Monday, November 15, 2010
સંગીતની બરાબરીનાં લાડકોડ મેળવનાર સંગીતસામગ્રી: રેકોર્ડ, કેસેટ, સીડી, સેલફોન, ડિજિટલ પ્લેયર...
એકવીસમી સદીના પહેલા દાયકાના અંતે સંગીતની કશી નવાઇ નથી. સહેજ ગ્રામ્ય શબ્દપ્રયોગ વાપરીએ તો, સંગીત ગધેડે ગવાય છે. હવે તે ગીતોની સંખ્યામાં કે મિનીટમાં મપાવાને બદલે, એમબી અને જીબી/ મેગાબાઇટ અને ગીગાબાઇટમાં ખડકાય છે. પચીસ વર્ષ પહેલાંના કોઇ ઘુરંધર સંગીતપ્રેમીએ કાંતી કાંતીને કેસેટ પર જેટલાં ગીતો એકઠાં કર્યાં હોય, એટલાં ગીતો (અઢી-ત્રણ હજાર ગીતો) ૪.૭ ગીગાબાઇટની ક્ષમતા ધરાવતી એક ડીવીડીમાં સમાઇ જાય છે. રમેશ પારેખની પંક્તિ ‘ગીત હાળાં ધક્કામુક્કી ધક્કામુક્કી થાય’ અત્યારે જરા જુદી રીતે સાચી પડી છે.
સેલફોનમાં ગીતો, આઇ-પોડ પ્રકારનાં પોકેટ-પ્લેયરમાં ગીતો, માચિસના બાકસ (એને ‘બોક્સ’ કહેવામાં શી મજા?) કરતાં પણ નાનાં રમકડાંમાં સો-બસો ગીતો- આ બધાની સરખામણીમાં, ત્રણ દાયકા પહેલાં ‘ક્રાંતિકારી’ ગણાયેલું વોકમેન મોટી મ્યુઝિક સીસ્ટમ જેવું લાગે!
સંગીત આટલું ખિસ્સાવગું થઇ ગયું એટલે તેની નવાઇ નીકળી ગઇ ને અગવડની તો વાત જ ક્યાં? શું સારૂં ને શું ખરાબ, એવી દૃષ્ટિથી સરખામણી નિરર્થક છે, પણ જૂનાં થાળીવાજાં- રેકોર્ડપ્લેયરની પીનો જે ડબ્બીમાં આવતી હતી, એ સાઇઝનાં પ્લેયરમાં સો-બસો ગીતો ગજવે ઘાલીને ફરનારાને રેકોર્ડ પ્લેયરના રસકસનો ક્યાંથી અંદાજ આવે?
શરૂઆત થઇ હતી ચૂડીવાજાથી. તેનું અંગ્રેજી નામ ફોનોગ્રાફ. તેમાં એક નળાકાર પર સાઉન્ડનું રેકોર્ડિંગ થાય. પણ એ ટેકનોલોજી ઠરે ને આમજનતા તેનો ભરપૂર કસ કાઢે તે પહેલાં ગ્રામોફોન તરીકે ઓળખાતાં થાળીવાજાં આવી પહોંચ્યાં: પહેલાં હેન્ડલ વડે ચાવી ભરીને ચલાવાય એવાં અને પછી ઇલેક્ટ્રિકથી ચાલતાં રેકોર્ડ પ્લેયર તરીકે. ચૂડીને બદલે લાખમાંથી બનેલી રેકોર્ડ વપરાવા લાગી. મિનીટના ૭૮ આંટા/આર.પી.એમ.ની ઝડપ ધરાવતી હોવાથી તે લાડમાં ‘સેવન્ટી એઇટ’ તરીકે ઓળખાતી હતી. તેની એક બાજુ પર ત્રણ મિનીટ કરતાં પણ ઓછું રેકોર્ડિંગ થાય. એક ગીત સમાય અને ગીત જો ‘એક તેરા સહારા’ જેવું લાંબું હોય તો તેને બે કકડે એક રેકોર્ડની આગળપાછળ સમાવવું પડે.
સિક્કાની જેમ રેકોર્ડની પણ બે બાજુ હોય અને ઘણુંખરૂં બન્ને બાજુ જુદાં જુદાં ગીત હોય. તેની પરથી જ રેકોર્ડયુગમાં ચવાઇ જનારી જોક બનેઃ ‘એક દારૂડિયો ચત્તાપાટ પડીને ગીત ગાતો હતો. થોડી વાર પછી તે ઊંધો પડ્યો ને બીજું ગીત ગાવા લાગ્યો. કોઇએ કારણ પૂછ્યું તો એણે જવાબ આપ્યો,‘આ રેકોર્ડની બીજી બાજુ છે.’
૭૮ની રેકોર્ડ વગાડવા માટે પ્લેયરમાં જે વપરાય તેને ‘પીન’ કહેવામાં પીનની નજાકતનું અપમાન થાય. લગભગ નાના ખીલા જેવી પીન હોય, જે થોડાં ગીત વગાડ્યા પછી બદલવી પડે. પીનનો જથ્થો રાખવો જ પડે. આ પ્લેયરની કમાલ એટલી કે તેમાં ઇલેક્ટ્રિક રચના નહીં. ફક્ત મિકેનિકલ/યાંત્રિક રીતે ચાલે. એટલે સંગીત આઉટડોર બન્યું. બહાર ફરવા જતી વખતે સાથે વાજું અને થાળીઓ લીધી હોય એટલે થયું. આ ખૂબીને લીધે ભગાભાઇ જેવાં બાળવાર્તાનાં પાત્રોમાં અહોભાવપૂર્વક રેકોર્ડપ્લેયરનો ઉલ્લેખ આવે અને તેમના કોઇ મહેમાનની દીકરી ‘સોજા રાજકુમારી સોજા’ ગીત સાંભળ્યા વિના ઊંઘતી ન હોવાથી, તેનાં માતાપિતા એ રેકોર્ડ સાથે રાખતાં હતાં એવી વાત પણ આવે.
ઘરમાં થાળીવાજું હોવું એ મોભો કહેવાય અને ફક્ત વડીલો જ તેને હાથ અડાડી શકે. (ચાવીવાજાનો મોભો કેતન મહેતાએ ‘મિર્ચમસાલા’ ફિલ્મના ફોજદાર નસીરૂદ્દીન શાહના પાત્રમાં બરાબર દર્શાવ્યો છે.) ચાવીવાજામાંથી આવતા અવાજમાં વધઘટ થઇ શકે નહીં. અડધા ગીતે ચાવી પૂરી થઇ જાય તો સ્પીડ ઘટી જાય ને નૂરજહાંનો અવાજ સાયગલની પીચે પહોંચી જાય. છતાં,વાજામાંથી માણસ ગાતું હોય એ કૌતુક જ એટલું મોટું કે તેની સઘળી મર્યાદાઓ નજરમાં ન આવે.
૧૯૩૧થી શરૂ થયેલા ફિલ્મસંગીતના પહેલા બે દાયકા લગી ૭૮ આરપીએમની રેકોર્ડની બોલબાલા રહી. સાયગલ, પંકજ મલિક, નૂરજહાં, કાનનદેવી, ખુર્શીદ, શમશાદ બેગમ જેવા અનેક અમર સ્વરો એક જ માઇક્રોફોન પર રેકોર્ડ થઇને, બારીકીથી બાર ગાઉનું છેટું ધરાવતી ૭૮ પર અંકિત થયા. બન્ને બાજુ એક-એક ગીતની મર્યાદા હળવી થઇ ઇ.પી./એક્સ્ટેન્ડેડ પ્લે તરીકે ઓળખાતી ૪૫ આર.પી.એમ.ની રેકોર્ડથી. તેમાં એક બાજુ પર બે ગીત આવતાં થયાં. પચાસના દાયકામાં કેટલીક ફિલ્મોની કે ગાયકોની ચાર ગીત ધરાવતી ઇ.પી. બહાર પડવા લાગી. તેનું વધારે મોટું સ્વરૂપ એટલે ૩૩ ૧/૩ આર.પી.એમ. સ્પીડ ધરાવતી લોંગપ્લે/એલ.પી.
ઈ.પી. અને એલ.પી.નાં પ્લેયર ૭૮ના મુકાબલે થોડાં સુવિધાજનક બન્યાં હતાં. પ્લેયરના દાંડામાં ટચૂકડી પીન વપરાતી હતી, જેને અગાઉના ‘ખીલા’ની જેમ દર પાંચ-સાત ગીતે બદલવી પડતી ન હતી. ઇલેક્ટ્રીક એમ્પ્લીફાયર સાથે જોડાણ થયા પછી રેકોર્ડ પ્લેયરમાંથી અવાજ મોટો/એમ્પ્લીફાય કરતું ભૂંગળું નીકળી ગયું- જાણે રેકોર્ડ પ્લેયરના માથેથી માથાબંધણું જતું રહ્યું ને નવા જમાના પ્રમાણે તે ઉઘાડમથ્થું થઇ ગયું.
લોંગ પ્લે ૭૮ કરતાં સુવિધાજનક હતી, પણ અત્યારના કે કેસેટયુગના હિસાબે સુદ્ધાં તેમાં કડાકૂટનો પાર નહીં. એ કડાકૂટ જો કે પોતાના બાળક માટે લેવાતી જહેમત જેવી વહાલી લાગેઃ જમણા હાથમાં કાપડનો ઝીણો કકડો રાખવો, પૂંઠાના મોટા બોક્સમાંથી કાળી રેકોર્ડના ચકચકાટ પર આંગળાંની છાપ ન પડે એવી કાળજીથી, કાપડના કકડા વડે રેકોર્ડ બહાર કાઢવી, મુગલેઆઝમના દિલીપકુમારની મુલાયમિયતથી રેકોર્ડ પર ઝીણો કકડો ફેરવવો જેથી સપાટી પર ચોંટેલી ઘૂળ દૂર થઇ જાય, પછી બાળકને પારણામાં સુવાડવાનું હોય એટલી હળવેથી રેકોર્ડને ટર્નટેબલ પર ગોઠવવી, પ્લેયરની પીન રેકોર્ડની ધાર ઉપર લાવવી, ‘સ્ટાર્ટ’નું બટન દબાવવું જેથી રેકોર્ડ ગોળગોળ ફરવા લાગે અને છેલ્લે એક દાંડો નીચે કરવો, જેથી પ્લેયરની પીન ધીમી ચચરાટી સાથે રેકોર્ડની સપાટી પર ‘લેન્ડ’ થાય. સંગીત શરૂ થતાં પહેલાંની આ ક્ષણો પણ ઓછી સંગીતમય ન હતી.
મેગ્નેટીક ટેપ ધરાવતી ઓડિયો કેસેટ અને ટેપરેકોર્ડરની સાથે સુવિધા અને સંગીતનો મેળાપ આરંભાયો. ટેપ રેકોર્ડર કે પ્લેયર કે ટેપ વીથ રેડિયોના આકારપ્રકાર અત્યારે ચિત્રવિચિત્ર લાગી શકે- (કેટલાંક ટેપરેકોર્ડરની એક સ્વીચ જેટલા કદમાં અત્યારે એમપી-૩ પ્લેયર મળે છે) પરંતુ કેસેટ મૂકતાં પહેલાં કોઇ વિધી કરવાની જરૂર ન રહી અને માનસિક ભૂમિકા તૈયાર થાય એટલો સમય ન રહ્યો. પ્લાસ્ટિકીયું ખોખું ખોલીને કેસેટ ચડાવો એટલે સંગીત હાજર.
લાખ,પીવીસી અને મેગ્નેટિક ટેપ પછી સંગીતનો મુકામ ડિજિટલ બન્યો. નવી ટેકનોલોજી માટે સંગીત સાત સૂરમાં નહીં, બીજા ‘ડેટા’ની જેમ ૦ અને ૧માં ફેરવાઇ ગયું. કેસેટની જગ્યાએ આવેલી કોમ્પેક્ટ ડિસ્કમાં શરૂઆતના અરસામાં કેસેટ જેટલાં જ ગીત સમાતાં હતાં, પણ તેમાં ઊંચી ગુણવત્તાનું રેકોર્ડિંગ શક્ય હતું. એ સમયે સીડીની કોપી કરવાનું શક્ય ન હતું અને ઇન્ટરનેટ ક્ષિતિજ ઉપર પણ ડોકાતું ન હતું. લતા મંગેશકરે જૂના ગાયકોનાં ગીતો ગાઇને તેમને અંજલિ આપવાનું દુઃસાહસ ‘શ્રદ્ધાંજલિ’નામે કર્યું, તેની બે સીડીનો ભાવ હતોઃ રૂ.૪૯૦. અને સીડી વગાડવા માટે ચાળીસ-પચાસ હજાર રૂપિયાની કિંમતનું કમ્પ્યુટર એકમાત્ર સાધન હતું.
પરંતુ એક જ દાયકામાં ઇન્ટરનેટનો ફેલાવો, મોંઘાં કમ્પ્યુટરને તેનાથી દસમા-પંદરમા ભાગની કિંમતે મળતાં સીડી પ્લેયર, ડિજિટલ મ્યુઝિકની કદાવર ફાઇલને સંકોચી નાખતું એમ.પી.-૩ ફોર્મેટ, સેલફોનમાં સમાઇ ગયેલું મ્યુઝિકપ્લેયર- આવાં અનેક પરિબળોને લીધે મ્યુઝિક હવે શબ્દાર્થમાં સાંભળનારના ખિસ્સામાં આવી ગયું છે. દાયકાઓ પહેલાં ગ્રામોફોને સંગીતને સંગીતપ્રેમીઓ સુધી પહોંચાડ્યું હતું. હવેનાં ડિજિટલ પ્લેયર તેમના વજનદાર પૂર્વજ વોકમેનની જેમ કાનનાં ભૂંગળાં/ઇયરફોન વડે સાંભળનારના કાનમાં સંગીત રેડે છે. તેમાંથી થોડુંઘણું આજુબાજુના લોકો માટે પણ ઢોળાય છે. ‘પાણી માગતાં દૂધ’ની જેમ એમબી માગતાં જીબીમાં સંગીતનો પુરવઠો હાજર છે, પણ શાંતિથી સંગીત સાંભળવાની મોકળાશ અને સંગીત સાંભળીને શાંતિ મેળવવાની માનસિક મોકળાશ...એ જુદી વાત છે.
Labels:
it,
music/સંગીત
Subscribe to:
Post Comments (Atom)
ખૂબ સરસ વાતો ઉર્વીશભાઈ,
ReplyDeleteવાંચીને યાદ આ ગયા મુજ કો ગુઝરા ઝમાના..અત્યારે સંગીત જીબીમાં ઉપલબ્ધ છે ખરું પણ કદાચ એ જીબીના કારણે જ સાંભળી નથી શકાતું. મારા ઘણા મિત્રોના મોબાઈલમાં ૮૦૦-૧૦૦૦ ગીતો ભર્યા હોય પણ સાંભળે કોણ ને ક્યારે? ને મ્યુઝીક માણવાની વસ્તુ છે, ઓન ધ મૂવ એને સાંભળી શકાય, માણી ન શકાય. આ મુવેબલ પ્લેયર્સ સંગીતમાંથી ક્યારેક શાંતિ નાં હેતુની બાદબાકી કરી નાખે છે.
Like.
ReplyDeleteSukumr M. Trivedi.
લતાજીની શ્રદ્ધાંજલિ સીડી ૧૯૯૪ આસપાસ બહાર પડી હતી. ત્યારે ચાલીસ-પચાસ હજારનું કોમ્પ્યુટર એ સાંભળવા એકમાત્ર સાધન હતું , એ વિધાનમાં હકીકતદોષ છે. ત્યારે અલગ સીડી પ્લેયર / સ્ટીરીઓ હાઈ ફાઈ ડેક સારી ગુણવત્તા અને નામાંકિત કંપનીના આસાનીથી દસ-પંદર હજારના મળતા હતા. સીડી તથા કેસેટ બંને સાંભળી શકાય એવી ટુ ઇન વન ડોલ્બી મ્યુઝીક સીસ્ટમ પણ ઉપલબ્ધ હતી.
ReplyDeleteહેમાંગ
having been born a 'gamadiya', i enjoyed this desi vocabulary coming juxtaposed by today's technical jargon:
ReplyDeleteગધેડે ગવાય, ખિસ્સાવગું, ગજવે ઘાલીને, ચૂડીવાજા, થાળીવાજાં, ચાવીવાજા, ભૂંગળું, ઉઘાડમથ્થું, માથાબંધણું,
and the bonus is it came with the topic of melodious music of ગુઝરા ઝમાના !
one of the reasons i like to read journos like urvish and prakash shah is their occasional use of such 'visarato shabdavarso' and their creative translation of most modern terms - a desification all gujjus be proud of.
Mara angat Mitra Mehboob na kaka Jamalpur ma rahe che. Temni angat library Gramophone ni thali vali cassette no athlak bhandar che khas kari ne Saigal, Talat Mehmud, Rafi Saheb, Lataben, v. no che., mobile number ane nam melvi ne post karish.
ReplyDeleteJabir
9408233783
what hemangbhai says is true. sorry for the slip.
ReplyDelete@jabirbhai: are you talking about Jafarbhai (Mansuri)? if yes, we know each other.
Yes, Jafarbhai.
ReplyDeleteThere are 2 other logistic person/s; one is my relative i have to check him and another my co-resident in old city who has moved to Ahmedabad -West, Sarkhej, who is Peerkhan (known as painter)who is fond of Saigal Sahab & Talat Sahab. Best thing of Peerkhan he can re-experience both legend if one request him with politeness.
Mari sabsa jyaada pasnd graamofon hay aaj bhi graamofon sa hi puraana gaana kavaali suntaa hu
ReplyDelete