Wednesday, August 18, 2010

‘વર્લ્ડ ભૂવા સીટી’માં કેટલાક ભૂવાના ઇન્ટરવ્યુ

અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સીટી’નો દરજ્જો મળે ત્યારે ખરો, પણ આ ચોમાસામાં તેને ‘વર્લ્ડ ભૂવા સીટી’નો ઇલ્કાબ મળી ગયો છે.

ગાંધીજીને ‘મહાત્મા’, વલ્લભભાઇને ‘સરદાર’ અને રવીન્દ્રનાથને ‘ગુરૂદેવ’ના ખિતાબ જેમ લોકહૃદયમાંથી મળ્યા હતા, એવી જ રીતે અમદાવાદને પણ લોકોએ પોતાના હૃદયના ભૂવામાંથી- એટલે કે ઊંડાણમાંથી- ‘વર્લ્ડ ભૂવા સીટી’ નું સ્થાન આપ્યું છે. ચોમાસામાં અમદાવાદની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ અમદાવાદની અજાયબીઓમાં ઝુલતા મિનારા અને સીદી સૈયદની જાળીની સાથે ભૂવાનો પણ સમાવેશ કરવા માંડે તો નવાઇ નહીં. કેમ કે, પરદેશી ગાઇડબુકના લેખકો બહુ ખંતીલા હોય છે. એ લોકો અમદાવાદની ગાઇડ બુકમાં ભૂવા વિશે લખવા માંડે તો સંભવ છે કે આપણા જ ભૂવાઓની માહિતી-ઇતિહાસ-ભૂગોળ-લંબાઇ-પહોળાઇ-ઊંડાઇ-આયુષ્ય
જાણવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંગ્રેજી ચોપડીઓ ખરીદવી પડે.

બીજી ચીજોની જેમ ભૂવાની કિંમત સમજવામાં પણ આપણે મોડા ન પડીએ અને પરદેશીઓ જશ ન લઇ જાય, એ માટે નક્કી કર્યું કે અમદાવાદના કેટલાક ભૂવાની વેળાસર મુલાકાત લેવી જોઇએ. મુલાકાતનો આશય ‘વિઝિટ’ પ્રકારનો હતો, પણ થઇ ગયા ‘ઇન્ટરવ્યુ’.

***

આઇ.આઇ.એમ.પાસેનો ભૂવો

પ્રઃ એ રામ રામ ભૂવાભાઇ.
ભૂવોઃ માઇન્ડ યોર લેંગ્વેજ, બોસ. હું રેંજીપેંજી ચાલુ બિઝનેસ સ્કૂલ પાસેનો નહીં, આઇ.આઇ.એમ.-અમદાવાદ પાસેનો ભૂવો છું. આપણું એન્યુઅલ પેકેજ કેટલું છે ખબર છે? અને વોટ ડુ યુ મીન બાય ‘ભૂવાભાઇ’? કેવું દેશી લાગે છે? ‘હેય ડૂડ’ કે ‘હાય ભૂવી’ એવું કંઇક કહ્યું હોત તો?
પ્રઃ સોરી. ફરી ઘ્યાન રાખીશ. પહેલાં એ કહો ઃ કેવું લાગે છે?
ભૂવોઃ સ્ટુપિડ ક્વેશ્ચન, પણ પહેલો છે એટલે ચલાવી લઊં છું ઃ રસ્તા પર હોઇએ એટલે કેવું લાગે? જાણે હજુ સુધી પ્લેસમેન્ટ ન મળ્યું હોય...
પ્રઃ પણ મેં સાંભળ્યું છે કે તમે પહેલાં બહુ અપટુડેટ રોડ જેવા દેખાતા હતા...
ભૂવોઃ વાહ! આ તો બ્રાન્ડિંગના સબ્જેક્ટમાં કામ લાગે એવું છેઃ ‘ભૂવા ભી કભી રોડ થા’.
પ્રઃ જોઊં છું કે તમારી પર આઇ.આઇ.એમ.ની સોબતની બહુ ઘેરી અસર પડી છે.
ભૂવોઃ પણ જ્યાં પડવી જોઇએ ત્યાં-વહીવટકર્તાઓ ઉપર- આઇ.આઇ.એમ.ની અસર પડતી નથી એનું શું? જે શહેરની મેનેજમેન્ટ સંસ્થા આખા દેશમાં વખણાતી હોય, તે શહેર પર સંસ્થાની કશી અસર ન થાય? કે સંસ્થા એ શહેર પર કશી અસર ન પાડી શકે?
પ્રઃ વાહ.
ભૂવોઃ ‘વાહ, વાહ’ કરીને બેસી રહેવાની જરૂર નથી. એ વિચારો કે શું થઇ શકેઃ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી.ના સહયોગથી હવે પછી જે ભૂવા પડે તેમને પ્રેઝન્ટેબલ બનાવવા માટે નવી ડિઝાઇનો તૈયાર કરાવી શકાય, ભૂવાને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવામાં અને અમદાવાદની ‘ભૂવા સીટી’ તરીકે બ્રાન્ડ બિલ્ટ અપ કરવામાં આઇ.આઇ.એમ. કામ નહીં લાગે તો બીજું કોણ કામ લાગશે? થોડું વધારે પ્લાનિંગ કરીને અને રૂપિયા ખર્ચીને ભૂવાને પ્રોફિટેબલ પણ બનાવી શકાય. મેનેજમેન્ટ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને મોટાં ને મોટાં પેકેજ મળે છે તે અમસ્તાં? એમાંથી ઘણાને તો અર્થતંત્રના ભૂવા પ્રેઝન્ટેબલ બનાવવા માટે જ આસમાની પગાર મળે છે.
પ્રઃ મને લાગે છે કે શિક્ષણના- ખાસ કરીને મેનેજમેન્ટના શિક્ષણના- હિતમાં આપણે વાત અહીં જ અટકાવી દેવી જોઇએ.

***

મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેનો ભૂવો

પ્રઃ નમસ્કાર.
ભૂવોઃ ભારતમાતા કી જય.
પ્રઃ એક મિનીટ... તમારે વળી ભારતમાતા સાથે શી લેવાદેવા? તમને ક્યાં સીબીઆઇ પૂછપરછ માટે બોલાવે છે?
ભૂવોઃ ગૃહખાતામાં કે પોલીસખાતાં, ગમે ત્યાં ભૂવા પડે તો પણ અમને એકસરખો આનંદ થાય છે અને તમામ ભૂવા તથા તેના પાડનારા માટે અમે હંમેશાં સૂત્રોચ્ચાર કરવા તૈયાર હોઇએ છીએ. બોલો..ભારતમાતા કી....
પ્રઃ તમે આમ વારેઘડીએ ભારતમાતાને વચ્ચે ઢસડી લાવો છો તો કૌરવસભામાં દ્રૌપદીને ઢસડી લાવતા દુઃશાસનની યાદ તાજી થાય છે.
ભૂવોઃ શું કહ્યું? દુઃશાસન? તમને અમારૂં અસ્તિત્ત્વ દુઃશાસનની યાદ અપાવે છે? તમે ખરેખર અમદાવાદવિરોધી, ભારતવિરોધી, હિંદુવિરોધી, સ્યુડોસેક્યુલર લાગો છો. બાકી, તમને ગૌરવ થવું જોઇએ કે મારી ગણના સંભવતઃ એશિયાના સૌથી મોટામાં મોટા ભૂવા તરીકે થાય છે. લિમ્કા બુક માટે તો એપ્લાય કરી દીઘું હતું ને તેના અફસરો આવીને ગયા. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે ભારતમાં સૌથી વઘુ ભૂવા ધરાવતા શહેર તરીકે અથવા સૌથી મોટા ભૂવા તરીકે- બેમાંથી એક કેટેગરીમાં આપણું પાકું છે. બોલો, ભારતમાતાકી....ભૂલી ગયો.. ભૂલી ગયો...આદતસે મજબૂર.
પ્રઃ પણ એક સુંવાળી સડકમાંથી આમ ભૂવો બની જતાં તમને દુઃખ નથી થતું?
ભૂવોઃ બિલકુલ નહીં. સડકસ્વરૂપમાં મને કોઇ પૂછતું પણ ન હતું ને ગણતું પણ ન હતું. હવે મારી આજુબાજુ પટ્ટીઓ બંધાય છે- એ પટ્ટીઓ જોઇને ઘણાને એવું લાગે છે, જાણે રાજકારણીઓ એ પટ્ટીઓ કાપીને ભૂવાનાં ઉદ્ઘાટન કરવાના હોય...
પ્રઃ તમે બહુ તોફાની છો.
ભૂવોઃ એટલે તો ભૂવો છું. નહીંતર રોડ ન હોત!
પ્રઃ એક મિનીટ. તમારા લહેકામાંથી મને અસંતોષની ગંધ આવે છે. તમે ક્યાંક અસંતોષને લીધે તો રોડમાંથી ભૂવો બની ગયા નથી ને?
(ભૂવો આંખ મીંચકારીને ‘નો કમેન્ટ્સ’ કહે છે, એ સાથે જ મુલાકાતનો અંત આવે છે.)

***

યુનિવર્સિટીની નજીક પડેલો ભૂવો

પ્રઃ હાય! હાઉ આર યુ?
ભૂવોઃ જસ્ટ ચિલિંગ, મેન!
પ્રઃ ચિલિંગ ઓર કિલિંગ?
ભૂવોઃ ગુડ જોક. પણ મારી ટીકા કરવાની જરૂર નથી. હું ઓલરેડી બળેલો છું.
પ્રઃ કેમ દાઝેલુ દાઝેલું બોલો છો? છોકરાને એડમિશન નથી મળ્યું? સેલ્ફ-ફાઇનાન્સ્ડ સંસ્થા માટે મંજૂરી નથી મળી? ક્યાંક વી.સી. બનવું છે? વર્તમાન કે ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નારાજ છે? સાહેબની ગુડબુકમાંથી નામ નીકળી ગયું છે? છઠ્ઠા પગારપંચમાં કોઇ કારણસર સમાવેશ નથી થયો? આખરે પ્રોબ્લેમ શું છે?
ભૂવોઃ આમાંથી એકેય પ્રોબ્લેમ નથી. વાત એનાથી કંઇક વધારે મોટી છે. પણ જવા દો. તમે નહીં માનો.
પ્રઃ આવું કહીને તમે મારી ધીરજની કસોટી કરો છો. કહી દો જે કારણ હોય તે સાચેસાચું. તમારા ખાતર હું ભૂતપ્રેતમાં પણ માનવા તૈયાર થઇ જઇશ.
ભૂવોઃ ના, ના. એમ તો તમે કુલપતિમાં માનો છો એ જ બહુ છે...
પ્રઃ તો પછી શું છે?
ભૂવોઃ યુનિવર્સિટીમાં ને શિક્ષણજગતમાં પડેલા ભૂવાની સાઇઝ જોઇને મને સખત લધુતાગ્રંથિ થાય છે. મને થાય છે કે એ ભૂવા આગળ મારી કોઇ વિસાત નથી. મને મારૂં અસ્તિત્ત્વ નિરર્થક લાગવા માંડે છે...

(રડતો ભૂવો જોવાની ઇચ્છા ન હોવાથી ઇન્ટરવ્યુ તત્કાળ આટોપી લેવો પડે છે.)

10 comments:

 1. ઉર્વીશભાઈ ભૂયંગદેવ ,રીંગરોડ પ્રગતિનગર ,સાબરમતી પોલીસ સ્ટેશન સામેનો ભૂવા નો ઇન્ટરવ્યુ પણ ઉમેરશો .
  અમદાવાદમાં પ્રવેશ કરતા બોર્ડ મુકવા જોઈએ કે ભુવાઓની નગરી અમદાવાદમાં આપનું સ્વાગત છે .

  ReplyDelete
 2. ઉર્વીશભાઈ...
  અમદાવાદમાં રસ્તાઓ પર ''ભુવા'' ભાજપ સરકારના ભ્રસ્તાચારના બોલતા પુરાવા છે...
  ગુજરાત ના મુખ્ય મંત્રી એવું કહે છે કે " હું ખાતો નથી... અને ખાવા દેતો નથી" આ વાત લોકો ને મુર્ખ બનાવવા માટેની છે...
  હકીકત અ છે કે મોદીજીના રાજમાં આખે આખા રસ્તા જ ખવાય જાય છે...... તમને માન્યામાં નહિ આવે ... પણ હકીકત એ છે કે ડામરના રોડ ખવાય જાય છે તો પણ ભાજપવાળાઓને પેતમય નથી દુખતું...

  ReplyDelete
 3. અંદાજ-એ-ઉર્વિશભાઈ વાંચીને એક મેગેઝિનની ટેગલાઈન કહેવાનું મન થાય.. સાચી વાત, અલગ અંદાજ..

  ReplyDelete
 4. as if they are the paid ambassador of the brand, almost every alternate day THE TIMES OF INDIA highlight the red-brick-masonry of the INDIAN INSTITUTE OF MANAGEMENT in one of their pages.

  are they myopic or jaundiced that they don't ever look at the BHUVAS our blogger splashed them on their face?

  ReplyDelete
 5. Jabir A. Mansuri8:32:00 PM

  in vaccum of whistle blowing society, your pen might serve to stimulate right person @ wrong place or wrong person @ wrong time. Reminds management proverb 'good engineer could not become good manager'.

  Remember traffic irregularities due to animal prompted sue-moto to remind urban administration.

  Any urban planner could suggest to develop new neighbour city unlike Gandhinagar to save people from economic-mafia, disaster.

  ReplyDelete
 6. Narendra8:37:00 PM

  Is there any graduation programme running to understand certain comments here!?

  ReplyDelete
 7. Anonymous12:16:00 AM

  To understand them, a diploma will do. But to tolerate them, a positive thinking program is required.

  ReplyDelete
 8. shailesh modi10:54:00 AM

  You could have extended iim bhuva to AMA which attempted branding of Ahmedabad a few years ago- apnu amdavad!

  ReplyDelete
 9. Anonymous10:56:00 AM

  For right information on quantum of bhuvas please update with AMC & AUDA. Subject of ecological disaster due to political vision.

  ReplyDelete
 10. urvish kothari2:47:00 PM

  :-) In fact, I had a long list of bhuvas to be interviewed (like, ashram road, temple, 120 foot ring road, college, mall etc.) but space constraint.
  Also, I thought it would be an overkill to spread it to next week's column.

  ReplyDelete