Thursday, November 04, 2010

ફટાકડામાં ફાટફૂટ: ચર્ચાની આતશબાજી

નવરાત્રિ વીતે અને ઘોંઘાટમુક્તિનો આનંદ હજુ ઠર્યો પણ ન હોય, તે પહેલાં રાત પડ્યે ફટાકડાના અવાજથી દિવાળીની છડી પોકારાવાની શરૂઆત થઇ જાય છે. ફટાકડા વિશે, તેનાથી થતા અવાજ અને તેના થકી દાઝવાની શક્યતા વિશે માણસો શું ધારે છે એ છૂપું નથી. પરંતુ જાણીતા ફટાકડા પોતપોતાના વિશે, એકબીજાના વિશે એને માણસો વિશે શું ધારતા હશે?
***
(પ્લાસ્ટિકના એક મોટા ઝભલામાં જાતજાતના ફટાકડાનો ખડકલો થયેલો છે. રાત પડવાની અને પોતાની કમાલ બતાવવાની હજુ વાર છે. એટલે નવરા પડેલા ફટાકડા વાતે વળગ્યા છે.)

તારામંડળઃ હેલો એવરીબડી. જાગો છો?
બાકીના બધાઃ આ ઘોંઘાટીયા માણસો ક્યાં ઊંઘવા દે છે?
તારામંડળઃ ઠીક છે, પણ આપણે ક્યાં એમની સાથે જિંદગી કાઢવી છે. હું તો અમસ્તું પૂછતો હતો. વાત કરવાની ખબર પડે ને.
કોઠીઃ બોલ, શું વાત કરવી છે તારે?
તારામંડળઃ આ તો એક અફવા ઉડતી ઉડતી મારા કાને આવી છે. મને થયું કે તમારી સાથે શેર કરૂં.
ચકરડીઃ કહી નાખને ભાઇ સીધેસીઘું જે કહેવું હોય તે! બધાને ખબર છે કે તું સળગાવવામાં બહુ હોંશિયાર છે.
તારામંડળઃ મેં એવું સાંભળ્યું કે ગુજરાતમાં બધા ફટાકડા એકસરખા જ ફૂટે છે.
બાકીના બધાના મિશ્ર અવાજઃ શું વાત કરે છે! એવું કેવી રીતે બને? એટલે તું કહેવા શું માગે છે? ના હોય!
તારામંડળઃ હું કહેતો હતો ને કે વાત બહુ નાજુક છે. મને કોઇએ એવું કહ્યું કે ગુજરાતમાં કોઠી ફોડો કે ચકરડી, સાપ ફોડો કે હીરો, હવાઇ ફોડો કે પેરાશૂટ- બધાં એકસરખી રીતે જ ફૂટે છે. ફટાકડો ફૂટતો જોઇને તમને ખબર જ ન પડે કે આ કોઠી ફૂટી કે બોમ્બ. જ ઘૂમધડાકા કરે છે.

પેરાશૂટ (માથા પર ચોટલીની જગ્યાએ આવેલી દીવેટ પંપાળતાં, ચાણક્ય શૈલીમાં) : પણ એ સંભવ નથી. એ તર્કબદ્ધ નથી. એ કેવી રીતે...(ફરી દીવેટ પંપાળે છે)
ચકરડી (વિચારને કારણે તેનાં ગુંચળાંમાં એક-બે આંટા વધી જાય છે) ઃ આવું તો આજ પહેલાં મેં કદી સાંભળ્યું નથી. મારો એક કઝિન શિવાકાશી રહે છે ને એક તો ‘નાસા’માં રોકેટ ડીપાર્ટમેન્ટમાં બહુ મોટી પોસ્ટ પર છે. એમની પાસે પણ મેં કદી આવી શોધ વિશે સાંભળ્યું નથી. બધા ફટાકડા...એકસરખા ફૂટે?
ટેટાની લૂમઃ રબીશ. હું ભૂતપ્રેતમાં, સુરસુરિયાંમાં અને આવી બધી હમ્બગ વાતોમાં માનતો નથી. ભાઇ તારામંડળ, તારા પીવામાં કંઇક આવી ગયું લાગે છે.
ટેટીની લૂમ (ટહુકો કરે છે) : તમે ભૂલી ન જશો, આપણે ગુજરાતમાં છીએ.
ટેટાની લૂમ (સહેજ છેડાઇને) : આપણે ગુજરાતમાં છીએ એટલે તો ખાસ પૂછવું પડે!
રમકડું: આમ તો હું તારામંડળની વાત માની શકતો નથી. બધા ફટાકડા એકસરખા ફૂટે...હંઅઅઅ...ના, એવું બને નહીં, પણ કહેવાય નહીં. જમાનો એવો ખરાબ છે ને...ગયા વર્ષે મારો એક કઝિન હજુ ફૂટે એ પહેલાં જ કોઇએ એની દીવેટ કાઢી નાખી...
બોમ્બ (ગરમ થઇ જતાં) : આ રમકડું...ક્યાંથી શરૂ કર્યું ને ક્યાં પહોંચી ગયું...મોં બંધ કરે છે કે ખેંચી કાઢું તારી દીવેટ?
દોરી (પોતાના ગૂંચળામાંથી મોંવાળો ભાગ બહાર કાઢીને) : મને તો આ કલ્પનામાત્રથી જ એટલો રોમાંચ થાય છે! વાઉ! હું હવાઇની જેમ આસમાનને આંબી શકીશ! ટેટાની લૂમની જેમ ધડબડાટી બોલાવી શકીશ! હીરાની જેમ ઝળહળી શકીશ...
બપોરિયું: મને નથી લાગતું કે આવું કંઇ થાય. જોકે, થાય તો પણ થાય પણ ખરૂં.
તડતડિયો તારામંડળ (ચિઢાઇને): જો પાછો,બદલ્યો રંગ! તારે તો રાત સિવાય કે રાજકારણ સિવાય બોલવું જ નહીં. તારા બદલાતા રંગ ત્યાં જ ચાલે.
ટીકડીઃ પણ તમને શું લાગે છે, તારામંડળ? તમે સાંભળેલી અફવાનો અર્થ શું હોઇ શકે? આપણા પર તેની શી અસર હોઇ શકે?
તારામંડળઃ ટીકડીના સવાલમાં કંઇક સ્પાર્ક/ચમકારો છે. ખરેખર આપણે લોકોએ આ બાબતે વધારે વિચારવું જોઇએ.
બાકીના બધાઃ પણ વિચારવું કેવી રીતે? આપણે ગુજરાતમાં નથી? અને અફવા તો એવું કહે છે કે આપણે બધા એકસરખા જ ફૂટવાના છીએ.
તારામંડળઃ હા, પણ આપણે આપણા વિશે ફેલાવાતી અફવાઓને માની લઇશું તો...
રમકડું (અવળચંડાઇ દાખવતાં) : ..તો શું? આપણે ગુજરાતી કહેવાઇશું.
હવાઇ (દાઢીની જગ્યાએ આવેલી દીવેટ ખંજવાળતાં): આપણે ખરેખર ગંભીરતાથી વિચારવું જોઇએ. બઘું દારૂખાનું એકસરખું ફૂટે એવું શા માટે થવું જોઇએ? એવું કેવી રીતે બની શકે? એવું વૈજ્ઞાનિક રીતે શક્ય છે? કેવા પ્રકારનાં ચેડાં થાય તો આ શક્ય બને? અને આવું શક્ય બને તો એમાં આપણને ફાયદો થાય કે નુકસાન?
મિર્ચીબોમ્બ (અત્યાર સુધી ચૂપચાપ બેસી રહીને સાંભળવાનો કંટાળો વ્યક્ત કરતાં)ઃ આ શું લમણાંઝીંક લઇને ક્યારના મચ્યા છો? આ હવાઇ એની જાતને શું સમજે છે? તપાસપંચની અઘ્યક્ષ?
હવાઇ: હા, કારણ કે મેં થોડા વખત પહેલાં માણસોની વાતચીતમાં એવું સાંભળ્યું હતું કે બધાં તપાસપંચો છેવટે હવાઇ જાય છે...
ટાઇમબોમ્બઃ બસ, બહુ થયું. પક્ષના કાર્યકર્તાઓની માફક અંદરોઅંદર ઝઘડવાની જરૂર નથી. વિરોધપક્ષો સાથે વહેંચીને ખાતા હોઇએ એવી રીતે, શાંતિપૂર્વક ચર્ચા કરીએ.
હીરોઃ ભાઇ, તું તારૂં પોલિટિક્સ તારી સાથે રાખ ને અહીં કંઇક અગત્યની વાત થાય છે એની પર અજવાળું પાડ.
પેન્સિલ (સફાળી જાગીને): અજવાળું પાડવાનું છે? લાવો, મને બહુ સરસ આવડે છે, ને મારૂં ડ્રેસિંગ પણ મસ્ત છે ને ઝીરો ફીગર છે.
તારામંડળઃ એય ઝીરો ફિગર, શાંતિ રાખ. એકાદ બોમ્બનું છટકશે તો તારૂં ફિગર ને ફિઝીક બઘું ઝીરો થઇ જશે. પછી તું સૂરસૂરિયાને લાયક પણ નહીં રહે.
કોઠી (તારામંડળને): આ તે સળગાવ્યું છે તો તું જ ઓલવ.
તારામંડળઃ મેં તો ફક્ત સાંભળેલી વાત કરી છે. મારી પાસે કોઇ ખાતરી નથી.
હવાઇઃ એમ તો મેં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે પણ આવું સાંભળ્યું હતું કે ગુજરાતમાં ઘણાં વોટિંગ મશીનમાં એકસરખાં જ ફૂટતાં હતાં...ગમે તે બટન દાબો, વોટ એક જ જગ્યાએ પડે.
તારામંડળઃ સામાન્ય રીતે હું પોલિટિક્સમાં પડતો નથી...પણ મને આ ક્ષણે વિચાર આવે છે કે આપણે પોલિટિક્સમાં ભલે ન પડીએ, પોલિટિક્સ આપણામાં પડે તો?
મિર્ચીબોમ્બઃ (ફૂટતાં ફૂટતાં રહી જાય છે) તું કંઇ સમજાય એવી વાત કર.
તારામંડળઃ બસ, આપણે સૌ એટલું જ નક્કી કરીએ કે આપણે દરેકે પોતપોતાની ક્ષમતા પૂરેપૂરી ખર્ચવી અને પોતપોતાનો ધર્મ ઇમાનદારીથી અદા કરવો. સમગ્ર ફટાકડાજગતની અસ્મિતાના નામે કે સમરસતાના નામે કોઇ આપણને ગમે તેટલા છાપરે ચડાવે તો પણ આપણે આપણું કામ છોડવું નહીં. ટૂંકમાં, માણસગીરીના ચાળે ચડવાને બદલે ફટાકડાગીરી જાળવી રાખવી.

(આટલું વાક્ય પૂરૂં થાય ત્યાં તો બાળકોનું એક ટોળું કિલ્લોલ કરતું ધસી આવે છે અને ફટાકડાની કોથળી ઉપાડીને બહાર લઇ જાય છે.)

8 comments:

  1. A service,effort and sharing views to Gujarat must have a global impact vis-a-vis global impact to Gujarat State.

    Urvishbhai, lage raho.

    ReplyDelete
  2. Anonymous5:27:00 PM

    Ekdam Saras. Majha padi gai.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  3. વાહ વાહ...
    ગુજરાતને જે બે-ત્રણ હાસ્ય લેખકો મળ્યા છે જે સળગતી વસ્તુને બહુ સમજણ થી અડી શકે....
    ઉર્વિશભાઇ... તમે તેમાંના એક છો... જે ફટાકડા હાથ માં ફોડી શકે..

    ReplyDelete
  4. (અદભૂત, અદભૂત!)
    હવાઇ: હા, કારણ કે મેં થોડા વખત પહેલાં માણસોની વાતચીતમાં એવું સાંભળ્યું હતું કે બધાં તપાસપંચો છેવટે હવાઇ જાય છે...
    (ખુબ મજેદાર ચાબખા છે!)

    ReplyDelete
  5. Anonymous2:23:00 AM

    Hillarious....fatakada has never been used so effectively.....:)

    ReplyDelete
  6. 'જે સળગતી વસ્તુને બહુ સમજણ થી અડી શકે....'

    lovely comment, ashish.

    ReplyDelete