Sunday, November 21, 2010

લોકશાહીની ઝીણી પણ જ્વલંત જ્યોતઃ સૂ ચી


આંતરરાષ્ટ્રિય સમાચારોમાં ગયા અઠવાડિયે માંડ ગુજરાત રાજ્ય જેટલું કદ ધરાવતો બર્મા ઉર્ફે બ્રહ્મદેશ ઉર્ફે મ્યામાં છવાયેલો રહ્યો. સમાચારના કેન્દ્રમાં હતાં ૬૫ વર્ષનાં નેતા સૂ ચી, જેમણે છેલ્લા ૨૧ વર્ષના સમયમાંથી ૧૫ વર્ષ એક યા બીજી રીતે કારાવાસમાં ગુજાર્યાં છે.

સાત વર્ષની છેલ્લી નજરકેદ પછી ૧૩ નવેમ્બર, ૨૦૧૦ના રોજ લશ્કરી શાસને મુક્ત કરેલાં સૂ ચી તેમના નામના અવળચંડા અંગ્રેજી સ્પેલિંગને કારણે ‘સુ કી’ તરીકે ઉલ્લેખાતાં હોય છે, પણ બર્મીઝ ભાષામાં તેમના આખા નામનો (સાચાથી સૌથી નજીકનો ઉચ્ચાર) ‘આંવ સાન સૂ ચી’ છે. કારાવાસમાંથી મુક્ત થયા પછી ખુદ સૂ ચીએ બીબીસી સાથે કરેલી વાતચીતમાં એ મતલબનું કહ્યું હતું કે ‘(કેટલાક લોકો) મને ‘ધ લેડી વિથ અનપ્રોનાઉન્સિએબલ નેમ’/નામનો અટપટો ઉચ્ચાર ધરાવતાં મહિલા તરીકે ઓળખે છે, પણ ખરૂં મહત્ત્વ તેમની શુભેચ્છાઓનું છે.’

અંગ્રેજી હકુમતની એડી તળે કચડાયેલો બ્રહ્મદેશ લાંબા સમય સુધી ભારતના એક હિસ્સા જેવો ગણાતો હતો. તેના પાટનગર રંગૂન સાથે અનેક ગુજરાતીઓનો કારોબાર ચાલતો હતો. સામાન્ય વ્યવહારમાં કઠોળના રંગૂની વાલથી માંડીને ‘મેરે પિયા ગયે રંગૂન’ જેવાં ગીતોમાં બ્રહ્મદેશ-ભારતની નિકટતા દેખાતી હતી.

ભારત આઝાદ થયું તેના બીજા જ વર્ષે, સૂ ચીના પિતા જનરલ આંવ સાનની આગેવાની હેઠળ ચાલતી આઝાદીની લડતમાં બર્મા સ્વતંત્ર થયું. પરંતુ ભારતની જેમ બર્મા એક લોકશાહી તરીકે સ્થિર થઇ શકે તે પહેલાં જ, આઝાદીના માંડ છ મહિના પછી જનરલ આંવ સાનની હત્યા થઇ. ત્યારથી ખરાબે ચડેલું બર્માની લોકશાહીનું નાવ હજુ ભટક્યા કરે છે.

૧૯૬૦માં બર્મામાં ચૂંટણી થઇ ત્યારે જનરલ આંવ સાનના સાથીદાર ઉ નુ ફરી એક વાર વિજેતા થયા. એ વખતે આંવ સાનનાં પત્નીને ભારતનાં રાજદૂત તરીકે નીમવામાં આવ્યાં. તેમની સાથે ૧૫ વર્ષનાં સૂ ચી પણ ભારત આવ્યાં. તેમને રહેવા માટે જવાહરલાલ નેહરૂએ ૨૪, અકબર રોડ પર આવેલો બંગલો ફાળવ્યો અને એ બંગલાનું નામ ‘બર્મા હાઉસ’ રાખવામાં આવ્યું. હાલ કોંગ્રેસની ઓફિસ ધરાવતા ૨૪, અકબર રોડના બંગલાની તવારીખ પુસ્તક સ્વરૂપે આલેખનાર ‘ધ ટેલીગ્રાફ’ના રશીદ કિડવાઇની નોંધ પ્રમાણે, ‘સૂ ચીએ ૨૪, અકબર રોડના બંગલામાં રહેવા માટે જે રૂમ પસંદ કર્યો હતો, ત્યાં અત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે રાહુલ ગાંધી બેસે છે.’
બર્માના રાજદૂત ઉપરાંત જનરલ આંવ સાનનાં પરિવારજનો તરીકે માતા-પુત્રીનું બરાબર ઘ્યાન રાખવામાં આવતું હતું. સૂ ચીના સમવયસ્ક, વડાપ્રધાન નેહરૂના પૌત્રો રાજીવ અને સંજય સાથે સૂ ચી રમ્યાં હતાં અને ભારતના રાષ્ટ્રપતિભવનના અંગરક્ષકો પાસે તે ઘોડેસવારી શીખ્યાં હતાં. ભવિષ્યમાં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર અને પોતાના અહિંસક રાજકારણ માટે વિશ્વભરમાં વિખ્યાત થનાર સૂ ચીએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. મહાત્મા ગાંધીનો અહિંસક પ્રતિકાર અને સત્યાગ્રહ તેમના ભાવિ સંગ્રામ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં.

પરંતુ આવનારાં વર્ષોમાં સૂ ચીના અને ભારતના રાજકીય રસ્તા અલગ ફંટાવાના હતા. બર્મામાં લોકશાહીનાં બે વર્ષ માંડ વીત્યાં, ન વીત્યાં અને જનરલ નેવિને લશ્કરી વિદ્રોહની મદદથી સત્તા આંચકી લીધી. ત્યાર પછીના બે દાયકા સુધી સૂ ચી બર્માની બહાર રહ્યાં, પીએચ.ડી. થયાં, તિબેટી સંસ્કૃતિના અભ્યાસી ડો.માઇકલ એરીસ સાથે લગ્ન કરીને બે સંતાનોનાં માતા બન્યાં. તેમની જિંદગીમાં આવનારા રાજકીય વાવાઝોડાનો એ અઢી દાયકા દરમિયાન વખતે અણસાર સરખો ન હતો.

૧૯૮૮માં તે બર્મા પાછા ફર્યાં ત્યારે તેમનો આશય ફક્ત પોતાનાં વૃદ્ધ માની દેખભાળ રાખવાનો હતો. પરંતુ એ વખતે બર્મામાં વર્ષોથી ભારેલો વિરોધનો અગ્નિ ભભૂક્યો હતો. લશ્કરી શાસનની શરૂઆતનાં વર્ષોમાં ‘સંપત્તિના રાષ્ટ્રિયકરણ’ના નામે બર્માના ન હોય એવા લોકોની કનડગત શરૂ કરી. ૧૯૯૧ સુધી બર્માના રાજકારણમાં સક્રિય રહ્યા પછી બર્મા છોડીને ભારત આવી ગયેલા રામજિત વર્માએ તેમના પુસ્તક (ગુજરાતી અનુવાદઃ ‘બર્મામાં સળિયા પાછળની આઝાદી’, હીરાલક્ષ્મી મેમોરીયલ ફાઉન્ડેશન, મુંબઇ)માં નોંઘ્યા પ્રમાણે, ‘૧૯૬૪થી ૧૯૭૨ દરમિયાન છ લાખ ભારતીયો બઘું છોડીને ભારત હિજરત કરી ગયા. તેમાંથી ૭૫ ટકા બર્મામાં જન્મ્યા હતા. એમના બર્મામાં રહેલા વંશજોને સ્વતંત્ર બર્માની નાગરિકતાના કાનૂન પ્રમાણે બર્માની નાગરિકતા મેળવવાનો અધિકાર છે, પરંતુ લશ્કરી શાસનને કારણે એ લોકો અધિકારથી વંચિત રહ્યા છે.’

‘બહારના’ કહેવાતા ભારતીયો તો ઠીક, ખુદ બર્માની પ્રજા પણ લશ્કરી શાસનની જોહુકમીથી ત્રાસી ગઇ હતી. આખરે ૧૯૮૮માં બૌદ્ધ ભિખ્ખુઓ અને વિદ્યાર્થીઓ સહિતની પ્રજાએ લશ્કર સામે બળવો કર્યો. રાજ્યશાસ્ત્ર ભણેલાં અને ચાર દાયકા પહેલાં રાજકીય અશાંતિમાં પિતાને ગુમાવી ચૂકેલાં સૂ ચી શાંત બેસી ન શક્યાં. વૃદ્ધ માને બદલે આખા દેશની જવાબદારી તેમને પોકારતી હતી. તેમણે ૪૩ વર્ષની વયે પહેલી વાર સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. ત્યારથી આજ લગી એ પાછાં હઠ્યાં નથી.

એક વાર લશ્કરી શાસકોની સામે પડ્યા પછી સફળતા ઝાંઝવાં જેવી બની જાય છે અને કૌટુંબિક જિંદગી વેરવિખેર. બર્મા આવ્યા પછી સૂ ચી તેમના પતિને માંડ પાંચ વાર મળી શક્યાં. ૧૯૮૮ના પ્રચંડ વિરોધ પ્રદર્શનો પછી ૧૯૯૦માં ચૂંટણી જાહેર કરવામાં આવી. તેમાં સૂ ચીના પક્ષ ‘નેશનલ લીગ ફોર ડેમોક્રેસી’નો ભવ્ય વિજય થયો. ચૂંટણીટાણે સૂ ચી નજરકેદ હોવા છતાં તેમના પક્ષને ૪૮૫માંથી ૩૭૨ બેઠકો મળી હતી. પરંતુ લશ્કરી શાસને ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની ના પાડી દેતાં લોખંડી શાસન અનંત કાળ સુધી લંબાઇ ગયું અને સૂ ચી માટે કારાવાસ-નજરકેદનો સિલસિલો શરૂ થયો.

પતિ ડો.એરીસને પ્રોસ્ટેટનું કેન્સર હોવા છતાં, બર્માની લશ્કરી સરકારે તેમને બર્મામાં પ્રવેશની મંજૂરી ન આપી. લશ્કરી શાસકો ઇચ્છતા હતા કે સૂ ચી પોતાના કેન્સરગ્રસ્ત પતિની સારવાર માટે દેશ છોડી જાય, તો બલા ટળે. પણ નાજુક-નમણો બાંધો ધરાવતાં સૂ મક્કમ મનોબળનાં નીવડ્યાં. તેમણે દેશને પહેલી પસંદગી આપી. ૧૯૯૯માં ડો.એરીસનું અવસાન થયું, ત્યારે સૂ ચી બર્મામાં નજરકેદ હતાં.

૧૯૮૮થી શરૂ થયેલી રાજરમતમાં સૂ ચીને વચ્ચેવચ્ચે કેદમુક્ત કરાતાં રહ્યાં છે, પરંતુ વિરોધનું વાતાવરણ થોડું જામતું લાગે કે તરત તેમને ફરી કેદ કરી લેવામાં આવે છે. છેલ્લે ૨૦૦૩માં તેમના કાફલા પર લશ્કરી શાસકોના મળતીયાઓ દ્વારા થયેલા મનાતા હુમલા પછી ‘સલામતીનાં કારણોસર’ સૂ ચીને નજરકેદ કરવામાં આવ્યાં. ત્યાં ઇન્ટરનેટ તો શું, ટેલીફોનની સુવિધા પણ ન હતી. છતાં, ગયા સપ્તાહે બહાર આવેલાં સૂ ચીએ કહ્યું હતું કે નજરકેદ દરમિયાન તેમને અંગત રીતે કશી તકલીફ ન હતી અને લશ્કરના અફસરો માટે તેમના મનમાં કોઇ દુર્ભાવ નથી. પણ તે કાયદાના અને ન્યાયના શાસન માટે લડી રહ્યાં છે.

કાયદાના શાસનની આ લડાઇમાં ભારતની ભૂમિકા, માનો કે ન માનો પણ, લશ્કરી શાસકોના પક્ષે રહી છે. તેનું એક મુખ્ય કારણ છેઃ એશિયાનું રાજકારણ. ચીન બર્માના લશ્કરી શાસકો સાથે સાંઠગાંઠ કરીને પોતાનો લોખંડી પંજો વિસ્તરે એવા અનેક કરારો અને કામો કરી ચૂક્યું છે. તેમાં ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓથી સાવ નજીક આવેલા અને બર્માના કબજામાં રહેલા કોકો ટાપુઓ પર રડાર મથક સ્થાપવાનો પણ સમાવેશ થાય છે. આ દોટમાં પાછળ રહી ગયું હોવા છતાં, વઘુ પાછળ રહી ન જવાય એ માટે ભારત પણ બર્માના શાસકોને અળખામણું થતું નથી. એટલે જ, ભારતના રાષ્ટ્રપિતાની લડત સૂ ચી માટે આદર્શ હોવા છતાં, ભારત સૂ ચીના અને લોકશાહીના વિરોધીઓના પક્ષે દેખાયું છે.

સૂ ચી છૂટ્યાં તેના અઠવાડિયા અગાઉ લશ્કરી શાસકોએ ચૂંટણી યોજી હતી. તેમાં મોટા પાયે ગોલમાલના આરોપ સાથે લશ્કરી પીઠબળ ધરાવતા પક્ષની જીત થઇ. પરંતુ સૂ ચીની મુક્તિ પછી હવે લોકશાહીનો જંગ નવેસરથી મંડાય એવી શક્યતા ઉભી થઇ છે- કમ સે કમ, સૂ ચીને વઘુ એક વાર નજરકેદ ન કરવામાં આવે ત્યાં સુધી તો ખરી જ.

3 comments:

 1. a nice piece except for the omission of the most sensational incident in the life of suu kyi that required at least a one-line mention.

  she was in the news last year when a foreigner swam across the lake in the night to reach her house. he stayed with her for three days. he was caught for the trespass and Suu Kyi was also arrested for violating the terms of her house arrest.

  ReplyDelete
 2. urvish kothari10:04:00 PM

  well, i read profile of that man and interview of his family when that happened (in newsweek) and i thought it was too quirky though it harmed suu kyi in real manner.

  ReplyDelete
 3. Anonymous7:25:00 PM

  ખૂબ સરસ માહિતી. આપણા લોકોને (આપણા રાજકારણીઓનાં પ્રતાપે જ તો) આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ રસ હોતો નથી. એવામાં આવા લેખો તાજી માહિતી પૂરી પાડે છે.
  એ વાંચીને પણ આનંદ થયો કે ભલે મોડું મોડું, પણ ભારત ઓછામાં ઓછું મ્યા માં ની બાબતમાં તો શાંતિના જાપ જપવાને બદલે પોતાનું ભલું વિચારીને ચાલી રહ્યું છે અને "વિશ્વ શાંતિ" ને બદલે પોતાની સલામતીને મહત્વ આપી રહ્યું છે.

  ReplyDelete