેકોર્ડ પ્લેયર બજારમાં મુક્યાં છે, જે ઇન્ટરનેટ દ્વારા સહેલાઇથી મેળવી શકાય છે. કેટલાંક રેકોર્ડ પ્લેયરમાં એલ.પી. ઉપરાંત કમ્પ્યુટર યુગના પ્રતીક જેવું યુએસબી કનેક્શન અને એએમ-એફએમ રેડિયો જેવી સુવિધા પણ હોય છે. મ્યુઝિક કંપનીઓને એલ.પી.માં રસ પડવાનું (તેની ઊંચી કિંમત સિવાયનું) એક કારણ એ પણ છે કે એલ.પી.નું મ્યુઝિક એક બટન દબાવીને સહેલાઇથી અને પરબારું ડાઉનલોડ થઇ શકતું નથી. એટલે સંગીતની ચાંચિયાગીરી/પાયરસીનો પ્રશ્ન એલ.પી. પૂરતો હળવો બને છે.

એલ.પી.નો માંડ દસકા પહેલાં અસ્ત પામેલો મનાતો યુગ ફરી શરૂ થયો, તેનાથી ડિજિટલ મ્યુઝિકનો અંત આવી જશે એવું માનવાની જરૂર નથી. પરંતુ એલ.પી. સાંભળવાની વૃત્તિ, ફુરસદ, ધીરજ કે જિજ્ઞાસા ધરાવતા લોકોને, ચુનંદા સંગ્રાહકો સમક્ષ ભાઇબાપા કર્યા વિના, બજારમાંથી અને બજારભાવે એલ.પી. મળતી થાય, એ નાની વાત નથી.

Sunday, June 26, 2011

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનો અખંડ પુનરાવતારઃ ગુજરાતનું એક મહેણું ટળ્યું

L to R : Prakash N. Shah, Sanat Maheta, Bhagavatikumar Sharma (pic: Binit Modi)

Stage view

‘વાંચે ગુજરાત’ ની સરકારી ઝુંબેશમાં થવા જેવું અને ન થયેલું કામ હતું- કેટલાંક ઉત્તમ છતાં કેવળ બેકાળજીથી અપ્રાપ્ય બનેલાં ગુજરાતી પુસ્તકોનું પુનઃપ્રકાશન. તેમાં સૌથી મોખરે આવતું પુસ્તક હતું ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છ ભાગ. આમ તો, એ કામ સરકારનું નથી, પણ સરકારે ‘વાંચે ગુજરાત’ અને ‘સ્વર્ણીમ ગુજરાત’ જેવી ઝુંબેશો અંતર્ગત ભરપૂર માઇલેજ લેવાની કોશિશ કરી એટલા પૂરતો એની સામે ધોખો કરવાનો થાય. બાકી, મૂળ જવાબદારી અને દોષ સાહિત્યિક સંસ્થાઓ અને સમાજનો, જ્યાં ગુજરાતની અસ્મિતાનાં આટલાં બણગાં ફૂંકનારા ચીઅરલીડરો અને ‘ગુજરાતનું અપમાન’ની રાડારાડી કરનારી ‘રુદાલી’ઓ સક્રિય હોવા છતાં ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા વર્ષોથી ‘અપ્રાપ્ય’ અને ‘આઉટ ઓફ પ્રિન્ટ’ બની હતી.

ગઇ કાલે આખરે ગુજરાતનું એ મહેણું અને એ શરમ ભાંગ્યાં. સનત મહેતાનાં પત્ની અરૂણાબહેન મહેતાના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના ભાઇકાકા હોલમાં ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન થયું. ઇન્દુલાલની આત્મકથાના છ ભાગ હવે ચાર વોલ્યુમમાં ઉપલબ્ધ બન્યા છે. કાર્યક્રમની શરૂઆત ‘વી શેલ ઓવરકમ- હમ હોંગે કામયાબ’ ગીતથી થઇ. ત્યાર પછી ઇતિહાસના અધ્યાપક-સંશોધક રિઝવાન કાદરીએ ઇન્દુલાલના પૂર્વાશ્રમ વિશે અને તેમની રાજકીય પ્રવૃત્તિઓ વિશે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો પડદા પર બતાવીને પ્રવચન આપ્યું. દસ્તાવેજોમાં કશું જોઇ-વાંચી શકાતું ન હતું, પણ ડો.કાદરીના પ્રવચનમાં અનેક ઓછી જાણીતી વિગતોનો ખડકલો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમદાવાદમાં સંસારસુધારા હોલમાં ઘણી સભા-મિટિંગો થતી હતી એવો ઉલ્લેખ મળે છે, પણ એ સંસારસુધારા હોલ ક્યાં આવ્યો એ જાણવા મળ્યું નથી. કોઇને ખ્યાલ હોય તો જણાવે.

‘નિરીક્ષક’ તંત્રી પ્રકાશ ન.શાહે તેમના પ્રવચનમાં, સનતભાઇના શબ્દોમાં કહું તો, ‘કેનવાસ ખોલી આપ્યો.’ તેમણે ઇન્દુલાલ-મુન્શી-ગાંધીની વાત કરી. ગાંધી સાથેની બન્નેની પહેલી મુલાકાતમાં બન્નેને કેવી નિરાશા થઇ હતી અને પછી બન્ને કેવા આકર્ષાયા. ઇન્દુલાલના ગાંધીજી સાથેના ઉચકનીચક સંબંધો દરમિયાન પણ બન્નેને સાંકળતી કડી ‘પ્રતિલોમ તાદાત્મ્ય’ (સમાજના સૌથી નીચલા સ્તરના-છેવાડાના માણસ સાથેનું સંધાન) હતી, એવું પ્રકાશભાઇએ કહ્યું. ઇન્દુલાલ અને ગાંધીજીના કેટલાક પ્રસંગો પણ પ્રકાશભાઇએ તેમના બહોળા સંદર્ભભંડારમાંથી યાદ કર્યા. ગુજરાતમાંથી છૂટા પડ્યાનાં વર્ષો પછી 1944ની આસપાસ ગાંધીજી જૂહુમાં હતા અને મૌનવાર હતો ત્યારે ઇન્દુલાલ તેમને મળવા ગયા. ગાંધીજી એક નજરે તેમને ઓળખી શક્યા નહીં. પછી ઓળખાણ પડી એટલે ગાંધીજીએ ચબરખીમાં અસલ ગાંધીશાઇ સવાલ પાડ્યો, ‘હજુ કેટલા વેશ કાઢશો? મારા જેટલા?’ ઇંદુલાલ તેમની જિંદગીનાં પાછલાં વર્ષોમાં ગાંધીજી પ્રત્યે વધારે ભાવ અને વધારે માનસિક નિકટતા અનુભવતા હતા એવું પણ પ્રકાશભાઇએ કહ્યું.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુરતથી ભગવતીકુમાર શર્મા આવ્યા હતા. સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીભાઇએ સાહિત્યિક એસ્ટાબ્લીશમેન્ટના માણસને ન છાજે એવું- એટલે કે સરસ અને રસાળ- પ્રવચન કર્યું. તેમનું પ્રવચન સાંભળીને લાગ્યું કે બહુ વખતે શ-સ-ષના અલગ ઉચ્ચાર અને દીર્ઘ ઇ-ઊના ઉચ્ચાર સાંભળવા મળ્યા. ભગવતીભાઇ બોલે તેમ સાથે લખવાનું હોય તો જોડણીમાં બહુ ઓછી કે ભાગ્યે જ ભૂલ થાય એવું લાગ્યું. તેમણે અત્યંત સાહિત્યિક ભાષામાં – કેટલાક અઘરા શબ્દો અને કેટલીક વાર ગઝલકાર જેવા આરોહ-અવરોહ સાથે (કંઇક અંશે તરન્નુમમાં બોલતા હોય તેમ) વાત માંડી. ‘સિંગતેલના ડબ્બાના ભાવ વધે ત્યારે મનોમન અને તંત્રીલેખોમાં જેમને યાદ કરતો રહ્યો છું એવા માનનીય વડીલ સનતભાઇ, જેમને વાંચવા કરતાં સાંભળવા સરળ પડે છે, પણ સાચકલા લોકપ્રહરી મિત્ર પ્રકાશ ન. શાહ..’ એ રીતે તેમણે પ્રવચનની શરૂઆત કરી. માધવસિંહ સોલંકીનું કાર્ડમાં નામ હતું, પણ તે સમારંભમાં હાજર ન હતા. (સનતભાઇએ પોતાના પ્રવચનમાં તેમની તબિયતનું કારણ આપ્યું. જોકે, રાજકીય સક્રિયતાના દિવસોમાં સનતભાઇ અને માધવસિંહ વચ્ચેનાં સમીકરણો સારાં ન હતાં.)

ભગવતીભાઇએ ઇસુના રેસરેક્શન (પુનઃપ્રાગટ્ય)ને યાદ કરીને આત્મકથા દ્વારા ઇન્દુલાલનું પુનઃપ્રાગટ્ય થયું છે એમ કહ્યું. ‘ઇન્દુલાલને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ તેમનો અક્ષરરદેહ છે. હવે ઇન્દુલાલ આપણી વચ્ચે નથી એવી ફરિયાદ કરવાનું કોઇ કારણ નહીં રહે.’

ઇન્દુલાલ સાથે પોતાનું સંધાન યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ’1954ના અંત ભાગે ગુજરાતમિત્રના તંત્રીવિભાગમાં પ્રૂફરીડર તરીકે જોડાયો. જાહેરજીવનનું અવલોકન નહીં. પછીના દોઢ વર્ષમાં મહાગુજરાત આંદોલન ભભૂક્યું. મારી ઉંમર એ વખતે 22 વર્ષ. અમદાવાદમાં શહીદ થયેલા જુવાનો સાથે માનસિક વેવલેન્થ-વયજૂથનું બહુ સામ્ય. મારું રોમેરોમ ઝંકૃત થઇ ઉઠ્યું. સકળ ઝમીર યુવાનોની સાથે દોડી ગયું. ત્યારે ઇન્દુલાલની જે એન્ટ્રી થઇ એ તરૂણ વયના હૃદયને સ્વર્ગમાંથી ફરિશ્તો ઉતરી આવ્યો હોય એવી લાગી હતી. ઇન્દુલાલનું ‘અવતરણ’- આ જ શબ્દ હું વાપરીશ. શહીદો સાથે3 આત્મૈક્ય અનુભવતો હતો. એના માટે ઇન્દુલાલનું આગમન ‘અવતરણ’થી લગીરેય ઓછું નહીં. એ ક્ષણથી હું એમનો ભક્ત બન્યો.’

સુરતમાં મહાગુજરાત આંદોલનની અસર સાવ ઓછી હોવાનું જણાવીને ભગવતીભાઇએ કહ્યું કે ગુ.મિત્રની ઓફિસ નજીકના મેદાનમાં ઇન્દુલાલની સભા હતી ત્યારે સાવ પાંખી હાજરી હતી. પ્રમુખપદે જનસંઘના ડો.મોહનનાથ કેદારનથા દીક્ષિત હતા. ‘હું ત્યાં રીપોર્ટિંગ કરવા ગયો હતો, પણ આટલી હાજરીમાં રીપોર્ટિંગ તો શું કરું? ઇન્દુલાલના વાગ્વૈભવ- વાગ્ધારામાં ભીંજાવાનું જ યોગ્ય લાગ્યું. એક વક્તવ્યમાં આટલા વિવર્ત, સ્થિત્યંતરો, આરોહ-અવરોહ...’ પછી ‘જરા સુરુચિનો ભંગ થાય તો પણ’ એવી સ્પોઇલર એલર્ટ સાથે તેમણે કહ્યું, ‘દ્વિભાષી મુંબઇના મુખ્ય મંત્રી યશવંતરાવ ચવ્હાણ માટે ઇન્દુલાલે કહ્યું હતું, ‘પેલો પીળા ઘૂ જેવો ચૌહાણ..’ અને આવું બોલ્યા પછી પોતાની કલ્પનાના ગુજરાતનું વર્ણન કરતાં તેમની વાણી કવિત્વની સીમાએ પહોંચતી હતી.

‘પછી ઇન્દુલાલની સભામાં રીપોર્ટિંગ કરવાનું હોય કે ન હોય, હું પહોંચી જતો હતો. ઇન્દુલાલ ખરેખરા ફકીર હતા. અમારી ઓફિસે ચડી આવે. ખુરશીને બદલે ટેબલ પર બેસે. સહાયક તંત્રી બટુક દીક્ષિત તેમના જ્ઞાતિબંધુ. એમને કહે, ‘બે કપ ચા મંગાવ.’ પછી એમની તાજ છાપ સીગરેટ પીએ. સુરતમાં ઘણી વાર હું એમને રસ્તા પર ચાલતા જતા જોઉં. ખિસ્સામાં હાથ નાખીને સિંગચણા ખાતા જાય. અરૂણ પ્રિન્ટિંગ પ્રેસ ડાબેરી વિચારવાળાનો અડ્ડો ગણાતો હતા. એના માલિક ડાહ્યાભાઇ. ઇન્દુલાલ ત્યાં આવે અને આજ્ઞા કરે, ‘ડાહ્યા, મારા માટે ઘારી મંગાવ.’

ઇન્દુલાલ નડિયાદની સાક્ષરી નાગર પરંપરાના. પણ તેમનું મનોવલણ સુરતના નર્મદ-દુર્ગારામ મહેતા જેવા સુધારાવાદીઓ તરફ વધારે ઢળેલું. ભગવતીભાઇ કહે, ‘સુધારાનું મોજું સુરતથી અમદાવાદ પહોંચ્યું, પણ વચ્ચે નડિયાદ ચૂકાઇ ગયું. એ ભીંજાયું જ નહીં.’

ઇન્દુલાલના ઘડતરમાં તેમના સુધારાવાદી પિતાનો ફાળો (આત્મકથાના જ હવાલાથી) આપીને તેમણે કહ્યું, ‘ઇન્દુલાલ કનૈયાલાલના પુત્ર ન હોત તો કદાચ એ ઇન્દુલાલ ન થઇ શક્યા હોત.’ એક વાર ઇન્દુલાલે સાહિત્ય પરિષદની કાર્યવાહીમાં હાજરી આપી હતી, પણ તેની કાર્યવાહીથી એ સાવ નિરાશ થયા હતા. એમ જણાવીને પરિષદના વર્તમાન પ્રમુખ ભગવતીભાઇએ કહ્યું, ‘અત્યારે પણ લગભગ આ જ સ્થિતિ છે.) સાહિત્યને જીવાતા જીવન સાથે કશી લેવાદેવા નથી એ જોઇને ઇન્દુલાલ નિરાશ થયા હતા અને યુવાનોને સહભાગી બનાવવાની ભલામણમાં તેમને આશાની રેખાઓ દેખાઇ હતી.

ભગવતીભાઇએ કાવ્યાત્મક રીતે કહ્યું કે ‘ઇન્દુલાલ દસે દિશાના માણસ હતા. સહસ્ત્રબાહુ વડે તે દુનિયાને બાથમાં લેવા માગતા હતા.’ ‘આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને.’ એ શાહબાઝનો શેર ટાંકીને ભગવતીભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ બીજા ગગના શોધક હતા.’

‘ઇન્દુલાલના દિલનો રવરવતો અજંપો પ્રગટતો હતો. તેમને સાચી રીતે ઓળખવા હોય તો ઊર્જાપુરૂષ કહેવાય. તેમને રુંવે રુંવે ઊર્જાના જ્વાળામુખી હતા. એટલે કોઈની સાથે એમને ગોઠતું ન હતું. નોનકન્ફર્મીસ્ટ હતા.’ તેમનાં લઘરવઘર કપડાંની વાત કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘મુનશી અને ઇન્દુલાલ બન્ને ટોપી પહેરતા. ઇન્દુલાલની ટોપી મારા ખ્યાલ પ્રમાણે ગાંધી ટોપી ન હતી. તેનો રંગ સફેદ અને ક્રીમની વચ્ચેનો કોઇ રંગ. મુનશીની ટોપીની આગળની ચાંચ એવી અણીદાર કે આંખમાં વાગે તો આંખ ફૂટી જાય, જ્યારે ઇન્દુલાલની ટોપીની આગળના ભાગમાં ગડીઓ પડેલી હોય.’ આયર્લેન્ડની મુક્તિચળવળમાં ઇન્દુલાલની સહભાગીતા યાદ કરતાં ભગવતીભાઇએ કહ્યું, ‘તેમનું વૈશ્વિકીકરણ સંવેદનાથી ધગધગતું હતું. તેમાં વૈશ્વિકતાનો વિલાસ ન હતો.’

ઇન્દુલાલ સાથેના અંગત પરિચય અંગે તેમણે કહ્યું કે ‘મેં કદી ઇન્દુલાલની સામે આંખમાં આંખ મેળવીને જોયું નથી. પણ મારા માટે એ ગુરૂ દ્રોણ જેવા હતા. એકલવ્ય બનીને હું એમની વાક્ સિદ્ધિ પામ્યો. પૈસા કમાવાની એમની પ્રકૃતિ ન હતી. મારું પણ એવું જ હતું. એ બધું હું પરોક્ષ રીતે પામ્યો. એટલે ઇન્દુલાલની આત્મકથાનું પુનઃપ્રકાશન મારા જેવાના હાથે થાય એ અદભૂત લહાવો છે. ઇન્દુલાલના વિરાટ વ્યક્તિત્વ આગળ આપણે સૌ ચરણરજ જેવા છીએ. મને આ જવાબદારી સોંપી એટલે ‘જર્રે કો આફ્તાબ બના દીયા’ એવું લાગે છે. આ જવાબદારી મને સોંપીને સનતભાઇ અને આયોજકોએ સાત જનમમાં પણ ન પૂરું થાય એવું ઋણ ચડાવ્યું છે. તેનો હું નતમસ્તકે સ્વીકાર કરું છું.’

અંતે ‘ઇન્દુલાલના સમયમાં હતા એના કરતાં પણ અત્યારે દેશ-કાળ વધારે વિષમ છે. એટલે ઇન્દુલાલના પુનઃપ્રાગટ્ય દ્વારા તેમની સાથે મનોમય અનુસંધાન કેળવી શકીએ તો બહુ મોટી ઉપલબ્ધિ ગણાય.’ એમ કહીને ભગવતીભાઇએ પ્રવચન સમાપ્ત કર્યું.

‘વિચારવલોણું’ના સંપાદકમંડળના સભ્ય નિરંજન શાહે માધવસિંહ સોલંકીનું લખેલું પ્રવચન વાંચ્યું. ‘દાદાનું ઋણ’ એવું શીર્ષક ધરાવતા એ લખાણમાં ઇન્દુલાલની આર્થિક મદદથી પોતે ભણ્યા અને તેમની સાથે કામ કરીને તેમની જ ભલામણથી ઇન્દ્રવદન ઠાકોરના ‘ગુજરાત સમાચાર’માં જોડાઇને પત્રકાર બન્યા, તે ભારે કૃતજ્ઞતાપૂર્વક માધવસિંહે યાદ કર્યું છે. એ લખાણનો કેટલોક અંશ માધવસિંહના જ હસ્તાક્ષરમાં અહીં મૂક્યો છે.

first & last page of Madhavsinh Solanki's written tribute to Indulal Yagnik



છેલ્લે 87 વર્ષના સનતભાઇએ પણ સરસ પ્રવચન કર્યું. આરંભે તેમણે કહ્યું કે ગુજરાતની સુવર્ણજયંતિ પ્રસંગે તેમની બે ઇચ્છાઓ હતીઃ ઇન્દુલાલની આત્મકથા ફરી પ્રગટ થાય અને અમદાવાદમાં ઇન્દુલાલની 9 ફૂટની કાંસ્યપ્રતિમા મુકાય. ‘કાંતિભાઇ પટેલે બનાવેલી (લાલ દરવાજાવાળી) ઇન્દુલાલની પ્રતિમા સારી છે, પણ ઇન્દુલાલનું વિરલ વ્યક્તિત્વ તેમાંથી બહાર નથી આવતું’ એમ કહીને સનતભાઇએ કહ્યું કે પ્રતિમા માટે અમદાવાદ કોર્પોરેશન પાસે મેં જગ્યાની માગણી કરી ત્યારે સાહેબના સાહેબ (મુખ્ય મંત્રી) તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ‘લાલ દરવાજા એક તો મૂક્યું છે. પછી કેટલાં પૂતળાં હોય?’

સનતભાઇએ ઇન્દુલાલ સાથે વડોદરાનાં ઠકરાતી ગામોમાં ખેડૂતો વચ્ચે ઘણું કામ કર્યું હતું, તેના અનુભવ યાદ કર્યા. ‘પ્રતાપનગરથી સવારની ગાડી પકડીને અમે નસવાડી જઇએ. નસવાડી સ્ટેશન વેરાન. સ્ટોલ કે કંઇ જ ન મળે. ક્યારેક સામે ગાડું લેવા આવ્યું હોય. અને એ ન હોય તો અમે ચાલી નાખીએ. ઠાકોરોનાં ગામ અને ઇન્દુલાલ ત્યાં જઇને ખેડૂતોને કહે કે ‘આ જમીન કંઇ ઠાકોરોના બાપની નથી.’ એટલે એ લોકો અમારી સભા થવા ન દે. મિટિંગ તોડી નાખે. એટલે નદીકાંઠે કે એવી કોઇ જગ્યાએ 500-600 ખેડૂતો ભેગા થાય. સભા પૂરી થયા પછી પાછા નસવાડી આવીએ. અમારી સાથે વિષ્ણુભાઇ નામના એક કાર્યકર હોય. એ અડધી ચડ્ડી પહેરે. ઇન્દુચાચા એમને કહે, ‘અલ્યા બામણ, કંઇ ભજયાંબજીયાં મળતાં હોય તો જો.’ વિષ્ણુભાઇ તપાસ કરે અને ન મળે તો ‘ચાલ ત્યારે’ એમ કહીને પાછા નસવાડી અને રાત્રે વડોદરા.’

સનતભાઇ કહે, ‘લડાઇમાં જીતવાની કોઇ આશા નહીં, પણ ખેડૂતો જુએ એટલે ઇન્દુચાચા ગાંડા થઇ જાય. કહે, આ જ મારા માણસો છે. મહાગુજરાતની ચળવળમાં એમને નજીકથી જોયા. એમણે અમદાવાદમાં નેહરુની સભાની સમાંતર સભા બોલાવવાની વાત કરી ત્યારે કોઇ સંમત ન હતું. પણ સભા થઇ અને બીજા દિવસે છાપાંએ લખ્યું કે ઇન્દુલાલની સભા નેહરુની સભા કરતાં મોટી હતી. એ દિવસથી જ મહાગુજરાત નક્કી થઇ ગયું હતું. (એક સ્પષ્ટતાઃ ઘણા લોકો ઉત્સાહમાં આવીને એવું કહી બેસે છે કે નેહરુની સભામાં કાગડા ઉડતા હતા. પણ એ સાચું નથી. નેહરુની સભામાં મોટી સંખ્યામાં હાજરી હતી, પણ ઇન્દુલાલની સભા કરતાં ઓછી.)

મહાગુજરાત જાહેર થયા પછી વિજયસભા થઇ ત્યારે અમારા પર ચિઠ્ઠીઓ આવતી હતી કે કોણ કયા ખાતાનો મંત્રી બનશે. ઇન્દુચાચાએ એવી ચિઠ્ઠીઓ જોઇ એટલે કહ્યું, ‘જુઓ ભાઇ, અહીં બેઠા છે એમાંથી કોઇ મંત્રી બનવાના નથી. આપણું કામ પૂરું થયું.’ કેટલાક નેતાઓએ મહારાષ્ટ્રની સામે નવા રાજ્યનું નામ ‘મહાગુજરાત’ હોવું જોઇએ એવો આગ્રહ રાખ્યો ત્યારે ઇન્દુચાચાએ જ તેમને સમજાવ્યા હતા કે ‘ગુજરાત એ જ મહાગુજરાત.’

સનતભાઇએ નિખાલસતાથી કહ્યું, ‘ઇન્દુલાલ ન હોત તો મહાગુજરાત આવત જ નહીં. મહાગુજરાત આવ્યા પછી અમે બધા બદલાયા, પણ એ ન બદલાયા.’ ‘એક વાર ઇન્દુચાચાને અમે (રૂપાલી સિનેમા પાસે આવેલી) બાંકુરા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા. (દૂરદર્શનનાં મિત્ર રૂપાબહેન મહેતાના પપ્પા- અને ‘નવનિર્માણ’ ફેઇમ મનિષી જાનીના સસરા-ની એ રેસ્ટોરાં સનતભાઇની પ્રિય બેઠક હતી.) વિદ્યુત સ્કૂટર ચલાવે. ચાચા પાછળ બેઠેલા. એ રસ્તામાં બૂમો પાડ્યા કરે, ‘એ જો પેલો આવે છે.’ ચાચાને જંપ ન વળે. પછી ‘બાંકુરા’માં બેઠા. એ વેસ્ટર્ન સ્ટાઇલની રેસ્ટોરાં. ડીશો મુકાઇ. પછી થોડું થોડું જમવાનું આવે. એટલે ચાચા બગડ્યા. કહે, ‘આ તો આટલું આટલું જ મૂકે છે. વધારે આપતો જ નથી. મારે તો થાળી જોઇએ.’ પછી અમે એમને થાળીવાળા રેસ્ટોરાંમાં જમવા લઇ ગયા.’

ઇન્દુલાલાના ભાષાવૈભવ વિશે સનતભાઇ કહે, ‘આવી પ્રાણવાન રીતે કોઇ બોલી શકતો હોય એ મેં જોયું નથી.’ (ગાંધીયુગમાં આ અંજલિ સરદાર પટેલને અપાતી હતી) તેમણે પણ ભગવતીભાઇની જેમ યશવંતરાવ ચવ્હાણને યાદ કર્યા અને કહ્યું, ‘ઇન્દુલાલ એક જ વાક્યમાં સામેવાળાને ખલાસ કરી નાખે. યશવંતરાવ વિશે તેમણે કહ્યું, ‘યશવંતરાવ ચવ્હાણ...આ મોટો ભેંશના પોદળા જેવો...’ અને પછી લોકોને યશવંતરાવની વાત આવે ત્યારે ભેંશનો પોદળો જ દેખાય.

ઇન્દુલાલની આત્મકથાને ગાંધીજીની આત્મકથા કરતાં પણ વધારે પારદર્શક ગણાવતાં સનતભાઇએ કહ્યું, ‘આ આત્મકથા વાંચ્યા પછી કોઇ માણસની આત્મકથા લખવાની હિંમત ન થાય...ગાંધીજીએ બધી વાત કહી નથી, જ્યારે ઇન્દુલાલે એમની પત્નીને કરેલો અન્યાય અને પત્નીનો પત્ર સુદ્ધાં છાપવાની હિંમત બતાવી છે...આ આત્મકથા નહીં, પણ આર્કાઇવ્ઝ છે. આજથી પચીસ વર્ષ પછી કોઇને જાણવું હશે કે સો વર્ષ પહેલાં નડિયાદની ગલી કેવી હતી તો એ આ પુસ્તકમાંથી વાંચવા મળશે. ’

વર્તમાન રાજકારણના સંદર્ભમાં સનતભાઇએ કહ્યું, ‘ઇન્દુલાલ ફૂટપાથના માણસ હતા. આજે આપણે કહીએ તોય કોઇ માનતું નથી...આજના રાજકારણમાં એક દીવો લઇને જીવવું હોય તો એ દીવો છે ઇન્દુલાલ...ઘણા લોકો ઘણા દાવા કરે છે- સરદારના ને બીજા. પણ કોઇ ઇન્દુલાલ થવાનો દાવો કરતું નથી. ઇન્દુલાલા નીકળે તો રીક્ષાવાળા એમને પોતાની રીક્ષામાં બેસાડવા ખેંચાખેંચ કરે અને અમને જોઇને રીક્ષાવાળો નાસી જાય છે. કહે છે, ‘કોઇ નેતા લાગે છે. જવા દો.’

‘આ પુસ્તક ગાયબ થઇ જાય તેમાં સાહિત્યની, યુનિવર્સિટીની, કોલેજોની, રાજ્યની શોભા નથી’ એમ કહીને સનતભાઇએ કહ્યું હતું કે આ આવૃત્તિ પૂરી થઇ જાય તો અમે બીજી આવૃત્તિ કરીશું અને આ પુસ્તકનો સંક્ષેપ એક ભાગમાં પ્રગટ કરવાની પણ યોજના છે.’

કાર્યક્રમનું સંચાલન ડંકેશ ઓઝાએ કોઇ પણ જાતની વધારાની ખટપટ વિના કર્યું. (માધવસિંહ સોલંકીનું અહીં મુકાયેલું હસ્તલિખિત પ્રવચન પણ તેમની પાસેથી જ મળ્યું છે.)

‘ઇન્દુચાચાના દસ-બાર નજીકના માણસોમાંથી હું એકલો જ રહ્યો છું અને આ પુસ્તક પ્રગટ કરવાની મારી જવાબદારી હતી’ એવું કહેનાર સનતભાઇએ ભલે કહ્યું કે ‘હજુ અડધું જ કામ પૂરું થયું છે અને પ્રતિમાનું કામ બાકી છે.’ ઇન્દુચાચાનું બાવલું બને તો ઠીક, ન બને તો પણ ઠીક, તેમના જેવા લોકનેતાનું અસલી સ્મારક તેમની આત્મકથા છે- અને તે ઉપલબ્ધ બનતાં સનતભાઇ અને તેમના સાથીદારોએ અડધું નહીં, આખેઆખું કામ કર્યું છે. એ બદલ આ કામ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.

આત્મકથા ગુજરાતના બધા પ્રકાશકો પાસેથી મળી શકશે. તેની આરંભિક કિંમત રૂ.600 છે. ગઇ કાલ સુધી એ આ કિંમતે આપવામાં આવી હતી. ક્યાં સુધી એ કિંમત રહેશે તેનો ખ્યાલ નથી. પણ તેની મૂળ કિંમત રૂ.1,300 છે. પહેલી નજરે એ કદાચ વધારે લાગે, પણ આ પુસ્તક માટે તે બિલકુલ વધારે નથી.

('ફૂટપાથના માણસ' ઇન્દુલાલની આત્મકથાના સમારંભ પછી હોલની સામેની ફૂટપાથ પર પ્રકાશ ન. શાહ અને અમારી મિત્ર-મઝામંડળી અને બીજા કેટલાક મિત્રો, કેવળ એક-એક ચાનું સેવન કર્યા પછી)

આગળ ડાબેથીઃ પ્રણવ અધ્યારુ, (બેઠેલો) બિનીત મોદી, ઉર્વીશ, સંજય ભાવે, ઋતુલ જોશી. પાછળની હરોળમાઃ ઉમેશ સોલંકી, યોગેન્દુ ચૌહાણ, ચંદુ મહેરિયા, તેમની પાછળ કિરણ કાપુરે, મણિલાલ પટેલ, નયનાબહેન શાહ, પ્રકાશભાઇ શાહ, કેતન રૂપેરા, આશિષ વશી

Thursday, June 23, 2011

ગાધીહત્યાની અંતિમ (ફિલ્મી) ક્ષણ

અહીં મુકેલો ફોટો છેલ્લા ઘણા વખતથી ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે. 'રાષ્ટ્રપિતાની અંતિમ ક્ષણ' જેવું ભ્રામક મથાળું ધરાવતો આ ફોટો કોઇ મરાઠી અખબારમાં અચ્છીખાસી નાટકીય ફોટોલાઇન સાથે, 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર' તરીકે પ્રગટ થયો હશે, એવું આ કટિંગ પરથી જણાય છે. ફોટોલાઇનમાં આપેલી સ્ટોરી પ્રમાણે, મુંબઇની ગિરગામ ચોપાટી પર કોઇ જબ્બાર ખાન ટેલરની દુકાને આ તસવીર ફ્રેમમાં સચવાયેલી હતી, જે છાપાના પ્રતિનિધીએ મહાપ્રયાસે હાંસલ કરી છે. આ તસવીર 1948ના કોઇ અંગ્રેજી છાપામાં છપાઇ હોવાનો દાવો પણ ફોટોલાઇનમાં કરવામાં આવ્યો છે. જબ્બારખાન ટેલરની -અને સરવાળે તસવીરની-વિશ્વસનીયતા ઉભી કરવા માટે જબ્બાર ખાનને કેટલાક જાણીતા નેતાઓ તરફથી મળેલાં પ્રશસ્તિપત્રો મળ્યાં હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

તો પછી ફોટોમાં વાંધો શું છે?

બે વાંધા મુખ્ય અને તરત ધ્યાન ખેંચે એવા છે. 1) નથુરામ ગોડસેનો દેખાવ આવો ન હતો 2) પાછળ ઉભેલા લોકો ગાંધીહત્યા જેવો પ્રસંગ આમ ખેલતમાશો જોતા હોય તેમ ન જોઇ રહે.

(orginial photo of Nathuram Godse)


તો પછી આ ફોટો શાનો અને કોનો છે?

હવે નીચેના બન્ને ફોટા જુઓ. ડાબી બાજુના 'દુર્લભ' ફોટોની ક્વોલિટી ખરાબ છે. એટલે ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. છતાં ચહેરાની રેખાઓ અને ખાસ તો કપાળ પર આવેલી વાળની લટ જુઓ અને પછી જમણી બાજુના ફોટા સાથે સરખાવો. જમણી બાજુનો ફોટો જર્મન અભિનેતા Horst Buchholz નો છે. તેમણે Nine Hours to Rama નામના સ્ટેન્લી વોલ્પર્ટના પુસ્તક પરથી 1963માં બનેલી એ જ નામની અંગ્રેજી ફિલ્મમાં નથુરામ ગોડસેની મુખ્ય ભૂમિકા કરી હતી.



Nine Hours to Rama ગાંધીજીની હત્યા પહેલાંના નવ કલાકનો ઘટનાક્રમ આલેખે છે. રસિક મિત્રો આ લિન્ક પરથી આખી ફિલ્મ મફત જોઇ શકે છે.

આ લિન્ક પર ટુકડામાં મુકાયેલી આખી ફિલ્મના 13મા ભાગમાં ગાંધીહત્યાનું દૃશ્ય છે. મઝાની વાત એ છે કે 'ગાંધીહત્યાના દુર્લભ ચિત્ર' માં જે દૃશ્ય દેખાય છે, તે ફિલ્મમાં જોવા મળતું નથી. સંભવ છે કે તે ફિલ્મમાં એડિટ થઇ ગયું હોય અથવા આ ફોટો ફક્ત સ્ટીલ ફોટો તરીકે લેવામાં હોય. જે હોય તે, પણ ફોટોમાં દેખાતું દૃશ્ય આ જ ફિલ્મનું હશે એવું 99 ટકા ખાતરી સાથે કહી શકાય એમ છે.

ખાતરીનાં બે કારણઃ 1) નથુરામની લટ 2) ફોટામાં અને ફિલ્મના સ્ટીલમાં નથુરામના ખભા પાછળ દેખાતી બે સ્ત્રીઓના ચહેરા વચ્ચેનું સામ્ય.

બે વિશિષ્ટ આડવાતઃ
  • Nine Hours to Rama પુસ્તક અને ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત હતાં. (કદાચ હજુ હોય તો કહેવાય નહીં.)
  • ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર, 'અછૂત કન્યા' જેવી ફિલ્મોનાં ગીત લખનાર ત્રીસીના દાયકાના મશહૂર ગીતકાર જે.એસ. (જમુનાસ્વરૂપ) કશ્યપ 'નાતવાં'એ ભજવ્યું હતું. ફિલ્મમાં જયરાજ, ડેવિડ, અચલા સચદેવ જેવા હિંદી કલાકારો પણ હતા.




સારઃ 'ગાંધીહત્યાની દુર્લભ તસવીર'ના ચેઇન મેઇલનો સમાવેશ પણ 'ભારતનું રાષ્ટ્રગીત યુનેસ્કો દ્વારા સર્વશ્રેષ્ઠ જાહેર થયું' એ પ્રકારના 'ધુપ્પલ' માં જ ગણી લેજો અને લોકોને ફોરવર્ડ કરશો નહીં. અને આવું બધું જુઓ ત્યારે તેને માની લેતાં પહેલાં બે વાર વિચાર કરજો.

ટચાકાઃ ફૂટે તેથી શું? ન ફૂટે તેથી શું?

કેટલાક ક્રિયાઓ નિર્દોષ છતાં ભારે સંતોષદાયી અને અર્થઘન હોય છે. જેમ કે, બગાસાં ખાવાં, ખંજવાળવું, ઉંઘી જવું...એવી એક ક્રિયા છેઃ ટચાકા ફોડવા.

ટચાકા ભલે શારીરિક ક્રિયા લાગે, પણ તેની ભાવસૃષ્ટિ બહુ વિશાળ છેઃ હાથથી કે કી-બોર્ડ પર લખતાં થાકેલો માણસ ટચાકા ફોડીને ‘છોટા સા બ્રેક’ની અથવા પોતે કેટલી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, તેની જાહેરાત કરી શકે છે. હટ્ટાકટ્ટા બાઉન્સરો હવામાં ગોળીબારની અવેજીમાં બે-ચાર ટચાકા ફોડીને ‘હુમલો શરૂ થવાની તૈયારીમાં છે’ એવું સૂચવી શકે છે. રવિવારની સવારે પથારીમાં સૂતેલા લોકો ફટાફટ ગિયર બદલતા હોય એમ કમર અને પીઠના બે-ચાર કડાકા બોલાવીને ‘હું હજુ ઉંઘવા માગું છું. મને જગાડશો નહીં.’ એવો પ્રજાજોગ સંદેશો પ્રસારિત કરી શકે છે.

થિયેટરમાં ફિલ્મ જોવા બેઠેલો પ્રેક્ષક અડધા કલાક પછી મોંને બદલે હાથ-પગ-કમરથી અવાજો કાઢીને ‘ફિલ્મ કચરો છે. ચાલો, જતા રહેવું છે?’ એવું જોડીદારને સૂચવી શકે છે. થર્ડ ડિગ્રીના રૂમમાંથી બહાર આવ્યા પછી પોલીસ અફસર ટચાકા બોલાવીને ‘મારી સામે આઘાપાછા થયા છો તો ખેર નથી...’ એવો ડારો દઇ શકે છે. કર્મચારી પાસેથી પગારવધારાની માગણી સાંભળ્યા પછી બોસ ટચાકાના માઘ્યમથી કહી શકે છે કે ‘ઉભરો ઠાલવી લીધો? તો હવે વિદાય થાવ. એમ થોડા પગાર વધતા હશે!’

ટચાકાના અનેક પ્રકાર છે. સામાન્ય કળાકારો જેમ પોસ્ટર કલરથી ચિત્રો દોરવામાં આખી જંિદગી કાઢી નાખે છે, તેમ ઘણા ટચાકાપ્રેમીઓ હાથ અને પગના ટચાકાથી કદી આગળ વધી શકતા નથી. કોઇની સામે કે એકલાં બેઠાં બેઠાં, બન્ને હાથની આંગળીઓ એકમેકમાં પરોવીને, હથેળીઓ સહેજ અવળી મરડી- ન મરડી, ત્યાં બે-ચાર વાર કટાકટ બોલી જાય, એટલે તેમના સંતોષનો ઘડો છલકાઇ જાય છે. આ ક્રિયા દ્વારા તે સામેવાળાને સૂચવી શકે છે કે ‘તમારી વાતો સાંભળીને હું કંટાળી ગયો છું, પણ બગાસું ખાવામાં તમારી શરમ નડે છે.’ તેમના ટચાકાનું જેટલી વાર પુનઃપ્રસારણ થાય, એટલી વાર ટચાકાનો અવાજ મોટો થઇ શકતો નથી, પણ તેમાં છૂપાયેલી ગર્ભિત ધમકી બળવત્તર બનતી જાય છે : ‘તમને ક્યારનો કહું છું કે હું ત્રાસ્યો છું. તોય સમજતા નથી. કેવા માણસ છો?’ આ લાગણીની પરાકાષ્ઠારૂપે પ્રસારિત થતો છેલ્લો સંદેશો હોય છે, ‘હવે તમે બંધ ન થાવ અને બન્ને હાથની ભીડાયેલી હથેળીઓ તમને કંઇક કરી બેસે તો મારી જવાબદારી નહીં.’

માનો કે ન માનો, પણ ટચાકા ફોડવા એ ચિત્રકળા કે રમૂજવૃત્તિ જેવી કુદરતી બક્ષિસ છે. ઘણા લોકો એવા હોય છે, જે હાથ-પગથી માંડીને શરીરનાં વાળી શકાય એટલાં બધાં અંગ વાળી જુએ છે. છતાં તેમાંથી સમ ખાવા પૂરતો પણ ‘કટ’ અવાજ નીકળતો નથી. એવા લોકો ભાગ્યમાં માનતા હોય તો તે ભાગ્યને દોષ દેવા સિવાય બીજું કંઇ કરી શકતા નથી. હા, નવા જમાનામાં ટચાકા ફોડવાની એક્શનની સાથેસાથે, પ્લે-બેક પદ્ધતિ પ્રમાણે ટચાકાના અવાજવાળી સીડી વગાડવામાં આવે તો જુદી વાત છે.

પીઢ ટચાકાફોડુઓ હાથ-પગની આંગળીઓમાંથી ટચાકા ફોડવા જેવાં કામમાં પડતાં નથી. એ કામ તે નવોદિતો માટે છોડીને પોતે વધારે જટિલ પ્રકારના ટચાકામાં મહારત હાંસલ કરે છે. જેમ કે, બેઠાં બેઠાં સ્થાનભ્રષ્ટ થયા વિના કે સુરૂચિનો ભંગ કર્યા વિના કમરમાંથી કે ડોકીમાંથી ટચાકા ફોડવા અથવા સામેવાળાને ધમકીનો અહેસાસ ન થાય એ રીતે બાવડાંમાંથી, ઢીંચણમાંથી કે પગની પાનીમાંથી ટચાકા ફોડવા. આમ કરવા પાછળ તેમનો ભાવાર્થ કંઇક અંશે દલપતરામની પંક્તિ જેવો હોય છેઃ ‘આંગળાં-અંગૂઠાં ફોડવાં તેમાં કરી મેં શી કારીગરી, ડોક-કમર ને ઢીંચણ જો હું ફોડું તો તમે જાણો’.

પોતાના ટચાકા ફોડી ન શકતા લોકો બીજાને જાહેરમાં ટચાકા ફોડતા જુએ ત્યારે તેમના આંતરબાહ્ય તંત્રમાં અનેક લાગણીઓ એકસામટી ઉદ્‌ભવે છે. આંતરિક લાગણી એવી હોય છે કે ‘હું પ્રયત્ન કરીને મરી ગયો, તો પણ મારા ટચાકા ન ફૂટ્યા, જ્યારે આના ટચાકા કેવા ટેટીઓની લૂમની પેઠે ફટાફટ ફૂટે છે! ‘ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે’- એ સિન્ડ્રોમ તેના મનનો કબજો લઇ લે છે. પરંતુ બહાર એવું થોડું કહેવાય? એટલે તે જાહેર નિવેદનમાં અસંતોષને દબાવીને, તુચ્છકાર સાથે કહે છે, ‘આ લોકોને ફટાકડા ફોડવામાં શી મઝા આવતી હશે? મને તો કદી સમજાતું નથી.’

કેટલાક લોકો ‘સિરીયલ-ટચાકાબાજ’ હોય છે. એક વાર તે હાથની કે પગની આંગળીઓનો કે ધૂંટીનો કે કમરનો કે ડોકનો કેસ હાથમાં લે, એટલે સતત અવિરતપણે બે-ચાર મિનીટ સુધી ટચાકા ફોડ્યા જ કરે. એમાં પણ તેમને યોગ્ય દર્શકો મળી ગયા, તો તે ઓલિમ્પિકમાં દસમાંથી દસ માર્ક લઇ આવતા જીમ્નાસ્ટની છટામાં આવી જશે અને ‘જોયા ભાયડાના ભડાકા- એટલે કે ટચાકા!’ એવી મુદ્રા સાથે, ટચાકા ફોડવાનું ચાલુ રાખશે. સામેવાળાને એ હંમેશાં જીમ્નાસ્ટ લાગે એ જરૂરી નથી. ઘણા દર્શકોને તે અકારણ ગળીબારો કરતા ટપોરી જેવા પણ લાગી શકે છે. પરંતુ આ અભિપ્રાય જાહેર થતો નહીં હોવાથી ટચાકા ફોડનારની અને ટચાકાની પણ આબરૂ રહી જાય છે.

ટચાકા ફોડવા એ કસરત છે કે કળા, એ વિશે ગંભીર મતભેદ હોવાનું નોંધાયું નથી. કોણ નોંધે? બધા નોંધનારા નોંધવાનું છોડીને કાં ટચાકા ફોડવામાં, કાં બીજાના ટચાકા સાંભળવામાં વ્યસ્ત હશે. હકીકત એ છે કે કોઇ પણ કળામાં વેઠ ઉતારવામાં આવે, ત્યારે તે કસરત બનીને રહી જાય છે અને કોઇ પણ કસરત દિલથી કરવામાં આવે ત્યારે તે કળાનો દરજ્જો હાંસલ કરી શકે છે.

ટચાકા ફોડવામાં સૂક્ષ્મ હંિસા થઇ ગણાય કે નહીં? એવો તાત્ત્વિક સવાલ કોઇને થઇ શકે. ટચાકા ફોડવા કે ફોડાવવાની ક્રિયામાં દેખીતી રીતે હિંસાનું તત્ત્વ નથી. ચંપી-માલિશ કરનારા ડોકું, ડોકી કે પીઠ પર જે રીતે પ્રહારો કરે છે તે જોતાં આ પ્રક્રિયા હિંસક લાગે ખરી, તે ઘણી વાર ટચાકાને બદલે કડાકા બોલાવવા તત્પર હોય એવું લાગે. (ટચાકા અને કડાકા વચ્ચે સ્વામી વિવેકાનંદના હિંદુત્વ અને વિશ્વ હિંદુ પરિષદના હિંદુત્વ જેટલો - કે કુરાનના ઇસ્લામ અને ઓસામાના ઇસ્લામ જેટલો તફાવત છે.) પરંતુ ચંપીવાળાનો મુખ્ય આશય ટચાકા ફોડવાનો નહીં, ગ્રાહકને ટચાકા ફૂટે છે તેમ બતાવવાનો હોય છે. એ લોકો ઘણી વાર પોતાની બે હથેળીઓ ભેગી કરીને તેને એવી રીતે પછાડે છે કે જેથી ટચાકો ફૂટવાનો અવાજ થાય. આવો ‘સ્યુડો-ટચાકો’ સાંભળીને ગ્રાહકને લાગે છે : ‘વાહ, આપણો ટચાકો ફૂટ્યો. માણસ બરાબર માલીશ કરે છે.’

ટચાકા જેવી નિર્દોષ ક્રિયામાં ઘણી વાર ‘બાળમજૂરી’ના અણસાર પણ જોવા મળી જાય છે. ઘણા આરામપ્રિય વડીલો ઘરના એકાદ કહ્યાગરા બાળકને સમજાવીને હાથ-પગની આંગળીઓના ટચાકા ફોડવા બેસાડી દે છે. આવાં દૃશ્યો સંયુક્ત કુટુંબના જમાનામાં સામાન્ય હતાં: જમ્યા પછી એકાદ બાળક વડીલના ટચાકા ફોડતું હોય અને વડીલ એ તરફ ઘ્યાન સુદ્ધાં આપ્યા વિના, સામંતશાહી સ્ટાઇલમાં બીજા લોકો જોડે ગામગપાટા મારતા હોય. પરંતુ હવે સંયુક્ત કુટુંબ અને કહ્યાંગરાં બાળકો બન્નેનો મોટા પ્રમાણમાં લોપ થતાં, કમ સે કમ, ટચાકા-મજૂરીમાંથી બાળકો ઉગરી ગયાં છે

- અને એ સિવાયની મજૂરીમાંથી તેમના છૂટકારાની માગણી થાય ત્યારે સરકાર ટચાકા ફોડવા બેસી જાય છે.

Tuesday, June 21, 2011

પ્રેરણાનાં આંબાઆંબલી, ગુનાઇત વૃત્તિનાં ઝરણાં

પોઝિટિવ થિકિગ ઉર્ફે અર્ધજાગ્રત મનની શક્તિ ઉર્ફે પોઝિટિવ ઇમેજિગ ઉર્ફે માઇન્ડ પાવર ઉર્ફે ‘યસ, આઇ કેન’ ઉર્ફે...

લેબલ કોઇ પણ હોય, બજારમાં ચાલતા આ શબ્દોનો મુખ્ય સાર છેઃ લોકોની અવાસ્તવિક ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાઓને ભડકાવવી, તેમને ઉજ્જવળ ભવિષ્યનાં સ્વપ્નાં દેખાડવાં, એ માટે ભાષણો-વાર્તાલાપો-લખાણોમાં અધકચરા વિજ્ઞાન-મનોવિજ્ઞાનનો વઘાર કરીને વિશ્વસનીયતાનો આભાસ ઉભો કરવો, પોતે ‘ગુરૂ’, ‘મોટીવેટર’, ‘મેનેજમેન્ટ ગુરૂ’ કે ‘સ્પિરિચ્યુઅલ ગુરૂ’ ની ભૂમિકામાં આવી જવું, લોકોને ચગડોળે ચડાવવા, હવામાં ઉડતા કરી દેવા અને એ નીચે પટકાય તે પહેલાં અઢળક કમાણી કરવી.

પટકાયેલાની ચિતા કરવાની જરૂર નથી. એ મોટે ભાગે પોતાની અણઆવડત કે પોતાના તકદીરનો દોષ કાઢવાના છે. દરમિયાન, બીજા સમુહો ઉડવા અને પટકાવા માટે આતુર છે.

આઘુનિક શેખચલ્લીગીરી
વાત આગળ વધારતાં પહેલાં એક તાજો બનાવ યાદ કરી લઇએ. થોડા સમય પહેલાં અમદાવાદનો અભય ગાંધી લોકોના કરોડો રૂપિયા ઓળવીને (‘ફુલેકું ફેરવીને’) અદૃશ્ય થઇ ગયો. ‘એકના ડબલ’ અને ઊંચા વ્યાજની લાલચ આપીને તેણે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. લોકોનો લોભ એવો કે ત્રણ મહિનામાં રૂપિયા ડબલ થતા હોય તો ઉછીના રૂપિયા લઇને કે જમીન-મકાન ગીરવે મુકીને પણ એ નાણાં ડબલ કરવા મુકે.

અભય ગાંધીએ આ કેવી રીતે કર્યું એ તો જાણે સમજાઇ ગયું. એમાં કશી લાંબી તરકીબ કે યુક્તિને બદલે સીધોસાદો વિશ્વાસઘાત અથવા છેતરપીંડી હતાં.

લોકો શા માટે વઘુ ને વઘુ ને વઘુ એક વાર છેતરાયા, એ સમજાવા માટે ‘લોભીયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે’ અને ‘લોભે લક્ષણ જાય’ એવી કહેવતો હાથવગી છે.

પરંતુ અભય ગાંધીએ આ શા માટે કર્યું? પ્રાથમિક જવાબ છેઃ ‘ટૂંકા રસ્તે રૂપિયા કમાવા.’ પણ એ જવાબ પૂરતો નથી. આખો જવાબ અભય ગાંધીના ફ્‌લેટ પર પોલીસે દરોડો પાડ્યો, ત્યારે તેની વોલપેનલ પરથી મળ્યો.
લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાની અભય ગાંધીની યોજના પાછળ કેવળ તેનું ગુનાઇત માનસ નહીં, તેની ભડભડતી મહત્ત્વાકાંક્ષા પણ એટલી જ કે વઘુ હદે જવાબદાર હતી. ફ્‌લેટની વોલપેનલ પર અભય ગાંધીએ શબ્દો, આંકડા અને ચિત્રો દ્વારા વર્ષવાર પોતાના લક્ષ્યની આ પ્રમાણે યાદી બનાવી હતીઃ

લીનોવો લેપટોપ : ૨-૩-૨૦૧૧ (એચીવ્ડ)
દીપીકા પદુકોણે (વાઇફ) : ૫-૭-૨૦૧૧
ઓડી કાર : ૫-૯-૨૦૧૨
રૂ.૧ કરોડ : ૫-૯-૨૦૧૩
માય ડ્રીમ હોમ, ડ્રીમ કાર : ૫-૯-૨૦૧૪
(અમિતાભ બચ્ચનનો) જલસા બંગલો : ૫-૯-૨૦૧૪

એ સિવાય કાગળ પર નક્કી કરેલું લક્ષ્યાંક
રૂ.૧૦ હજાર કરોડ : ૫-૯-૨૦૩૦
રૂ.૨૫ હજાર કરોડ ડોલર : ૫-૯-૨૦૪૦
***
પચીસ વર્ષ પહેલાં આવી યાદી વાંચીને અભય ગાંધી માટે એક જ વિશેષણ વાપરવાનું થાત : શેખચલ્લી. પરંતુ બદલાયેલા સમયમાં અભય ગાંધીઓને ‘શેખચલ્લી’ કહી દેવાથી વાત પૂરી થઇ જતી નથી. કારણ કે નીતિમત્તાને નેવે મૂકીને શેખચલ્લી બનાવવાનું બજાર અનેક નામે ધમધમી રહ્યું છે. એવું એક રૂપાળું નામ છે :અર્ધજાગ્રત મનની શક્તિનો વિકાસ.

અર્ધજાગ્રત મનની શક્તિ : વિકાસ અને વિકૃતિ
અર્ધજાગ્રત મન/સબકોન્શ્યસ માઇન્ડને કેવી રીતે તૈયાર કરીને તેની શક્તિની મદદથી જીવનમાં ધાર્યાં લક્ષ્યાંક પ્રાપ્ત કરવાં, તેની ચાવીઓની એક યાદી અહીં આપી છે. તે વાંચીને, ગમે તે રસ્તે- ગમે તે ભોગે પૈસાદાર બનવા ઉત્સુક લોકોને કેવાં ગલગલિયાં થતાં હશે અને પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવાનું કેવું સહેલું લાગતું હશે એ કલ્પી શકાય છે. આ જાતની યાદી બે પૂંઠા વચ્ચે મુકાઇને આવે ત્યારે એ ‘મહાન સિદ્ધાંત’માં કે ‘બેસ્ટસેલર’ તરીકે ખપી જાય, પણ તેની વરવી અસલિયતનો કે કાળાં પરિણામોનો ખ્યાલ કોઇ અભય ગાંધીના ફ્‌લેટ પર દરોડો પડે ત્યારે આવે છે.

શું હોય છે મનના સ્પેશ્યલિસ્ટ કહેવાતા ગુરૂઓ- મોટીવેટરો- સ્પીકરોની ‘પ્રેરક’ યાદીમાં?

૧) (વાસ્તવિકતા ભૂલીને) ઊંચી મહત્ત્વાકાંક્ષાનો કાલ્પનિક પુલ બાંધો. (અભય ગાંધીએ એમ જ કર્યું હતું.) તેને ‘સંકલ્પ’, ‘લક્ષ્ય’ કે ‘ઘ્યેય’ જેવું હકારાત્મક નામ પણ આપી શકાય. એમ કરવાથી અપરાધભાવથી બચી શકાય છે અને આખી કવાયત જાણે પોતાના સ્વાર્થ માટે નહીં, પણ દુનિયાના ભલા માટે કે માનવજાતના કલ્યાણ માટે કરવાની હોય એવો ભવ્ય દેખાવ ઉભો થાય છે.

૨) તમારી મહત્ત્વાકાંક્ષા ફળવાની જ છે, એવું માનવાનું શરૂ કરો અને દૃઢતાપૂર્વક માનતા રહો. સાદા ગુજરાતીમાં કહીએ તો, શેખચલ્લી બનો. અભય ગાંધી માનતો જ હતો કે તેની મહત્ત્વાકાંક્ષા ફળવાની છે. એટલું જ નહીં, એ પ્રક્રિયાની શરૂઆત પણ ‘લીનોવો’ના લેપટોપથી થઇ ચૂકી છે.

૩) તમારી બીજી બધી માન્યતાઓ પણ તમારી પાળેલી-પંપાળેલી મહત્ત્વાકાંક્ષાઓને અનુકૂળ દિશામાં વાળો. નહીંતર, મોટીવેટરો કહે છે તેમ, તમારી મહત્ત્વાકાંક્ષા એક તરફ ખેંચતી હશે ને માન્યતાઓ બીજી તરફ, તો તમારો ‘સંકલ્પ’ સિદ્ધ નહીં થાય. મોટીવેટરોની વાતો એટલી ગળચટ્ટી, ગોળગોળ અને લલચામણી ભાષામાં રજૂ થયેલી હોય છે કે તે ગુજરાતીમાં હોવા છતાં તેનો અનુવાદ કરવો પડે.

ઉપર જણાવેલી વાતનો ગુજરાતીમાં એક અનુવાદ એવો થાય કે તમે કરોડપતિ બનવાનો ‘સંકલ્પ’ કર્યો હોય અને તમારી નૈતિકતા, પ્રામાણિકતા, સચ્ચાઇ જેવી માન્યતાઓ અડચણરૂપ બનતી હોય તો? સિમ્પલ. એ બધી માન્યતાઓને તમારા સંકલ્પને અનુરૂપ બનાવી દો, જેથી મનમાં કોઇ જાતની અવઢવ ન રહે. શું થાય અને શું થાય, શું સારું અને શું ખરાબ, શું ઇષ્ટ અને શું અનિષ્ટ- એવાં કોઇ દ્વંદ્વ ન રહે. સંકલ્પ સિદ્ધ કરવા માટે એકચિત્તે કોઇ પણ હદે સુધી નીચે ઉતરી શકાય, ગમે તેનો વિશ્વાસઘાત કરી શકાય, ગમે તેનો ઉપયોગ કરીને ફેકી શકાય.

અભય ગાંધીનો સંકલ્પ બહુ મજબૂત હતો. એટલે તેણે પોતાના ઓફિસના કર્મચારીઓથી માંડીને કુટુંબીજનો અને ભાવિ જીવનસાથી સહિતનાં બધાંનો પોતાની સંકલ્પસિદ્ધિ માટે ઉપયોગ કરી નાખ્યો અને પોતાની છેતરપીંડી પકડાશે ત્યારે એ લોકોને વિના વાંકે કેવું નીચાજોણું થશે તેનો વિચાર સુદ્ધાં ન કર્યો. કારણ? મહત્ત્વાકાંક્ષાઓને અનુકૂળ બનેલી માન્યતાઓ!

૪) મહત્ત્વાકાંક્ષાને કેવળ માન્યતાઓ સાથે જોડીને બેસી રહેવાને બદલે, તેમને લાગણી સાથે પણ જોડો. એટલે કે, જ્યારે પણ ભવ્ય મહત્ત્વાકાંક્ષાના વિચારો આવે ત્યારે મનમાં લાગણીના ફુવારા ઉડવા જોઇએ. આખી વાતને વિજ્ઞાનનો ટચ આપવો હોય તો ઉત્તેજના સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવ એડ્રિનલિનનું નામ પણ નાખી શકાય.
તમારું ઘ્યેય મોંઘીદાટ કાર મેળવવાનું હોય તો, મોટીવેટરો કહે છે કે, એ કારનો ફોટો જોઇને કે તેને રસ્તા પર દોડતી જોઇને તમારા ધબકારા વધી જવા જોઇએ અને તમને એવું લાગવું જોઇએ કે જાણે તમે એ કારના માલિક છો.

ખરેખર એવું જ બન્યું હતું. થોડા મહિના પહેલાં અમદાવાદમાં ‘ઓડી’કારના શો-રૂમમાંથી એક કારની ટેસ્ટ-ડ્રાઇવ દરમિયાન ચોરી થઇ. કંપનીના માણસને યુક્તિપૂર્વક નીચે ઉતારીને, ટેસ્ટ ડ્રાઇવના બહાને માણસે ઓડી કારના સ્ટીયરંિગનો કબજો લઇને કાર મારી મૂકી. ગયા અઠવાડિયે એ ચોરીનો ભેદ ખુલ્યો ત્યારે ખબર પડી કે આ રીતે ઉઠાંતરી કરનાર મહિને રૂ.૪૭ હજારનો પગાર ધરાવતો એક સમૃદ્ધ યુવાન છે, પણ તેને ઓડી કાર બહુ ગમી ગઇ હતી અને ‘ઓડી’ પ્રત્યેના આકર્ષણે- મોટીવેટરોની ભાષામાં કહીએ તો, ‘ઓડી’ને કારણે એનામાં થયેલા એડ્રિનલિનના સંચારે અને વધી ગયેલા ધબકારાએ- તેને ચોરી માટે પ્રેર્યો.

બને કે મોટીવેટરોની વાતોથી પ્રેરાઇને ‘ઓડી’માં બેઠા પછી તેને લાગ્યું હોય કે ‘આ કારનો માલિક તો હું જ છું.’ (એક આડવાતઃ અભય ગાંધીની મહત્ત્વાકાંક્ષાઓની યાદીમાં પણ ‘ઓડી’ કારનો સમાવેશ થતો હતો.)

૫) અર્ધજાગ્રત મનની શક્તિના નિષ્ણાત તરીકે ધંધો ચલાવનારા કહે છે કે અર્ધજાગ્રત મન ફક્ત ચિત્રોની ભાષા સમજે છે. એટલે જાગ્રત મનને શાંત કરીને રોજ તેમાં સંઘરાયેલાં આપણી મહત્ત્વાકાંક્ષાનાં ચિત્રો રોજ અર્ધજાગ્રત મનને બતાવતા રહેવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી ઇચ્છા સંતોષાય નહીં ત્યાં સુધી. આ કામ માટે જ અભય ગાંધીએ ફ્‌લેટની વોલ પર કેવળ આંકડા અને તારીખોને બદલે તસવીરો પણ લગાડી હોવી જોઇએ. કારણ કે અર્ધજાગ્રત મનને બતાવવા માટેનાં ચિત્રો પહેલાં જાગ્રત મનમાં તો બરાબર સંઘરવાં પડે- અને એ માટે વારંવાર જોવાં પણ પડે. ભલે ને એ ચિત્રો અમિતાભ બચ્ચનના બંગલાનાં હોય કે દીપિકા પાદુકોણનાં.

૬) મનને વારંવાર કહ્યા કરવું કે તારી મહત્ત્વાકાંક્ષા પૂરી થવાની જ છે. જેથી તેના મનમાં ભૂલેચૂકે નીતિમત્તા, પ્રામાણિકતા, સીધો રસ્તો કે એવી અગાઉનાં પગથિયામાં માળીયે મુકી દીધેલી અવઢવો ફરી ન જાગે. આ પદ્ધતિને ‘ઓટો સજેશન’ પણ કહેવામાં આવે છે.

આગળ જણાવેલાં પગથિયાં શબ્દો-અભિવ્યક્તિના ફેરફારો સાથે ભાષણો અને પુસ્તકો અને સેમિનારોમાં વાંચવા-સાંભળવા મળશે, પરંતુ તેનો ‘ગુજરાતી અનુવાદ’ અહીં પહેલી વાર રજૂ કરવામાં આવ્યો છે.

તેનો અર્થ એવો બિલકુલ નથી કે અર્ધજાગ્રત મનની શક્તિઓના ઉપયોગની વાત નિતાંત અને સદંતર છેતરપીંડી છે. મન પર કાબૂ મેળવવાથી, માણસ પોતાની ક્ષમતામાં અમુક હદ સુધી વધારો કરી શકે છે, પહેલી નજરે અશક્ય જણાતાં કામ પાર પાડી શકે છે.

પોતાના મનની શક્તિઓ અને મર્યાદાઓથી પરિચિત ન હોય એવા લોકો, બીજાની મદદથી પોતાના મનને વઘુ ઓળખતા થાય અને તેની પાસેથી વઘુ અસરકારક રીતે કામ લેતા થાય, ત્યાં સુધી ઠીક છે. પરંતુ જનીનશાસ્ત્ર, વારસાઇ, ઉછેરનું વાતાવરણ જેવાં અનેક પરિબળો સાથે નીતિમત્તા જેવાં મૂલ્યોની ધરાર અવગણના કરીને, કેવળ પોઝિટિવ થિકિગનાં-મનની શક્તિનાં ચોપડાં વાંચવાથી, તેની સીડી સાંભળવાથી કે તેના સેમિનારો ભરવાથી ધાર્યાં નિશાન પાડી શકાશે, એવું માનનારા ભીંત ભૂલે છે. એવા લોકો પોતાની છે એટલી શક્તિ-બુદ્ધિનો પણ સદુપયોગ કરવા માગતા નથી એમ કહી શકાય.

- અને એમને એવા ચાળે ચડાવનારા ગુરૂ-મોટિવેટરો? એમની અને અભય ગાંધીની ‘કાર્યપદ્ધતિ’ વચ્ચે પ્રકારનો નહીં, પ્રમાણનો અને લેબલનો જ ફરક ગણાય.

Monday, June 20, 2011

સેલફોનથી કેન્સરઃ ‘વાઘ આવ્યો રે વાઘ’નું વઘુ એક પુનરાવર્તન

‘સેલફોનના વઘુ પડતા વપરાશથી કેન્સર થવાની સંભાવના રહે છે.’ આ ચેતવણીરૂપ વાક્ય અત્યાર સુધી અનેક સંસ્થાઓ, સંશોધનો, સર્વેક્ષણો અને અભ્યાસોનો હવાલો આપીને કહેવાઇ ચૂક્યું છે. પરંતુ નક્કર આધાર-પુરાવાના અભાવે સેલફોન અને કેન્સર વચ્ચેનો સીધો કે આડકતરો સંબંધ સ્થાપિત થઇ શક્યો ન હતો.

હવે એ જ ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હુ’)જેવા આંતરરાષ્ટ્રિય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે સેલફોન અને કેન્સરના સંબંધ વિશે ગંભીરતાથી જાણવા-વિચારવાની ફરજ પડે છે. ‘હુ’ અંતર્ગત કામ કરતી ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ની અખબારી યાદી પ્રમાણે, ‘વાયરલેસ ફોનના વપરાશ સાથે સંકળાયેલા રેડિયોતરંગોના વિદ્યુતચુંબકીય ક્ષેત્રને કેન્સરકારક/કાર્સિનોજન (ગ્રુપ ૨-બી)ના સમુહમાં મુકવામાં આવ્યું છે.’

સાદી ભાષામાં તેનો અર્થ એટલો કે, બીજાં અનેક કેન્સરકારક તત્ત્વોની જેમ સેલફોનનાં રેડિયોતરંગો પણ કેન્સરનાં કારક બની શકે છે. ‘કેમ? શું? કેવી રીતે?’ની લાંબી પંચાતમાં પડ્યા વિના, અખબારી યાદીમાં જણાવાયું છે કે ‘વર્ષ ૨૦૦૪ સુધીના એક અભ્યાસમાં સેલફોનનો વઘુ પડતો ઉપયોગ કરનારામાં દુર્લભ પ્રકારનું બ્રેઇન કેન્સર થવાની શક્યતા ૪૦ ટકા વધી હોવાનું જણાયું હતું.’ સેલફોનના ‘વધુ પડતા ઉપયોગ’ની તેમાં કરાયેલી વ્યાખ્યા હતીઃ ‘રોજના અડધો કલાક લેખે એક વર્ષ સુધી.’

આ વ્યાખ્યામાં મોટા ભાગના સેલફોનધારકોનો સમાવેશ થઇ જાય. છતાં, બ્રેઇન કેન્સરના બનાવોમાં જરાય વધારો નોંધાયો નથી. તો વારેઘડીએ ઉઠતી ‘સેલફોનથી કેન્સર’ની બૂમો પાછળની વૈજ્ઞાનિક વાસ્તવિકતા શી છે? અને સેલફોનધારકોએ કેટલી ચિંતા કરવી જોઇએ?

સૌથી પહેલો ખુલાસો ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ના તાજા અહેવાલનોઃ તેમાં સેલફોનના રેડિએશનને ‘ગ્રુપ ૨-બી’ પ્રકારના કેન્સરકારક/કાર્સિનોજનમાં મૂકવામાં આવ્યું છે. કેન્સરકારકોને પાંચ સમુદાયમાં વહેંચવામાં આવ્યાં છે. તેમાં ‘ગ્રુપપ ૧’ના સભ્યોને મનુષ્યમાં થતા કેન્સર માટે સીધા જવાબદાર ગણવામાં આવ્યાં છે. એવી ૧૦૭ બાબતોમાં એક્સ-રે અને તમાકુથી માંડીને આર્સેનિક અને એસ્બેસ્ટોસનો સમાવેશ થાય છે. ‘ગ્રુપ ૨-એ’માં ‘મનુષ્યમાં કેન્સર માટે સંભવિત રીતે/પ્રોબેબલી જવાબદાર’ એવાં ૫૯ નામ છે. નવાઇ લાગે, પણ એ ગ્રુપમાં ડીઝલના ઘુમાડાથી માંડીને રાતપાળીની કામગીરી જેવાં પરિબળોનો સમાવેશ થયો છે.

ત્યાર પછીના ક્રમે આવે છે ‘ગ્રુપ ૨-બી’ (મનુષ્યોમાં કેન્સર માટે કદાચ/પોસિબલી જવાબદાર). આ યાદીમાં અત્યાર સુધી કેટલાંક રસાયણો અને કોફી જેવી ૨૬૫ ચીજોનો સમાવેશ થતો હતો. ‘હુ’ની તાજી જાહેરાતના પગલે તેમાં ૨૬૬મી ચીજ તરીકે સેલફોનનો ઉમેરો થયો છે. ટૂંકમાં, ‘હુ’ની જાહેરાતનો તાર્કિક અર્થ એવો કરી શકાય કે કોફી પીવાથી અને સેલફોનના વઘુ પડતા ઉપયોગથી બ્રેઇનનું કેન્સર થવાની સંભાવના એકસરખી રહે છે. આનાથી વધારે કશું જ ‘હુ’ની જાહેરાતથી સિદ્ધ થતું નથી.

પરંતુ મામલો બ્રેઇન કેન્સર જેવા રોગનો હોય, ત્યારે ‘હુ’ની જાહેરાતને પગલે ફેલાયેલો ભ્રમ દૂર કરવાનું પૂરતું નથી. સેલફોન અને કેન્સર વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ અને અત્યાર લગીના પ્રયોગોનાં પરિણામ જાણવાથી જ સંતોષકારક રીતે શંકાનું નિરાકરણ લાવી શકાય. એ માટે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો.સિદ્ધાર્થ મુખર્જીનો એક વિસ્તૃત લેખ ખૂબ ઉપયોગી થાય એમ છે. ભારતીય મૂળના ડો.મુખર્જીના પુસ્તક ‘એમ્પરર ઓફ ઓલ માલાડીઝઃ એ બાયોગ્રાફી ઓફ કેન્સર’ને આ વર્ષે સાહિત્યનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. તેમણે ‘હુ’ની જાહેરાતના એકાદ મહિના પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ માટેના એક દીર્ઘ લેખમાં અનેક દાખલાદલીલો અને અભ્યાસ ટાંકીને સિદ્ધ કર્યું હતું કે હજુ સુધી સેલફોનના ઉપયોગ અને કેન્સરને સાંકળતો એક પણ વિશ્વસનીય પુરાવો મળ્યો નથી. આ પ્રશ્ન સાથે સંકળાયેલાં શક્ય એટલાં તમામ પાસાં તેમણે ચકાસ્યાં હતાં.

જેમ કે, ડો.મુખર્જીએ વ્યક્ત કરેલી એક શંકા હતીઃ ‘તમાકુથી કેન્સર થતું હોવાનાં સંશોધનો બહાર પડ્યા પછી તમાકુની કંપનીઓ નાણાં વેરીને સાચી માહિતી બહાર આવવા દેતી ન હતી અથવા ગેરરસ્તે દોરનારાં સંશોધનો બહાર પાડતી હતી. એવું જ સેલફોન કંપનીઓના કિસ્સામાં ન બની શકે? સેલફોનનો કેન્સર સાથેનો સંબંધ બહાર ન આવે એટલા માટે તે વઘુ ને વઘુ ગૂંચો ઉભી કરી રહી હોય એવી શક્યતા ખરી કે નહીં?’

આ સવાલનો તેમણે જ આપેલો જવાબ હતો,‘તમાકુના કિસ્સામાં કંપનીઓ માહિતી દબાવી રાખતી હતી, પરંતુ તમાકુની અસરને લગતા ક્લિનિકલ ટ્રાયલમાં તમાકુ સાથે કેન્સરનો સંબંધ સ્થાપિત થતો હતો. સેલફોનના કિસ્સામાં કંપનીઓનાં પરિણામ અલગ આવે અને સ્વતંત્ર સંશોધકોનાં પરિણામ અલગ આવે, એવું પણ બન્યું નથી.’

બીજો મુદ્દો બ્રેઇન કેન્સરના મર્યાદિત વ્યાપ અંગેનો છે. ડો.મુખર્જીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં દર એક લાખ વ્યક્તિએ ૭ જણને બ્રેઇન કેન્સર જોવા મળે છે. એટલે સેલફોનના ઉપયોગથી બ્રેઇન કેન્સરના પ્રમાણમાં વધારો થયો હોય તો પણ એ વધારો માપી શકાય એટલો મોટો ન હોય. આટલું કહીને તેમણે એમ પણ જણાવ્યું છે કે સેલફોનનો વપરાશ વ્યાપક બન્યા પછીના ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીના સમયગાળામાં બ્રેઇન કેન્સરનો દર સ્થિર રહ્યો છે. બલ્કે, કહેવું હોય તો કહી શકાય કે થોડો ઘટીને દર એક લાખ વ્યક્તિએ ૬.૫ વ્યક્તિનો થયો છે- અને આ ઘટાડા માટેનાં કારણ જાણી શકાયાં નથી.

સેલફોન અને કેન્સરના સંબંધ અંગેનો એક વ્યાપક અભ્યાસ ‘ઇન્ટરફોન’ દ્વારા થયો હતો. તેમાં ૧૩ દેશોમાંથી બ્રેઇન ટ્યુમરના ૫,૧૧૭ દર્દીઓ અને ૫,૬૪૩ સ્વસ્થ માણસોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્વેક્ષણનું સંકલન ‘હુ’ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી બન્ને વચ્ચેનો સંબંધ સૂચવતો કોઇ પણ નક્કર પુરાવો મળ્યો નહીં. ઊલટું, સર્વેક્ષણમાં આવરી લેવાયેલા લોકોને જુદાં જુદાં જૂથોમાં વહેંચતાં એવાં પણ આંકડાકીય પરિણામ મળ્યાં કે સેલફોનના ઉપયોગથી બ્રેઇન ટ્યુમરનું જોખમ ઘટે છે.

સ્વાભાવિક છે કે આ પરિણામ ગેરરસ્તે દોરનારાં હતાં. ડો.મુખર્જીના મતે આ જાતના ગોટાળા માટેનું એક સંભવિત પરિબળ છે ‘રીકોલ બાયસ’. એટલે કે પોતે એક રોગનો ભોગ બન્યો છે, એ જાણ્યા પછી માણસ પોતાનો ભૂતકાળ યાદ કરવામાં પણ પૂર્વગ્રહ કામે લગાડે. દા.ત. કોઇ શરદીગ્રસ્ત માણસને પૂછવામાં આવે કે ‘તમે છેલ્લા એક અઠવાડિયામાં કેટલું ઠંડું પાણી પીઘું હતું?’ તો શરદી માટે ઠંડા પાણીને જવાબદાર ગણતો દર્દી સવાલનો જવાબ એવી રીતે જ આપે અને પોતે બહુ ઠંડું પાણી પીઘું હોવાનું કહે. બ્રેઇન ટ્યુમર અને સેલફોનના સંબંધના કિસ્સામાં આ સવાલ છેલ્લા અઠવાડિયા નહીં, પણ વર્ષોના ગાળામાં પૂછાય, ત્યારે તેમાં મળતા જવાબ ખાસ વિશ્વસનીય રહેતા નથી. સેલફોન પર તેની વાતચીતનો સત્તાવાર રેકોર્ડ જ પ્રમાણભૂત ગણી શકાય, પણ એવા રેકોર્ડના આધારે હજુ સુધી કોઇ સંશોધન થયું નથી.

એવી જ રીતે કોઇ તત્ત્વ કેન્સરકારક છે કે નહીં, તે નક્કી કરવાની એક રીત ઉંદર જેવાં પ્રાણીઓ પર તેનો અખતરો કરવાની છે અને સેલફોનના મામલે એ વિકલ્પ પણ અજમાવાઇ ચૂક્યો છેઃ ૧૯૯૭ થી ૨૦૦૪ દરમિયાન ઉંદરો પર વિકિરણોની અસરના જુદા જુદા છ પ્રયોગો થયા હતા, પરંતુ એકેયમાં વિકિરણોની અસરથી ઉંદરમાં બ્રેઇન કેન્સરની સંભાવના વધી હોવાનું જણાયું નથી.

સેલફોનમાંથી નીકળતાં વિકિરણો ‘નોન-આયોનાઇઝિંગ’ પ્રકારનાં ગણાય છે. એટલે કે તે કોષોનું આયનીકરણ પ્રેરી શકે- રાસાયણિક બંધારણમાંથી ઇલેક્ટ્રોન છૂટા પાડીને તેનું માળખું વેરવિખેર કરી શકે અથવા ડીએનએમાં ભાંગફોડ કરી શકે એટલાં શક્તિશાળી હોતાં નથી.

છેલ્લો વિકલ્પ એ રહે છે કે સેલફોનનાં વિકિરણો માનવશરીરમાં આયનીકરણ કર્યા વિના, બીજી કોઇ તરકીબથી મગજ પર અસર કરતાં હોય. અમેરિકન સંશોધક નોરા વોલ્કોવે ૪૭ લોકો પર એવો પ્રયોગ કર્યો કે એ લોકો સેલફોન પર વાત કરતા હોય ત્યારે ખાસ પ્રકારના બ્રેઇન સ્કેનરથી તેમના મગજની આંતરિક ગતિવિધીનો ચિતાર મળે. તેમાં નોરાને જણાયું કે સેલફોન પર વાત કરતી વખતે માણસના મગજના એટલા વિસ્તારમાં ગ્લુકોઝ એક્ટિવિટી- એટલે કે શર્કરાના ચયાપચયની ક્રિયામાં વધારો થાય છે. પરંતુ આ વધારાને કેન્સર સાથે કશો સંબંધ નથી. કારણ કે ફક્ત સેલફોન પર વાત કરતી વખતે જ નહીં, સંગીત સાંભળતી વખતે કે પ્રિય પાત્રને યાદ કરતી વખતે કે મોગરાનું ફૂલ સુંઘતી વખતે પણ મગજમાં ગ્લુકોઝ એક્ટિવિટી વધી જાય છે.

આ તમામ વિગતોનો નિષ્કર્ષ એટલો કે સેલફોનનાં વિકિરણોથી બ્રેઇન કેન્સર થાય એવી બીક રાખવાની જરૂર નથી.

એનો અર્થ એવો પણ નહીં કે સેલફોનનો બેફામ ઉપયોગ કરવો અને બિનજરૂરી વાતોનાં વડાં કરવાં. ડોક્ટરો એવી પણ સલાહ આપે છે કે લાંબો સમય ફોન પર વાત કરવાની થતી હોય તો હેન્ડ્‌સ ફ્રી સેટ/ઇયરફોનનો ઉપયોગ કરવો. રાત્રે સેલફોન ઓશિકા પાસે (માથાની નજીક) રાખીને સુઇ જવું નહીં- આ બધાં અગમચેતીનાં પગલાં છે. તે લેવાય તો ઉત્તમ, પણ કોઇ કારણસર એ ન લઇ શકતા લોકોએ બ્રેઇન કેન્સરનું ટેન્શન રાખવાની જરૂર નથી- અત્યાર લગીનાં સંશોધનોના આધારે તો નહીં જ!

Friday, June 17, 2011

જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ: '. તો ક્યા? ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા'

વિશાલ પાટડિયા
vishalpatadiya@gmail.com

અંગ્રેજી મિડ ડેના પત્રકાર જ્યોતિર્મય ડે (જે.ડે)ની મુબઇમાં તેમના ઘરની પાસે જ હત્યા થઇ. ગુજરાતી મિડ ડેમાં કામ કરી ચૂકેલા પત્રકાર મિત્ર વિશાલ પાટડિયાને જે.ડે.નો થોડો પરિચય હતો. અંગત પરિચય અને ડેના મિત્રો સાથેની વાતચીત પરથી વિશાલે જે.ડે.ને આપેલી અંજલિ

(J.Dey / image courtesy : Mid-Day)

1990ના દાયકાના છેલ્લા વર્ષોમાં મુંબઇ અન્ડરવર્લ્ડમાં મોટાપાયે શૂટ આઉટ થતાં હતાં. મુંબઇ પોલીસ અને ક્રાઇમ રીપોર્ટરોમાં શૂટ આઉટ વિશે જ ચર્ચાઓ થતી હતી. આવી જ એક ચર્ચા વખતે એક ક્રાઇમ રીપોર્ટરે બીજા ક્રાઇમ રીપોર્ટરને મજાકમાં કહ્યું કે, સાલા યે શૂટ આઉટ મેં ધ્યાન રખના પડેગા, કભી ભી કહીં ભી હો જાતા હૈ, હમ કહીં ખડે હો તો એક ગોલી હમેં ભી લગ સકતી હૈ’.

ક્રાઇમ રીપોર્ટરની મજાકના જવાબમાં અન્ય ક્રાઇમ રીપોર્ટરે પણ મજાક કરતાં કહ્યું કે, ઉસ મેં ક્યા, ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા... . આ જવાબ આપનારા રીપોર્ટર બીજા કોઇ નહીં પરંતુ મિડ-ડે ના જાંબાઝ રીપોર્ટર જ્યોતિર્મય ડે. જે. ડે તરીકે ઓળખાતાં જ્યોતિર્મયની હાલમાં જ મુંબઇના પવઇ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

જે. ડેના ગયા પછી ઉપરછલ્લી અને ઓછી માહિ તી ધરાવતા લોકો તેમના વિશે ગમેતેવી આક્ષેપાત્મક વાતો કરી રહ્યા છે, પણ ક્રાઇમ રીપોર્ટર સિવાયના જે. ડેને બહુ ઓછા લોકો ઓળખે છે. કલમથી જ પોતાના મિજાજનો પરચો આપનારા જે. ડેની કેટલીક ઓછી જાણીતી અને અજાણી વાતો દ્વારા તેમને યાદ કરવાનો આ પ્રયાસ છે.

1995ની વાત છે. હિંદુસ્તાન લીવર કંપનીમાં સારા પગારની નોકરી છોડીને પત્રકારત્વમાં પ્રવેશ કર્યા બાદ જે. ડેએ પહેલા એન્વાયર્મેન્ટ અને રીયલ એસ્ટેટ વિષય પર કેટલીય સ્ટોરી કરી. બાદમાં તેમણે ક્રાઇમ રીપોર્ટિંગ શરૂ કર્યું. જોકે ક્રાઇમ રીપોર્ટિંગની સાથે જે. ડેએ શિપિંગ જેવી મહત્વની બીટ પર કામ કર્યું. શિપિંગ બીટમાં જે. ડે જેવું નેટવર્ક કોઇનું ન હતું. મુંબઇની ગુનાખોરીની દુનિયા દરિયા સાથે જોડાયેલી હોઇ કોઇ પણ અખબાર કે પત્રકાર માટે બીટ તરીકે દરિયો બહુ મહત્વનો હતો. મુંબઇમાં સ્મગલિંગ કેવી રીતે થાય છે તેની ઘણી વિગતો દરેકે જૂની-નવી ફિલ્મોમાં જોઇ જ હશે.

જે. ડેએ મુંબઇના ગુનાખોરીના આ દરિયાને ખરા અર્થમાં ખેડ્યો હતો. દરિયાછોરુની જેમ મધદરિયે જઇને તેઓ વિવિધ સ્ટોરીઓ લઇ આવતાં હતાં. નેવી, કસ્ટમ્સ, ઇન્ટેલીજન્સ, રો, સીબીઆઇ, ડીઆરઆઇ, એર ઇન્ટેલીજન્સ, નાર્કોટિક્સ, પોર્ટ, ડોક વગેરે કેટલીય મહત્વની એજન્સીઓ-ખાતાનાં નાના-મોટા અધિકારીઓ સાથે જે. ડેનાં સારા સંપર્કો હતાં. દમણ અને કચ્છના દરિયાઓની ગતિવિધિઓથી પણ તેઓ વાકેફ રહેતા હતાં. જે. ડેની ક્રાઇમ રીપોર્ટર તરીકેની સફળતામાં શિપિંગ બીટ પર તેમણે કરેલું કામ ખૂબ જ મહત્વનું ગણી શકાય. દરિયાની ગતિવિધિઓની જાણને કારણે જ કદાચ તેઓ 10,000 કરોડનાં ઓઇલ કૌભાંડને બહાર પાડી શક્યા હતાં. શિપિંગ બીટનો એક અનુભવ યાદ કરતાં જે. ડેના એક મિત્ર કહે છે, એક વખત કોઇ જહાજમાં આગ લાગી હતી. જહાજમાં આગ લાગતાં અંદર અમુક પક્ષી ફસાઇ ગયા હતાં. નેવીના કેટલાક કમાન્ડોએ આ અબોલ જીવોને બચાવવા ભારે જહેમત ઉઠાવી અને તેમને બચાવી પણ લીધા. જોકે બચાવમાં નેવીને સારો એવો ખર્ચો થતાં, તેના ઉચ્ચ અધિકારીએ નીચેના કર્મચારીઓને ઠપકો આપ્યો.. જે. ડેને આ વાતની ખબર પડતાં તેમણે આર્ટિકલ કર્યો. બાદમાં પેલા ઉચ્ચ અધિકારીને ભારે તકલીફ પડી ગઇ હતી.

જે. ડેને કુદરત પ્રત્યે અપાર લગાવ હતો. જે. ડે વિશે એવું કહેવાતું કે જો તે ક્યાંય ન મળે તો જંગલમાં ફરતા હશે. મોબાઇલ જ્યારે બહુ પ્રચલિત ન હતાં ત્યારે જે. ડેના મિત્રોને તેમને શોધવા માટે નેશનલ પાર્ક કે પછી થાણેના વાડાના જંગલમાં જવું પડતું હતું. નેશનલ પાર્કમાં જંગલનાં સ્થાનિકો સાથે બેસે, એટલું જ નહીં તેમના માટે નાસ્તો પણ લઇ જાય. જંગલોમાં ચાલતા ગોરખધંધા વિશે કેટલીય સ્ટોરી કરનારા જે. ડેને જંગલના સ્થાનિક લોકો પોતાના માનતા. તેમને એવી તો માહિતી મળતી હતી કે જંગલના ઉચ્ચ અધિકારીઓ પણ તે જાણીને ગોથા ખાઇ જતા હતા.

કસાયેલું શરીર ધરાવતાં જ્યોતિર્મય ક્યારેક માથેરાન પણ ઉપડી જતાં હતાં. રસ્તો હોવા છતાં તેઓ ટ્રેનમાં નેરલ સ્ટેશને ઉતરીને તે ડુંગરા ખુંદીને જ માથેરાન પહોંચતા હતા. મિત્રો મજાકમાં એવું કહે છે કે કેમેરો આપીને તેમને જંગલમાં છોડી દો તો તેમને કંઇ ન જોઇએ. સવારે ઉઠીને ગાર્ડનિંગ અને વોક પર પણ તેઓ જતા. તે સારા બોક્સર અને વેઇટલિફ્ટર હતા. મુંબઇ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે તે આ સ્પોર્ટસ અજમાવતાં પણ હતા.

પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારી સાથે તે ખૂબ જ સૌમ્યતાથી વર્તતા હતાં. 6 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતા જ્યોતિર્મયને કેટલાક પોલીસવાળા પોલીસ ઓફિસર જ માની લેતા હતા. એક વખત થાણે જેલમાંથી એક ગુનેગારને જે. જે. હોસ્પિટલ લવાયો હતો. પોલીસ પર હુમલો કરીને ગુનેગાર ભાગી જતાં સમગ્ર હોસ્પિટલને કોર્ડન કરી લેવાઇ. કોઇને અંદર પ્રવેશ ન હતો. જે. ડે ત્યાં પહોંચ્યા તો કોન્સ્ટેબલને એમ કે કોઇ મોટો સાહેબ આવ્યો છે. તેણે સેલ્યુટ મારીને જે.ડેને અંદર જવા દીધા હતા. પોલીસ કમિશનરની એક પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી કક્ષાના એક પોલીસ અધિકારીએ જે. ડેને પોલીસ સમજીને `ગુડ જોબ કહીને પીઠ થાબડી હતી.

જોકે જે. ડે પ્રેસ કોન્ફરન્સોથી દૂર જ રહેતા હતા. પોલીસવાળા જેવા દેખાતા જે. ડેનું પોલીસ કર્મચારીઓ સાથેનું વર્તન હંમેશા માનવતાભર્યું રહેતું હતું. કેટલાય ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓને સમજાવીને તેમના પરિવારો બરબાદ થતાં તેમણે બચાવ્યા છે. સંજોગોવશાત્‌ નાનીમોટી ચોરી કે ગેરરીતિ કરનાર પોલીસ હોય કે બીજું કોઇ, ડે તેમને સમજાવતા, બચાવતા અને સુધરવાની તક આપતા હતા. કોઇ નાની લૂંટનો આરોપી જે. ડેની પ્રેરણાથી બાદમાં બટાટાવડા વેચીને ઇમાનદારીની જિંદગી જીવતો થઇ ગયો હોવાનું પણ એક મિત્ર નોંધે છે. મોટે ભાગે ડિસિપ્લીનમાં રહેતા આ ક્રાઇમ રીપોર્ટરથી ક્યારેક ભૂલથી ટ્રાફિક રૂલ તોડાઇ જાય તો તે 50 કે 100નાં દંડની પાવતી પણ ફડાવી લેવામાં અચકાતા ન હતા. તેમના માથા પર ક્યારેય તેમનું નામ સવાર થયું ન હતું.

ઓફિસમાં ક્રાઇમ રીપોર્ટરોના હેડ હોવા છતાં ક્યારેય તે સાહેબગીરી કરતાં નહીં. હંમેશા મિડ-ડેની કેન્ટિનમાં રીપોર્ટરો સાથે ચર્ચા કરતાં જોવા મળતા હતા. ઓફિસમાં કોઇ પણ નાનો રીપોર્ટર કંઇ પણ માહિતી લેવા જાય તો, હા બતાઇંયે, ક્યા ચાહિએ, અચ્છા એસા હૈ, યે નંબર પર બાત કર લીજીએ.... વગેરે નમ્ર જવાબ આપીને રીપોર્ટરનો જુસ્સો તે વધારતા જોવા મળતાં હતાં. પોતાની પાસે જે-તે સ્ટોરીની માહિતી હોય તે પણ લખાવી દેતાં ખચકાતા નહીં. કેટલાક સિનિયર, નબળા કે અદેખા પત્રકારો ક્યારેક જે-તે પોલીસ અધિકારી કે વ્યક્તિનો ફોન નંબર આપતાં કતરાતા હોય છે, જ્યોતિર્મય, પોતાની પાસે ફોન નંબર હોય તો તરત લખાવી દેતા. નંબર બાબતે તેમની દલીલ રહેતી મેં નહીં દેગા, તો દો દિન કે બાદ કહીં સે મિલ હી જાયેગા.

જે. ડે ક્યારેય ઊંચા અવાજમાં બોલતાં નહીં. મિત્રો કહે છે કે, ખુશ હોય કે ટેન્શનમાં હોય તેમનો મૂડ અને મુદ્રા સરખી જ દેખાય. ગુસ્સો કે મિજાજ પણ ક્યારેય બતાવે નહીં. હા, તેમનો મિજાજ માત્ર તે પોતાની સ્ટોરી દ્વારા જ વ્યક્ત કરતાં હતાં. તેમના `ઝીરો ડાયલ પુસ્તકનાં બે ચેપ્ટર વિશે એક રીપોર્ટરે તેમણે પૂછ્યું કે આ બંને ચેપ્ટરો વિશે તમે વધુ લખી શક્યા હોત. જેના જવાબમાં જે. ડેએ કહ્યું હતું કે, આ બંને ચેપ્ટર વિશે મારી પાસે એટલી માહિતી છે કે બંને પર અલગ પુસ્તક થઇ શકે. પાછળથી વિગતે લખવાનું હોવાથી જ મેં અમુક માહિતી લખીને તે ચેપ્ટર છોડી દીધા હતાં. જ્યોતિર્મયની સ્ટોરીઓ કે પુસ્તકમાં હંમેશા નોવેલની છાંટ જોવા મળતી હતી. લેખન વિશેના તેમના વિશેષ પ્રેમનો ખ્યાલ એ પરથી આવે છે કે, થોડા સમય પહેલા તેઓ 2 દિવસની સ્ક્રીનપ્લે રાઇટિંગની વર્કશોપમાં ભાગ પણ લઇ આવ્યા હતાં. બીજું કે મિડ-ડે, ઇન્ડિયન એક્સપ્રેસ અને હિંદુસ્તાન ટાઇમ્સની 16 વર્ષની કારકિર્દી દરમિયાન વચ્ચે તેઓ અમુક દિવસ એક ચેનલ (લગભગ ચેનલ 7) માં પણ જઇ આવ્યા હતાં, જ્યાં ફાવ્યું ન હતું..

રીપોર્ટર તરીકે હંમેશા તે એલર્ટ રહેતા હતા. કોઇ પીછો કરે છે તેવું લાગે તો રસ્તામાં સાઇડમાં ઊભા રહી જતા હતા. હંમેશા બાઇક પર જ જતા હતા. મુંબઇની લાઇફલાઇન તેની લોકલ ટ્રેન કહેવાય છે, પરંતુ જે. ડે માટે તો તેમનું બાઇક જ લાઇફ લાઇન હતી. મુંબઇના એક છેડેથી બીજે છેડે જવું હોય તો પણ તેઓ બાઇક પર જ જતા હતા. ઘરની આસપાસ પણ દુકાનવાળાને ત્યાં કે ક્યાંય પણ તેઓ 'જે. ડે' નો રોફ મારતાં નહીં.. કારણ કે, તેમને ખબર હતી કે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

મિત્રો સાથે ફોન પર વાતો કરે તો પણ ખાસ પ્રકારની ભાષા વાપરતા હતા. મિડ-ડેમાં તેમની કોલમ ચાલતી હતી, જેમાં તેમની ફોટો બાયલાઇન (ફોટા સાથે નામ) આવતી હતી. ફોટામાં તેમણે મોઢા આગળ ટોપી લાવી દીધી હતી, જેથી તેમનો સંપૂર્ણ ચહેરો ન દેખાય. તે સ્થાને પહોંચ્યા પછી કોઇ પણ વ્યક્તિ ઇચ્છે કે લોકો પોતાનો ચહેરો જુએ અને વાહવાહ કરે. જે. ડે નોખી માટીના હતાં, તેમને રીપોર્ટિંગ સિવાય અન્ય કોઇ મોહ ન હતા. તે હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા હતાં, જે કોઇ પણ પત્રકાર માટે અઘરી બાબત હોય છે.

ખરેખર, જે. ડે જમીનનાં માણસ હતાં. પાર્ટી, ક્લબ, હોટેલ, ઢાબા કે ગમે ત્યાં, વેઇટર જેવા નાનામાં નાના માણસને ભેટવું, તેની સાથે વાત કરવી, તેમની માંદગી કે અન્ય સમસ્યા ઉકેલવી, તેની સાથે વડાપાઉં ખાઇ લેવા, ચા પીવી તે તેમની ફિતરત હતી. માહિમમાં એક જગ્યાના ઢોંસા તેમને પ્રિય હતાં. એક વખત, ઓફિસમાં એક પત્રકાર રોજ કરતાં અલગ કપડાંમાં આવ્યો તો જે. ડેએ તેને હેપ્પી બર્થડે વિશ કરી. તે પત્રકાર ચોંકી ઉઠ્યો કે અને કહ્યું કે, આજે તો મારો જન્મદિન નથી. જે. ડેએ જવાબમાં કહ્યું કે, તમે અલગ કપડાં પહેર્યા તો મને લાગ્યું બર્થડે હશે. કેમ કે બર્થ ડેના દિવસે જ લોકો કંઇક અલગ પહેરે છે ને. કંઇ નહીં, તમારી વર્ષગાંઠ જ્યારે પણ હોય, આ મારી એડવાન્સમાં વિશ સમજી લેજો...

ખાસ મિત્રોને મળતા તો બે ઉચ્ચ પોલીસ અધિકારી કમર પાસે મુઠ્ઠીવાળીને સાવધાનની મુદ્રામાં એકબીજાને સેલ્યુટ કરે તે રીતે, સેલ્યુટ કરતાં હતા. મિત્રો અને પત્રકારોમાં તેઓ કમાન્ડર તરીકે જાણીતાં હતાં. સામેવાળાને જે. ડે સરજી, સરજી કહીને બોલાવતાં. તો કેટલાક તેમને જે. ડે દાદા (વડિલ તરીકે) સંબોધતાં. ગુજરાતમાં પણ તેઓ ઘણી વાર ઇન્વેસ્ટીગેશન અને તેમજ સામાજિક કામો માટે આવેલા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે અહીંની પગી (ગામનું રક્ષણ કરતા પગી) પરંપરા વિશે જાણ્યું હતું અને તેના વિશે આર્ટિકલ પણ કર્યો હતો. 12 વર્ષ પહેલા તેમના મિત્રના લગ્નમાં બે દિવસ અમદાવાદના મહેમાન બન્યા હતા અને જાનમાં કલોલ ગયા હતા. એ લગ્નની જ્યોતિર્મય ડેએ ભરપૂર ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. જોકે તેમના પોતાના બહુ જૂજ ફોટા (ઇન્ટરનેટ પર) જોવા મળે છે..

ક્રાઇમ રીપોર્ટર ઉપરાંત અને સંવેદનશીલ-મદદગાર માણસ તરીકે મિસાલ કાયમ કરનાર જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ.