Sunday, August 22, 2010

ક્રાંતિકારી વિચારક, કર્મશીલ અને યોદ્ધાઃ નરસિંહભાઇ પટેલ (2)

Narsinhbhai (sitting, extreme left), sitting (extreme right) daughter Shantaben Patel.
(photo courtesy : Sandhyaben Mehta, daughter of Shantaben. Granddaughter of Narsinhbhai)

ઇસ્ટ આફ્રિકા જઇને આર્થિક રીતે સમૃદ્ધ થયેલા ગુજરાતીઓની ગાથાઓ હવે ગુજરાતમાં નવી નથી. પરંતુ તેમાં એક નામ ભાગ્યે જ વાંચવા મળે છેઃ નરસિંહભાઇ પટેલ.
કારણ?

નરસિંહભાઇ બીજા લોકોની જેમ વેપારધંધા જેવા ગુજરાતી ગુણોથી દોરવાઇને નહીં, પણ હવેના ગુજરાતમાં દુર્લભ બનેલા ગુજરાતીપણા જેવા અન્યાય સામે લડવાના મિજાજને કારણે આફ્રિકા પહોંચ્યા હતા. ખરેખર તો તેમને ગાયકવાડી સરકારની નોકરી છોડીને, બ્રિટિશ સલ્તનતની ધરપકડથી બચવા માટે આફ્રિકા જવું પડ્યું હતું. તેમણે લખેલા બોમ્બ બનાવવાની રીતોના પુસ્તક ‘વનસ્પતિની દવાઓ’ પછી અંગ્રેજ સરકાર ભડકી ઉઠી. સી.આઇ.ડી.વિભાગે કોઇ પણ દેશભક્તને પ્રમાણપત્ર લાગે એવા શબ્દોમાં નરસિંહભાઇ માટેનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું,‘આ માણસ ગુનાખોરી માટે તથા ન્યાય વ્યવસ્થાને ઉથલાવી પાડવા માટે કુખ્યાત પાટીદાર જ્ઞાતિનો ખતરનાક નમૂનો છે.’

પરંતુ આ જ અંગ્રેજ સરકારની અદાલતમાં નરસિંહભાઇ ‘સત્યના સમાનાર્થી’ તરીકેની ઓળખ પણ પામ્યા હતા. અંગ્રેજ સરકાર નરસિંહભાઇ રૂપી ખસને ટાઢા નહીં, પણ કાળા પાણીએ કાઢવા માગતી હતી. સરકારની દાનતનો ખ્યાલ આવી જતાં નરસિંહભાઇ પોલીસને હાથતાળી આપીને ફ્રેન્ચ સંસ્થાન પોંડીચેરી પહોંચ્યા. ત્યાં સલામતી ન લાગતાં કોલમ્બો (શ્રીલંકા), સોમાલીલેન્ડ થઇને થઇને આફ્રિકાના મોમ્બાસા બંદરે પહોંચ્યા. કુટુંબને પણ ત્યાં બોલાવી લીઘું. પરંતુ અંગ્રેજ સરકારની ધોંસ ચાલુ રહેતાં તેમણે ફ્રેન્ચ તાબા હેઠળના મુઆન્ઝા શહેરમાં આશરો લીધો. ત્યાં પણ અંગ્રેજ સરકારે પીછો ન છોડતાં તે જર્મન તાબા હેઠળના મુઆન્ઝા શહેરમાં પહોંચ્યા. થોડો વખત નોકરી કરી, ન કરી ત્યાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયું. તેમાં અંગ્રેજોએ જર્મનીને હરાવતાં નરસિંહભાઇને ફરી ઠેકાણું બદલવું પડ્યું. આ રઝળપાટનું છેલ્લું મથક હતું નાઇલ નદીના મૂળ નજીક આવેલું ગામ જીંજા. ત્યાં નરસિંહભાઇ નવરાશના સમયમાં જર્મન ભાષા શીખ્યા અને વઘુ એક સ્વાતંત્ર્ય વીર ‘વિલિયમ ટેલ’ના જર્મન ચરિત્રનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

જીંજામાં નિવાસ દરમિયાન નરસિંહભાઇના વિચાર અને જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું. બોમ્બ બનાવવાની રીતોનું પુસ્તક લખનાર આ ‘ખતરનાક પાટીદાર’ ટોલ્સ્ટોયનું પુસ્તક ‘એ મર્ડરર્સ રીમોર્સ’ વાંચીને અહિંસા તરફ વળ્યા. અગાઉ વડોદરામાં હતા ત્યારે ૧૯૦૩માં કવિ ‘કાન્ત’- મણિશંકર ભટ્ટે તેમને ટોલ્સ્ટોયનું પુસ્તક ‘રૂટ ઓફ ધ એવિલ’ વાંચવા આપેલું, પણ બંગાળાના ભાગલાના પગલે જાગેલા તોફાનમાં અહિંસક વિચારોનું સ્થાન હિંસાએ લીઘું. એ વખતે મનમાં દફન થયેલો અહિંસાનો વિચાર, હિંસામાં શ્રદ્ધા સાથે એક દાયકો વીતાવ્યા પછી, આફ્રિકામાં ફરી ટોલ્સ્ટોય થકી સળવળ્યો.

પરંતુ નિરીશ્વરવાદનાં મૂળ નરસિંહભાઇમાં વહેલાં નખાઇ ચૂક્યાં હતાં. શરૂઆતમાં તે પાકા આસ્તિક હતા. પરંતુ તીવ્ર જીજ્ઞાસાવૃત્તિ અને વિચારશીલતા તથા સતત નવું શીખવાની-સમજવાની ઝંખનાને લીધે તે આસ્તિકમાંથી આર્યસમાજી અને છેવટે નિરીશ્વરવાદી બન્યા. એટલું જ નહીં, ગુજરાતીમાં નિરીશ્વરવાદનો આદિગ્રંથ કહેવાય એવું પુસ્તક ‘ઇશ્વરનો ઇન્કાર’ તેમની પાસેથી ૧૯૩૩માં મળ્યું. એ પુસ્તકથી વિવાદ તો થયો જ હશે, પણ કેટલાક જૂની પેઢીના લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું કે તેનું એક પ્રકરણ પાઠ્યપુસ્તકમાં- ભણવામાં આવતું હતું.

આફ્રિકામાં નિવાસ દરમિયાન તેમણે લખેલા પત્રોનું એક પુસ્તક ‘આફ્રિકાના પત્રો’ નામે પ્રસિદ્ધ થયું હતું. તેમાં એક લાંબા- છાપેલાં લગભગ ૧૫ પાનાંના- પત્રમાં તેમણે પોતાના જીવનમાં આવેલાં પરિવર્તનો વિશે પ્રામાણિક અને સચ્ચાઇથી રણકતી ભાષામાં લખ્યું હતું. (પત્ર તારીખઃ ૨૩-૩-૧૯૧૮) ગાંધીજી જ્યારે કોંગ્રેસના સર્વેસર્વા થયા ન હતા, ત્યારે નરસિંહભાઇએ આ પત્રમાં પહેલા વિશ્વવિગ્રહના બોધપાઠો અને ચેતવણીઓ ઉચ્ચારતાં લખ્યું હતું,‘આ (વિશ્વ) વિગ્રહે મ્હારા સંસ્કારોને અનેક રીતે દૃઢ કર્યા. એ પણ સ્પષ્ટ થયું કે યુરોપમાં સુધારણાને નામે- સિવિલાઇઝેશનને નામે- ડેવિલાઇઝેશન ચાલી રહ્યું છે...અહિંસાધર્મ-શાન્તિધર્મ યુરોપના સુધારાએ ઘૂળધાણી કરી નાખ્યો છે. નવા અર્થશાસ્ત્રે દ્રવ્યધર્મ સિદ્ધ કર્યો છે, ગરીબોને મારી નાખવા ને બીજાનું ધન કાયદેસર લૂંટવું એ જ ધર્મ ગણાય છે. બીજી પ્રજાઓ સાથે પણ એ જ રીતે વર્તવું, ત્હેને યુદ્ધસામગ્રીથી ડરાવવી, એનું નામ સ્વદેશાભિમાન પડ્યું છે. અત્યારે મનાય છે એ સ્વરૂપમાં સ્વદેશાભિમાન ભ્રષ્ટ છે...હિંદે એથી શીખવાનું છે...પણ અફસોસ કે હિંદ અત્યારે એ જ માર્ગે દોડે છે. કોંગ્રેસની બધી હિલચાલ તે જ રસ્તે છે...એમને જે સ્વરાજ્ય જોઇએ છે તે દુનિયાનું છે, આત્માનું નથીઃ આત્માના મદ, મોહ, લોભ વગેરે છ વિરોધી ગુણો ઉપર રાજ્ય કરવું, પોતાના વિકારો ઉપર અંકુશ રાખવો એ ખ્યાલવાળા કોંગ્રેસમાં ભાગ્યે જ કોઇ હશે. મ્હને મી.ગાંધી સિવાય બીજો કોઇ એવો નર નઝરે પડતો નથી. એમની પાસે ઈંડિયાએ બહુ શીખવાનું છે.’

મી. ગાંધી ‘મહાત્મા’ બન્યા અને જેલવાસી થયા ત્યારે તે નરસિંહભાઇનાં ‘સમર્પણ’. ‘બુદ્ધ અને મહાવીર’ જેવાં પુસ્તકો ઉપરાંત ‘આફ્રિકાના પત્રો’ પણ મંગાવીને વાંચી ગયા હતા અને મહાદેવભાઇની નોંધ પ્રમાણે ‘આફ્રિકાના પત્રો વાંચ્યા પછી ગાંધીજીએ કહ્યું હતું કે એમનું નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.’

આ નિખાલસપણાનો સ્વાદ થોડા સમય નરસિંહભાઇ શાંતિનિકેતનમાં જર્મન ભાષાના શિક્ષક તરીકે રહ્યા, ત્યારે ગુરૂદેવ ટાગોરને પણ મળ્યો હતો. એક વાર રાત્રિબેઠકમાં ગુરૂદેવે જાપાની લોકોની કળાપ્રિયતાનાં બહુ વખાણ કર્યાં. એ અરસામાં જાપાન શસ્ત્રબળના જોરે વિશ્વવિજેતા બનવાનાં ખ્વાબ જોતું હતું. પ્રજા તરીકે જાપાની લોકોનાં વખાણ ‘વઘુ પડતાં’ લાગ્યાં, ત્યારે નરસિંહભાઇએ ઉભા થઇને કહ્યું,‘ગુરૂદેવ, કોરિયાને ગુલામ બનાવીને તેમના પર જુલમ કરનાર કોણ છે?’

ટાગોરભક્તોએ આ મુદ્દો ‘નરસિંહભાઇએ ગુરૂદેવનું અપમાન કર્યું છે’ એ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્ષણિક સ્તબ્ધ થયેલા ગુરૂદેવે પોતાની મોટાઇ બતાવતાં કહ્યું,‘તમને જે સત્ય લાગ્યું એ તમે નિર્ભયપણે કહી સંભળાવ્યું. એથી મને તો આનંદ જ થયેલો.’ આ શબ્દો ફક્ત કહેવા ખાતર નહીં, પણ દિલથી ઉચ્ચારાયા હતા તેની ખાતરી એ કે ગુરૂદેવના આગ્રહથી નરસિંહભાઇ વઘુ એક વર્ષ શાંતિનિકેતન રોકાઇ ગયા. પણ છેવટે ઉથલો મારનાર દમના રોગથી ત્રાસીને તે આણંદ આવ્યા અને આજીવન ત્યાં જ રહ્યા. ૧૯૨૪થી તેમણે શરૂ કરેલું ‘પાટીદાર’ માસિક ૨૧ વર્ષ સુધી ચાલ્યું. વચ્ચે તે જેલમાં ગયાં ત્યારે તેમની પુત્રીઓ શાંતાબહેન અને વિમળાબહેને પણ સામિયક સંભાળ્યું. ‘લગ્નપ્રપંચ’ જેવા નારીવાદી પુસ્તક થકી તેમણે ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકેનું બિરૂદ મેળવ્યું. સ્ત્રીના હકોની વકીલાત કરતી વખતે તેમણે ગાંધીજીને પણ ન છોડ્યા. દલિતોને મંદિરપ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તુરબા ગયાં, તેથી ખિજાયેલા ગાંધીજીએ વકીલશૈલીમાં તેમને પૂછ્યું હતું,‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ તેની પર ટીપ્પણી કરતાં ‘પાટીદાર’માં નરસિંહભાઇએ લખ્યું હતું,‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહીં એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી...પરંતુ પુરૂષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરૂં લુપ્તથયું નથી.’ સરદારના મોટા ભાઇ અને ધારાસભાના પહેલા ભારતીય અઘ્યક્ષ વિઠ્ઠલભાઇ પટેલનું સાચું સ્મારક સ્ત્રીકેળવણીની સંસ્થા સ્વરૂપે હોવું જોઇએ, એ આગ્રહ નરસિંહભાઇનો હતો. તેમના પ્રયાસોથી જ નડિયાદમાં ‘વિઠ્ઠલ કન્યા વિદ્યાલય’ની સ્થાપના થઇ.

પાછલાં વર્ષોમાં તબિયત લથડી ત્યારે પણ નરસિંહભાઇનો જુસ્સો અડીખમ હતો. ૨૭ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ ૭૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું, ત્યાર પછીના ‘પાટીદાર’ના અંકમાં તેમનાં પુત્રી વિમળાબહેને લખ્યું હતું,‘ડાબે પગે એમને લકવો હતો...છેક અપંગ બની ગયા જેવા જ હતા. પરંતુ છેક પથારીવશ ન થઇ જવાય એટલા માટે વરંડાની ભીંતના તેમ જ લાકડીના ટેકે આંટા મારતા હજીય એ મારી આંખ સામે તરી રહ્યા છે...’ જિંદગી આખી ઝઝૂમનારો એ યોદ્ધો મૃત્યુની રાહ જોતો હતો ત્યારે મોરારજી દેસાઇએ તેમને પૂછ્યું હતું,‘કાકા, હવે ઇશ્વરને માનવો પડશે.’ એક સંબંધીએ તેમને પૂછ્યું હતું,‘તમને આટલી પીડા અને કષ્ટ થાય છે, ત્યારે હવે તો ઇશ્વર છે કે નહીં?’ પરંતુ છેલ્લા શ્વાસ સુધી તેમની વૈચારિક મક્કમતા અડીખમ રહી.

બ.ક.ઠાકોરનું એક અવલોકન નરસિંહભાઇ માટે પ્રયોજતાં કહી શકાયઃ નરસિંહભાઇ જેવાં ચરિત્રોને ભૂલી જનાર સમાજ એવાં ચરિત્રોને પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે.

કોઇ સાબિતીની જરૂર લાગે છે?

8 comments:

 1. Narendra5:19:00 PM

  Thnx Urvish for such a nice info.
  Tragedy is, people's priorities have changed lot from the past and Congress as a political party is responsible at large for this change.

  ReplyDelete
 2. આ ચરિત્રવિશેષનો પરિચય આપવા બદલ આભાર.

  ReplyDelete
 3. pity for this land of Gujarat that produces simpletons like Narendra who are credulous and gullible enough to simplify and generalise so complex an issue!

  indeed he has missed a lot of schooling.

  there are progressive, rationalist and secular social activist Patidars like Narsinhbhai Patel, Raojibjhai Patel, Girish Patel, Jayanti Patel on one hand, and there are Togadias and Zadaphias on the other hand.

  they are what they are just because of Congress?

  ReplyDelete
 4. shailesh modi11:29:00 AM

  congrats for the remarkable account.it is truly striking that a chapter from his book on atheism made its way to a school text-book. Am curious about it.We seem well past what bk thakore said-it is not merely the loss of capacity to produce certain kinds of characters;we do not seem to regard such characters as essenitial.But then,it is not too bad;they are being wrtiiten about and read and so there is hope.This is the best check on rather exaggerated capacity of politicians-all colors-to obliterate/distort history

  ReplyDelete
 5. Narendra4:56:00 PM

  Mr Neerav, if you cannot understand my comment, better ask me in future rather than being judgemental yourself. I did my schooling or not is none of your business, so next time do not attempt to write like this. If you are too intelligent then I have already given you my e-mail in past...better come and discuss and will show who had more schooling.

  ReplyDelete
 6. Jabir A. Mansuri5:10:00 PM

  Thanks for pening on rebelious Shri Narsinhbhai Patel against British, imperialist.

  Without disobedience against tyrant system, through civil+ strategies, a change in social engineering is big zero. How Muslims and Hindus synnonmously struggled against Britishers lost their legacy! It is a question of pondering of all of us. Joint boggling (minus NDA & UPA) would speedily help.

  A consicious be naturally free from any compulsion. Religious-garb which apparently are impressive, when hypocricy is experienced in social equality, unfortunately lead to rebel against religious hierarchy, concept mentored through.

  ReplyDelete
 7. Anonymous10:51:00 PM

  Will u please explain ur comment here, Narendrabhai for wider interest, as to what exactly u want to convey? Thanx.

  ReplyDelete
 8. Jabir A. Mansuri5:03:00 PM

  Urvish, such alien-like personality if clonned in for present society might help in changing first value and then if succeeded disorder could be brought to order!!!

  ReplyDelete