Tuesday, March 31, 2009

સરૂપ ધ્રુવના પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’નું વિમોચન : ઉમ્મીદ જગાડતી ચર્ચા-પ્રવચનો

(L to R : Ghanshyam Shah, Sultan Ahmed, Tridip Suhrud, Ramesh Dave, Sarup Dhruv, Hiren Gandhi ) :

ગુજરાતના પ્રતિબદ્ધ સાહિત્ય ક્ષેત્રે લેવાતાં ગણ્યાંગાંઠ્યાં નામમાં સરૂપબહેન (ધ્રુવ)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણો અને કાવ્યો વીંધે, ચીંધે, ઝકઝોરે, ઠમઠોરે, વિદેશી ભાષાઓમાં અનુવાદિત અને સન્માનિત થાય, દેશી ભૂમિ પર પ્રતિબંધિત પણ થાય...
સરૂપબહેનના હિંદી પુસ્તક ‘ઉમ્મીદ હોગી કોઇ’ નું વિમોચન શનિવારે, 28 માર્ચની સાંજે, ‘કર્મશીલો’ના ‘પીપળા’ જેવા મહેંદીનવાઝજંગ હોલમાં થયું.
2002-2006ના ગુજરાતમાં કેટલાંક પાત્રો-પ્રસંગોની વાત માંડતા ‘ઉમ્મીદ...’ના વિમોચન સમારંભનું આમંત્રણ આકર્ષક હતું. ફોર કલરમાં છપાયેલા બે ફોલ્ડવાળા કાર્ડમાં ઉપર મશહૂર ચિત્રકાર ગુલામ મહંમદ શેખનું ચિત્ર હતું (જે પુસ્તકના ટાઇટલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું.) વક્તા તરીકે ઘનશ્યામ શાહ, ત્રિદીપ સુહૃદ, સુલતાન અહેમદ અને રમેશ દવે હતા. પહેલા બે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિત અનેક વિષયોમાં ઊંડાણભર્યો રસ ધરાવનારા અભ્યાસી, સુલતાન અહેમદ હિંદીના અધ્યાપક, કવિ, કડક વિવેચક અને રમેશ ર. દવે સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. (‘આવા કાર્યક્રમમાં તમે ક્યાંથી?’ એ મતલબનું આશ્ચર્ય કેટલાક મિત્રોએ વ્યક્ત કર્યાનું રમેશભાઇએ પ્રવચનના આરંભે જ હળવાશથી કહ્યું)
***
સંવેદન-સાંસ્કૃતિક મંચના કલાકારોએ ‘સચકી યાદ, યાદોંકા સચ’ ગીતથી શરૂઆત કર્યા પછી સરૂપબહેનના સાથી હીરેન ગાંધીએ પુસ્તક વિશેની ભૂમિકા બાંધીને ત્રિદીપ સુહૃદને બોલવા નિમંત્ર્યા. પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ મેળવનાર ત્રિદીપભાઇ સુરેશ જોષીના ‘છિન્નપત્ર’ કે ચંદુભાઇ દલાલના હરિલાલ ગાંધી વિશેના પુસ્તકનું અંગ્રેજી પણ કરે ને આશિષ નાંદી-ગણેશ દેવી-પાઉલો ફ્રેરેને ગુજરાતીમાં લઇ આવે. તેમણે પોતાના દસ-પંદર મિનીટના ટૂંકા વ્યાખ્યાનમાં ‘સાક્ષીપણું’ કેન્દ્રસ્થાને રાખીને તેની મીમાંસા કરી. (સરૂપબહેન 2002-2006ના બનાવોનાં સાક્ષી રહ્યાં એ સંદર્ભે)

ત્રિદીપ સુહૃદ
(અત્યાચારની) કોઇ પણ ઘટનામાં ચાર પક્ષ હોયઃ ભોગ બનનાર, અત્યાચાર કરનાર, પ્રેક્ષક અને સાક્ષી. પહેલા બેની ઓળખ બહુ સ્પષ્ટ છે. પ્રેક્ષક એ છે જે દૂર રહીને આનંદ લઇ શકે છે. મોટા ભાગના લોકો પ્રેક્ષક હોય છે. ‘સાક્ષી’નું માહત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું,’સાક્ષીનો સીધો સંબંધ સાક્ષાત્કાર સાથે છે અને અસત્યનો-જૂઠાણાંનો સાક્ષાંત્કાર હોઇ શકે નહીં.’ સાક્ષી માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘ટેસ્ટીમની’ને તેમણે ‘ટેસ્ટામેન્ટ’ના કુળનો ગણાવ્યો. (ત્રિદીપભાઇને કદાચ ખ્યાલ નહીં હોય કે કહેવાતા ચિંતકો આવી એકાદ-બે શબ્દરમતો ઉપર આખેઆખી કોલમ ફટકારી પાડે છે.)

સાક્ષી બનવાનું કામ કહો તો કામ ને જવાબદારી કહો તો જવાબદારી ઐતિહાસિક રીતે સ્ત્રીઓના માથે આવી છે, એમ કહીને ત્રિદીપભાઇએ મરિયમ, ઝૈનબ અને દ્રૌપદીના દાખલા ટાંક્યા. મરિયમ સાક્ષી ન હોત તો ઇસુને ક્રોસે ચડાવ્યાની ઘટના અને તેમના પુનરાગમનની ઘટનાનું કદાચ આ મહત્ત્વ ન હોત. આ પ્રકારની ઘટનાઓ સાક્ષી વિના અપૂર્ણ (ત્રિદીપભાઇનો શબ્દ બીજો હતો) રહે છે. આપણે ત્યાં આ પ્રકારનું (સાક્ષીભાવ ધરાવતું) સાહિત્ય બહુ નથી થયું- ભાગલા વખતે થોડાઘણા પ્રયાસ થયા હતા- એટલે આ પુસ્તક સાક્ષીને- જુબાનીને સમજવાની નવી જવાબદારી મૂકી રહ્યું છે.

દિલ્હીસ્થિતિ જાણીતા વિદ્વાન અને સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક સુધીરચંદ્રએ પ્રસ્તાવનામાં એ મતલબનું લખ્યું છે કે મોદીના ગુજરાતમાં ભાષાનું પણ વિસ્થાપન થઇ ગયું. એટલે સરૂપબહેને હિંદીમાં લખવાની ફરજ પડી છે. આ વિધાન સંદર્ભે ત્રિદીપભાઇએ કહ્યું કે જેમાંથી ન્યાય, પ્રેમ, અનુકંપા, કરૂણા જેવા ગુણ જતા રહે છે એ ભાષા અને સંસ્કૃતિ સાક્ષી બનવા સક્ષમ રહેતાં નથી. તેમણે કહ્યું કે ‘ગુજરાતી ભાષામાં આજે એવું બળ નથી રહ્યું, જે સત્ય ઉચ્ચારી શકે. એટલે પરભાષા- ના, બીજી ભાષામાં- લખવું પડે છે.’ સાક્ષીનું છેલ્લું કર્તવ્ય પુનરુત્થાનનું છે, જે નવી આશા આપે છે.
***
(ગાંધીની) ‘ગુજરાતી ભાષા સાક્ષી બનવા સમર્થ રહી નથી’ એવું ચર્ચાસ્પદ વિધાન ઘણા મિત્રોને નવાઇભર્યું લાગ્યું, પણ બીજા સજ્જ વક્તાઓ બાકી હોવાથી તેની વધુ ચર્ચા થશે એવી અપેક્ષા હતી, જે સાચી પડી.
સુલતાન અહમદ
તેમણે ખાલિસ હિંદીમાં લખેલું પ્રવચન પૂરા ભાવ અને ચડાવઉતાર સાથે વાંચ્યું. આરંભે જ એમણે કહ્યું, ‘પ્રવચન લખીને લાવ્યો છું. જેથી ફરી ન જાઉં.’ આ પુસ્તકનો આશય ચર્ચા છેડવાનો છે, તો તેની શરૂઆત વિમોચન સમારંભથી જ કેમ નહીં! એમ જણાવીને તેમણે કહ્યું, ‘પુસ્તકની સામગ્રી પર પહેલો હક ગુજરાતીનો હોવો જોઇતો હતો. કારણ કે સરૂપબહેન ગુજરાતીમાં વિચારે છે.’

પુસ્તકમાં લખાયેલી વાતોની તેમણે સરસ સમીક્ષા કરતાં કહ્યું કે કેટલાક કિસ્સા ‘બહારનાં ટોળાં આવીને તોફાન કરી જાય છે’ એવા છે, તો કેટલાક કાયમ સાથે રહેનારાઓની બદલાયેલી વર્તણૂકના. ક્યાંક પોલીસ જુલ્મગાર છે, તો ક્યાંક મદદગાર. હિંદુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓને આ પુસ્તકની વાતો નહીં ગમે. કારણ કે તેમાં હિંદુઓએ મુસ્લિમોને મદદ કરી હોય એવા ઘણા પ્રસંગો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓને આ એટલે નહીં ગમે કે પછી આવા હિંદુઓને એ લોકો કાફિર કેવી રીતે ગણાવી શકે? પુસ્તકમાં હિંદુ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ છે, મુસ્લિમ ફિરકાપરસ્તોનો ઉલ્લેખ નથી એમ પણ સુલતાને કહ્યું.
એનજીઓ –સ્વૈચ્છિક સંસ્થાઓ વિશેની તીખી આલોચના પાત્રોના મુખેથી થવા દીધી છે, એનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, ‘આ પુસ્તકના બનાવો વાંચ્યા પછી લાગે કે એનજીઓની ભૂમિકા સંદેહ કે દાયરે સે બિલકુલ પરે નહીં.’
‘ગુડી ગુડી સર્વધર્મસમભાવ’ની પુસ્તકમાં ક્યાંક ટીકા છે, તો ખુદ સરૂપબહેન પણ ક્યાંક એના જોશમાં આવી ગયાં છે, એમ કહીને તેમણે કેટલાંક ઉદાહરણ ટાંક્યાં. સુલતાને કહ્યું, ‘સચ્ચા સેક્યુલરિઝમ ગુડી ગુડી નહીં હોતા, ઇન્કિલાબી હોતા હૈ.’ વિવિધ પાત્રોના ઇન્ટરવ્યુ અંગે તેમણે કહ્યું કે એ વધારે ધારદાર હોવા જોઇતા હતા અને એકના એક મુદ્દે એકથી વધારે વાર વાત થવા જેવી હતી. કારણ કે એક વારની મુલાકાતમાંથી કેટલીક બાબતોની પકડ ન પણ આવે.
રમેશ ર. દવે
સાહિત્યિક-અધ્યાપકીય પરિભાષા અને આ લખાણ કયા સ્વરૂપનું કહેવાય એની વચ્ચે વચ્ચે તળપદાં ઉદાહરણોથી વાત કરી. એમાં રસ પડે એવો સવાલ હતોઃ ‘કમિટમેન્ટ કળાને નડે ખરૂં?’ રમેશભાઇએ કહ્યું, ‘કમિટમેન્ટ ગાય છે ને કળા વાછરડું. ઉછળતું કૂદતું વાછરડું ક્યારેક ગાયની આગળ નીકળી જાય, પણ છેવટે પોષણ માટે તેને ગાય પાસે જ આવવું પડે છે.’ તેમણે કહ્યું, ‘મને આ પુસ્તક સ્પર્શે છે. મૂંઝવે છે કે મને આ કરવાનું કેમ ન સૂઝ્યું? એટલી નિસબત ઓછી. એકલી નિસબતથી પણ કામ થતું નથી. નિર્ભિકતા ન હોય તો નિસબત ઓળપાઇ જાય છે.’
ઘનશ્યામ શાહ
સ્પષ્ટતા, સરળતા અને ઊંડાણનો સમન્વય સાધીને ઘણા મહત્ત્વના મુદ્દા મૂકી આપ્યા. તેમણે કહ્યું કે હું સ્વરૂપચર્ચામાં નહીં પડું. હું આને ‘નેરેટીવ’ કહીશ. સરૂપબહેનનો તટસ્થતાનો દાવો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે હું પીડીતોની સાથે છું. ‘તટસ્થતા જેવું કંઇ હોતું નથી’ એ વાત કરતાં ઘનશ્યામભાઇએ કહ્યું, ‘તમે વિષય પસંદ કરો ત્યાંથી જ તમારાં મૂલ્યો આવતાં હોય છે. ચૂપ રહેવું એ પણ એક સ્ટેન્ડ છે.’
કોમી હિંસા વિશે ગુજરાતીમાં કેમ કંઇ લખાતું નથી, એ વિશે તેમના એક-બે મોટા સાહિત્યકારો સાથેના સંવાદ તેમણે કહ્યા. એક મોટા સાહિત્યકારે કહ્યું, ‘અત્યારે તો વાગોળીએ છીએ. મનન કરીએ છીએ...લખાશે એક દિવસ!’
સિતાંશુ યશશ્ચંદ્રનું નામ લીધા વિના તેમણે કહ્યું, એક મોટા વિદ્વાન અને કવિની બે કવિતાઓ વાંચી હતી. એકમાં એવું હતું કે તોફાન રાજકારણીઓ કરાવે છે. બીજા કાવ્યમાં ઘેટા અને વાઘની વાત હતી અને (તોફાનો પછી) પહેલી વાર ઘેટાને થાય છે કે ‘હવે ખુમારી આવી રહી છે.’ ઘનશ્યામભાઇ કહે, ‘આ દલીલ બહુ જૂની છે. 1969નાં કોમી તોફાનો વખતે પણ આવું જ કહેવાયું હતું, 1981માં, 1985માં, 1992માં અને 2002માં પણ એ જ વાત. ‘હવે ખુમારી આવી રહી છે.’ આ કઇ માનસિકતા કહેવાય? અને આ કોઇ સામાન્ય માણસ નથી. ખૂબ જ વિદ્વાન છે.
તમામ નેરેટીવ પરથી પ્લાનિંગનો પણ ખ્યાલ આવે છે. કોમી તોફાનોમાં પ્લાનિંગની વાત થાય, એટલે બચાવપક્ષ લગભગ છાપેલું ટાઇમટેબલ માગવાની મુદ્રામાં આવે છે. ‘કાં ટાઇમટેબલ બતાવો, કાં આરોપ પાછો ખેંચો.’ પણ ઘનશ્યામભાઇએ કહ્યું કે પ્લાનિંગનો અર્થ લાંબા ગાળાનો છે. જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, ત્રિશૂળો વહેંચાતાં હતાં.. એની વાત છે.
તેમણે કહ્યું, ‘સીટીઝન્સ કમિટી સમક્ષ ઓછામાં ઓછાં બે નિવેદન એવાં હતાં કે મિલીટ્રીવાળાએ અમદાવાદમાં આવીને ટ્રેનિંગ આપી હતી.’ એ વખતે આ વાત બહુ ધ્યાન પર ન લીધી હતી, પણ માલેગાંવના વિસ્ફોટની વાત આવી ત્યારે અચાનક બત્તી થઇ અને એ નિવેદનો યાદ આવ્યાં...
પ્લાનિંગ વિશેની ગેરસમજણની જેમ ન્યાયના આગ્રહ વિશે પણ ઘણી ગેરસમજ ફેલાવવામાં આવે છે. એ વિશે તેમણે કહ્યું, ‘ન્યાયની વાત વેરની વાત નથી.’ બધા ભૂલી જવાની સલાહો આપે છે. યાદ રાખવાનો અર્થ રીપીટ કરવું એવો નથી. ફક્ત મૂલ્યો, ઉપદેશ, પ્રતિજ્ઞાઓ કરાવીએ અને આર્થિક-સામાજિક કારણોની ઉપેક્ષા કરીએ તો કદી સફળતા મળવાની નથી.
આપણે ત્યાં હકની વાત નહીં, ફરજની વાત કરો. ફરજ સાથે સરસ શબ્દ સાંકળી દીધો છેઃ ધર્મ. સંડાસ સાફ કરવાં એ પણ ‘ધર્મ’ (મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ‘જાજરૂની સફાઇ આધ્યાત્મિક કામ છે.’ આ બોલાયેલું નહીં, છપાયેલું છે) મડદાં ઉપાડવાં એ પણ ધર્મ છે. કોઇ હક માગે તે આપણાથી સહન થતું નથી. ઘરમાં કામવાળીને આપણે રૂપિયા વધારી આપીએ તો ઠીક, પણ એ સામેથી માગે તો આપણો પિત્તો છટકે અને કહીએ, ‘તુ માગનાર કોણ?’
‘તુ માગનાર કોણ?’ એ વલણ લઘુમતિઓ પ્રત્યે પણ લાગુ પડે છે. ‘તમને અહીં રહેવા દીધા છે એટલું ઓછું છે? હક માગવાની શી જરૂર? છે એટલું ઓછું છે?’ એવો ભાવ તેમાં હોય છે.
સરૂપબહેને પોતાની વાતમાં ન્યાયતંત્ર અને લોકશાહી વિશે નિરાશા વ્યક્ત કરી હતી. ‘એ અડધી સાચી છે, પણ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોત અને તેમાં લોકશાહી ન હોત તો?’ એવો સવાલ ઘનશ્યામભાઇએ મૂક્યો. ‘આપણો વોઇસ, આપણી સ્પેસ ઓછી છે. જે છે તે નિરાશાથી ભરપૂર છે. પણ એ છોડીને જઇશું તો ક્યાં જઇશું?’ ‘ભાષાના વિસ્થાપન’ સંબંધે એમણે કહ્યું, ‘આપણને કોઇ (આપણી જગ્યા પરથી) ધક્કા મારીને કાઢી મુકે તો આપણે સ્વીકારી લઇશું? આ સરૂપબહેનની વાત નથી. ઘણી વાર અંગ્રેજીમાં લખીએ ત્યારે અમારે પણ આ સવાલ થાય છે. એ જુદી વાત છે. પણ આપણી ભાષામાં એવું સત્વ નથી એ હું સ્વીકારતો નથી. આપણે કોના માટે લખવાનું છે? ઉમ્મીદ આપણે અહીં જ ઉભી કરવાની છે.’
***
પુસ્તકની ભાષા અને ભાષાના વિસ્થાપન વિશે સુલતાન અહમદ અને ઘનશ્યામભાઇની ટીપ્પણીઓ પછી હીરેનભાઇએ ઉગ્રતાપૂર્વક વિસ્થાપનના મુદ્દાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે અમારી ફરિયાદ ફક્ત સરકાર સામે નહીં, સીવીલ સોસાયટી સામે પણ છે. એમ કહીને તેમણે બે પુસ્તકોનાં ઉદાહરણ આપ્યાં, જે થોડાં વર્ષ પહેલાં છાપેલાં અને એનજીઓના કામનાં હતાં. પણ એ બધાંનાં બંડલેબંડલ તેમના માળીયામાં પડ્યાં છે. એ કોઇએ ખરીદ્યાં પણ નથી ને કોઇએ એનું વિવેચન પણ નથી કર્યું. હવે અમે લખીએ છીએ પણ હિંદીમાં ને નાટકો પણ હિંદીમાં કરીએ છીએ. ભલે ગુજરાત નહીં સાંભળે, દેશભરમાં ફરીએ છીએ.
***
હીરેનભાઇની બળતરા અને લાગણી સાચી હોવા છતાં, એ ફક્ત એમની નથી. ગુજરાતીમાં લખનારા મોટા ભાગના લોકોની છે. એને ‘મોદીરાજમાં ભાષાના વિસ્થાપન’ની હદે લઇ જવામાં પ્રમાણનો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. હિંદી-અંગ્રેજીમાં લખાય એનો વાંધો નથી. વાંધો શા માટે? આનંદ છે. પણ ગુજરાતીના ભોગે બીજી ભાષામાં લખાય એ દુઃખદ નથી લાગતું? સરૂપબહેનને પણ ગુજરાતીમાં દિલ ઠાલવવાનું વધારે ન ગમ્યું હોત?
રહી વાત પુસ્તકોની. સંસ્થાઓના આર્થિક સહયોગથી ‘પ્રોજેક્ટ’ તરીકે એ કામ કરવાનું થાય છે, એનાથી (પુસ્તક તૈયાર કરવાનો) મોટા ભાગનો સંઘર્ષ સહ્ય બનતો નથી? પુસ્તક ન વેચાય, પડી રહે તેની પીડા જુદા પ્રકારની છે. એનાં કારણો પણ જુદાં છે.
ગુજરાતીમાં આખી જિંદગી લખ્યા પછી ખાસકંઇ વળતર ન મળ્યું હોય, એવા લેખકો આપણે ત્યાં હતા અને છે. એમાંથી ઘણાખરાને તો સરૂપબહેનની જેમ હિંદી પણ નથી આવડતું કે ‘ઓક્સફામ’નો સહયોગ પણ નથી. એ બધા શું કરતા હશે? એમણે શું કરવું જોઇએ?
સ્વૈચ્છિક સંસ્થાઓનાં પુસ્તકો અંદરોઅંદર ખપતાં નથી, તેમાં વધારે ઊંડાં- ખરૂં જોતાં વધારે છીછરાં- કારણો જવાબદાર છે. બાકી, ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી સંખ્યામાં છે કે દરેક સંસ્થા એક-એક નકલ ખરીદે તો પુસ્તકની બીજી આવૃત્તિ કરવી પડે.
-પણ રજવાડાં કદી આપમેળે, સમજીને એક થતાં જાણ્યાં છે?

1 comment:

  1. The poet was not Sitanshu Maheta but Chandrakant Topiwala.
    errror of judgement regreted.
    urvish

    ReplyDelete