Wednesday, November 17, 2010

સામુહિક શુભેચ્છા અનલિમિટેડ

(Dedicated to dear friend Ayesha Khan)

ઓબામાની જેમ દિવાળી ગઇ, પણ ઘણા સવાલ પાછળ છોડતી ગઇ.

દરેક દિવાળીએ અમદાવાદીઓએ કે ગુજરાતીઓએ કેટલા કરોડ રૂપિયાના ફટાકડા ફોડ્યા કે કેટલા કરોડ રૂપિયાની મીઠાઇ ખાધી, એવા ‘ભૌતિકવાદી’ સવાલોની વાત નથી.

દિવાળીમાં કેટલા ગુજરાતીઓ બહાર ફરવા ગયા, તેમાં કેટલા ટકા ડોક્ટરો હતા, ડોક્ટરોના બહાર જતા રહેવાને કારણે કેટલા લોકો સ્વર્ગસ્થ થયા અને ખાસ તો, કેટલા લોકો બચી ગયા- એવા આંકડાકીય સવાલોની પણ ચર્ચા નથી.

વાત છે દિવાળીની શુભેચ્છા સાથે સંકળાયેલા સવાલોની. દિવાળી-બેસતા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવવાનો જૂનો રિવાજ છે. રૂપિયાની જેમ શુભેચ્છા મોટા ભાગના લોકો-અમીર કે ગરીબ, નાના કે મોટા સૌ- માટે આવકાર્ય હોય છે. પણ દિવાળીમાં શુભેચ્છાની ખાસ જરૂર પડે એ સમજાય એવું છે : નવું વર્ષ બેસે છે એ કારણ તો ખરૂં જ, એ સિવાય બીજાં વધારે મહત્ત્વનાં કારણો પણ છેઃ

દિવાળી ટાણે બોમ્બ અને ટેટાને કારણે થતા ધડાકા કાનમાં ધાક પાડી દે એવા હોય છે. તેમ છતાં, ધડાકા કરનાર સામે ‘ભડાકા’ કરી શકાતા નથી. ઉલટું, ‘બુરા ન માનો, દિવાલી હૈ’નો દેખાવ રાખવો પડે છે. કાનમાં ધાક અને પેટમાં ફાળ સહન કરવા માટે વધારાની શુભેચ્છાઓ જોઇએ કે નહીં?

ખાવાપીવામાં કાળજી રાખનારા લોકોની દશા દિવાળીના દિવસોમાં વિશ્વામિત્ર જેવી થાય છે. ચોતરફ ફેલાયેલી નાસ્તા અને મીઠાઇની મોહજાળને કારણે, આખું વર્ષ રાખેલી કાળજી અને પાળેલી પરેજી ઘૂળમાં નહીં તો ઘી-તેલમાં મળી જશે એવી આશંકા જાગે છે. તે સાચી ન પડે એ માટે વધારાની શુભેચ્છા જોઇએ કે નહીં?

દિવાળીના દિવસોમાં બહાર જમવા જવું હવે દેખાડો નહીં, જરૂરિયાત કે સ્વાભાવિકતા બની ગયું હોય એવું રેસ્ટોરાંમાં ઉમટેલી ભીડ જોઇને લાગે છે. એ દિવસોમાં સદાવ્રત કરતાં રેસ્ટોરાંમાં વધારે લાંબી લાઇન અને વધારે ભીડ રહેતી હશે. આવી હડિયાપાટીમાં બનાવાતું અને પીરસાતું ભોજન વખાણીને ખાવાનું તો બધાને ફાવી ગયું છે (કારણ કે ઘણા લોકોને ભોજનમાંથી નહીં, રૂપિયા ખર્ચવામાંથી સ્વાદ આવતો હોય છે) પણ એ ભોજન પચાવવા માટે વધારાની શુભેચ્છા જોઇએ કે નહીં?

જોઇએ. જોઇએ. જોઇએ.

હવે બીજો તાર્કિક પ્રશ્ન છેઃ શુભેચ્છા કામ કરે છે ખરી?

જેવો સવાલ તેવો જવાબઃ સરકાર કામ કરે છે ખરી? છતાં સરકાર ચૂંટવામાં આવે છે. સંસ્થાઓ કામ કરે છે ખરી? છતાં તેમને ચલાવવામાં આવે છે. તો પછી શુભેચ્છાઓ માટે જુદાં કાટલાં શા માટે? સંસ્થાઓને અને સરકારોને શંકાનો લાભ અપાતો હોય, તો શુભેચ્છાને તે સૌથી વધારે પ્રમાણમાં મળવો જોઇએ. કારણ કે તેમાં ઓછામાં ઓછો ખર્ચ થાય છે.

શુભેચ્છા આપવા માટે પહેલાં દિવાળી કાર્ડ લખવામાં આવતાં હતાં: કુદરતી દૃશ્યો, શહેરોનાં પિક્ચર પોસ્ટકાર્ડ, સિનમાસ્ટાર કે દેવીદેવતાઓના ચહેરા, ફૂલ, દીવડા, સુવાક્યો- આ હતાં દિવાળી કાર્ડનાં મુખ્ય આકર્ષણ. ‘જેમ દિવાળી કાર્ડ વઘુ રંગીન કે ચમકતું, તેમ એ વધારે સારૂં’ એવું પ્રચલિત ધોરણ હતું. એ વખતે રૂપિયા સિવાયની ચીજો સંઘરવાનો પણ મહિમા હોવાથી ઘણા લોકો સારાં દિવાળી કાર્ડના સંગ્રહ કરતા હતા. ગુજરાતીઓની એક આખી પેઢી દિવાળી પરદેશી સગાંના કાર્ડમાં આવતા લંડનના ટાવર બ્રિજના અને ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેરના ફોટા જોઇને મોટી થઇ.

ખરીદેલાં દિવાળી કાર્ડને બદલે સાદા પોસ્ટકાર્ડ પર એકાદ સારી પંક્તિ કે સુવાક્ય લખીને શુભેચ્છા પાઠવવામાં કાર્ડનો ખર્ચ બચી જતો હતો અને કંઇક જુદું કર્યાનો આનંદ પણ મળતો હતો. ત્યારે ‘બલ્ક મેઇલ’નો અર્થ હતોઃ દિવાળીના ખાસ્સા દિવસ પહેલાં જથ્થાબંધ દિવાળી કાર્ડ અથવા પોસ્ટકાર્ડ ખરીદવાં, લાલ-લીલી પીન લાવવી અને સરનામાંની ડાયરી લઇને રોજ થોડાં થોડાં કાર્ડ પર સરનામાં લખવાં. કેટલાક જાગ્રત સંબંધીઓનાં દિવાળી કાર્ડ એટલાં વહેલાં આવી જતાં કે ‘તે ગઇ દિવાળીનાં અવગતે ગયેલાં તો નહીં હોય!’ એવો વિચાર આવી જતો હતો. એ જ રીતે, લાભપાંચમના ઘણા દિવસ પછી પણ છૂટાછવાયાં દિવાળી કાર્ડની આવક ચાલુ રહેતી હતી- અને એ સત્યની યાદ અપાવતી રહેતી હતી કે તમારાં કાર્ડની આ ગતિ ન જોવી હોય તો આવતા વર્ષે વેળાસર દિવાળી કાર્ડ લખી કાઢજો.

લગ્નના ચાંલ્લાની જેમ દિવાળી કાર્ડની પણ નોંધ લેવાતી અને રખાતી હતીઃ આ સાલ કોનું નથી આવ્યું? કોણ કવર પરથી પોસ્ટકાર્ડ પર આવ્યું? કોણે જરૂર કરતાં વધારે ટિકિટ લગાડી? ને કોના કાર્ડમાં ટિકિટ ન હોવાને કારણે દંડ ભરીને શુભેચ્છાઓ લેવી પડી? દિવાળીની શુભેચ્છા કાર્ડના જમાનામાં પણ વ્યવહાર જ હતી. છતાં આગળ વર્ણવેલી બાબતોને કારણે તેમાં યાંત્રિકતાનું પ્રમાણ સો ટકા સુધી પહોંચ્યું ન હતું.

ઇ-મેઇલ સર્વિસ આવી અને જોતજોતાંમાં દિવાળી શુભેચ્છા ‘બલ્ક મેઇલ’માં મોકલવાની ચીજ બની ગઇઃ એક સંદેશો ટાઇપ કરો, તેમાં કશી સજાવટ કરવી હોય તો કરો અને એડ્રેસ બુકમાંથી સરનામાંનો ઢગલો પસંદ કરીને એક જ ક્લીક કરો, એટલે એક જ કાંકરે અનેક પક્ષી! અથવા તેમાં ફેરફાર કરીને કહી શકાયઃ એક જ ફૂલથી અનેકને શુભેચ્છા!

મોબાઇલ ફોનમાં એ પરંપરા આગળ વધી અને ફૂલી-ફાલી-ફાટી. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં રોજેરોજ શુભેચ્છાઓનાં ગાડાં ઇનબોક્સના બારણે ઠલવાવા લાગ્યાં. ઇનબોક્સ અને ડસ્ટબીન/રીસાયકલ બીન વચ્ચેનું અંતર દિવાળીના દિવસોમાં ઘટવા લાગ્યું. સવારે પાંચ વાગ્યાથી માંડીને રાત્રે એક- બે વાગ્યા સુધી ગમે ત્યારે સંદેશાઓ દરવાજો ખટખટાવવા લાગ્યા. શુભેચ્છામાં એક ફૂલ હોય, ફૂલનો ગુચ્છો હોય, પણ ઘરના બારણે ફૂલ ભરેલી ટ્રક શુભેચ્છાના પ્રતીક તરીકે ઠલવાઇ જાય તો? પહેલી વ્યવસ્થા તેને સુંઘવાની નહીં, સાફ કરવાની ગોઠવવી પડે.

હવે દિવાળી પહેલાં લોકો ઘરની સફાઇ કરીને થાકે છે અને દિવાળી પછી કમ્પ્યુટરનાં-મોબાઇલ ફોનનાં ઇનબોક્સની સાફસૂફી કરીને હાંફી જાય છે. કારણ કે ઇન બોક્સમાં ખડકાયેલો ઢગલો સાફ કરવાના ઉત્સાહમાં એકાદ કામનો સંદેશો ડીલીટ થઇ જાય તો નવેસરથી શુભેચ્છાઓની જરૂર પડી શકે.

દિવાળી પછીના દિવસો માટે, ‘અઢળક જથ્થામાં ઠલવાતી શુભેચ્છાઓની ઝડપી સફાઇ કરવાનું બળ મળે’ એવા શુભેચ્છાસંદેશનો રિવાજ ટૂંક સમયમાં શરૂ થાય તો નવાઇ નહીં. એવું થાય તો પછી એ સંદેશાથી ઇન બોક્સ છલકાઇ જશે.

5 comments:

 1. Anonymous6:35:00 PM

  Ha ha ha .
  Sukumar M. Trivedi

  ReplyDelete
 2. you are right, urvish, it was great fun to receive such scenic and colourful greeting cards in that pre-cyber age and now we can make do only with its nostalgia.

  i therefore feel i must acknowledge and appreciate the only postcard-cum greeting card i received this diwali/new year with swastikas and a deepshikha drawn and good wishes handwritten by our celebrated humorist RATILAL BORISAGAR !

  ReplyDelete
 3. i noticed only now that your above post is dedicated to ayesha khan and i think that could be the slim lady journalist who collected 'SCATTERED VOICES' - a poetry anthology on godhra aftermath.

  but her verse i am going to quote here in support of my comment and as a rejoinder to br jabir is pertinent to your earlier post no 16.

  'tattooed on my head
  is my religion.
  my faith
  saviour of my soul.
  and, now it makes me
  the new pariah,
  the new untouchable.'

  this is what religion gives in return of one's obeisance and the almighty saviour is helpless spectator at the miserable fate of his followers !

  ReplyDelete
 4. Nikunj Kadakia7:42:00 AM

  ઉર્વીશભાઈ:
  તમારાં લેખો અવારનવાર વાંચું છું.
  હાસ્ય વ્યંગ્યની સાથે માર્મિક સંદેશો
  પહોચાડનારા લેખોથી ગમ્મત સાથે જ્ઞાન મળે છે.
  અમે અહીં કોલંબસ ઓહાયોમાં દ્વિવાર્ષિક અંક બહાર પાડીએ છીએ.
  તમારી અનુમતિથી આપના એકાદ બ્લોગ-લેખ લેવા માટે અમારી
  ઈચ્છા છે. સમય મળેથી જણાવશો તો આભાર.
  નિકુંજ

  ReplyDelete
 5. urvish kothari1:00:00 PM

  @nikunjbhai:
  you can use my article, with due credit.
  pl. send me soft/hard copy when it's published.

  ReplyDelete