Tuesday, November 16, 2010

સ્ટીફન હોકિંગ, સૃષ્ટિ અને સર્જનહાર

ખગોળશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્રને લગતાં સંશોધનો નાનાં-મોટાં-દેશી-વિદેશી સૌ પ્રસાર માઘ્યમો માટે ‘સમાચાર’ બને એવું ક્યારેક જ બને છે. કારણ કે બ્લેકહોલ, ડાર્ક એનર્જી, હિગ્સ પાર્ટિકલ જેવી જણસોનું અસ્તિત્ત્વ પુરવાર થાય કે ન થાય, તેના વિશેની પ્રચલિત સમજણમાં સુધારોવધારો થાય કે ન થાય, તેનાથી માણસોની રોજેરોજની જિંદગીમાં કશો ફરક પડતો નથી.

આ સચ્ચાઇ સમજતા કેટલાક સંશોધકો - અથવા તેમના એજન્ટો- સામાન્ય માણસ સુધી પહોંચવાના બીજા રસ્તા અપનાવે છેઃ તે સામાન્ય માણસોની ગમતી કે દુઃખતી નસ પર હાથ મૂકે છે. એટલે, બે મહિના પહેલાં ‘સ્ટીફન હોકિંગ કહે છે કે ઇશ્વરનું અસ્તિત્ત્વ નથી’ એવું વિધાન જાણવા મળ્યું, ત્યારે જ શંકા ગઇ હતી કે આ તેમના નવા પુસ્તકની આડકતરી જાહેરાત હોવી જોઇએ.

પ્રચારની ‘ગ્રાન્ડ ડીઝાઇન’
સ્ટીફન હોકિંગના પુસ્તક ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ’ની લાખો નકલો વેચાઇ છે. (તેમાંથી કેટલી વંચાઇ હશે તે આડસવાલ છે.) સમર્થ ભૌતિકશાસ્ત્રી હોકિંગને પ્રસાર માઘ્યમોએ ફક્ત વૈજ્ઞાનિક તરીકે ન બિરદાવતાં. તેમને ‘સેલિબ્રિટી’- જાણીતા હોવા બદલ જાણીતા- બનાવી દીધા છે.

બે મહિના પહેલાં હોકિંગનું નવું પુસ્તક ‘ધ ગ્રાન્ડ ડીઝાઇન’ પ્રગટ થયું. અન્ય એક સંશોધક લિઓનાર્ડ મ્લોડિનોવ સાથે મળીને હોકિંગે લખેલા આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૌતિકશાસ્ત્ર હવે બ્રહ્માંડ અને તેને લાગુ પડતા કુદરતી નિયમો વિશે બધેબઘું સમજાવી શકે છે. ગુરૂત્વાકર્ષણ બળના પ્રતાપે શૂન્ય/નથિંગમાંથી બ્રહ્માંડનો જન્મ થયો અને કુદરતી નિયમો બ્રહ્માંડના જે હિસ્સામાં આપણે રહીએ છીએ ત્યાં થયેલા સુખદ અકસ્માતોને આભારી છે.

તેમનો દાવો છે કે ‘(બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના નિયમોને લગતા) તમામ સવાલોના જવાબ, કોઇ દૈવી તત્ત્વને વચ્ચે લાવ્યા વિના, ભૌતિકશાસ્ત્રની હદમાં રહીને આપવાનું શક્ય છે.’ આ વિધાનમાં પ્રસાર માઘ્યમોને ખપ લાગે એવો મસાલો ખૂટતો હોવાથી, તેનું સરળીકરણ કરીને જાહેર કરવામાં આવ્યું: ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ નકારતા સ્ટીફન હોકિંગ.’

ભગવાન નહીં હોવાની ‘વૈજ્ઞાનિક જાહેરાત’ સાંભળીને ઘણા નાસ્તિકો ગેલમાં આવી ગયા અને ધાર્મિકોમાં રોષ વ્યાપ્યો. ઇન્ટરનેટ પર અને તેની બહારની દુનિયામાં સામસામી દલીલબાજીના દૌર પર દૌર ચાલ્યા અને ભૌતિકશાસ્ત્રને બદલે આસ્તિકતા-નાસ્તિકતાની જૂની લડાઇનું વઘુ એક રાઉન્ડ છેડાઇ ગયું. તેનું એક પરિણામ એ આવ્યું કે હોકિંગના પુસ્તકને ભરપૂર પ્રસિદ્ધિ મળી.

માન્યતાઓના જંગની સાથોસાથ થયેલી થોડીઘણી તાત્ત્વિક ચર્ચામાં જો કે ઇશ્વરના અસ્તિત્ત્વનું ‘વૈજ્ઞાનિક ખંડન’ ટકી સકે એમ ન હતું. ‘સૃષ્ટિકા કૌન હૈ કર્તા/ કર્તા હૈ વા અકર્તા’ નો છેવટનો જવાબ હજુ સુધી તો ‘હૈ કિસી કો નહીં પતા’ રહ્યો છે. કેમ કે, બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાંના અને પછીના ઘણા સવાલોના જવાબ સ્ટીફન હોકિંગ કે ભૌતિકશાસ્ત્ર પાસે પણ નથી. બને કે આજે નથી ને કાલે એ મળે. ત્યારની વાત ત્યારે. પણ એ ‘કાલ’ ન આવે ત્યાં લગી સૃષ્ટિના સર્જનમાં ઇશ્વરી તત્ત્વની ભૂમિકા વૈજ્ઞાનિક રીતે સદંતર નકારવાનું શક્ય નથી.

ખુદ સ્ટીફન હોકિંગે ‘લેરી કિંગ લાઇવ’ નામના શોથી જાણીતા સી.એન.એન.ના લેરી કિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ભગવાનનું અસ્તિત્ત્વ હોઇ શકે છે, પરંતુ (અમારો મુદ્દો એટલો છે કે) વિજ્ઞાન કોઇ સર્જનહારની મદદ વિના બ્રહ્માંડની સમજૂતી આપી શકે એમ છે.’

પુસ્તકના સહલેખક મ્લોડિનોવે વધારે સ્પષ્ટતાથી કહ્યું,‘અમે એવું પણ સાબીત નથી કર્યું કે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું નથી.’ તેમના મતે ઘણા લોકો ભૌતિકશાસ્ત્રના નિયમોને ‘ભગવાન’ ગણે છે. ‘જો તમને લાગતું હોય કે ભગવાન એ ક્વોન્ટમ થિયરીનું મૂર્તિમંત સ્વરૂપ છે તો ધેટ્સ ફાઇન.’ (સાયન્ટિફિક અમેરિકન ઇન્ડિયા, નવેમ્બર, ૨૦૧૦) મતલબ, ભગવાનના અસ્તિત્ત્વ અંગે લેટેસ્ટ અને આખરી મનાતા ચુકાદા પર ટાઢું પાણી!

હોકિંગ અને ‘ધ ગ્રાન્ડ ડીઝાઇન’ના મામલે આસ્તિકોએ જીત અને નાસ્તિકોએ હાર અનુભવવાની જરૂર નથી. તેમાં ખરેખર જીત થઇ હોય તો તે પુસ્તકનો પ્રચાર કરનારની થઇ છે. બાકી, ઇશ્વરને માનનારા કે નકારનારા તો ફક્ત પોતાને અનુકૂળ હોય એવાં તારણો માનવા અથવા દરેક તારણનું પોતાને અનુકૂળ અર્થઘટન કરવા ટેવાયેલા છે.

દૈવી તત્ત્વઃ અમારી ઘણી શાખાઓ છે
બ્રહ્માંડથી નીચે ઉતરીને પૃથ્વીની- ‘મર્ત્યલોક’ની વાત કરીએ તો ભગવાનની ચર્ચાની આખી ધરી બદલાઇ જાય છે. પૃથ્વીલોકના સામાન્ય માણસને ભગવાનમાં સૃષ્ટિના કર્તા તરીકે ઓછો ને સૃષ્ટિના માલિક કે મેનેજર તરીકે વધારે રસ હોય છે. ધારો કે ભગવાને સૃષ્ટિ બનાવીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હોય અને વર્તમાન સૃષ્ટિમાં તેમનું કશું ઉપજતું ન હોય તો? ભૌતિકશાસ્ત્રીઓ માટે ભગવાનનું મહત્ત્વ ન ઘટે. કેમ કે તેમનો રસ સૃષ્ટિને સમજવામાં છે, પરંતુ મોટા ભાગના ભક્તોનો ભગવાનમાંથી રસ ઓછો થઇ જાય. કારણ કે તેમનો રસ ભગવાન સાથે સારો સંબંધ રાખીને તેનો પોતાના લાભ માટે કે પોતાના કપરા વખત માટે ઉપયોગ કરવામાં હોય છે.

પૃથ્વીલોકમાં દૈવી તત્ત્વના કે ઇશ્વર અંગેના ખ્યાલના કેટલાક મુખ્ય પ્રકારો આ પ્રમાણે છેઃ

ઇશ્વરઃ પરમ તત્ત્વ
કોઇ પણ ધર્મના પરમ તત્ત્વની આદર્શ કલ્પના. આ પ્રકારનું દૈવી તત્ત્વ સર્વ જ્ઞાનનું આદિ અને અંત ગણાય છે. સૃષ્ટિ તેની લીલા છે અને જે સર્વશક્તિમાન છે. જેનું સ્મરણ કરવાથી મનુષ્યને પોતાની પામરતા અને તુચ્છતાનો અહેસાસ થતો રહે છે. ‘હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા’ જેના થકી દૂર થાય અને સૃષ્ટિનું પાંદડું પણ તેની ઇચ્છા વિના ફરકી શકતું નથી- હું તો નિમિત્તમાત્ર છું, એવો ભાવ ભક્તમાં જેના થકી પેદા થાય, એવું આ પરમ તત્ત્વ સર્જન, સંચાલન, નિયંત્રણ અને છેવટે સર્વનાશ પ્રેરે છે. આ પ્રમાણેની કલ્પનાના પરમ તત્ત્વ સાથે એકરૂપ થવું એ ભક્તોનું આખરી ઘ્યેય હોય છે.
પરંતુ ભક્તોમાં ઇશ્વરનું આ સ્વરૂપ એક રૂપિયાની નોટની જેમ ચલણમાંથી લગભગ નીકળી ગયું છે.

ઇશ્વર: માનસિક આધાર
સૃષ્ટિમાં દુઃખદર્દોનો પાર નથી. દરેકને પોતાની સમસ્યાઓ છે. બહુ થોડા લોકો પોતાની સમસ્યાઓનું જાતે નિવારણ કરી શકે છે. પોતાના વાંકગુના વગર આવી પડેલાં આકસ્મિક દુઃખો પણ માણસને હચમચાવી મૂકે છે. તેની સાથે પનારો પાડવાની માનસિક દૃઢતા ન હોય એવા લોકોને એક મજબૂત ટેકણલાકડીની જરૂર પડે છે, જેના સહારે ચાલવાની હિંમત અને તાકાત મળતાં રહે. પોતાનો સઘળો ભાર જેની પર ટેકવીને, તેના ટેકે ટેકે આગળ વધવાનું બળ પ્રાપ્ત થતું રહે. આવા ઇશ્વર ઘણા ભક્તોની માનસશાસ્ત્રીય જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ માત્ર આ એક જ પ્રકારના ઇશ્વરમાં માનતા હોય એવા ભક્તોનું પ્રમાણ પણ બહુ ઓછું છે. આ પ્રકારના ઇશ્વરમાં માનવું એ મોટે ભાગે પસંદગી નહીં, પણ લાચારી હોય છે.

ઇશ્વરઃ વણમાગ્યો વિલન
કેટલાક લોકોને ઇશ્વર સાથે ગાળાગાળીના સંબંધ હોય છે. તેમને પોતાના ખરાબ સંજોગોમાં આગળ વધવાના ટેકા તરીકે નહીં, પણ એવા સંજોગો માટે જેની પર દોષનો ટોપલો ઢોળી શકાય એવા ઇશ્વરની જરૂર પડે છે. પોતાની ખરાબ હાલતમાં પોતાનો નહીં, પણ ઇશ્વર તરીકે ઓળખાતા શખસનો વાંક છે, એવું માનવાથી માણસનો પોતાનો અપરાધભાવ ઓછો થાય છે અને તેના પ્રેશરકૂકરની સીટી વારેવારે વાગતી રહેતી હોવાથી કૂકર ફાટતું નથી. આ પ્રકારના ભક્તો મોટે ભાગે બીજા પ્રકારોના ભક્તોમાં ભળી ગયેલા અને બીજા પ્રકારોમાંથી પણ મિશ્ર લક્ષણો ધરાવતા હોય છે.

ઇશ્વર: ભ્રષ્ટ સર્વશક્તિમાન શાસક
સર્વશક્તિમાનનું આ સ્વરૂપ ભક્તોમાં સૌથી લોકપ્રિય, પ્રચલિત અને જાણીતું છે. આ સ્વરૂપ સાથે ભક્તોનો સંબંધ બિલકુલ ‘વ્યવહારૂ’ હોય છે, જાણે તે આ સ્વરૂપને કહેતા હોયઃ ‘હું તમારૂં સમજું છું, તમે પણ મારૂં સમજજો.’ આ સ્વરૂપને વિના સંકોચે લાંચ આપી શકાય છે, જે અગિયાર રૂપિયા અને નારિયેળથી માંડીને અગિયાર કરોડ રૂપિયાના હીરાજડિત સોનાના મુગટ સુધીની હોઇ શકે છે. ઇશ્વરના આ સ્વરૂપને ઘણા ધનવાનો વીમાકંપનીની માફક પૂજે છે : ‘તમારૂં ઉંચું પ્રીમિયમ ભરીએ છીએ. બદલામાં અમને નુકસાન ન થાય તેનું ઘ્યાન રાખજો.’

દુન્યવી ફાયદા મેળવવા માટે અને આફતોથી બચવા માટે આ ઇશ્વરની ‘ભક્તિ’ કરવામાં આવે છે- પૂજા, અર્ચના, ભેટ ધરવામાં આવે છે. એટલી જ અપેક્ષા સાથે કે ‘ભૂલો ભલે બીજું બઘું, પણ મારૂં હિત ભૂલતા નહીં.’

ઇશ્વર : મલ્ટીનેશનલ કંપની
એકલદોકલ ચબરાક ધર્મધંધેશ્વરોથી માંડીને સંસ્થાગત ધર્મો સુધીના ઘણાને ઇશ્વરનું આ સ્વરૂપ બહુ ફાવે છે. કેમ કે, મલ્ટીનેશનલ કંપની જેવા ઇશ્વરની ફ્રેન્ચાઇઝી મેળવીને દેશ-પરદેશમાં દુકાનો ખોલી નાખવાથી નાણાંની ટંકશાળ પડે છે. તેનાથી પ્રભાવ, પવિત્રતા, પૂજનીયતા બઘું જ ખરીદી શકાય છે. પછી તો વિષચક્ર શરૂ થઇ જાય છે અને ભક્તો પણ ભૂલી જાય છે કે પોતે શાનાથી અંજાય છેઃ પ્રભાવથી કે પ્રભાવ ખરીદી શકવાની ક્ષમતાથી, ધર્મથી કે ધર્મની ભવ્ય સંસ્થાથી, સાદગીથી કે કરોડ રૂપિયાની ગાડીમાંથી ઉતરીને અપાતા સાદગીના ઉપદેશથી. ભારતમાં ઘણી સંસ્થાઓ બાકાયદા ધંધાની જેમ જ ધર્મસ્થાનો ચલાવે છે, વાર્ષિક સભ્યપદનાં ‘ગોલ્ડકાર્ડ’ કાઢે છે, જેથી વર્ષે પચાસ હજાર રૂ. ખર્ચનારને ઓછી (ચાર-પાંચ કલાકની) લાઇનમાં ઉભા રહેવું પડે. પૂજારીને પાંચસો પકડાવીને નજીકથી દર્શન કરવાં કે પચાસ હજાર રૂ.નું ગોલ્ડકાર્ડ ખરીદવું બન્નેમાં આંકડા સિવાય કશો ફરક નથી, પરંતુ ‘મલ્ટીનેશનલ ઇશ્વર’ દુનિયાદારી સમજીને માઠું નહીં લગાડે, એવી ભક્તોને ખાતરી હોય છે.

ઇશ્વર : ઘાતકી સરમુખત્યાર
એક ઇશ્વર આ પણ છે, જેના ઉદાર સ્વરૂપની કલ્પના થઇ શકતી નથી. કેમ કે, વિશ્વમાં તેનું શાસન ટકાવવાના અને ફેલાવવાના નામે તેમના અનુયાયીઓ જરાય ખચકાટ વિના હજારો નિર્દોષોનું લોહી વહાવે છે અને સર્વશક્તિમાનના નામે પોતાની બધી પાશવતા વાજબી ઠરાવે છે.

ભવિષ્યમાં સ્ટીફન હોકિંગ કે બીજો કોઇ ભૌતિકશાસ્ત્રી ‘બ્રહ્માંડના સર્જનમાં ઇશ્વરની ભૂમિકા નથી’ અથવા ‘ઇશ્વરનું અસ્તિત્ત્વ જ નથી’ એવું વૈજ્ઞાનિક રીતે સાબીત કરી બતાવશે તો પણ આગળ જણાવેલા ‘દુન્યવી ઇશ્વરો’નું અસ્તિત્ત્વ અડીખમ રહેવાનું છે. કારણ કે તે ભૌતિકશાસ્ત્રના નહીં, માનસશાસ્ત્રના- માણસના મનના તકાદાને આધીન છે.

12 comments:

 1. Anonymous5:57:00 PM

  Consistently Khub saras.

  Sukumar M. Trivedi

  ReplyDelete
 2. Anonymous6:18:00 PM

  For more details read safari issue no 198... with proper explanation... but no solution :)

  - Ishwar, vanmangyo vilan - nice word used...

  ReplyDelete
 3. Thanks, if studied appropriately (with honest merits beneficial to self, society, environment & planet & humanity) would give clarity, sharpness or otherwise in his view, stand & belief.


  E: media.jihaw@gmail.com

  ReplyDelete
 4. Anonymous11:35:00 AM

  best artical urrvishbhai. yogesh

  ReplyDelete
 5. i would like to quote hereunder Nobel laureate PEARL BUCK (who has written her masterpiece novel THE GOOD EARTH on the peasant life of pre-revolution china), so that you can ponder over the usefulness of the idea of religion and god :

  ___________

  I feel no need for any other faith than my faith in the kindness of human beings. I am so absorbed in the wonder of earth and the life upon it that I cannot think of heaven and angels.


  Pearl S. Buck
  ___________


  let the scientists like Hawking or Einstein allow the gullible to enjoy his credulousness by remaining inconclusive,

  but those who love and enjoy the planet earth with all its bio-diversity of all flora and fauna including humankind are happy to forgo the theism of all kinds.

  ReplyDelete
 6. Dear Resp. Neeravji:

  Experiencing and exercising option of free-choice as per conscience of human and to be humane is from natural phenomenon.

  Natural phenomenon concept given by Sole Creator of Nature, Humane, Environment, Planet and so forth.

  Option is not compulsive.

  ReplyDelete
 7. Anonymous3:16:00 PM

  Dear Urvishji
  This is good and informative artivle.

  And now if this article is read in 1000 years ago.. so what this is not match.....


  becauese all are this think is always change with decades, because that every human give some efforts in the earth whatever, it is not see what is good for human or society and what is accountablity for that just he or she give and take. And really fact is that all the human are not spent his time true faith of universe how we will come exist and what after that....

  So on this article i remember one quotation from quran & ved also
  In both have same word:

  "God have no figure and no such feeling and no can get his(GOD) situation, God is only god"

  ReplyDelete
 8. સરસ લેખ. ગુજરાત સમાચારમાં પણ વાંચ્યો અને અહીં બ્લોગ પર પણ વાંચ્યો. તમારું તારણ સાચું છે કે ભૌતિકશાસ્ત્ર હજુ ઈશ્વરનું અસ્તિત્વ કે અનસ્તિત્વ બન્નેમાંથી કંઈ પુરવાર કરી શકે તે સ્થિતિ સુધી પહોંચ્યું નથી.

  પણ મને ખરી મજા તો ઈશ્વરના વિવિધ દુન્યવી અવતારના દર્શન કરવાની આવી! ઈશ્વરને ચિર શાતિ ક્યારે મળશે ?

  -માવજીભાઈ મુંબઈવાળા

  ReplyDelete
 9. nikhil mehta9:28:00 PM

  urvish
  in first part of the article, you make your stand almost clear about the existence of God, but suddenly, as if feeling guilty about it, you take the discussion to superficial level by whipping up crazy variety of innocent beilievers. (nothing wrong about it, or nothing new in it actually except your beauty style.) is it an escape? or just your humour instict?

  ReplyDelete
 10. Anonymous10:30:00 PM

  Physics are all the existence by the holy books

  In every decade this are the human deeds

  ReplyDelete
 11. A book i would like to suggest for comparing sciences, scriptures & signs of God, is:

  The Qur'an, the Bible & Science -

  -by Dr. Maurice Bucaile - French Author.

  Please search google or contact to for PDF copy of book:

  Jabir A. Mansuri
  E: media.jihaw@gmail.com,

  ReplyDelete