Thursday, July 29, 2010

લોકશાહી, મતસ્વાતંત્ર્ય અને મતભેદ: શરતો લાગુ

ફ્લેટ-સોસાયટીની મિટિંગથી માંડીને પાનના ગલ્લે જાહેર ચર્ચામાં ભાગ લેનારા ઘણા લોકોનો અનુભવ હશે કે ચર્ચા ક્યાંથી શરૂ થઇ હોય અને ક્યાં જઇને અટકે. એક નાટકમાં દર્શાવાયેલા કો-ઓપરેટિવ સોસાયટીની મિટિંગના દૃશ્યમાં શરૂઆત વહીવટી મુદ્દાથી થાય છે, પણ ટૂંક સમયમાં સભ્યો એકબીજાનાં પરિવારનાં મહિલા સભ્યોની કથિત ઇતર પ્રવૃત્તિ વિશે બેફામ આક્ષેપબાજી પર ઉતરી આવે છે.

આ તો થઇ સરેરાશ માણસોની વાત, પણ સમાજનો જે વર્ગ પોતાની જાતને સરેરાશથી ઉપર ગણે છે અથવા ‘બૌદ્ધિક’માં ગણતરી પામે છે, તેની કેવી સ્થિતિ છે? ખેદ સાથે નોંધવું પડે કે પરિસ્થિતિ જરાય આનંદ ઉપજાવે એવી નથી.

ગરીમાપૂર્ણ મતભેદ
માંડ ત્રણેક દાયકા પહેલાં ગુજરાતમાં જાહેર ચર્ચાનો એકંદરે સ્વસ્થ કહી શકાય એવો માહોલ હતો. વિદ્વાનો વચ્ચે કે ચોક્કસ મુદ્દે મતભેદ ધરાવતા જાણકારો વચ્ચે અભિપ્રાયભેદ થાય એ ચિંતાનો વિષય નથી. બલ્કે, એવું ન થાય અને બધા એક સૂરમાં ગાવા મંડી પડે તો ચિંતા થવી જોઇએ. કેમ કે ‘સમરસ’ની કહેવાતી ભાવના લોકશાહીના મૂળભૂત હાર્દને અનુરૂપ નથી. સમરસ બનાવવાનો સૌથી સહેલો રસ્તો બઘું કચડી નાખવાનો છે- પછી એ શાકભાજી હોય કે વિરોધી અભિપ્રાય.

ગયા સપ્તાહથી જેમના જન્મ શતાબ્દિવર્ષની ઉજવણી શરૂ થઇ તે સાહિત્ય-શિક્ષણ-જાહેર જીવનના અભ્યાસી ઉમાશંકર જોશી પોતાના શાલીન છતાં સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા હતા. ફક્ત સાહિત્યની બાબતો કે સાહિત્ય પરિષદના રાજકારણમાં જ નહીં, દેશના નાગરિકોને સ્પર્શતી બાબતોમાં પણ તેમની અભ્યાસ-અનુભવના આધારે બંધાયેલી માન્યતાઓ હતી, જે વ્યક્ત કરતાં તે કદી અચકાતા નહીં.

ઉમાશંકર જોશીના અભિપ્રાય હંમેશાં સાચા જ રહેતા એવું કહેવાનો મતલબ નથી. એ વ્યક્ત કરે તે બધા અભિપ્રાય સાચા જ હોય એવું માની લેનારા એ વખતે પણ ન હતા. છતાં, ઉમાશંકર જોશી સાથે અનેક મુદ્દે ઉગ્રતાપૂર્વક શબ્દયુદ્ધમાં ઉતરી ચૂકેલા લોકો આજે ઉમાશંકરની ખાનદાનીને ભાવથી યાદ કરે છે. ચોક્કસ મુદ્દાને લઇને, ઉગ્ર ભાષામાં પોતાની સાથે તીવ્ર અસંમતિ વ્યક્ત કરનાર વ્યક્તિ સાથે પણ સંવાદ કરવા માટે તે તત્પર રહેતા હતા અને તેમના સંવાદનો આશય સામેવાળાને યેનકેનપ્રકારે પલાળીને પોતાની સામેનો વિરોધ શમાવવાનો નહીં, પણ તેના વિરોધના મુદ્દા સમજવાનો, એ મુદ્દે બન્ને પક્ષે કોઇ સમજફેર થતી હોય તો તે જાણવાનો અને જરૂર પડ્યે પોતાની માન્યતામાં પરિવર્તન આણવાનો પણ રહેતો. આખી ચર્ચા ઉગ્રતાથી થાય કે ઉગ્રતા વિના, પણ તેના કેન્દ્રસ્થાને રહેતા હતા મુદ્દા.

છેલ્લા ઘણા સમયથી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મુદ્દા આધારિત ચર્ચાની સંસ્કૃતિ જાણે આથમણે છે. કઠણાઇ એવી છે કે ચર્ચવા પડે એવા મુદ્દાની સંખ્યા સતત વધતી રહી છે અને તેની ચર્ચા થઇ શકે એવા વાતાવરણનો લોપ થઇ રહ્યો છે. દરેક ચર્ચાને અથવા વાંધાવિરોધને હવે છાવણીની રીતે જોવામાં આવે છે અને એ રીતે તેને ખતવી કાઢવામાં આવે છે અથવા તેના જવાબ આપવામાં આવે છે. તેમાં ફક્ત રાજકીય મુદ્દા જ નહીં, સામાજિક મુદ્દાનો પણ સમાવેશ થઇ જાય. કેમ કે, આ ચેપ ફક્ત રાજકીય પક્ષો કે રાજકીય માન્યતાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વિશ્વમાં પણ લોકશાહીને રૂંધતા વાતાવરણની બોલબાલા છે.

લોકશાહીનો અર્થ ટોળાશાહી અથવા ઘોંઘાટશાહી એવો કદી ન હોઇ શકે. એટલે જ લોકશાહીના નામે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ઘોંઘાટ મચાવતા કે સ્થાપિત હિતોનું રક્ષણ કરતા અવાજોને એક હદથી વધારે નભાવી ન લેવાય. પરંતુ હકીકત એ પણ છે કે જો ચર્ચા મુદ્દા આધારિત હોય, તો ઘોંઘાટિયા અવાજો ચર્ચામાં લાંબો વખત ટકી શકે નહીં.

એટલા માટે જ લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીને રૂંધવા ઇચ્છતા લોકો મુદ્દાઆધારિત ચર્ચા કરતાં કતરાય છે અને મુદ્દા સિવાયની બાબતો ભણી ચર્ચાને ધકેલવાના પ્રયાસ કરે છે. તેમને આડા પાટે જતાં અટકાવવામાં આવે ત્યારે તે લોકશાહીની, મતભેદની અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઇઓ આપે છે.

મુદ્દા-માલ વગરની ચર્ચા
જાહેર ચર્ચામાં ઉતરનાર મુખ્ય બે રીતે ચર્ચા આગળ વધારી શકેઃ
૧) અભિપ્રાયભેદ, ચર્ચા કે વાદવિવાદને અવકાશ હોય એવા મુદ્દા ઉભા કરવા અથવા ઉભા કરાયેલા મુદ્દે પોતાનો મુદ્દાસર એવો અભિપ્રાય આપવો. એટલું જ નહીં, પોતાનો અગાઉ વ્યક્ત કરેલો અભિપ્રાય બદલાયેલા સંજોગો અને સમજણમાં ન ટકે એવો લાગે, તો તેને સહૃદયતાથી પાછો ખેંચવો. કેમ કે, રાજકીય પક્ષો સિવાયના લોકો માટે જાહેર ચર્ચામાં કારકિર્દીઓ દાવ પર લાગેલી હોતી નથી અને બૌદ્ધિક કે મુદ્દાલક્ષી ચર્ચા એ કોઇ યુદ્ધ નથી કે તેમાં કોઇ એક વ્યક્તિ જીતે ને બીજી હારે. ચર્ચા મુદ્દા અંગેની હોય તો તેમાં થતી જીત વ્યક્તિની નહીં, પણ મુદ્દાની હોય છે. સઘન, તીવ્ર, કદીક ગરમાગરમ ચર્ચાના અંતે ક્યારેક એક પક્ષ દ્વારા રજૂ થતો મુદ્દો સાચો ઠરે, તો ક્યારેક બીજા પક્ષનો મુદ્દો. ઘણી વાર એવું પણ બને કે કોઇ એક જ પક્ષને બદલે બન્ને પક્ષની વાતોમાં થોડું થોડું તથ્ય હોય અને સત્ય બન્ને અંતિમોની વચ્ચે હોય. પરંતુ ‘સત્ય બે અંતિમોની વચ્ચે હોય છે’ એવું વ્યવહારવચન ટાંકીને છટકી જવાનું પૂરતું કે ઇચ્છનીય નથી. જાહેર હિતની ચર્ચાનો મૂળભૂત આશય કોઇ એક અંતિમે કે બે અંતિમોની વચ્ચે રહેલા સત્ય સુધી પહોંચવાનો હોય છે.

૨) છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં ચર્ચાનો સૌથી લોકપ્રિય બનેલો પ્રકાર છેઃ કાન - અને મગજ- બંધ કરીને, ફક્ત મોં ચલાવવું. જે મુદ્દે ચર્ચા થઇ રહી છે તેની નહીં, પણ પોતાને જે વિશે કરવી છે- અથવા પોતાને જે આવડે છે- તે જ વાત કરવી. આ પદ્ધતિ અસલમાં રાજકારણની છે. ન્યૂઝચેનલો પર થતી ‘ચર્ચા’માં તેનાં ત્રાસદાયક ઉદાહરણો જોવા મળે છે, પરંતુ તેનો પગપેસારો હવે રાજકીય સિવાયનાં ક્ષેત્રોમાં પણ થઇ ચૂક્યો છે. એટલે કોઇ પણ ચર્ચા ઉપાડનારનો આશય ગમે તેવો શુભ કે સન્નિષ્ઠ હોય, તેની ગતિ, પ્રગતિ અને છેવટે અવગતિ/અધોગતિ જાણે નક્કી છે.

વાત શિક્ષણની હોય કે શાસનની, કાયદો-વ્યવસ્થાની હોય કે બિનસાંપ્રદાયિકતાની- યુદ્ધની માફક ચર્ચાના પણ કેટલાક નિયમો હોવા જોઇએ. પરંતુ આઘુનિક યુદ્ધોની માફક ચર્ચામાં પણ કોઇ જાતના નિયમો રહ્યા નથી. એટલે એક મોરચે હારતો પક્ષ તરત એ મોરચો છોડીને બીજો મોરચો ખોલી નાખે છે અને બીજા મોરચે હારે તો ત્રીજો મોરચો..એમ રણનીતિની રીતિથી ચર્ચા ચાલે છે. તેને ચર્ચા ભાગ્યે જ કહી શકાય, કારણ કે તે એક પ્રકારની સંતાકૂકડી બની જાય છે: એક જગ્યાએથી પકડાયા તો બીજી જગ્યાએ જઇને છૂપાઇ જવાનું અને ત્યાંથી પકડાયા તો ત્રીજી જગ્યાએ. પણ કોઇ વાતે બંધાવાનું નહીં અને રમતના કોઇ નિયમો સ્વીકારવાના નહીં.

ચર્ચાના આ પ્રકારમાં સૌથી પહેલું કામ મૂળ મુદ્દાને ગૂંચવવાનું કરવામાં આવે છે. મુદ્દો જેટલો સ્પષ્ટ રહે, તેટલી આ પ્રકારે ચર્ચા કરવી અઘરી બને. એટલે સૌપ્રથમ, મુદ્દા સાથે જરાય સંબંધ ન ધરાવતી હોય એવી બાબતોનો ખડકલો કરવામાં આવે છે, જેથી મુદ્દો શોઘ્યો ન જડે.

પહેલા પગથીયે સફળતા મળ્યા પછી, પોતાને જે આવડે છે તેવી દલીલો રજૂ કરવામાં આવે છે, જેથી ચર્ચાનું કેન્દ્ર બદલાઇ જાય અને ભળતી જ બાબતો ભણી લોકોનું ઘ્યાન ખેંચાઇ જાય. ચર્ચામાં સંકળાયેલા ઘણાખરા લોકો મુદ્દાને વળગી રહેવા જેટલા સાવચેત હોતા નથી અથવા તે આ જ પરંપરાનાં સંતાનો હોય છે. એટલે તેમને પણ મુદ્દાથી દૂર ફંટાવામાં કશો વાંધો આવતો નથી. એમ કરતાં થોડા સમય પછી ચર્ચા કયા મુદ્દે શરૂ થઇ હતી, એ ભૂલાઇ જાય છે.

મતભેદ, મનભેદ અને એવું બઘું
મુદ્દા આધારિત ચર્ચાનો મહિમા ભલે ઓસરી ગયો, પણ તેનું સ્થાન દંભે લીઘું છે. એટલે જાહેર ચર્ચામાં વારંવાર સાંભળવા મળતો સંવાદ છે ઃ ‘મતભેદ છે, પણ મનભેદ નથી’. આ સ્થિતિ આદર્શ છે. ફક્ત આદર્શ નહીં, વ્યવહારમાં સિદ્ધ થઇ શકે એવો આદર્શ છે. પરંતુ તેની પૂર્વશરત એ છે કે મતભેદ ધરાવતા પક્ષો વચ્ચે ફક્ત ચોક્કસ મુદ્દા કે પ્રશ્નો અંગે મતભેદ હોય. એ સિવાય પરસ્પરની શક્તિ, સમજણ કે ક્ષમતા અંગે આદર હોય. એને બદલે થયું છે એવું કે જેની સાથે મતભેદ વ્યક્ત કરવાનો પ્રસંગ આવે, તેના પ્રત્યે આદર ન હોય તો પણ આદર વ્યક્ત કરવાનો અને ‘અમારી વચ્ચે કોઇ જાતનો મનભેદ નથી’ એવું દર્શાવવાનો શિરસ્તો પડી ગયો છે.
મનેભેદનો અર્થ છે અંગત દ્વેષ કે સામા પક્ષનું અહિત કરવાની લાગણી. સ્વસ્થ ચર્ચામાં વિચારવિરોધી પાસે ચોક્કસ મુદ્દે કબૂલાત કરાવવા સિવાય, તેનું બીજું કોઇ અહિત કરવાની લાગણી કે ખંજવાળ ન હોવી જોઇએ. ચર્ચા મુદ્દા ઉપર જ થતી હોય, તો તેમાં એવી લાગણી ઓછી માત્રામાં પેદા થાય છે અને તેને અંકુશમાં રાખી શકાય એમ હોય છે. પરંતુ ચર્ચા આડા પાટે ચડી જાય ત્યારે મુદ્દા ભેગી સ્વસ્થતા પણ તણાઇ જાય છે. તેમાં સૌથી પહેલો ભોગ મતભેદ અને મનભેદ વચ્ચેના ભેદનો લેવાય છે.

મતભેદ ફક્ત સહન કરવાની જ નહીં, આવકારવાની બાબત છે. પરંતુ ફક્ત એટલું પૂરતું નથી. મતભેદ આવકારીને બેસી રહેવામાં સઘળી ઉદારતા કે સઘળી લોકશાહી સમાઇ જતાં નથી. પોતાનાથી વિરોધી મત ધરાવતી વ્યક્તિ સાથે, પોતાનો મત, તેનો આધાર અને તેેને લગતાં તથ્યોની મુદ્દાસર ગરીમાપૂર્વક વાતચીત કરવી એ વધારે અગત્યનું છે. એવું કર્યા વિના, ‘તમે તમારી મનમરજી પ્રમાણે માનો ને હું મારી મનમરજી પ્રમાણે માનતો રહીશ’ એવું વલણ સહિષ્ણુતા કે લોકશાહીનું નહીં, પણ તેના અભાવનું સૂચક છે.

જાહેર ચર્ચામાં મનભેદ દેખાઇ ન જાય તેની ચિંતા સેવવાને બદલે, મતભેદ અસરકારક રીતે- મુદ્દાસર ચર્ચી શકાય તે પ્રાથમિકતા બનશે, ત્યારે ચર્ચા થકી નવનીત નીપજાવે એવું મંથન શક્ય બનશે.

Tuesday, July 27, 2010

ટ્રસ્ટ મી

અમદાવાદમાં-ગુજરાતમાં બહુ એનજીઓ અને ટ્રસ્ટો છે એવું સાંભળ્યું હતું, પણ આ પાટિયું વાંચીને હિંદી ફિલ્મોની હીરોઇનના પિતાની જેમ થયું,’ઓહો, બાત યહાં તક પહુંચ ગઇ?’

અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલી આ સોસાયટીમાં બધા ટ્રસ્ટીઓ જ રહેતા હશે?

આજના જમાનાનાં શહેરોમાં સોસાયટીનાં નામ ‘ત્રસ્ત-નગર’ જેવાં હોય તો હજુ સમજી શકાય...

Sunday, July 25, 2010

‘શાહનામા’ અને નાગરિક-નિસબત

સમાચારભૂખી ન્યૂઝચેનલો દ્વારા થતા અતિરેકભર્યા ઘોંઘાટને બાજુ પર રાખીએ, પહેલાં ભાગેડુ અને પછી ભૂતપૂર્વ બનેલા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી માટે જશ્ન મનાવનારાને ‘હવે કોનો વારો?’ એની મીઠી મૂંઝવણમાં રાચવા દઇએ, ‘અરર...બહુ ખોટું થયું’ એવો જીવ બાળનારને સાંત્વન આપીએ અને ‘આ તો અન્યાય છે’ એવો કકળાટ મચાવનારાને જરા ટાઢા પાડીએ. કારણ કે પ્રતિક્રિયા-પ્રત્યાઘાતની ગરમી નીકળી ગયા પછી આ દેશના નાગરિક તરીકે કેટલાક મૂળભૂત મુદ્દા અને દલીલો વિશે વિચારવાનું રહે છે.

આ બઘું રાજકારણ છે
ખરી વાત છે. ભારતની બહુમતિ ‘મશીનરી’ રાજકારણથી ચાલે છે. ક્યાંક રાજકારણ ઊંજણનું કામ કરે છે, તો ઘણીબધી જગ્યાએ બળતણનું. રમતગમત હોય કે વિજ્ઞાન, પોલીસતંત્ર હોય કે ન્યાયતંત્ર, એકેય ક્ષેત્ર રાજકારણની ઓછીવત્તી ખરાબ અસરથી મુક્ત રહ્યું નથી. એ સ્થિતિમાં ગુજરાતના મુખ્ય મંત્રીના ખાસ મનાતા ગૃહરાજ્યમંત્રી પર ભીંસ આવી, તેમાં રાજકારણ ન હોય તો અઠંગ નાગરિકોને નવાઇ લાગે.

પૂછવા જેવો સવાલ છેઃ આ બઘું કેવળ રાજકારણ છે? એટલે કે ગૃહરાજ્યમંત્રી પરની ધોંસ અને આ લખાય છે ત્યારે તેમની ધરપકડના ભણકારા માત્ર રાજકીય કિન્નાખોરીનું પરિણામ છે? કે આટલી હદે જતાં પહેલાં સીબીઆઇએ પૂરતા પ્રમાણમાં પુરાવા અને વિગતો એકઠાં કરવાની જહેમત લીધી છે? જો સીબીઆઇ પાસે પૂરતા આધાર ન હોય તો તેની પણ ખેર નથી. કારણ કે સામે પક્ષે અરૂણ જેટલી જેવા કંઇક ઘુરંધર વકીલોનું પીઠબળ છે. સીબીઆઇ કાનૂની આંટીધૂંટી અવગણીને રાજકારણમાં તણાય, તો તેને સર્વોચ્ચ અદાલત સામે ઉભવું ભારે પડે. કારણ કે, આ કેસની તપાસ કેન્દ્ર સરકારે નહીં, પણ સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને સોંપી છે.

પરંતુ સીબીઆઇ દ્વારા વિગતોના આધારે મુકાયેલા ખંડણી ઉઘરાવવા સહિતના અનેક આરોપ વિશે પ્રજાસમક્ષ ખુલાસો કરવામાં ન આવે અને સીબીઆઇની કાર્યવાહીનો માત્ર ને માત્ર રાજકીય સ્તરે વિરોધ કરવામાં આવે તો? તેનો મતલબ છેઃ ગુજરાત સરકાર અને ભાજપ માટે આ બઘું કેવળ રાજકારણ છે.

સીબીઆઇ રાજકીય હેતુપ્રેરિત છે
આ વાત સાથે પણ ભાગ્યે જ કોઇ જાગ્રત નાગરિક અસંમત થશે. સત્તાધારી પક્ષના હાથા તરીકે સીબીઆઇ, મહદ્ અંશે યોગ્ય રીતે જ, વગોવાયેલી તપાસસંસ્થા છે. વર્તમાન રાજકારણમાં ભાગ્યે જ એવો કોઇ વિપક્ષ હશે જેણે ‘સીબીઆઇની તપાસ’ના હથિયારનો દુરૂપયોગ ન કર્યો હોય. વિરોધીને ઘાટમાં લેવો હોય ત્યારે સીબીઆઇની તપાસ છોડી મૂકવાની અને સમાધાન થઇ જાય એટલે તપાસનો સંકેલો કરી લેવાનો, એ રાજકીય નેતાઓની નીયત અને સીબીઆઇની નીયતી રહી છે. અલબત્ત, આ રાજકારણની પ્રથા છે. તેનેે કોઇ રીતે વાજબી ઠરાવી શકાય નહીં. સાથોસાથ, એ પણ ખરૂં કે પોતે જ્યાં સુધી નિશાન બને નહીં ત્યાં સુધી કોઇ પણ રાજકીય પક્ષને કે નેતાઓને સૈદ્ધાંતિક મુદ્દે સીબીઆઇના દુરૂપયોગનો છોછ હોતો નથી. વાંધો ઘણુંખરૂં દુરૂપયોગનો નહીં, પણ પોતાની સામે થતા દુરૂપયોગનો હોય છે.

સીબીઆઇની વિશ્વસનીયતા કેટલી?
દુરૂપયોગ માટે કુખ્યાત સીબીઆઇ પર કેટલો ભરોસો રાખવો, એવી અવઢવ સ્વાભાવિક છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી, એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા ઘણાખરા પોલીસ અફસરોની ધરપકડ અને ત્યાર પહેલાં તપાસની કામગીરી ગુજરાતની જ પોલીસે, સીઆઇડી ક્રાઇમે- કરી હતી. માટે તેનો ‘જશ’ સીબીઆઇને આપી શકાય નહીં. સીબીઆઇએ જેમની ધરપકડ કરી તેમના વિશે લાંબા સમય સુધી તપાસ કરી હતી.

કેન્દ્ર સરકારના વિરોધ પક્ષનું શાસન ધરાવતા રાજ્યમાં, શાસકની કૃપાદૃષ્ટિ નહીં તો આંખ આડા કાનથી કામ કરનારા અફસરને કે ગૃહરાજ્યમંત્રીને ભીંસમાં લેવાનું સહેલું નથી. તેમાં જરાય કાચું કપાય તો સીબીઆઇની જ નહીં, કેન્દ્ર સરકારની વિશ્વસનીયતાનો અને તેનાથી પણ વધારે મોટો કાનૂની લડાઇનો પ્રશ્ન ઉભો થાય. સામી છાવણીમાં નિષ્ણાત પ્રચારપુરૂષ મોજૂદ હોય ત્યારે સીબીઆઇએ શક્ય એટલી સાવચેતી રાખીને, ઝીણું કાંતીને પોતાના પગલાને કાનૂની સમર્થન મળી રહે એ માટેની સામગ્રી એકઠી કરી હોય એવી પૂરી સંભાવના છે. (સીબીઆઇની ચાર્જશીટમાં ૩૦ હજાર પાનાં છે.) એટલે, સીબીઆઇના હેતુ વિશે શંકા બરકરાર રાખીએ તો પણ, તેણે શોધી કાઢેલી-ખોદી કાઢેલી વિગતો અને માહિતીનો જથ્થો એમ અવગણી કઢાય નહીં. તેમાંથી ટપકીને બહાર આવતી બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા જેવી માહિતી એટલી શરમજનક છે કે જો એ માહિતી ખોટી હોય તો રાજ્ય સરકારે તેને ખોટી સાબીત કરવાનો પડકાર ઉપાડી લેવો જોઇએ. કારણ કે એ વિગતોના પગલે રાજ્ય સરકારની અને તેના સત્તાધીશોની વિશ્વસનીયતા સામે પણ ગંભીર સવાલ ઉભો થાય છે.

કાનૂની બાબતમાં અંગત અભિપ્રાયોનું કશું મહત્ત્વ નથી. પ્રજાકીય બહુમતિ કોઇને નિર્દોષ સાબીત કરી શકતી નથી અને ચૂંટણીની હારથી કોઇ દોષી પુરવાર થતું નથી. એ કામ માટે બંધારણમાં કાનૂની પ્રક્રિયાની જોગવાઇ છે. તેમાં પાર ઉતર્યે જ છૂટકો.

નાક ગજવામાં, કાયદો અભરાઇ પર
ગુજરાતમાં અને એકંદરે દેશના રાજકારણમાં વિશ્વસનીયતા કે નૈતિકતા જેવા ભાવવાચક શબ્દો માટે કોઇ સ્થાન રહ્યું નથી. બધા પક્ષોના મનમાંથી નાક કપાવાની શરમ જતી રહી છે. કોઇએ ૧૯૮૪માં કપાવ્યું છે તો કોઇએ ૨૦૦૨માં, પણ નાગરિક તરીકે આપણો પનારો બેશરમ નાકકટ્ટાઓ સાથે પડ્યો છે એ કડવી વાસ્તવિકતા છે. શરમનાં વસ્ત્રો ઉતારીને બેઠેલો વર્ગ એકબીજાને શરમની કે આબરૂની દુહાઇ કેવી રીતે આપી શકે?

જાહેર જીવનમાંથી નૈતિકતા, શરમ અને જવાબદારી જતાં રહે, ત્યાર પછી જેવો છે તેવો પણ છેલ્લો સહારો કાયદાનો છે. એટલે, કોઇ પણ રાજકીય પક્ષ જાહેર હિતની બાબતમાં કાયદાની ઉપરવટ જાય કે કાયદો હાથમાં લે ત્યારે તેમના પ્રચાર-ચગડોળમાં હિંચવાને બદલે નાગરિક તરીકે આપણને ચિંતા થવી જોઇએ. એ જ રીતે, સીબીઆઇ કાયદો હાથમાં લઇને કે તેની ઉપરવટ જઇને કોઇ મંત્રી કે નેતાની પાછળ પડી જાય, એ પણ ચિંતાજનક કહેવાય. પરંતુ કાયદાના દાયરાની અંદર રહીને, કાયદાનું વર્તુળ મનમરજી પ્રમાણે વિસ્તાર્યા વિના કાનૂની જોગવાઇ અંતર્ગત સીબીઆઇ ગૃહરાજ્યમંત્રી કે તેમની એન્કાઉન્ટર મંડળી પર ધોંસ જમાવે ત્યારે સીબીઆઇનો વિરોધ કરવો, એ રાજ્ય સરકારના ખોળે બેસી જવા બરાબર કહેવાય.

નેતાઓ તો વિરોધ કરે, કારણ કે પોતાની ધોરાજી હંકારવામાં તેમને એક જ ચીજનો- કાયદાનો- થોડોઘણો ડર રહેતો હોય છે. નાગરિકોને સાચાખોટાં બહાનાં રજૂ કરીને કાયદાની વિરૂદ્ધ ઉશ્કેરી શકાય, તો નેતાઓનું કામ થઇ જાય. સમજવાનું નાગરિકોએ છે કે પોતાના પગ પર કુહાડો શા માટે મારવો? કાનૂન નહીં રહે તો નાગરિકો પાસે ન્યાય મેળવવાનો કે સચ્ચાઇ સુધી પહોંચવાનો બીજો કશો આધાર રહેવાનો નથી.

એક ગુંડા માટે આટલો હોબાળો?
એક વાર કાયદાનો ખોફ જતો રહ્યા પછી સત્તાધીશો ફક્ત ગુંડાઓને જ મનફાવે તેમ ઠાર મારશે, એવું માની બેસવાની જરૂર નથી. કોઇને ‘ત્રાસવાદી’ જાહેર કરવા માટે મુસ્લિમ નામ હોવું જરૂરી હતું, પણ ‘માઓવાદી’ જાહેર કરવા માટે તો એની જરૂર પણ નથી રહી. સરવાળે, કાયદાની બ્રેક વગરની શાસનગાડી માટે સામે આવે તે સૌ સરખા જ બની રહે છે. ‘ગુંડાને મારી નાખ્યો તેમાં શું ખોટું કર્યું?’ એવી દલીલ કરનારા આટલો સાદો મુદ્દો ચૂકી જાય છે કે આ માત્ર કોઇ એક ગુંડાના અપમૃત્યુ માટેની લડાઇ નથી. સોરાબુદ્દીન એન્કાઉન્ટર રાજ્યનાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે થયેલું કે પ્રજાને કનડતા- ન્યાયની ચુંગાલમાંથી છટકી જતા કોઇ ગુંડાનો ત્રાસ નીવારવા માટે થયેલું એન્કાઉન્ટર નથી. આ તો વ્યાવસાયિક અને રાજકીય હિત ધરાવતા લોકોના લાભાર્થે થયેલું ‘એન્કાઉન્ટર’ છે. તેમાં એક ગુંડાને ત્રાસવાદી તરીકે ખપાવીને, તે મુખ્ય મંત્રીની હત્યા કરવા માટે આવ્યો હતો એવો આડંબર ઉભો કરીને, સંભવતઃ રૂપિયા (સોપારી) લઇને હત્યા કરવામાં આવી તે મુદ્દો મુખ્ય છે. આ એક એન્કાઉન્ટર નિમિત્તે થયેલી તપાસમાં અને ૩૦ હજાર પાનાંની ચાર્જશીટમાં સરકારી પ્રચાર પર અંધવિશ્વાસ મુકનારા ગુજરાતના નાગરિકો માટે ઘણા બોધપાઠ હશે, એવું તેની ઝલક પરથી જણાય છે.

બીજાં રાજ્યોમાં પણ એન્કાઉન્ટર થાય છે.
તવાઇ ફક્ત ગુજરાત પર કેમ?
એન્કાઉન્ટર અથવા ફેક એન્કાઉન્ટરના ઘણા પ્રકાર હોય છે: અસાધારણ સ્થિતિમાં થતાં એન્કાઉન્ટરથી માંડીને ગેંગ ખતમ કરવા માટે કે ગેંગવોરના જ ભાગરૂપે થતાં મુંબઇનાં એન્કાઉન્ટર, પંજાબ-કાશ્મીરમાં ત્રાસવાદ સામે અને ‘લાલ પટ્ટા’માં માઓવાદ સામે ઝઝૂમતાં અને અમર્યાદ સત્તામાં ઝૂમતાં સલામતી દળોનાં એન્કાઉન્ટર, ઇશાન ભારતનાં રાજ્યોમાં વિશિષ્ટ કાયદાની ઓથે થતાં એન્કાઉન્ટર...એ બધાં એન્કાઉન્ટર સામે ઉહાપોહ, હોબાળો કે કાર્યવાહી થતાં નથી એવું માની લેવાની જરૂર નથી. ગુજરાતમાં ‘સેક્યુલર’ કે ‘કર્મશીલ’ તરીકેની ગાળ ખાતા લોકો બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો સામે વખતોવખત અવાજ ઉઠાવતા રહ્યા છે.

તેમ છતાં, જેમને એવું લાગતું હોય કે બીજાં રાજ્યોમાં આ પ્રકારનાં કરતૂતોને પૂરતા પ્રમાણમાં પડકારવામાં આવતાં નથી, તેમણે એ દિશામાં સક્રિય થવું જોઇએ અને બીજે થતાં એન્કાઉન્ટરોમાં સામા પક્ષની સરકારોની સંડોવણીને ખુલ્લી પાડીને, યોગ્ય કાનૂની કાર્યવાહી દ્વારા કાયદાના શાસન માટે લડત આપવી જોઇએ.

સગવડ ખાતર ધારી લો કે દસ ઠેકાણે અન્યાય થતો હોય અને એક ઠેકાણે કાનૂની રસ્તે ન્યાયની કાર્યવાહી ચાલુ હોય, ત્યારે એક ઠેકાણે થતો ન્યાય અટકાવવાનો પ્રયાસ કરવો જોઇએ? તેની સામે લોકલાગણી ઉશ્કેરવી જોઇએ? કે જ્યાં કાનૂની લડાઇ ચાલે છે તેને ટેકો આપીને, બાકીની જગ્યાએ કાનૂની લડાઇ ઉભી થાય એવો પ્રયત્ન કરવો જોઇએ?

નેતાઓ તો ઇચ્છે છે કે નાગરિકો ન્યાયના રસ્તાનું જેવું છે તેવું, પણ છેલ્લું અને એકમાત્ર હથિયાર તજીને તેમના શરણમાં આવી જાય.

નાગરિકો શું ઇચ્છે છે?

Thursday, July 22, 2010

કોફીઃ રાષ્ટ્રિય પીણું-ઇન-વેઇટિંગ

ચા ભારતના ‘આમઆદમી’નું પીણું છે, તો કોફી ભારતની ખાસજનતાની પસંદ છે. કોફી પીવાથી હૃદયરોગના હુમલાની શક્યતા વધે કે ઘટે, તેની ચર્ચા ઉટપટાંગ પરદેશી યુનિવર્સિટીઓના સંશોધકો માટે છોડી દઇએ. પરંતુ કોફી પીવાથી મઝા આવે છે, એ કોઇ પણ રીસર્ચ વગર- અથવા રીસર્ચ ન હોવાને કારણે જ- ખાતરીપૂર્વક કહી શકાય છે.

બહુમતિ ભારતીયોની પહેલી પસંદ ચા છે. ઘણા વિદ્વાનો એવું માને છે કે પહેલી પસંદ તો કોફી છે, પણ પહેલું પોસાણ ચાનું છે. એ રીતે જોઇએ તો કોફીને વર્ગભેદ ઉભા કરતું પીણું કહી શકાય. ચા પીતો માણસ મજૂર પણ હોઇ શકે ને માલિક પણ હોઇ શકે. ભારતના બે ભાગ કરીએ તો, ઉત્તર ભારતમાં ચા પીવી એ શ્વાસ લેવા જેવું, વર્ગવિહીન કાર્ય છે. તેનાથી ચા પીનારના વર્ગ વિશે કશું કહી શકાતું નથી. પરંતુ કોઇ માણસ કોફી પીતો હોય તો તેના વિશે તરત કેટલીક અટકળો થઇ જાય છે. જેમ કે, તેમને બધા કરે છે એના કરતાં કંઇક જુદું કરવામાં રસ છે અથવા તે આર્થિક રીતે સમૃદ્ધ છે અથવા એ સાત્ત્વિક માણસ હોવાથી ચા નથી પીતા...વગેરે.

કોફી સામાન્ય વ્યવહારમાં સમૃદ્ધિ અને વિશેષતા સૂચવે છે. એમાં પણ કોલ્ડ કોફી હોય તો થઇ રહ્યું! (મોટે ભાગે કોફી પીનારાએ જ વહેતા કરેલા પ્રચાર મુજબ) કોફી બૌદ્ધિકોનું પીણું ગણાય છે. ફ્રેન્ચ કટ દાઢીની જેમ કોફીને બૌદ્ધિકતા સાથે લેવાદેવા હોવી જરૂરી નથી. પણ બીજી કોઇ રીતે દર્શાવી ન શકાતી હોય એવી બૌદ્ધિકતાનો પરચો બૌદ્ધિકો કોફી પીને સચોટ રીતે આપી શકે છે. પાંચ-સાત જણ બેઠા હોય, એમાં બધા જ ચા મંગાવતા હોય અને એક જણ કોફી મંગાવે, એટલે સૌની નજર કોફી મંગાવનાર ભણી મંડાય છે અને કંઇ પણ કર્યા વિના એ ભાઇ કે બહેન લોકોના ઘ્યાન-કમ-આદરને પાત્ર બની જાય છે.

લગ્નનો સંદર્ભ આપીને વાત કરીએ તો, કોફી વરપક્ષનું પીણું છે ને ચા કન્યાપક્ષનું. ઘરમાં વર્ષના વચલા દહાડે કોફી ન જોતા હોય એવા ઘણા જાનૈયા કન્યા પક્ષ પાસે એટલા અધિકારથી કોફીની માગણી કરે છે, જાણે પોતે કોફીથી કોગળા કરવા ટેવાયેલા હોય. જાનમાં ગયા પછી ચા- કોફીના વિકલ્પ હોય તો કોફી પીવામાં અને કોફીનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો તે ઉભો કરાવવામાં જાનૈયા તરીકેની સાર્થકતા છે, એવું ઘણાને લાગે છે.

કોલ્ડ ટી-કોફી મળતા હોવા છતાં, ચા અને કોફી મુખ્યત્વે ગરમ પીણાના વિકલ્પો છે, પણ તેમની વચ્ચે સીધી સરખામણી માટે ભાગ્યે જ અવકાશ છે. ચિંતનીય શૈલીમાં કહી શકાય કે ચા ‘મા’ છે ને કોફી પરપ્રાંતમાં રહેતી ‘માસી’ છે. જૂના વખતમાં ગુજરાતી લેખનની શરૂઆત બાળકોને ‘બા ચા પા’ જેવાં સહેલાં વાક્યોથી કરાવવામાં આવતી હતી. ચાપ્રેમી વાચકો જોઇ શકશે કે એ વાક્યમાં નાના બાળક સમક્ષ બા (મમ્મી) જેટલું જ મહત્ત્વ ચાને પણ આપવામાં આવ્યું છે. ‘બા કોફી પા’ એવું વાક્ય કદી સાંભળ્યું છે? ભાષા થકી સંસ્કૃતિનું રક્ષણ કરવા ઇચ્છતા લોકો આ બાબત ઘ્યાનમાં લે, તો ચાને આસાનીથી ભારતની સંસ્કૃતિ સાથે સાંકળી શકાય અને પાંડવો આદુ-ફુદીનાની ચા પીને વનવાસ દરમિયાન ટકી રહ્યા હતા એવું પણ સિદ્ધ કરી શકાય.

ચાના ઘણા પ્રકારો છેઃ આદુવાળી, મસાલાવાળી, ફુદીનાવાળી, ઇલાયચીવાળી, લીલી ચાવાળી...આ બધા પ્રકારોની ખૂબી એ છે કે તેના નામ પરથી તેના સ્વાદનો અંદાજ આવી શકે છે, જ્યારે કોફીશોપમાં અટપટાં યુરોપીયન નામ ધરાવતી જુદા જુદા પ્રકારની કોફીના નામથી ફક્ત પ્રભાવિત થઇ શકાય છે અને નામ પરથી (કે તોતિંગ કિંમત પરથી) તેના સ્વાદ વિશે તુક્કા લડાવવાના રહે છે. ચા ખરાબ હોય તો ચા બનાવનાર સાથે શાસ્ત્રાર્થ (કે ઝઘડોઃ બન્ને વચ્ચે તાપમાનનો જ ફરક હોય છે) કરી શકાય છે. થોડી વધારે જાગૃતિ હોય તો નવી ચા બનાવડાવી શકાય છે, પણ કોફીનો સ્વાદ ન ભાવે તો એ શક્યતા રહેતી નથી. ‘ખરેખર આ પ્રકારની કોફીનો સ્વાદ આવો જ હશે અને મને ખબર નહીં હોય’ એમ માનીને, માણસ કોફીના અને ક્ષોભના ધૂંટડા ચૂપચાપ ઉતારી જાય છે.

કોફી બનતી હોય અથવા બનીને આવે ત્યારે તેની સુગંધ ચાપ્રેમીઓની વફાદારીની કસોટી કરે એવી હોય છે, પણ કેટલાંક ઠેકાણે કોફીમાં ફીણની બહુમતિ જોયા પછી પીનારા શાયરાના અંદાજમાં (કવિ આદિલ મન્સૂરીની ક્ષમા સાથે) ગાઇ ઉઠે છેઃ ‘ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, કપમાં કદાચ કોફી મળે ન મળે’

યુરોપીયનને બદલે દેશી કોફી પીવામાં સ્વાદનું એટલું વૈવિઘ્ય મળતું નથી. મોરચા સરકારના મંત્રીમંડળોની જેમ બે-ચાર મંત્રીઓનાં ખાતાં ઇધરઉધર કરવા સિવાય ઝાઝી શક્યતા હોતી નથી, એવી જ રીતે દેશી કોફીમાં કોફીના કે બહુ તો ખાંડના પ્રમાણમાં વધઘટ કરી શકાય છે. ‘જે કરવું તે દિલથી કરવું અને તેને પૂરેપૂરો ન્યાય આપવો’ એવું માનતા ઘણા લોકો બીજી કોઇ બાબતમાં નહીં તો કોફી પીવાની બાબતમાં આ જીવનસિદ્ધાંત કામે લગાડે છે અને એક કપમાં એટલી કોફી નાખે છે કે કોફીનો રંગ ચા જેવો થઇ જાય. તેમની ફિલસૂફી એવી હોય છે કે ‘કોફી પીએ તો પછી લાગવું જોઇએ કે કોફી પીધી. એ શું એક ચમચી ને બે ચમચી નાખવાની!’ જૂના વખતમાં કંસાર ને ચૂરમાની નાત થતી હતી ત્યારે તેમાં જે મોકળાશથી ઘી પીરસવામાં આવતું હતું, એ જાતની છૂટથી આ કોફીપ્રેમીઓ પોતાના કપમાં કોફી ઠઠાડે છે. ‘આવી કોફી શી રીતે પીવાય?’ એવા સવાલના જવાબમાં, કાંટાની પથારી પર આરામથી સુઇ જતા યોગી જેવી ગૌરવવંતી સાહજિકતાથી એ કહે છે,‘તમને કદી ખબર નહીં પડે. એના માટે ટેસ્ટ જોઇએ ટેસ્ટ!’

કેટલાક કોફીપ્રેમીઓને ફક્ત કોફી પીને સંતોષ નથી થતો. તે ચાને ઘુત્કારીને કોફી પર કળશ ઢોળે છે. એવા લોકોને સામાન્ય વિવેક ખાતર પૂછવામાં આવે કે‘ચા?’ એટલે એ બ્રાઉનસુગરનું પૂછ્યું હોય એમ મોં કટાણું કરીને કહેશે,‘હું ચા નથી પીતો.’

યજમાન સહેજ ખાસિયાણા પડીને છતાં ભારતીય યજમાન પરંપરાનો ઘ્વજ નીચો નહીં પડવા દેવાના ઉત્સાહથી કહે છે,‘તો કોફી?’ એ સાંભળીને મહેમાન ‘હવે તમે મારૂં લેવલ સમજ્યા!’ના ભાવ સાથે કહે છે,‘હા, કોફી પીશું.’ પછી તમારા જેવા ‘ચા’લુ લોકોને કોફીના સ્વાદમાં ખબર નહીં પડે, એવી ભાવનાથી પ્રેરાઇને સારી કોફી કેમ બનાવવી એના વિશેનાં થોડાં સૂચનો આપે છે ઃ ‘કોફીના દાણા છે? હું તો ફ્રેશ પાઉડરની જ કોફી પીઊં છું. પણ ના હોય તો વાંધો નહીં. એક કામ કરજો. કોફી પહેલેથી નાખી દેતા નહીં અને પાણી અલગથી ઉકાળીને તેમાં કોફી ઓગળશોને? બઘું પહેલેથી મિક્સ ના કરી નાખતા.’

ધર્મબદ્ધ યજમાન એવું કહી શકતા નથી કે ‘મારો ઇરાદો બઘું અલગ અલગ તમારા મોંમાં નાખીને તમને ગુલાંટો ખવડાવવાનો છે.’ એટલે તે ચૂપચાપ સૂચનાઓ સાંભળે છે, પોતે જેમ બનાવતા હોય એમ જ કોફી બનાવીને ધરે છે અને બૂમરેન્ગ જેવા સણસણાટમાં નિર્દોષતા ઘોળીને મહેમાનને પૂછે છે,‘કેમ? કોફી થઇ છે ને બરાબર... તમે કહ્યું એવી!’

ચબરાક મહેમાનો આ સવાલનો જવાબ ‘ડક’ કરી જાય છે- ટાળી દે છે અને ‘હું લાસ્ટ ટાઇમ યુરોપ ગયો ત્યારે ત્યાંની એક હોટેલમાં ૨૬૯ જાતની કોફી મળતી હતી’ એવી કથાઓ શરૂ કરી દે છે. કેટલાક મહેમાનો ‘નરો વા કુંજરો વા’થી ધર્મભ્રષ્ટ બનેલા યુધિષ્ઠિરની જેમ બનાવટી ઉત્સાહ સાથે યજમાનને કહે છે,‘હા, હા, મેં કહ્યું એવી તો નહીં, એનાથી પણ વધારે સારી થઇ છે.’ આ વાક્યનો ઉત્તરાર્ધ જૂઠો છે ને પૂર્વાર્ધ સત્ય છે. યજમાન ઉત્તરાર્ધ ગ્રહણ કરીને રાજી થાય છે અને મહેમાન પૂર્વાર્ધ કહીને પોતે સાચું કહી દીધાનો સંતોષ મેળવે છે.

Wednesday, July 21, 2010

બોન્ડભાઇની રિક્ષા?


આજે રસ્તાની કોરે ઉભેલી આ રિક્ષા જોઇ અને શ્રી શ્રી 1008 પપૂધધુ, નામ છે જેમનું બોન્ડ...જેમ્સ બોન્ડ, તે યાદ આવ્યા.
સાથે એ પણ યાદ આવ્યું કે કોઇ પણ ભારતીય હીરોઇનને પબ્લિસિટી મેળવવી હોય ત્યારે એવા સમાચારો આવે છે કે નેક્સ્ટ બોન્ડ ગર્લ તરીકે આ સુકન્યા ચમકશે.
જય બોન્ડ. જય હિદ.

Sunday, July 18, 2010

સત્યાર્થપ્રકાશઃ ગુણવંત શાહ વિશે પ્રકાશ શાહ

'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહે 16 જુલાઇના અંકમાં લખેલી તેમની વાત ઘણી બધી રીતે મહત્ત્વની છે. કદાચ સૌ પ્રથમ વાર તેમણે ગુણવંત શાહની ચોક્કસ પ્રકારની 'કોલમકારી'થી થયેલી કુસેવાને શબ્દોમાં મૂકી આપી છે. એમ તો ગુણવંત શાહના પત્રોના સંપાદનમાં પ્રકાશભાઇએ લખેલી પ્રસ્તાવનામાં તેમણે 'બીટવીન ધ લાઇન્સ' કેટલાક નિર્દેશ કર્યા હતા, પરંતુ વૈચારિક રીતે 'સામેની છાવણી'ના ગણાતા પ્રકાશ શાહની એકંદર પ્રશંસાની 'કીક' માં એ ઉલ્લેખો ક્યાંથી પકડાય? અને પ્રકાશભાઇની શૈલીને લીધે ઘણા લોકોને તેમના લખાણમાં 'ઇન ધ લાઇન્સ' સમજવાના જ વાંધા હોય, ત્યાં 'બીટવીન ધ લાઇન્સ'નો વારો ક્યારે આવે?

પ્રકાશભાઇએ ખરેખર કશુંક મહત્ત્વનું કહેવાનું છે, એવી પ્રતીતિ થયા પછી એમની ભાષા સાથે કામ પાડવાનું પ્રમાણમાં સરળ બને છે અને તેમની ભાષાના ચાહક થઇ જવાય એવી સંભાવના (ભીતિ ગણો તો ભીતિ) રહે છે. એટલી વાત પછી પ્રકાશભાઇનો લેખ અહીં મૂક્યો છે. ગુણવંત શાહ વિશેની આખી ચર્ચાને તેમણે પરસ્પેક્ટિવમાં મૂકી આપીને ફક્ત એક યા બીજા પક્ષના ટીકાકારો (કે સમર્થકો) માટે જ નહીં, સલીલ દલાલ અને આશિષ કક્કડ જેવા 'અમે તો બન્નેને ચાહીએ છીએ' કહેનારા મિત્રો માટે પણ ઉપયોગી કામ કર્યું છે, એમ માનું છું.

પ્રકાશભાઇના જ લેખમાંથી કેટલાંક 'હાઇલાઇટર'
  • ગુજરાતમાં કેટલીક રૂઢ રજૂઓતોને અજબ જેવી માસૂમિયતથી સ્વીકારી લેતો વિશાળ વર્ગ છે. તે સાથે, ગુણવંતભાઇની લોકપ્રિય કોલમકારીમાં કેટલાક મુદ્દા ખસૂસ એવા છે જેમા્ આ વર્ગને પોતાનો અવાજ સંભળાય છે અથવા તો પોતાની કાચીપાકી, કાલીઘેલી સમજ એમના થકી અંકે થતી અનુભવાય છે. ક્યારેક એને માંજો પણ ચડતો હશે.
  • તાજેતરનાં વરસોમાં વણઝારા-સોરાબુદ્દીન નિમિત્તો લઇને ગુણવંતભાઇએ જે કોલમકારી 'ચિત્રલેખા' અને 'દિવ્ય ભાસ્કર'માં ચલાવી છે તેમ જ ભાષણો પણ કર્યાં છે એ સઘળું જયંતિ દલાલ જેને 'કરપીણ મુગ્ધતા'કહેતા એમાં શ્વસતા મોટા વર્ગને કાયદાના શાસન જેવી બુનિયાદી બાબતમાં ગોથું ખવડાવનારું અને એ ધોરણે મોદી શાસનની નિઃશાસન/દુઃશાસન તાસીર પરત્વે ઘેનગાફેલ કરનારું છે.

Thursday, July 15, 2010

ગુણવંત શાહનો ‘જવાબ’, હવાતિયાં અને હકીકતોની તોડમરોડ

નોંધઃ આ લખાણ કેવળ તથ્યાત્મક બાબતો પર આધારીત છે. કોણ કોની પાછળ પડી ગયું છે, એ વિશે ઉતાવળે નહીં, પણ આ લખાણ વાંચ્યા પછી જ અભિપ્રાય બાંધવા વિનંતી.

***

વિષયાંતરનિષ્ણાત ગુણવંત શાહે સોરાબુદ્દીન એન્કાઉન્ટર મુદ્દે મેં પૂછેલા સવાલોના જવાબ આપવાને બદલે, અહીં મૂકેલા ‘ચિત્રલેખા’ (૧૯-૭-૧૦)ના લેખ દ્વારા જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

તેમનો લેખ વાંચીને ભાગ્યે જ એવું લાગે કે આ મારા સવાલોનો જવાબ હશે. પરંતુ લેખની છેલ્લી ત્રણ લીટીઓ પરથી સ્પષ્ટ છે કે તેમણે પોતાનો કક્કો ખરો ઠરાવવા વઘુ એક વાર કર્મશીલોને ઝૂડતો લેખ ઘસડી કાઢ્યો છે.
આ લેખના મુદ્દા જુદી ચર્ચાનો વિષય છે. તેને સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી એન્કાઉન્ટર મુદ્દે કર્મશીલો અને મારા જેવા અ-કર્મશીલોના વલણ સાથે કોઇ સંબંધ નથી. પરંતુ પોતાના લેખમાં છેલ્લે મારા સવાલોને લક્ષ્યમાં રાખીને ગુણવંત શાહ લખે છે, ‘..આવી કેટલીક વાતો વાંચીને એ નારાજ થાય છે અને અંગત હેત્વારોપણ કરવા લાગે છે. એમને કહેવું છેઃ વો મેરા નામ બાર બાર ક્યું લેતે હૈં / મૈંને તો કભી ઉનકા જિક્ર ભી નહીં કિયા.’

સવાલ મારા અંગત જિક્રનો નથી. મેં ગુણવંત શાહને પૂછેલા સવાલ અંગત નથી. એ સોરાબુદ્દીન ઉપરાંત કૌસરબી અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર વિશેના છે. ગુણવંત શાહ અસંખ્ય વાર એન્કાઉન્ટરખોર મંડળીનું ઉપરાણું લેતા લેખો લખી ચૂક્યા હોય, ત્યારે એક વાચક તરીકે, એક નાગરિક તરીકે મારા સવાલોનો જવાબ માગવાનો મને અધિકાર છે. એ માટે ગુણવંત શાહ મારો જિક્ર કરે ત્યાં સુધી મારે રાહ જોવાની?


***

નિરીક્ષકના ૧૬ જુલાઇના અંકમાં ‘તંત્રીને પત્ર’ શીર્ષક હેઠળ છપાયેલો મારો પત્ર ‘મતભેદોના સૌંદર્ય’ની વાત કરતા લેખકની અસલિયત ઉઘાડી પાડે એવો છે. તે શબ્દશઃ અહીં મૂકું છું.

પ્રિય પ્રકાશભાઇ,

એક બાબતે ‘નિરીક્ષક’ના વાચકોનું ઘ્યાન દોરવા માટે આ પત્ર લખ્યો છે.

‘નિરીક્ષક’માં છેલ્લા બે અંકથી મારાં લખાણોમાં પૂછાયેલા અને તેમાંથી ઉભા થતા સવાલોના જવાબ આપવાને બદલે, ગુણવંત શાહે આખી વાત સાથે જેને કશો સંબંધ ન હોય એવા માઘ્યમ દ્વારા મારી પર ગેરવાજબી દબાણ લાવવાનો અને મને (એમના વિશે) લખતાં અટકાવવાનો શરમજનક ‘બીલો ધ બેલ્ટ’ પ્રયાસ કર્યો છે. (આ ફરિયાદ નથી. ફક્ત માહિતી છે. જેને ખાતરી ન થતી હોય તે ગુણવંત શાહ પાસેથી ખરાઇ કરી શકે છે.) ધોરણસરનો રાજકારણી પણ આવું ન કરે.

આકુળવ્યાકુળ થઇને છેલ્લા પાટલે બેસતી વખતે ગુણવંત શાહને જે સમજાતી નથી તે મારી વાત ફક્ત આટલી જ છેઃ કાં એ મારા સવાલોના જવાબ આપે અથવા આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી એન્કાઉન્ટરમંડળીનું ઉપરાણું તાણતા અને તેમનાં કરતૂતોને વાજબી ઠરાવતા લેખ ન લખે.

એ સિવાયનાં હવાતિયાં મારવાથી કંઇ વળવાનું નથી.

ઉર્વીશ કોઠારી

***
‘નમસ્કાર’ ના જુલાઇ, ૨૦૧૦ના અંકમાં ૫ જૂન, ૨૦૧૦ના રોજ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમનો અહેવાલ છે. તેમાં ગુણવંત શાહ કહે છે,‘બ્રિટનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી રેલવે સ્ટેશનની ભીડ વચ્ચે ધોળે દિવસે પોલીસે એક બ્રાઝિલના નિર્દોષ નાગરિક પર ભૂલથી ગોળી ચલાવીને મારી નાખ્યો. મેં લોર્ડ ભીખુ પારેખને પૂછ્યું કે એ પોલીસ હાલ ક્યાં છે? જવાબ મળ્યોઃ‘એને સખત ઠપકો આપવામાં આવ્યો છે. એની નોકરી ચાલુ છે. એ જેલમાં નથી.’ ફેક એન્કાઉન્ટર મારી દૃષ્ટિએ અનિવાર્ય અનિષ્ટ છે...(પાના નં. ૩૯-૪૦)

દેખીતી રીતે જ ગુણવંત શાહ એવું સિદ્ધ કરવા માગે છે કે બ્રિટનમાં જે થયું તે ગુજરાતમાં થયું એવું જ ફેક એન્કાઉન્ટર હતું અને ત્યાંના પોલીસને સખત ઠપકા સિવાય બીજી કોઇ સજા થઇ નહીં, તો અહીં તેમના પ્રિય વણઝારા જેવા એન્કાઉન્ટરબાજોને શા માટે જેલભેગા કરવામાં આવે છે?

યાદ રાખવા જેવી બાબત એ છે કે બ્રિટનનો કિસ્સો ચાર ત્રાસવાદીઓ અંગેની પાકી બાતમી મળ્યા પછીની સ્થિતિમાં, શંકાના આધારે થયેલા ઉતાવળનો હતો (પછી ચારેય ત્રાસવાદીઓની ધરપકડ થઇ પણ ખરી.) જ્યારે ગુજરાતનાં એન્કાઉન્ટર આર્થિક, રાજકીય અને કોમી ગણતરીથી થયેલાં છે. તેમાં કોઇની પર શંકાના આધારે ભૂલથી નહીં, પણ પાકી ખાતરી કર્યા પછી, પોતાનો અને સાહેબોનો સ્વાર્થ સાધવા માટે પોલીસે લોકોને મારી નાખ્યા છે.

ગુણવંત શાહે લોર્ડ ભીખુ પારેખને ટાંકવાને બદલે વધારે જવાબદારીપૂર્વક તપાસ કરી હોત તો તેમને જાણવા મળત કે
- (ગોળીબારના કેસમાં) કમાન્ડોનું પગલું વાજબી ગણવાની સ્કોટલેન્ડ યાર્ડની માગણી જ્યુરીએ ૮ વિરૂદ્ધ ૨ મતથી ફગાવી દીધી હતી. આ કેસના પગલે સ્કોટલેન્ડ યાર્ડના કમિશનર- ટોચના પોલીસ અફસર સર ઇયાન બ્લેરે રાજીનામું આપવું પડ્યું. તેમના સ્થાને આવેલા સર પોલ સ્ટીફન્સને કહ્યું કે ‘મરનાર મેનેઝીસ નિર્દોષ હતો અને તેના મૃત્યુની સંપૂર્ણ જવાબદારી આપણે સ્વીકારવી રહી. એ દિવસે અફસરો સામે ત્રાસવાદી ખતરાનો મોટો પડકાર હતો. તેમાં અમે ‘મોસ્ટ ટેરિબલ મિસ્ટેક’ કરી દીધી. આઇ એમ સોરી...સ્કોટલેન્ડ યાર્ડ આ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરશે, જેથી ભવિષ્યમાં તેના પુનરાવર્તનની શક્યતા ઓછામાં ઓછી કરી શકાય. (ન્યૂયોર્ક ટાઇમ્સ, ૧૨-૧૨-૨૦૦૮)
- જ્યુરીના ચુકાદા પછી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ સામે અદાલતી કેસનો માર્ગ મોકળો થયો. અદાલતી કેસમાં મૃતક મેનેઝીસનાં પરિવારજનોએ મોટી રકમનું વળતર સ્વીકારીને કોર્ટ બહાર સમાધાન કર્યું. સમાધાનની જાહેરાત વખતે પણ કમિશનરે મૃતકના પરિવારની બિનશરતી માફી માગી. (ન્યૂયોર્ક ટાઇમ્સ, ૨૩-૧૧-૨૦૦૯)

ભીખુ પારેખને ટાંકવાના શોખીન ગુણવંત શાહ પોતાની લાઇનને અનુકૂળ આવે એટલું જ કેમ ટાંકે છે? ઉપરની કોઇ વાતનો ઉલ્લેખ કેમ કરતા નથી?

Wednesday, July 14, 2010

આગાહીબાજ ઓક્ટોપસનો ઇન્ટરવ્યુ

જર્મન જળચર ઓક્ટોપસ ફૂટબોલના વર્લ્ડકપમાં સાચી આગાહીઓ કરીને વિશ્વવિખ્યાત થઇ ગયું. ભારતના અન્નપ્રધાન કોણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે એની ખબર ન હોય, એવા લોકો પણ પોલ નામના એ ઓક્ટોપસ વિશે જાણતા થઇ ગયા. છતાં હજુ સુધી તેનો એકેય ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયો નથી. ‘પોલ વિશે ઘણુંબઘું કાલ્પનિક ચાલતું હોય, તો એક વધારે’ એમ વિચારીને લેવાયેલો ભવિષ્યવેત્તા ઓક્ટોપસનો કાલ્પનિક ઇન્ટરવ્યુ.

***

પ્રઃ હાય પોલ. શું ચાલે છે?
પોલઃ એક કામ કર. મારી સામે કાચનાં બે વાસણમાં ખાવાનું મૂક. એક વાસણ ઉપર ‘મઝામાં છું’નું લેબલ ચોંટાડ અને બીજા વાસણ ઉપર ‘મઝામાં નથી’નું લેબલ લગાડી દે. એ બેમાંથી જે વાસણમાંથી હું ખાઊં, એ મારો જવાબ. સમજ્યો? હવે મને સીધા જવાબ આપવાની પ્રેક્ટિસ છૂટી ગઇ છે.
પ્રઃ એ તો હું ભૂલી જ ગયો. મને એ તો કહો તમે પહેલાં કયા સરકારી હોદ્દે હતા? મંત્રી? સચિવ? અફસર? કારકુન?
પોલઃ તને એવું શા માટે લાગ્યું કે હું સરકારમાં હતો? મારા આઠ હાથ- કમ-પગ જોઇને?
પ્રઃ ના, તમે ખાવાનું મળે નહીં ત્યાં સુધી કોઇ કામ કરતા નથી અને ઘણી વાર તો ખાવાનું મળ્યા પછી પણ નિર્ણય લેવામાં લાંબો સમય કાઢી નાખો છો એટલે...
પોલઃ ધીમેથી...ધીમથી બોલ....હવે મારી એકેએક હિલચાલની નોંધ લેવાય છે. તેનું રેકોર્ડંિગ થાય છે. તું આવું બોલશે તો મારા ભવિષ્ય પર અસર પડશે.
પ્રઃ વાહ, શું વાક્ય છે: ભવિષ્યવેત્તાના ભવિષ્ય પર અસર. તમે પહેલાં ચિંતનનું કરતા હતા? આઇ મીન, ચિંતન કરતા હતા?
પોલઃ ચિંતન તો હજુય કરૂં છું. મારા જવાબો મારા ચિંતનનું જ પરિણામ છે. તે સાંભળ્યું નથી? એક મેચમાં તો મેં નિર્ણય લેવામાં ૪૫ મિનીટ વીતાવી નાખી. ખાવાનું સામે પડ્યું હોય છતાં માણસ...એટલે કે ઓક્ટોપસ...૪૫ મિનીટ કાઢી નાખે એનો શું અર્થ થાય?
પ્રઃ એ જ કે તેને ભૂખ નથી લાગી.
પોલ: તું બહુ અનરોમેન્ટિક માણસ છે, યાર. તારે મારી વિચારશીલતા, મારી બૌદ્ધિકતા, મારી અપવાદરૂપ શક્તિ વિશે વાત કરવી જોઇએ. બની શકે તો દૈવી વરદાન, કુદરતી કરિશ્મા, આઠમી અજાયબી જેવા શબ્દો વાપરવા જોઇએ. એને બદલે તું સાવ ટાઢું પાણી રેડી દે છે.
પ્રઃ હું ભારતથી આવું છું. અમારે ત્યાં તમારાથી પણ વધારે વિચિત્ર પ્રાણીઓ આ ધંધામાં છે. છોડો એ વાત. તમે એ કહો કે ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થયો ત્યાં લગી તમને કોઇ ઓળખતું ન હતું અને હવે દુનિયાભરનાં પ્રસાર માઘ્યમો તમારા ફોટા છાપે છે, તમારી ભોજનક્રિયાનું લાઇવ ટેલીકાસ્ટ કરે છે...આ બધાથી તમને કેવું લાગે છે?
પોલઃ એ જ કે પ્રસાર માઘ્યમો ગરજ પડ્યે ઓક્ટોપસને પણ અંકલ કહે એમાંનાં છે...પણ આ તો મેં તારી શૈલીમાં જવાબ આપ્યો. મારી અંગત વાત કરૂં તો મને જબરદસ્ત મઝા આવે છે. મારી અત્યારની લોકપ્રિયતા પરથી તો લાગે છે કે આવતી ચૂંટણીમાં હું અમેરિકાના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવું તો ત્યાં પણ મારી જીત થાય.
પ્રઃ પોતાની લોકપ્રિયતાથી અંજાયેલા હોંશીલા લોકોની માફક તમારી બુદ્ધિ દયનીય પણ ઉત્સાહ સરાહનીય છે.
પોલઃ એટલે તે મારાં વખાણ કર્યાં કહેવાય?
પ્રઃ તમારે એમ જ માનવું. એ હોંશીલાનું બીજું લક્ષણ છે...પણ આપણે પ્રસાર માઘ્યમોની વાત કરતા હતા. તમારી આજુબાજુ કેમેરામેન ઘેરી વળે એનાથી તમને કેવી લાગણી થાય છે?
પોલઃ એ જ કે જ્યાં સુધી આ લોકો આવે છે ત્યાં સુધી બીજું કંઇ નહીં તો કમ સે કમ જમવાનું નિયમિત મળતું રહેશે.
પ્રઃ (ધીમા અવાજે) એક ખાનગી સવાલ પૂછું? જવાબ તમે ના પાડશો તો નહીં છાપું...પણ આ લોકો મેચ ના હોય અને તમારી પાસેથી જવાબ ન કઢાવવાના હોય ત્યારે તમને ખાવાનું આપે છે ખરા?
પોલઃ અઘરો સવાલ છે. એક કામ કર. વર્લ્ડકપનો થાક ઉતરી જાય પછી મળ. આપણે જોડે જમીશું એ બહાને શાંતિથી વાત થશે. મારી પાસે ઘણી વાતો છે. હું તને બે-ચાર એક્સક્લુઝિવ સ્ટોરી આપીશ.
પ્રઃ તમને બીજું કંઇ આવડતું હોય કે નહીં, પણ પત્રકારો સાથે પનારો પાડતાં બરાબર આવડી ગયું છે. પણ એમાં મારા સવાલનો જવાબ નથી આવતો.
પોલઃ નેક્સ્ટ?
પ્રઃ ઓ.કે., જર્મનીમાં ઘણા લોકો તમને તળીને ખાઇ જવાની વાત કરે છે, એ સાંભળીને તમને કેવું લાગે છે?
પોલઃ કેવું લાગવાનું વળી? તને કોઇ એવું કહે કે હું તને એકે-૫૬થી વીંધી નાખીશ, તો તને કેવું લાગશે?
પ્રઃ મારો પૂછવાનો મતલબ હતો કે તમે એ અંગે કંઇ વિચાર કર્યો છે? કોઇ કાર્યવાહી કરી છે?
પોલઃ ના, હું તારા જેવા કોઇકની જ રાહ જોતો હતો, જે મને વિદેશી દૂતાવાસો પર વિનંતીપત્ર લખી આપે. સલમાન રશદી કે તસ્લીમા નસરીનની જેમ મારે પણ બીજા દેશમાં રાજ્યાશ્રય લેવો પડશે અથવા ભૂગર્ભમાં ઉતરી જવું પડશે.
પ્રઃ એક્વેરિયમમાં ભૂગર્ભ હોય?
પોલઃ ના, પણ ભૂગર્ભમાં તો એક્વેરિયમ હોય ને!
પ્રઃ તમારો તો વટ છે...
પોલઃ તો એક કામ કર. આ ઢાંકણ ઉપરથી ખુલે છે. એ ખોલીને મારી જગ્યાએ તું આવી જા. લખવાનું કામ હું કરીશ. આમેય મારી પાસે આઠ હાથ છે.
પ્રઃ અને મગજ?
પોલઃ ગમ્મત ના કરીશ. હુંય છાપાં-મેગેઝીન વાંચું છું.
પ્રઃ આપણે બધી આડીઅવળી વાતો કરી, પણ એ તો કહો કે ફૂટબોલમાં તમને રસ ક્યારથી પડવા માંડ્યો?
પોલઃ ફૂટબોલ? એ વળી શું છે? ઓક્ટોપસ માટેના નવા ફાસ્ટફુડનું નામ છે?
પ્રઃ મજાક ન કરો. આખી દુનિયા તમે ફૂટબોલ વર્લ્ડકપના હીરો તરીકે ઓળખે છે...
પોલઃ ખરૂં કહું છું. હું ફુટબોલ વિશે કશું જાણતો નથી. તારા કહેવા પરથી લાગે છે કે એ નામની કોઇ રમત હોવી જોઇએ, જેનો વર્લ્ડ કપ યોજાય છે.
પ્રઃ તો પછી તમે ફૂટબોલની મેચનાં પરિણામની આગાહી કરતા હતા એ કેવી રીતે?
પોલઃ ઢગલાબંધ લોકો ભવિષ્ય વિશે આગાહી કરે છે. અસંખ્ય લોકો ભવિષ્ય સુધારી આપવાનો દાવો કરે છે. શું એ બધા ભવિષ્ય વિશે જાણે છે? હા, હું જેટલું ફૂટબોલ વિશે જાણું છું, એટલું જ તે ભવિષ્ય વિશે જાણે છે. છતાં કદી તેં એમને આ સવાલ પૂછ્યો? મારે બે ને બદલે આઠ પગ છે એ જ મારો વાંક ને?

(એમ કહીને ઓક્ટોપસ બે ચિઠ્ઠી તરતી મૂકીને અદૃશ્ય થઇ જાય છે. એક ચિઠ્ઠીમાં લખ્યું છેઃ ‘ઇન્ટરવ્યુ પૂરો થયો’ અને બીજી ચિઠ્ઠીમાં લખ્યું છેઃ ‘ઇન્ટરવ્યુ લેવો હોય તો અઘરા સવાલ નહીં પૂછવાના.’)

Monday, July 12, 2010

મેઘદૂતનો સૂરીલો ગુજરાતી શબ્દાવતાર




વિખ્યાત સાહિત્યકાર-સંગીતપ્રેમી રજનીકુમાર પંડ્યાની અથાગ-અણથક જહેમત અને તેમના રસિક મિત્ર- ઉદ્યોગપતિ નવનીતલાલ શાહના સંપૂર્ણ સહયોગ સાથે તૈયાર થયેલું ‘મેઘદૂત’ના ગુજરાતી અનુવાદનું આકર્ષક પુસ્તક અને ખાસ તો, તેના સંગીતમય રૂપાંતરની બે સીડી- આ આખા સેટ વિશેની માહિતી મુકવાનું ઘણા વખતથી રહી જતું હતું અને તેની ચચરાટી પણ રહેતી હતી.

દરમિયાન, કીલાભાઇ ઘનશ્યામનો સમશ્વ્લોકી ગુજરાતી અનુવાદ અને પ્રફુલ્લ દવેનો કંઠ, આશિત દેસાઇનું સંગીત, વિદ્યુલ્લતા ભટ્ટની કોમેન્ટ્રી ધરાવતી બે સીડીનો સેટ એવાં ઉપડ્યાં કે અત્યાર સુધીમાં તેની સંખ્યાબંધ (પાંચસોથી વધારે) નકલો વેચાઇ ચૂકી છે. હા, વે..ચા..ઇ ચૂકી છે. કોઇએ પોતાના માટે ખરીદી, તો કોઇએ શાળાકોલેજોમાં કે પુસ્તકાલયોમાં પોતાના તરફથી આપવા માટે ખરીદી છે. બે સીડી સાથે પુસ્તકની કિંમત રૂ.595 અને સીડી વિના ફક્ત પુસ્તકની કિંમત રૂ.295 છે. લાયબ્રેરી-શૈક્ષણિક સંસ્થાઓ માટે 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

આ બ્લોગ પર આવતા મિત્રોમાંથી કોઇ હજુ સુધી એ વિશે ન જાણતા હોય તો એ જાણે અને તેનો લાભ લે એવા આશયથી, આજે અષાઢના પહેલા દિવસે, મેં લખેલી સત્તાવાર નોંધ અહીં મૂકું છું.

કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે રજનીકુમાર પંડ્યાને (બપોરના બેથી સાડા ચાર વાગ્યા સિવાય) ફોન થઇ શકે છે અથવા ઇ-મેઇલ પણ કરી શકાય છે.

(m)98980 15545 e-mail : rajnikumarp@gmail.com


***

શાશ્વત, ચિરંતન, કાલજયી...આવાં અનેક વિશેષણોથી જેનો મહિમા થતો રહ્યો છે, તે કાલિદાસનું મેઘદૂતમાત્ર સાહિત્યકૃતિ નથી. ઇસવી સન પૂર્વે લખાયેલું આ મહાકાવ્ય સદીઓ વીતવાની સાથે રામાયણઅને મહાભારતપછીની હરોળના, ભારતીય સંસ્કૃતિના ધબકતા દસ્તાવેજોમાં સ્થાન પામ્યું છે. સંસ્કૃત ભાષાના ઘસાયેલા ચલણ પછી અનેક ભાષામાં અનુવાદો દ્વારા મેઘદૂતરસિકજનો સુધી પહોંચતું રહ્યું છે.

ગુજરાતીમાં મેઘદૂતના ચાળીસેક અનુવાદમાંથી કિલાભાઇ ઘનશ્યામે 1913માં કરેલો અનુવાદ રસિકજનોમાં ખૂબ વખણાયો હતો. સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઇ યક્ષ/ કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપઆ પંક્તિથી શરૂ થતા કિલાભાઇના અનુવાદના અનેક શ્લોક કંઠસ્થ, બલ્કે હૃદયસ્થ, હોય એવા એક રસિક છે મુંબઇના ગુજરાતી ઉદ્યોગપતિ નવનીતલાલ શાહ. વર્ષોથી પોતાના હૈયે રમતા અને હોઠે આવી જતા મેઘદૂતના ગુજરાતી અનુવાદને પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધીપહોંચાડવાની જવાબદારી તેમણે વિખ્યાત સાહિત્યકાર-પત્રકાર રજનીકુમાર પંડ્યાને સોંપી. રજનીકુમારનાં બહુપરિમાણી પરિકલ્પના- દૃષ્ટિવંત દિગ્દર્શન અને તેમના સાથીદારો- કલાકારોની જહેમતનું પરિણામ છે મેઘદૂતના ગુજરાતી અનુવાદનું 80 પાનાંનું, ઉત્તમ ચિત્રો-વિગતોથી સમૃદ્ધ પુસ્તક અને બે ઓડિયો સીડીનો સેટ.

પ્રતિષ્ઠિત સંગીતકાર આશિત દેસાઇએ સંગીતબદ્ધ કરેલા મેઘદૂતના સમશ્લોકી અનુવાદને પહેલી હરોળના ગુજરાતી ગાયક પ્રફુલ્લ દવેનો કંઠ પ્રાપ્ત થયો છે. પૂર્વમેઘઅને ઉત્તરમેઘએમ બે સી.ડી.માં ઉત્કૃષ્ટ ગીત-સંગીત ઉપરાંત બે શ્લોકોની વચ્ચે ડો.ગૌતમ પટેલ લિખિત, વિદ્યુલ્લતા ભટ્ટે કરેલા વિવરણથી શ્રોતાને ફક્ત શ્રાવ્યની નહીં,દૃશ્યની પણ અનુભૂતિ થાય છે.

ઓડિયો સી.ડી.ના આધુનિક સ્વરૂપની સાથોસાથ કિલાભાઇ ઘનશ્યામના સો વર્ષ જૂના (સાર્થ જોડણીકોશ પહેલાંના અને એ પ્રમાણેની જોડણી ધરાવતા) અનુવાદને પણ અનેક પૂરક વિગતો અને આકર્ષક સજાવટ સાથે મૂકવામાં આવ્યો છે. સંપૂર્ણપણે આર્ટપેપર ઉપર રંગીન છપાઇ ધરાવતા આ પુસ્તકમાં જાણીતા-અજાણ્યા ચિત્રકારોનાંમેઘદૂતઅંગેનાં ચિત્રો શ્લોકો સાથે અને અલગ વિભાગમાં સામેલ કરવાથી પુસ્તકનું મૂલ્ય અનેક ગણું વધી ગયું છે. લખાણના ભાગમાં મૂળ અનુવાદ પહેલાં ભોળાભાઇ પટેલના હૃદયોદગારછે. તેમણે નોંધ્યું છે,’ ..તમામ ગુજરાતી અનુવાદોમાં સૌથી પ્રસિદ્ધ અને ગણમાન્ય અનુવાદ તે કિલાભાઇ ઘનશ્યામનો. કિલાભાઇના મેઘદૂતના ગુજરાતી અનુવાદમાં, તેમના મંદાક્રાન્તામાં કાલિદાસની કવિતામાં અનુભવાતું કર્ણપ્રિય નાદમાધુર્ય અને ભાવમાધુર્ય સવિશેષ અનુભવાય છે. વાંચતાં જ ચિત્તમાં એની છૂપી સુરાવલિ ગુંજી ઉઠે છે.

મેઘદૂતને લગતી વિશિષ્ટ સામગ્રીમાં ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમીમાં મુકાયેલી કાલિદાસની પ્રતિમાની તસવીરથી માંડીને કાલિદાસના જીવન વિશેની કથા-કિવદંતીઓ, મેઘદૂતના રચનાસ્થળ મનાતા રામટેકની વિગતો,કિલાભાઇ ઘનશ્યામનો સચિત્ર પરિચય વગેરે સામેલ છે. મેઘદૂતમાં ઉલ્લેખાયેલા મેઘના પ્રવાસનો માર્ગ શુષ્ક નકશા તરીકે નહીં, બલ્કે એક કળાકૃતિ લાગે એ રીતે મૂકવામાં આવ્યો છે. એ જ રીતે મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં વૃક્ષો અને વનસ્પતિઓની યાદી પણ અલગથી આપવામાં આવી છે. ગીત-સંગીતના પ્રેમીઓને મેઘદૂતનામ સાથે જ જગમોહન સૂરસાગરનું ગાયેલું ગીત ઓ બરસાકે પહેલે બાદલયાદ આવે. ફૈયાઝ હાશમીએ લખેલા 1945ની ફિલ્મ મેઘદૂતના એ ગીતનો આખો પાઠ અહીં વાંચવા મળે છે, તો ભારતના ટપાલખાતાએ 22 જૂન, 1960ના રોજ જારી કરેલી મેઘદૂતની ટપાલટિકિટનું ચિત્ર, કેન્સલેશન અને તેના બ્રોશરનું અંગ્રેજી લખાણ પણ આપવામાં આવ્યું છે.

પુસ્તક જોતાંવેત તેને હાથમાં લેવાની, હાથમા લીધા પછી તરત પાનાં ફેરવી જવાની અને પાનાં ફેરવતાં ફેરવતાં જ તેની સામગ્રી વાંચવાની તથા તેનો સાંગિતીક અવતાર સાંભળવાની તાલાવેલી થાય છે. એ માટે ચિત્રકાર એસ.એમ.ફરીદ અને રજનીકુમારના સહયોગી બીરેન કોઠારી સહિત આખી ટીમ અભિનંદનને પાત્ર છે.

શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી સાહિત્યના અભ્યાસીઓ સુધીના સૌ કોઈ માટે આસ્વાદ્ય અને ઉપયોગી તથા સાહિત્ય સાથે સીધો સમ્બન્ધ ન હોય એવા લોકોને પણ રસ લેવા પ્રેરે એવુ પુસ્તક.

Saturday, July 10, 2010

ફુદડી વગરની સ્પષ્ટતા

વ્યાપારી નજરેઃ 'ઉપર લખી છે એવી પ્રામાણિકતા રાખીએ તો ઝેરોકસની દુકાનથી આગળ ન વધાય '
ગ્રાહકની નજરેઃ આ પાટિયાની અને ખાસ તો એમાં રહેલી સ્પષ્ટતાની ઝેરોક્સ નીકળી શકે તો કાઢીને બધા ધંધાદારીઓને વહેંચી દેવી જોઇએ.

Wednesday, July 07, 2010

દિવ્ય ગોઠવણ



પત્રકારત્વના ધર્મની વાત હવે જૂની થઇ. હવે જમાનો ધર્મ અને પત્રકારત્વના સંયોજન (કે ભેળસેળ?)નો છે. સૌથી ઉપરના ફોટામાં દેખાતા કૌશલેન્દ્રપ્રસાદભાઇએ કે તેમના વહીવટદારોએ મહારાજના અને મંદિરના નામની નીચે ભાસ્કરનું નામ મૂકવા માટે કેવા પ્રકારની સમજૂતી (કે સોદો) કર્યો હશે, એ જાણવામાં રસ ખરો.
કોઇ પ.ભ. (પરમભક્ત) જણાવશે તો આનંદ થશે.

Tuesday, July 06, 2010

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ ચોવડી સદી

(L to R : Dilip Joshi, Tarak Maheta, Asit Modi)


તારકભાઇને સફળતા સાથે જબરું લેણું છે.
આવું લખતી વખતે તારકભાઇની પ્રતિભા કે પ્રકૃતિની અઢળક ખૂબીઓને જરાય ઓછી આંકવાનો સવાલ નથી. સફળતા-પ્રસિદ્ધિ પચાવવા માટે તે કઇ 'હાજમોલા' લેતા હશે એ તો તારકભાઇ કે ઇન્દુકાકી જ જાણે. પણ આ બધા ખૂબીઓ સહિત- અથવા એ બધાના યથાયોગ્ય ફાળાથી તારકભાઇને જે સફળતા મળી છે તેની કલ્પના પણ બહુ ઓછા ગુજરાતી લેખકો કરી શકે છે. ચિત્રલેખામાં લગભગ ચાર દાયકા સુધી 'દુનિયાને ઉંધા ચશ્મા'ની દંતકથા જેવી સફળતા પછી કોઇ કસર બાકી ન રહી હોય.

છતાં તેનાં પાત્રોને કેન્દ્રમાં રાખીને તારકભાઇના પ્રેમી-નિર્માતા આસિતભાઇ મોદીએ બનાવેલી સિરીયલ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ની પ્રચંડ સફળતાથી જાણે 'દુનિયાના ઉંધા ચશ્મા'ની સફળતા પર સુવર્ણકળશ ચડ્યો છે. ('કેક પર આઇસીંગ'ની ઉપમા બહુ નાની પડે.) મિત્ર શિશિર રામાવત આ સિરીયલ વિશે એક પુસ્તક પણ લખી રહ્યો છે. (અગાઉ શિશિરે 'મેકિંગ ઓફ લગાન'નું સરસ ગુજરાતી કર્યું હતું. 'અભિયાન'માં પ્રગટ થયેલી તેની હપ્તાવાર નવલકથા 'વિક્રાંત'નાં ઇન્દુકાકી નિયમિત વાંચક-ચાહક હતાં એટલી પૂરક માહિતી.)

આજે સિરીયલનો 400મો હપ્તો પ્રસારિત થવાનો હતો. એની ઉજવણી માટે આસિતભાઇ મોદી નિર્દેશક-લેખક-કલાકારો સહિત 22 જણના કાફલા સાથે અમદાવાદ આવ્યા હતા અને રાજપથ ક્લબમાં તારકભાઇ-ઇન્દુકાકીની હાજરીમાં ઉજવણી રાખી હતી. પત્રકાર પરિષદ અને 400 હપ્તાનું લખાણ ધરાવતી કેક કાપ્યા પછી તારકભાઇ એક આરામદાયક વ્હીલચેર પર બેસીને તેમની રાબેતા મુજબની સ્થિતપ્રજ્ઞતાથી આખા સમારંભના સાક્ષી બન્યા.
(Photo: Binit Modi/Purav Patel)

વાચન, ગુજરાત અને ગેરમાન્યતાઓ

કેટલાંક વિધાનો ‘સનાતન સત્ય’ ટાઇપ હોય છેઃ દિવસમાં બે વાર જમ્યા પછી તેમનું રટણ તે માનસિક તંદુરસ્તી માટે લાભદાયી નીવડી શકે છે. જેમ કે, કસરત કરવી જોઇએ, પ્રામાણિક રહેવું જોઇએ, ખોટું કરતાં ડરવું જોઇએ, સારૂં વાચન કરવું જોઇએ...

આ બઘું કોણે કરવું જોઇએ તેનો જવાબ સ્પષ્ટ છેઃ બીજાએ કરવું જોઇએ. અને કેવી રીતે કરવું જોઇએ? ઉપદેશ આપનાર તેમાં કેટલી મદદ કરી શકે, એવી બાબતોની સ્પષ્ટતા ભાગ્યે જ કરવામાં આવે છે. કેમ કે ઉપદેશકને શાસ્ત્રવચનના ઉચ્ચારણથી મળતા પુણ્ય સાથે મતલબ હોય છે.

ગુજરાત સરકારે અનેક સરકારી અભિયાનોની જેમ ‘વાંચે ગુજરાત’ નામે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના મુખ્ય મંત્રી વાચનપ્રવૃત્તિનો પ્રચાર-પ્રસાર કરે તે બેશક આવકારદાયક છે. પુસ્તકનો મહિમા લોકોને સાહિત્યના રસ્તે સમજાવાને બદલે સિંહાસનના રસ્તે સમજાય તો એમ સહી.

‘વાંચે ગુજરાત’ આઇડિયા તરીકે આવકારદાયક છે. છતાં, સરકારપ્રેરિત કાર્યક્રમ હોવાને કારણે વાસ્તવની દુનિયામાં તેનું અમલીકરણ બહુ જુદી બાબત છે. ગમે તેટલી મૌલિકતા કે સારી દાનત સાથે મુકાયેલા અને આઇડિયા માટે વખણાયેલા સરકારી કાર્યક્રમો બાબુશાહીમાં અટવાઇને ખોવાઇ ગયાના અનેક કિસ્સા ભૂતકાળમાં નોંધાયા હોવાથી, એ બાબતે સાવચેતીનું વલણ રાખવાનું મન થાય. સાવચેતી રાખવાનાં બીજાં પણ ઘણાં કારણ છે, જેમાં સ્થાપિત હિતો અને કક્ષાનો અભાવ મુખ્ય કહી શકાય.

‘વાંચે ગુજરાત’ ઝુંબેશ સાથે નહીં, પણ સમગ્ર વાચનપ્રક્રિયા સાથે અને તેના પ્રચારપ્રસાર સાથે ઘણી ગેરમાન્યતાઓ સંકળાયેલી છે, જે વાચનપ્રવૃત્તિની દેખીતી સાત્ત્વિકતા તળે ઢંકાઇ જાય છે. જેમ કે,

ગેરમાન્યતા ૧: વાંચવું એટલે ભણવું
મોટા ભાગનાં લોકો માને છે કે વાંચવું તો ભણતાં બાળકોનું કામ છે. શાળાઓ અભ્યાસક્રમ ઉપરાંતના વાચનનું એક સમયે બહોળું ચલણ હતું. એ માટે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હતા. અત્યારે ત્રીસી વટાવી ચૂકેલા ઘણા લોકોને યાદ આવશે કે આગળ જતાં તેમનું ઇતર વાચન બંધ થઇ ગયું હોય તો પણ શાળામાં તેમણે ભણવા સિવાયનું કંઇક તો વાંચ્યું જ હશે. અને થોડોઘણો રસ ધરાવતા લોકોના મોઢેથી જરૂર સાંભળવા મળશે કે ‘સરસ્વતીચંદ્ર?/કનૈયાલાલ મુન્શી?/પન્નાલાલ પટેલ? એ તો હું આઠમા ધોરણમાં હતો ત્યારે વાંચી ગયેલો.’

ભણવાનો અને પરીક્ષાલક્ષી ભણતરનો મહિમા તથા ભણતરનું વ્યાવસાયીકરણ વધતું ગયું, તેમ ઇતર વાચનનો મહિમા સંકોચાઇને નહીંવત્ બની ગયો છે. નર્સરીના તબક્કેથી ટ્યુશને જતાં બાળકો હોમવર્ક અને એસાઇન્મેન્ટમાંથી ઊંચાં આવે ત્યારે કાર્ટૂન અને વિડીયોગેમ્સ રાહ જોઇને જ બેઠાં હોય છે. તેમાં વાંચવાનો નંબર ક્યાં લાગે?

અભ્યાસક્રમમાં અથવા સ્કૂલની ફરજિયાત પ્રવૃત્તિઓમાં ઇતર વાચનનો સમાવેશ કરવામાં આવે અને પરીક્ષા લીધા સિવાય બીજી કોઇ રીતે વિદ્યાર્થીના ઇતર વાચનનું મૂલ્યાંકન કરી શકાય. એમ કરવાથી વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે કે ન પડે, પણ ઇતર વાચન જેવી કોઇ પ્રવૃત્તિ આ જગતમાં છે એનો ખ્યાલ તો આવશે!

ગેરમાન્યતા ૨: વાચન એટલે છાપાં-મેગેઝીન
‘મને વાંચવાનો બહુ શોખ!’ એવું કોઇના મોઢેથી સાંભળીને સૌથી પહેલાં ફાળ પડે છે. કારણ કે તેના ઉત્તરાર્ધમાં મોટે ભાગે છાપાં-સામયિકોનાં નામ સાંભળવા મળે છે અને તેમાં પણ કોઇ ધોરણ હોતું નથી. છાપું વાંચવામાં અને પુસ્તક વાંચવામાં ચવાણું ફાકવા જેવો અને ભરપેટ જમવા જેવો તફાવત છે, પણ જો પુસ્તક સારૂં હોય તો!

ગેરમાન્યતા ૩: વાચન એટલે વાચન, એ ગુણકારી જ હોય
આગળની બે ગેરમાન્યતાઓથી બચી શક્યા હોય એવા ઘણા લોકો આ ગેરમાન્યતાના પ્રભાવમાંથી બચી શકતા નથી. ફક્ત વાંચનારા જ નહીં, વાચનપ્રસારની પ્રવૃત્તિ કરનારામાંથી કેટલાક લોકો પણ આ ગેરમાન્યતાનો જાણેઅજાણ્યે ભોગ બનીને હોંશભેર પોતાની પ્રવૃત્તિ કરતા રહે છે.

વાચનમાત્રને અહોભાવથી જોનારા લોકો માની બેસે છે કે ‘પુસ્તકો એટલે જ્ઞાનનો, ડહાપણનો અને ચિંતનનો ભંડાર. પુસ્તકો એટલે જીવન જીવવાની ચાવીઓનો ઝૂડો. પુસ્તકો એટલે જગતને સમજવાની ગાઇડ. પુસ્તકો એટલે માનવીય સંવેદનાઓ અને મનના ભેદનો તાગ આપતો ખજાનો, પુસ્તકો એટલે બુદ્ધિ અને સંવેદનાની ધાર કાઢવાનો પથ્થર...’

પુસ્તકનો પ્રશંસામાં બીજાં ઘણાં શબ્દઝૂમખાં લખી શકાય અને એ બધાં સાચાં ગણાય. છતાં એટલું યાદ રાખવું જરૂરી છે કે આ બધાં વિશેષણોને લાયક પુસ્તકોની સંખ્યા દરેક કાળે બહુ ઓછી હોય છે. છેક વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ગુજરાતમાં પુસ્તક પ્રગટ કરવું કઠણ ગણાતું હતું. એ વખતે પણ સારાં પુસ્તકોનું પ્રમાણ ઓછું હોવા
છતાં, પુસ્તકના પ્રાગટ્ય વખતે ગુણવત્તા જેવી બાબતો ઘ્યાન પર લેવાતી હતી.

કમ્પ્યુટરયુગમાં પુસ્તક પ્રકાશિત કરવાનું કામ એટલું સરળતાથી અને પ્રમાણમાં મર્યાદિત ખર્ચમાં આટોપાઇ જાય છે કે કોઇ પણ જાતની ગુણવત્તા- ચકાસણી વિના ધડાધડ, અઢળક સંખ્યામાં પુસ્તકો છપાઇને બહાર પડે છે. વ્યાવસાયિક પ્રકાશકોને રૂપિયા આપીને કે અંગત ધોરણે રૂપિયા ખર્ચીને છપાતાં પુસ્તકોનો લીલો દુકાળ થયો છે. તેમાંથી વાંચવાલાયક પુસ્તકોનું પ્રમાણ જૂજ હોય છે. બાકીનાં બધાં પસ્તીને લાયક હોય છે.

કચરો પુસ્તકોના ઢગલામાંથી સારી વાચનસામગ્રી જુદી તારવવામાં આવે અને તેનો પ્રચારપ્રસાર કરવામાં આવે, તો એ ગુણકારી બની શકે. પરંતુ વાચકોના કમનસીબે એવું બનતું નથી. પરિણામે કાચું-અધકચરૂં-નબળું-રાજકીય હેતુથી પ્રેરિત- ગલગલિયાં કરાવતું અને એવું ઘણું ‘વાચન’ના નામે નભી જાય છે. આ જાતનું વાચન વાચકની અને સમાજની સેવા કરે એવો સંભવ ઓછો હોય છે અને કુસેવા કરે એવું જોખમ વધારે રહે છે. સરકારી અભિયાનમાં વાચનનો આક્રમક પ્રસાર થાય, પણ વાચનની ગુણવત્તા પર કોઇ અંકુશ ન હોય ત્યારે આ જોખમ અનેક ગણું વધી જાય છે.

ગેરમાન્યતા ૪: વાચન જીવન બદલી નાખે છે
પુસ્તકમહિમાની વાતમાં જે નિયમ લાગુ પાડ્યો હતો, એ જ પુસ્તકની વ્યક્તિ પર અસર માટે પણ ખપમાં લેવો પડેઃ પુસ્તક જીવન બદલી શકે છે, પણ તેનો આધાર વાચકની રૂચિ, સજ્જતા, મનોસ્થિતિ, ઊંમર, ગ્રહણશક્તિ, મૂળભૂત ઝોક, બૌદ્ધિક ક્ષમતા જેવી જન્મજાત અથવા કેળવાયેલી બાબતો પર હોય છે. એટલે જ, વાચકો અનેક હોય છે, પણ મર્મજ્ઞ વાચકો બહુ ઓછા હોય છે. એવા વાચકો અને લેખકો વચ્ચે સમજણનો તફાવત નહીંવત્ હોય છે.

પુસ્તકો- ખાસ કરીને નવલકથાઓનાં પાત્રો- પરથી સંતાનોનાં નામ પાડવાં એક બાબત છે અને પુસ્તકોમાંથી ગ્રહણ કરેલાં મૂલ્યો પોતાની વિચારસરણી કે જીવનપદ્ધતિમાં ઘોળવાં એ જુદી વાત છે. ઘણાં ગળચટ્ટાં લખાણો વાંચતી વખતે ‘ફીલગુડ’ અનુભવ કરાવે છે, પરંતુ તેમની અસર લાંબું ટકતી નથી. સામા છેડે એવું પણ બને કે કોઇ પુસ્તક પહેલી વાર એટલું ચોટદાર ન લાગે, પણ દરેક વાચન સાથે અને વાચકની વધતી સમજણ સાથે તેનો રંગ ચડતો જાય.

પુસ્તકો પાસે એવી કોઇ જાદુઇ છડી નથી કે વાંચવા માત્રથી કોઇનું જીવન બદલાઇ જાય. પુસ્તકનો સૌથી મોટો અને સંભવિત ફાયદો વાચકને વિચારતો કરી મૂકવાનો હોય છે. કેટલાંક સારાં પુસ્તકો સંવેદના ઝકઝોરી શકે છે અથવા વિચારપ્રક્રિયા શરૂ કરે છે, તો અમુક પુસ્તકો વિચારપ્રક્રિયાને પુષ્ટ કરવાનું અને તેનો વ્યાપ સતત વધારવાનું કામ કરે છે. આ વિચારપ્રક્રિયાના પ્રતાપે જ કયું પુસ્તક સારૂં કહેવાય ને કયું કચરો, એનો ખ્યાલ આવતો જાય છે. પરંતુ મિત્રો બનાવવા કે સંપત્તિવાન બનવા જેવાં ‘ગાઇડ’ પ્રકારનાં, દાવાબાજ પુસ્તકોથી ભાગ્યે જ કોઇનું જીવન બદલાય છે. હા, એ પુસ્તકના લખનારની વાત જુદી છે.

શું થઇ શકે?
‘વાંચે ગુજરાત’ જેવો કાર્યક્રમ શરૂ કરનાર સરકાર પાસેથી વાચન સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત બાબતોમાં ઘ્યાન અને પ્રદાનની અપેક્ષા રહે છે. તેમાં સૌથી પહેલો મુદ્દો પુસ્તકાલયોની સમૃદ્ધિનો છે. ગુજરાતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં પુસ્તકાલયનું મહત્ત્વ ઘટીને સાવ શોભા પૂરતું રહી ગયું છે. પ્રકાશકોને ત્યાં ન વેચાતાં હોય એવાં નકામાં પુસ્તકોથી સંસ્થાઓનાં પુસ્તકાલયો ઉભરાય છે. બીજી તરફ, શિક્ષણના વ્યાપારીકરણને લીધે પુસ્તકાલયો માટેની જગ્યા ફાળવવાનું સંચાલકોને ગમતું નથી. ઉલટું, જૂની શૈક્ષણિક સંસ્થાઓમાં વિશાળ પુસ્તકાલયોને ‘રીનોવેટ’ કરવાના નામે તેમની પાસેથી જગ્યા છીનવી લેવાય છે અને તેમાં રહેલી સામગ્રીનો નિષ્ઠુરતાપૂર્વક નિકાલ કરી દેવામાં આવે છે.

ફક્ત શૈક્ષણિક સંસ્થાઓનાં જ નહીં, જાહેર પુસ્તકાલયો પણ લોકોને વાચન તરફ પ્રેરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. તેના માટે પુસ્તકાલયમાં પુસ્તકની પસંદગીથી માંડીને લાયબ્રેરીયનના જમાદારી વગરના અભિગમ જેવાં અનેક પરિબળો પર ઘ્યાન આપવું પડે.

પુસ્તકની ગુણવત્તાનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે. ગુજરાતી ભાષામાં માત્ર પુસ્તકોની (તટસ્થ) સમીક્ષા કરતું એક પણ સામયિક નથી કે એ માટેની બીજી કોઇ વ્યવસ્થા નથી. સાહિત્યિક કે અન્ય સામયિકોમાં થતી સમીક્ષાઓમાં વિશ્વનિયતાના ગંભીર પ્રશ્નો હોય છે. એટલે ‘રીવ્યુ વાંચીને ફિલ્મ જોવા ન જવાય’ એ જ્ઞાનની જેમ ‘રીવ્યુ વાંચીને પુસ્તક ન ખરીદાય’ એ જ્ઞાન પણ વાચકોને ઝડપથી થાય છે, જે સરવાળે નિરાશા અને વાચન પ્રત્યેની ઉદાસીનતામાં પરિણમે છે.

પુસ્તકસમીક્ષાનું સામયિક કાઢવું કે એ માટેની વ્યવસ્થા ઉભી કરવી એ સરકારની ફરજમાં આવતું કામ નથી. ગુજરાતમાં થોડા નિષ્ઠાવંત સમીક્ષકો શોધવાનું કે આર્થિક સમૃદ્ધિ માટે જાણીતા પ્રાંતમાં આ પ્રકારના સામયિક માટેનું ભંડોળ એકઠું કરવાનું અશક્ય છે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાનું ગૌરવ ધરાવતા સૌ કોઇએ પોતાની જાત પાસેથી માગવો રહ્યો.

પુસ્તકવાચનની પ્રવૃત્તિ અમુક અંશે ખેતી જેવી છે. તેને સાર્થક બનાવવા માટે હેલિકોપ્ટરમાંથી બી વેરી દેવાનું પૂરતું નથી. સરકારી યોજના હેલિકોપ્ટરમાંથી બી વેરી શકે છે. એટલા પૂરતી તે આવકારદાયક ગણાય, પણ ત્યાર પછીની સફળતા માટે ફક્ત સરકાર જશ લઇ શકે નહીં અને નિષ્ફળતા માટે ફક્ત સરકારને દોષ આપી શકાય નહીં.