Monday, August 16, 2010

માત્ર રાજકીય જ નહીં, સામાજિક-માનસિક આઝાદીના લડવૈયા નરસિંહભાઇ પટેલ

૧૫ ઓગસ્ટ નિમિત્તે થતાં રાજકીય આઝાદીનાં ઉજવણાં વરસોવરસ વઘુ ને વઘુ ફારસ જેવાં લાગી રહ્યાં છે. આઝાદીના ઉત્સવનો આનંદ કયા દેશવાસીને ન હોય? પણ અત્યારે સરકારી રાહે મનાવાતા સ્વાતંત્ર્ય દિન, દાયકાઓ પહેલાં જીતેલા વર્લ્ડ કપની અત્યારે થતી ઉજવણી જેવા લાગે છેઃ એક સમયે તેનું ઘણું માહત્મ્ય હતું. અત્યારે એ સિદ્ધિનો આનંદ છે, પણ પછી શું?

જેમ ક્રિકેટમાં તેમ સમાજજીવનમાં, એક કપ જીતવાથી શું થાય? ત્યાર પછી પ્રજાએ વેઠવા પડેલા અનેક કારમા પરાજયોનું શું? સામાન્ય પ્રજા માટે શાસકો સિવાય બીજી કઇ બાબતોમાં પરિવર્તન આવ્યું છે? આઝાદી પછીના શાસકો ચામડી સિવાય બીજી કઇ રીતે અંગ્રેજો કરતાં જુદા છે?

આવા અનેક અકળાવનારા પ્રશ્નો દર વર્ષની ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી લઇને આવે છે. રાજકીય આઝાદી બેશક મહત્ત્વની અને પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ કમનસીબી એ વાતની છે કે ‘ચૂંટણીશાહી’ને ‘લોકશાહી’ માની લેવામાં આવી છે, એવી જ રીતે ‘રાજકીય આઝાદી’ને ‘(સંપૂર્ણ) આઝાદી’ તરીકે ખપાવી દેવાય છે. ડો.આંબેડકર જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રનેતા એટલે જ રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીને વધારે મહત્ત્વ આપતા હતા.

સરકારી કે પક્ષીય રાહે આઝાદીની ઉજવણીમાં સૌ પોતપોતાને અનુકૂળ અથવા જેમનાં નામે ચરી ખાવાનું શક્ય હોય, એવાં નામ યાદ કરશે. પરંતુ પ્રજા તરીકે આપણા હીરો કે રોલમોડેલ જુદા હોઇ શકે. અત્યારના સંજોગોમાં તો એવું લાગે કે, રોલમોડેલ જુદા હોવા પણ જોઇએ.

ગુજરાતના દાયરામાં રહીને વાત કરીએ તો, કોઇ પણ પક્ષની સરકારમાં કદી યાદ ન કરાયેલું એક નામ એટલે આણંદના નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલ. તેમની ઓળખાણ આઝાદીનાં ૬૩ વર્ષમાં ઠાલાં બની ગયેલાં વિશેષણોથી આપવાને બદલે, કેટલાંક નક્કર કાર્યોથી જ આપીએઃ

નરસિંહભાઇ એટલે સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળના કાર્યકર્તા, વિદેશી ક્રાંતિકારીઓના ચરિત્રલેખક અને બોમ્બ બનાવવાની રીતનાં પુસ્તક લખવા બદલ અંગ્રેજ સરકારની આંખે ચડનારા વિદ્રોહી. રવીન્દ્રનાથ ટાગોરની હયાતીમાં શાંતિનિકેતનમાં નરસિંહભાઇ શિક્ષક હતા (અને જર્મન ભાષા શીખવતા હતા!). વલ્લભભાઇ પટેલની સાથે સ્કૂલમાં ભણેલા નરસિંહભાઇ દાંડીકૂચ કરતા ગાંધીજીનું સામૈયું કરવા આણંદથી બોરિયાવી ગયા હતા અને ગાંધીજી સાથે દાંડીકૂચમાં ચાલતા આણંદ આવ્યા હતા. એ વખતે ખાન અબ્દુલ ગફ્ફારખાન (બાદશાહખાન) નરસિંહભાઇના આણંદના ઘરે રોકાયા હતા.

નરસિંહભાઇની નજર ફક્ત રાજકીય આઝાદી પૂરતી સંકુચિત કે મર્યાદિત ન હતી. પાટીદાર સમાજમાં હાનિકારક જૂનવાણી રૂઢિઓ ફગાવી દઇને સુધારાવાદી વિચારોનો પ્રચાર કરવા માટે તેમણે ઓક્ટોબર, ૧૯૨૪થી ‘પાટીદાર’ માસિક શરૂ કર્યું અને ૨૧ વર્ષ જેટલા લાંબા અરસા સુધી જુસ્સાપૂર્વક ચલાવ્યું. પુસ્તકોના લેખક તરીકે તેમનાં બે પુસ્તકો ‘ઇશ્વરનો ઇન્કાર’ (૧૯૩૩) અને ‘લગ્નપ્રપંચ’ સર્વકાલીન યાદગાર ગુજરાતી પુસ્તકોમાં સ્થાન પામે એવાં છે. કેમ કે, નરસિંહભાઇએ ગુજરાતી સમાજ માટે હજુ આજે પણ જે સ્વીકાર્ય બની શક્યા નથી, એવા વિચારો ધારદાર રીતે સાત દાયકા પહેલાં રજૂ કર્યા હતા. ‘ઇશ્વરનો ઇન્કાર’ ગુજરાતના વિવેકબુદ્ધિવાદી સાહિત્યના આદિગ્રંથ તરીકે પ્રતિષ્ઠિત-પ્રખ્યાત થયું, તો ‘લગ્નપ્રપંચ’ અમેરિકામાં ફેમિનીઝમ (નારીવાદ)નો દોર શરૂ થયો ત્યાર પહેલાંના યુગમાં નારીવાદી દૃષ્ટિકોણથી લખાયેલું યાદગાર પુસ્તક હતું. ગાંધીજીના સાથીદાર અને ખરા અર્થમાં ચિંતક-વિચારક કહી શકાય એવા કિશોરલાલ મશરૂવાળાએ ‘લગ્નપ્રપંચ’ના લેખક નરસિંહભાઇને ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકે ઓળખાવ્યા હતા.

સરદારને ‘પટેલ’ તરીકે અંકે કરી લેવા ઉત્સુક સૌ કોઇએ નરસિંહભાઇને (અલબત્ત, પોતાના હિસાબે અને જોખમે) યાદ કરવાની જરૂર છે. ૧૩ ઓક્ટોબર, ૧૮૭૪ના રોજ ખેડા જિલ્લાના નાર ગામે જન્મેલા નરસિંહભાઇ કેટલીક બાબતોમાં પહેલેથી જ સ્પષ્ટ હતા. પોતાના ભાઇના લગ્નપ્રસંગે પિતાજીએ એ વખતના (અને અત્યારના પણ!) રિવાજ પ્રમાણે કન્યાપક્ષ પાસેથી દહેજ માગ્યું. એ વખતે કોલેજમાં ભણતા નરસિંહભાઇએ દહેજનો વિરોધ કર્યો. વ્યવહારૂ પિતાએ તેમને સમજાવ્યા,‘દહેજ ન લઊં તો તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’ આ સાંભળીને નરસિંહભાઇએ નિર્ધાર કર્યો,‘મારો અભ્યાસ દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.’ અને તેમણે અધવચ્ચેથી કોલેજનો અભ્યાસ છોડી દઇને ગાયકવાડી રાજમાં શિક્ષકની નોકરી લીધી.

વડોદરામાં મોતીભાઇ અમીન સહિત કેટલાક રાષ્ટ્રવાદીઓની સોબતમાં નરસિંહભાઇના રાષ્ટ્રવાદના સંસ્કાર પાકા થયા. તેમનો રાષ્ટ્રવાદ અત્યારે ચાલતા ‘ફેક’ (નકલી) રાષ્ટ્રવાદ જેવો નહોતો. બંગાળના ભાગલા પછી ફુંકાયેલા વિરોધના વાવાઝોડામાં નરસિંહભાઇએ ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા ગેરીબાલ્ડીનું જીવનચરિત્ર ગુજરાતીમાં ઉતાર્યું. દેવનાગરી લિપીમાં ૪૧૫ પાનાંના આ દળદાર પુસ્તકની શરૂઆત જ પ્રતિબંધિત કરાયેલા વંદે માતરમ્થી થતી હતી અને તેના લેખકનું નામ હતું ‘નરસિંહ.’

‘ગેરિબાલ્ડી’ (૧૯૦૭) દેખીતી રીતે નિર્દોષ લાગે એવું પુસ્તક હતું, પણ તેના આરંભે નરસિંહભાઇએ લખ્યું હતું,‘સ્વદેશપ્રીતિ(ના) અગ્નિથી બળતો, દેશવાસીઓ પર થતા અત્યાચારથી પીડાતો ને સાઘુસંકલ્પ હૃદયમાં ધારણ કરતો એક પણ મનુષ્ય વારંવાર પ્રયત્ન કરે તો અસાઘ્યને પણ સાધી શકે. ગેરિબાલ્ડીનું જીવનચરિત વાંચી જુઓ ને વિચારો કે શું અશક્ય છે...પ્રયત્ન વિના સમયની રાહ જોઇ બેસી રહેનાર પતિત ભારતવાસીઓ! ત્હમારી પેઠે ઇટાલીવાસીઓ પણ એક દિવસ છતી આંખે આંધળા હતા. પરંતુ ઇશ્વરના અનુગ્રહથી અને બે મહાત્માઓના કરસ્પર્શથી આજ તેમની આંખો ઉઘડી ગઇ છે...આવો ભાઇ! ત્રીસ કરોડ ભારતવાસીઓ ધર્મભેદ અને જાતિભેદ ભૂલી જઇને એક વાર ઇશ્વરનાં અને એકતાનાં ભજન ગાઇએ...’ (એ વખતે નરસિંહભાઇ નિરીશ્વરવાદ તરફ વળ્યા ન હતા.)

ગેરિબાલ્ડી ઉપરાંત અમેરિકાના પ્રમુખ ગાર્ફીલ્ડનું જીવનચરિત્ર ‘પ્રેસિડેન્ડ મહાવીર ગાર્ફીલ્ડ’ (૧૯૦૯) પણ નરસિંહભાઇએ પ્રગટ કર્યું. તેની પ્રસ્તાવનામાં ભારતની આઝાદની વાત વણી લેતાં નરસિંહભાઇએ અસલ ચરોતરી બોલીમાં લખ્યું હતું,‘ભારતમાતા ગાર્ફીલ્ડો અને લિંકનો જણો, એ જ વાસના છે.’

શરૂઆતમાં અંગ્રેજ સરકારને બત્તી ન થઇ, પણ પછી નરસિંહભાઇનાં બન્ને પુસ્તકો પાછળનો અસલી આશય સમજાતાં તેમની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પરંતુ નરસિંહભાઇનું સૌથી ચર્ચાસ્પદ પુસ્તક હતું ‘વનસ્પતિની દવાઓ’, જે અરવિંદ ઘોષના નાના ભાઇ અને હિંસક ક્રાંતિના નેતા બારીન્દ્ર ઘોષે લખેલા પુસ્તક ‘મુક્તિ કૌન પથે’નો ગુજરાતી અનુવાદ હતો.

બારીન્દ્ર ઘોષનો ‘મુક્તિપથ’ બોમ્બધડાકાનો હતો. તેમણે પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીતો લખી હતી, જે નરસિંહભાઇએ ગુજરાતીમાં ઉતારી. સરકારને છેતરવા માટે એ જ પુસ્તકને ‘વનસ્પતિની દવાઓ’ ઉપરાંત નાવાનો સાબુ, કાયદાનો સંગ્ર, યદુકુલનો ઇતિહાસ, તુસ-એ-ગુલાબ (ગુલાબનો કાંટો) જેવાં જુદાં જુદાં નામે છાપ્યું. નરસિંહભાઇ ગાયકવાડી રાજમાં પહેલાં વડોદરામાં અને પછી મહેસાણામાં પણ રહ્યા હતા. પરંતુ અંગ્રેજ સરકારના દબાણથી ગાયકવાડી રાજે નરસિંહભાઇનું પુસ્તક જપ્ત કર્યું અને તેમને રાજમાંથી પાંચ વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા. ઉપરાંત રૂ.૩૦૦નો દંડ થયો, જે ન ભરી શકાય તો હદપારીની મુદતમાં એક વર્ષનો વધારો.

‘વનસ્પતિની દવાઓ’થી નરસિંહભાઇના જીવનનો રઝળપાટ અને અથડામણનો તબક્કો શરૂ થયો, જે આફ્રિકા અને શાંતિનિકેતન થઇને પાછો આણંદમાં સમાપ્ત થવાનો હતો. એ ગાળા નરસિંહભાઇને અગણિત મુસીબતો પડવાની હતી, પણ નરસિંહભાઇ કોઇને, કશાને ગણકારે એવા ન હતા.
(ક્રમશઃ)

6 comments:

  1. Anonymous7:56:00 PM

    great. tks for info abt real hero....

    ReplyDelete
  2. આ તો રસપ્રદ જાણકારી છે. ચરોતરમાં ૨ વર્ષ ભણ્યો પણ આવા કોઈ અન્સંગ હીરોની કોઈને જાણકારી નથી. જોકે એમને કરેલા કામો વધુ રસપ્રદ છે. બીજા ભાગની રાહ છે.

    ReplyDelete
  3. it is both surprising and shameful that we do not know one of our real heroes - NARSINHBHAI PATEL !

    the man who was teaching German at Shantiniketan,

    the man who could write such progressive books - ISHWARNO INKAR and LAGNAPRAPANCH - in those days

    and the man who could urge his countrymen in these words - આવો ભાઇ! ત્રીસ કરોડ ભારતવાસીઓ ધર્મભેદ અને જાતિભેદ ભૂલી જઇને એક વાર ઇશ્વરનાં અને એકતાનાં ભજન ગાઇએ...’

    i share my joy and excitement with Anonymous and Lalit. this is the yeoman's service of a journalist, i congratulate you Urvish.

    ReplyDelete
  4. વિદ્યાનગરમાં ભણ્યો; એક દાયકો રહ્યો પણ આ વ્યક્તિવિશેષ વિશે કશી ખબર ન હતી. ખૂબ મનનીય રીતે ભાગ -1 રજૂ થયો છે. બીજા ભાગની પ્રતિક્ષામાં ...

    ReplyDelete
  5. Dear Urvishbhai,
    Narasinhbhai was my grand father. I am very happy that you wrote about him .Looking forward to read the subsequent article. Thank you very much.
    Sandhya Mehta.

    ReplyDelete
  6. urvish kothari4:19:00 PM

    dear sandhyaben
    happy to read your response.
    would be very happy if you send your mail id on uakothari@yahoo.com
    thanx & regards
    urvish

    ReplyDelete