Sunday, November 28, 2010

દરેક ગીત મારા માટે ઇબાદત જેવું હતું: શમશાદ બેગમ


shamshad begum in conversation with urvish and biren kothari


જૂના હિંદી ફિલ્મસંગીતના પુરાણા અને પાકા પ્રેમી તરીકે શમશાદ બેગમનું સ્થાન અમારા (મારા અને બીરેનના) મનમાં એટલું ઊંચું છે કે પરમ દિવસે અને ગઇ કાલે તેમને મળવાનું થયું- ગઇ કાલે તેમની સાથે વીસ-પચીસ મિનીટ વાતચીત કરી, થોડા સવાલ પૂછ્યા, એ અંગત રીતે જીવનનો ધન્ય સમય બની ગયો. મુંબઇ પણ કોઇને ન મળતાં શમશાદ બેગમને અમદાવાદ બોલાવીને અમારા જેવા તેમના ચાહકો સાથે ભેટો કરાવવા બદલ અને 'ગંગાસ્નાન જેવી અનુભૂતિ' કરાવવા બદલ ગ્રામોફોન ક્લબના મિત્રો-વડીલો અને અમારા ગુરુવત સંગીતપ્રેમી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો કયા શબ્દોમાં આભાર માનવો? ગ્રામોફોન ક્લબ કે રજનીભાઇ કોઇની સાથે આભાર માનવા જેવા ઔપચારિક સંબધો નથી, એટલે બસ તેમનું દિલથી સ્મરણ અને આજે પ્રગટ થયેલો શમશાદ બેગમનો ઇન્ટરવ્યુ. (એ સિવાયની થોડીઘણી વાતો- અનુભવો-અનુભૂતિઓ પણ ટૂંક સમયમાં મૂકીશ.)

હિંદી ફિલ્મસંગીતનો સુવર્ણયુગ સર્જનારાં કલાકારોમાં ગાયિકા શમશાદ બેગમનું નામ પહેલી હરોળમાં લેવાય છે. ‘સૈંયા દિલમેં આના રે’ જેવાં મસ્તીભર્યાં ગીતો, ‘ધરતીકો આકાશ પુકારે’ અને ‘છોડ બાબુલકા ઘર’ જેવાં ગંભીર ગીતો તથા ‘મિલતે હી આંખે દિલ હુઆ’ જેવાં પ્રણયગીતો શમશાદ બેગમના કંઠ વિના કલ્પી શકાય નહીં. સંગીતકાર ઓ.પી.નૈયરે જેમના અવાજને કાંસાના રણકાર જેવો ગણાવ્યો હતો, એવાં શમશાદ બેગમ પોતાના જમાઇ (નિવૃત્ત) કર્નલ રાત્રા સાથે ‘ગ્રામોફોન ક્લબ’નો ‘લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ સ્વીકારવાના નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. ૯૨ વર્ષનાં શમશાદ બેગમે ઉંમરસહજ શારીરિક મર્યાદાઓ છતાં ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કેટલાંક જૂનાં સંભારણાં તાજાં કર્યાં.

‘મેં જીવનમાં ફક્ત એક જ વાર ઓડિશન ટેસ્ટ આપ્યો છે.’ એમ કહીને શમશાદ બેગમે પોતાના ઉસ્તાદ અને મશહૂર સંગીતકાર ગુલામહૈદરને યાદ કર્યા હતા.‘મને મળ્યા વિના, મારો અવાજ સાંભળીને માસ્ટરજીએ (ગુલામ હૈદરે) રેકોર્ડકંપની માટે મારી સાથે ૧૨ ગીતોનો કોન્ટ્રાક્ટ કરી લીધો. ત્યાર પછી તેમણે મને તાલીમ આપી અને બધા સંગીતકારો સાથે ગાવાની મોકળાશ પણ આપી. તેમણે મને શીખવ્યું કે જે સંગીતકાર સાથે ગાવાનું હોય તેના અંગમાં (શૈલીમાં) ગાવું. માસ્ટરજીની તાલીમને કારણે હું દરેક પ્રકારનો ભાવ ધરાવતાં ગીત ગાઇ શકી. મારા માટે એ પંજાબી શબ્દ વાપરતાં કહેતા હતા કે તે ‘ચૌમુખીયા’(બહુમુખી) ગાયિકા છે- કોઇ પણ ગીત ઉત્તમ રીતે ગાઇ શકે એવી. ’

ફિલ્મસંગીતમાં દંતકથા જેવું સ્થાન ધરાવતા ગાયક-અભિનેતા કે.એલ.સાયગલ વિશે પૂછતાં શમશાદ બેગમે કહ્યુ,‘મૈં ઉનકી, વો ક્યા કહતે હૈ, ફેન થી.’ ૧૪ એપ્રિલ, ૧૯૧૯ના રોજ જન્મેલાં શમશાદ બેગમે ૧૯૩૫માં આવેલી સાયગલની સુપરહિટ ફિલ્મ ‘દેવદાસ’ દસ વાર જોઇ હતી!. ‘થોડા પૈસા આવે કે તરત હું બહેનપણી સાથે દેવદાસ જોવા ઉપડી જાઊં.’ ગાયિકા બન્યા પછી સાયગલને મળવાનું પણ થયું. ‘રણજિત સ્ટુડિયોમાં (સંગીતકાર ખેમચંદ પ્રકાશના સહાયક) બુલો સી રાનીનું રેકોર્ડિંગ હતું. એ વખતે મારૂં નામ ગાયિકા તરીકે જાણીતું બની ચૂક્યું હતું, પણ હું તેમને કેવળ ચાહક તરીકે મળવા ગઇ. તે બહુ સરસ રીતે મળ્યા. પછી કોઇકે કહ્યું કે આ શમશાદ બેગમ છે. એટલે તેમણે બુલો સી રાની પર ‘મુઝે પહેલે ક્યોં નહીં બતાયા’ એવો મીઠો ગુસ્સો કર્યો અને મને કહ્યું,‘તુમ આના. તુમ્હે પંજાબકી બોલિયાં સુનાઊંગા.’

શમશાદ બેગમની જેમ નૂરજહાં પણ ગુલામ હૈદરની શોધ. નૂરજહાંને યાદ કરતાં શમશાદ બેગમે કહ્યું,‘અમારી વચ્ચે કોઇ પાર્ટીબાજી ન હતી. એકબીજાનાં સારાં ગીતો સાંભળીને અમે દિલથી વખાણ કરતાં હતાં.’ સંગીતકાર નૌશાદનું નામ પડતાં જ તેમણે સાયગલ અભિનિત ‘શાહજહાં’માં પોતે ગાયેલું ગીત ‘જબ ઉસને ગેસુ બિખરાયે’ યાદ કર્યું હતું અને કહ્યું કે પહેલી વાર મેં ‘અનમોલ ઘડી’માં નૌશાદ માટે ગાયું.

હિંદી અને પંજાબી ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ શમશાદ બેગમે ગીતો ગાયાં હતાં. ગુજરાતીમાં તેમણે ગાયેલું કોઇ આખું ગીત નથી, પણ કેટલાંક ગીતોમાં થોડી ગુજરાતી કડીઓ શમશાદ બેગમના અવાજમાં છે. એનું સૌથી જાણીતું ઉદાહરણ છે ફિલ્મ ‘શબનમ’નું ગીત ‘યે દુનિયા રૂપકી ચોર’. ‘આ પ્રકારનાં કે ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે’ જેવાં નખરાળાં ગીતો ગાતાં તમને સંકોચ થતો હતો?’ એવા સવાલના જવાબમાં, શરમાળ અને પ્રસિદ્ધિથી દૂર રહેવા માટે જાણીતાં શમશાદ બેગમે કહ્યું હતું,‘બિલકુલ નહીં. કારણ કે ગાવાનું - દરેક ગીત મારા માટે ઇબાદત જેવું હતું. માઇક આગળ જતાં પહેલાં અમે ચપ્પલ બહાર કાઢીને જતાં હતાં.’

શમશાદ બેગમનાં મસ્તીભર્યાં ગીતોમાં બીજી ખાસિયત હતી તેમના ‘અરરર, ઉઇ, છઇ, હાય’ જેવા નખરાળા ઉદગારો. ‘આ ઉદગારો કાઢવાનું પણ સંગીતકારો સૂચવે કે ગાતી વખતે તમારી મસ્તીમાંથી એ નીપજે?’ તેમનો જવાબ હતોઃ ‘સંગીતકાર ફક્ત ઘૂન આપે. આ બઘું હું મારી જાતે કરતી હતી અને મારા કામમાં કોઇ દખલ કરતું નહીં.’

11 comments:

 1. ભાઇઓ-તમને ખરેખર સુંદર તક મળી-નસીબદાર ગણાઓ-શિર્ષક વાંચતાંમાં જ મને થયું કે આમાં રજનીભાઇએ ભાગ ભજ્વ્યો હશે- ત્રણેને અભિનંદન-મારી દ્ર્ષ્ટિએ તો એમના ગીતો જ એમનો પરિચય છે.

  ReplyDelete
 2. વાંચતા જ લાગ્યું કે તમે જ કરી હશે આ મુલાકાત! ફરી શમશાદ દાદીના ગીતો સાંભળવાનું મન થઇ આવ્યું!

  ReplyDelete
 3. Really nice interview Urvishbhai!
  Read it in Gujarat Samachar.

  ReplyDelete
 4. shamshad begam at 92!

  and she can travel to ahmedabad and give interview!

  wonderful. we are blessed to have her with us.

  a picture of healthy mind and healthy body.
  but i am curious to know about her voice? can she still sing? it could be your great good luck if you had a chance to hear her sing or even hum a line live !

  ReplyDelete
 5. What a fabulous nostalgia trip Urvishbhai. Enjoyed this piece out and out. May Shamshadji score a century and regale us with her gems always.

  ReplyDelete
 6. Anonymous10:38:00 PM

  સુંદર લેખ રહ્યો.
  નસીબદારને જ આવી મુલાકાત મળે !

  ReplyDelete
 7. Anonymous1:47:00 AM

  khoob saras!
  'ગાવાનું - દરેક ગીત મારા માટે ઇબાદત જેવું હતું. માઇક આગળ જતાં પહેલાં અમે ચપ્પલ બહાર કાઢીને જતાં હતાં.’
  Nice article, excellent interview!

  ReplyDelete
 8. Urvishbhai, a very gripping account of an interesting convesation about the life and work of an authentic singer . Congrratulations.Tushar Bhatt

  ReplyDelete
 9. Urvishbhai,
  aabhar dhanyavad aatlamaj bdhuj aavi gau.
  dr.Mahilesh baxi

  ReplyDelete
 10. Anonymous11:14:00 PM

  Thanks to brought information on her contribution to art with a special touch.

  ReplyDelete