Friday, June 12, 2009

પરોઢિયે સ્નાનસત્ર

અસલ ભારતીય પરંપરામાં બે ચીજો મહત્ત્વની હતીઃ સ્નાન અને જ્ઞાન. જૂના વખતમાં સ્નાન પોતે કરવાનો અને જ્ઞાન બીજાને આપવાનો મહિમા હતો. હવે વોલસ્ટ્રીટથી દલાલસ્ટ્રીટ અને ન્યૂયોર્કથી બેંગ્લોર સુધી સર્વત્ર પોતે જ્ઞાન લેવાનું અને બીજાને સ્નાન કરાવવાનું - સાદી ભાષામાં, નવડાવવાનું- ચલણ છે. ભારતવર્ષની ગૌરવપૂર્ણ પરંપરામાં ધન મેળવવા માટે જ્ઞાન અને જ્ઞાન મેળવતાં પહેલાં સ્નાન આવશ્યક ગણાતું હતું. સમય વીતતાં ક્રમ અવળસવળ થયો. હવે જ્ઞાન મેળવવા માટે ધન અને ધન મેળવવા માટે બીજાને સ્નાન કરાવવું ફેશનેબલ ગણાય છે.

જ્ઞાનમાર્ગ અને સ્નાનમાર્ગનો આટલો નિકટનો નાતો હોવા છતાં ઘણાખરા દુન્યવી જીવોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’ રેડવાની રોજિંદી પ્રાતઃક્રિયા. કેટલાક લોકો કોઇ પણ સમયે - અને બીજા કેટલાક કોઇના પણ નામનું- સ્નાન કરવા તત્પર હોય છે. એ માને છે કે ‘નહાવામાં શી ધાડ મારવાની? બે ડબલાં આમ ને બે ડબલાં તેમ. એ તો બે મિનીટનું કામ.’ કહેનાર આ વાત પોતાની ક્ષમતા અને ઝડપ બતાવવા કહે છે, પણ એમ કરવા જતાં તેમની બેદરકારી અને ઉતાવળ છતાં થાય છે. સ્નાન જેવી પવિત્ર ક્રિયાને ડબલાં જેવી તુચ્છ ચીજ સાથે સાંકળવામાં એક ભવ્ય સાંસ્કૃતિક પરંપરાનો કચરો થાય છે તે અલગ.

‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આઘુનિક ભગત લખી શકે છે. કેમ કે, રજાના દિવસે સૌનો સામાન્ય અનુભવ છેઃ ઘરમાં બધાં બેઠાં હોય ને નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે. મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ, નાહી લીઘું હોય, પણ પુરૂષસભ્યો નહાવાનો વારો આવે એટલે ‘પહેલે આપ’નો વિવેક દાખવીને એકબીજા તરફ આંગળી ચીંધે. વહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાના કારણો અપાય. વઘુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના જીડીપીમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે, એવી થીયરી પણ તે સમજાવે છે. એ વાતોથી સાંભળનારનો મૂડ બગડી શકે છે, પણ નહાવા જનારને મૂડ આવતો નથી.

કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડીઘણી ઊંઘ ચોંટેલી હોય, ત્યારે સુસ્ત થઇને બેસી રહેવાની મઝા હોય છે. એ વખતે કોઇ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઇ આવો. એમને ચા-પાણી પીવડાવો. ત્યાં સુધીમાં હું પહોંચું છું.’ આવા માહોલમાં ‘જા, તારૂં પાણી થયું છે. નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો હજારો રૂપિયાની સુસ્તી ધારણ કરીને બેઠા પછી ફક્ત ‘પાણી થયું છે’ એવા મામૂલી કારણસર મહામૂલી સુસ્તી લૂંટાવી દેવાનો આદેશ શી રીતે મનાય?

ઘણાં ઘરમાં રજાના દિવસે પુરૂષવર્ગ છાપું છોડતો નથી. ઓબામાથી અંબામા સુધી બધા સમાચાર વાંચી ન લે, ત્યાં સુધી એમને નહાવાની પ્રેરણા થતી નથી. વચ્ચે વચ્ચે ‘હવે નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા હળવા ઠપકા સંભળાતા રહે છે, પણ સુસ્તીનું સામ્રાજ્ય ભેદીને છાપું વાંચનારના મગજ સુધી પહોંચતાં તેની ધાર બુઠ્ઠી થઇ જાય છે. બધા સમાચારો વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વઘુ એક વાર જાહેર કરીને, જાણે છાપાના નામનું નાહી નાખવાનું હોય એવી રીતે એ નહાવા જવા તૈયાર થાય છે.

રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. ‘મને મન થશે ત્યારે કોઇના કહેવાની રાહ જોવા નહીં રોકાઊં’ એવું જાહેર કરીને એ લોકો સૂચવે છે કે ‘મને મન નહીં થાય, ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જઊં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત તરીકે તે રજાના દિવસે મોડા નહાવા જવાના હોય એવો ભાવ એમની વાતમાં સંભળાય છે. રવિવારે ઘડિયાળના કાંટાની ગુલામીમાંથી મુક્તિનું પ્રભાત ઉગ્યું હોય ત્યારે નહાવાની બાબતમાં પણ સમય ગૌણ થઇ જાય છે. રોજ જે ચાર-પાંચ ક્રિયાઓ એકબીજા સાથે અથડાતી-કૂટાતી-ભીંસાતી અડધા-પોણા કલાકમાં થઇ જતી હોય, એ દરેક ક્રિયાઓ વચ્ચે રજાના દિવસે અડધા કલાકનો વિરામ લઇને માણસો સાટું વાળે છે. ‘આજે શાંતિથી નહાવું છે’ એવું તે જાહેર કરે ત્યારે શરૂઆતમાં ગૃહિણી એવું સમજે છે કે શાંતિથી એટલે સમય લઇને. રોજ આમતેમ ડબલાં ઢોળીને નીકળી જતા હોઇએ એવી રીતે નહીં, પણ પંદર-વીસ-પચીસ મિનીટ સુધી બાથરૂમમાં ભરાઇ રહીને. આ અર્થઘટન ખોટું નથી, પણ ‘શાંતિથી’નો મૂળ અને મુખ્ય અર્થ થાય છેઃ મોડેથી.

રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતુ નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી.

ઘડિયાળનો કાંડો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે, જ્યારે માણસે કચવાતા મને, ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઉઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.

શરીર પર અને એમાં પણ પીઠ પર પાણીનું પહેલું ડબલું રેડાયાની ક્ષણ - પાણી ગરમ કરવામાં સાહિત્યનાં સામયિકોનો ઉપયોગ ન કર્યો હોય તો પણ - કાવ્યાત્મક હોય છે. શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય, પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મુકે છે- પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય - છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય. ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી.

નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ધૂસી જઇને નિરાંતે નહાવું છે. પણ રજાનું પરોઢ ઉગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભૂલાઇ જાય છે.

2 comments:

  1. હા હા હા.. મજા આવી ગઈ.
    કાલે જ એક જૉક સાંભળી જેમાં હતું કે એક મિત્રને કોઇએ કહ્યુ હશે કે ઊનાળામાં બે વાર ન્હાવાનું. તો એ ભાઈ એક એકવાર ઊનાળો શરૂ થયો ત્યારે અને બીજુ ઊનાળો પુરો થયો ત્યારે ન્હાઈને ઉપકાર કર્યો!

    ReplyDelete
  2. બહુ મઝાનો લેખ.

    ReplyDelete