Sunday, August 29, 2010
યે ધુંઆ સા કહાં સે ઉઠતા હૈ?
કાઠિયાવાડના છકડાને મોડે મોડેથી ‘ગ્રામીણ સંશોધન’નો દરજ્જો મળ્યો, ત્યાર પહેલાંથી અમદાવાદના રસ્તા પર એક ‘સંશોધન’ અથવા ‘સુધારો’ જોવા મળતો હતોઃ ચોમાસાની ઋતુ આવે એટલે કેટલાક વાહનચાલકો રેઇનકોટ જેટલી જ ચોક્સાઇથી રબરની પાઇપનો ટુકડો પણ કાઢે, તેનો એક છેડો સ્કૂટરના સાઇલેન્સરની પાઇપમાં લગાડે અને બીજો છેડો સ્પેરવ્હીલમાંથી બહાર કાઢે.
આવું કરવાનો ફન્ડા એટલો જ કે પાણી ભરાયાં હોય ત્યારે સાઇલેન્સર ડૂબવાથી સ્કૂટર ડચકાં ખાઇને બંધ ન થઇ જાય અને અટક્યા વિના સડસડાટ પાર ઉતરી જાય. અમદાવાદ કોલેજમાં ભણતો હતો એ અરસામાં એએમટીએસની બસની પાછળ પણ આવી પાઇપ લગાડેલી જોઇ હતી. આ રીતે પાઇપ લગાડવી એ કદાચ ચાલકો માટે સાવચેતી, ચતુરાઇ અને અગમચેતી પ્રદર્શીત કરવાનો પણ તરીકો હશે.
બહુ વખત પછી ફરી એક વાર સ્કૂટરની પાછળ આવી પાઇપ લગાડેલી જોઇ, એટલે થયું કે તેની યાદ જરા તાજી કરીએ-કરાવીએ.
Thursday, August 26, 2010
ઝવેરચંદ મેઘાણીની યાદમાં ‘સોરઠી સંતવાણી’
માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે 8-A, ચોટીલા
Wednesday, August 25, 2010
બારી કે ગિલોટીન?
‘બારી એ મુસાફરની મા છે’ એવું બધું લલિત નિબંધોમાં વાંચ્યું એ પહેલાં ટ્રેનમાં અપ-ડાઉનને કારણે બારીનો મહિમા સમજાઇ ગયો હતો. પણ આ ફોટાને એની સાથે કશી લેવાદેવા નથી.
અહીં દેખાતું દૃશ્ય જોઇને ફ્રેન્ચ ક્રાંતિના સમયનાં ગિલોટીનની અને ‘ખાંડણીયામાં માથાં’ની યાદ તાજી થઇ જાય.તો નવાઇ નહીં.
આ ભાઇ તો નિરાંતે ઉંઘી રહ્યા છે, પણ તેમની મુદ્રા જોતાં જાણે તેમને કોઇએ સજા કરી હોય અને સજાના ભાગરૂપે તેમણે બારી નીચે માથું મૂક્યું હોય એવો કુવિચાર આવી જાય.
Sunday, August 22, 2010
ક્રાંતિકારી વિચારક, કર્મશીલ અને યોદ્ધાઃ નરસિંહભાઇ પટેલ (2)
Wednesday, August 18, 2010
‘વર્લ્ડ ભૂવા સીટી’માં કેટલાક ભૂવાના ઇન્ટરવ્યુ
Monday, August 16, 2010
માત્ર રાજકીય જ નહીં, સામાજિક-માનસિક આઝાદીના લડવૈયા નરસિંહભાઇ પટેલ
Saturday, August 14, 2010
ગાંધીનગરનું થીમસોંગઃ ‘બાબુ’, સમજો ઇશારે...
Wednesday, August 11, 2010
શરમ કેવી? આબરૂનો સવાલ છે
Sunday, August 08, 2010
‘ચિત્રલેખા’ અને ચમત્કારિક બાયો ડિસ્ક : ગુમાવેલાં વિશ્વસનીયતા- પ્રતિષ્ઠા બાયો ડિસ્કથી પાછાં આવે ?
મોડી રાત્રે ટીવી પર આવતી ટેલીમાર્કેટિંગની જાહેરખબરોની એક ચોક્કસ સ્ટાઇલ હોય છે. જુદા જુદા માણસો આવીને કોઇ ભળતીસળતી પ્રોડક્ટ વિશે પોતાના અનુભવો જણાવે. સ્ટોરી બધાની જુદી જુદી હોય, બોલવાની સ્ટાઇલ અને ડબિંગ હાસ્યાસ્પદ હોય, છતાં તેનો સાર એકસરખો હોયઃ ‘અમને પહેલાં અમુક તકલીફ હતી. અમુક પ્રોડક્ટ વાપર્યા પછી એ તકલીફ દૂર થઇ ગઇ.’
મોડી રાત્રે આવતી એ જાહેરખબરોનો એક આશય ઉંઘરેટા કે ઉજાગરાગ્રસ્ત લોકોની ગાફેલ માનસિક અવસ્થાનો ફાયદો લેવાનો અને એ રીતે તેમના ભેજામાં કોઇ વાત રમતી મૂકી દેવાનો હોય છે. આઘાતની વાત એ છે કે ‘ચિત્રલેખા’એ ધોળા દિવસે ટેલીમાર્કેટિંગ જેટલી જ લાંબી અને ટેલીમાર્કેટિંગ જેવી જ હાસ્યાસ્પદ જાહેરખબર, એ જ શૈલીમાં વાચકોના માથે મારી છે.
બાયો ડિસ્ક નામની પ્રોડક્ટની વિગતો ‘ચિત્રલેખા’માં પેઇડ જાહેરખબર તરીકે છપાઇ હોત તો કંઇ કહેવાનું ન હતું. પણ ‘ચિત્રલેખા’એ 16 ઓગસ્ટ, 2010ના અંકમાં તેને કવરસ્ટોરી બનાવી છે- પૂરાં છ પાનાંની કવર સ્ટોરી. તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આ ‘સ્પોટલાઇટ ફીચર’ અથવા ‘એડવર્ટોરિયલ’ છે. ઉલટું મોંમાથા વગરના પ્રચારસાહિત્યને વૈજ્ઞાનિક છણાવટ તરીકે ખપાવવાનો અક્ષમ્ય અને હાસ્યાસ્પદ પ્રયાસ કરવામાં આવ્યો છે.
કવર પરનું મથાળું છેઃ (શરીરની વ્યાધિઓને અંકુશમાં લેતી ને નવું જોમ ઉમેરતી) બાયો ડિસ્ક કેટલી તિલસ્મી? તેનાથી એવો દેખાવ ઉભો થાય, જાણે બાયો ડિસ્કના નામે ચાલતા આસમાની દાવાને ચિત્રલેખાએ ચકાસ્યા હશે. પરંતુ કવર સ્ટોરીનાં છ પાનાંમાં (પાંચ-સાત લીટીને બાદ કરતાં) નકરી દાવાબાજી, વિજ્ઞાનના ઓઠા હેઠળ લોકોને ગેરમાર્ગે દોરવાનો ધંધો અને બાયોડિસ્કની કિંમત સહિતની બાકાયદા જાહેરખબર જ છે.
સ્ટોરીમાં કરાયેલા દાવા પ્રમાણે, ‘બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’
‘મૃત જળ’ અને ‘જીવંત જળ’ વિશે સ્ટોરીમાં એવી ‘વૈજ્ઞાનિક’ સમજૂતીઓ આપવામાં આવી છે, જે વૈજ્ઞાનિક રીતે માન્ય નથી. ‘સ્ટ્રક્ચર્ડ વોટર’ તરીકે ઓળખાતા ‘ચમત્કારિક પાણી’ વિશે સ્ટોરીમાં કહેવાયું છે, ‘સ્ટ્રક્ચર્ડ વોટર એટલે એવું પાણી જેની પરમાણુ રચના મનોરમ્ય ભૌમિતિક આકૃતિ જેવી સુગઠિત હોય. આવા પાણીમાં માનવશરીરને અત્યાવશ્યક એવાં તમામ ખનિજ યોગ્ય માત્રામાં હોય છે. આવા જળમાં સામાન્ય કરતાં ત્રણ ગણો વધુ ઓક્સિજન હોય છે. આવું પાણી શરીરની કોષિકામાં સહેલાઇથી શોષાઇ જાય છે અને એનાં પોષક દ્રવ્યોનો સીધો ફાયદો વિવિધ અવયવોને મળે છે. સ્ટ્રક્ચર્ડ વોટર પીવાથી શરીરના કોષો એકમેકથી સહેજ છૂટા રહે છે એટલે વિષયુક્ત દ્રવ્યોના નિકાલ માટે રસ્તો સાફ થાય છે.’
સ્ટ્રક્ચર્ડ વોટરનો મહિમા ગાઇ લીધા પછી જણાવવામાં આવ્યું છે કે કુદરતમાં આવું પાણી દુનિયામાં 14 ઝરણાંમાં જ થાય છે. બાકીના પાણીને ‘સ્ટ્રક્ચર્ડ’ બનાવવા માટે બે વિકલ્પ છેઃ લાખો ડોલરના ખર્ચે બનતાં વિવિફાયર્સ મશીન અને આ મશીનની ‘સુધરેલી આવૃત્તિ’ એટલે ‘રકાબી જેવડી અનોખી બાયો ડિસ્ક. ‘આ બાયો ડિસ્ક પરથી તમે પાણી પસાર કરો એટલે ગમે તેવું મૃત જળ પણ જીવંત-ચેતનાયુક્ત બની જાય. એનું બંધારણ સુગઠિત થઇ જાય.’
પછી? બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીના પરચા અનંત છે, જે ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરીમાં કોઇ પણ જાતની ઉલટતપાસ વિના યથાતથ ટાંકવામાં આવ્યા છે. આવા પાણીથી કોઇને ઘૂંટણનો દુખાવો તો કોઇને પીઠનું હર્પીસ મટી ગયાના દાખલા છે. કોઇની પથરી ઓગળી જાય છે તો કોઇના પરીક્ષામાં 85 ટકા આવી ગયા. કોઇનું ડીપ્રેશન ગયું, તો કોઇના ચશ્માના નંબર. સ્ત્રીઓને માસિક સંબંધી સમસ્યાથી છૂટકારો મળ્યો તો સ્પોન્ડિલાઇટીસ-આર્થરાઇટિસનાં દરદ પણ બાયો ડિસ્ક પરથી પસાર કરેલા પાણીએ મટાડ્યાં. બાયો ડિસ્ક વડે ચાર્જ કરેલા પાણીના ચાર ગ્લાસ પથારીની ચોતરફ રાખીને સૂઇ જવાથી લોકોને રાહત થઇ હોવાનું પણ જણાવાયું છે.
બાયો ડિસ્કના પાણીનો ‘ચમત્કાર’ ઓછો હોય તેમ ‘ચી પેન્ડન્ટ’ નાં ગુણગાન પણ આ સ્ટોરીમાં વર્ણવાયાં છે. ગળામાં ચી પેન્ડન્ટ ઝુલાવી રાખવાથી પણ એકાગ્રતા વધે છે, શક્તિનો સંચાર થાય છે ને દર્દોમાં રાહત થઇ જાય છે.
આવા હાસ્યાસ્પદ દાવા વિશે ‘હવે સિક્કાની બીજી બાજુ’ એમ કહીને છ પાનાંની કવર સ્ટોરીના અંતે જણાવાયું છે,’હકારાત્મક માનસ સાથે બાયો ડિસ્ક અપનાવનારાને જ એ વધુ ફાયદો આપે છે, શંકાશીલ લોકો માટે એ બહુ અસરકારક નથી.’ એટલું જ નહીં, બાયો ડિસ્ક કે બીજી પ્રોડક્ટ્સને કોઇ પણ સરકારી તબીબી સંસ્થા દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી નથી.
બાયો ડિસ્કના પ્રચારક ડોક્ટરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘અમે કોઇ પણ સંજોગોમાં દરદીને એની તબીબી સારવાર બંધ કરીને બાયો ડિસ્કનો ઉપયોગ કરવાનું કહેતા નથી. બાયો ડિસ્ક એ વૈકલ્પિક સારવાર નથી, પણ વેલનેસ પ્રોડક્ટ છે.’ બીજા શબ્દોમાં કહીએ તો બાયો ડિસ્કનો ઉપયોગ કરવો- ન કરવો એનો નિર્ણય ખુદ દરદીએ જ કરવાનો રહે.
બરાબર છે. પણ આખી વાતમાં ‘ચિત્રલેખા’એ શું કહેવાનું છે?
‘છેલ્લે મુદ્દાની વાત’ એમ કહીને ‘એડિટોરિયલ જજમેન્ટ’ કે ‘એડિટોરિયલ કમેન્ટ’ને બદલે ‘ચિત્રલેખા’ લખે છે, ‘બાયો ડિસ્કની કિંમત 17,750 અને બે નંગના 31,400 રૂપિયા છે. પહેલી દૃષ્ટિએ આ કિંમત સહેજે મોંઘી લાગે, પરંતુ આરોગ્યની સરખામણીએ કશું મોંઘું ન ગણાય...બાયો ડિસ્ક ફક્ત (વેબસાઇટનું નામ) નામની વેબસાઇટ પરથી ક્યુનેટ સાથે સંકળાયેલા લોકો મારફતે જ ખરીદી શકાય છે. તેમ છતાં બાયો ડિસ્ક ખરીદવામાં અગવડ પડે તો સંપર્કઃ (ફોન નંબર)’
***
પોતાના વાચકોને આટલી હદે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા પાછળ, આર્થિક સમાધાન કર્યા વિના પાળી શકાય એવા પત્રકારત્વના પ્રાથમિક નિયમોને નેવે મૂકવા પાછળ, ડાયમન્ડ જ્યુબિલી ઉજવણીના વર્ષમાં પોતાની કક્ષાનું અભૂતપૂર્વ તળીયું બતાવવા પાછળ, ‘ચિત્રલેખા’ માટે એવાં તો કયાં પરિબળો કામ કરતાં હશે? એવા અનેક સવાલ સખેદ થાય છે.
‘સાઠે બુદ્ધિ....’ સિવાયની કોઇ અટકળ? અંદાજ? અનુમાન? માહિતી?
***
નોંધ 1
જે સામયિક વાંચીને મોટા થયા હોઇએ, કિશોરાવસ્થામાં જેની ધારાવાહિક નવલકથાઓની રાહ જોઇ હોય, મર્યાદિત વાચનને કારણે, જે સામયિક વાંચીને મેગેઝિન જર્નાલિઝમની પ્રાથમિક સમજ મેળવી હોય, જેના ‘ઉંધા ચશ્મા’ થી દુનિયા જોવાની શરૂઆત કરી હોય, જેની સાથે ભૂતકાળમાં અને અત્યારે પણ અનેક મિત્રો સંકળાયેલા હોય, તેના વિશે આ પ્રકારનું લખતાં પહેલાં સામાન્ય સંજોગોમાં મન ઘણું કાઠું કરવું પડ્યું હોત. જય હો બાયો ડિસ્ક અને તેના ચમત્કારિક પાણીનો કે ફક્ત તેના વિશે વાંચવાથી ‘ચિત્રલેખા’ વિશે લખવા અંગેનો મારો ક્ષોભસંકોચ દૂર થયો.
નોંધ 2
પાણીની ‘ચમત્કારિક’ અસરો અને તેના વિશેનાં જૂઠાણાં અંગે કંપનીઓનો પ્રચાર નહીં, પણ કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો જાણવાં હોય તો વિજ્ઞાન-ટેકનોલોજીની પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘વાયર્ડ’ની આ લિન્ક જુઓ
http://www.wired.com/wiredscience/2008/03/chem-lab-hexago/
થોડી વધુ વિગતો માટેઃ http://www.chem1.com/CQ/gallery.html
Wednesday, August 04, 2010
જૂના શબ્દો, નવા અર્થ : શેતાની શબ્દકોશ
અંગ્રેજીમાં ‘ડેવિલ્સ ડિક્શનેરી’ તરીકે ઓળખાતા એક પ્રકારમાં શબ્દોના કેવળ પુસ્તકીયા કે ઐતિહાસિક જ નહીં, વાસ્તવિક-વર્તમાન અર્થ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીજીએ માથે રહીને ‘સાર્થ જોડણીકોશ’ તૈયાર કરાવ્યો હતો. ગુજરાત સરકારે ગાંધીજીની ઉજ્જવળ પરંપરા આગળ ધપાવી છે. ભાષાપ્રેમીઓ ધારે તો વર્તમાન સરકાર સાથે મળીને નવા અર્થો ધરાવતો નવો શબ્દકોશ તૈયાર કરી શકે છે. વિરોધી તત્ત્વો-કોંગ્રેસીઓ-ડાબેરીઓ-સ્યુડોસેક્યુલારિસ્ટો-દેશદ્રોહીઓ વગેરેનું મોઢું પહેલેથી જ તોડી લેવા માટે, નવા શબ્દકોશનું નામ ‘શેતાની શબ્દકોશ’ રાખવું જોઇએ. તેમાં શબ્દોના નવા બદલાયેલા અર્થ આપી શકાય. (જેમ કે ‘શેતાની’ એટલે જીનીયસ, બુદ્ધિશાળી, ચતુર, આવડત ધરાવતું...)
ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે સાબરમતી જેલમાં એક કાર્યક્રમ યોજીને ‘શેતાની શબ્દકોશ’નું લોકાર્પણ થઇ શકે. સાબરમતી જેલમાં કાર્યક્રમ યોજવાનું એક કારણ એ પણ ખરૂં કે ‘સર્જક સાથે સાંજ’ પ્રકારનો કાર્યક્રમ અલગથી ગોઠવવો ન પડે. ‘શેતાની શબ્દકોશ’ તૈયાર થઇ જાય અને ‘વાંચે ગુજરાત’ અંતર્ગત તેને તરતો મૂકવામાં આવે ત્યારે ખરો, પણ તેમાં સ્થાન પામે એવા ઘણા શબ્દો અને તેના અર્થ અત્યારથી તરતા થઇ ગયા છે. કારણ? (વાંચતાં પહેલાં) સાંભળે છે ગુજરાત અને જુએ છે ગુજરાત.સાર્થ જોડણીકોશ માટેનો જશ જેમ મહાત્મા ગાંધીને આપવામાં આવે છે, એવું ‘શેતાની શબ્દકોશ’ના કિસ્સામાં થઇ શકે? ગુજરાતમાં જે કંઇ બને છે- ખાસ કરીને સારૂં બને છે- તેના ‘ડીફોલ્ટ પ્રેરકપુરૂષ’ને આ કાર્યનો યશ આપવામાં કોઇ હરકત નથી.
ગુજરાતી ભાષાની આવતી કાલની ચિંતા આજે કરનારા અને આજની ચિંતા ગઇ કાલે છોડી ચૂકેલા સૌને માટે આ રહ્યા કેટલાક કાચીંડાછાપ શબ્દો, જે વાતાવરણ જોઇને રંગ બદલે છે અને શેતાની શબ્દકોશને સમૃદ્ધ કરે છે. અસહકારઃ આઝાદી પહેલાં અસહકારનું આંદોલન કરનારને જેલ થતી હતી અને તે મોટા માણસ ગણાતા હતા. હવે આખો ક્રમ ઉલટાઇ ગયો છે. મોટા માણસ જેલમાં જાય છે અને જેલમાં જઇને અસહકારનું આંદોલન કરે છે. ભક્તહૃદયી લોકો તેમની સરખામણી આઝાદી પહેલાંની જેલોમાં ભૂખહડતાળો કરનારા ક્રાંતિકારીઓ સાથે તેમની સરખામણી કરી શકે. જોકે, ‘ખાવાની’ બાબતમાં અત્યારના મોટા માણસો અસહકાર કરે એવા નથી. કારણ કે આખી મોંકાણ જ ખાવામાંથી ઉભી થયેલી હોય છે.
ખાવું: અસલના જમાનામાં ખાય અને ખાવા દે એવા માણસો મહાન ગણાતા હતા. સમૃદ્ધ માણસો માટે ‘ખાધેપીધે સુખી’ એવો શબ્દપ્રયોગ થતો હતો. પરંતુ કળીયુગમાં માણસનો ખોરાક ઘટ્યો ને ભૂખ વધી. પરિણામે ન ખાય, ન ખાવા દે એવા માણસો સારા ગણાવા લાગ્યા. કેટલાકને લાગ્યું કે આ તો ગાંધીજી કરતાં પણ ચડિયાતા કહેવાય. કારણ કે ગાંધીજી તો ફક્ત ન ખાવાના-ઉપવાસના સ્પેશ્યાલિસ્ટ હતા. સામેવાળાને ન ખાવા દેવા અંગે તેમનો કોઇ દાવો ન હતો.
ભૂખ પહેલાં વધી ને પછી વકરી. કોઇને ઉધઇની જેમ (રિઝર્વ બેન્કે છાપેલાં) કાગળીયાંની ભૂખ ઉપડી, તો કોઇને કીડામંકોડાની જેમ જમીનની ભૂખ ઉઘડી. કોઇ મધમાખીની જેમ મધની આસપાસ ગણગણવા વાગ્યા તો કોઇ માખીની જેમ ગંદકીની આજુબાજુ બણબણવા લાગ્યા. ખાવાનું જાણે ખાવાનું મટી ગયું અને એક ફુલટાઇમ ૨૪ કલાક-૩૬૫ દિવસની પ્રવૃત્તિ બની ગયું.
‘વી’ ફોર વિક્ટરીઃ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો બે આંગળી વડે ‘વી’ ફોર વિક્ટરી (વિજય)ની સંજ્ઞા બતાવે એ વાત કૌરવો-પાંડવોના જમાનાની હોય એવી લાગે છે. ટ્વીટર-ફેસબુક યુગમાં જેલમાં જતા મહાનુભાવો પોતાના ચાહક સમુદાય સમક્ષ ‘વી’ની નિશાની બતાવે છે અને ‘વી’ ફોર ‘વિક્ટિમ’ (શિકાર) તરીકે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે.
કાયદો અને વ્યવસ્થાઃ બ્રિટિશરાજના ઘણાબધા કાયદા જ નહીં, કેટલાક શબ્દો પણ હજુ આપણો પીછો છોડતા નથી. ગુલામીકાળનું માનસ ધરાવતા લોકો માને છે કે કાયદો અને વ્યવસ્થા એટલે સરકારી તંત્ર અને તેની દેખરેખ નીચે બાકીનાં તંત્રો તથા પ્રજાજીવન સુખરૂપ ચાલવાં જોઇએ. કાયદો-વ્યવસ્થાની નવી વ્યાખ્યા પ્રમાણે મોટાં રમખાણો, પોલીસ અધિકારીઓ દ્વારા ઉઘરાવાતી ખંડણી, તેમના દ્વારા લેવાતી સોપારી, તેમની પર થતા બળાત્કારના આરોપ...આ બઘું કાયદો-વ્યવસ્થાનો નહીં, પણ સરકારનો આંતરિક મામલો છે. તેની સાથે આમજનતાને કશી લેવાદેવા ન હોવી જોઇએ. પ્રજા સરકારની નહીં, પણ સરકાર પ્રજાની ચિંતા કરવા માટે છે. એટલે પ્રજાએ ફક્ત એટલું જ જોવાનું કે બધા તહેવારો બરાબર ઉજવાયા? એકેય વાર કરફ્યુ નંખાયો? પોલીસં હજુ સુધી તમારી પાસે ખંડણી માગી? તમારી સોપારી લીધી? ના? તો પછી કાયદો-વ્યવસ્થાની બૂમો પાડવાની ક્યાં જરૂર છે? કાયદો-વ્યવસ્થાની અભૂતપૂર્વ સ્થિતિ ધરાવતા ગુજરાતમાં આપનું સ્વાગત છે.
ટોર્ચરઃ અત્યાર સુધી આરોપી પાસેથી માહિતી કઢાવવા માટે તેને ઇલેક્ટ્રિક કરન્ટ આપવાની, ઊંધા લટકાવવાની કે ઊંઘવા ન દેવાની પદ્ધતિઓ ‘ટોર્ચર’માં સ્થાન પામતી હતી. પરંતુ ભૂલકણા આરોપીઓ સાથે પનારો પડ્યા પછી ટોર્ચરની વ્યાખ્યા બદલાઇ શકે છે. જેટલી વાર આરોપી ‘મને યાદ નથી’ એવો જવાબ આપે એટલી વાર તેને શંખપુષ્પી જેવાં ઔષધ કે અખરોટ-બદામ જેવાં યાદશક્તિવર્ધક મનાતા સૂકા મેવા પરાણે ખવડાવવામાં આવે તો અખરોટ-બદામ ને શંખપુષ્પીની શીશી પણ ટોર્ચરનાં સાધન ગણાય.
વિડીયો રેકોર્ડિંગ: વીસમી સદીમાં વિડીયો શૂટિંગ એટલે ‘લગ્ન તેમ જ શુભ પ્રસંગો માટે’ વિડીયો શૂટિંગ કરનારા યાદ આવતા હતા, પણ નવા યુગમાં વિડીયો રેકોર્ડિંગની વાત થાય એટલે હાઇ પ્રોફાઇલ આરોપી સામે ચાર-છ તપાસ અધિકારીઓ જુદી જુદી મુદ્રામાં બેઠા હોય અને બે બાજુથી વિડીયો કેમેરા દ્વારા રેકોર્ડિંગ ચાલતું હોય એવાં દૃશ્ય મનમાં સર્જાય છે. આ વિડીયો રેકોર્ડિંગમાં અશુભ પ્રસંગના ઓર્ડર પર પૂરતું ઘ્યાન આપવામાં આવે છે અને સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂર રહેતી નથી.
ખંડણી: ગુંડાઓ વેપારીઓ પાસેથી કે બીજા લોકો પાસેથી ધાકધમકીથી જે નાણાં ઉઘરાવે એ તો લૂંટ કહેવાય. ખંડણી સાથે જવાબદારીનું તત્ત્વ ભળેલું છે. ખંડણી ઉઘરાવનાર સામા પક્ષને એવી નૈતિક બાંહેધરી આપે છે કે જ્યાં લગી મને ફરી ખંડણી લેવાનું મન નહીં થાય, ત્યાં લગી હું તમને ખાલીપીલી હાથ નહીં અડાડું. પ્રોમિસ.’ પરંતુ આ જ કામ પોલીસ કરે ત્યારે સોનામાં સુગંધ ભળવી જોઇએ. કારણ કે આમ કરીને પોલીસ પોતે પોતાના સંયમિત વર્તનની ખાતરી આપે છે.
ખરેખર તો પોલીસ દ્વારા ઉઘરાવાતી ખંડણી માટે ‘સંયમ-કર’ કે ‘અહિંસાવેરો’ જેવો કોઇ શબ્દ પ્રયોજાવો જોઇએ. અકારણ હિંસા ન કરવાના બદલામાં પોલીસ વેરો વસૂલે તો કલ્યાણરાજ્ય અને રામરાજ્યની સ્થાપના માટે નાગરિકો આટલું બલિદાન આપી ન શકે? લાખો કરોડોનાં રોકાણ ધરાવતા ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના નાગરિકો જરાઅમથી રકમો માટે કેસો કરે ને બધાને પકડાવે એ ગુજરાતને શોભે છે? શું આપણે ગાંધીજીને આટલી હદે ભૂલી ગયા કે ‘અહિંસા’ તો ઠીક, ‘અહિંસાવેરો’ પણ આપણને અકારો લાગે?
મોરલ: અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશોમાં આ અંગ્રેજી શબ્દના પર્યાય તરીકે નીતિમત્તા કે નૈતિકતા જેવા શબ્દો વાંચવા મળશે. પણ નવા પ્રસ્તાવિત શબ્દકોશમાં એ શબ્દોનો સ્વતંત્ર ગુજરાતી શબ્દો તરીકે સમાવેશ કરવાનું ગુજરાતના હિતમાં નથી. તેમને શબ્દકોશમાં સામેલ કરવાનું કહેનારા ગુજરાતના હિતશત્રુઓ અને ગુજરાતના વિરોધીઓ છે, જે દુનિયા સમક્ષ ગુજરાતને બદનામ કરવા અને તેને નીચું દેખાડવા ઇચ્છે છે