Thursday, February 03, 2011

નાગરિક સન્માન, સરકારી ધારાધોરણ

એવી કઇ ચીજ છે, જેમાં (હવે મોટે ભાગે) લેનાર કરતાં આપનારની પાત્રતા ઓછી હોય છે? આ સવાલનો જવાબ છેઃ એવોર્ડ. દરેક પ્રજાસત્તાક દિનની આગલી સાંજે ભારત સરકાર દ્વારા જાહેર કરાતા પદ્મ પુરસ્કારોથી માંડીને સાહિત્યના રણજિતરામ ચંદ્રક સુધી આ ‘નિયમ’ લાગુ પાડી શકાય છે.

દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના રાષ્ટ્રપતિએ ‘નાગરિક સન્માનો’ની જાહેરાત કરી. (મહત્ત્વના ઉતરતા ક્રમમાં) : ‘ભારતરત્ન’ કોઇને નહીં, ૧૩ પદ્મવિભૂષણ, ૩૧ પદ્મભૂષણ અને ૮૪ પદ્મશ્રી. કુલ સન્માનિતો ૧૨૮. છેલ્લા ઘણા સમયથી એવોર્ડની યાદી પર નજર ફેરવતાં ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ - કે નવા જમાના પ્રમાણે, ‘રૂપિયાની એક પાણીપુરી, રૂપિયાનો એક પિત્ઝા’- જેવી લાગણી થાય છે. મુખ્યત્વે સન્માનિતોની મોટી સંખ્યા અને પ્રમાણભાનના ગંભીર પ્રશ્નોને કારણે જગ્યા/સમયની મર્યાદા ધરાવતાં મોટા ભાગનાં પ્રસાર માઘ્યમો પુરસ્કૃતોની આખી યાદી પણ આપતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ફિલ્મસ્ટાર, કોર્પોરેટ જગતનાં માથાં, ખેલકૂદના સિતારા અને બીજા થોડા જાણીતા લોકોને બાદ કરતાં, આ વર્ષે કોને ‘નાગરિક સન્માન’ મળ્યું તેની દેશના નાગરિકોને ખબર હોતી નથી અને અમુક અંશે પરવા પણ હોતી નથી.

વફાદારીઃ સમાજની કે સરકારની?

અગ્રણી નાગરિકોને માન-ચાંદ આપવાની પ્રથા અંગ્રેજી રાજના વખતની છે. એ સમયે મુખ્યત્વે રાજના વફાદાર સેવકોને અંગ્રેજ સરકાર ખિતાબો આપતી હતી. ખાસ ભારતના સામ્રાજ્ય માટે થઇને ‘નાઇટ કમાન્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ (કેસીએસઆઇ) અને ‘નાઇટ કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર’ (કેસીઆઇઇ) જેવા બે ખિતાબ કાઢવામાં આવ્યા હતા. તે મેળવનારા પોતાના નામની આગળ ‘સર’નું લટકણીયું લગાડી શકતા હતા. ખિતાબો અને તેની લાલચ વડે સમાજના અગ્રણી વર્ગને કાબૂમાં રાખવાની નીતિ પ્રમાણે અંગ્રેજ સરકારે ‘સર’થી ઉતરતા ખિતાબ પણ રાખ્યા હતાઃ હિંદુઓને ‘રાયબહાદુર’ (અને તેનાથી ઉતરતા) ‘દીવાનબહાદુર’. મુસ્લિમો-પારસીઓ માટે ‘ખાનબહાદુર’. એ ખિતાબોને નામની આગળ લગાડીને સમાજમાં વટ પાડી શકાતો હતો,

સ્વદેશી ચળવળના પ્રારંભ પછી રાયબહાદુરો અને ખાનબહાદુરો ‘અંગ્રેજતરફી’ ગણાવા લાગ્યા અને તેમના સામાજિક મોભાનાં વળતાં પાણી થયાં. એટલે જ, દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજી રાજની વફાદારીના પ્રતીક જેવા આ ખિતાબ નાબૂદ કરવામાં આવ્યા. બંધારણ અમલમાં આવ્યા પછી ૧૯૫૪થી ફરી એક વાર સન્માનની શરૂઆત થઇ, પરંતુ અગાઉના અનુભવને ઘ્યાનમાં રાખીને સ્પષ્ટ શબ્દોમાં ચોખવટ કરવામાં આવી હતી કે ‘ભારતરત્ન’થી માંડીને ‘પદ્મશ્રી’ સુધીનાં તમામ સન્માન ‘નાગરિક સન્માન’ ગણાશે અને તેમનો (‘રાયબહાદુર’ કે ‘ખાનબહાદુર’ની જેમ) ખિતાબ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં, તેમને પોતાના નામની આગળ કે પાછળ લટકણીયા તરીકે વાપરી શકાશે નહીં.

બીજા અનેક નિયમોની જેમ આ નિયમ પણ જોકે પોથીમાં રહી ગયો છે અને હોંશીલા સન્માનિતો પોતાના નામ આગળ વિના સંકોચે ‘પદ્મશ્રી’ જેવાં લટકણીયાં લગાડીને હરખાય છે. તેમના નામે બનતાં જાહેર સ્મારક કે સંસ્થાઓના નામમાં પણ સન્માનનો ઉલ્લેખ ખિતાબની જેમ થયેલો જોવા મળે છે.

‘સાન્તાક્લોઝ’ સરકાર

પદ્મ પુરસ્કારો અને ‘ભારતરત્ન’ સ્થાપિત કરવા પાછળનો આશય નોંધપાત્ર પ્રદાન કરનાર નાગરિકોને સન્માનવાનો હતો. ‘ભારતરત્ન’ સાહિત્ય, કળા, વિજ્ઞાન અથવા ઉચ્ચતમ પ્રકારની જાહેર સેવા કરનારને અને પદ્મ પુરસ્કારો કોઇ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ આપવાનું નક્કી થયું. ‘પદ્મશ્રી’ માટે જરૂરી પ્રદાનમાં ‘ઉચ્ચ કક્ષાનું’ (‘ઓફ હાઇ ઓર્ડર’) એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો નહીં.

નાગરિક સન્માનના આ ઉપક્રમમાં પાયાની ખોડ એ રહી કે તેનો સઘળો કારભાર સરકારને હસ્તક રહ્યો. તાત્ત્વિક દૃષ્ટિએ સવાલ એ થાય કે દેશના ઘડતર સિવાયની કળા, વિજ્ઞાન કે સાહિત્ય જેવી બાબતમાં કોઇ વ્યક્તિનું પ્રદાન નક્કી કરવાની સરકારની લાયકાત કેટલી? કોઇ ચોક્કસ વિષયમાં વ્યક્તિનું પ્રદાન સન્માનયોગ્ય છે કે નહીં અને પદ્મશ્રીને યોગ્ય છે કે પદ્મભૂષણને કે પદ્મવિભૂષણને, એ સરકારી બાબુઓ કે નેતાઓ કેવી રીતે નક્કી કરી શકે? એ માટેની કોઇ પારદર્શક વ્યવસ્થા ન ગોઠવાઇ.

ખરેખર થવું એવું જોઇએ કે સંબંધિત વિષયોને લગતી સંસ્થાઓ દ્વારા જ એ વિષયનાં સર્વોચ્ચ સન્માન અપાય. સરકાર તેમાં કોઇ પણ હિસાબે દાખલ થવા ઇચ્છતી જ હોય, તો તેણે કમ સે કમ વિષયનિષ્ણાતોની સમિતિ બનાવીને તેમનો નિર્ણય માથે ચડાવવો રહ્યો. પરંતુ કઇ સરકાર ‘સાન્તાક્લોઝ’ બનવાની તક જતી કરે? તેને કારણે સન્માનો ‘નાગરિક’ મટીને ‘સરકારી’ રંગ ધારણ કરવા લાગ્યાં અને છેક રાયબહાદુર-ખાનબહાદુર જેવાં વરવાં નહીં, તો પણ એકંદરે સરકારની કૃપાદૃષ્ટિ, સત્તાધીશો સાથેના સંપર્કો કે સાંઠગાંઠના પ્રતીક બની ગયાં. તેમાં ઘાલમેલિયા ગોઠવણબાજોને મઝા પડી ગઇ.

સમય જતાં પદ્મ સન્માનો અને ‘ભારતરત્ન’ સુદ્ધાંમાં મુખ્યત્વે ચાર પ્રકારના લોકો આવ્યાઃ ૧) રાજકીય ગણિતમાં બંધ બેસે એવા ૨) માતબર પ્રદાન ઉપરાંત સત્તાધીશો સાથે સંપર્ક ધરાવતા- તે અવગણી ન શકે એવી જગ્યાએ કાર્યરત ૩) નોંધપાત્ર પ્રદાન અને તેને સરકારે બિરદાવવું જોઇએ એવું માનનારા શુભેચ્છકો ધરાવનારા ૪) સત્તાધીશો સાથેના છેડા શોધીને ધક્કા મારતાં મારતાં મહેનતપૂર્વક સન્માન સુધી પહોંચેલા.

અત્યાર સુધીના આશરે ૨૨૦૦થી વઘુ પદ્મશ્રી, ૧૦૫૦થી વઘુ પદ્મભૂષણ અને ૨૫૦થી વઘુ પદ્મવિભૂષણોમાં ત્રીજા અને ચોથા પ્રકારના લોકોની બહુમતિ રહી છે. એ જ રીતે, ૪૧ ‘ભારતરત્ન’ની યાદીમાં પહેલા અને બીજા પ્રકારનાં નામ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

જેમ કે, પંડિત રવિશંકર મહાન સિતારવાદક છે તેમાં બેમત નથી. પરંતુ તેમને ૧૯૯૯માં ‘ભારતરત્ન’થી નવાજવાના નિર્ણયની ઠીકઠીક ટીકા થઇ હતી. ‘ભારતરત્ન હાંસલ કરવા માટે પંડિત રવિશંકરે સાંસદોને સાઘ્યા હતા’ એવો આક્ષેપ વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે કર્યો હતો. ‘ભારતરત્ન’ મળ્યાનાં થોડાં વર્ષ અગાઉ પંડિત રવિશંકરે ભારતમાં પોતાની પૂરતી કદર ન થઇ હોવાનું જણાવીને પરદેશમાં વસવાની ચીમકી આપી હતી. તેને યાદ કરીને પંડિત જસરાજે કહ્યું હતું કે ‘જે માણસ દેશનું નાગરિકત્વ છોડી દેવાની વાત કરતો હોય તેને દેશનું સર્વોચ્ચ સન્માન શી રીતે આપી શકાય?’ ટોચના સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાંએ જરા જુદી રીતે આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે ‘સરકારી સમિતિને સંગીતમાં શી ખબર પડે?’
આ પ્રકારની ટીકામાંથી માનવસહજ વ્યક્તિગત બળતરાનો ભાવ કાઢી નાખ્યા પછી પણ ઘણું તથ્ય બાકી રહે છે.

બહુ(ભારત)રત્ના વસુંધરા

‘ભારતરત્ન’ જેવા સર્વોચ્ચ એવોર્ડનો ઉપયોગ અનેક વાર રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે થયો છે. બાકી, સરદાર પટેલ, એમ.જી.રામચંદ્રન અને રાજીવ ગાંધીને એક જ એવોર્ડ (ભારતરત્ન)થી શી રીતે સન્માની શકાય? સરદાર પટેલ, ડો.આંબેડકર અને બીજા સભ્યોએ આઝાદી પછી સંસદમાં ચર્ચા દરમિયાન સરકારી એવોર્ડ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. છતાં વી.પી.સિંહે દલિત મતબેન્કને ઘ્યાનમાં રાખીને ડો.આંબેડકરને મરણોત્તર ‘ભારતરત્ન’ આપ્યો. ગાંધીજી, સરદાર પટેલ, ડો.આંબેડકર જેવા નેતાઓ ‘ભારતરત્ન’થી પર છે એ હકીકત સાથે મતબેન્કનું રાજકારણ ખેલનારાને શી લેવાદેવા?

ખરેખર તો જવાહરલાલ નેહરૂ એ જ યાદીમાં આવે, પણ તેમણે હોંશીલી પ્રકૃતિને કારણે, સામાન્ય વિવેક ભૂલીને વડાપ્રધાનના ચાલુ હોદ્દે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના હસ્તે ૧૯૫૫માં ‘ભારતરત્ન’ સ્વીકાર્યો હતો. તેમની સરખામણીમાં તત્કાલીન શિક્ષણમંત્રી મૌલાના આઝાદ વધારે ઠરેલ સાબીત થયા. રાષ્ટ્રપતિ અને આઝાદીની લડતના સાથીદાર રાજેન્દ્રપ્રસાદે આઝાદને ‘ભારતરત્ન’ માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પોતે જે સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હોય, તેની પાસેથી કેવી રીતે એવોર્ડ સ્વીકારી શકે? ‘મારા માટે વિદ્વત્તાના પ્રતીક જેવું ‘મૌલાના’ તરીકેનું સન્માન પૂરતું છે.’ એવું તેમણે કહ્યું હોવા છતાં, રાજીવ ગાંધીને ‘ભારતરત્ન’ અપાયાના બીજા વર્ષે (૧૯૯૨માં) મૌલાનાને મરણોત્તર ‘ભારતરત્ન’ આપવામાં આવ્યો.

તમિલ નેતા એમ.જી.રામચંદ્રને જીવતાંજીવ એવોર્ડનું પ્રશસ્તિપત્ર હિંદી ભાષામાં હોવાના વિરોધમાં ‘પદ્મશ્રી’ ઠુકરાવી દીધો હતો, એટલે તેમના મૃત્યુ સુધી રાહ જોયા પછી રાજકારણના ભાગરૂપે તેમને મરણોત્તર ‘ભારતરત્ન’ જાહેર કરવામાં આવ્યા. આ સિલસિલામાં મોરારજી દેસાઇનો કિસ્સો સૌથી વિશિષ્ટ છે. જનતા સરકારના શાસન દરમિયાન વડાપ્રધાન બનેલા મોરારજીભાઇએ સરકારી બની ગયેલા એવોર્ડ બંધ કરી દીધા હતા, પરંતુ માંડ દોઢેક વર્ષ પછી ૧૯૮૦થી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ફરી એવોર્ડ શરૂ કર્યા. ત્યાર પછી ૧૯૯૧માં ખુદ મોરારજી દેસાઇએ ‘ભારતરત્ન’ એવોર્ડ પ્રેમથી સ્વીકારી લીધો.

ભારતરત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડની આ દશા હોય તો પદ્મ પુરસ્કારની હાલત કલ્પી શકાશે. નાગરિક સન્માનોની ઘસાયેલી વિશ્વસનીયતાના મુદ્દે મઘ્ય પ્રદેશની હાઇકોર્ટમાં એક પીટીશન દાખલ થઇ હતી અને એ કેસ ચાલ્યો એ વર્ષો દરમિયાન એવોર્ડની વહેંચણી મોકૂફ રહી. ત્રણ વર્ષ પછી સર્વોચ્ચ અદાલતના તત્કાલીન વડા ન્યાયાધીશ જસ્ટિ અહેમદીના અઘ્યક્ષપણા હેઠળની બેન્ચે નાગરિક સન્માનોને બંધારણીય માન્યતા તો આપી. સાથોસાથ આકરા શબ્દોમાં એવી ટીકા પણ કરી કે ‘અંગ્રેજોના શાસન વખતે ઇલ્કાબના લોભી લોકો સમાજ માટે નુકસાનકારક સાબીત થયા હતા. આઝાદ ભારતમાં આ જ રીતે જથ્થાબંધ એવોર્ડ વહેંચાતા રહેશે તો એ બાબત સમાજ માટે, ઇલ્કાબના લાલચુ લોકો કરતાં પણ વધારે હાનિકારક પુરવાર થશે.’ ન્યાયધીશોની બેન્ચે એવોર્ડની સંખ્યા પર અંકુશ મુકવાની અને એવોર્ડના માપદંડ ચકાસવા માટે એક સમિતિ બનાવવાની ભલામણ પણ કરી હતી, જેનો કદી અમલ ન થયો.

પરિણામે કોઇ નિખિલ ચક્રવર્તી ‘પત્રકાર તરીકે હું સરકાર પાસેથી એવોર્ડ સ્વીકારી ન શકું’ એમ કહીને કે કોઇ રોમીલા થાપર ‘હું મારા વિષયની-ઇતિહાસની-સંસ્થાનું સન્માન સ્વીકારી શકું, પણ હું કેવી ઇતિહાસકાર છું એની સરકારને શી ખબર પડે?’ એમ કહીને સરકારી સન્માનો ફગાવે છે. પણ એવા જૂજ અપવાદોને બાદ કરતાં કે સરકારી નીતિના વિરોધમાં મળેલું સન્માન પાછું આપનાર ખુશવંતસિંઘ, બાબા આમટે, ઇન્દર મોહન જેવાને બાદ કરતાં મોટા ભાગના સન્માનિતાને આ પુરસ્કારો પોતાનાં માનપાન-શોભા વધારનારા લાગે છે.

એવોર્ડની શોભા વિશે વિચારવાનો કોની પાસે સમય છે?

4 comments:

  1. જો તમારી પાસે થોડાએક લાખ રુપિયા હોય અને તમારુ લોબીઇંગ કરવા માટે એકાદ ‘નિરા રાડિયા’ તૈયાર હોય તો તમે કોઇ પણ પદ્મ ધારણ કરી શકો છો. દર વર્ષે પદ્મશ્રીઓ (આમા બધા પદ્મો આવી ગયા!) નુ લીસ્ટ જોઇએ છીએ ત્યારે કેટલાક નામો જોઇને એમ થાય છે કે આમને ‘કશુ ખાસ નહિ કરીને સમાજ સેવા કરવા’ માટે જ પદ્મ વળગાવવામા આવ્યુ છે. જેમ કે ગયા વર્ષે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ને ‘આર્ટ’ વિભાગમા પદ્મશ્રી બનાવવામા આવ્યા. આ અભિનેતાની ‘હીટ’ તો છોડો પણ છેલ્લી ફિલ્મ કઇ આવેલી એ પણ યાદ કરવુ પડે તેમ છે. હા, બે વરસ પહેલા આવેલી ‘ઓમકારા’મા બોલેલી ગાળો માટે આ એવોર્ડ હોય તો આ દેશમા ઘણા ‘લલ્લુ/લાલુઓ’ પદ્મવિભુષણ બનવા માટે લાયક છે. એવીજ રીતે ICICI બેંકના ચેરપર્સન ચન્દા કોચર ને પદ્મભુષણ બનાવવામા આવ્યા. એક બેંકના લિડર તરિકે તેમણે કોઇ ખાસ કામ નથી કર્યુ. ICICI બેંકનો જે કઇ વિકાસ થયો છે તે પુર્વ ચેરમેન કે.વિ.કામથ ના સમયમા થયો છે. હા, એક મહિલા આટલી મોટી બેંક ના પ્રમુખ બન્યા એ જ જો સિદ્ધિ હોય તો એવી ઘણી મહિલાઓ છે ( જેમ કે પેપ્સીકો ના પ્રમુખ ઇન્દ્રા નુઇ) જેઓ ‘ભારત-રત્ન’ માટે હકદાર છે.
    પરંતુ, જે દેશમા બધુ જ, ઇમાન ધરમ પણ, ખરીદી શકાતુ હોય ત્યા એક બિચારા ‘પદ્મ’ની શુ વિસાત!

    જય હો.

    ReplyDelete
  2. Anonymous9:17:00 PM

    I know an National Awardee whose feelings and activism was more humane in crisis.

    We all know our political leaders in & out of public offices they were both inhumane in crisis.

    This is a difference.....

    ReplyDelete
  3. Jagdish Patel9:17:00 AM

    vdodara ma ek management guru ne padma award malyo hato. Shaher 2002ma jyare bhadke baltu hatu tyare teo kya chhupai gaya hata te j khabar nathi. mane temni pase apeksha hati ke teo shanti mate appeal to karshe j. jo ke emen khabar hashe ke emne koi olakhatu nathi shaher ma, sivay thoda udyogpatio.Teo bin gujarati chhe ane varshothi vadodara ma chhe pan Gujarati aavadtu hova vishe mane shanka chhe. Tajetarma bahu varshe temnu nam sambhalayu jyare RSS na vadano vadodara ma jaher karyakram hato tyar teo nu temni sathe bhashaan hatu.

    ReplyDelete
  4. Tame Sha Mate
    MAGNUN NAM MARI PADTA NATHI,
    Jagdishbhai?

    be bold and fearless.
    be the proud owner of your comment.

    ReplyDelete