Saturday, August 14, 2010

ગાંધીનગરનું થીમસોંગઃ ‘બાબુ’, સમજો ઇશારે...

ભરચોમાસે ગાંધીનગરના વાતાવરણમાં ઉકળાટ, બફારો અને અકળામણ અનુભવાય છે. ‘ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા’ની જેમ આખા ગુજરાતમાં થયેલો વરસાદ ગાંધીનગરમાંથી અકળામણ દૂર કરી શક્યો નથી અને ટાઢક ફેલાવી શક્યો નથી. સરકારી કર્મચારીઓ રોજ સાહેબોને છૂટતા પરસેવાની અને આવા બફારામાં ત્રણ માળ લિફ્ટ વિના ચડવાના થશે તો સાહેબની હાલત કેવી થશે, એની ચિંતામાં ગરકાવ છે. (ગાંધીનગરમાં સીબીઆઇની કચેરી ત્રીજા માળે આવેલી છે.)

સાહેબો સંકટ અને સરકારી કર્મચારીઓ ધર્મસંકટ અનુભવી રહ્યા છે. એક શાયરે કહ્યું હતું,‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે દામ’. અત્યારના ઉકળાટભર્યા માહોલમાં સાહેબોને ‘સરકાર’ સમજી બેઠેલા અફસરો માટે ‘જીસકી જીતની ચાકરી, ઉતને ઉસકે ડામ’ જેવો ઘાટ થયો છે. જ્યાં દરેક માણસ બીજાનો સાહેબ છે અથવા બીજો એનો સાહેબ છે, એવા ગાંધીનગરમાં સૌથી મોટી સમસ્યા છેઃ રોજેરોજ બનતી ઘટનાઓની ચર્ચા કેવી રીતે, કેવા શબ્દોમાં કરવી કે જેથી સાપ-મતલબ સાહેબ મરે નહીં અને ટીકાની લાઠી પણ ભાંગે નહીં. ગાંધીનગરમાં ચિંતા સમય બગડવાની નહીં, સીઆર(કોન્ફીડેન્શ્યલ રીપોર્ટ/સાહેબ દ્વારા લખાતી ખાનગી નોંધ) બગડવાની હોય છે.

હોદ્દાની રીતે નીચલી પાયરીના ગણાતા કર્મચારીઓને ઝાઝાં બંધનો નડતાં નથી. ખોવાયેલા દાગીના મળી ગયા હોય એવી રીતે એ હરખાતાં હરખાતાં ઓફિસમાં બધાની વચ્ચે કહી શકે છે,‘મળી ગ્યા હોં.’

‘શાની વાત કરો છો, શાહભઇ?’
‘અત્યારે બીજી શેની વાત હોય? રીમાન્ડ મળી ગ્યા.’

ભૂલેચૂકે આવી ‘ગુજરાતદ્રોહી’ વાતચીત ચાલતી હોય ને કોઇ સાહેબ હાજર હોય તો એ તરત કહેશે,‘પણ એમાં તમે ઘેર છોકરો જન્મ્યો હોય એમ રાજી શાના થાવ છો?’

કર્મચારી માથાભારે હોય તો એ સાહેબને વળતા જવાબમાં કહી શકે છે,‘કેમ સાહેબ! રીમાન્ડ નહોતા મળ્યા ત્યારે તમે પણ આટલા રાજી નહોતા થયા? એ વખતે મેં આવું પૂછ્યું’તું?..આ તો સમાચાર આપ્યા, સાહેબ.’

ગુજરાતના ઉચ્ચ અફસરો કેવાં જવાબદારીભર્યાં કામ કરે છે, એ હવે સૌ જાણે છે. એ કામ પ્રજાનાં નહીં ને એમનાં સાહેબોનાં હોય તો પણ શું થયું? જવાબદારી આખરે જવાબદારી છે. ખંડણી ઉઘરાવવી, ‘કસાબ કરતાં પણ વધારે ખતરનાક ત્રાસવાદી’ સાથે ભાગીદારીમાં ધંધો કરવો (જેથી એ ગુજરાતને કશું નુકસાન ન પહોંચાડે!), લારીઓમાં કે દુકાનોમાં ન મળે એવી ચોક્કસ પ્રકારની વિડીયો સીડી બનાવવી, માથે કફન બાંધીને...ફાર્મહાઉસોમાં જવું, કફનમાંથી જુદી જુદી સાઇઝના ઢાંકપિછોડા વેતરવા, ગુજરાતનું એટલે કે સરકારનું એટલે કે સાહેબનું ભલું થતું હોય તો (નિર્દોષોનું) ખૂન વહાવવા પણ તત્પર રહેવું...

ખરેખર, ટીકાકારો ગમે તે કહે, પણ કર્મયોગી શિબિરો પછી ગુજરાતની અફસરશાહીની કાર્યક્ષમતા કેટલી વધી ગઇ! અત્યારે જેલમાં રહેલા પોલીસ અફસરોને તો ગુજરાત સરકારે ખાસ સહિયારો ચંદ્રક આપીને સન્માનિત કરવા જોઇએ..રણજીતરામ ચંદ્રક જેવો સાહિત્યનો ચંદ્રક. કારણ કે તેમણે રચેલી એન્કાઉન્ટરની વાર્તાઓથી ફક્ત ગુજરાતનું સાહિત્ય જ નહીં, ગુજરાતનું રાજકારણ અને જાહેર જીવન પણ સમૃદ્ધ બન્યાં છે. જોકે, અફસરો સર્જકસહજ વિનમ્રતા દાખવીને ચંદ્રક લેવાનો ઇન્કાર કરી દે અને પોતાના પ્રેરણામૂર્તિઓ તરફ આંગળી ચીંધે તો ગુજરાતે એમને પણ ‘પોંખવા’ રહ્યા.

આવી મહત્ત્વની વાતો ચર્ચવાની હોય ત્યારે ગાંધીનગરની ઓફિસોમાં સાહેબો કેવી રીતે વાત કરતા હશે? સુવિધા ખાતર સાહેબોના બે પ્રકાર પાડી શકાય : સાહેબને વફાદાર સાહેબ અને કાયદાકાનૂનને વફાદાર સાહેબ. પહેલા પ્રકારના સાહેબોની બહુમતિ છે. તેમાંથી થોડા સાહેબો અને એકાદ બીજા પ્રકારનો સાહેબ ક્યાંક મળી ગયા હોય અને કામ પૂરૂં થઇ ગયા પછી તેમની વચ્ચે વાતો ચાલી રહી હોય તો..

***
સા.૧ : મારી કેરીયરમાં મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : ધીમેથી...નહીંતર જોશો પણ નહીં. કેરીયર અકાળે પતી જશે.
સા.૩ : (સા.૧ને) આપણાથી આવું ના બોલાય સાહેબ. તમે તો ગૃહ ખાતામાં છો. તમારાથી તો ખાસ. સાહેબો ખંડણીના ને ખૂનના આરોપમાં ધંધે લાગ્યા હોય ત્યારે...
સા.૧ : પણ સાહેબ, હું ક્યાં કશું બોલ્યો જ છું? ખંડણી ને ખૂનની વાત તમે કાઢી.
સા.૪ : (સા.૩ તરફ જોઇને) જોયું સાહેબ? આને કહેવાય ગાંધીનગર-ગીરી.
સા.૧ : મેં તો સાહેબ એટલું જ કહ્યું કે મેં આવો કેસ જોયો નથી.
સા.૨ : જુઓ પણ કેવી રીતે સાહેબ? આ ગુજરાત છે ગુજરાત. એની પ્રશસ્તિ તમે વાંચી લાગતી નથી. વાંચી લેજો એક વાર એટલે ખબર પડશે કે જે અહીં છે તે ક્યાંય નથી.
સા.૧ : હું પણ ગુજરાતી જ છું સાહેબ. ગુજરાતને વખાણવા માટે એની ચાંપલી ભાટાઇઓ વાંચવાની મારે જરૂર નથી. તમે નહીં વાચ્યું હોય એટલું ગુજરાતી મેં વાંચ્યું છે, એટલી જગ્યાઓએ હું ફર્યો છું. પણ હું ગુજરાતની વાત નથી કરતો. હું તો સાહેબની વાત કરૂં છું.
સા.૪ : કેટલાં વર્ષ થયાં નોકરીમાં? હજુ તમને એ ખબર નથી પડી કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ના જમાના જતા રહ્યા. અત્યારનું સૂત્ર છેઃ સાહેબ ઇઝ ગુજરાત/ સાહેબ જ ગુજરાત છે!
સા.૧ : થોડો થોડો ખ્યાલ હતો, પણ તમે ચોખવટ કરી આપી તે સારૂં થયું. મરવા દો. મારે શું? મારે તો નોકરીથી મતલબ છે.
સા.૩ : પણ નોકરી કરશો કોની? સાહેબની જ ને?
સા.૧ : કેમ? સચિવાલય કોઇના પિતાશ્રીની પેઢી છે? હું પ્રધાનોની નહીં, પ્રજાની નોકરી કરવા જીપીએસસીમાં બેઠો હતો.
સા.૨ : અરે ભગવાન, આમને કંઇક થઇ ગયું લાગે છે. કોઇ ડોક્ટરને બોલાવો...આમને કોઇ સમજાવો...આ સાહેબનું શું થશે...એમનાં બાળબચ્ચાં રખડી પડશે...
સા.૩ : ધીમેથી...કેબિનનો દરવાજો ખોલીને બહાર જોઇ લેવા દો. કોઇ સાંભળતું તો નથી ને. (જાય છે)
સા.૫ : (સા.૩ તરફ જોઇને) જોયું? એમ કરીને પોતે કેવા છટકી ગયા! હવે આ જ જઇને સાહેબને કહેશે કે કોણ શું બોલ્યું. આપણે બધા મરવાના, લખી રાખો તમે.
સા.૨ : (સા.૧ને, સહેજ કડકાઇથી) તમારે આવું બઘું બોલવા જેવું નહોતું. હું ઉપદેશ નથી આપતો. નિયમ સમજાવું છું. આપણે સરકારી કર્મચારી કહેવાઇએ. આપણાથી સરકારની સામે ન બોલાય. રૂલબુકમાં લખેલું છે.
સા.૧ : મારૂં પણ એ જ કહેવું છે સાહેબ. આપણાથી સરકારની સામે ન બોલાય, તો સરકારના ખોળામાં બેસી જવાય? સાહેબોની આરતીઓ ઉતારાય? એમના ગોરખધંધામાં સામેલ થવાય? આ બઘું કઇ રૂલબુકમાં લખ્યું છે?
સા.૨ : તમે મને રૂલ શીખવાડો છો?
સા.૧ : ના સાહેબ. તમને શીખવનાર હું કોણ? હું નથી સીબીઆઇ કે નથી હાઇકોર્ટ અને તમને તો એ બેની જ ભાષા સમજાતી હશે ને!

(સીબીઆઇના ઉલ્લેખથી બન્ને અધિકારીઓ બથ્થમબથ્થી પર આવી જાય છે, કેબિનનો દરવાજો ખોલી નાખવામાં આવે છે, બધા કર્મચારીઓ આવીને તેમને માંડ છૂટા પાડે છે, પણ સાહેબ નં.૨ સૂટ ખંખેરતાં ખંખરેતાં વિદાય લેતાં કહેતા જાય છે,‘ઘ્યાન રાખજો. ક્યાંક એન્કાઉન્ટર ન થઇ જાય! સાહેબો કાયમ જેલમાં રહેવાના નથી!’)

No comments:

Post a Comment