Tuesday, June 16, 2009

સિલિકોન વેલીના ભારતીય ગુરૂઃ રાજીવ મોટવાણી

ઇન્ટરનેટની ક્રાંતિના ડુંગરે ડુંગરે જેમના ‘ડાયરા’ છે, એવા આદર્શ ગુરૂ પરંપરાના અઘ્યાપક, વૈજ્ઞાનિક, સંશોધક અને ‘ગૂગલ’ જેવાં અનેક સાહસોના મિત્ર-મદદગાર માર્ગદર્શક, ગુજરાતના જમાઇ રાજીવ મોટવાણી ૪૭ વર્ષની ઊંમરે અકાળે અવસાન પામ્યા, પણ ટૂંકા આયુષ્યમાં તેમણે કરેલું પ્રદાન અમૂલ્ય છે

‘ગુરૂ બ્રહ્મા, ગુરૂર્વિષ્ણુ...’ની પરંપરાનું ગૌરવ લેતા આપણા શિક્ષકો-અઘ્યાપકોને ભણાવવા કરતાં ચેલા મૂંડવાની બહુ હોંશ હોય છે. વિદ્યાર્થી તેમની પાસે ભણતો હોય ત્યારે તેનામાં રસ લેનારા ગુરૂઓ કરતાં ‘ફલાણો? એ તો મારો વિદ્યાર્થી! ઢીકણો? એ તો આપણો ચેલો!’ એવો ખોટેખોટો જશ ખાટવા ઉત્સુક ‘ગળેપડુ ગુરૂઓ’ મોટી સંખ્યામાં જોવા મળે છે.

વિદ્યાર્થીઓ પાસેથી અહોભાવ ઉઘરાવવો ન પડે અને વિદ્યાર્થીઓ પ્રેમાદરથી નમતા આવે, એવી પાત્રતા ગુરૂએ કેળવવાની હોય. એ બાબતમાં ભારતના જૂની પેઢીના ગુરૂઓની યાદ અપાવે એવું એક વ્યક્તિત્વ એટલે રાજીવ મોટવાણી. તેમની કર્મભૂમિ અમેરિકા, સાસરૂં અમદાવાદ, પણ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ શીખવતા રાજીવ સિલિકોન વેલીમાં માત્ર કમ્પ્યુટરના ખેરખાં તરીકે નહીં, સદા ખુલ્લા દરવાજા ધરાવનાર ગુરૂ-મિત્ર-માર્ગદર્શક-મદદગાર તરીકે વધારે જાણીતા બન્યા.


એટલે જ, ૫ જૂન, ૨૦૦૯ના રોજ ફક્ત ૪૭ વર્ષની ઊંમરે રાજીવ મોટવાણીનું આકસ્મિક અવસાન થયું, ત્યારે આદરાંજલિઓનો ખડકલો થયો. (એ જુદી વાત છે કે ઇન્ટરનેટના યુગમાં રાજીવના મૃત્યુના સમાચાર ભારતમાં પહેલી વાર છેક ૮ જૂનના અખબારમાં પ્રસિદ્ધ થયા.) અનેક નવાં સાહસોને પ્રેરણા, પ્રોત્સાહન અને મદદ આપનાર રાજીવ વિશે ગૂગલના સહસ્થાપક સર્જે બ્રીને સૌથી યાદગાર અંજલિ આપતાં કહ્યું,‘કમ્પ્યુટરમાં તમે જે ટેકનોલોજી વાપરતા હશો તેમાં ક્યાંકને ક્યાંક રાજીવ મોટવાણી સંકળાયેલા હોવાની પૂરી શક્યતા ખરી!’

ભારતીય પરંપરા પ્રમાણે, વ્યક્તિની કદર અને તેની મહાનતા મોટા ભાગના લોકોના મનમાં તેના મૃત્યુ પછી જ ઉગે છે. ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ એ કહેવત સામાન્ય માણસ જેટલી જ મહાનુભાવોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ, ગુજરાતમાં-ભારતમાં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સથી માંડીને ઓબામાની ટીમમાં સમાવાતા ભારતીયોનાં જેટલાં ગૌરવગાન ગવાય છે, તેનાથી સોમા ભાગની વાત પણ રાજીવ મોટવાણી વિશે ન થઇ- જીવતેજીવ પણ નહીં ને મૃત્યુ પછી પણ નહીં!

ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.)ના અડધા સાચા, અડધા આભાસી દબદબા પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.)નો સૂરજ મઘ્યાહ્ને તપતો હતો. અમેરિકામાં રહીને આખા વિશ્વને કમ્પ્યુટર ક્રાંતિ ભણી દોરી જનાર સિલિકોન વેલીના સંશોધનવીરોમાં આઇ.આઇ.ટી.નાં ભેજાંનું પ્રદાન નોંધપાત્ર અને સૌથી જાણીતું રહ્યું. સિલિકોન વેલી માટે ‘ભારત એટલે આઇ.આઇ.ટી.’ એવું સમીકરણ રચાઇ ગયું. રાજીવ મોટવાણી એ સમીકરણને દૃઢ કરનારાં કેટલાંક નામ પૈકી એક હતા.

જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા રાજીવને બાળપણથી ગણિતમાં ઉંડો રસ હતો. તે ગણિતશાસ્ત્રી બનવા માગતા હતા, પણ તેમના ફૌજી પિતા અને પરિવારજનોને ચિંતા હતી કે છોકરો ગણિતશાસ્ત્રી થશે તો તેનું ઘર કેમ કરીને ચાલશે? તેમના આગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી રાજીવે આઇ.આઇ.ટી. (કાનપુર)માં નવા શરૂ થયેલા કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. ગણિત છોડીને કમ્પ્યુટરના ક્ષેત્રમાં જવાનું રાજીવને વસમું લાગ્યું, પણ અભ્યાસ શરૂ થયો ત્યારે કમ્પ્યુટરમાં નકરૂં ગણિત જ ગણિત જોઇને તેમના આનંદનો પાર ન રહ્યો. કમ્પ્યુટર સાયન્સની થીયરીમાં સર્વોચ્ચ ગણાતું ‘ગોડેલ પ્રાઇઝ’ જીતનાર રાજીવ ૧૯૮૮માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી પીએચ.ડી. થયા. તે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા ત્યારથી છેવટ સુધી સ્ટેનફર્ડના સૌથી યુવાન અઘ્યાપકોમાં ગણના પામતા રહ્યા. સ્ટેનફર્ડે તેમને સંશોધન અને બીજી પ્રવૃત્તિઓ માટે મોકળું મેદાન આપ્યું. તેમના બે વિદ્યાર્થીએ સર્જે બ્રીન અને લેરી પેજ ૨૧ વર્ષની ઊંમરે, અભ્યાસની સાથે યુનિવર્સિટીનું સર્ચ એન્જિન પણ ચલાવતા હતા. તે વારેઘડીએ રાજીવ પાસે જઇને વઘુ ને વઘુ મોટી હાર્ડ ડિસ્કની માગણી કરતા.

ખુદ ડેટા માઇનિંગ/ માહિતીના‘ખાણકામ’ના નિષ્ણાત હોવા છતાં અને એ વખતે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એન્જિન હોવા છતાં રાજીવ કદી સર્જે અને લેરીને હતોત્સાહ કરતા નહીં. ઉપરથી નાણાંકીય મદદ પણ કરતા હતા. આગળ જતાં આ બન્ને જણે ‘ગૂગલ’ની સ્થાપના કરી અને જોતજોતાંમાં ‘ગૂગલ’ ફક્ત કમ્પ્યુટર જગતની જ નહીં, વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવતી થઇ. એ વખતે રાજીવ આખા ગામમાં ગાજતા ફરતા ન હતા કે ‘ગૂગલ? એ તો મારા ચેલાઓની કંપની છે!’

‘ગૂગલ’ના તે સત્તાવાર સલાહકાર પણ ન હતા. છતાં, લેરી અને સર્જે વખતોવખત ગુરૂ-કમ-મિત્ર રાજીવને મળતા હતા. સર્જે બ્રીને અંજલિમાં લખ્યું છે કે ‘જીવનના ગમે તેવા ચઢાવઉતારમાં રાજીવના દરવાજા અમારા માટે ખુલ્લા રહેતા.’ ‘ગૂગલ’ અબજો ડોલરની કંપની બનતાં, ગયા વર્ષે હ્યુબર્ટ ચેન્ગ નામના એક કમ્પ્યુટર વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે ‘હું પણ ગૂગલનો સહસ્થાપક છું.’ પોતાના દાવો વિશ્વસનીય લાગે એ માટે ચેન્ગે કહ્યું હતું,‘સ્ટેનફર્ડના પ્રોફેસર રાજીવ મોટવાણીએ મારી ઓળખાણ સર્જે અને લેરી સાથે કરાવી હતી.’ છેવટે, રાજીવે ચોખવટ કરી હતી કે ‘મને યાદ છે ત્યાં સુધી ગૂગલની સ્થાપનામાં પ્રદાનનો ચેન્ગનો દાવો પાયા વગરનો છે. ગૂગલનો ત્રીજો સ્થાપક હોત તો મને ખબર હોત જ.’

અનેક નવા સંશોધકો-વ્યવસાયસાહસિકોને મદદ કરનાર રાજીવ પોતે પ્રાચીન કાળના ગુરૂની જેમ છેવટ લગી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા રહ્યા. સિલિકોન વેલીમાં અબજોપતિ ઘણા છે ને ભેજાબાજોની પણ ખોટ નથી. છતાં રાજીવ મોટવાણીનું સ્થાન એ સૌમાં નોખું હતું. કારણ કે એ સાવ અજાણ્યા નવોદિતોને ખુલ્લાશથી મળતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરતા, તેમના સંશોધનોમાં જરૂરી સુધારાવધારા સૂચવતા અને આર્થિક રીતે મદદરૂપ પણ થતા. ભારતમાં આ સંસ્કૃતિ સાવ આથમી ગઇ હોય, ત્યારે ‘મૂડીવાદી’ અમેરિકામાં કોઇ અઘ્યાપક આ જીવનપદ્ધતિ અપનાવે તે સુખદ આશ્ચર્ય નથી? ‘ગૂગલ’ અને ‘પે-પાલ’ જેવી મસમોટી કંપનીઓના સ્થાપકો જેમને ગુરૂપદે ગણતા હતા અને બીજી અસંખ્ય કંપનીઓ શરૂ કરવામાં જેમણે મદદનો હાથ લંબાવ્યો હતો, એવા રાજીવ ધાર્યું હોત તો સુખેથી તુમાખીગ્રસ્ત અબજપતિની જિંદગી જીવી શક્યા હોત. સ્ટેનફર્ડમાં નોકરી કરવાની તેમને કશી જરૂર ન હતી. પણ તેમની અવિરત ભૂખ સંપત્તિ કે સફળતા માટે નહીં, જ્ઞાન માટે-નવા વિચારો વધાવવા માટેની હતી.

પોતાના બંગલાના સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવેલા રાજીવ મોટવાણીનો અંત તેમનાં ગુજરાતી પત્ની આશા જાડેજા, બે પુત્રીઓ નેત્રી-અન્યા સહિત ઘણાબધાને આંચકો આપી ગયો અને મોટા ભાગના ભારતીયોને, આવી હસ્તીને તેના જીવનકાળ દરમિયાન ન જાણવાનો વધારાનો આંચકો!

(photo courtsey : http://reflections-shivanand.blogspot.com/2007/08/rajiv-motwani.html )

3 comments:

  1. રાજીવ મોટવાણીને કોટિ કોતિ નમન. થેંક્યુ ઉર્વિશભાઈ.

    ReplyDelete
  2. બહુ સુંદર પરિચય. આભાર.

    ReplyDelete
  3. Thanks for giving some insight into Rajeev Motwani's life.

    ReplyDelete