Monday, June 29, 2009
‘ગુજ્જુ’ સિરીયલોઃ લાગણી, બુદ્ધિ અને ‘અસ્મિતા’
જયેશ અધ્યારુએ આરોપનામું રજૂ કર્યું હતું, જય વસાવડાએ લાગણી દુભાવાની બૂમો પાડનારાને ઝાટકીને તેમની પર આરોપનામું મૂક્યું છે. તેની વિગતમાં ઉતરવાને બદલે, મને જે લાગે છે તે-
- લાગણી દુભાવાની બૂમો પાડીને પૂતળાં-નનામી બાળવાં કે કોર્ટમાં કેસ માંડવા એ આત્યંતિકતા છે. પ્રસિદ્ધિ કમાઇ લેવાનો ધંધો પણ ખરો. લાગણીદુભાવ કંપનીઓ જેટલી ઝડપથી પ્રકાશમાં આવે છે, એના કરતાં વધુ ઝડપથી અદૃશ્ય થઇ જાય છે. એટલે, કોઇ બાબતથી ‘મારી લાગણી દુભાઇ છે’ એમ કહી દેવું અને તેના ટેકામાં અષ્ટમપષ્ટમ અસ્મિતાનાં કારણો રજૂ કરવાં એ ઠીક લાગતું નથી.
- ચચરાટ પહોંચાડે અને ખીજ ચડાવે એવી બાબતમાં લાગણી ન દુભાવા દેવી, એનો અર્થ એવો નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી. સિરીયલોમાં ગુજરાતી સહીત તમામ પ્રાંતના લોકોનું જે હદે સ્ટીરીયોટાઇપિંગ થાય છે, તેનાથી લાગણી ન દુભાવા દેવી તે એક વાત છે, પણ તેને ‘સેન્સ ઓફ હ્યુમર’ના નામે વધાવી લેવું એ બીજો અંતિમ છે.
- મહેમૂદની ‘મદ્રાસી’ કોમેડીથી દુભાઇને કોઇ દક્ષિણ ભારતીય કેસ ભલે ન કરે, પણ જો તેની સૌંદર્યબુદ્ધિ અને સાદી બુદ્ધિ ઠેકાણે હોય તો તેને સખત ખીજ તો ચડવી જ જોઇએ. એવું પણ થવું જોઇએ કે મહેમૂદ એક વાર સામે મળી જાય ને તો ફેંટ પકડીને પૂછવું છે... એવું જ ગુજરાતી અને બીજાં સ્ટીરીયોટાઇપિંગનું.
- ગુજરાતીઓના ભદ્દા ચીતરામણને હળવાશથી લેવું એક વાત છે, તેની ઉપેક્ષા કરવી બીજી વાત છે અને હરખાઇને વધાવવું એ ત્રીજી વાત છે. લાગણીદુભાવ અથવા હરખઘેલાં વધામણાં એ બે જ વિકલ્પો નથી.
- જે ફુવડ/ક્રુડ છે તે ફુવડ જ રહે છે- ગમે તેટલું સફળ થાય તો પણ. ‘લોકોને ફુવડ જ ગમે છે’ એવી સાધારણ દલીલ સાંભળવા મળશે, પણ શિષ્ટ કોમેડી કેમ નથી ભજવાતી તેનો અફસોસ સાંભળવા મળે છે? એ દિશામાં તત્પરતા કે પ્રયાસ જોવા મળે છે?
- છેલ્લો મુદ્દો ગુજરાતીને ‘ગુજ્જુ’ કહેવા અંગેનો. મને કોઇ ‘ગુજ્જુ’ કહે તો દુભાઇ ન જવાની સહિષ્ણુતા મારામાં છે. પણ બીજા લોકો આપણને જે ઉપહાસાત્મક ઉપનામથી બોલાવતા હોય, તે આપણે પોતે જ પોતાના માટે વાપરીએ એ સહિષ્ણુતા કે ઉદારતા નથી. એ ફેશનેબલ દેખાવાની- અથવા સીધીસાદી- ઘેલાઇ છે એવું મને વર્ષોથી લાગ્યું છે. કેટલાંક ગુજરાતી સામયિકોમાં તો એ પરંપરા વર્ષોજૂની છે. તેમને એવું પણ લાગતું હોય તો નવાઇ નહીં કે તેમની સફળતા અથવા શૈલીનું અથવા ‘આધુનિકતા’નું રહસ્ય ‘ગુજ્જુ’ જેવા શબ્દોનો વપરાશ છે
Wednesday, June 24, 2009
કમેન્ટ પોસ્ટ કરવાની ટૂંકી- સહેલી રીત (sign in થયા વિના)
- પોસ્ટની નીચે comment લખ્યું હોય ત્યાં ક્લિક કરો.
- (પોસ્ટના છેડે) Post a comment ના બોક્સમાં કમેન્ટ લખો.
- બોક્સની નીચે comment as માંથી Name/URL નો વિકલ્પ પસંદ કરો.
- Name ના ખાનામાં તમારું નામ લખો. URL ની જરૂર નથી.
- Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
- એક વારમાં કમેન્ટ પોસ્ટ ન થાય તો ફરી વાર Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
- ત્યાર પછી પણ કમેન્ટ પોસ્ટ ન થાય તો uakothari@gmail.com પર mail કરો.
Tuesday, June 23, 2009
૧ વર્ષ, ૨૫૪ પોસ્ટ
શહેરી યુવાનો માટે લખતા લેખકો જેને ‘ક્રશ’ કહે છે, ઉર્દુ શાયરો જેને ‘દિલ આ ગયા’ કહે છે, વિદ્વાનો જેને તીવ્ર પ્રણયાનુભૂતિ કહે છે - અને હું જેને કંઇ જ કહેવાની જરૂર નથી જોતો- એવી લાગણી એક વર્ષના ટૂંકા ગાળામાં બ્લોગ પ્રત્યે થઇ છે. બ્લોગને મારો ‘ઓલ્ટર ઇગો’ ગણવાનું સહેલું છે. કંઇક અંશે સાચું છે, પણ ‘ઓલ્ટર એક્ઝિસ્ટન્સ’ વધારે સાચો શબ્દ લાગે છે. કારણ કે મારા ઇગોનો ફુગાવો થાય એવી બાબતો - મારા વક્તવ્યના અંશ, એવા કાર્યક્રમોની તસવીરો અને એવી બીજી બાબતો- બ્લોગ પર મૂકવાનું લગભગ ટાળ્યું છે. ક્યારેક જરૂરી લાગે તો પણ એ ‘ઇગો’ સુધી ન પહોંચે એ રીતે.
બીજી બાબતઃ બ્લોગનો ઉપયોગ મેં અંગત હિસાબો માટે કે અણગમા ઠાલવા માટે કર્યો નથી. એવાં કેટલાંક નામ ટાંકી શકું, જેમનાં લખાણ સામે મારા અનેક વાંધા હોવા છતાં અને આ બ્લોગ પર હું એમને લબડધક્કે લઊં તો મને કોઇ કહેનાર ન હોવા છતાં, હું એ પ્રવૃત્તિમાં પડ્યો નથી. એ ધોરણ જાળવી રાખ્યાનો મને આનંદ પણ છે.
મનમાં ઘંટડી વાગે છે કે વઘુ લખીશ તો જે અત્યાર સુધી નથી કર્યું, એ કદાચ શરૂ થઇ જશે. એટલે, બસ. આટલું જ. બ્લોગ પરનાં લખાણોની સર્કિટ પૂરી કરીને, વઘુ એક પ્રવૃત્તિમાં સાર્થકતાનો અનુભવ કરાવનાર મારી સાથે સંમત-અસંમત એવા સૌ વાચકો-મિત્રોનો આભાર.
શનિદેવનો કોપ ઉર્ફે ‘ગાઉનસુંદરીનો ઘરસંસાર’
વર્ષો પહેલાં મહેમદાવાદમાં મહિલાઓ દિવસના કોઇ પણ સમયે નાઇટગાઉન પહેરીને વિચરવા નીકળી પડે ત્યારે - નાઇટગાઉન સાથે સંકળાયેલા શિષ્ટતા અને સભ્યતાના પ્રશ્નોને કારણે- બીરેનને બહુ ચીડ ચડતી. (આ બાબતને ગરીબી સાથે કશો સંબંધ નથી, એ પણ ત્યારે સ્પષ્ટ હતું.) એ ખીજ સભ્યતાપૂર્વક કાઢવા તેણે સરસ્વતીચંદ્રની ગુણસુંદરીની તરાહ પર ‘ગાઉનસુંદરીનો ઘરસંસાર’ જેવો શબ્દપ્રયોગ ચલણી કર્યો હતો.
એ વખતે અમને એમ કે ફક્ત મહેમદાવાદમાં જ આવું હશે. પછી ખબર પડી કે ગાઉનસુંદરીઓની વસ્તી અને તેમનો ઉપાડો વ્યાપક છે. તેનો તાજો- ૨૦૦૯નો- નમૂનો છે મણિનગર (પૂર્વ)માં સ્ટેશનથી જશોદાનગર ચોકડી તરફ જવાના રસ્તે આવેલું આ મંદીર. ધાર્મિક મલ્ટીપ્લેક્સ જેવા અનેક ભગવાનોના ‘સ્ક્રીન’ ધરાવતા આ મંદીરની બહાર સ્પષ્ટ ચેતવણી લખવામાં આવી છે કે માતાજીના મંદીરમાં ગાઉન પહેરીને પ્રવેશ કરવો નહીં. આ મંદીરમાં ગાઉનસુંદરીઓનું એવું તે કેવું આક્રમણ હશે કે શરમ મૂકીને મંદીરવાળાએ આવી નોટીસ મૂકવી પડી!
Saturday, June 20, 2009
અશ્વિની ભટ્ટ સાથે એક સાંજ
પણ તેમને મળી ચૂક્યા હોય એવા લોકો કહેશે,’એક જ સાંજ?’
પણ અશ્વિનીભાઇ પાસે બેઠા હોઇએ ત્યારે આવા બધા વિચારો ન આવે. ગયા બુધવારે કેટલાક મિત્રો અશ્વિનીભાઇ-નીતિભાભી સાથે અમારી અનિયતકાલીન બેઠક ‘રૂડું કાઠિયાવાડ’ (વસ્ત્રાપુર તળાવ સામે, અમદાવાદ)માં બેઠા, ત્યારે જમ્યા પછીના પાન-સેશનમાં ‘સાહિત્યવાળાની ઉપેક્ષા’ વિશે સવાલ પૂછાયો ખરો, પણ પૂછનારને અને આજુબાજુ બેઠેલા સૌને ખબર હતી કે આ પૂછવાખાતર પૂછાયેલો સવાલ છે. અશ્વિનીભાઇને સાહિત્યવાળાથી કશો ફરક પડતો નથી. એમને રાજકારણમાં પડવું હોય તો એ સાહિત્ય પરિષદમાં જતા નથી. નર્મદા યોજના અંગેનું પોતાનું અભ્યાસપૂર્ણ વલણ, પોતાની લોકપ્રિયતા જોખમાશે એવી ચિંતા રાખ્યા વિના, અળખામણા થવાની અને માર ખાવાની તૈયારી સાથે પણ, હિંમતભેર તે પ્રગટ કરે છે. એક સાહિત્યકારની છબી સાથે સાચીખોટી રીતે સંકળાઇ ગયેલું પોચટપણું અશ્વિનીભાઇમાં નથી. પ્રેમાભાઇ હોલની મેનેજરી દરમિયાન અમદાવાદના ‘સંવેદનશીલ’ ગણાતા ખાસબજાર વિસ્તારમાં કોઇ ગુંડો છરી લઇને પાછળ દોડ્યો હોય એવા કંઇક વીરરસપ્રચુર કિસ્સા તેમની વાતોમાં નીકળી આવે છે. એવી જ રીતે વિધવિધ પ્રસંગે ‘રાવટી’ થવાના કિસ્સાની પણ તેમની સાથે બેઠેલા લોકો માટે નવાઇ નથી.
બેઠકની શરૂઆત ધીમી છે. ખરો રંગ જમ્યા પછી જામે છે. બિનીત મોદીની ગોઠવણથી, રેસ્ટોરાં બંધ થઇ ગયા પછી પણ તેની અગાસીમાં અમારી બેઠક ચાલુ રહે છે. લગભગ રાતના સાડા અગિયાર સુધી અશ્વિનીભાઇ-નીતિભાભી નિરાંતે બેસે છે. વચ્ચે માણસ આવીને કહી જાય છે કે ‘લિફ્ટ બંધ થઇ જશે.’ બધા કહે છે,’થઇ જવા દો. દાદર ઉતરીને જઇશું.’
લિફ્ટ બંધ. ચાર દાદરા ઉતરવાના. વચ્ચે અંધારું. નીતિભાભી કહે,’આ લોકોને લાઇટ ચાલુ રાખતાં શું જાય છે?’ તરત અશ્વિનીભાઇ કહે છે,’અત્યારે લાઇટ ચાલુ રાખવાનો શો ફાયદો? અનપ્રોડક્ટીવ લાઇટ બાળવાની જરૂર ખરી?’
અશ્વિની ભટ્ટની નવલકથાઓ આકંઠ પીનાર ધૈવત ત્રિવેદી, અમારા જૂના સાથીદાર- ગુજરાતી પત્રકારત્વને જેનો લાભ થોડા સમય માટે જ મળ્યો એ (હવે ‘સાયબરસફર’ ફેઇમ) હિમાંશુ કીકાણી, ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને એક સમયે ગુજરાતનાં તમામ અખબારોની પૂર્તિને ટક્કર મારે એવી ‘સપ્તક’ પૂર્તિ કાઢનાર રમેશ તન્ના. ‘અભિયાન’નું સંપાદન કરતા પ્રણવ અધ્યારુ અને મેં વિવિધ સવાલો પૂછ્યા. બિનીત ઉપરાંત જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, દિવ્યેશ વ્યાસ, લાલજી ચાવડા, હિંમત કાતરિયા અને તેમના ભાઇ, કેતન રૂપેરા, કિંતુ ગઢવી પણ સામુહિક સંવાદમાં સામેલ થતા રહ્યા. સલિલભાઇ-પ્રશાંત (દયાળ)- અનિલ(દેવપુરકર) જેવા ગેરહાજર મિત્રને પણ યાદ કર્યા. મનીષ મહેતા કોઇ કારણસર આવી શક્યા ન હતા.
નવલકથામાં એડિટિંગના અશ્વિનીભાઇ પ્રચંડ આગ્રહી છે. હપ્તાવાર નવલકથા લખાયા પછી તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરતાં પહેલાં તે સંતોષ ન થાય ત્યાં સુધી તેમાં કાપકૂપ-સુધારા કરતા રહે છે અને તેમને જલ્દી સંતોષ થતો નથી. આપણે ત્યાં એડિટર-પ્રથા ન હોવાનું એક કારણ તેમણે મોટું બજાર ન હોવાનું પણ જણાવ્યું. પોતાની નવલકથાઓમાંથી બે-ત્રણ સિવાયની બાકીની કથાઓને તેમણે ‘સ્ટોરીટેલિંગ’ તરીકે ઓળખાવી. સાહિત્યિક માપદંડ પ્રમાણે એવા હવાચુસ્ત વિભાગો પડાય એમ નથી, છતાં તેમને લાગે છે કે ઓથાર, અંગાર, આશકા માંડલ ખરા અર્થમાં નવલકથા છે. કારણ કે તેમાં સ્ટોરીટેલિંગ ઉપરાંત મુખ્ય પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન છે.
રમેશ સિપ્પી સાથે રામગઢની વાત ન નીકળે તો અશ્વિની ભટ્ટ સાથે ભેડાઘાટની વાત ન નીકળે. ફિલ્ડવર્ક અને ભેડાઘાટ વિશેના સવાલના જવાબમાં અશ્વિનીભાઇએ ભેડાઘાટના નાનકડા વિસ્તારમાં, પૈસાની ભીડ છતાં રૂ.75 આપીને આખી રાતની હોડી ભાડે કરીને, જેડો રાઉતનાં બુંદેલી ગીતોના સૂર વચ્ચે ચાંદની ઝીલતા આરસના ખડકોનો અલૌકિક નજારો યાદ કર્યો. હા, એ નાવિકનું નવલકથાનું જ નહીં, સાચું નામ પણ જેડો રાઉત હતું. ધૈવત ત્રિવેદીએ વતન રાજુલાના એક મિત્રને ટાંકીને કહ્યું કે દીવમાં દરિયા વચ્ચે એક ચોક્કસ ખડક પર અશ્વિનીભાઇની એક હીરોઇને સ્નાન કર્યું હતું, એ જગ્યા હવે અશ્વિની ભટ્ટના રેફરન્સ સાથે ‘જોવાલાયક સ્થળો’ની યાદીમાં સ્થાન પામી છે.
હાજર મિત્રો લખવા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમણે નવલકથા લખવાની ટીપ્સ આપતાં કહ્યું કે હું કથાનો એન્ડ પહેલેથી વિચારી લઉં છું. કથાને ક્યાં લઇ જવી છે એ મનમાં રાખવું જરૂરી છે. કોઇ નવલકથા લખવા ઇચ્છે તો પ્લોટની કમી નથી અને ‘હું કેટલી નવલકથાઓ લખવાનો!’ એમ કહીને તેમણે પ્લોટ પૂરા પાડવાની તૈયારી બતાવી. નર્મદા યોજના વિશેના તેમના અભ્યાસ અને અનુભવોને આધારે સૂચિત ‘જળકપટ’ નવલકથા અને ત્રાસવાદનો પ્લોટ ધરાવતી-જેના પાંચ હપ્તા લખાઇ ચૂક્યા છે તે નવલકથા વિશે થોડી વાતો થઇ. ચૂંટણી પહેલાં અધૂરી રહેલી ‘કડદો’ નાની સાઇઝની કસબ-કરામત-કમઠાણ ટાઇપની છે. એનું સાઠ-સિત્તેર ટકા કામ થઇ ગયું છે.
જેમની નવલકથાઓએ અખબાર-સામયિકોને જમીની ગુરૂત્વાકર્ષણમાંથી મુક્તિ અને વેચાણના આંકડા આસમાને ચડી જાય એવો વિમોચન-વેગ/એસ્કેપ વેલોસીટી આપ્યો છે, એવા અશ્વિનીભાઇના પગ સદાય જમીન પર રહ્યા છે. એમની બાયપાસ સર્જરી કરનાર ડૉ.તુષાર શાહથી માંડીને તેમની હોસ્પિટલના સફાઇ કામદાર સુધીના સ્તરના લોકોની પ્રચંડ ચાહના પ્રાપ્ત કર્યા પછી મનમાં હવા નથી ભરાતી?
એનો જવાબ આપતાં અશ્વિનીભાઇએ કહ્યું,’હવા ભરાવી જોઇએ, પણ યોગ્ય જગ્યાએ. શેઠિયાની કેબિનમાં વાત કરતી વખતે એ હવા હોવી જોઇએ.’
હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટના ચાહકોનું કિશોરકુમાર અને મહંમદ રફીના ચાહકો જેવું છે. અશ્વિનીભાઇએ હરકિસનભાઇની ખાનદાનીનો એક પ્રસંગ યાદ કરતાં કહ્યું કે હરકિસનભાઇની દીકરીના લગ્નપ્રસંગે મને ખાસ આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, અમદાવાદ એક ભાઇને કહી દીધું કે અશ્વિની ભટ્ટને લઇ આવવાની જવાબદારી તમારી. અશ્વિનીભાઇ પહોંચ્યા એટલે હરકિસનભાઇ તેમને પ્રેમથી મળ્યા, એટલું જ નહીં, મહેમાનોનું સ્વાગત કરવા ઉભેલા કુટુંબીઓ સાથે તેમણે અશ્વિનીભાઇને ઉભા રાખ્યા અને જેટલા મહેમાનો આવે એ બધાની સાથે ઓળખાણ કરાવતા જાય,’આ અશ્વિની ભટ્ટ...’ આ સાંભળીને આપણને થાય,’આ હરકિસન મહેતા...’
‘છેલ્લા ઘણા વખતથી વાચકોને કંઇ નવું અપાયું નથી એનો અફસોસ થાય છે’ એવું અશ્વિનીભાઇ કહે છે. બાકી તેમની પાસેથી અફસોસની વાતો અફસોસના સૂરમાં સાંભળવા ભાગ્યે જ મળે. પોતાના એક-બે પેઢી પછીના માણસો સાથે તેમને વધારે ભળે છે. કારણ કે ‘એ લોકો તબિયતની વાતો કરતા નથી. અમારી ઉઁમરનાને ખાલી ‘કેમ છો?’ પૂછીએ એટલે તબિયતનો અહેવાલ આપવા બેસી જાય.’ આવું તેમણે બાર-તેર વર્ષ પહેલાં એક વાર અને પછી વખતોવખત કહ્યું હતું. એ પોતે ‘હેલ્થ બુલેટિન લીગ’માં નથી. 72 વર્ષની ઉંમરે છાતીમાં પેસમેકર સાથે ફરતા અને અમેરિકામાં એક વાર મૃત્યુ સાથે સાવ નજીકનો પરિચય કેળવી આવેલા અશ્વિનીભાઇ સાથેની લાંબી બેઠકમાં એમની તબિયતનો ‘ત’ પણ આવતો નથી.
સાડા અગિયારની આસપાસ બધાને લાગે છે કે હવે અશ્વિનીભાઇને જવા દેવા જોઇએઃ-) થોડી આજુબાજુના બાંકડા પર સૂતેલા હોટેલના વેઇટરની પણ દયા આવે છે. અમારી બેઠકનો ભાગ બે તો આગળ લાંબો ચાલવાનો, પણ અશ્વિનીભાઇ-નીતિભાભી જતાં પહેલાં આગ્રહપૂર્વક ‘હવે હોટેલમાં નહીં, પણ અમારા ઘરે આવો. બોલો ક્યારે આવો છો? નક્કી કરીને કહો.’ એવું આમંત્રણ- આમંત્રણ નહીં, હુકમ જ વળી- આપતાં ગયાં.
Friday, June 19, 2009
દૂરદર્શન અને ‘દૃષ્ટિકોણ’
યોગાનુયોગે દોઢેક વર્ષથી ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે આવતી મારી કોલમનું નામ પણ ‘દૃષ્ટિકોણ’ છે.
વઘુ એક યોગાનુયોગે, રૂપાબહેનના આમંત્રણથી દૂરદર્શન પરના ટોક શો ‘દૃષ્ટિકોણ’નું સંચાલન ઘણી વાર મારે કરવાનું આવે છે.
છેલ્લા બે-ત્રણ મહિનાથી તો લગભગ દર અઠવાડિયે. એમાં સાચર કમિટીના અહેવાલથી માંડીને અંધશ્રદ્ધાના નામે છેતરપીંડી, મહાગુજરાતનાં પચાસ વર્ષ, વિનય-ચારૂલનાં જાગૃતિગીતો, પચાસ વર્ષમાં ગુજરાતનું દલિત સાહિત્ય જેવા અનેક વિષયો આવરી લેવામાં આવે છે. આ કાર્યક્રમમાં ટીવી પરના છપાઇ ગયેલા ચહેરા સિવાયના બીજા, પોતપોતાના વિષયના અધિકારી લોકોને જોવા-સાંભળવા મળે છે, તે ખાસ નોંધવું જોઇએ. કાર્યક્રમમાં મારી ભૂમિકા મારી પદ્ધતિ પ્રમાણેની- છવાઇ ન જવા માગતા સંચાલકની અને અમુક અંશે ચર્ચામાં સહભાગિતાની- છે, એટલે શો કરવાનું ગમે છે.
રસ ધરાવતા મિત્રો મન થાય તો કાર્યક્રમ જોઇ શકે છે, પ્રતિભાવો આપી શકે છે અને શનિવારે સાંજે સાડા સાત વાગ્યે વઘુ સારાં કામ કરવા હોય તો પણ, કોઇ જોરજુલમી નથીઃ-) આ ચેનલ ગુજરાત બહાર, મુંબઇ અને બીજા વિસ્તારોમાં પણ દેખાય છે, એવી રૂપાબહેને ખાતરી આપી છે.
આવતી કાલના કાર્યક્રમમાં શિક્ષણના ખાનગીકરણ અંગે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર અને ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો.કે.એસ.શાસ્ત્રી સાથેની ચર્ચા છે.
Thursday, June 18, 2009
ધોળાવીરામાંથી મળવાજોગ કેટલીક જાહેરખબરો
સદીઓ જૂની સિંઘુ સંસ્કૃતિના અવશેષ ધરાવતા નગર ધોળાવીરા વિશે એક પુસ્તકના વિમોચનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું કે પહેલું સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળ્યું છે.
એક-બે સહસ્ત્રાબ્દિ/મિલેનિયમ પહેલાંના ગુજરાતમાં જાહેર ખબરનાં સાઇનબોર્ડનો આવો મહિમા હોય, તો વર્તમાન ગુજરાત સરકારના સાઇનબોર્ડ-પ્રેમને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન ગણવો જોઇએ.
ધોળાવીરામાંથી મળી આવેલું સાઇનબોર્ડ સરકારી હતું કે ખાનગી, એ સમયના રાજાનું હતું કે રાજાના માનીતા ઉદ્યોગપતિઓમાંથી કોઇનું, તેમાં બીજી વિકસિત સંસ્કૃતિના લોકોએ સિંઘુ સંસ્કૃતિના લોકો સાથે કરેલા અમુક લાખ કરોડના એમઓયુ વિશે હરખ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અનાર્ય પ્રાંતમાં શરૂ થનારું ગાડાં બનાવવાનું કામકાજ ધોળાવીરામાં લઇ આવવા બદલ રાજાએ વેપારી સંસ્થાઓ દ્વારા પોતાનું જાહેર અભિવાદન કરાવ્યું હતું- આ બધા વિશે વધારે સંશોધનને અવકાશ છે.
ધોળાવીરામાંથી પ્રાચીન કાળનાં કેટલાંક વઘુ સાઇનબોર્ડ મળી આવે, તો તેની પર કેવા પ્રકારની જાહેર ખબરો મળવાની સંભાવના રહે છે? કેટલાક નમૂનાઃ
શીખાબંધન કોચિંગ ક્લાસ
ભૂમિતિ નથી આવડતી? અંકશાસ્ત્રથીં અજ્ઞ છો? ખગોળમાં ખોવાયા છો? તો અત્ર લુપ્તાઃ સરસ્વતી! તમારી સરસ્વતીની શોધ અહીં લુપ્ત થાય છે.
(ક્લાસના નામ પ્રમાણે) અમે વિદ્યાર્થીઓ પાસે ચોટલી બાંધીને મહેનત કરાવીએ છીએ. અમારે ત્યાં આવનારા વિદ્યાર્થીઓ વસ્તુની કિંમત કરતાં વધારે નાણાં ખર્ચવાનું, ખર્ચેલાં નાણાંનું વળતર મળ્યું કે નહીં તેની ચિંતા ન કરવાનું, પોતાના જ ખર્ચે જલસા કરીને તેનો જશ બીજાને આપવાનું અને મહેનત કરવાને બદલે નાણાં ખર્ચીના કામ કઢાવી લેવાનું શીખી જાય છે. એટલે, ગમે તેટલા ટકા આવે, પણ અમારા વિદ્યાર્થીઓ જીવનમાં ક્યાંય પાછળ પડતા નથી.
‘અખિલ ધોળાવીરા શિક્ષણ કસોટી’ -એટલે કે ધોળાવીરા બોર્ડ-માં અમારા એક પણ વિદ્યાર્થીઓનો ૧થી ૧૦માં નબર આવતો નથી. એનું અમને ગૌરવ છે. કારણ કે ધોળાવીરાના બજારમાં ધીરધારથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સુધીના ધંધામાં મોટા ભાગના અમારા વિદ્યાર્થી છે. ધોળાવીરા બોર્ડમાં નંબર લાવનારા એમને ત્યાં નોકરી કરે છે.
અમારે ત્યાંથી નીકળેલા વિદ્યાર્થીઓ નોકરી જેવાં નીચાં લક્ષ્ય રાખતા નથી. અમે તેમને સ્વનિર્ભર બનાવીએ છીએ. એ લોકો અમારે ત્યાંથી નીકળીને સ્વનિર્ભર શિક્ષણસંસ્થાઓ શરૂ કરે છે. ધોળાવીરા બોર્ડમાં બે-ત્રણ પ્રયાસે પાસ થયેલા અમારા કેટલાક તેજસ્વી તારલા ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની વેતરણમાં છે.
અમારા જીવનલક્ષી ભણતરનો લાભ લેવા આજે જ પધારો અને તમારા ગર્ભસ્થ શિશુનું નામ નોંધાવી જાવ. કારણ કે આગામી ૯ વર્ષ સુધીનાં એડમિશન ફુલ છે!
વઘુ અભ્યાસ માટે વિદેશ જવાની તકઃ લક્ષ્મી-સરસ્વતી વિદેશાભ્યાસ કેન્દ્ર
ભણવામાં ઠોઠ સંતાનનાં સમૃદ્ધ માતાપિતાઓ! ઉઠો, જાગો અને તમારૂં સંતાન ડીગ્રી ન મેળવે ત્યાં લગી જંપશો નહીં. આ પુણ્યકાર્યમાં અમે તમને મદદરૂપ થઇશું.
તમારા સંતાનને કંઇ ન આવડતું હોય તો પણ નાસીપાસ થશો નહીં. તમારી પાસે ઘરના વાડામાં નાણાં ભરેલાં માટલાં છે કે નહીં? નાણાંથી ભરેલાં પાંચ માટલાં લઇને અમારી સંસ્થામાં આવો અને યુફ્રેટિસ- તૈગ્રીસ નદીના કિનારે ચાલતી ગમે તે (ગમે તેવી) યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવો. અમારા ક્લાસ દ્વારા પરદેશની યુનિવર્સિટીમાં એડમિશન મેળવનારને પ્રવાસ કરતી વખતે ખભે લટકાવવાની ચામડાની મશક/વોટરબેગ સાવ ફ્રી!
નાણાંનાં પંદર માટલાં લાવનારને યુનિવર્સિટી પહોંચવાના રસ્તામાં લેવી પડતી તમામ પરવાનગીઓ અહીં બેઠાં મેળવી આપવામાં આવશે અને ૩૧ માટલાં ભરીને નાણાં લાવનારને ધોળાવીરામાં બેઠાંબેઠાં તેમના નામની પરદેશી ઉપાધિ/ડીગ્રી ધરાવતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
ખેતસહાયક યોજના
આપની સેવા માટે -અને પોતાની પ્રસિદ્ધિ માટે- સદૈવ તત્પર સિંઘુ સરકારે બેરોજગાર યુવાનો માટે કૃષિસહાયક યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત ખેતરમાં માણસો દ્વારા થતું કામ મેળવવામાં નિષ્ફળ ગયેલા બેરોજગાર કે જમીનવંચિત યુવાનોને ખેતરમાં ‘ખેતસહાયક’ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ખેતસહાયક યોજના અંતર્ગત નિયુક્ત થયેલા ઉમેદવારોએ સરકારી માલિકીનાં ખેતરમાં બે ટંક ભોજન અને વર્ષે પાંચ મણ દાણાના વેતનમાં દસ વર્ષ સુધી ખેતસહાયક તરીકે સેવા આપવાની રહેશે.
‘ખેતસહાયક’ને ખરેખર શું કરવાનું રહેશે? એ સામાન્ય રીતે ફરજ પર હાજર થયા પછી જ જણાવાતું હોય છે. પણ ખેતસહાયકો ઝાઝું ટકતા ન હોવાને કારણે કામગીરીનો પ્રકાર પહેલેથી જાહેર કરવાની ફરજ પડી છેઃ પશુધનમાં ફેલાયેલા રોગચાળાને કારણે આખા પ્રદેશમાં ખેતી માટે ઉપયોગમાં આવતા બળદોની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એ ખોટ સરભર કરવા માટે બેરોજગાર યુવાનોની ભરતી કરવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. હળ ચલાવવાનું કામ ધારીને આવતા ખેતસહાયકોને જ્યારે બળદની જગ્યાએ હળે જોતરાવાનું આવે ત્યારે તેમનો જુસ્સો મરી પરવારે છે. પરંતુ આપણા પ્રતાપી પૂર્વજોએ કહ્યું છે કે કોઇ પણ પ્રકારના શ્રમથી હારવું કે શરમાવું નહી.
ખેતસહાયક યોજના વિશે વઘુ જાણકારી માટે સંપર્ક સાધોઃ ધોળાવીરા (બે)રોજગાર કચેરી. મઘ્ય ગુજરાતમાં રહેતા ઉમેદવારોએ અમારા લોથલના કાર્યાલયનો સંપર્ક કરવો.
ધોળાવીરા-લોથલ દ્રુતગતિશકટમાર્ગ પરિયોજના
આપણી સંસ્કૃતિનાં બે કેન્દ્રો ધોળાવીરા અને લોથલ વચ્ચે યાતાયાત વ્યવહાર/ટ્રાફિકમાં અનેક ગણી વૃદ્ધિ થઇ છે. વર્ષ દરમિયાન ઉજવાતા ‘સપ્તસિંઘુ સ્વર્ણધારા’, ‘ધબકતું ધોળાવીરા’ જેવા સરકારી ઉત્સવો દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ માર્ગો પર અવરજવર કરે છે. મોટા ભાગનો વ્યવહાર પાલખી અને શકટ (ગાડું) પર નિર્ભર છે. પરંતુ બન્ને નગરો વચ્ચેના રસ્તા અગવડદાયક હોવાથી પાલખી ઊંચકવા માટે ‘પાલખીસહાયક’ પૂરતી માત્રામાં મળતા નથી અને ‘ખેતસહાયકો’ ખેતરમાં ભલે હળે જોતરાતા હોય, પણ ગાડામાં બળદની જગ્યાએ જોડાવા રાજી થતા નથી.
આ સમસ્યાઓનો અંત આણવા સરકારે ધોળાવીરા-લોથલ વચ્ચે એક સાથે ચાર ગાડાં ને ચાર પાલખી પસાર થઇ શકે એવો/ફોર લેન દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ હાઇવે) બનાવવાની પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. રસ ધરાવતી પાર્ટીઓએ આગામી પૂનમ સુધીમાં પોતપોતાનાં ટેન્ડર જમા કરાવી દેવાં.
ભૂતકાળમાં આ પ્રકારના દ્રુતગતિમાર્ગની પરિયોજના હાથ ધરાઇ હતી, પણ રસ્તો સૂચવતાં પાટિયાં સાથે કોનું ચિત્ર મૂકવું- ધોળાવીરાના પ્રશાસકનું કે લોથલના પ્રશાસકનું- એ મુદ્દે વિવાદ સર્જાતાં અશાંતિ ટાળવાના ભયે આખી યોજના મોકૂફ રાખવામાં આવી હતી. હવે એ ગૂંચ ઉકલી ગઇ છે. બન્નેમાંથી જે પ્રશાસકના શ્રેષ્ઠી આખી યોજનાનો ખર્ચ ઉપાડી લે, તે પ્રશાસકનું ચિત્ર દ્રુતગતિ માર્ગ સૂચવતાં પાટિયાં સાથે મૂકવામાં આવશે. શરત એટલી કે શ્રેષ્ઠીઓએ સમજૂતીકરાર/એમઓયુ નહીં, ખરેખર બંધનકર્તા નીવડે એવા કરાર કરવાના રહેશે.
Tuesday, June 16, 2009
સિલિકોન વેલીના ભારતીય ગુરૂઃ રાજીવ મોટવાણી
‘ગુરૂ બ્રહ્મા, ગુરૂર્વિષ્ણુ...’ની પરંપરાનું ગૌરવ લેતા આપણા શિક્ષકો-અઘ્યાપકોને ભણાવવા કરતાં ચેલા મૂંડવાની બહુ હોંશ હોય છે. વિદ્યાર્થી તેમની પાસે ભણતો હોય ત્યારે તેનામાં રસ લેનારા ગુરૂઓ કરતાં ‘ફલાણો? એ તો મારો વિદ્યાર્થી! ઢીકણો? એ તો આપણો ચેલો!’ એવો ખોટેખોટો જશ ખાટવા ઉત્સુક ‘ગળેપડુ ગુરૂઓ’ મોટી સંખ્યામાં જોવા મળે છે.
વિદ્યાર્થીઓ પાસેથી અહોભાવ ઉઘરાવવો ન પડે અને વિદ્યાર્થીઓ પ્રેમાદરથી નમતા આવે, એવી પાત્રતા ગુરૂએ કેળવવાની હોય. એ બાબતમાં ભારતના જૂની પેઢીના ગુરૂઓની યાદ અપાવે એવું એક વ્યક્તિત્વ એટલે રાજીવ મોટવાણી. તેમની કર્મભૂમિ અમેરિકા, સાસરૂં અમદાવાદ, પણ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ શીખવતા રાજીવ સિલિકોન વેલીમાં માત્ર કમ્પ્યુટરના ખેરખાં તરીકે નહીં, સદા ખુલ્લા દરવાજા ધરાવનાર ગુરૂ-મિત્ર-માર્ગદર્શક-મદદગાર તરીકે વધારે જાણીતા બન્યા.એટલે જ, ૫ જૂન, ૨૦૦૯ના રોજ ફક્ત ૪૭ વર્ષની ઊંમરે રાજીવ મોટવાણીનું આકસ્મિક અવસાન થયું, ત્યારે આદરાંજલિઓનો ખડકલો થયો. (એ જુદી વાત છે કે ઇન્ટરનેટના યુગમાં રાજીવના મૃત્યુના સમાચાર ભારતમાં પહેલી વાર છેક ૮ જૂનના અખબારમાં પ્રસિદ્ધ થયા.) અનેક નવાં સાહસોને પ્રેરણા, પ્રોત્સાહન અને મદદ આપનાર રાજીવ વિશે ગૂગલના સહસ્થાપક સર્જે બ્રીને સૌથી યાદગાર અંજલિ આપતાં કહ્યું,‘કમ્પ્યુટરમાં તમે જે ટેકનોલોજી વાપરતા હશો તેમાં ક્યાંકને ક્યાંક રાજીવ મોટવાણી સંકળાયેલા હોવાની પૂરી શક્યતા ખરી!’
ભારતીય પરંપરા પ્રમાણે, વ્યક્તિની કદર અને તેની મહાનતા મોટા ભાગના લોકોના મનમાં તેના મૃત્યુ પછી જ ઉગે છે. ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ એ કહેવત સામાન્ય માણસ જેટલી જ મહાનુભાવોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ, ગુજરાતમાં-ભારતમાં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સથી માંડીને ઓબામાની ટીમમાં સમાવાતા ભારતીયોનાં જેટલાં ગૌરવગાન ગવાય છે, તેનાથી સોમા ભાગની વાત પણ રાજીવ મોટવાણી વિશે ન થઇ- જીવતેજીવ પણ નહીં ને મૃત્યુ પછી પણ નહીં!
ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.)ના અડધા સાચા, અડધા આભાસી દબદબા પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.)નો સૂરજ મઘ્યાહ્ને તપતો હતો. અમેરિકામાં રહીને આખા વિશ્વને કમ્પ્યુટર ક્રાંતિ ભણી દોરી જનાર સિલિકોન વેલીના સંશોધનવીરોમાં આઇ.આઇ.ટી.નાં ભેજાંનું પ્રદાન નોંધપાત્ર અને સૌથી જાણીતું રહ્યું. સિલિકોન વેલી માટે ‘ભારત એટલે આઇ.આઇ.ટી.’ એવું સમીકરણ રચાઇ ગયું. રાજીવ મોટવાણી એ સમીકરણને દૃઢ કરનારાં કેટલાંક નામ પૈકી એક હતા.
જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા રાજીવને બાળપણથી ગણિતમાં ઉંડો રસ હતો. તે ગણિતશાસ્ત્રી બનવા માગતા હતા, પણ તેમના ફૌજી પિતા અને પરિવારજનોને ચિંતા હતી કે છોકરો ગણિતશાસ્ત્રી થશે તો તેનું ઘર કેમ કરીને ચાલશે? તેમના આગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી રાજીવે આઇ.આઇ.ટી. (કાનપુર)માં નવા શરૂ થયેલા કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. ગણિત છોડીને કમ્પ્યુટરના ક્ષેત્રમાં જવાનું રાજીવને વસમું લાગ્યું, પણ અભ્યાસ શરૂ થયો ત્યારે કમ્પ્યુટરમાં નકરૂં ગણિત જ ગણિત જોઇને તેમના આનંદનો પાર ન રહ્યો. કમ્પ્યુટર સાયન્સની થીયરીમાં સર્વોચ્ચ ગણાતું ‘ગોડેલ પ્રાઇઝ’ જીતનાર રાજીવ ૧૯૮૮માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી પીએચ.ડી. થયા. તે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા ત્યારથી છેવટ સુધી સ્ટેનફર્ડના સૌથી યુવાન અઘ્યાપકોમાં ગણના પામતા રહ્યા. સ્ટેનફર્ડે તેમને સંશોધન અને બીજી પ્રવૃત્તિઓ માટે મોકળું મેદાન આપ્યું. તેમના બે વિદ્યાર્થીએ સર્જે બ્રીન અને લેરી પેજ ૨૧ વર્ષની ઊંમરે, અભ્યાસની સાથે યુનિવર્સિટીનું સર્ચ એન્જિન પણ ચલાવતા હતા. તે વારેઘડીએ રાજીવ પાસે જઇને વઘુ ને વઘુ મોટી હાર્ડ ડિસ્કની માગણી કરતા.
ખુદ ડેટા માઇનિંગ/ માહિતીના‘ખાણકામ’ના નિષ્ણાત હોવા છતાં અને એ વખતે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એન્જિન હોવા છતાં રાજીવ કદી સર્જે અને લેરીને હતોત્સાહ કરતા નહીં. ઉપરથી નાણાંકીય મદદ પણ કરતા હતા. આગળ જતાં આ બન્ને જણે ‘ગૂગલ’ની સ્થાપના કરી અને જોતજોતાંમાં ‘ગૂગલ’ ફક્ત કમ્પ્યુટર જગતની જ નહીં, વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવતી થઇ. એ વખતે રાજીવ આખા ગામમાં ગાજતા ફરતા ન હતા કે ‘ગૂગલ? એ તો મારા ચેલાઓની કંપની છે!’
‘ગૂગલ’ના તે સત્તાવાર સલાહકાર પણ ન હતા. છતાં, લેરી અને સર્જે વખતોવખત ગુરૂ-કમ-મિત્ર રાજીવને મળતા હતા. સર્જે બ્રીને અંજલિમાં લખ્યું છે કે ‘જીવનના ગમે તેવા ચઢાવઉતારમાં રાજીવના દરવાજા અમારા માટે ખુલ્લા રહેતા.’ ‘ગૂગલ’ અબજો ડોલરની કંપની બનતાં, ગયા વર્ષે હ્યુબર્ટ ચેન્ગ નામના એક કમ્પ્યુટર વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે ‘હું પણ ગૂગલનો સહસ્થાપક છું.’ પોતાના દાવો વિશ્વસનીય લાગે એ માટે ચેન્ગે કહ્યું હતું,‘સ્ટેનફર્ડના પ્રોફેસર રાજીવ મોટવાણીએ મારી ઓળખાણ સર્જે અને લેરી સાથે કરાવી હતી.’ છેવટે, રાજીવે ચોખવટ કરી હતી કે ‘મને યાદ છે ત્યાં સુધી ગૂગલની સ્થાપનામાં પ્રદાનનો ચેન્ગનો દાવો પાયા વગરનો છે. ગૂગલનો ત્રીજો સ્થાપક હોત તો મને ખબર હોત જ.’
અનેક નવા સંશોધકો-વ્યવસાયસાહસિકોને મદદ કરનાર રાજીવ પોતે પ્રાચીન કાળના ગુરૂની જેમ છેવટ લગી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા રહ્યા. સિલિકોન વેલીમાં અબજોપતિ ઘણા છે ને ભેજાબાજોની પણ ખોટ નથી. છતાં રાજીવ મોટવાણીનું સ્થાન એ સૌમાં નોખું હતું. કારણ કે એ સાવ અજાણ્યા નવોદિતોને ખુલ્લાશથી મળતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરતા, તેમના સંશોધનોમાં જરૂરી સુધારાવધારા સૂચવતા અને આર્થિક રીતે મદદરૂપ પણ થતા. ભારતમાં આ સંસ્કૃતિ સાવ આથમી ગઇ હોય, ત્યારે ‘મૂડીવાદી’ અમેરિકામાં કોઇ અઘ્યાપક આ જીવનપદ્ધતિ અપનાવે તે સુખદ આશ્ચર્ય નથી? ‘ગૂગલ’ અને ‘પે-પાલ’ જેવી મસમોટી કંપનીઓના સ્થાપકો જેમને ગુરૂપદે ગણતા હતા અને બીજી અસંખ્ય કંપનીઓ શરૂ કરવામાં જેમણે મદદનો હાથ લંબાવ્યો હતો, એવા રાજીવ ધાર્યું હોત તો સુખેથી તુમાખીગ્રસ્ત અબજપતિની જિંદગી જીવી શક્યા હોત. સ્ટેનફર્ડમાં નોકરી કરવાની તેમને કશી જરૂર ન હતી. પણ તેમની અવિરત ભૂખ સંપત્તિ કે સફળતા માટે નહીં, જ્ઞાન માટે-નવા વિચારો વધાવવા માટેની હતી.
પોતાના બંગલાના સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવેલા રાજીવ મોટવાણીનો અંત તેમનાં ગુજરાતી પત્ની આશા જાડેજા, બે પુત્રીઓ નેત્રી-અન્યા સહિત ઘણાબધાને આંચકો આપી ગયો અને મોટા ભાગના ભારતીયોને, આવી હસ્તીને તેના જીવનકાળ દરમિયાન ન જાણવાનો વધારાનો આંચકો!
(photo courtsey : http://reflections-shivanand.blogspot.com/2007/08/rajiv-motwani.html )
times of India : ભૂલ, ચૂક, ગફલત અને ગોટાળો
આજના timesમાં એડિટ પેજ આખેઆખું ગઈ કાલનું છપાઇ ગયું છે. કેટલાક મિત્રોના મેસેજ પછી એ જોયું. દેખીતી રીતે આ બહુ અક્ષમ્ય લોચો લાગે. પણ સંદેશ મોકલતા મિત્રો સહીત સૌ જરા સમભાવથી વિચારશે તો લાગશે કે આ ભૂલ લાગે છે એટલી અક્ષમ્ય નથી.
times નો બચાવ કરવાનો સવાલ નથી, પણ આ પ્રકારના કામો સાથે સંકળાયેલા હોવાને કારણે મને લાગે છે કે આવી ભૂલ એકાદ કમાંડની ગફલતથી થાય છે. ભૂલ મોટી છે પણ આ કિસ્સો `આંખનું કાજળ ગાલે ઘસવાનો નથી.
ભૂલોના ઘણા પ્રકાર હોય છે. વ્યાકરણદોષ માફ રાખીને ભૂલોના કેટલાક પ્રકાર જોઈએ.
ચૂક : અંગ્રેજીમાં જેને slip કહીએ છે તે. penslip પણ હોય અને mindslip પણ હોય. penslip એટલે મનમાં જુદું હોય ને કાગળ પર કંઇક લખાઇ જાય. mindslip એટલે કોઈ હકીકત વિષે મનમાં ખોટો ખ્યાલ રહી ગયો હોય એને કારણે થતી ભૂલ.
ગફલત: ગાફેલ રહેવાથી થાય તે ગફલત. ડાબા હાથે, પૂરતા ધ્યાન વિના, ઢસડી કાઢવાના મુડથી લખતી વખતે થાય તે.ઉપરના બંને પ્રકારમાં ભૂલ કરનાર ની આવડતની નહીં, પણ ધ્યાનની ઉણપ, ઉતાવળ, બેદરકારી જેવા પરિબળો કારણભૂત હોઈ શકે છે.
ભૂલ: ગણિતમાં ગુણાકાર-ભાગાકાર કરતા કે ઈતિહાસની ટુકનોધ લખતા, ઓફીસના હિસાબમાં કે ટેક્સની ગણતરીમાં જે પડે ત ભૂલ. એમાં ચૂકની સાથે આવડત નો અભાવ પણ જવાબદાર હોય.
ગોટાળો- લોચો : મુખ્યત્વે આવડતની અછતને લીધે થતી ભૂલ. થોડા દિવસ પહેલાં `ભાસ્કર' માં પેરુમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલા `ભારતીયો` વિષે ૬ કોલમ ની ફોટોસ્ટોરી છપાઇ હતી, જે ખરેખર `એમેઝોન ઇન્ડિયન` આદિવાસીની વાત હતી. આવા લચ્છામાં કોઈક સ્તરે ચૂક તો કોઈ સ્તરે ગોટાળો કામ કરતો હોય.
ભૂલના વધુ પ્રકારો વિષે આરોપાત્મક નહિ એવી ચર્ચા આવકાર્ય છે.
(pl. bear with mistakes if any as the matter is typed thro' google's transliteration facility)
Friday, June 12, 2009
પરોઢિયે સ્નાનસત્ર
અસલ ભારતીય પરંપરામાં બે ચીજો મહત્ત્વની હતીઃ સ્નાન અને જ્ઞાન. જૂના વખતમાં સ્નાન પોતે કરવાનો અને જ્ઞાન બીજાને આપવાનો મહિમા હતો. હવે વોલસ્ટ્રીટથી દલાલસ્ટ્રીટ અને ન્યૂયોર્કથી બેંગ્લોર સુધી સર્વત્ર પોતે જ્ઞાન લેવાનું અને બીજાને સ્નાન કરાવવાનું - સાદી ભાષામાં, નવડાવવાનું- ચલણ છે. ભારતવર્ષની ગૌરવપૂર્ણ પરંપરામાં ધન મેળવવા માટે જ્ઞાન અને જ્ઞાન મેળવતાં પહેલાં સ્નાન આવશ્યક ગણાતું હતું. સમય વીતતાં ક્રમ અવળસવળ થયો. હવે જ્ઞાન મેળવવા માટે ધન અને ધન મેળવવા માટે બીજાને સ્નાન કરાવવું ફેશનેબલ ગણાય છે.
જ્ઞાનમાર્ગ અને સ્નાનમાર્ગનો આટલો નિકટનો નાતો હોવા છતાં ઘણાખરા દુન્યવી જીવોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’ રેડવાની રોજિંદી પ્રાતઃક્રિયા. કેટલાક લોકો કોઇ પણ સમયે - અને બીજા કેટલાક કોઇના પણ નામનું- સ્નાન કરવા તત્પર હોય છે. એ માને છે કે ‘નહાવામાં શી ધાડ મારવાની? બે ડબલાં આમ ને બે ડબલાં તેમ. એ તો બે મિનીટનું કામ.’ કહેનાર આ વાત પોતાની ક્ષમતા અને ઝડપ બતાવવા કહે છે, પણ એમ કરવા જતાં તેમની બેદરકારી અને ઉતાવળ છતાં થાય છે. સ્નાન જેવી પવિત્ર ક્રિયાને ડબલાં જેવી તુચ્છ ચીજ સાથે સાંકળવામાં એક ભવ્ય સાંસ્કૃતિક પરંપરાનો કચરો થાય છે તે અલગ.
‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આઘુનિક ભગત લખી શકે છે. કેમ કે, રજાના દિવસે સૌનો સામાન્ય અનુભવ છેઃ ઘરમાં બધાં બેઠાં હોય ને નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે. મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ, નાહી લીઘું હોય, પણ પુરૂષસભ્યો નહાવાનો વારો આવે એટલે ‘પહેલે આપ’નો વિવેક દાખવીને એકબીજા તરફ આંગળી ચીંધે. વહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાના કારણો અપાય. વઘુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના જીડીપીમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે, એવી થીયરી પણ તે સમજાવે છે. એ વાતોથી સાંભળનારનો મૂડ બગડી શકે છે, પણ નહાવા જનારને મૂડ આવતો નથી.
કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડીઘણી ઊંઘ ચોંટેલી હોય, ત્યારે સુસ્ત થઇને બેસી રહેવાની મઝા હોય છે. એ વખતે કોઇ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઇ આવો. એમને ચા-પાણી પીવડાવો. ત્યાં સુધીમાં હું પહોંચું છું.’ આવા માહોલમાં ‘જા, તારૂં પાણી થયું છે. નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો હજારો રૂપિયાની સુસ્તી ધારણ કરીને બેઠા પછી ફક્ત ‘પાણી થયું છે’ એવા મામૂલી કારણસર મહામૂલી સુસ્તી લૂંટાવી દેવાનો આદેશ શી રીતે મનાય?
ઘણાં ઘરમાં રજાના દિવસે પુરૂષવર્ગ છાપું છોડતો નથી. ઓબામાથી અંબામા સુધી બધા સમાચાર વાંચી ન લે, ત્યાં સુધી એમને નહાવાની પ્રેરણા થતી નથી. વચ્ચે વચ્ચે ‘હવે નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા હળવા ઠપકા સંભળાતા રહે છે, પણ સુસ્તીનું સામ્રાજ્ય ભેદીને છાપું વાંચનારના મગજ સુધી પહોંચતાં તેની ધાર બુઠ્ઠી થઇ જાય છે. બધા સમાચારો વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વઘુ એક વાર જાહેર કરીને, જાણે છાપાના નામનું નાહી નાખવાનું હોય એવી રીતે એ નહાવા જવા તૈયાર થાય છે.
રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. ‘મને મન થશે ત્યારે કોઇના કહેવાની રાહ જોવા નહીં રોકાઊં’ એવું જાહેર કરીને એ લોકો સૂચવે છે કે ‘મને મન નહીં થાય, ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જઊં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત તરીકે તે રજાના દિવસે મોડા નહાવા જવાના હોય એવો ભાવ એમની વાતમાં સંભળાય છે. રવિવારે ઘડિયાળના કાંટાની ગુલામીમાંથી મુક્તિનું પ્રભાત ઉગ્યું હોય ત્યારે નહાવાની બાબતમાં પણ સમય ગૌણ થઇ જાય છે. રોજ જે ચાર-પાંચ ક્રિયાઓ એકબીજા સાથે અથડાતી-કૂટાતી-ભીંસાતી અડધા-પોણા કલાકમાં થઇ જતી હોય, એ દરેક ક્રિયાઓ વચ્ચે રજાના દિવસે અડધા કલાકનો વિરામ લઇને માણસો સાટું વાળે છે. ‘આજે શાંતિથી નહાવું છે’ એવું તે જાહેર કરે ત્યારે શરૂઆતમાં ગૃહિણી એવું સમજે છે કે શાંતિથી એટલે સમય લઇને. રોજ આમતેમ ડબલાં ઢોળીને નીકળી જતા હોઇએ એવી રીતે નહીં, પણ પંદર-વીસ-પચીસ મિનીટ સુધી બાથરૂમમાં ભરાઇ રહીને. આ અર્થઘટન ખોટું નથી, પણ ‘શાંતિથી’નો મૂળ અને મુખ્ય અર્થ થાય છેઃ મોડેથી.
રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતુ નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી.
ઘડિયાળનો કાંડો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે, જ્યારે માણસે કચવાતા મને, ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઉઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.
શરીર પર અને એમાં પણ પીઠ પર પાણીનું પહેલું ડબલું રેડાયાની ક્ષણ - પાણી ગરમ કરવામાં સાહિત્યનાં સામયિકોનો ઉપયોગ ન કર્યો હોય તો પણ - કાવ્યાત્મક હોય છે. શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય, પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મુકે છે- પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય - છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય. ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી.
નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ધૂસી જઇને નિરાંતે નહાવું છે. પણ રજાનું પરોઢ ઉગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભૂલાઇ જાય છે.
Tuesday, June 09, 2009
મેરિટમહિમાઃ આંખ બંધ, નાણાંકોથળી ખુલ્લી (unedited)
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના સમયે તેનો ઘ્યેયમંત્ર/મોટ્ટો શું રાખવો એની ચર્ચા ચાલતી હતી, ત્યારે કળાગુરૂ રવિશંકર રાવળે સૂચવ્યું હતું ‘સર્વ ગુણાઃ કાંચનામ્ આશ્રયન્તે’ રાખો. (સંસ્કૃતમાં ભૂલચૂક લેવીદેવી) સઘળા ગુણો કંચન (સોનું-સંપત્તિ)માં સમાઇ જાય છે, એ સત્ય છેલ્લા દોઢેક દાયકામાં શિક્ષણક્ષેત્રે જેટલું સાચું સાબીત થઇ રહ્યું છે તેટલું અગાઉ ક્યારે ન હતું. જૂના જમાનાનું સૂત્ર હતું : ‘ભણેગણે તે નામું લખે ને ના ભણે તે દીવો ધરે.’ નવા જમાનાનું સૂત્ર બનાવવું હોય તો શું બનાવાય? ભણેગણે તે નામું લખે ને ડોનેશન આપે તે સાહેબ બને!
રવિશંકર રાવળે પોતાનાં સંસ્મરણોમાં એક જાપાની યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર ટાંક્યો છેઃ ‘કારકુન કરતાં કારીગર સારો.’ ટેકનોલોજી ક્ષેત્રે જાપાનની પ્રગતિનું રહસ્ય આનાથી વધારે ટૂંકાણમાં વર્ણવી શકાય?
ઓછું ભણતર, સાર્થક ભણતર
એકાદ સદી પહેલાં ઘૂળી નિશાળોમાં પાટલા પર રેતી પાથરીને વતરણાં -લાકડાની સળીઓ- વડે અક્ષરજ્ઞાન મેળવવાનો જમાનો હતો. (‘ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં’ એ કહેવત ત્યારની પડી છે) એ વખતે ‘વર્નાક્યુલર’ - સાત ધોરણ - પાસ ઉમેદવારને સીધી ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે નોકરી મળી જતી હતી. ‘મહેતાજી’, ‘માસ્તર’, ‘પંતુજી’ જેવાં તુચ્છકારસૂચક વિશેષણોને કારણે શિક્ષકનો દરજ્જો ‘ગુરૂ’થી ઘણો નીચો આવી ગયો હતો, પણ મોટા પ્રમાણમાં નિષ્ઠાવાન શિક્ષકો ગરીબી અને વિષમતાઓ છતાં ભાવિ પેઢીને તૈયાર કરવાની પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવતા. એટલું જ નહીં, ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય, એ માટે અંગત રસ લેનારા શિક્ષકો પણ મોટી સંખ્યામાં હતા.
શું એ સમયે ભણેલા લોકો ડફોળ હતા? ના, એ સમયે મોટા ભાગના અભ્યાસનો સીધો સંબંધ વ્યવહારૂ ઉપયોગ સાથે હતો. ચોક્કસ કામ માટે જેટલા અભ્યાસની જરૂર હોય, એટલો અભ્યાસ કરવાથી એ કામ મળી જતું હતું અને લોકો જે વિષય ભણતા તેને સેવતા પણ ખરા. આજની જેમ, ગુજરાતીમાં બી.એ. થયેલા વિદ્યાર્થીને બે-પાંચ વર્ષ પછી ‘સરસ્વતીચંદ્ર’ના લેખકનું નામ ખબર ન હોય, એવું ત્યારે બહુ ઓછુ બનતું. એ સમયના સાક્ષરોમાં ઘણા એવું માનતા કે જ્ઞાન સર્વાંગી હોવું જોઇએ. એટલે, જેમને આપણે ફક્ત ગુજરાતી ભાષાના ઘુરંધર તરીકે ઓળખતા હોઇએ, એવા ઘણા વિદ્વાનો ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસમાં પણ ઉંડો રસ ધરાવતા હતા. ગાંધીયુગના જાણીતા વાર્તાકાર-હાસ્યકાર-કવિ રામનારાયણ વિ. પાઠકે નોંઘ્યા પ્રમાણે, તેમના વિદ્યાર્થીકાળમાં એવી છાપ પ્રચલિત હતી કે ઉત્તમ નિબંધ લખવો હોય, તો શુદ્ધ વિજ્ઞાનની જાણકારી હોવી જોઇએ. (આ માન્યતા આગળ જતાં ખોટી પુરવાર થઇ હોવાનું પણ તેમણે લખ્યું છે.)
છેક પચાસ વર્ષ પહેલાં સુધી બી.એ. કે બી.એસસી. કરનારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકતા હતા. સ્નાતક કક્ષાનો અભ્યાસ અત્યારની જેમ ‘ગુડ ફોર નથિંગ’ કે ‘ટાઇમપાસ’ ગણાતો ન હતો. અંગ્રેજી સાથે બી.એ. થયેલાંનાં અંગ્રેજી ને કેમિસ્ટ્રી સાથે બી.એસસી. થયેલાંની રાસાયણિક બાબતમાં સમજણ ઉત્તમ ગણાતી હતી. (તેમાં ઠોઠ નિશાળીયા રહેવાના, પણ અપવાદરૂપે.) માત્ર બી.એસસી.ના અભ્યાસના જોરે રસાયણશાસ્ત્રમાં નવાં સંશોધનો કરનારા વિદ્યાર્થીઓ પણ ત્યારે ઓછા ન હતા.
આખો સમયગાળો એવો હતો, જ્યારે ગરીબ માતાપિતા પોતાના સંતાનને ભણાવીને, તેને સારા કામે લગાડીને કોટે વળગેલી ગરીબીથી છૂટકારો મેળવવાનાં સ્વપ્ન જોઇ શકતાં હતાં. ફાનસના કે સ્ટ્રીટલાઇટના અજવાળે, ઉછીનાં પુસ્તકો વાંચીને ભણેલા લોકો બોર્ડમાં નંબર ભલે ન લાવે, પણ પોતાનું અને પોતાના પરિવારનું જીવન ઉજાળી શકતા. પોતાની આવડતના બદલામાં રોજગારી મેળવી શકતા.
એનો અર્થ એવો નથી કે જૂના વખતમાં બઘું સમુંસૂતરૂં હતું. રાજ કપૂરની ‘આગ’ કે ‘આવારા’ જેવી ૧૯૫૦ની આસપાસની ફિલ્મોમાં શિક્ષિત બેકાર યુવાનોની વ્યથાને, થોડી ફિલ્મી રંજકતા સાથે, બરાબર વાચા આપવામાં આવી છે. ભણી લીધા પછી પોતાના ભણતરને અનુરૂપ કામ ન મળે, એવી પેઢી સર્જાવાનું શરૂ થઇ ચૂક્યું હતું. વઘુ અભ્યાસ માટે પરદેશ ભણવા જવાની ફેશન હતી, પણ તેનું પોસાણ બહુ ઓછાને હતું.
યાદ છે ત્યાં સુધી, છેક એંસીના દાયકા સુધી ગુજરાતમાં બારમા ધોરણમાં ૭૫ ટકા લાવનાર વિદ્યાર્થીઓની ગણના તેજસ્વી તરીકે થતી હતી. તેમને સહેલાઇથી મેડિકલ લાઇનમાં એડમિશન મળી જતું હતું. સિત્તેર ટકા કે વઘુ માર્ક માટે વપરાતો શબ્દ ‘ડિસ્ટીંક્શન’ ખરેખર સાર્થક હતો. કેમ કે, બારમા ધોરણમાં સિત્તેરથી વઘુ ટકા લાવનારા માટે ઉજ્જવળ કારકિર્દીના દરવાજા ખૂલી જતા હતા. એ વખતે કારકિર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, એ જુદી વાત છે.
સામાન્ય બુદ્ધિના ફુરચા ઉડાડતો મેરિટનો વિસ્ફોટ
‘વિસ્ફોટ’ શબ્દ સમસ્યાના સંદર્ભે મુખ્યત્વે ‘વસ્તીવિસ્ફોટ’માં વપરાય છે, પણ મેરિટનો વિસ્ફોટ વસ્તીવિસ્ફોટ કરતાં જરાય ઉતરતી સમસ્યા નથી. બીજા શબ્દોમાં તેને (આભાસી) મેરિટનો ફુગાવો પણ કહી શકાય. જરા વિગતે વાત કરીએઃ
ગુજરાતમાં જ્યારે સિત્તેર-પંચોતેર ટકા લાવતાં આંખે પાણી આવી જતાં, ત્યારે મહારાષ્ટ્રમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ ૯૦-૯૫ ટકા લઇ આવતા હતા. દર વખતે મહારાષ્ટ્ર બોર્ડનું પરિણામ જાહેર થાય, એટલે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના વિદ્યાર્થીઓ આશ્ચર્યથી આંખો ફાડીને જોઇ રહેતાઃ જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ને મેથ્સમાં ૭૦ માર્ક લાવતાં હાંફી જવાય છે, તેમાં લોકોના ૯૦-૯૫ માર્ક શી રીતે આવતા હશે? શું ખાતા હશે આ લોકો?
પછી સમજાયું કે ‘શું ખાતા હશે?’ એ સવાલ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નહીં, મહારાષ્ટ્રની ખાનગી કોલેજોના સંચાલકો માટે પૂછવા જેવો હતો. શિક્ષણને ધમધમતા ધંધામાં ફેરવી નાખવામાં મહારાષ્ટ્ર ગુજરાત કરતાં બે-ત્રણ દાયકા આગળ હતું. ત્યાંના ઘણા રાજકારણીઓ સંખ્યાબંધ ખાનગી કોલેજોના નામે શિક્ષણની દુકાનો સ્થાપીને બેસી ગયા તા. એ દુકાનો ધમધમતી રાખવા માટે વિદ્યાર્થીઓનાં ધાડાં જોઇએ. ગુજરાતના સામાન્ય ધોરણ પ્રમાણે ડિસ્ટિંક્શન લાવનારા વિદ્યાર્થીઓ બહુ થોડા હોય. એટલા વિદ્યાર્થીઓથી ખાનગી કોલેજો શી રીતે ચાલે? એટલે, જેમને દુકાન કહેવામાં દુકાનનું અપમાન થવાની બીક લાગે, એવી ખાનગી માલિકીની શિક્ષણસંસ્થાના લાભાર્થે છૂટા હાથે ટકાની લહાણી કરવામાં આવી. પરીક્ષાલક્ષી શિક્ષણવ્યવસ્થામાં ટકાને ‘મેરિટ’ ગણીએ, તો મેરિટમાં જબ્બર ફુગાવો આવ્યો. ગુજરાતમાં જે વિદ્યાર્થીના સિત્તેર ટકા આવે, તે મહારાષ્ટ્રમાં પંચ્યાશી-નેવુ ટકા લાવી શકે એવું ગણિત રચાયું. તેના કારણે તબીબી અને ઇજનેરી શાખામાં સરકારી કોલેજ ઉપરાંત ખાનગી શિક્ષણસંસ્થાઓ પણ છલકાવા લાગી.
ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુદાં જુદાં નામે, સીટો વેચવાની પણ જોગવાઇ હોય છે. ઓછા ટકા આવ્યા હોય, પણ રૂપિયાનો તોટો નથી? તો આ સંસ્થાઓમાં પ્રવેશ તૈયાર છે! કમનસીબે, મહારાષ્ટ્રમાં જે બે-ત્રણ દાયકા પહેલાં બન્યું, તે એટલા જ કે કદાચ વધારે વરવા સ્વરૂપે અત્યારે ગુજરાતમાં બની રહ્યું છે.
કહેવાતી મેરિટનો ફુગાવો એવો વઘ્યો છે કે ૮૦ ટકા લાવનારને શું કરવું એ મૂંઝવણ થઇ પડે છે. ફક્ત ૭૦ કે ૮૦ ટકા હોય અને ખર્ચવાના બે-પાંચ-સાત લાખ રૂપિયા ન હોય, તો વિદ્યાર્થીના ટકા ૬૫ છે, ૭૦ છે કે ૮૦- એમાં ઝાઝો ફરક પડતો નથી. પરંતુ રૂપિયા ખર્ચવાની તાકાત હોય તો ખાનગી સંસ્થાઓની લાલ જાજમ સદા બિછાવાયેલી છેઃ આપનાં પુનિત પગલાં પાડો અને ખિસ્સાનો જ નહીં, તિજોરીનો ભાર પણ હળવો કરો.
‘અનામત’ વિશે સમજ્યા વિના ઝૂડાઝૂડ કરતા અને દલીલો તળે પોતાનાં દ્વેષ કે અજ્ઞાન છૂપાવવામાં નિષ્ફળ જતા લોકોને અનામતના આ પ્રકાર વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. રૂપિયાવાળા માટે બેઠકો અનામત રહે, એમાં ‘મેરિટ’ની કે તેજસ્વી લોકોને થતા અન્યાયની બૂમો ભાગ્યે જ પડે છે, પરંતુ સદીઓ જૂના અન્યાય સામે માંડ સાઠ વર્ષથી અનામતની ભાંગીતૂટી ટેકણલાકડી ધરનારા છાશવારે ‘હવે ક્યાં સુધી સહન કરવાનું?’ એવી બૂમો પાડે છે. તેમની સ્વાર્થી અણસમજ દયનીય છે. હાડમાં જ્ઞાતિઆધારિત ભેદભાવ ધરાવતા ભારતમાં કેવળ ભણતરથી સમાનતા સ્થાપી શકાશે, એવું માનનારા ભ્રમમાં જીવે છે. આઇ.આઇ.ટી.-આઇ.આઇ.એમ.થી માંડીને સરકારી નોકરીઓમાં કાર્યરત દલિતો પ્રત્યે તેમના સરેરાશ બિનદિલત સહકર્મીઓના ભેદભાવના કિસ્સા એકલદોકલ નહીં, અસંખ્ય છે.
દલિતો-આદિવાસીઓની અનામત અને અન્ય પછાત વર્ગોની અનામત માટેની મૂળભૂત ભૂમિકા જુદી છે. પણ મેરીટપ્રેમના નામે દલિત અનામતના દ્વેષમાં ભાન ભૂલી જતા દલીલબાજો ક્યારે નસમાં વહેતા જ્ઞાતિગત ભેદભાવ પર ઉતરી આવે છે અને પૂરૂં સમજ્યા વિના દલિતોની અનામતનો વિરોધ કરવા માંડે છે, તેની ખુદ એમને પણ સરત રહેતી નથી.
સામાજિક ભેદભાવો જેમના માટે પૂર્ણ ભૂતકાળ નહીં, પણ ચાલુ વર્તમાનકાળ છે એવા દલિતોને મળતી અનામત સાથે રૂપિયાના જોરે એડમિશન ખરીદનારાની ‘અનામત’ એક વાર સરખાવી જોજો. મન ખુલ્લું હશે તો વિચારોની દિશા બદલાય પણ ખરી!
Monday, June 08, 2009
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાઃ આરોપોની ઓથે છૂપાયેલી અસલિયત
પરદેશમાં ભારતીયો પર હુમલા થાય, એટલે ભારતમાં તરત રંગભેદ/રેસીઝમ વિશે કકળાટ શરૂ થઇ જાય છે. પારકી ભૂમિ પર વસતા ભારતીયો વિશે ચિંતા થવી સ્વાભાવિક છે, પણ રંગભેદની વ્યાપક અને સાચી છતાં સંપૂર્ણ નહીં એવી દલીલ તળે સમસ્યાનાં બીજાં અનેક પાસાં દબાઇ જાય છે.
વિદેશમાં સમાન વ્યવહારની અપેક્ષા રાખતા ભારતીયો પોતાના ગામ કે શહેરમાં દલિતો સાથે કેવો વ્યવહાર રાખે છે, એની ચર્ચા કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. (કમનસીબે, ફરી એ સમય કદી આવતો નથી!) ફક્ત એટલું જાણવું પૂરતું થઇ પડશે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કેટલાક આખાબોલા ગુજરાતીઓ/ભારતીયો પોતાની જાતને ‘ઓસ્ટ્રેલિયાના દલિત’ તરીકે ઓળખાવે છે!
ઓસ્ટ્રેલિયા ભણી ભારતીયોનો- ખાસ કરીને વિદ્યાર્થીઓનો- પ્રવાહ છેલ્લા દોઢેક દાયકાથી વળ્યો છે. ત્યાંની શિક્ષણવ્યવસ્થાથી પરિચિત મિત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતની સરખામણીએ ઓસ્ટ્રેલિયાના શિક્ષણમાં ભાગ્યે જ કંઇ મોહાઇ પડવા જેવું છે. ભારતની જેમ જ, સીડની યુનિવર્સિટી જેવી બે-ચાર શિક્ષણસંસ્થાઓને બાદ કરતાં મોટે ભાગે શિક્ષણની દુકાનો ‘યુનિવર્સિટી’ તરીકે ધમધોકાર ધંધો કરી લે છે. બે વર્ષથી સીડનીમાં લોકપ્રિય ગુજરાતી એફએમ રેડિયો ‘સુરસંવાદ’ (www.sursamvaad.net.au) ચલાવતાં સંગીતજ્ઞ-લેખિકા-પત્રકાર આરાધના ભટ્ટ કહે છે તેમ, ‘ભારતથી આવતા વિદ્યાર્થીઓ જે કહેવાતી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, તેમાંથી મોટા ભાગની સંસ્થાઓનાં નામ સુદ્ધાં અહીં વસતા લોકોએ સાંભળ્યાં નથી હોતાં.’ છતાં ભારતના (અને ચીન જેવા દેશના પણ) વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા પહોંચે છે. તેનાં એક કે વધારે કારણ હોઇ શકે છેઃ
૧) પરદેશી ડિગ્રીથી વટ પડે એવી માન્યતા, જે દિવસે દિવસે વઘુ ને વઘુ ખોટી સાબીત થઇ રહી છે. કારણ કે એવો કોઇ કોર્સ નથી જે બીજા દેશોની કે ભારતની પણ સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં વઘુ સારી રીતે થતો હોય.
૨) ફક્ત ભણવા અને ભણીને ભારત પાછા આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ બહુ થોડા હોય છે. મોટા ભાગના લોકોનું ઓસ્ટ્રેલિયાગમન ‘ભારત છોડો’ કાર્યક્રમનો હિસ્સો હોય છે. કોઇ પણ ભોગે ભારત છોડવાથી સુખી થઇ જવાશે એવી માન્યતાથી દોરવાઇને તે વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા પહોંચે છે અને ભણીને ત્યાં જ કાયમી નિવાસ/પરમેનન્ટ રેસીડેન્ટશીપ મેળવવા પ્રયત્નશીલ રહે છે.
૩) અમેરિકા જવાના રસ્તા વઘુ ને વઘુ સાંકડા થતાં, ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચવાના પગથીયા તરીકે ઓસ્ટ્રેલિયાનો ઉપયોગ કરે છે. ત્યાં ભણીને, નોકરી કરીને, કાયમી રહેવાસી થઇ ગયા પછી અમેરિકા ઉપડી જવાની ગણતરીએ પણ ઓસ્ટ્રેલિયા જનારાની સંખ્યા વધી છે.
ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયની માગ વધારે હોય (દા.ત. નર્સ) તેના વિદ્યાર્થીઓને કાયમી નિવાસ માટે વધારે ગુણ આપવામાં આવે છે. પરંતુ એવાં મોટા ભાગનાં કામ કરવા માટે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકો ઇચ્છુક હોતા નથી. એટલે સરકાર એ લાયકાત ધરાવતા બીજા દેશના લોકો માટે દરવાજા ખોલે છે.
ઓસ્ટ્રેલિયા હોય કે બીજો કોઇ પણ દેશ, તે આશ્રય આપવાના ઉદાર ભાવથી નહીં, પણ પોતાના દેશને જેનાથી ફાયદો થવાનો હોય એવી આવડત ધરાવતા પરદેશીઓને જ પ્રવેશ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો, દરવાજે ટકોરા મારનાર જેટલી જ ગરજ દરવાજો ખોલનારની પણ હોય છે. પણ પરદેશીઓની સંખ્યા વધે, એટલે સ્વાભાવિક રીતે પ્રશ્નો શરૂ થાય છે. ‘સૂરસંવાદ’ રેડિયોનાં આરાધના ભટ્ટની જેમ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, સિડની સાથે ૧૮ વર્ષથી સંકળાયેલા મહેશ ત્રિવેદીને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની વર્તણૂંક વિશે ઘણું કહેવાનું છે. તેનો સાર એટલો કે ઓસ્ટ્રેલિયાની સામાન્ય સભ્ય રીતભાત પ્રમાણે કેવી રીતે રહેવાય, તે જાણવાની દરકાર બહુ ઓછા વિદ્યાર્થીઓ કરે છે. તેમાંથી પણ ક્યારેક સંઘર્ષ પેદા થાય છે. સરકાર સસ્તા ભાવે મળતા, ઉંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા પરદેશી કામદારોનો ફાયદો ગુમાવવા ઇચ્છતી નથી અને સ્થાનિક પ્રજાને નારાજ કરી શકતી નથી.
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ત્યાંની સરકાર ભારતીય વિદ્યાર્થીઓને આવવા દઇને તેમની પર ઉપકાર કરે છે? ભારતીય વિદ્યાર્થીઓ ભલે એવું માનતા હોય, પણ તેમને ઓસ્ટ્રેલિયા જવાની જેટલી ગરજ છે, એટલી જ ગરજ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓને આ વિદ્યાર્થીઓની છે. તોતિંગ રૂપિયા ખર્ચીને શોભાની ઓસ્ટ્રેલિયન ડિગ્રી લેવા માટે વિદ્યાર્થીઓ તૈયાર જ ન થાય, તો પરદેશી વિદ્યાર્થીઓના મોહના જોરે તગડી કમાણી કરતી ઓસ્ટ્રેલિયાની બહુમતિ તકલાદી શૈક્ષણિક સંસ્થાઓનું શું થાય?
પરંતુ ત્રણેક વર્ષથી સીડની (ઓસ્ટ્રેલિયા) રહેતાં ગુજરાતી પત્રકાર પૂર્વી ગજ્જર કહે છે તેમ, ભારતથી ઓસ્ટ્રેલિયા આવેલા મોટા ભાગના લોકો ભેદભાવ સામે લડતાં તો ઠીક, તેની વાત કરતાં પણ ખચકાય છે. વિદ્યાર્થી અવસ્થાથી નોકરી અને કાયમી નિવાસ સુધીના દરેક તબક્કે તેમને લાગે છે કે ‘સામે પડીશું તો ક્યાંક આપણા નામ પર ચોકડી વાગી જશે.’ ઓસ્ટ્રેલિયાના નાગરિક બન્યા પછી પણ તેમની આ ગ્રંથિ નીકળતી નથી.
સો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા જેવી જગ્યાએ નિષ્ફળ અને શરમાળ બેરિસ્ટર ગાંધી રંગભેદના અપમાન સામે લડી શકતા હોય, તો આઘુનિક જમાનામાં ભેદભાવનો મુકાબલો શા માટે ન થઇ શકે? પરંતુ સામનો કરવાની વાત આવે એટલે મુખ્ય બે મુશ્કેલી નડે છેઃ
૧) અમુક હદ સુધીનો રંગભેદ સ્વીકાર્ય અને તેનાથી વધે તો જ અસ્વીકાર્ય, એવી મર્યાદા ગાંધીએ બાંધી ન હતી! ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણાખરા ભારતીયો એક યા બીજા સ્વરૂપે, ઓછાવત્તા અંશે રંગભેદનો ભોગ બનતા હોય છે. છતાં, દહેજની જેમ રંગભેદ પણ જ્યાં લગી પોસાય ત્યાં સુધી માન્ય કરવાનું ભારતીયો શીખી ગયા છે. તેમનો વાંધો રંગભેદ સામે નહીં, પણ ‘હદ વટાવતા રંગભેદ’ સામે છે.
પોતાને થયેલા રંગભેદના અનુભવનો ખુલ્લાશથી સ્વીકાર કરનારા અને ‘હું આ નહીં ચલાવી લઊં’ એવા જુસ્સાથી વાત કરનારા એન.આર.આઇ. જૂજ પ્રમાણમાં જોવા મળે છે. બાકીના ‘આપણી ગરજ છે એટલે અપમાન ગળીને પણ ખમી ખાઇશું’ એ વિચારે અથવા ‘રંગભેદનાં અપમાનની વાત કરીએ તો આપણા સામાજિક મોભા/સ્ટેટસનો કચરો ન થાય?’ એ વિચારે ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ની નીતિ અપનાવીને એકબીજાની ‘આબરૂ’ જાળવી લે છે.
૨) રંગભેદ જેવા વ્યાપક ભેદભાવ સામે લડવાનું આવે ત્યારે મોટો સવાલ એ થાય કે ‘ભારતીયો’ એટલે કોણ? અજાણ્યા મુલકમાં એકલદોકલ માણસ ‘ભારતીય’ હોઇ શકે, પણ તેમની સંખ્યા વધે તેમ રાજ્ય, જિલ્લો, ગામ, ખડકી, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, સમાજ જેવા વિભાગ પડતા જાય છે. ભારતીયોનાં સંગઠનોની કમી નથી હોતી, પણ એવી બહુમતિ સંસ્થાઓનું મુખ્ય અવતારકાર્ય વારેતહેવારે જમણવારો કે ગરબા યોજવાનું અને કોઇને પ્રમુખ તો કોઇને ખજાનચી બનાવીને તેમની અઘૂરી રહેલી વાસનાઓનો મોક્ષ કરવાનું બની જાય છે. એક પ્રજાસમુહ તરીકે દેશના નાગરિક જીવનમાં ભાગ લેવાનું અથવા બીજાને કે પોતાને થતા અન્યાયો સામે સંગઠીત થઇને લડવાનું પ્રમાણમાં બહુ ઓછું બને છે.
ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો પર હુમલા થાય ત્યારે રંગભેદ એક મહત્ત્વનું કારણ હોવા છતાં, તે એકમાત્ર કારણ નથી હોતું. રંગભેદ જેવી લાગણી મુખ્યત્વે બિનલોહીયાળ સ્વરૂપે, ઉપેક્ષા કે અપમાનો થકી, વધારે પ્રમાણમાં વ્યક્ત થતી હોય છે. પૂર્વીના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લેબેનોનથી આવેલા લોકો માથાભારે તરીકે પંકાય છે. એ ભારતીય વિદ્યાર્થીઓની જેમ રૂપિયા ગાંઠે બાંધીને ભણવા નહીં, પણ ગમે તે વ્યવસાયમાં જોતરાઇ જવાના હેતુથી જ ઓસ્ટ્રેલિયા આવતા હોય છે. માથાભારે પ્રકૃતિને કારણે તે વારંવાર લૂંટફાટ અને હુમલા જેવી પ્રવૃત્તિઓમાં સરી પડે છે. એવાં જૂથો માટે અથવા કેટલાક સ્થાનિક ગુંડા/આડી લાઇને ચડેલા ઓસ્ટ્રેલિયનો માટે ભારતીય વિદ્યાર્થીઓ ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહે છે. તેમાં રંગભેદ જેટલું અથવા મોટે ભાગે એના કરતાં વધારે તત્ત્વ ગુંડાગીરીનું હોય છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા હુમલા વિશે ચિંતા કરતી વખતે આ મુદ્દા ઘ્યાનમાં રાખવામાં આવે, તો ચિત્રનો અસલી રંગ વધારે સ્પષ્ટતાથી જોઇ શકાશે. નવેસરથી જાગેલા રંગભેદના બૂમરાણ નિમિત્તે ઓસ્ટ્રેલિયામાં -અને બીજા દેશોમાં- વસતા ભારતીયો પોતાના આંતરિક ભેદભાવ ભૂલીને એક થાય, સમાન હકો માટે સંગઠીત થાય તથા પોતે જેવા ભેદભાવથી અકળાઇ જાય છે, એવું વર્તન ભારત આવીને બીજા લોકો સાથે ન કરે, તો વિવાદનો કંઇ અર્થ સરે. બાકી, કેવળ રંગભેદની બૂમો પાડીને કે એકાદ રેલી કાઢીને સંતોષ માની લેવાથી શું થાય?
Saturday, June 06, 2009
ગુજરાત વિશે કલ્પના અને ‘વર્ચ્યુઅલ રીઆલીટી’
ફિલ્મઉદ્યોગમાં અને રાજકારણમાં જ્યુબિલી ઉર્ફે જયંતિઓનું મહત્ત્વ ઘણું હોય છે. કેમ કે, બન્નેમાં આખરે ધંધાનો સવાલ છે. જયંતિઓ ઉજવવાથી પોતાની ‘બ્રાન્ડ’ ભણી નવેસરથી લોકોનું ધ્યાન ખેંચવાની કે તેમનામાં નવેસરથી ઉત્સાહ જગાડવાની તક મળે છે.
ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વર્તમાન રાજકારણમાં એક બ્રાન્ડ છે. ગુજરાત, તેનું હિત, તેની અસ્મિતા, તેનું ગૌરવ, તેનો વિકાસ – આ બધું મુખ્ય મંત્રી માટે સાધ્ય નહીં, પણ સાધન છે- પોતાની બ્રાન્ડ મજબૂત કરવા માટેનું સાધન. છતાં ગુજરાતની પ્રજાને તે એવું સમજાવવામાં સફળ રહ્યા છે કે આગળ જણાવેલી ચીજો તેમનું સાધ્ય છે. આમ કરવામાં જો કે તે પહેલા નથી. નજીકના ભૂતકાળમાં ‘નયા ગુજરાત’ અને નર્મદા યોજના થકી ચીમનભાઇ પટેલે આવી જ સફળતા મેળવી હતી.
વર્તમાન મુખ્ય મંત્રી કમ્યુનિકેશનની કળામાં પારંગત અને પોતાની બ્રાન્ડનું કોઇ પણ ભોગે માર્કેટિંગ કરવામાં બેશરમ છે. ગુજરાતમાં પૂર આવ્યાં ત્યારે તેમણે છપાવેલાં મદદની અપીલ માટેનાં કાર્ડમાં તારાજીગ્રસ્ત વિસ્તારોની હવાઇ તસવીર (એરીયલ વ્યુ) ઉપર પોતે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરતા હોય, એવું કટઆઉટ મુકાવ્યું હતું. આફતને અવસરમાં પલટાવવો તે આનું નામ.
આવા ઉત્સાહી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસમું બેસતું હોય, એવા અવસરનો લાભ લેવાનું અને એ નિમિત્તે એકાદ ‘કેચી’ સ્લોગન વહેતું મુકવાનું ચૂકે? તેમણે ગુજરાતની સુવર્ણજયંતિ નિમિત્તે આપેલું ‘કેચ-ફ્રેઝ’ છેઃ સ્વર્ણીમ ગુજરાત. આ સૂત્રને અપનાવવું કે તેની ટીકા કરવી, એ બન્નેમાં સરવાળે એ સરકારી સૂત્રનો મહીમા થાય છે. એટલે ‘સ્વર્ણીમ ગુજરાત’ વિશેની કલ્પના કરવાની કસરત- તેમાં મુખ્ય મંત્રીની બ્રાન્ડના રાજકારણની ટીકા હોય તો પણ- અંતે મુખ્ય મંત્રીની પ્રચારગાડીમાં ચડી જવા બરાબર નીવડી શકે છે.
છતાં કલ્પના કરવાની જ હોય, ગુજરાતના વર્તમાન વિશે- તેના ભવિષ્ય વિશે તો, નિરાશાવાદી થયા વિના, પણ એ કલ્પનાઓ સાકાર થવાની નહીંવત્ આશા સાથે, સૂઝતી કેટલીક રમ્ય કલ્પનાઓઃ
- ગુજરાતમાં કાર્યરત આધ્યાત્મિક ફિરકા, પંથ, સંપ્રદાય, આશ્રમોના દર છ મહિને જાહેર હિસાબો કરવા માટે પ્રજાના પ્રતિનિધિઓ ધરાવતું એક માળખું રચવામાં આવે, જેની પાસે અદાલતની માન્યતા અને કાયદા દ્વારા મળેલી સત્તા હોય. નિયમિતપણે થતા હિસાબોમાં ગોટાળા જણાય, ત્યારે યોગ્ય દંડ અને સજા ફટકારીને આ ક્ષેત્રે પારદર્શકતા સ્થાપવામાં આવે. આવું જ એક માળખું સ્વૈચ્છિક સંસ્થાઓના હિસાબોની તપાસ માટે પણ રચવામાં આવે. તેમને મળેલી નાણાંકીય સહાયમાંથી જે સંસ્થાએ 50 ટકા કરતાં વધુ રકમ વહીવટી ખર્ચમાં વાપરી હોય તેને સ્વૈચ્છિક સંસ્થાને બદલે પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવાની જાહેરાત કરવામાં આવે.
- સ્વૈચ્છિક સંસ્થાઓ જીપ સિવાય બીજું કોઇ ચાર પૈડાનું વાહન વાપરી શકે નહીં, એવું ઠરાવવામાં આવે. લક્ઝરી કાર, સ્પોર્ટસ યુટીલીટી વેહિકલ જેવી મોંઘીદાટ ગાડીઓ વાપરનારી સંસ્થાઓને પણ આગળ જણાવ્યા પ્રમાણે, પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવે.
- ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ‘માસ મુવમેન્ટ’નો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે. ગુજરાતના જાહેર જીવનમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી સક્રિય જાણીતા-અજાણ્યા કાર્યકરો, સંસ્થાસંચાલકો અને બિનરાજકીય નેતાઓના સારા-નરસા અનુભવોનો તેમાં લાભ લેવામાં આવે. આ અભ્યાસક્રમ હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓની પહેલી બેચ સંબંધિત યુનિવર્સિટીઓમાં રાજકીય વફાદારીથી કુલપતિ બની બેઠેલાઓ સામે આંદોલન કરીને, તેમને ઘરભેગા કરે.
- નરેન્દ્ર મોદી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઇને પરેશ રાવલનું સ્થાન જોખમમાં મુકી દેનારા સુપરસ્ટાર ચરિત્ર અભિનેતા બની જાય. તેનાથી ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થશે.
- હિંદી ફિલ્મોમાં છવાઇ ગયેલાં ગુજરાતી નામો વર્તમાન હિંદી ફિલ્મોની કક્ષા અને બજેટની ગુજરાતી તથા એવા જ અવનવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો બનાવે. ફક્ત મેઘાણી-મુન્શી-દર્શક કે જોસેફ મેકવાન-રજનીકુમાર પંડ્યા-હરકિસન મહેતા-અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી જ નહીં, ઇલાબહેન ભટ્ટ કે માર્ટિન મેકવાન જેવાની સંઘર્ષકથાઓ પરથી પણ ઉત્કૃષ્ટ પ્રોડક્શન વેલ્યુ ધરાવતી ગુજરાતી ફિલ્મો બને. અનિલ અંબાણી અને સ્ટીવન સ્પીલબર્ગની સંયુક્ત નિર્માણસંસ્થા તેના માટે નાણાં રોકે.
- ગુજરાત વિદ્યાપીઠ અને ભો.જે. સંશોધન ભવનથી માંડીને ગુજરાતભરનાં પુસ્તકાલયોમાં રહેલાં પચાસ વર્ષથી જૂનાં તમામ સામયિકો-પુસ્તકોનું ડીજીટાઇઝેશન થાય. ગુજરાતબહાર મુંબઇ-કલકત્તાનાં પુસ્તકાલયોમાં રહેલી સામગ્રીને પણ તેમાં આવરી લેવાય. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીનું (‘નેશનલાઇઝેશન’ની જેમ) ‘પીપલાઇઝેશન’ કરવામાં આવે.
- ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતાથી માંડીને પ્રતિભાવાન હયાત સાહિત્યકારો વિશે ‘ડિસ્કવરી’ પર આવતા કાર્યક્રમોની કક્ષાની ડોક્યુમેન્ટરી બને. નીરવ પટેલ, સાહિલ પરમાર જેવા કવિઓની કવિતાઓ નરસિંહ મહેતા-મીરાબાઇની કવિતાઓની જેમ ઘેર ઘેર જાણીતી બને અને લોકોના મનમાં જ્ઞાતિપ્રથા અંગે શરમ તથા સમાનતાનો જુસ્સો પેદા કરે. ચંદુ મહેરિયા હજાર-હજાર પાનાંના છ ભાગમાં પથરાયેલી આત્મકથા લખે, જે દલિત સમસ્યાથી માંડીને ગુજરાતના જાહેર જીવન અને આંદોલનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના આગેવાનો તથા સાહિત્યજગત વિશેનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે.
- ગુજરાત વિદ્યાપીઠમાં ખાદી અને કાંતણને ફરજિયાત બનાવતો નિયમ દૂર થાય. ખાદીને બદલે ગાંધીના ચરિત્રનાં માનવીય પાસાં ઉભારતાં પાંચ-દસ પુસ્તકોનો અભ્યાસ, તેના વિશેની મુક્ત ચર્ચાઓ અને આંબેડકરચરિત્ર ફરજિયાત બને.
- ગુજરાતી ભાષાનાં વિજ્ઞાન-ગણિત-અંગ્રેજી-આઇ.ટી.નાં પાઠ્યપુસ્તકો નગેન્દ્રવિજય પાસે તૈયાર કરાવવામાં આવે. પ્રજાકીય નાણાંના પ્રચંડ બગાડ જેવા સાયન્સ સીટીની સેંકડો ખામીઓ દૂર કરીને, તેને નવેસરથી સજ્જ કરવાનું અને દરેક જિલ્લામાં આવાં સાયન્સ સીટીની નાની આવૃત્તિઓ ઊભી કરવાનું કામ પણ નગેન્દ્રભાઇ અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાને સોંપવામાં આવે.
- અફસોસ અને ગંભીરતા સાથે યાદ કરવું પડતું એક નામ સ્વ. રવજીભાઇ સાવલીયાનું છે. ભાજપની સરકારો સાથે તેમને નિકટના સંબંધો હોવા છતાં, તેમની પ્રચંડ પ્રતિભાનો લાભ ગુજરાતને મળી શક્યો નહીં એ ગુજરાતનું કમનસીબ છે. વૈકલ્પિક ઊર્જા અને જળસંચયથી માંડીને બ્રહ્માંડનાં રહસ્યો અને વૈજ્ઞાનિક વિચારસરણીની બાબતમાં રવજીભાઇ ગુજરાતને મળેલું – અને ગુજરાતે જેને વેડફી નાખ્યું એવું- દુર્લભ રત્ન હતા. ગુજરાતના હિતમાં મને કોઇ એક માણસ સજીવન કરવાનું કહેવામાં આવે તો અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને હું રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું નહીં, પણ રવજીભાઇ સાવલિયાનું નામ આપું. તેમના પરિચયમાં આવેલા લોકો આ વાતમાં અંગત લાગણી કરતાં વધારે પ્રમાણમાં નક્કર વાસ્તવિકતાનું તત્ત્વ જોઇ શકશે.
- રાજકારણીઓ અને તેમને પેદા કરનારું પ્રજામાનસ એકદમ સુધરી જાય, એવું તો રમ્ય કલ્પનામાં પણ આવતું નથી. હા, ગુજરાતમાં બે ટંક ભોજન વિના કોઇ ન સુએ, દરેક જણ વાંચી-લખી શકે એટલું શિક્ષિત હોય, ફક્ત પારસીઓ જ નહીં, બધા ધર્મોના ગુજરાતીઓ એકબીજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય, ગામેગામ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હોય...અને લોકો ફક્ત કલ્પનાઓ કરીને બેસી રહેવાને બદલે પોતાનાથી બને એટલું કામ પણ કરતા હૌય...
Friday, June 05, 2009
વજેસિંહ પારગી વિશે
આજે અપવાદરૂપે મિત્ર કિરીટ પરમારના બ્લોગ પરથી તેમના એક લેખની લિન્ક અહીં મૂકું છું.
http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html
પરમ ભાષાસેવી અને પ્રૂફરીડરની ઓળખ જેમના માટે બહુ નાની પડે એવા વજેસિંહ પારગી વિશેનો એ લેખ સહૃદયી મિત્રોએ વાંચવા જેવો છે.
વજેસિંહ સાથેનો મારો પ્રત્યક્ષ પરિચય ઓછો, પણ તેમના કામનો હું પ્રશંસક છું. એમના વિશે પહેલી વાર શિવજીભાઇ અને અપૂર્વ આશર પાસેથી સાંભળ્યું. મારૂં હાસ્યનું પહેલું પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ લેખકના નામ વિના પહેલી વાર વજેસિંહભાઇ પાસે વંચાવા ગયું હતું અને મને જાણવા મળ્યું કે તેમનો અભિપ્રાય સારો આવ્યો છે. એટલું જ નહીં, તે વ્યવહાર ખાતર સારા અભિપ્રાયો આપનારા માણસ નથી! ‘બત્રીસ કોઠે હાસ્ય’ વિશે તેમણે મને લખેલો પત્ર- જેમાં એમણે પોતાના દૃષ્ટિકોણથી મારા પુસ્તકની ખૂબી અને મર્યાદા બન્ને ચીંધી બતાવ્યાં હતાં- અત્યાર સુધીના ઉત્તમ પત્રોમાંનો એક છે.
‘મારા જીવનનો વળાંક’ એ પુસ્તકમાં મારા લેખમાં ગાઢ મિત્ર તરીકે બિનીત (મોદી)નો ઉલ્લેખ વાંચીને વજેસિંહભાઇએ એ વખતે ‘મેટ્રો’માં કામ કરતા બિનીતને એ મતલબની ચિઠ્ઠી લખી હતી કે ‘કોઇની સાથે આટલી ગાઢ મૈત્રી હોવી એ કેવી સરસ વાત છે.’
પ્રૂફરીડરનો દબદબો જોયો હોય એવાં પ્રાણીઓની છેલ્લી જમાતમાં મારો સમાવેશ થાય. મુંબઇમાં ગાંધીભાઇ (હસમુખ ગાંધી)ના અટપટા અક્ષર ઉકેલતા પ્રૂફરીડરથી ‘સંદેશ’ના ચંદ્રકાંત ભટ્ટ જેવા આ ક્ષેત્રના લોકો કામ કરતા જોયા છે. અત્યારે પ્રૂફરીડિંગ, કિરીટ પરમારે યોગ્ય રીતે જ લખ્યું છે તેમ, ‘દલિત’ બની ગયું છે, ત્યારે વજેસિંહભાઇ જેવી સમર્થ અને સજ્જ વ્યક્તિનું તેમાં હોવું ગુજરાતી ભાષાના સૌ પ્રેમીઓ માટે આશીર્વાદરૂપ છે.
પાત્ર અને લેખક બન્નેને અભિનંદન
http://kikasakari.blogspot.com/2009/05/blog-post.html
Thursday, June 04, 2009
કૂપ(ન)મંડુક વાચકો માટે માઠા ખબરઃ કૂપનયુગનો અંત
દિવ્ય ભાસ્કરના માર્કેટિંગ હલ્લા સામે વ્યૂહરચના તરીકે ગુજરાત સમાચારે છાપાંમાં કૂપન આપવાની શરૂઆત કરીઃ એક ફોર્મ, ત્રીસ (કે એકત્રીસ) કૂપન. મહિના પછી કૂપન ચોંટાડેલું ફોર્મ નક્કી કરેલી જગ્યાએ જમા કરાવો અને તમારી ફ્રી ગિફ્ટ મેળવો, જે છાપાનાં બિલ કરતાં વધારે રકમની હોય. છાપાંએ સસ્તા, નાખી દેવાના ભાવે અથવા દબડાવીને કે જાહેરખબર છાપવાના સાટામાં એ ચીજ પડાવી હોય, તે જુદી વાત થઇ.
અખબારો કંઇક આપી પણ શકે, એવો અહેસાસ અમદાવાદના વાચકો માટે સુખદ આંચકો આપનારો હતો. જોતજોતાંમાં અમદાવાદની જનતા છાપાં છોડીને કૂપનની કાયલ થઇ. કૂપન સામે ગિફ્ટ તરીકે પ્લાસ્ટિકની બાલદીથી માંડીને તકલાદી બેગ, તકલાદી ઓશિકાં, અથાણાં, કપડાં ધોવાના સાબુ, ચ્યવનપ્રાશ અને એક મહિને એક અખબારે ઓન ધ સ્પોટ આઇસક્રીમની સ્કીમ પણ રાખી હતીઃ કૂપન ભરેલું ફોર્મ લઇને આવો અને આઇસક્રીમ ખાઇને જાવ. જરા કલ્પી જુઓઃ ભરઉનાળામાં કૂપનકેન્દ્ર પર લાંબી લાઇન લાગી હોય અને બંકાઓ-બંકીઓ કૂપન ભરેલાં ફોર્મ ચેક કરાવે, એકાદ કૂપન ન હોય તો તે ચલાવવા માટે રકઝક કરે, કંઇ ન ચાલે તો છેવટે કૂપનકેન્દ્રો પર કૂપનનું બ્લેકમાર્કેટિંગ કરતા- અને ઇચ્છિત તારીખની કૂપન બે-પાંચ રૂપિયામાં આપતા- માણસો પાસેથી કૂપન ખરીદે, ચોંટાડે અને આ રીતે મહેનતની કમાણીથી મળેલો, ઓગળું-ઓગળું થતો આઇસક્રીમ ખાઇને ટાઢક અનુભવે, ત્યારે દેવોને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવાનું મન ન થાય?
દરેક વિસ્તારમાં શરૂ થયેલાં કૂપનકેન્દ્રો પર મહિનાની શરૂઆતની તારીખોમાં, ભરઉનાળે પચાસ-સો માણસ લાઇનમાં ઉભેલાં હોય એ દૃશ્ય સામાન્ય હતું. સાયકલથી ઓપેલ એસ્ટ્રા સુધીનાં વાહનો લઇને ઉત્સાહીઓ ગિફ્ટ લેવા આવતા હતા. પત્રકારોથી માંડીને પોલીસ સુધીના સૌને અમદાવાદમાં લાઇનમાં ઉભેલા જોઇને વિચાર આવતો કે આવાં દૃશ્યો અને આટલી લાંબી લાઇનો રેશનની દુકાને પણ જોઇ નથી.
ગૃહસ્વામિનીઓના એક -અથવા વારંવારના- આદેશથી ભલભલાને કૂપનની લાઇનમાં ઉભવું પડતું હતું. (જાણકારીઃ મહેમદાવાદમાં આવી લાઇનો થતી ન હતી. ફેરિયો કૂપન કાપે, ચોંટાડે અને ગિફ્ટ ઘરે આપી જાય, એવી યોજના હતી! કૂપન ચોંટાડવા સામેનો મારો આરંભિક વિરોધ ઘરમાં ટક્યો ન હતો.)
એકવીસમી સદીનું અમદાવાદ વીસમી સદીના અમદાવાદથી ઘણું અલગ પડી રહ્યું હતું. ક્યાં પોતાના નાના ભાઇને ખોળામાં બેસાડીને તેની બસની ટિકીટ બચાવી લેતાં મિલમાલિકોનાં છોકરાં અને ક્યાં બાપાના પૈસે પેટ્રોલના ઘુમાડા કરતાં નવધનિકોનાં ઉડાઉ છોકરાં! પણ કૂપનયુગે ફરી જૂના અમદાવાદમાં મારા જેવા ઘણાની શ્રદ્ધા દૃઢ કરી આપીઃ અમદાવાદમાં કંઇ પણ મફત આપો, તો ભલભલા લાઇનમાં ઉભા રહેવા તૈયાર થઇ જાય! અમદાવાદના અને ગુજરાતના અખબારી ઇતિહાસમાં જ નહીં, સામાજિક ઇતિહાસમાં પણ કૂપનની નોંધ લેવી પડશે.
Tuesday, June 02, 2009
કોંગ્રેસની જીતઃ ‘જય હો’ ની બીજી બાજુ
વાદળાં એવાં બંધાયાં છે કે તેમાંથી રાહુલ ગાંધીનાં ઓવારણાં લેતાં ‘અમીછાંટણાં’ - ખરેખર તો ‘માખણછાંટણાં’- ટપક્યા જ કરે. વડાપ્રધાન મનમોહન સિંઘે પોતાના હોદ્દાની ગરીમાને બદલે પક્ષકીય વફાદારીને વધારે મહત્ત્વ આપીને, રાહુલને મંત્રીમંડળમાં સામેલ થવા વિનંતી કરી હતી. પરંતુ ૨૦૦૪ની ચૂંટણી પછી સોનિયા ગાંધીએ વડાપ્રધાન થવાનું માંડવાળ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી, તેમ આ વખતે રાહુલ ગાંધીએ મંત્રીમંડળમાં સામેલ થવાની ના પાડીને કમ સે કમ ધીરજનો પરચો તો આપ્યો છે.
પ્રમાણ જાળવવાની પળોજણ
રાહુલ ગાંધીની ખૂબીઓની યાદી બનાવવાનું કામ અત્યારે પૂરબહારમાં ચાલુ છે. યુવાન, ભણેલા, સૌમ્ય, કઠણ વાસ્તવિકતાનો પરિચય મેળવી રહેલા, સરળ, લોકો વચ્ચે ધસી જનારા, યુવાનોમાં પ્રિય- આ રાહુલના કેટલાક બહુ જાણીતા ગુણ છે. આ ગુણો નેતા બનવા ઇચ્છનાર માટે બહુ ઉપયોગી છે, પણ એ પૂરતા નથી.
દેખીતી વાત છે કે રાહુલ ગાંધીનો ઉછેર વડાપ્રધાન બનાવવા માટે થઇ રહ્યો છે. કેવળ ગાંધી કુટુંબમાં જન્મ લેવાને કારણે રાહુલ, બીજા અનેક સંભવિત લાયક ઉમેદવારોને બાજુ પર રાખીને વડાપ્રધાન બને, એ વાત લોકશાહીમાં પચાવવી અઘરી છે. છતાં, કોંગ્રેસનું માળખું એવું ગાંધીકેન્દ્રી છે કે બીજા યુવાન સાંસદોમાંથી એક કે ઘણા રાહુલ કરતાં વધારે હોંશિયાર હોય તો પણ તે કદી વડાપ્રધાન બનવાનું સ્વપ્નું જોઇ શકે નહીં. રાહુલ માટે વડાપ્રધાનપદ ખરા અર્થમાં ‘પિતાશ્રીની ગાદી’ છે. એવું ન હોઇ શકે- ન હોવું જોઇએ એટલી સાદી વાત લોકો સ્વીકારી શકતા નથી. તેનું એક કારણ છેઃ સરેરાશ ભારતીય પ્રજાના મનમાં ઉંડે ઉંડે રાજપરિવારો માટે રહેલો આદર અને રૈયતપણાનો દૃઢીભૂત થયેલો ભાવ. તેનાથી પ્રેરાઇને પ્રસાર માઘ્યમો સુદ્ધાં રાહુલ ગાંધીને રાજપરિવારના ગણીને તેમના માટે ‘યુવરાજ’ જેવા શબ્દપ્રયોગ વાપરે છે- કેમ જાણે ભારત પ્રજાસત્તાક દેશ નહીં, રજવાડું હોય.
ટૂંકા જાહેરજીવનમાં રાહુલ ગાંધી હજુ બિનવિવાદાસ્પદ રહ્યા છે. તેમની કોલંબિયન ગર્લફ્રેન્ડનો કિસ્સો હવે ભૂતકાળ છે. એનું સંભવિત કારણ ભારતના રાજકારણમાં સક્રિય થવાની પૂર્વતૈયારી પણ હોય. રાહુલ રાજકારણથી દૂર રહ્યા હોત તો આ તેમની અંગત બાબત હતી, પણ હવે સ્થિતિ જુદી છે. રાહુલની સૌથી મોટી લાયકાત એ ગણાય છે કે તેમની સાથે કોઇ નકારાત્મક બાબત સંકળાયેલી નથી. સોનિયા ગાંધીના વિદેશી મૂળ સામે વાંધો ઉઠાવનારા એ બાબતે રાહુલ સામે વાંધો પાડી શકે એમ નથી. ભણેલા-શહેરી-દેખાવડા તરીકે રાહુલ દેશના મઘ્યમ વર્ગને તથા યુવાનોને આકર્ષી શકે છે. પણ ભારતના વડાપ્રધાન બનવા માટે આટલી લાયકાત પૂરતી છે?
તેનો જવાબ છેઃ ના. આ જવાબ અંગે સોનિયા ગાંધી અને ખુદ રાહુલ ગાંધી સભાન હશે. એટલે જ કદાચ તે પોતાની લાયકાત કેળવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન ફક્ત ‘ફીલગુડ’ની લાગણી પેદા કરે એટલું પૂરતું નથી. ભારત નક્કર સમસ્યાથી ઘેરાયેલો દેશ છે. સમસ્યાઓની સમજણ અને તેમની સામે ઝીંક ઝીલવા માટે આંતરરાષ્ટ્રિય બાબતોનો અભ્યાસ આવશ્યક છે. વૈશ્વિકીકરણ પછી વિદેશની સમસ્યાઓનો રેલો ક્યારે ભારતમાં પહોંચી જાય, તેનો ખ્યાલ રહેતો નથી. ઉપરાંત, દેશની ભયંકર આંતરિક સમસ્યાઓ તો ખરી જ. ભારતના સંભવિત વડાપ્રધાનની ચાંચ ફક્ત વર્તમાનકાળમાં જ નહીં, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ ડૂબતી હોય એ જરૂરી છે.
અત્યારે કોંગ્રેસની બેઠકસંખ્યા વધારે છે એટલે બધા જૂના જોગીઓ પિંજરામાં પુરાયેલા વાઘની માફક કહ્યાગરા લાગે છે. પણ રાહુલ ગાંધીને જેટલાં વર્ષ થયાં, એના કરતાં વધુ વર્ષોથી રાજકારણમાં પડ્યાપાથર્યા રહેનારા નેતાઓ મોજૂદ છે. તે કાયમ માટે કહ્યાગરા રહેશે એવું માની લેવાને કારણ નથી.
‘આ બધા સાથે પનારો પાડી શકે એવો નેતા ફક્ત આદર્શમાં કે કલ્પનામાં જ હોઇ શકે’ એવું જેમને લાગે, તેમણે યાદ રાખવું કે ચૂંટણીની જીત પછી, રાહુલ ગાંધીની આવી ‘સુપરમેન’ છાપ ઉભી કરવામાં આવી રહી છે. રાહુલની સ્વચ્છ પ્રતિભા અને તેમના યુવા નેતૃત્વ પર ઓળઘોળ થતી વખતે એ ભૂલવું ન જોઇએ કે સહાનુભૂતિના મોજા પર ચૂંટાઇ આવેલા રાજીવ ગાંધી રાહુલ કરતાં પણ વધારે ‘નિર્દોષ’ હતા. છતાં કેટલાક સન્મિત્રોની સાથોસાથ અમુક હજૂરિયાઓ-સલાહકારોની સંગતને કારણે તેમના રાજકીય જીવન પર જ નહીં, પક્ષ ઉપર પણ બોફર્સનો એવો ધબ્બો પડી ગયો જે તેમના મૃત્યુનાં આટલાં વર્ષે પૂરેપૂરો સાફ થયો નથી. રાજકારણમાં વર્ષોથી જમાવેલી પ્રતિષ્ઠા ગુમાવવામાં વર્ષો લાગતાં નથી. એક જ ભૂલ પૂરતી થઇ પડે છે. રાહુલ રાજીવ કરતાં પ્રમાણમાં અનુભવી છે. છતાં હજુ એમને ભૂલ કરવાની તક મળી નથી. એટલે એ બાબતમાં તેમનાં વખાણ વહેલાં ગણાય.
મનમોહનથી મોહાયા વિના
નેહરૂ-ગાંધી પરિવાર સિવાયના કોંગ્રેસી નેતા તરીકે બીજી વાર વડાપ્રધાન બનીને ડૉ.મનમોહન સિંઘે વિક્રમ સર્જ્યો છે. પરંતુ જે રીતે સીતારામ કેસરીએ કે નરસિંહરાવે ગાંધી પરિવારથી સ્વતંત્ર રહીને સત્તા ભોગવી, એવું ડૉ.સિંઘ માટે શક્ય બનવાનું નથી.
સૌમ્ય-શાલીન વ્યક્તિત્વ તરીકે જાણીતા ડૉ. સિંઘ, સહેજ અતિશયોક્તિ વાપરીને કહીએ તો, કેટલીક બાબતમાં રાહુલ ગાંધીની ‘અર્થશાસ્ત્રી આવૃત્તિ’ છેઃ નિર્દોષ, નિરૂપદ્રવી, શહેરી મઘ્યમ વર્ગને પોતાપણાનો અહેસાસ આપે એવા...પરંતુ ‘તહલકા’ સામયિકના તંત્રી તરૂણ તેજપાલે થોડા વખત પહેલાં મનમોહન સિંઘનાં લેખાંજોખાં કરતી વખતે નોંઘ્યું હતું તેમ, આમઆદમીની વાત કરતા ડૉ. સિંઘ ગરીબોનાં હિતની વાત આવે ત્યારે મોટે ભાગે સામા પક્ષે (ધનિકોના પક્ષે) ઉભેલા જોવા મળે છે. ડૉ.સિંઘની શાલીનતા અને નબળાઇ વચ્ચેની ભેદરેખા ભારત-અમેરિકા પરમાણુ સંધિ જેવા કેટલાક મુદ્દા સિવાય મોટે ભાગે અદૃશ્ય રહેતી હોય છે. મુંબઇ પરના ત્રાસવાદી હુમલા પછી તેમણે કેટલાક લોકોની અપેક્ષા મુજબ પાકિસ્તાન સામે યુદ્ધ ન છેડી દીઘું એ સારૂં જ કર્યું, પણ ઘરઆંગણે ત્રાસવાદનો મુકાબલો કરવાના તંત્રમાં થયેલી પ્રગતિ ભાગ્યે જ સંતોષકારક કહેવાય એવી છે.
છેલ્લા થોડા સમયમાં ડૉ.સિંઘનું સૌથી આઘાતજનક વિધાન ૧૯૮૪ના શીખ હત્યાકાંડ વિશેનું હતું. તેમણે એ મતલબનું કહ્યું હતું કે ‘જૂના ઘાને ક્યાં સુધી ખોતર્યા કરવાના?’ ડૉ.સિંઘ પોતે શીખ છે, તેનાથી આખા વિધાનમાં કરૂણતાની સાથે વક્રતા પણ ભળી હતી. ‘જૂના ઘા ક્યાં સુધી ખોતર્યા કરવાના?’ એનો જવાબ બહુ સ્પષ્ટ છેઃ ન્યાય ન થાય ત્યાં સુધી!
કોંગ્રેસ, મનમોહન સિંઘ અને સોનિયા ગાંધી શીખ હત્યાકાંડ વિશે નૈતિક જવાબદારી સ્વીકારીને માફી માગી ચૂક્યાં છે. છતાં એટલું પૂરતું નથી. (ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના રાજમાં આટલા લાંબા સમય સુધી હિંસાચાર ચાલ્યો તેની નૈતિક જવાબદારી સ્વીકારવાનું અને દિલગીરી વ્યક્ત કરવાનું પણ હજુ સૂઝ્યું નથી. લોહીના ડાઘ ઉપર ‘વિકાસ’નો ગાલીચો પાથરવાથી કામ ચાલી જાય?) કોંગ્રેસના મનમાં માફી ‘ઉગી’ હોત તો જગદીશ ટાઇટલર અને સજ્જનકુમારને ટિકિટ મળી ન હોત. જેમની સામે ભયાનક અપરાધના આરોપો છે, એવા લોકો ન્યાયપ્રક્રિયાને બદલે તેની છટકબારીમાંથી બહાર નીકળી જાય, તેને ન્યાય થયો શી રીતે કહેવાય?
કોંગ્રેસવિરોધી એટલે ભાજપી? ભાજપવિરોધી એટલે કોંગ્રેસી?
સમીકરણ તો એવું જ બેસાડવામાં આવ્યું છે. કારણ કે તે અનુકૂળ છેઃ કોંગ્રેસની ટીકા કરે તેને ભાજપી ગણી લેવાના અને ભાજપની ટીકા કરે તેને કોંગ્રેસી/સેક્યુલર/લઘુમતિતરફી!
કોંગ્રેસ-ભાજપ મુખ્ય રાજકીય પક્ષો છે, એ બરાબર. ચૂંટણી વખતે બન્નેમાંથી કોઇ એકને જ મત આપી શકાય છે, એ પણ બરાબર. પરંતુ એવું કોણે કહ્યું કે નાગરિકોએ કોઇ એક પક્ષના ડાબલા પહેરી લેવા પડે? કોંગ્રેસનું તકલાદી સેક્યુલરિઝમ ન ગમતું હોય, ૧૯૮૪નાં શીખ રમખાણોના મુદ્દે કોંગ્રેસી નેતાઓને આકરામાં આકરી સજા થાય એવી દિલી ઇચ્છા રહેતી હોય છતાં, એ બધા વાંધા સહિત- અને ચૂંટણી પછી એ વાંધા ભૂલ્યા વિના- કોંગ્રેસને મત આપી શકાય. એ જ રીતે, ભાજપનું સગવડીયું કોમવાદી વલણ ન ગમતું હોય, રામમંદિરના નામે પોતાની ખીચડી પકાવવાની ચાલ સામે ગુસ્સો હોય, ૨૦૦૨માં ગુજરાતમાં સરકારની નિષ્ફળતા અને તેને છાવરવાની નફ્ફટાઇ અંગે રોષ ચડતો હોય, છતાં સ્થાનિક કે બીજી કોઇ ગણતરીથી ભાજપને મત આપી શકાય. દરેક નાગરિક પાસે એટલી સ્વતંત્રતા હોય છે.
પણ થાય છે શું? કોંગ્રેસ અને ભાજપ બન્નેનાં અન્યાયી વલણોની ટીકા કરવાની સાવધાન વૃત્તિ રાખવાને બદલે નાગરિકો એક યા બીજા પક્ષની છાવણીમાં વિશ્રામ કરતા થઇ જાય છે. એક યા બીજા નેતાના ચગડોળે ચડીને, તેમના અવેતન બચાવકર્તા થઇ જાય છે.
ડૉ. મનમોહન સિંઘ શીખ હત્યાકાંડ વિશે જે કંઇ બોલ્યા, તેની ટીકા ચાલતી હોય ત્યારે ‘તેમના આર્થિક સુધારાની વાત કરો’ એવું કોઇ કહે તો કેવી ખીજ ચડે? ભાજપ-કોંગ્રેસથી દૂર રહેલા એક નાગરિક તરીકે, એવી જ હાલત ૨૦૦૨ના ગુજરાતની વાત વખતે થાય છે. એ વાત શરૂ થાય એટલે તરત ગાડી એ મુદ્દા પર આગળ ચાલવાને બદલે ફટાફટ ૧૯૮૪ હત્યાકાંડ-કાશ્મીરના પંડિતો જેવા પાટા બદલવા લાગે છે. સામાન્ય નાગરિકને ૧૯૮૪ જેટલો જ વાંધો ૨૦૦૨ સામે હોવો જોઇએ, એ વાતને ભૂલાવી દેવામાં આવે છે અને કોઇ પક્ષે ઝલાવેલી તતુડીઓ વગાડતાં ‘એ વખતે તમે ક્યાં હતા?’નું કોરસ ચાલુ થઇ જાય છે.
સાર એટલો કે મતદારો મત ગમે તે પક્ષને આપે, પણ કોઇ પક્ષના કે નેતાના ખોળે માથું મૂકીને ઊંઘી ન જાય અને એ કદી કશું ખોટું કરી જ ન શકે, એવા ભ્રમમાં ન રાચે. ‘બધા પક્ષો સરખા છે’ એમ કહીને પોતાને ગમતા પક્ષનાં દૂષણો છાવરીને ફક્ત વિરોધી પક્ષની છાલ ન ઉતારે.
સંશયાત્માઓનો જય હો.