Thursday, June 18, 2009

ધોળાવીરામાંથી મળવાજોગ કેટલીક જાહેરખબરો

સદીઓ જૂની સિંઘુ સંસ્કૃતિના અવશેષ ધરાવતા નગર ધોળાવીરા વિશે એક પુસ્તકના વિમોચનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું કે પહેલું સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળ્યું છે.

એક-બે સહસ્ત્રાબ્દિ/મિલેનિયમ પહેલાંના ગુજરાતમાં જાહેર ખબરનાં સાઇનબોર્ડનો આવો મહિમા હોય, તો વર્તમાન ગુજરાત સરકારના સાઇનબોર્ડ-પ્રેમને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન ગણવો જોઇએ.

ધોળાવીરામાંથી મળી આવેલું સાઇનબોર્ડ સરકારી હતું કે ખાનગી, એ સમયના રાજાનું હતું કે રાજાના માનીતા ઉદ્યોગપતિઓમાંથી કોઇનું, તેમાં બીજી વિકસિત સંસ્કૃતિના લોકોએ સિંઘુ સંસ્કૃતિના લોકો સાથે કરેલા અમુક લાખ કરોડના એમઓયુ વિશે હરખ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અનાર્ય પ્રાંતમાં શરૂ થનારું ગાડાં બનાવવાનું કામકાજ ધોળાવીરામાં લઇ આવવા બદલ રાજાએ વેપારી સંસ્થાઓ દ્વારા પોતાનું જાહેર અભિવાદન કરાવ્યું હતું- આ બધા વિશે વધારે સંશોધનને અવકાશ છે.

ધોળાવીરામાંથી પ્રાચીન કાળનાં કેટલાંક વઘુ સાઇનબોર્ડ મળી આવે, તો તેની પર કેવા પ્રકારની જાહેર ખબરો મળવાની સંભાવના રહે છે? કેટલાક નમૂનાઃ

શીખાબંધન કોચિંગ ક્લાસ

ભૂમિતિ નથી આવડતી? અંકશાસ્ત્રથીં અજ્ઞ છો? ખગોળમાં ખોવાયા છો? તો અત્ર લુપ્તાઃ સરસ્વતી! તમારી સરસ્વતીની શોધ અહીં લુપ્ત થાય છે.

(ક્લાસના નામ પ્રમાણે) અમે વિદ્યાર્થીઓ પાસે ચોટલી બાંધીને મહેનત કરાવીએ છીએ. અમારે ત્યાં આવનારા વિદ્યાર્થીઓ વસ્તુની કિંમત કરતાં વધારે નાણાં ખર્ચવાનું, ખર્ચેલાં નાણાંનું વળતર મળ્યું કે નહીં તેની ચિંતા ન કરવાનું, પોતાના જ ખર્ચે જલસા કરીને તેનો જશ બીજાને આપવાનું અને મહેનત કરવાને બદલે નાણાં ખર્ચીના કામ કઢાવી લેવાનું શીખી જાય છે. એટલે, ગમે તેટલા ટકા આવે, પણ અમારા વિદ્યાર્થીઓ જીવનમાં ક્યાંય પાછળ પડતા નથી.

‘અખિલ ધોળાવીરા શિક્ષણ કસોટી’ -એટલે કે ધોળાવીરા બોર્ડ-માં અમારા એક પણ વિદ્યાર્થીઓનો ૧થી ૧૦માં નબર આવતો નથી. એનું અમને ગૌરવ છે. કારણ કે ધોળાવીરાના બજારમાં ધીરધારથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સુધીના ધંધામાં મોટા ભાગના અમારા વિદ્યાર્થી છે. ધોળાવીરા બોર્ડમાં નંબર લાવનારા એમને ત્યાં નોકરી કરે છે.

અમારે ત્યાંથી નીકળેલા વિદ્યાર્થીઓ નોકરી જેવાં નીચાં લક્ષ્ય રાખતા નથી. અમે તેમને સ્વનિર્ભર બનાવીએ છીએ. એ લોકો અમારે ત્યાંથી નીકળીને સ્વનિર્ભર શિક્ષણસંસ્થાઓ શરૂ કરે છે. ધોળાવીરા બોર્ડમાં બે-ત્રણ પ્રયાસે પાસ થયેલા અમારા કેટલાક તેજસ્વી તારલા ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની વેતરણમાં છે.

અમારા જીવનલક્ષી ભણતરનો લાભ લેવા આજે જ પધારો અને તમારા ગર્ભસ્થ શિશુનું નામ નોંધાવી જાવ. કારણ કે આગામી ૯ વર્ષ સુધીનાં એડમિશન ફુલ છે!

વઘુ અભ્યાસ માટે વિદેશ જવાની તકઃ લક્ષ્મી-સરસ્વતી વિદેશાભ્યાસ કેન્દ્ર

ભણવામાં ઠોઠ સંતાનનાં સમૃદ્ધ માતાપિતાઓ! ઉઠો, જાગો અને તમારૂં સંતાન ડીગ્રી ન મેળવે ત્યાં લગી જંપશો નહીં. આ પુણ્યકાર્યમાં અમે તમને મદદરૂપ થઇશું.

તમારા સંતાનને કંઇ ન આવડતું હોય તો પણ નાસીપાસ થશો નહીં. તમારી પાસે ઘરના વાડામાં નાણાં ભરેલાં માટલાં છે કે નહીં? નાણાંથી ભરેલાં પાંચ માટલાં લઇને અમારી સંસ્થામાં આવો અને યુફ્રેટિસ- તૈગ્રીસ નદીના કિનારે ચાલતી ગમે તે (ગમે તેવી) યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવો. અમારા ક્લાસ દ્વારા પરદેશની યુનિવર્સિટીમાં એડમિશન મેળવનારને પ્રવાસ કરતી વખતે ખભે લટકાવવાની ચામડાની મશક/વોટરબેગ સાવ ફ્રી!

નાણાંનાં પંદર માટલાં લાવનારને યુનિવર્સિટી પહોંચવાના રસ્તામાં લેવી પડતી તમામ પરવાનગીઓ અહીં બેઠાં મેળવી આપવામાં આવશે અને ૩૧ માટલાં ભરીને નાણાં લાવનારને ધોળાવીરામાં બેઠાંબેઠાં તેમના નામની પરદેશી ઉપાધિ/ડીગ્રી ધરાવતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

ખેતસહાયક યોજના

આપની સેવા માટે -અને પોતાની પ્રસિદ્ધિ માટે- સદૈવ તત્પર સિંઘુ સરકારે બેરોજગાર યુવાનો માટે કૃષિસહાયક યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત ખેતરમાં માણસો દ્વારા થતું કામ મેળવવામાં નિષ્ફળ ગયેલા બેરોજગાર કે જમીનવંચિત યુવાનોને ખેતરમાં ‘ખેતસહાયક’ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

ખેતસહાયક યોજના અંતર્ગત નિયુક્ત થયેલા ઉમેદવારોએ સરકારી માલિકીનાં ખેતરમાં બે ટંક ભોજન અને વર્ષે પાંચ મણ દાણાના વેતનમાં દસ વર્ષ સુધી ખેતસહાયક તરીકે સેવા આપવાની રહેશે.

‘ખેતસહાયક’ને ખરેખર શું કરવાનું રહેશે? એ સામાન્ય રીતે ફરજ પર હાજર થયા પછી જ જણાવાતું હોય છે. પણ ખેતસહાયકો ઝાઝું ટકતા ન હોવાને કારણે કામગીરીનો પ્રકાર પહેલેથી જાહેર કરવાની ફરજ પડી છેઃ પશુધનમાં ફેલાયેલા રોગચાળાને કારણે આખા પ્રદેશમાં ખેતી માટે ઉપયોગમાં આવતા બળદોની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એ ખોટ સરભર કરવા માટે બેરોજગાર યુવાનોની ભરતી કરવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. હળ ચલાવવાનું કામ ધારીને આવતા ખેતસહાયકોને જ્યારે બળદની જગ્યાએ હળે જોતરાવાનું આવે ત્યારે તેમનો જુસ્સો મરી પરવારે છે. પરંતુ આપણા પ્રતાપી પૂર્વજોએ કહ્યું છે કે કોઇ પણ પ્રકારના શ્રમથી હારવું કે શરમાવું નહી.

ખેતસહાયક યોજના વિશે વઘુ જાણકારી માટે સંપર્ક સાધોઃ ધોળાવીરા (બે)રોજગાર કચેરી. મઘ્ય ગુજરાતમાં રહેતા ઉમેદવારોએ અમારા લોથલના કાર્યાલયનો સંપર્ક કરવો.

ધોળાવીરા-લોથલ દ્રુતગતિશકટમાર્ગ પરિયોજના

આપણી સંસ્કૃતિનાં બે કેન્દ્રો ધોળાવીરા અને લોથલ વચ્ચે યાતાયાત વ્યવહાર/ટ્રાફિકમાં અનેક ગણી વૃદ્ધિ થઇ છે. વર્ષ દરમિયાન ઉજવાતા ‘સપ્તસિંઘુ સ્વર્ણધારા’, ‘ધબકતું ધોળાવીરા’ જેવા સરકારી ઉત્સવો દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ માર્ગો પર અવરજવર કરે છે. મોટા ભાગનો વ્યવહાર પાલખી અને શકટ (ગાડું) પર નિર્ભર છે. પરંતુ બન્ને નગરો વચ્ચેના રસ્તા અગવડદાયક હોવાથી પાલખી ઊંચકવા માટે ‘પાલખીસહાયક’ પૂરતી માત્રામાં મળતા નથી અને ‘ખેતસહાયકો’ ખેતરમાં ભલે હળે જોતરાતા હોય, પણ ગાડામાં બળદની જગ્યાએ જોડાવા રાજી થતા નથી.

આ સમસ્યાઓનો અંત આણવા સરકારે ધોળાવીરા-લોથલ વચ્ચે એક સાથે ચાર ગાડાં ને ચાર પાલખી પસાર થઇ શકે એવો/ફોર લેન દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ હાઇવે) બનાવવાની પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. રસ ધરાવતી પાર્ટીઓએ આગામી પૂનમ સુધીમાં પોતપોતાનાં ટેન્ડર જમા કરાવી દેવાં.

ભૂતકાળમાં આ પ્રકારના દ્રુતગતિમાર્ગની પરિયોજના હાથ ધરાઇ હતી, પણ રસ્તો સૂચવતાં પાટિયાં સાથે કોનું ચિત્ર મૂકવું- ધોળાવીરાના પ્રશાસકનું કે લોથલના પ્રશાસકનું- એ મુદ્દે વિવાદ સર્જાતાં અશાંતિ ટાળવાના ભયે આખી યોજના મોકૂફ રાખવામાં આવી હતી. હવે એ ગૂંચ ઉકલી ગઇ છે. બન્નેમાંથી જે પ્રશાસકના શ્રેષ્ઠી આખી યોજનાનો ખર્ચ ઉપાડી લે, તે પ્રશાસકનું ચિત્ર દ્રુતગતિ માર્ગ સૂચવતાં પાટિયાં સાથે મૂકવામાં આવશે. શરત એટલી કે શ્રેષ્ઠીઓએ સમજૂતીકરાર/એમઓયુ નહીં, ખરેખર બંધનકર્તા નીવડે એવા કરાર કરવાના રહેશે.

3 comments:

  1. adbhut!!!!

    bau maza avi!!!

    ReplyDelete
  2. thek thekane dekhata advertisement na boards par sachot vyang!

    ReplyDelete
  3. એક લુપ્ત થયેલી સંસ્કૃતિના બેકગ્રાઉન્ડમાં ઉઠા ભણાવવામાં એક્સપર્ટ એવી આ અત્યાધુનિક સંસ્કૃતિની એક પછી એક એક્સપર્ટાઈઝને તમે એવી રીતે રજુ કરી છેકે વાંચતીવેળા રૂદન અને હાસ્ય સાથે ચાલે છે. બાવરૂ મન ધોળાવિરાની સંસ્કૃતિમાં આંટો મારવા અધીરુ થયું અને સાથે વર્તમાન સંસ્કૃતિના નામે બે બે કટકા ગાળો મનમાં ઉઠી. અહો વૈચિત્રયમ્

    ReplyDelete