Monday, June 08, 2009

ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાઃ આરોપોની ઓથે છૂપાયેલી અસલિયત

પરદેશમાં ભારતીયો પર હુમલા થાય, એટલે ભારતમાં તરત રંગભેદ/રેસીઝમ વિશે કકળાટ શરૂ થઇ જાય છે. પારકી ભૂમિ પર વસતા ભારતીયો વિશે ચિંતા થવી સ્વાભાવિક છે, પણ રંગભેદની વ્યાપક અને સાચી છતાં સંપૂર્ણ નહીં એવી દલીલ તળે સમસ્યાનાં બીજાં અનેક પાસાં દબાઇ જાય છે.

વિદેશમાં સમાન વ્યવહારની અપેક્ષા રાખતા ભારતીયો પોતાના ગામ કે શહેરમાં દલિતો સાથે કેવો વ્યવહાર રાખે છે, એની ચર્ચા કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. (કમનસીબે, ફરી એ સમય કદી આવતો નથી!) ફક્ત એટલું જાણવું પૂરતું થઇ પડશે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કેટલાક આખાબોલા ગુજરાતીઓ/ભારતીયો પોતાની જાતને ‘ઓસ્ટ્રેલિયાના દલિત’ તરીકે ઓળખાવે છે!

ઓસ્ટ્રેલિયા ભણી ભારતીયોનો- ખાસ કરીને વિદ્યાર્થીઓનો- પ્રવાહ છેલ્લા દોઢેક દાયકાથી વળ્યો છે. ત્યાંની શિક્ષણવ્યવસ્થાથી પરિચિત મિત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતની સરખામણીએ ઓસ્ટ્રેલિયાના શિક્ષણમાં ભાગ્યે જ કંઇ મોહાઇ પડવા જેવું છે. ભારતની જેમ જ, સીડની યુનિવર્સિટી જેવી બે-ચાર શિક્ષણસંસ્થાઓને બાદ કરતાં મોટે ભાગે શિક્ષણની દુકાનો ‘યુનિવર્સિટી’ તરીકે ધમધોકાર ધંધો કરી લે છે. બે વર્ષથી સીડનીમાં લોકપ્રિય ગુજરાતી એફએમ રેડિયો ‘સુરસંવાદ’ (www.sursamvaad.net.au) ચલાવતાં સંગીતજ્ઞ-લેખિકા-પત્રકાર આરાધના ભટ્ટ કહે છે તેમ, ‘ભારતથી આવતા વિદ્યાર્થીઓ જે કહેવાતી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, તેમાંથી મોટા ભાગની સંસ્થાઓનાં નામ સુદ્ધાં અહીં વસતા લોકોએ સાંભળ્યાં નથી હોતાં.’ છતાં ભારતના (અને ચીન જેવા દેશના પણ) વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા પહોંચે છે. તેનાં એક કે વધારે કારણ હોઇ શકે છેઃ

૧) પરદેશી ડિગ્રીથી વટ પડે એવી માન્યતા, જે દિવસે દિવસે વઘુ ને વઘુ ખોટી સાબીત થઇ રહી છે. કારણ કે એવો કોઇ કોર્સ નથી જે બીજા દેશોની કે ભારતની પણ સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં વઘુ સારી રીતે થતો હોય.

૨) ફક્ત ભણવા અને ભણીને ભારત પાછા આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ બહુ થોડા હોય છે. મોટા ભાગના લોકોનું ઓસ્ટ્રેલિયાગમન ‘ભારત છોડો’ કાર્યક્રમનો હિસ્સો હોય છે. કોઇ પણ ભોગે ભારત છોડવાથી સુખી થઇ જવાશે એવી માન્યતાથી દોરવાઇને તે વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા પહોંચે છે અને ભણીને ત્યાં જ કાયમી નિવાસ/પરમેનન્ટ રેસીડેન્ટશીપ મેળવવા પ્રયત્નશીલ રહે છે.

૩) અમેરિકા જવાના રસ્તા વઘુ ને વઘુ સાંકડા થતાં, ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચવાના પગથીયા તરીકે ઓસ્ટ્રેલિયાનો ઉપયોગ કરે છે. ત્યાં ભણીને, નોકરી કરીને, કાયમી રહેવાસી થઇ ગયા પછી અમેરિકા ઉપડી જવાની ગણતરીએ પણ ઓસ્ટ્રેલિયા જનારાની સંખ્યા વધી છે.

ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયની માગ વધારે હોય (દા.ત. નર્સ) તેના વિદ્યાર્થીઓને કાયમી નિવાસ માટે વધારે ગુણ આપવામાં આવે છે. પરંતુ એવાં મોટા ભાગનાં કામ કરવા માટે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકો ઇચ્છુક હોતા નથી. એટલે સરકાર એ લાયકાત ધરાવતા બીજા દેશના લોકો માટે દરવાજા ખોલે છે.

ઓસ્ટ્રેલિયા હોય કે બીજો કોઇ પણ દેશ, તે આશ્રય આપવાના ઉદાર ભાવથી નહીં, પણ પોતાના દેશને જેનાથી ફાયદો થવાનો હોય એવી આવડત ધરાવતા પરદેશીઓને જ પ્રવેશ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો, દરવાજે ટકોરા મારનાર જેટલી જ ગરજ દરવાજો ખોલનારની પણ હોય છે. પણ પરદેશીઓની સંખ્યા વધે, એટલે સ્વાભાવિક રીતે પ્રશ્નો શરૂ થાય છે. ‘સૂરસંવાદ’ રેડિયોનાં આરાધના ભટ્ટની જેમ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સિડની સાથે ૧૮ વર્ષથી સંકળાયેલા મહેશ ત્રિવેદીને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની વર્તણૂંક વિશે ઘણું કહેવાનું છે. તેનો સાર એટલો કે ઓસ્ટ્રેલિયાની સામાન્ય સભ્ય રીતભાત પ્રમાણે કેવી રીતે રહેવાય, તે જાણવાની દરકાર બહુ ઓછા વિદ્યાર્થીઓ કરે છે. તેમાંથી પણ ક્યારેક સંઘર્ષ પેદા થાય છે. સરકાર સસ્તા ભાવે મળતા, ઉંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા પરદેશી કામદારોનો ફાયદો ગુમાવવા ઇચ્છતી નથી અને સ્થાનિક પ્રજાને નારાજ કરી શકતી નથી.

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ત્યાંની સરકાર ભારતીય વિદ્યાર્થીઓને આવવા દઇને તેમની પર ઉપકાર કરે છે? ભારતીય વિદ્યાર્થીઓ ભલે એવું માનતા હોય, પણ તેમને ઓસ્ટ્રેલિયા જવાની જેટલી ગરજ છે, એટલી જ ગરજ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓને આ વિદ્યાર્થીઓની છે. તોતિંગ રૂપિયા ખર્ચીને શોભાની ઓસ્ટ્રેલિયન ડિગ્રી લેવા માટે વિદ્યાર્થીઓ તૈયાર જ ન થાય, તો પરદેશી વિદ્યાર્થીઓના મોહના જોરે તગડી કમાણી કરતી ઓસ્ટ્રેલિયાની બહુમતિ તકલાદી શૈક્ષણિક સંસ્થાઓનું શું થાય?

પરંતુ ત્રણેક વર્ષથી સીડની (ઓસ્ટ્રેલિયા) રહેતાં ગુજરાતી પત્રકાર પૂર્વી ગજ્જર કહે છે તેમ, ભારતથી ઓસ્ટ્રેલિયા આવેલા મોટા ભાગના લોકો ભેદભાવ સામે લડતાં તો ઠીક, તેની વાત કરતાં પણ ખચકાય છે. વિદ્યાર્થી અવસ્થાથી નોકરી અને કાયમી નિવાસ સુધીના દરેક તબક્કે તેમને લાગે છે કે ‘સામે પડીશું તો ક્યાંક આપણા નામ પર ચોકડી વાગી જશે.’ ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા પછી પણ તેમની આ ગ્રંથિ નીકળતી નથી.

સો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા જેવી જગ્યાએ નિષ્ફળ અને શરમાળ બેરિસ્ટર ગાંધી રંગભેદના અપમાન સામે લડી શકતા હોય, તો આઘુનિક જમાનામાં ભેદભાવનો મુકાબલો શા માટે ન થઇ શકે? પરંતુ સામનો કરવાની વાત આવે એટલે મુખ્ય બે મુશ્કેલી નડે છેઃ

૧) અમુક હદ સુધીનો રંગભેદ સ્વીકાર્ય અને તેનાથી વધે તો જ અસ્વીકાર્ય, એવી મર્યાદા ગાંધીએ બાંધી ન હતી! ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણાખરા ભારતીયો એક યા બીજા સ્વરૂપે, ઓછાવત્તા અંશે રંગભેદનો ભોગ બનતા હોય છે. છતાં, દહેજની જેમ રંગભેદ પણ જ્યાં લગી પોસાય ત્યાં સુધી માન્ય કરવાનું ભારતીયો શીખી ગયા છે. તેમનો વાંધો રંગભેદ સામે નહીં, પણ ‘હદ વટાવતા રંગભેદ’ સામે છે.

પોતાને થયેલા રંગભેદના અનુભવનો ખુલ્લાશથી સ્વીકાર કરનારા અને ‘હું આ નહીં ચલાવી લઊં’ એવા જુસ્સાથી વાત કરનારા એન.આર.આઇ. જૂજ પ્રમાણમાં જોવા મળે છે. બાકીના ‘આપણી ગરજ છે એટલે અપમાન ગળીને પણ ખમી ખાઇશું’ એ વિચારે અથવા ‘રંગભેદનાં અપમાનની વાત કરીએ તો આપણા સામાજિક મોભા/સ્ટેટસનો કચરો ન થાય?’ એ વિચારે ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ની નીતિ અપનાવીને એકબીજાની ‘આબરૂ’ જાળવી લે છે.

૨) રંગભેદ જેવા વ્યાપક ભેદભાવ સામે લડવાનું આવે ત્યારે મોટો સવાલ એ થાય કે ‘ભારતીયો’ એટલે કોણ? અજાણ્યા મુલકમાં એકલદોકલ માણસ ‘ભારતીય’ હોઇ શકે, પણ તેમની સંખ્યા વધે તેમ રાજ્ય, જિલ્લો, ગામ, ખડકી, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, સમાજ જેવા વિભાગ પડતા જાય છે. ભારતીયોનાં સંગઠનોની કમી નથી હોતી, પણ એવી બહુમતિ સંસ્થાઓનું મુખ્ય અવતારકાર્ય વારેતહેવારે જમણવારો કે ગરબા યોજવાનું અને કોઇને પ્રમુખ તો કોઇને ખજાનચી બનાવીને તેમની અઘૂરી રહેલી વાસનાઓનો મોક્ષ કરવાનું બની જાય છે. એક પ્રજાસમુહ તરીકે દેશના નાગરિક જીવનમાં ભાગ લેવાનું અથવા બીજાને કે પોતાને થતા અન્યાયો સામે સંગઠીત થઇને લડવાનું પ્રમાણમાં બહુ ઓછું બને છે.

ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો પર હુમલા થાય ત્યારે રંગભેદ એક મહત્ત્વનું કારણ હોવા છતાં, તે એકમાત્ર કારણ નથી હોતું. રંગભેદ જેવી લાગણી મુખ્યત્વે બિનલોહીયાળ સ્વરૂપે, ઉપેક્ષા કે અપમાનો થકી, વધારે પ્રમાણમાં વ્યક્ત થતી હોય છે. પૂર્વીના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લેબેનોનથી આવેલા લોકો માથાભારે તરીકે પંકાય છે. એ ભારતીય વિદ્યાર્થીઓની જેમ રૂપિયા ગાંઠે બાંધીને ભણવા નહીં, પણ ગમે તે વ્યવસાયમાં જોતરાઇ જવાના હેતુથી જ ઓસ્ટ્રેલિયા આવતા હોય છે. માથાભારે પ્રકૃતિને કારણે તે વારંવાર લૂંટફાટ અને હુમલા જેવી પ્રવૃત્તિઓમાં સરી પડે છે. એવાં જૂથો માટે અથવા કેટલાક સ્થાનિક ગુંડા/આડી લાઇને ચડેલા ઓસ્ટ્રેલિયનો માટે ભારતીય વિદ્યાર્થીઓ ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહે છે. તેમાં રંગભેદ જેટલું અથવા મોટે ભાગે એના કરતાં વધારે તત્ત્વ ગુંડાગીરીનું હોય છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા હુમલા વિશે ચિંતા કરતી વખતે આ મુદ્દા ઘ્યાનમાં રાખવામાં આવે, તો ચિત્રનો અસલી રંગ વધારે સ્પષ્ટતાથી જોઇ શકાશે. નવેસરથી જાગેલા રંગભેદના બૂમરાણ નિમિત્તે ઓસ્ટ્રેલિયામાં -અને બીજા દેશોમાં- વસતા ભારતીયો પોતાના આંતરિક ભેદભાવ ભૂલીને એક થાય, સમાન હકો માટે સંગઠીત થાય તથા પોતે જેવા ભેદભાવથી અકળાઇ જાય છે, એવું વર્તન ભારત આવીને બીજા લોકો સાથે ન કરે, તો વિવાદનો કંઇ અર્થ સરે. બાકી, કેવળ રંગભેદની બૂમો પાડીને કે એકાદ રેલી કાઢીને સંતોષ માની લેવાથી શું થાય?

3 comments:

 1. પેહલા દેશને ભરપેટ ગાળો આપીને ફોરેન દોટ મુકવાની , અને પછી ત્યાં માર પડે એટલે માતૃભૂમિ તરફ નજર દોડાવવાની ........!!!!!!!!????

  ReplyDelete
 2. હમમ.. સાચું.એન આર.આઈ.માં પણ ખાસ કરીને એન.આર.જી. ને એવો ભ્રમ પંપાળવો ગમતો હોય છે કે અમારામાં જે ટેલેન્ટ છે એની ભારત સિવાય કયાંય પણ કદર થઈ શકે! અરે યાર તમે લોકો વિદેશ જાઓ, સુખ-સમૃધ્ધિમાં (?)આળોટો એના સામે શું વાંધો હોય ? પરંતુ ડેરીનું દૂધ પીવા જેવડા થયા એટલે માં ના ધાવણને વગોવવાની ફેશન તો બંધ કરો.

  (આ વાત બધાને લાગુ પડતી ન હોય એ સ્વાભાવિક છે.)

  ReplyDelete
 3. આપ સારું લખી શકો છો ,લખતાં રહો!
  સુંદર અભિવ્યકિત!!

  ReplyDelete